February 6, 2014

લોકપ્રિય નવલકથાકાર અને વાચક : છાતીની અંદર કેટલા તૂટવું પડે છે?

લોકપ્રિય શબ્દ ગુજરાતી ભાષામાં વપરાય છે. અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ વપરાય છે અને એનો એક જ અર્થ છે: લોકોએ સ્વીકાર્યું છે એ. લોકોને પ્રિય છે એ. લોકોની હમદર્દીથી આશિકી સુધીનું પ્રેમધનુષ્ય જેના પર ફેલાઈ ગયું છે એ. લોકપ્રિયતા મનુષ્યની ખુશકિસ્મતીનું શીર્ષબિંદુ છે. પ્રેમ અને લેખનના વિશ્વમાં એકની સંખ્યા નથી, જીવનની ગણતરીની શરૂઆત બેથી થાય છે. પ્રેમ અને લેખનમાં બે જોઈએ. લેખનમાં લેખક નામનો શબ્દ પણ, પહેલાં સૂર્યકિરણો ખીણમાં પડે અને વાદળાં ખીણમાંથી ઊઠતાં જાય એમ, વાચકની આંખો પડે ત્યારે જ જન્મે છે. એકલો એકલો લખનારો માણસ લેખક નથી, વાચક એને લેખક બનાવે છે. ઘરના અરીસા સામે અભિનય કરનારી સ્ત્રી અભિનેત્રી નથી, જ્યારે અન્ય આંખો સામે અભિનય થાય છે ત્યારે અભિનેત્રી જન્મે છે. શિસ્ત, બંદિશ, મર્યાદાનો ઘેરો, સીમાબદ્ધતા, ગુણવત્તાનો પરિઘ...ઘણીબધી વસ્તુઓની અંદર રહીને જ કેટલીક વ્યાખ્યાઓ બંધાતી હોય છે. ટેનિસની રમત ગમે ત્યાં, ગમે ત્યારે રેકેટથી બૉલને હિટ કર્યા કરો એને કહેતા નથી. પણ સફેદ ખાનાઓમાં, કાયદેસર ઊભા રહીને, નિયમ પ્રમાણે અને વિરોધીની સામે અને પ્રેક્ષકોની સમક્ષ રમો ત્યારે ટેનિસ બનતી હોય છે.
 
પણ ગુજરાતી નવલકથાજગત રમૂજી છે. તમે નૃત્ય કરો, ભંગિમાઓ કરો, હતાશામાં નિર્વસ્ત્ર થઈને નાચ્યા કરો પણ કોઈ તમને જુએ નહીં માટે ગુજરાતી કથાવિવેચકોના મતે તમે સર્વશ્રેષ્ઠ છો. ગુજરાતી નવલકથાના વિવેચકો જગતના સૌથી બેરોજગાર અને બુદ્ધિરેખા નીચે જીવતાં પ્રાણીઓ છે. માટે દયાપાત્ર, ક્ષમાપાત્ર, સહાનુભૂતિપાત્ર છે. પણ તમે જો લોકપ્રિય નવલકથાકાર હો તો તમે કનિષ્ઠ છો એ સમીકરણ ગુજરાતી સાહિત્યમાં એક પેઢી પહેલાં કોઈએ ગોઠવી દીધું હતું અને હજી એનું આશ્ચર્ય છે. લોકપ્રિય એટલે સસ્તું, ચીપ, ગુદગુદી કરાવનારું ગુલશન નન્દા-બ્રાન્ડ, ચાલુ... આવા બધા અર્થો વખત-બેવખત સ્વ-સ્થાપિત હિતો કરતા રહ્યા છે. પ્રશ્ન એમની બુદ્ધિનો નથી, કારણ કે જે નથી એની ચર્ચા હોઈ શકે નહીં, પણ પ્રશ્ન આ વિધાનો પાછળના દુરાશયનો છે. કવિઓ, વિવેચકો, અર્ધપુરુષો, દોઢવિદ્વાનો બધા જ લોકપ્રિય નવલકથા લખવા માટે મેદાનમાં ઊતર્યા છે. હાથપગ છોલાઈ ગયા પછી ખૂણાઓમાં ઊભા રહીને એ ઘાવોને ચાટતા નજર આવી રહ્યા છે. 

