August 26, 2014

કારણ કે એ દિવસોમાં વિવેચકો ન હતા!

હિન્દીના એક વરિષ્ઠ પત્રકારે હિન્દી અને ગુજરાતી લેખકોનો ફર્ક સમજાવ્યો. હિન્દીના લેખકો વિવેચકો માટે લખે છે, ગુજરાતીના લેખકો વાચકો માટે લખે છે. હિન્દીના લેખકોની મનોવૃત્તિ, સરકારી અને ગૈરસરકારી સંસ્થાનો, પ્રતિષ્ઠાનોની નઝર-એ-ઈનાયત હાંસિલ કરવાની હોય છે, ગુજરાતી લેખકોની નજર દિલ્હી તરફ હોતી નથી. થોડાઘણા અમદાવાદી લેખકો ગાંધીનગર તરફ મોઢું કરીને બેઠા હોય છે, જે રીતે ઊંટ મારવાડ તરફ મોઢું કરીને બેઠું હોય છે. પણ લેખકોમાં જે તેજસ્વી અને લોકપ્રિય છે એમને સરકારની સામંતી સખાવતો સાથે કોઈ સરોકાર નથી. હિન્દીમાં આલોચક કે વિવેચક સાહિત્યનો માંધાતા બની જાય છે અને કોણ મહાન છે અને કોણ મહાન નથી એ આ વિવેચકો નક્કી કરે છે.

ગુજરાતીમાં વિવેચકની શું ઔકાત છે? વિવેચન ગુજરાતી સાહિત્યની સૌથી નિષ્ફળ વિદ્યા છે. 1950માં મેં પ્રથમ વાર્તા લખી અને 2003માં મારું 169મું પુસ્તક પ્રગટ થાય છે ત્યાં સુધી કોઈ વિવેચકે મારી તારીફ કરી હોય એવું યાદ નથી. મેં એમને માટે 'અભણ વિવેચક' શબ્દો વાપર્યા હતા. ગુજરાતી વિવેચકોની આ ત્રીજી-ચોથી પેઢી હું કોઈ રહ્યું છું. પહેલાં ઘૃણા હતી હવે મારી દયાને કાબિલ પણ એ રહ્યા નથી. વિવેચકોને હું દશકોથી શબ્દચાબુકો ફટકારતો રહ્યો છું કારણ કે એ નકારાત્મક, દકિયાનૂસી, વિરોધક રહ્યા છે. વિવેચકને માતૃભાષા હોતી નથી, ગુજરાતી વિવેચક ફક્ત પરિભાષા જ જાણે છે અને લેખકના ઘુટનની વાત માત્ર માતૃભાષામાં જ થઈ શકે છે. વિવેચકો વિશે મારા કેટલાક પ્રતિભાવો અને કૌંસમાં એ પ્રતિભાવનું વર્ષ:

ગુજરાતી વિવેચન એ કૂતરાના શરીર જેવું છે. કૂતરાને ગમે તેટલી વાર ધુઓ, એના શરીરમાંથી એવી જ વાસ આવ્યા કરતી હોય છે. ગુજરાતી વિવેચનમાંથી હજી પેલી વાસ છૂટતી નથી (1966). મારે માટે મારી કૃતિનું વિવેચન વપરાયેલા સેનિટરી ટોવેલથી વિશેષ નથી (1967). તમે અન્યાય થયેલા બાળકના આંસુની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માંગો છો, રેસિપી બુકમાં માની રોટલીની મીઠાશ શોધી રહ્યા છો, ઔરતની છાતીના દૂધના બજારભાવ કાઢી રહ્યા છો, મશીનોથી કરોળિયાનાં જાળાં ગૂંથવાની કોશિશ કરો છો (1967). પ્રશંસા કરવી એ નાના માણસનું કામ નથી. એમાં છાતી જોઈએ છે અને ખેલદિલી (1969). આપણા વિવેચકો ચામાચીડિયાની જેમ ઊંધા લટકીને પરિપ્રેક્ષ્યની વાતો કરે છે (1970). મારી છાતીના ધબકારા સમજવા માટે તમારે સ્ટેથોસ્કોપ વાપરવું પડશે, માઈક્રોસ્કોપ મૂકીને જોવાથી નહીં સમજાય. એનાથી તમને ફક્ત મારાં છિદ્રો વધુ મોટાં દેખાશે (1972). ખુદ ઉમાશંકર જોશીનો પણ અંગૂઠો જિંદગીભર ધાવ્યા કરવાથી ગુજરાતી સાહિત્યમાં સ્થાન નહીં મળે. લખવું પડશે. સારું લખવું પડશે. સારું લખ્યા કરવું પડશે (1970). જે સાહિત્યમાં કલાકારની છાતીના વાળ બનાવટી હશે ત્યાં નાન્યેતર લેખકો પેદા થવાના, નપુંસકલિંગના ભક્ત વિવેચકો ફૂટી નીકળવાના, મિસ્ત્રીનો અને શિલ્પીનો ફર્ક અદ્રશ્ય થઈ જવાનો. વ્યાકરણના રેસા ચૂંથનારાઓએ શોધવું પડશે કે કલા કઈ ખાકે-જમીન ફાડીને પ્રકટે છે. એક્ઝિસ્ટેનશીએલિઝમ એ લાઈબ્રેરીની ગૂંગળામણ નથી, એ સડકોનો શ્વાસ છે. ખાબોચિયામાં પોતાની બદસૂરતી જોઈને પ્યારમાં પડી જનારા નારસીસસોની ખોટ છે આપણે ત્યાં? હતી કોઈ દિવસ? (1977)

પચાસ વર્ષોમાં જે પૂરાં પાંચ પુસ્તકો લખી શક્યા નથી એવા એક ગુજરાતી 'યુગકવિ'એ હમણાં વિધાન કર્યું કે સશક્ત વિવેચન ન હોય તો ઉત્તમ સર્જન શક્ય નથી! આના સંદર્ભમાં ઓસ્કાર વાઈલ્ડનું એક નાટક 'ધ ક્રિટિક એઝ આર્ટિસ્ટ' યાદ આવે છે. બે પાત્રો અર્નેસ્ટ અને ગિલ્બર્ટ ચર્ચા કરી રહ્યા છે. પ્રાચીન ગ્રીસમાં અઢી હજાર વર્ષ પહેલાં જે અદ્યતન કલાઓ, નાટકો, ચિત્રો, શિલ્પો, સ્થાપત્યો પ્રગટ્યાં એવાં જગતે પછી જોયાં નથી. એમાંથી જગતભરની કલાઓ વિકસતી ગઈ. આ જબરદસ્ત કલાવિસ્ફોટ થવાનું કારણ શું? ગિલ્બર્ટ પૂછે છે! અને અર્નેસ્ટ શાંતિથી ઉત્તર આપે છે. એ દિવસોમાં વિવેચકો ન હતા, માટે...!

1975માં મેં વિવેચકોને ઉદ્દેશીને એક કવિતા લખી હતી, એમાંથી કેટલાક અંશ:

મારો આત્મા તોળવા બેઠેલા વિવેચકો
હું મારી એકલી ચામડીમાં જીવી લઉં છું
પાનાંઓ પર મેં મારો અવાજ ખોદી લીધો છે
વંદાની મૂછ જેવી ફરફરતી તમારી કલમ
મારી વેદનાનું સ્થાપત્ય સમજશે?

આંસુઓને ઓળખતો નથી
રડવું ગયા જન્મથી ભૂલી ગયો છું
પણ તમારી ઈર્ષ્યાને
આવતા ભવમાં પણ ઓળખી લઈશ
તમે લાંબુ જીવો...!

એમની જાડી બેઈમાની
જોઈ શકતી એક જ આંખના ખૂણા પર જામી ગઈ છે
મારી નાડી પારખવા નીકળેલી એમની આંગળીઓ
મારા ધબકારાઓએ મારેલા કરંટમાં
ખલાસ થઈ ગઈ છે.
બા-હોશ માણસો બે-હોશ થઈ રહ્યા છે અને ગરોળીનાં સંતાનો, ઝડેલા કાકાકૌઆની ઔલાદો
રૂંઆદાર ટાલિયાં ખચ્ચરો, ગીધડાંઓ
મારી ભાષાને સૂંઘનારા ખસ્સી બળદો
...બળવાની વાસ આવે છે?...

આ કવિતાનું શીર્ષક છે: 'વિવેચકોને...'

વિવેચક શબ્દ સરસ છે, ર્વિવચ્, એટલે કે વિવેકથી કરવું. વિચ્ એટલે વિભક્ત કરવું, અલગ કરવું, વિભેદ કરવો. વિવેચન સાથે સંકળાયેલા ઘણા શબ્દો સંસ્કૃતની સાથે ગુજરાતીમાં પણ છે. વિવરણ એટલે અનાવૃત્ત કરવું, ખુલ્લું કરવું, વિવેકજ્ઞ જેવો પણ એક શબ્દ છે. આપણે ત્યાં વિવેચક એ વિવેકજ્ઞ બન્યો નથી, પણ સાહિત્યના મેદાનમાં ચણી ખાતો 'વિવેચિકન' બની ગયો છે. જે દાણા નાંખે છે એના પક્ષમાં કર્રકર્ર... કરતા રહેવું એનો ધર્મ છે. વિવેચનથી જરા હટીને શબ્દ છે: અવલોકન. અવ એટલે દૂર, જરા અંતર રાખીને. લોકનમ્ એટલે જોવું, દર્શન કરવું. સિંહ મોઢું ફેરવીને પાછળ જુએ એ સિંહાવલોકન અને આકાશમાં વિહંગ એટલે કે પક્ષી ઉપરથી ક્ષિતિજ સુધી જુએ એ વિહંગાવલોકન કહેવાય છે. ગુજરાતી વિવેચક ઝાડ પર ચડીને, પૂંછડી લટકાવીને, ઉપરથી નીચે જોયા કરે છે એને લંગુરાવલોકન કહેવાય છે.

સમર્થ લેખક કોઈ વિવેચકનો મોહતાજ હોતો નથી અને કમથી કમ, ગુજરાતી ભાષામાં એવા લેખકો જરૂર છે, બહુ ઓછા છે, પણ જરૂર છે જેમણે વિવેચનની પરવા કરી નથી. સંસ્કૃતમાં એક પ્રસિદ્ધ શ્લોક છે જેનો ભાવાર્થ આવો છે: ગાયને લાકડી મારો પણ એ દૂધ આપે છે, સાપને દૂધ આપો અને એ દંશ મારે છે. લેખકનો ધર્મ છે દૂધ આપવાનો અને વિવેચકની દાનત છે દંશ મારવાની. 18મે વર્ષે પણ મને વિવેચનોની ચિંતા હતી નહીં અને 81મે વર્ષે પણ હશે નહીં. દરમિયાન ગુજરાતી વિવેચકોની ચાર પેઢીઓ મારું લેખન વાંચીને ડ્રાંઉં.. ડ્રાંઉં... કરતા શીખી છે એ ખુશીની વાત છે. ગુજરાતી વિવેચનસાહિત્યમાં એ મારું વિનમ્ર યોગદાન છે.

ક્લૉઝ અપ:

હું અંકગણિતમાંથી એલ્જિબ્રામાં અને એલ્જિબ્રામાંથી એપ્લાઈડ મેથેમેટિક્સ સુધી પહોંચી ગયો છું, પણ વિવેચકો હજી બેઠાબેઠા મારી અંકગણિતની ભૂલો શોધ્યા કરે છે.
                                                                                                               - અર્નેસ્ટ હેમિંગ્વે
(દિવ્ય ભાસ્કર: ઑક્ટોબર 12, 2003)

('શબ્દપર્વ'માંથી)

August 25, 2014

નાટક અને ગુજરાતી ચેટક

નાટક શબ્દ આપણા જૂનામાં જૂના શબ્દોમાંનો એક છે. સંસ્કૃત નાટકની સાથે સાથે જ કાલિદાસ અને ભવભૂતિ અને માઘ જેવાં નામો તરત યાદ આવી જાય છે. બીજાં ડઝનો નામોની સાથે સાથે. વિશ્વભરમાં નાટકની પરંપરા રહી છે. ગુજરાતીમાં નાટક શબ્દ ઘણી બધી પ્રવૃત્તિઓ માટે વપરાતો રહે છે. શેક્સપિયરનાં નાટકો એ ટ્રેજેડી, કૉમેડી અને હિસ્ટોરિકલ્સ એમ ત્રણ શાખાઓમાં નાટ્યવિદો વહેંચી લે છે. અમેરિકનોએ એક નવી વસ્તુ આપી: મ્યુઝિકલ્સ! આમાં સંગીતપ્રધાન અભિનય સિવાય બર્લેસ્ક્યૂ નામનો અંગ્રપ્રદર્શનનો ખેલ પણ હોઈ શકે છે. આપણા દેશમાં લગભગ દરેક પ્રદેશની પોતાની નાટક પરંપરા હતી, ગુજરાતની ભવાઈથી બંગાળની જાત્રા અને ઉત્તરની નૌટંકી સુધી. અત્યારે મુંબઈમાં ગુજરાતી નાટ્યપરંપરા બે હિસ્સાઓમાં વિભાજિત થઈ ગઈ છે: નાટકો બહુ ઓછાં આવે છે, અને ચેટકોની ભરમાર છે, ભીડ થઈ ગઈ છે. થોડાં ચેટકો જે અત્યારે માર્ચ 2004માં મુંબઈમાં ચાલી રહ્યાં છે, એમનાં નામો: હાયલા, રમીલા પાછી આવી....પતિ થયો એ પતી ગયો...આપણું તો બધું પ્રાઈવેટ લિમિટેડ (છેલ્લા બે શબ્દો અંગ્રેજી લિપિમાં)...લોચો માર્યો શેઠિયા...બાપુ, તમે કમાલ કરી...અમે લઈ ગયા, તમે રહી ગયા! થોડાં ડૂસકાં, થોડા ટુચકા, થોડા દ્વિઅર્થી વન-લાઈનર્સનું મિશ્રણ હલાવીને ઉપર થોડી અહિંસક સેક્સ સ્પ્રે કરીને ચેટક તૈયાર કરવામાં આવે છે, અને જેમ કરિયાણા બજારની ઉકાળેલી ચાના ઘરાકો એ જ ચા પીવાના બંધાણી થઈ જાય છે એમ આ ચેટકો ચાટનારા ચેટકતલબીઓ દુકાન ખૂલે એટલે ગલ્લો છલકાવવા હાજર થઈ જ જાય છે. મુંબઈના ગુજરાતીઓની અસ્મિતાનો આ ચેટકબજાર એક પ્રધાન અંશ છે.

ગુજરાતી દર્શકોને ચેટકો ચટાડવામાં આવ્યા છે એટલે મહાન ક્લાસિકલ નાટકો કોઈ જોતું નથી, એ ઉતારવાનો કોઈ પ્રયત્ન પણ કરતું નથી. અમદાવાદમાં નાટ્યપ્રવૃત્તિ સુસ્ત છે, સુરતમાં પ્રતિબદ્ધ કલાકારો છે, પણ ગુજરાતી નાટક એટલે મુંબઈ એવી એક વ્યાખ્યા થઈ ગઈ છે. પણ હેમલેટ કે કિંગ લિયર કે ટારટફ કે ફાધર જેવાં કે મધર કરેજ કે થ્રી સિસ્ટર્સ કે સેંટ જોન કે કેલીગુલા જેવાં નાટકો ગુજરાતી ભાષામાં બૉક્ષ-ઑફિસ પર હિટ જાય એ દિવસ હજી ઘણો દૂર છે. ગુજરાતી નાટક પાસે કલાકારો અને કસબીઓ પ્રથમ કક્ષાના છે પણ એ ઉતારનારા કારીગરો નાહિમ્મત વ્યાપારીઓ છે, જેમને એક જ ચાલુ ડાઈસ ઉપર ઊતરેલો માલ વેચવો છે અને વેચતા રહેવું છે. અને ચેટકબજારમાં ગલ્લો છલકાવવો બહુ કઠિન કામ નથી, જો તમે તમારા ઘરાકોનો 'ટેસ્ટ' સમજી લો તો...જે રીતે બટાટાવડાં વેચનારાઓ સમજી લે છે.

ગુજરાતી નાટકમાં એ દિવસ ક્યારે આવશે કે આપણે કાકને ટી-શર્ટમાં અને મંજરીને જીન્સમાં જોઈએ અને પાછળ ઈલેક્ટ્રિક ગિટાર વાગતું હોય? અથવા મુંજાલ મહેતા સુટ પહેરીને ટેબલ સામે ઊભા હોય અને દીવાલ પરના ગુજરાતના નક્શાને જોતા હોય? અને ટેબલ પર એશ-ટ્રેમાં એમની બુઝાઈ ગયેલી પાઈપ ઊંધી પડી હોય? મહાન કલા એ છે જે ભાવકને પોતાનું અર્થઘટન કરવાનો અવસર આપે છે. નાટક એક નિર્જીવ કલાપ્રકાર નથી, નાટકના મંચ ઉપર મંચન સમયે ટેબલ અને ખુરશી અને સોફો પણ જીવંત બની જાય છે.

(અભિયાન: એપ્રિલ 3, 2004)

('વિવિધ ગુજરાત'માંથી)

August 23, 2014

ગુજરાતી: લક્ષ્મીદાસ કે સરસ્વતીપુત્ર?

ગુજરાતીઓ ધનપ્રાપ્તિની બાબતમાં શૂરવીર છે પણ એમનામાં સાહિત્ય કે કલાઓના સંસ્કાર નથી. આવો આરોપ, જે તેજોદ્વેષથી છલોછલ હોય છે, સામાન્યત: હીનતાગ્રંથિથી ત્રસ્ત અ-ગુજરાતી વ્યક્તિઓ કરતી હોય છે. લક્ષ્મીદાસ હોવું કે લક્ષ્મીપતિ હોવું એ કિસ્મતની વાત છે, પણ માણસ જરૂર ભવિષ્યનું આયોજન કરી શકે છે. પૈસા કમાવા એક કાળમાં ગાંધીવાદી અસરગ્રસ્ત ગુજરાતી સમાજોમાં અનીતિ હતી, આજે ધનિક થવું અથવા ધનિક થવાનું પ્રયોજન કરવું એ બિલકુલ ન્યાય્ય છે, નૈતિક છે. ભૌતિક પ્રગતિના માપદંડોમાં પ્રમુખ ઘટકો છે, પૈસા અને વસ્તુઓ, અને ઉપભોક્તાવાદની લહર દોડી રહી છે ત્યારે પૈસા એક અત્યંત સશક્ત પરિબળ બની જાય છે.

ગુજરાતીઓ છેલ્લા બે દશકોમાં બેહિસાબ પૈસા કમાયા છે એ હકીકત છે, અને પૈસા ફેંકવાની દરિયાદિલી છે કે જિગરદારી એ ગુજરાતીઓનો એક સામાન્ય ગુણ છે. ગુજરાતીઓની પૈસા ખર્ચવાની દિલદારીને કારણે દેશના કેટલાય ઉદ્યોગો અને વ્યવસાયોમાં ગુલાબી ચમક આવી છે. અને આ કારણે જ ગુજરાતમાં દર વર્ષે આવતી કુદરતી આફતો અને માનુષ્યિક દુર્ઘટનાઓ હોવા છતાં આર્થિક પ્રગતિ થતી જ રહે છે. ગુજરાતનું અર્થતંત્ર થીજી જતું નથી, પ્રવાહિતા સતત રહ્યા કરે છે. પૈસા, શરીરમાં વહેતા લોહીની જેમ, વહેતા રહે તો જ દેશની તબિયત સ્વસ્થ રહે છે...!

અને એ પછી તેજોદ્વેષ ફોકસમાં આવે છે! તમે ગુજરાતીઓ સાહિત્યમાં શું સમજો? પત્રકારત્વ તમારો શોખ નથી. શબ્દોની દુનિયા તમારી નથી. તમારું કામ છે પૈસા કમાવાનું. વ્યંગ્યાત્મક આરોપોની બૌછાર ઝડતી રહે છે. એ વાત કેટલી સાચી છે? અમારા અમદાવાદમાં એક એવી ઘટના બની છે જેવી દુનિયાભરમાં કદાચ, અને હિંદુસ્તાનમાં તો ક્યારેય નહીં બની હોય. 'દિવ્ય ભાસ્કર' નામના એક દૈનિકનો પહેલો અંક પ્રકટ થયા પહેલાં, એક પણ અંક જોયા વિના, ઍડવાન્સમાં લોકોએ પૈસા ભરી દીધા હતા! અને કેટલા ગુજરાતીઓએ ઍડવાન્સમાં ગ્રાહકો તરીકે નામો નોંધાવ્યા હતાં? સાડા ચાર લાખ! આ કોની અસર હતી, લક્ષ્મીની કે સરસ્વતીની?

ગુજરાતીઓ 5 કરોડ છે, મરાઠીઓ ગુજરાતીઓ કરતાં ડબલ સંખ્યામાં છે, એટલે કે 10 કરોડ છે, અને બંગાળીઓ ગુજરાતીઓ કરતાં ચાર ગણા એટલે કે 21 કરોડ છે, અને હિન્દીભાષી ગુજરાતીઓ કરતાં બાર ગણાથી પણ વધારે છે. ગુજરાતી પુસ્તક 1200 કે 2200 છપાય છે, અને એ પ્રથમ આવૃત્તિ હોય છે. એ પછી જો પુસ્તક વાચકો સ્વીકારે તો ચાર, પાંચ,...સાત. આઠ આવૃત્તિઓ થઈ છે એવાં પ્રમાણો આજે પણ લગભગ દરેક પ્રમુખ પ્રકાશક પાસે છે. મરાઠીમાં પ્રથમ આવૃત્તિ આટલી જ સંખ્યામાં પ્રકટ થાય છે, અને બંગાળીમાં પણ એમ જ છે. વસતિના હિસાબે મરાઠીમાં 5000 અને બંગાળીમાં 10,000 ઉપર પ્રથમ આવૃત્તિ પ્રકટ થવી જોઈએ! અને એ પ્રજાઓ 'સરસ્વતીપુત્રો'ની ઉપાધિ વાપરવામાં સંકોચ અનુભવતી નથી. આપણે પાંચ કરોડ ગુજરાતીઓ એ જ પ્રમાણમાં પુસ્તકો ખરીદીએ છીએ જે પ્રમાણમાં આપણાથી ડબલ, ચાર ગણી કે બાર ગણી પ્રજાઓ ખરીદે છે! અને ગુજરાતીઓને 'લક્ષ્મીદાસ'નું લેબલ લગાવવામાં આવે તો ગ્રંથિગ્રસ્ત ગુજરાતી બૌદ્ધિકો બાપડા વિનમ્રભાવે ગર્દન નીચી કરીને બધી જ અવહેલના સ્વીકારી લે છે...

(અભિયાન: જાન્યુઆરી 29, 2005)

('35 લેખો'માંથી)

વૃદ્ધત્વ જીવનનો શ્રેષ્ઠ સમયખંડ?