નવલકથાને લોકપ્રિય વિશેષણના ટેકાની જરૂર જ હોતી નથી. નવલકથા લોકપ્રિય કે સાહિત્યિક એમ બે પ્રકારની નથી. નવલકથાના બે પ્રકારો સ્પષ્ટ છે: ઈમાનદાર નવલકથા અને બેઈમાન નવલકથા! નવલકથા શબ્દ જ લોકપ્રિયતાના ફલસ્વરૂપ પ્રકટે છે. લોકો વાંચે માટે લેખક નવલકથા લખે છે. અહીં એક આરોપ મુકાય છે: તમે સસ્તું લખો છો કે જેથી લોકોને ગુદગુદી થયા કરે, લોકો વાંચ્યા કરે અને તમે લોકપ્રિય બનો. માટે તમે સેક્સી લખો છો... 

સેક્સી લેખનનું એક 'ટાર્ગેટ ઓડિયન્સ' હોય છે. એ એક નિર્ધારિત અલ્પવર્ગ છે, જે નવલકથા પરિવારમાં જાય છે. ચૌદ વર્ષની પુત્રીથી એના કરતાં છગણી ઉંમરના ચોર્યાસી વર્ષના દાદા સુધીની ચાર કે પાંચ પારિવારિક પેઢીઓની સામે, એક જ દિવસે, એક જ સમયે, એક જ રવિવારે, ધારાવાહિક સ્વરૂપે પ્રસ્તુત થાય છે એના લેખકને માટે સેક્સી લખવું આત્મઘાતક છે. મારી ઈચ્છા હોય તો પણ હું સેક્સી ન લખી શકું, કારણ કે મારું ટાર્ગેટ ઓડિયન્સ ચૌદથી ચોર્યાસી વર્ષના ગુજરાતી વાચકનું છે. એ વાચકમાં રુચિભેદ, વિચારભેદ, દ્રષ્ટિભેદ, મતભેદ એક અડધી કે પોણી સદીનો છે. મૂર્ખ લેખક જ આવા અપક્વથી પરિપક્વ સુધીના ચાહક વર્ગને સેક્સ કે ગુદગુદી કે સસ્તા ગદ્યથી ઘૂંટી નાખે! બીજી વાત: સેક્સી લખવું બહુ સહેલું હોય છે માટે જ ફૂટપાથો પર દરેક ભાષામાં એ ચોપાનિયાની ભરમાર છે. પણ સામાજિક લખવું સૌથી અઘરું છે. એમાં સમગ્ર માણસની વાત કહેવાની છે, એના દેશકાળની, એના સંદર્ભની, એની વ્યથા-ખુશીની વાત કહેવાની છે. જગતભરનાં સાહિત્યોમાં લોકપ્રિય નવલકથાસમ્રાટોએ પોતાના સમયની વાત કરી છે અને તત્કાલીન માનવીય સુખદુ:ખની વાત કરી છે. માટે જ અમર થઈ ગયા છે અને 'લોકપ્રિય' રહ્યા છે! સસ્તી વાત લખવાથી લોકપ્રિય થવાય છે એવું હું માનતો નથી. પ્રજાના એકાદ વર્ગમાં કદાચ કામચલાઉ પ્રિય થવાતું હશે પણ સમસ્ત પ્રજાના સર્વપ્રિય નવલકથાકાર બનાતું નથી. એ કામચલાઉ વર્ગ પણ તરત જ વધારે ગંભીર અથવા વધારે સસ્તુ માગવાનો છે અને સસ્તા લોકપ્રિય લેખકના પગ નીચેથી ધરતી ખસી જાય છે. ભવિષ્યની દ્રષ્ટિએ પણ સસ્તું સસ્તું લખ્યા કરવું નવલકથાકાર માટે આત્મઘાતક છે. લોકપ્રિયતાનો માપદંડ મારે માટે તદ્દન સ્પષ્ટ છે. વાચકની વેદના કે ખુશી વાચક જ્યારે તમારા શબ્દોમાંથી સૂંઘી શકે છે, વાચકને પોતાની મૃત બહેન કે વિકલાંગ સંતાન તમારા લેખનમાંથી દેખાવા માંડે, વાચક જે સ્વાનુભવ કે ઉલ્લાસ કે આનંદ કે હતાશા કે રોષ વ્યક્ત કરી શકતો નથી એ તમારાં વાક્યોમાંથી એને મળી જાય તો એ નવલકથા લોકપ્રિય બને છે એવું મારું સાફ માનવું છે. લોકપ્રિય નવલકથા શી વસ્તુ છે? સિતારના એક તારને તમે તમારી આંગળી પર ચડાવેલા મિજરાબથી ઝણઝણાવી નાખો છો, એમાંથી વેદનાની ચીસ પ્રકટાવી શકો છો અને બાજુના ચાર તારોમાં એ ઝંકારના સ્પંદનો ફેલાય છે, એ શાંત તારો પણ ઝંકૃત થઈ ઊઠે છે. ઝંકૃત વાચકના શાંત ઝંકારમાંથી નવલકથાકારની લોકપ્રિયતા જન્મે છે. અંગ્રેજીમાં એક શબ્દ છે: આઈડેન્ટિટી, અથવા સ્વત્વ. વાચકને એના સ્વત્વનો અહસાસ થઈ જાય છે...ત્યારે લોકપ્રિય નવલકથાકાર ટેલિફોનના એક વાયરનું જ કામ કરતો હોય છે. એ ટેલિફોન વાયર વાચકના અસ્તિત્વનાં બે બિંદુઓ વચ્ચે ક્યાંક થોડું સંધાન કરી આપી શકે તો એ એનું સૌભાગ્ય છે... નવલકથાકારની લોકપ્રિયતા એક સસ્તો સ્વાંગ નથી, ધડકનોનો એક સેતુ બનતો હોય છે... 