કવિ બોરિસ પાસ્તરનાકે એવું રહસ્યમય શા માટે લખ્યું હશે: મનુષ્ય જીવવા માટે જન્મ્યો છે, જીવવાની તૈયારી કરવા માટે નહીં! પશ્ચિમની વિચારધારા ડેકાર્ટના વિધાન પર ઊભી છે: હું વિચાર કરું છું માટે મારું અસ્તિત્વ છે (I think, therefore, I exist)! પણ અમેરિકન કવિ વોલ્ટ વ્હિટમેને આપણી હિંદુ વાત કહી દીધી છે: હું જેવો છું એટલો જ પર્યાપ્ત છું (I am sufficient as I am)! આ વાત વૃદ્ધત્વને ખૂબ જ લાગુ પડે છે. અમેરિકનોની જેમ જવાન કહેવડાવ્યા કરવાની બચકાના જીદની જરૂર રહેતી નથી. વૃદ્ધત્વની દિશા સાફ છે. વૃદ્ધ વયે તબિયત સરસ હોય અને પૈસા માટે મોહતાજ ન થવું પડે તો એનાથી વધારે મોટા આશીર્વાદ નથી. માણસ પાસે ઘર, ધન, સ્વાસ્થ્ય હોય તો વૃદ્ધાવસ્થા જીવનનો શ્રેષ્ઠ સમયખંડ છે. એક લેખકે વૃદ્ધાવસ્થાના સમર્થનમાં લખ્યું છે કે જો મનુષ્ય આ જિંદગીને કવિતાની જેમ જીવવા માગતો હોય તો એ એના જીવનના સૂર્યાસ્ત સમયને એનો સુખીમાં સુખી કાળ ગણશે...

જિંદગીને અંદરથી કાટ લાગી જાય અને ઉપર રાખની પર્ત જામી જાય એ અવસ્થા નહીં આવવી જોઈએ. ધર્મ જૂનો કચરો સાફ કરવાનો હાઈડ્રોજન પેરોક્સાઈડ નથી. ઘણી વાર એ કચરો મૃત્યુ જ સાફ કરી આપે છે. જ્યારે જૂનો, શઠ, જુઠ્ઠો, દુર્જન માણસ મરી જાય છે ત્યારે ઈશ્વરમાં વિશ્વાસ થઈ જાય છે. પણ જવાન મમ્મીઓને ઈશ્વર શા માટે મારી નાખે છે? એ ઈશ્વરમાં અવિશ્વાસની ક્રૂર ક્ષણ છે પણ મૌત ઈશ્વરની અંતિમ દયા છે, એ માનું છું.

('શ્વાસની એકલતા'માંથી)

સેક્સ અને પૈસા: લૉ ઑફ ડિમિનિશિંગ રિટર્ન્સ

યુવતા ઊગે છે અને યુવતા સ્પૃહાઓ જન્માવે છે, દૈહિક અને માનસિક, શરીરી અને અશરીરી. આમાં દેખાદેખી હોય છે, ગતાનુગતિક હોય છે. શિક્ષણ લેવાનું હોય છે. પછી ધન કમાવવાનું હોય છે. પછી ગૃહસ્થી વસાવવાની હોય છે. અને સેક્સમાં, અર્થશાસ્ત્રની જેમ, 'લૉ ઑફ ડિમિનિશિંગ રિટર્ન્સ'ની દુવિધા રહેલી છે. પહેલા 10 રૂપિયા કમાવાનો આનંદ બીજા દસ રૂપિયામાં નથી, ત્રીજા ચોથા પાંચમા દસ રૂપિયા કમાવાનો આનંદ ક્રમશ: ઓછો થતો જાય છે. રિટર્ન ડિમિનિશ થતું જાય છે. સેક્સના ઉપભોગનો આનંદ, ધંધાની ભાષામાં કહીએ તો, પહેલે વર્ષે 40 ટકા ડિપ્રિસિયેશનનો છે. પછીના વર્ષે 25 ટકા, પછી 10 ટકા જ રહે છે. ચોથે વર્ષે સેક્સ માત્ર 5 ટકા જ આનંદ આપે છે. પૈસા કમાવા ડ્રગિંગ જેવું છે. વધારે અને વધારે પૈસા કમાવા એ ચુઈંગ ગમ ચાવ ચાવ કરવાની સ્વાદહીન ક્રિયા છે, એક આદત, ડ્રગ જેવી, પછી એના વિના રહી શકાતું નથી. પૈસાની ખરીદશક્તિ, પૈસાનું મૂલ્ય બધું જ ગૌણ બની જાય છે. શા માટે અને કોને માટે જેવા પ્રશ્નો પણ ભુલાઈ જાય છે. ધર્મ અને/અથવા બીમારી પાછલી ઉંમરે પ્રવૃત્ત રાખે છે, સહારારૂપે એ બન્ને સારાં છે. બીમારીનું સુખ એ છે કે એમાં કોઈ ભાગ પડાવતું નથી. ધર્મ જ્ઞાનહીનને જ્ઞાની જેવું મોઢું બનાવીને બોલવાની શક્તિ આપે છે.

('શ્વાસની એકલતા'માંથી)

મૃત્યુ એટલે મરણ એટલે અવસાન એટલે નિધન એટલે નિર્વાણ એટલે...

હું વિચાર કરું છું કે જો હોશ હશે તો જૈનની જેમ હું મારું મૃત્યુ નક્કી કરી લઈશ, સંથારારૂપે, પણ આ રીતે શરીરમાં અડધો ડઝન સોયો ઘુસાડેલી અવસ્થામાં હૉસ્પિટલમાં નહીં મરું. મારાં પુસ્તકોની વચ્ચે, મારા ઘરમાં, મારી સ્મૃતિઓની વચ્ચે, મારા પ્રિયોના સાન્નિધ્યમાં, જલદી જલદી મરી જઈશ. હું મર્સી કિલિંગ અથવા યુથેનેશિયામાં માનું છું, મારા પ્રિયતમને હું ટોર્ચર નહીં થવા દઉં, અસાધ્ય રોગને અને એ રોગની અસહ્ય પીડાને હું મારા પૈસાના જોરે નહીં લંબાવું અને એ જ મારી પણ અપેક્ષા છે. મારો પરિવાર લાઈફ-સપોર્ટ સિસ્ટીમને જોરે મારા મૃતપ્રાય શરીરને માત્ર જીવતું નહીં રાખે એવી મને શ્રદ્ધા છે. મિત્રકવિ આદિલ મન્સૂરીએ લખ્યું છે: ફૂલ સુકાઈ રહ્યું છે ડાળ પર, ગુલબદન ડાળીને હળવેથી અડો...! જે ફૂલ ડાળ પર જ મરી ચૂક્યું છે એને ક્યાં સુધી નમો અરિહંતાણં સંભાળાવતા રહેવું છે? એને 'હળવેથી' તોડીને નદીમાં વહાવી દેવાનું છે. એ જ મર્સી કિલિંગ છે, ફૂલનું. 

બીજી એક વાત એ છે કે જ્યાં પણ દેહાંત થાય, અંત્યેષ્ટિ ત્યાં જ કરી નાખવી. દેહવિલય લંડનમાં થયો હોય તો વિમાનમાર્ગે શરીર લાવવું, દર્શન માટે મૂકવું, વિરાટ સ્મશાનયાત્રા કાઢવી, 'ભવ્ય' શોકસભા ભરવી... આ બધી વલ્ગર તમાશાબાજીમાં હું માનતો નથી. ઘનશ્યામદાસ બિરલા ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ હતા. લંડનમાં અવસાન થયું, એમની સૂચના પ્રમાણે અંતિમ સંસ્કાર લંડનમાં જ કરી નાંખ્યા. વિમાનો ચાર્ટર કરીને બે હજાર માણસો લંડનથી દિલ્હી લાવવા એમના જેવા મહાધનપતિ માટે મામૂલી વાત હતી, પણ મૃત્યુ સમયે ગાંધીવાદનો એમનો નિખાર જનતાએ જોયો.

મૃત્યુનો ડર મનુષ્ય માટે કદાચ સૌથી ભયંકર ડર છે કારણ કે એ વખતે એ તદ્દન અસહાય હોય છે, બીજાની સંભાળ-શુશ્રૂષા પર એની દરેક ક્રિયા અવલંબે છે. માણસ 9 સેકંડમાં મરી શકે છે અને 9 વર્ષ પછી પણ મૌત આવતું નથી. મૃત્યુ ઈશ્વરના હાથમાં છે, વૃદ્ધો કહે છે. પણ આ માત્ર આંશિક સત્ય છે. મૃત્યુનું પણ મનુષ્ય આયોજન કરી શકે છે, આત્મહત્યાથી આમરણ ઉપવાસ સુધી સ્વ-મૃત્યુનો ફલક ફેલાયેલો છે. પણ બંનેમાં હિમ્મત જોઈએ છે જે સામાન્ય માણસ પાસે હોતી નથી. દરેક જીવંત જીવ થોડું વધારે જીવવા માગે છે, અને કબરમાંથી દરેક મુડદાને ઊભું કરો તો દરેક મુડદું કહેશે કે બસ, એક જ નાની ઇચ્છા અતૃપ્ત રહી ગઈ છે! મૃત્યુનો સમાધાન ઉત્તર જૈન ધર્મમાં જે રીતે મળે છે એ રીતે મને અન્ય ધર્મોમાં મળ્યો નથી. જૈન ધર્મમાં સંથારો છે, સંથારો એટલે જ્યારે મનુષ્યને ઇચ્છામૃત્યુની આવશ્યકતા દેખાય ત્યારે એ અન્નજળાઔષધિનો સ્વેચ્છાએ ત્યાગ કરી દે, અને સામાન્ય રીતે સાતઆઠ દિવસમાં શરીરનું નિર્વાણ થઈ જાય. બધાં જ પોષણો બંધ કરી દેવાથી શરીર આપોઆપ હોલવાઈ જાય છે. સંથારો એ સ્થિતિ છે જ્યારે માણસ સ્વયં ઈશ્વરની ભૂમિકામાં આવી જાય છે, પોતાને જીવવું છે કે મરવું છે એ માણસ પોતે નક્કી કરે છે. વિનોબા ભાવેએ સંથારો લઈને પોતાનો જીવનદીપ બુઝાવી લીધો હતો. સંસ્થારો સમજી લીધા પછી મૃત્યુની યંત્રણાનો ભય નીકળી ગયો છે. જો રોગ અસહ્ય કે ટર્મિનલ હોય તો બધું જ બંધ કરીને જીવન સંકેલી શકાય છે, સ્વેચ્છાએ.

આધ્યાત્મિક અને ધાર્મિક વાતો સતત કરતા રહેનારાઓ કદાચ અજ્ઞાત અવસ્થામાં એવી વૃત્તિ ધરાવતા હોય છે કે જીવન મૃત્યુલક્ષી છે. આવતી કાલના મૃત્યુની ભયચિંતામાં આજના જિવાતા જીવનમાં સમાધાનો કરતા જવામાં એક કાયરતા રહેલી છે. ઘણી વાર કાયરતામાં સસ્તી સલામતી હોય છે. વાસ્તવમાં મર્દને મૌત કરતાં મૌતના પહેલાં આવી જતી પરવશતા અને પરાવલંબનનો વિશેષ ભય હોય છે.

('શ્વાસની એકલતા'માંથી)

August 22, 2014

ગુજરાતી છાપાંઓ વિષે....

જે દિવસે કલમ ઉપાડી હતી એ દિવસે જ બગાવત શરૂ થઈ હતી, એ દિવસોમાં પત્રકાર કે પત્રકારત્વ શબ્દના શબ્દાર્થની ખબર ન હતી. આજે થોડી ખબર પડી છે. શબ્દ ઝાંખો પડી ગયો છે અને અર્થ ઘટ્ટ બન્યો છે. અર્થ એટલે પૈસા. પત્રકારને માટે આજે પૈસાનું પ્રલોભન વધ્યું છે. ભેટસોગાદો વધી છે. પત્રકારની કલમની શાહી પણ એની પોતીકી રહી ન શકે એ સ્થિતિ છે. જે શાહી ખરીદી આપે છે, એ જ શબ્દો પસંદ કરી આપે છે. લેખન ઓછું થયું છે, લખાવટ વધી છે. લખાવટનું પ્રમાણ વધ્યું છે.

અને છાપાં વધ્યાં છે. છાપાં એટલે જે છાપીને બહાર પડે એ પાનાં. વર્તમાનપત્ર છે, જેમાં વર્તમાન છપાય. રોજ બનતી સાંપ્રત જીવનની, વર્તમાનની સપાટી પર ઘટતી ઘટનાઓ, આજે એવાં પણ વર્તમાનપત્રો છે જેમાં પરમ દિવસે બનેલી ઘટના અને ગઈ કાલે વંચાઈ ગયેલી ઘટના, આજે છપાઈ રહી છે. એ વર્તમાનપત્ર નથી, એ ભૂતપત્ર છે! ગુજરાતી ભાષામાં વર્તમાનપત્ર છે અને ભૂતપત્ર પણ છે. ભૂતકાળની વાત? કે ભૂત લખે છે એ વાત? ભૂતિયા તરજુમિયાઓ વિના કયું ગુજરાતી છાપું આજે ચાલી શકે એમ છે?

કેટલાંક ભૂતપત્રો છે, તો કેટલાંક ભીંતપત્રો છે. ચીનમાં વૉલ-પેપર અને ન્યૂઝપેપર એ તદ્દન જુદી વિદ્યાઓ છે. ગુજરાતી ભાષામાં વૉલપેપર અથવા ભીંતપત્ર નથી એવું માનવાને કારણ નથી. ગુજરાતી વૉલપેપર કદાચ પૂરું છાપું ન હોય તો એનાં અમુક પાનાં વૉલપેપર જેવાં છે. અને ગુજરાતી ભાષામાં સમૃદ્ધ, વિચારોત્તેજક, અભિપ્રાય ઘડનારા સમાચારપત્રો પણ છે. સમાચારપત્રનું કામ છે સમાચાર આપવાનું, દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરવાનું, સમીક્ષા કે પૃથક્કરણ કરવાનું, વિચારતા કરવાનું...અને સતત વિરોધ કરવાનું! હા, સમાચારપત્ર ગંધકની જેમ સડેલી ચામડીને જલાવી શકે છે, અથવા લેસર કિરણોની જેમ કોટરાઈઝ કરી શકે છે. અથવા તાનપુરાનો રોલ પણ અદા કરી શકે છે. દરેક સમાચારપત્રે પોતાના રુચિભેદ, દ્રષ્ટિભેદ અને મતભેદની માત્રા નક્કી કરી લેવાની હોય છે.

ગુજરાતનાં કેટલાંક છાપાંઓનું પહેલું પાનું ન્યૂઝપેપર લાગે છે પણ છેલ્લું પાનું વૉલપેપર હોય છે! હવે સમાચારપત્રો વાંચનારો વર્ગ વધ્યો છે અને સ્પર્ધા વધી છે એટલે છાપાઓને સુધરવું જ પડે એ આશાસ્પદ સ્થિતિ આવી રહી છે. ખાસ કરીને મુંબઈનો ગુજરાતી વાચક હવે વધુ ખુશકિસ્મત બની રહ્યો છે. સાઠ કે સિત્તેર કે પંચોતેર પૈસામાં એને જાહેરખબરોનું કેટલોગ, ફોટાઓ, સમાચારો અને દળદાર રદ્દી બધું જ મળી શકે છે. છાપાંઓના જગતમાં સમાચારોનું જેમ "રિ-સાઈક્લિંગ" થાય છે એમ છાપાંઓની પસ્તી કે રદ્દીના જગતમાં છાપાંઓનાં પાનાંનું પણ "રિ-સાઈક્લિંગ" થાય છે!

અને ગમ્મતની વાત એ છે કે અંગ્રેજી છાપાંની રદ્દીનો ભાવ ગુજરાતી, મરાઠી કે હિંદીભાષી રદ્દી કરતાં ત્રીસ પૈસા વધારે જ રહ્યો છે. અંગ્રેજી કાગળ ખરાબ હોય અને ગુજરાતીના વધારે સારા હોય તોપણ મુંબઈમાં અંગ્રેજી રદ્દી મોંઘી હોય છે! આખરે રદ્દી અંગ્રેજીની છે અને ભારતમાં અંગ્રેજી અન્નદાતાઓની ભાષા રહી છે. વડાપ્રધાન રાજીવ ગાંધીના એક પણ પ્રધાનની હિન્દીમાં કે માતૃભાષામાં શપથ લેવાની હિંમત હતી? બધાએ શપથ અંગ્રેજીમાં જ લીધા હતા ને? અને આપણું સંવિધાન કે બંધારણ અંગ્રેજીમાં જ લખાયું હતું ને? જગતમાં ભારત એક જ મહાન દેશ છે જેનું રાષ્ટ્રીય સંવિધાન પણ એની પોતાની ભાષામાં લખાયું ન હતું... અંગ્રેજી શબ્દોના ટેકા વિના ગુજરાતી બોલવું કે લખવું ફાવતું નથી. લખવું હજી પણ ફાવે છે પણ બોલવું અસંભવ છે. જેટલા અભણ વધારે એટલા અંગ્રેજી શબ્દો વધારે...

આજે પત્રકારોને પૈસા પ્રમાણમાં સારા મળે છે. (આપણે કાયદેસર મળતા પગારની વાત કરીએ છીએ) પણ નવા પત્રકારો એમના પેશા વિષે ઓછા સભાન છે. ઘણું ઓછું વાંચે છે. કદાચ અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓ વચ્ચે અંતર વધી ગયું છે એ કારણ હોય. તથાકથિત અભ્યાસી કૉલમો લખનારા પણ પગેરું શોધો તો તરજુમિયાઓ છે એ ખબર પડી જાય છે. બધા એવા નથી પણ સન્નિષ્ઠ ઓછા છે, અભ્યાસી જૂજ છે. જેમ ખખડી ગયેલા હિંદી કૉમેડીઅનો ગુજરાતી ફિલ્મોમાં હીરો બનીને કૂદકા મારી શકે છે એમ અંગ્રેજી પત્રોમાંથી ફેંકાયેલા નામો ગુજરાતી છાપાંઓમાં આપણે બહુ પ્રતિષ્ઠા આપીને ચમકાવીએ છીએ, ગુજરાતી છાપાંઓ સૌથી વધુ પૈસા પણ આ અંગ્રેજીના કચરાને આપે છે! આપવા જ જોઈએ, કારણ કે એ કચરો અંગ્રેજી છાપામાંથી ફેંકાયેલો છે અને હીનતાગ્રંથિ ગુજરાતીઓની કમજોરી માત્ર નથી, ગુજરાતીઓની હૉબી છે, રસરુચિ છે. આપણી ભાષામાં અભ્યાસી લેખકો ઓછા છે, અને એમનો બજારભાવ પણ ઓછો છે! આ વિરોધિતા સમજાતી નથી.

1975ની કટોકટી દરમિયાન ભારતના સમાચારપત્રો પાસે બે જ સ્વતંત્ર સ્તંભો હતા: એક કાર્ટૂન અને બીજું વાચકોના પત્રો! ગુજરાતી છાપાંઓએ એક વાર 'ટાઈમ' સામયિકે કહેલી વાત વિચારવા જેવી છે: અમે જો મહાન હોઈએ તો તો એનું કારણ એ છે કે અમારા વાચકો મહાન છે! વાચકોના પત્રો એ કોઈ પણ સમાચારપત્રની ગુણવત્તાનું બેરોમીટર છે. ભાયંદરમાં ગટર ખૂલી ગઈ છે કે મલાડની પોસ્ટ ઑફિસના ડબ્બામાં કવર નાખી શકાતું નથી એ બરાબર છે. એનો પ્રતિસાદ છાપાંઓ દ્વારા પડી શકે છે પણ વાચકોનો એ જ ધર્મ નથી. બેસ્ટ કંપનીના કંડક્ટરની ઉદ્ધતાઈ એની જગ્યાએ બરાબર છે. ઉદ્વેગ પ્રકટ કરવા માટે છાપામાં જરૂર લખી શકાય. પણ વાચકે ખૂટતું ઉમેરવાનું કાર્ય કરવાનું હોય છે. ગુજરાતી છાપાંઓએ આ બાબતમાં વાચકને ઇતિહાસનો સાઝેદાર બનવાની તક આપી નથી. વાચક મિત્ર સિત્તેર પૈસાનો ફેંકનારો ખરીદદાર નથી, એ સૂર્યોદયનો સાથી છે અને સમાચારપત્ર સાથે દિવસની પહેલી હમઝુબાનીનો સંબંધ છે. ગુજરાતી વાચકોના પત્રો ચોથી કાર્બન કૉપી જેવા ઝાંખા, વિધવાના વારંવાર ધોવાયેલા સાડલા જેવા પીળા પડી ગયેલા વૃદ્ધ, સુસ્ત, ઉદાસીન લાગે છે. શા માટે?

(માઈક્રોસ્કોપમાંથી)

ભીષ્મ પિતામહ....

પોતાનો પ્યારો પુત્ર પણ જો પતિત થઈ જાય તો માતા-પિતા એનો ત્યાગ કરી નાખે છે અને બધા જ માણસો હંમેશાં પોતાની જ રક્ષા કરવા ઈચ્છે છે, એટલે જોઈ લો, આ જગતમાં સ્વાર્થ એ જ સાર છે! આ ઉપદેશ આપનાર ભીષ્મપિતામહ છે અને આ ઉપદેશ સાંભળનાર ધર્મરાજા યુધિષ્ઠિર છે અને આ સંવાદ મહાભારતના શાંતિપર્વમાં છે. પૂરું શાંતિપર્વ ભીષ્મની સલાહો છે, જે બાણશય્યા પર મૃત્યુની ઇચ્છા રાખતા ભીષ્મે આપી છે. ભીષ્મ કહે છે: કોઈ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ નથી, સંજોગો મિત્રો અને શત્રુ બનાવે છે. (न कश्चितकस्यचिन्मित्रं , न कश्चित कस्यचिद्रिपु:। व्यवहारेण जायन्ते, मित्राणि रिपवस्तथा।।). આ જ વાતનો ધ્વનિ 19મી સદીના અંગ્રેજ પ્રાઈમ મિનિસ્ટર લૉર્ડ પામર્સ્ટનના વિધાનમાં પડઘાય છે. કોઈ સનાતન મિત્રો હોતા નથી, કોઈ સનાતન શત્રુઓ હોતા નથી, પણ ફક્ત સનાતન સ્વાર્થ હોય છે. પામર્સ્ટને જે શબ્દ વાપર્યા છે, એ છે 'ઈન્ટરેસ્ટ્સ'.