નવલકથાના ગુજરાતી વિવેચકોએ એમની નિરક્ષરતાનું ધોરણ વર્ષો પછી જાળવી રાખ્યું છે જે કાબિલે-દાદ છે. પરિવર્તનશીલ આ વિશ્વમાં કુંભકર્ણીય અભાનાવસ્થા પુણ્યશાળીઓને જ મળે છે. પણ લેખક અને વાચક વચ્ચે હવે સીધો મૌનસંવાદ છે માટે વચ્ચે દલાલો કે આડતિયાઓની જરૂર રહેતી નથી. લોકપ્રિય નવલકથાકાર છે અને એનો સર્વપ્રિય વાચક છે. 

અને લોકપ્રિય નવલકથાકાર થવું એટલું સહેલું પણ નથી. લોકોની ચાહના મેળવવી અઘરું કામ છે અને વર્ષો સુધી, દર્શકો સુધી, એ ચાહના ટકાવી રાખવી, બલવત્તર બનાવવી એ વધારે અઘરું કામ છે. જ્યારે જ્યારે 'લોકપ્રિય નવલકથાકાર' શબ્દો વિશે હું વિચારું છું ત્યારે મારી આંખોમાંથી એક પ્રસંગ ક્યારેય ખસતો નથી. લેનિનગ્રાદમાં એલેક્સાન્ડર નેવ્સ્કી નામનું ભૂગર્ભ સ્ટેશન છે. એની બહાર એક દરવાજો છે. એ દરવાજાની અંદર એક સફેદ ધોળાવેલું ચર્ચ અને લાવ્રા (વિહાર) છે અને બે તરફ બે વિરાટ કબ્રસ્તાનો છે, જે નેક્રોપોલિસ કહેવાય છે, એક તરફ અઢારમી સદીના શાસકો, પૈસાદારો, સત્તાધીશો, મંત્રીઓની બહુ જ સરસ કંડારેલી, સુશોભિત કબરો છે. બીજી તરફ નાની નાની કબરોમાં જનકલાકારોને દફન કરવામાં આવ્યા છે. 


એક સમાધિ પર લખ્યું છે : સમાધિ, ફિયોદોર દોસ્તોએવ્સ્કી, લેખકની...1821થી 1881. મૃત્યુ પછી લોકોએ ફાળો કરીને આ સામાન્ય સમાધિ બનાવી હતી...એવું રશિયન ભાષામાં પથ્થર પર ખોદેલું છે. દોસ્તોએવ્સ્કી જગતના સૌથી મહાન નવલકથાકારોમાં સ્થાન પામે છે. એ જગતભરમાં અને રશિયામાં અત્યંત લોકપ્રિય હતા અને છે. 