મહાભારતમાં ભીષ્મ મૈત્રી અને શત્રુતા વિષે યુધિષ્ઠિરને વિસ્તારથી સમજાવે છે. જે આજે પણ આપણા જીવનમાં સંગત છે અને માર્ગદર્શક બની શકે છે. મિત્રતા શું છે અને શત્રુતા શું છે? શત્રુઘ્ન અને મિત્રઘ્નમાં કોણ વધારે ખતરનાક છે? ભીષ્મ પિતામહ વારંવાર આ સ્પષ્ટતા શાંતિપર્વમાં કરતા રહે છે. મૈત્રી કોઈ સ્થિર વસ્તુ નથી અને શત્રુતા પણ સ્થિર રહેવાવાળી વસ્તુ નથી. સ્વાર્થના સંબંધથી મિત્ર અને શત્રુ બનતા હોય છે. (नास्ति मैत्री स्थिरा नाम न च ध्रुवम असौहृदम/ अर्थयुक्त्या हि जायन्ते मित्राणि रिपवस्तथा). ક્યારેક સમયફેરથી મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર બની જાય છે, કારણ કે સ્વાર્થ બહુ બળવાન હોય છે. ભીષ્મપિતામહ આગળ કહેતા જાય છે: ન કોઈ ક્યારેય શત્રુ હોય છે અને ન કોઈ ક્યારેય મિત્ર હોય છે. આવશ્યક શક્તિના સંબંધથી લોકો એકબીજાના મિત્ર કે શત્રુ બનતા હોય છે. ભીષ્મ પિતામહ જીવનની ફિલસૂફી સમજાવે છે: હું તમને ઇચ્છાનુસાર બધું જ આપી શકું છું, પણ મારી જાતને હું ક્યારેય નહીં આપું. પોતાની રક્ષા કરવા માટે સંતતિ, રાજ્ય રત્નો અને ધન, બધાનો ત્યાગ કરી શકાય છે. આપણા સર્વસ્વનો ત્યાગ કરીને પણ સ્વયંની રક્ષા કરવી જોઈએ! (आत्मार्थे संततिस तयाज्या राज्यं रत्नं धनं तथा/ अपि सर्वस्वम उत्सृज्य रक्षेद आत्मानम आत्मना). ભીષ્મ પિતામહ ધર્મરાજા યુધિષ્ઠિરને કુટિલ નીતિનું વાસ્તવ સમજાવે છે: कालेन रिपुणा संधिः काले मित्रेण विग्रहः/ कार्य इत्य एव तत्त्वज्ञाः पराजुर नित्यं युधिष्ठिर... સમયાનુસાર શત્રુની સાથે સંધિ અને મિત્ર સાથે વિગ્રહ કરવો પણ ઉચિત છે! ભીષ્મપિતામહ મહાભારત યુદ્ધની સમાપ્તિ પછી પાંડવોને સુખી જોવા ઇચ્છે છે અને પૂરા શાંતિપર્વમાં અત્યંત વિસ્તારથી મિત્ર-શત્રુનો ભેદ-અભેદ અને સુખ-દુ:ખની લીલા સમજાવે છે. ભીષ્મપિતામહ રાજધર્મ સમજાવતાં સમજાવતાં કૂટનીતિ તરફ આવી જાય છે. યુધિષ્ઠિરને પ્રેમથી કહે છે: જે લોકો શત્રુના શત્રુ છે, એ બધાનું સેવન કરવું જોઈએ...! આજે રાજકારણમાં આ ગૃહિત દરેક દેશ અપનાવી રહ્યો છે, શત્રુનો શત્રુ એ મિત્ર છે અને ભૌગોલિક ઇતિહાસની ભાષામાં પાડોશીનો પાડોશી એ મિત્ર છે, કારણ કે બે પાડોશીઓના સંબંધો મૈત્રીપૂર્ણ હોય એવું સામાન્યત: ભૌગો-રાજનીતિ અથવા જિયો-પોલિટિક્સમાં બનતું નથી. ગુજરાતી-મરાઠી ભાષાઓમાં રાજકારણ શબ્દ છે. હિન્દીવાળા રાજનીતિ શબ્દ વાપરે છે.

યુધિષ્ઠિરને આપદ્-ધર્મનો ઉપદેશ આપનાર ભીષ્મપિતામહ એક સ્થાને કહે છે: જે નદી પાર ન કરી શકો એ ઓળંગવાનું સાહસ ન કરો. જે ધનને શત્રુ બળપૂર્વક પાછું લઈ શકે એ ધનનું અપહરણ ન કરો. એવું વૃક્ષ નષ્ટ કરવાની કોશિશ ન કરો જે જડમાંથી ઉખેડીને ફેંકી દેવું સંભવ નથી. એવા શત્રુ પર પ્રહાર ન કરો જેનું માથું કાપીને ધરતી પર ફેંકી ન શકો! શત્રુ પર વેર લેવા વિષે ઘણા શ્લોકો છે. શત્રુ સાથે કઈ રીતે પ્રસ્તુત થવું એ વિષે પ્રકાર પ્રકારનાં સૂચનો છે. યુધિષ્ઠિરે મૂળ જે પ્રશ્ન કર્યો હતો એ આ પ્રમાણે હતો: ભારતનન્દન! પિતામહ! સત્યપુત્ર, ત્રેતા અને દ્વાપર ત્રણે યુગો પ્રાય: સમાપ્ત થવા આવ્યા છે. જગતમાં ધર્મનો ક્ષય દેખાઈ રહ્યો છે. ડાકુઓ અને લૂંટારાઓ ધર્મમાં અવરોધો ઊભા કરી રહ્યા છે. આવા સમયમાં કેવી રીતે રહેવું જોઈએ?

શત્રુના નાશની બાબતમાં ભીષ્મપિતામહ બિલકુલ અહિંસક નથી અને એમની દરેક સલાહ કે દેશનાનો ઉદ્દેશ્ય એક જ છે અને તદ્દન સ્પષ્ટ છે, દુશ્મનને ખતમ કરી નાંખવાનો, નામશેષ કરી નાખવાનો, સંપૂર્ણ મિટાવી દેવાનો. માત્ર શત્રુ જ નહીં, પણ અર્થપ્રાપ્તિમાં પણ જે વિઘ્ન નાંખવાવાળો હોય એને પણ મારી નાંખવો જોઈએ. ભીષ્મપિતામહની આ સલાહ બહુ સૂચક છે: પુત્ર, ભાઈ, પિતા અથવા મિત્ર જે પણ અર્થપ્રાપ્તિમાં વિઘ્ન નાખનાર હોય એને ઐશ્વર્યની ઇચ્છા રાખનારા રાજાએ જરૂર મારી નાખવા જોઈએ. ( पुत्रो वा यदि वा भ्राता पिता वा यदि वा सुहृत अर्थस्य विघ्नं कुर्वाणा हन्तव्या भूतिवर्धनाः)

શત્રુ કઈ રીતે પેદા થતો હોય છે? કોઈ જન્મથી મિત્ર કે શત્રુ હોતો નથી. સામર્થ્યયોગથી જ મિત્ર અને શત્રુ ઉત્પન્ન થતા રહે છે. ભીષ્મપિતામહે એક મૂલાધાર વાત સમજાવી દીધી છે. શક્તિ હોવી જોઈએ, મિત્ર બનવા અને બનાવવા માટે અને ઈર્ષ્યા શત્રુ બનાવે છે.

શત્રુ કરુણાજનક વચનો બોલી રહ્યો હોય તોપણ એને મારી નાખવા સિવાય છોડવો નહીં. જેણે આગળ આપણો અપકાર કર્યો હોય એને અવશ્ય મારી નાખવો અને એનું દુ:ખ ન કરવું, ભીષ્મપિતામહ કહે છે.  (अमित्रं नैव मुञ्चेत बरुवन्तं करुणान्य अपि / दुःखं तत्र न कुर्वीत हन्यात पूर्वापकारिणम). 

આનાથી આગળ કૂટનીતિની બીજી એક વેધક વાત આવે છે. (શત્રુ પર) પ્રહાર કરતાં પહેલાં પણ મીઠું બોલવું અને પ્રહાર કરી લીધા પછી પણ મીઠું જ બોલવું, તલવારથી શત્રુનું મસ્તક કાપીને પછી એ માટે શોક વ્યક્ત કરવો અને રડવું (परहरिष्यन प्रियं ब्रूयात परहृत्यापि परियॊत्तरम/ अपि चास्य शिरश छित्त्वा रुद्याच शोचेद अथापि वा). દુશ્મન પર દયા નથી. એની કતલ કરીને, એની સડકો તોડીફોડીને, એનાં ઘરોને નષ્ટભ્રષ્ટ કરીને શત્રુના રાષ્ટ્રનો વિધ્વંસ કરવો જોઈએ અને ભીષ્મપિતામહ કહે છે: દેવું, અગ્નિ અને શત્રુમાંથી કોઈ પણ બાકી રહી જાય તો એ વારંવાર વધતું રહે છે, માટે આ ત્રણમાંથી કોઈને પણ જરાય બાકી રખાય નહીં...

ભીષ્મપિતામહ અને ધર્મરાજા યુધિષ્ઠિરની જે મૂર્તિઓ જનમાનસમાં છે એનાથી જરા વિપરીત આ શ્લોકો છે. અહીં અહિંસા નથી. આતતાયીને શેષ કરી નાંખનારી હિંસા-પ્રતિહિંસાની સાફ વાતો છે. શત્રુ પર વેર લેવાની વાતો છે. અહીં ક્ષમા વીરસ્ય ભૂષણમ્ નથી. અહીં વીરનું ભૂષણ પ્રતિશોધ છે, વેર છે, ક્ષાત્રધર્મ છે અને ભીષ્મપિતામહ એક વ્યવહારિક સૂચન પણ આપે છે: સૂકું વેર ન રાખવું અને બંને હાથથી તરીને નદી પાર ન કરવી. આ પ્રવૃત્તિ નિરર્થક છે અને આયુષ્યનો નાશ કરનારી છે. આ કામ કૂતરા દ્વારા ગાયનું શીંગડું ચાવવા જેવું છે, જેનાથી દાંત ઘસાઈ જાય છે અને રસ મળતો નથી!

યુધિષ્ઠિરને રાજધર્મ વિષે, વેર લેવા વિષે, હનન અને ધ્વંસ કરવા વિષે ભીષ્મપિતામહ દેશના આપે છે અને વિચિત્રતા એ છે કે આ અધ્યાયનું શીર્ષક 'શાંતિપર્વ' છે અને એમાં વાતો વિશેષત: યુદ્ધવિષયક અને વિગ્રહવિષયક છે! વેરી સામે શાતિ અને અહિંસા કામ આવતાં નથી. દુશ્મનનું નામોનિશાન મિટાવી દેવું એ જ ધર્મ છે...

ક્લોઝ-અપ:

न बुद्धिं परिगृह्णीत स्त्रीणां मूर्खजनस्य च।
                                                                 - भीष्म
(અર્થ: રાજા ક્યારેય સ્ત્રીઓ અને મૂર્ખોની સલાહ ન લે.)
                                                                                         (મહાભારત: શાંતિપર્વ: 69: 73) 

('ટેલિસ્કોપ'માંથી)

August 21, 2014

ઈન્ટરવ્યૂ: ઘાયલ કરવાનો કસબ

ઈન્ટરવ્યુ આજે પત્રકારત્વનો એક અંતરંગ હિસ્સો છે, અને દરેક સમાચારપત્રમાં ઈન્ટરવ્યૂને સ્થાન અપાય છે. ઈન્ટરવ્યૂનો ઇતિહાસ લગભગ 150 વર્ષો જૂનો છે, અને અમેરિકન છાપાંઓએ એની શરૂઆત કરી હતી. ઈન્ટરવ્યૂનું ગુજરાતી મુલાકાત કરાય છે, પણ ઈન્ટરવ્યુ મુલાકાત કરતાં કંઈક વિશેષ છે. વ્યક્તિની અંતરંગ, અંદરની વાતો ઈન્ટરવ્યૂ દ્વારા પ્રકાશમાં આવે છે, જનતા સમક્ષ જાય છે, અને જનતાને વધારે જાણવાની પ્યાસ જાગે છે, અથવા ઊભી કરવામાં આવે છે.

મશહૂર ઈટાલીઅન પત્રકાર અને લેખિકા ઓરીઆના ફેલીસીએ વિશ્વના શ્રેષ્ઠતમ રાજકારણીઓના ઈન્ટરવ્યૂ લીધા છે, અને એણે એક વાત લખી છે: લખવા કરતાં ઈન્ટરવ્યૂ લેવા સહેલા છે, બીજાઓની જિંદગીનો અર્ક તમે લઈ લો છો અને તમારા નામે વેચતા રહો છો...! 

લેખકો જ્યારે ઈન્ટરવ્યૂ આપે છે ત્યારે વધારે મૌલિક થઈ જતા હોય છે, અને સાધુબાવાઓ ઈન્ટરવ્યૂ આપે છે ત્યારે વધારે દંભી લાગે છે. જેણે જીવનભર માત્ર ઉપદેશો જ આપ્યા છે એવા સાધુચરિત્ર કલમબાજો ઈન્ટરવ્યૂ સમયે પાખંડનો મુખૌટો કે મહોરું પહેરી લે છે, આદતન એમનાથી પહેરાઈ જાય છે, અને જેમણે આજીવન આદેશો જ ઉઠાવ્યા છે એવા ચેલાચમચાઓ ઈન્ટરવ્યૂ આપે છે ત્યારે એમનું મોઢું 'હિઝ માસ્ટર્સ વોઈસ'ના કૂતરા જેવું થઈ જાય છે. અતિ શુદ્ધ વ્યક્તિએ ઈન્ટરવ્યૂમાં ખાસ કંઈ કહેવાનું રહી જતું નથી, કારણ કે જીવનભર એ જૂઠને સત્યનું કવચ પહેરાવીને જ જીવ્યો છે. જે માણસ જિંદગીને બધા જ રંગોમાં, મૂડોમાં, મિજાજોમાં, લયોમાં જીવ્યો છે એણે હમેશાં કંઈક નવું કહેવાનું હોય છે.

('પડાવ અને મંઝિલ'માંથી)

હિન્દી હાસ્યલેખક 'બેઢબ' બનારસીના અવતરણો

કૃષ્ણદેવ પ્રસાદ ગૌડ હિન્દી સાહિત્યમાં 'બેઢબ' બનારસી નામથી મશહૂર છે. હાસ્યલેખક 'બેઢબ' બનારસી (1895-1968)ના સર્જનમાંથી કેટલાંક અવતરણો:


  • અમારા બેનો પરિચય એ સમયથી છે જ્યારે રામે હનુમાનને ગળે લગાવ્યા હતા.
  • અહીં ઓછાં કપડાં પહેરો તો મહાજન ગણાઓ, અને ન પહેરો તો દેવતા.
  • આવા શહેરમાં (બનારસ) રહીને તરવું ન જાણવું, એ કૉલેજમાં ભણવું અને સિગરેટ ન પીવા જેવું છે.
  • નાયિકાનું શરીર એવું લચકતું હતું જેવો અંગ્રેજી કાનૂન, જ્યાં ઈચ્છો ત્યાં ફેરવી લો.
  • કચૌરી (કચોરી)ની વ્યુત્પત્તિ વિશે: પહેલાં એનું નામ ચકોરી હતું. વર્ણ ઈધરઉધર થઈ જાય છે. એટલે ચકોરી કચૌરી બની ગયું. ચકોરી એક પક્ષી હતું જે અંગારા ખાતું હતું. કચોરી ખાનારા પણ અગ્નિની જેમ ગરમ રહે છે, ઠંડા નથી થતા.
  • એવું લાગે છે કે જૂના પ્રાચીનકાળમાં ભારતવાસીઓને કોઈ કામધંધો ન હતો એટલે બેઠાબેઠા દિવસભર મૂર્તિઓ બનાવ્યા કરતા હતા.
  • ભારતવાસીઓ પ્રમાણ એ જ ગ્રંથોને માને છે જે અંગ્રેજોએ લખ્યા હોય.
  • પ્રેમીઓને જે મજા પ્રેમિકાઓની આંખોને જોવામાં આવે છે એવી જ મજા કદાચ ડૉક્ટરોને દર્દીઓની જીભ જોવામાં આવે છે.
  • ખ્વાજા સાહેબની દાઢીનો પાકો રંગ જોઈને અંગ્રેજ એવો મુગ્ધ થઈ ગયો કે એનું થયું કે આ કોઈ નવું વિલાયતી ઘાસ છે.
  • હકીમ સાહેબ એટલા દૂબળાપાતળા હતા કે એવું લાગતું હતું કે એમણે એમની તંદુરસ્તી એમના દર્દીઓમાં વહેંચી નાંખી હતી.
('યાર બાદશાહો'માંથી...)

ખાવું-પીવું: પ્રસંગ, સંસ્કાર, વિધિ

ઘણી જગ્યાઓ, અને ખાસ કરીને કોઈ દેશના રાષ્ટ્રીય દિવસની પાર્ટી હોય ત્યારે મિત્રતા કે સ્વાસ્થ્યને લક્ષમાં રાખીને ટોસ્ટ પિવાય છે. બધા જ હાજર રહેલ પોતપોતાના ગ્લાસ ઊંચા કરીને એકએક ઘૂંટ શરાબ પીએ છે. સમજદાર માણસો બહુ જ નાના ઘૂંટ લેતા હોય છે કારણ કે ખબર હોતી નથી કે કેટલા ટોસ્ટ પીવા પડશે! આપણા પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ રશિયા ગયા ત્યારે રશિયન રાજ્યાધ્યક્ષ લિયોનિદ બ્રેઝનેવની સાથે ટોસ્ટમાં એમણે શરાબને સ્થાને પાણીનો ગ્લાસ પીને ટોસ્ટ કર્યું હતું! રશિયામાં પાણીથી ટોસ્ટ પીવાને બહુ મોટું અપશુકન ગણવામાં આવે છે. પણ મોરારજીભાઈએ શિવામ્બુ કે સ્વમૂત્રથી ટોસ્ટ ન કર્યું એ માટે કેટલાક નટખટ પત્રકારોએ એમનો આભાર પણ માન્યો હતો...! જ્યારે મુંબઈમાં રાજ્યપાલ કે દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળવા ગયો છું ત્યારે મેં એક અનુભવ કર્યો છે કે એ લોકો ચાના કપમાંથી એક અત્યંત નાનો ઘૂંટ પીને ચા છોડી દે છે. (ક્યારેક મને લાગે છે કે માત્ર જીભ જ અડાડતા હશે, કારણ કે એમણે દિવસભર ડઝનો મુલાકાતીઓ સાથે ચા 'પીવી' પડતી હોય છે.)

પંડિત જવાહરલાલ નેહરુ કે શ્રીમતી ઈંદિરા ગાંધીની વાત જુદી હતી, એમને ટેબલ મેનર્સ અને સંસ્કારનું સંપૂર્ણ જ્ઞાન હતું. એ પછી કેટલાક ગોલગપ્પા ખાનારા, હથેળીથી મોઢું ઢાંક્યા વિના ટુથપીકથી દાંત ખોતરનારા, ચુસ્કીઓના અવાજ કરીને ચા પીનારા, પીપદાનીમાં પાનનો ડૂચો થૂંકનારા કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓ આવી ગયા. લોકશાહીમાં તમે સડક પરથી સીધા જ સંસદ સુધી પહોંચી શકો છો. પાર્ટી પછી ગર્ભવતી સ્ત્રીની જેમ પગ પહોળા મૂકીને, લડખડાતા મંત્રીઓને જોવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે અને ત્યારે સમજાયું છે કે બંદૂકવાળાઓ શા માટે મંત્રીઓની સાથે સાથે રહેતા હોય છે! શ્રીમતી ગાંધી ચાઈનીઝ ખોરાક ચોપસ્ટીકથી ખાઈ શકતાં હતાં. હું સ્વયં પણ ચાઈનીઝ ખોરાક ચોપસ્ટીકથી જ ખાવો પસંદ કરું છું, અને ચાઈનીઝ ખોરાક ખાવા માટેની એ જ પારંપરિક રીત છે. બ્રાન્ડીના ગ્લાસમાં વાઈન પિવાય નહીં પણ જો કોઈ બારટેન્ડર એમાં આપે તો અમદાવાદી તરીકે ના પાડવી નહીં, કારણ કે એમાં વધારે વાઈન આવી જાય છે!

('યાર બાદશાહો'માંથી)

August 20, 2014

Memories of Chandrakant Bakshi (Niel Kaustubh Patel)

ચંદ્રકાંત બક્ષીના મિત્ર ડૉ. કૌસ્તુભ પટેલના પુત્ર નીલ પટેલે અંગ્રેજીમાં બક્ષીજી સાથેના સંસ્મરણો વિશે લખ્યું છે એના અંશો: (તત્ત્વમ પટેલ દ્વારા સંપાદિત 'બક્ષી અને અમે' પુસ્તકમાંથી)

It evokes a great pride when I say I knew Mr. Chandrakant Bakshi. He was a great person and a great author. I have known him in recent times. I met him and I was surprised that he knew a lot bit of other languages. I was fond of him and when I talked with him I saw his witty humor. He was such a famous person but I saw humbleness in him instead of pride.

Just before seven days of his passing away we were at the 'Grand Bhagwati' hotel having dinner with him. My mother was talking with Riva aunty while I was talking to him. The person playing piano arrived and they both talked like friends; his ability to strike a rapport with any person made him different. We talked about history, books etc. We met at U.K. and had a nice time with him. I remember that every time we went out he always found a friend or a fan. He was kind to all persons and he talked to everybody so nicely that it was difficult not to like him.

He showed me his library which contains his written books and so many other books. There are books on literature and Times yearbook. He talked to me as a friend and I liked that a lot. There was no perception of age difference between us.

There was something that still makes me remember him. It was a shock when I heard of his death. He was really a great man but I will also miss him as my friend. 

- Niel Kaustubh Patel

બાતમી (મધુ રાય)

બક્ષી ખાવાપીવાના શોખીન છે. બંને ક્રિયાઓના વર્ણનના વધુ શોખીન છે. એમની આંખોમાં મજાકિયા સરૂર છે, અને ચહેરા પર શીળીના ડાઘ છે, જે એમના ચહેરાને એક ખરબચડું ટેક્સચર આપે છે, એમનું એવું માનવું છે, કે એમનું વર્તન પણ એવા જ ટેક્સચરનું છે. બક્ષીનું મોટાભાગનું લખાણ એમની દુકાનના કાઉંટર પર થાય છે, (દુકાન ખૂબ ધીકતી ચાલે છે) અને એમનો દિવસ લગભગ આખો એ સ્થળે વીતે છે. મારી પહેલી મુલાકાત વખતે એમણે 'ગુડ નાઈટ' કહ્યું હતું, અને 'નમસ્તે'નો 'અસફળ' દેખાવ કરી કહ્યું હતું. નમસ્તે કરતાં તો મને નથી આવડતું, એ છૂટા પડતી વખતે થયું હતું, અને વર્ષો પછી મેં એક વાર કરાવ્યું હતું. ત્યારે અમે બંને હસી પડ્યા હતા; બક્ષી પણ ક્યારેક પોતાની જાતની મખૌલ ઉડાવી શકે છે. એસેન્શીઅલી, બક્ષી અડ્ડાબાજ માણસ છે, કલાકો, કે પ્રહરો એમની પાસે સ્થગિત થઈ જાય છે. સતત (એમણે કોઈના હાસ્ય માટે વાપરેલી ઉપમા વાપરીને કહેવાય કે) ફટાકડાના સર્પની જેમ વાતોમાંથી વાતો નીકળ્યે જ જાય છે. એમની વાતમાંથી બોલનાર અને સાંભળનાર વચ્ચે સતત સાગરનાં મોજાંની જેમ અટ્ટહાસ્યનાં મોજાં આવ્યે જ જાય છે, અને સાંભળનાર વાતોનું વજૂદ કે મહત્ત્વ આંકવા પામે નહિ એટલી ઝડપથી એના મન અને વિચારો ઉપર એ અટ્ટહાસ્યો ફરી વળે છે. બક્ષીની મજાકો મીંઢી કે 'મરકાવનારી' નથી હોતી, પેટ પકડી અને મન છોડીને તમારે હસવું જ પડે. બક્ષી પણ એટલા જ રૂઆબથી હસતા હોય છે, મજાક જાણે એમણે નહિ, જેની વાત થતી હોય એ વ્યક્તિએ કરી હોય. એકવાર બકુલ (એમનો નાનો ભાઈ), બક્ષી, અને હું એક મિત્ર સવિશેષની ગેરહાજરીમાં એની મજાકે ચઢ્યા હતા, ત્યારે એકાએક એક વાતથી ખરેખર દસ મિનિટ સુધી પાગલ અવસ્થામાં, અવાક દશામાં હસતા જ રહ્યા હતા; બક્ષી ખુલ્લા દિલે હસે છે, ત્યારે પોતાની છાતી ઉપર હાથ ફેરવ્યા કરે છે. ગુજરાતીઓ પેટ પકડીને હસે તો બક્ષી છાતી પકડીને હસે, કારણ કે બક્ષીને 'ગુજરાતી'ને આંચકા આપવામાં મહાઆનંદ આવે છે. હસતી વખતે ધબ્બા મારવા, કે ધક્કા મારવા, કે તાળીઓ લેવી-આપવી, ભેટી પડવું કે એવી કોઈ 'ગુજરાતી' ક્રિયા બક્ષી બિલકુલ કરતા નથી. એમની સાથે વાતો કરતાં કરતાં તમને લાગ્યા કરે કે, તમે પોતે કેટલા રમૂજી માણસ છો. એમને મેળવી આપ્યા પછી કલકત્તાના મારા બે-ત્રણ દોસ્તો હ્યુમરિસ્ટ થઈ ગયા છે, અને બીજાઓને હસાવવાના પ્રયત્નો કરી બદનામ થઈ રહ્યા છે.