એ સમાધિ પર આવીને અનામ રશિયન સ્ત્રીપુરુષો એમના લોકપ્રિય નવલકથાકારની યાદમાં ફૂલોનો દસ્તો મૂકી જતા હતા. ત્રણ ફૂલોનો ગુચ્છ (કિંમત અઢી રૂબલ એટલે લગભગ ચાળીસ રૂપિયા!) એ માણસની સમાધિ પર, જે 105 વર્ષો પહેલાં મરી ગયો હતો, જેને એમણે જોયો પણ ન હતો, જેની સમાધિ સામે એ લોકો ચર્ચમાં ઊભા હોય એવી મુદ્રામાં હાથ ભીડીને એક મિનિટ ઊભા રહી જતા હતા. અને ચૂપચાપ ચાલ્યા જતા હતા. દોસ્તોએવ્સ્કીની સમાધિની લોખંડની 105 વર્ષ જૂની રેઈલિંગ પકડીને એ પથ્થરનાં પગથિયાંઓ પર બેસીને મેં મારી જાતને પૂછ્યું: લોકપ્રિય નવલકથાકાર શું છે? માણસ શા માટે કલમકશ બને છે? આંગળીઓ વળી જાય છે અને આંખો બળી જાય ત્યાં સુધી માણસ શા માટે લખતો રહે છે? સર્જનના એક બુંદને ટપકવા માટે નવલકથાકારને છાતીની અંદર કેટલાં તૂટવું પડે છે? ઘઉંના એક દાણાને ધરતીમાં દટાઈને, સડીને, મરીને, બીજા સેંકડો દાણા જન્માવવા માટે કેટલું બધું જીવવું પડે છે? એક ફિયોદોર દોસ્તોએવ્સ્કી બનવા માટે કેટલી વાર મરવું પડે છે? 

લોકપ્રિય નવલકથાકારને શાસકો ખરીદવા માટે પ્રલોભનો આપે છે, જ્યાં એ વેચાતો નથી ત્યાં શાસકો રાક્ષસી શાસ્તિઓ (સજાઓ) ફટકારે છે. એક માર્ગ ઈનામો અને ઈલકાબોનો છે. બીજો માર્ગ જેલનો અને પ્રતિબંધનો છે. લેખકોએ દેશ છોડી દીધા છે. જગત સાહિત્ય તૂટેલા નવલકથાકારોની આહોથી કરાહતું રહ્યું છે. બીજી તરફ મફત હવાઈ જહાજ પ્રવાસો છે, પંચતારક હોટેલોમાં સ્વાગત-સરભરા છે અને લોકપ્રિય લેખકે ક્યાંક અશોકવનમાં બંદી સીતાનો રોલ ભજવવો પડે છે. હવે તો પત્રકારોને પેન્શનો આપીને એમની કલમને ગિરમીટિયા બોન્ડેડ-લેબરના ઓજારની જેમ જીવનભર માટે ગુલામ કરી મૂકવાની સાઝિશ પણ શબ્દબજારમાં આવી ગઈ છે. લોકપ્રિયતા જ હવે નવલકથાકારને સ્વમાનથી જિવાડે છે. વાચક નવલકથાકારનો અન્નદાતા બને એમાં જ લેખિત શબ્દની ગરિમા છે... 

અને લોકપ્રિય થવા માટે લોકોની ભાષામાં, લોકોના હર્ષ અને ગ્લાનિની ભાષામાં લખવું પડે છે. લોકો સમજે એ ભાષામાં લખવું પડે છે. કલા જ નહીં, વિજ્ઞાનમાં પણ આ જ સિદ્ધાંત ચાલે છે. મહાન ગેલિલિયોએ લૅટિનમાં નહીં પણ ઈટાલીઅન જનભાષામાં લખ્યું માટે ધર્મગુરુઓ ક્રોધિત થઈ ગયા હતા. સામાન્ય શિક્ષિત નાગરિકોની ભાષામાં વૈજ્ઞાનિક ટોમસ હક્સલી અને નૃવંશશાસ્ત્રી પીટર મેડાવરે લખ્યું. એમનો તર્ક હતો: મહાન વૈજ્ઞાનિકો લોકો સમજે એ ભાષામાં લખે છે! ગણિતના દરેક પુસ્તકમાં વિશ્વભરમાં 'સિમ્પ્લિફિકેશન' વિષે પ્રકરણો હોય છે. 'કોમ્પ્લિકેશન' વિષે પ્રકરણ નથી...! નવલકથા હોય અને ન સમજાય, ન વંચાય, લોકોને પ્રિય ન હોય એવી પણ હોઈ શકે? 

(સમકાલીન : એપ્રિલ 24, 1988) 

(વિવિધા-1)