અમારી વચ્ચે સાહિત્યિક વાતો થતી નહોતી. 'શું લખો છો આજકાલ?' કે 'શું વાંચો છો આજકાલ?' એ અમારા અભિવાદનના શબ્દો નહોતા. એક 'સાહિત્યકારના વ્યાખ્યાન'માં 'લગભગ' શબ્દ બોલાયો, અને બક્ષીએ કાનમાં કહ્યું, 'ગુજરાતી સાહિત્યકાર હોય અને પ્રોફેસર હોય તો લગભગને બદલે બોલે "લ-ગ-ભ-ગ"'. કોઈ વ્યાખ્યાનમાં બક્ષી બેઠા હોય તો એ સભાનું એક ન્યુક્લિયસ એમની આસપાસ બંધાય અને ચાલુ વ્યાખ્યાને હસાય નહિ એવા શિષ્ટાચારમાં તમે માનતા હો તો મુશ્કેલીમાં મુકાઈ જાઓ, અને છતાંય તમને એ અશિષ્ટતાનું 'ઘેલું' લાગે. વ્યાખ્યાનનું શ્રોતાવૃન્દ નાનકડું હોય તો બક્ષી વ્યાખ્યાતાને સવાલજવાબની વિકટ કસરતમાં ઉતારે, હેરાનપરેશાન કરી મૂકે, અને ઘણીવાર દ્રશ્ય 'વણસી' જાય. બક્ષી 'વાર્તા' વાંચી રહ્યા પછી સમજાવવી ન પડે, ટકોરા જેવી સ્પષ્ટ વાર્તા હોય, એવી વાર્તામાં માને છે. મારી સામે વ્યક્તિગત વિરોધ એમનો એ જ રહ્યો છે, અને હંમેશાં એમણે કહ્યો છે, મારી (આ લખનારની) વાર્તાઓ ઘણીવાર વિકટ હોય છે, 'જે ન હોવી જોઈએ.' એટલો જ ઉગ્ર અને હિંસક વાંધો એમને સુરેશ હ. જોષીની વાર્તાઓની સામે છે, અને એથી ય જુદાં કારણોસર કોઈ ત્રીજા વાર્તાકારની વાર્તાઓ સામે છે, બધાની સામે છે, દુનિયા જગતની સામે છે, અને વિશ્વબ્રાહ્મણની સામે છે. એમને મુંબઈની સામે, કલકત્તાની સામે, અમદાબ્રહ્માણ્ડની સામે, દિલ્હી, કાનપુર, લખનૌ...ગમે તે વસ્તુ, વ્યક્તિ કે વિચારની સામે એમને વાંધો જ વાંધો છે. અને બે વાક્યોથી એ વાંધો મહાપ્રેમમાં પલટી શકે છે. ખરેખર તો બક્ષી હમેશાં પ્રેમાધિક્કાર એ બેમાંથી એક વસ્તુ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વિચાર કે વાદને આપ્યા જ કરે છે. એમને સતત ગમતા માણસોને એ પોતાનો 'હીરો' કહે છે, અને પોતાને ગમતી હીરોઈનને 'સાલી' કહે છે. એમનો લેટેસ્ટ હીરો ઇતિહાસકાર 'પી.એન. ઓક' છે, જે તાજમહાલ, કુતુબમિનાર વગેરે ઈમારતોના સર્જક રજપૂત રાજાઓને ગણે છે, અને હિન્દુત્વના આગ્રહી છે, એવું બક્ષી પાસેથી એના વિષે સાંભળ્યાથી લાગે છે. બક્ષી અસંખ્યવાર, એક જ બેઠકની દૌરાન, પોતાને જનસંઘી, સામ્યવાદી (ચીનતરફી - એમનો એક 'હીરો' માઓ ત્સે તુંગ પણ છે), અને મૂડીવાદી કહેવડાવે છે, એકાદ-બે વર્ષે એકવાર, સુન્નત કરાવી મક્કા જવાની વાત પણ કરે છે, અને મુસલમાનો પ્રત્યે એમના હૃદયમાં પ્રેમના ફુવારા છૂટે છે, એવું લાગવા દે છે. એમણે ઉર્દૂ (લિપિ)નો અભ્યાસ પણ કર્યો છે. એ પોતે, કઈ ઘડીએ કયા વાદમાં 'સ્ટોન્ચ બિલિવર' છે, એનો આધાર તમે કયા વાદમાં માનો છો એની ઉપર છે, કારણ કે, એ તમારા વાદની સામેના વાદમાં માને છે. - પ્રતિવાદમાં. બક્ષી પાર્ટીઓમાં જાન નાખી આપે છે. અને તમારા અંગત સવાલોમાં ગોટાળે ચડી ગયેલા તમને એકાએક આખી દુનિયામાં તમારા પોતાના સિવાય આનંદ લઈ શકાય એવા કેટલા બધા વિષયો, વ્યક્તિઓ વસ્તુઓ છે, એનું વિશ્વરૂપદર્શન કરાવે છે.

પણ એ આખી બહિર્મુખતા એ સદાબહાર ખુશહાલી, એ ફટાકડાના સર્પની ફૂટ્યા કરતી અજીબોગરીબ વાતોની બોમ્બમારી એમના લખાણોમાં કેમ અદ્રશ્ય થઈ જાય છે? કેમ એમની વાર્તાઓમાં 'બિઝારે', કે મરઘીની ટાંગો, વેશ્યાઓ, વ્યસનીઓ, અને દિલ અને દિગામના તૂટેલા માણસોની વાતો આવ્યા કરે છે? કેમ એમની નવલકથાઓનો નાયક છેલ્લે પરાસ્ત જ થયા કરે છે? અને ટ્રેજેડીનો, પીડાનો ચાકડો કેમ 'પડઘા ડૂબી ગયા'થી લઈને 'આત્મકથાનકાભાસી' છેલ્લી નવલકથાઓમાં ફર્યા જ કરે છે? તન-મન-ધન જીવનથી સર્વ વાતે સુખી, ગૃહસ્થ, વેપારમાં ચાલાક અને જિંદગાનીનો રસ લેવાવાળો માણસ, કેમ એના સાહિત્યિક લખાણોમાં જમાનાની પછાડો ખાતો હોય એવો દેખાય છે? એનાં પાત્રો કેમ બધાં એક જ રસાયણમાંથી બન્યાં હોય એવું લાગે છે? બધાંની બોલી કેમ એક જ પ્રકારની બની જાય છે: સંજોગોએ અમને પરેશાન કરી મૂક્યા છે. શું બક્ષીની આત્મ-છબિ (સેલ્ફ ઈમેજ) એવી છે? કે પછી 'પ્રતિ-વાદ'નું ઓબ્સેશન એમને ત્યાં પણ એવું કરવા દોરવે છે, પોતે જેવા નથી એવા ચિત્રિત થવામાં એક પ્રકારનું સુખ અનુભવે છે? પત્રોમાં, વાતોમાં, દિન-પ્રતિ-દિનના વ્યવહારમાં અટ્ટહાસ્યોમાં મહાલતા, હસાતા-હસાવતા બક્ષી ગંભીરતાનો 'પોઝ' કરે છે? બક્ષી માણસ તરીકે, મિત્ર તરીકે જેટલા મજેદાર લાગે છે, એટલા લેખક તરીકે મને નથી લાગતા. પરિચય પહેલાં મને એમનું લખાણ જેટલું આકર્ષક લાગતું હતું, એટલું હવે નથી લાગતું. કારણ કે બક્ષીને હું એટલા કરોડ કલાકોથી ઓળખું છું, કે એમને લેખક તરીકે પૃથક જોવાનો અવસર મળ્યો નથી. અને હું પૃથક થઈ જોવાનો ઈરાદો પણ નથી રાખતો; મને મિત્રો ગમે છે, માણસો ગમે છે, બંને રીતે બક્ષી અફલાતૂન ઈસમ છે. બક્ષીને કોમરેડ તરીકે ઓળખનાર એમનું લખાણ ન વાંચે તો કંઈ ગુમાવતા નથી, અને એમના અસંખ્ય મિત્રો એવા છે, જે કદાચ બક્ષી 'લેખક' છે, એ વસ્તુથી માહિતગાર નથી. એ લેખક તરીકે જેટલા આકર્ષક હોય એથી અનેકગણા વધુ આકર્ષક વાત કરનાર, અને વિશેષે સાહિત્યેતર વાત કરનાર, કોમરેડ તરીકે છે, અને એમને જે માત્ર લેખક તરીકે જ ઓળખે છે, એ ઘણું ગુમાવે છે. જો કે, આ કથનનો પણ બક્ષી કદાચ ઝનૂનથી પ્રતિવાદ કરશે.

(ગ્રંથ, મે 1969માં પ્રકટ થયેલો મધુ રાયનો લેખ)

(પુસ્તક: આભંગ)

August 16, 2014

ચંદ્રકાંત બક્ષીનું કયું પુસ્તક કોને અર્પણ?

ચંદ્રકાંત બક્ષીએ તેમના કયા પુસ્તકો કોને અર્પણ કર્યા છે તેની સૂચિ:

નવલકથાઓ
પડઘા ડૂબી ગયા
બકુલાને
રોમા
બકુલને
એકલતાના કિનારા
ચંદ્રાબહેન, કાન્તિભાઈ પૂજારાને
આકાર
શિવજી આશરને
એક અને એક
મધુ રાય, સુધીર દલાલને
પેરેલિસિસ
રીવાને
જાતકકથા
'નેહા'ઓ તથા 'નતાશા'ઓને
હનીમૂન
જયંતિભાઈ મહેતા તથા રમેશ કોટકને
અયનવૃત્ત
મધુ પરીખને
અતીતવન
મંમીને
લગ્નની આગલી રાતે
મધુરીબહેન તથા હરકિસનભાઈને
ઝિન્દાની
બકુલ ત્રિપાઠીને
સુરખાબ
નાનુભાઈ નાયક તથા ડાહ્યાભાઈ નાયકને
આકાશે કહ્યું
અરવિંદ જોષીને
રીફ-મરીના
જયંતિકાબહેન/જયંતભાઈને
દિશાતરંગ
મોહન વેલ્હાળને
બાકી રાત
મોહમ્મદ માંકડને
હથેળી પર બાદબાકી
મીનુબહેન, શુક્લ સાહેબને
હું, કોનારક શાહ...
વેણુ અને ડૉ. પ્રકાશ કોઠારીને
લીલી નસોમાં પાનખર
જે.સી.ને
વંશ
કાન અને આંખ અને જબાનથી માતૃભાષા શીખનારાં 21મી સદીના ગુજરાતી બાળકોને
પ્રિય નીકી...
હંસાબેન/ગુલાબભાઈ મિસ્ત્રી (વેમ્બલી)
શાંતશીલાબહેન/કેશુભાઈ ગજ્જર (ક્રોયડન)
મંજુલાબહેન/ભીખુભાઈ શાહ (વેલિંગબોરો)
લલિતાબહેન/શાન્તિભાઈ શાહ (નોર્ધમ્પ્ટન)
અને કુંજ/વિપુલ ક્લ્યાણીને...
કોરસ
હરેશ, અશોક, જયેશ, મહેન્દ્ર, હીરેન, હેમેન્દ્રને
મારું નામ તારું નામ
વર્ષાબહેન તથા ડૉ. પ્રદીપ પરીખને
સમકાલ
ડૉ. વિદુલા બાવીસી તથા ડૉ. મુકેશ બાવીસીને
વાર્તાસંગ્રહો
પ્યાર
જીવરાજ, અનંત, દેવુભાઈને
એક સાંજની મુલાકાત
રમણીક મેઘાણી, શિવકુમાર જોષીને
મીરા
પની/ભારતી/જ્યેષ્ઠને
મશાલ
સરોજભાભી, લલિતભાઈ બક્ષી
ક્રમશ:
અમૃતલાલ યાજ્ઞિક, નગીનદાસ સંઘવી અને ગુલાબદાસ બ્રોકરને
પશ્ચિમ
ભોગીભાઈ અને ધનજીભાઈને
ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ
આર.જે. મહેતાને
ઇતિહાસ/સંસ્કૃતિ
આભંગ
શકુંતલાભાભી/મહેન્દ્રભાઈને
તવારીખ
પર્શ્યનોના સાયરસ અને ડેરિયસ, આસિરિયનોની સેમીરામીસ, સીરીઅનોના એન્ટીઓક્સ, યૂનાનીઓના ઈસ્કંદર અને સેલ્યુકોસ, કુશાનોના કેડફીસીસ, બેક્ટ્રીઅનોના દિમિત્રિઓસ અને મિનેન્દર, શકોના નહપાણ, હૂણોના તોરમાણ અને મિહિરગુલ, શ્રી લંકાના પરાક્રમબાહુ, તિબ્બતના સ્ત્રોંગ-સાંગ-ગામ્પો, અરબોના ઈબ્ન કાસિમ અને ગઝનવીઓના મુહમ્મદ, ઘોરીઓના શહાબ-ઉદ-દીન અને મામલુક ઐબક, ખિલજી અલ્લાઉદ્દીન, તુઘલિક મુહમ્મદ, સમરકંદના તૈમુર અને ફરઘાનાના બાબર, તુર્ક અને તાતાર અને મંગોલ, ફિરંગીઓના ડા'ગામા અને આલ્બુકર્ક ફ્રેંચોના દુપ્લે અને અંગ્રેજોના ક્લાઈવ, ઈરાનીઓના નાદિર કુલી અને અફઘાનોના અબ્દાલી, પાકિસ્તાનીઓના અય્યુબ અને યાહિયા...ની સામે પિતૃભૂમિને અઢી હજાર વર્ષ સુધી જીવંત રાખનાર અનામ વીરોને...
વિજ્ઞાન વિશે
કાન્તિ ભટ્ટને
સ્ટૉપર
સ્મિતાબહેન અને રણિતભાઈને
સ્પાર્કપ્લગ
મનુભાઈ કટારીઆને
એ-બી-સીથી એક્સ-વાય-ઝી
સુરભિબહેન અને મહેન્દ્રભાઈ દેસાઈને
ચંદ્રકાંત બક્ષીના ઉત્કૃષ્ટ નિબંધો
અવિનાશ પારેખને
ગુજરાત/પ્રવાસ
મહાજાતિ ગુજરાતી
ધર્મ, રંગ, જાતિ, ભૂગોળ, સેક્સ અને રોટીના સંબંધોની પાર જીવતા દુનિયાભરના ગુજરાતીઓને જેમણે આપણી પ્રજાને મહાજાતિ બનાવવામાં એમનું યોગદાન આપ્યું છે અને આપતા રહ્યા છે.
ગુજરે થે હમ જહાં સે
પાકિસ્તાનના હમઝુબાં મુરબ્બીઓ અને હમખયાલ મિત્રો અબ્દુસ્સત્તાર રોઝી, આદમ સુમરોને...(ઉપરાંત અન્ય મિત્રોની લાંબી સૂચિ છે)
પિતૃભૂમિ ગુજરાત
મારા સાહિત્ય પૂર્વજો નર્મદ, મુનશી, મેઘાણીને...
અમેરિકા અમેરિકા
અમેરિકા નિવાસી મિત્રોની લાંબી સૂચિ
રશિયા રશિયા
હસમુખ ગાંધીને
દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકા નિવાસી પરિચિતોની લાંબી સૂચિ
વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ
જનક શાહને
ઈંગ્લંડ અને અમેરિકા (1997)
હંસાબહેન અને ગુલાબભાઈ મિસ્ત્રીને
આત્મકથા
બક્ષીનામા
વંશવૃક્ષને અર્પણ
જ્ઞાન-વિજ્ઞાન શ્રેણીના લેખસંગ્રહો
જ્ઞાન-વિજ્ઞાન ભાગ-1, ભાગ-2







અર્પણ "પ્રિય વાંચનાર"ને
શિક્ષણ ભાગ-1, ભાગ-2
અર્થશાસ્ત્ર
ઇતિહાસ ભાગ-1, ભાગ-2
રાજકારણ ભાગ-1, ભાગ-2
સમાજ ભાગ-1, ભાગ-2
ગુજરાત ભાગ-1, ભાગ-2
ગુજરાતી ભાષા અને સાહિત્ય ભાગ-1, ભાગ-2
સ્ત્રી
રમતગમત
પત્રકારત્વ અને માધ્યમ ભાગ-1, ભાગ-2
દેશ
વિદેશ
આનંદરમૂજ ભાગ-1, ભાગ-2
વિવિધા ભાગ-1, ભાગ-2
યુવાનોને સપ્રેમ શ્રેણી
યુવતા
નિશિતાને
સાહસ
અર્પિતા/અલકા/સુરેન્દ્રને
સંસ્કાર
સોનિયા/આલોકને
શિક્ષણ
નમિતા/નિશિતાને
સામયિકતા
સ્મિતાબહેન/રણિતભાઈને
જીવનનું આકાશ શ્રેણી
ઉપક્રમ
જોઝને
ક્રમ
આઈરીન/પ્રવીણભાઈ શાહને
અનુક્રમ
રમેશ પુરોહીતને
અતિક્રમ
સુશીબહેન તથા પ્રેમભાઈને
યથાક્રમ
લલિતાબહેન તથા ડૉ. સુરેશ પરીખને
વિક્રમ
વર્ષાબહેન/ડૉ. પ્રદીપ પરીખને
પરાક્રમ
યશોદાબહેન અને વસંતને
પ્રકીર્ણ
અન્ડરલાઈન
-
આદાન
સંસ્કાર અને શિક્ષણમાં જેમને ઊંડો રસ છે એવા સહૃદયી મિત્રો શરદભાઈ લ. પટેલ, કિરણભાઈ લ. પટેલ (અમેરિકન સ્પ્રિંગ ઍન્ડ પ્રેસિંગ વર્ક્સ પ્રા લિ) તથા કુ. માણિક પિટકે શિક્ષણાધિકારી, પશ્ચિમ વિભાગ, મુંબઈને સપ્રેમ
પ્રદાન
સંસ્કાર અને શિક્ષણમાં જેમને ઊંડો રસ છે એવા શુભેચ્છકો અને માર્ગદર્શકો શ્રી ગોવિંદજીભાઈ શ્રોફ, શ્રી કાન્તિસેન શ્રોફ (કાકા), શ્રી શશીકાંતભાઈ શ્રોફ, શ્રી ભરતભાઈ રેશમવાલાને સાદર
ઈંગ્લિશ વર્ડ : ગુજરાતી પર્યાય
-
નવાં નામો
-
સેક્સ : મારી દ્રષ્ટિએ
-
વિકલ્પ શ્રેણી
સંસ્કાર અને સાહિત્ય
મારી 23 નવલકથાઓના કથાનાયકો... પ્રકાશ શાહ (પડઘા ડૂબી ગયા), રાજેન કિલ્લાવાળા (રોમા), નીલ શાહ (એકલતાના કિનારા), યશ શાહ (આકાર), જિત શાહ (એક અને એક), અરામ શાહ (પેરેલિસિસ), ગૌતમ શાહ (જાતકકથા), પાર્થ શાહ (હનીમૂન), વિરાગ (અયનવૃત્ત), ધૈવત શાહ (અતીતવન), પોરસ શાહ (લગ્નની આગલી રાતે), વેન્તુરા (ઝિન્દાની), આંત્વા (સુરખાબ), આકાશ શાહ (આકાશે કહ્યું), અંકુશ શાહ (રીફ મરીના), તરંગ શાહ (દિશાતરંગ), વિક્રાન્ત શાહ (બાકી રાત), કર્ણ શાહ (હથેળી પર બાદબાકી), કોનારક શાહ (હું, કોનારક શાહ...), કુશાન શાહ (લીલી નસોમાં પાનખર), મલ્હાર શાહ (વંશ), રૂપ શાહ (પ્રિય નીકી...), અગ્નિદેવ શાહ (કોરસ)...ને
ધર્મ અને દર્શન
Same as above
માદા અને નારી
Same as above
કાલ અને આજ
Same as above
રાજકારણ
રાજકારણ ગુજરાત (1989-1995)
સંદીપભાઈ ઝવેરીને
રાજકારણ ભારત (1989-1995)
ભાવેશ શેઠ અને સંજય શાહને
ગોધરાકાંડ : ગુજરાત વિરુદ્ધ સેક્યુલર તાલિબાન
કુન્દન વ્યાસને
મહાત્મા અને ગાંધી
રેવન્ત, વૈભવીબહેન, અક્ષય ભટ્ટને
આઝાદી પહેલાં
કૃષ્ણ, સ્મિતાબહેન, ડૉ. પંકજ નરમને
આઝાદી પછી
કૃષ્ણ, સ્મિતાબહેન, ડૉ. પંકજ નરમને
નવભારત શ્રેણી
સ્ત્રી વિષે
ડૉ. પમી શેઠ અને ડૉ. ભરત શેઠને (શિકાગો)
મિજાજ અને દિલદરિયા
બકુલાબહેન અને હેમાંગ પટેલને (ન્યૂ જર્સી)
અસ્મિતા ગુજરાતની
વિઠ્ઠલ પંડ્યાને
મૅનેજમેન્ટ અને બિઝનેસ
ચંદુભાઈ મટાણીને (લેસ્ટર, ઈંગ્લંડ)
ટી.વી. પહેલાં અને ટી.વી. પછી
પ્રફૂલ્લ કામદારને
મેઘધનુષ્ય
અંજુ અને પ્રદીપ શાહને
વાગ્દેવી શ્રેણી
બસ, એક જ જિંદગી
ફાલ્ગુનભાઈ પટેલને
ખાવું, પીવું, રમવું
ભોલાભાઈ ગોલીબારને
દેશ-પરદેશ
મોનાબહેન અને વિમલ શાહને
રમૂજકાંડ
આશા અને જસવંતને (જર્સી સીટી)
ખુરશીકારણથી રાષ્ટ્રકારણ
જીતુભાઈ મહેતા, રામ ગઢવી અને રાજેશ ભગતને (ન્યુ યોર્ક)
શબ્દ અને સાહિત્ય
ઈશાની અને ચંદ્રકાંત (ચંદુ) શાહને...(બોસ્ટન)
નમસ્કાર શ્રેણી
યાદ ઇતિહાસ
ડૉ. પ્રવીણ તોગડિયા, ડૉ. કૌશિક મહેતા, ડૉ. રાજેશ શાસ્ત્રીને
ભારત મહાન
રમેશ કોટકને (મુંબઈ)
દર્શન વિશ્વ
ભૂપતભાઈ વડોદરિયાને
દેશ ગુજરાત
કાશીરામ રાણાને
વાતાયન શ્રેણી
જીવન અને સફર
પ્રવીણભાઈ ગડાને
સાહિત્ય અને સર્જન
શીલા ભટ્ટ/કાન્તિ ભટ્ટને
ગુજરાત અને ગુજરાતી
દિગંત ઓઝાને
સ્ત્રી અને કવિતા
સુવર્ણાબહેન અને અરવિંદભાઈ પારેખને
વર્તમાન શ્રેણી
મૌજ અને શોખ
હર્ષદીતસિંહ/રેણુબહેન/રણજિતસિંહ ધિલ્લોંને...
દૂધમાં લોહીનાં ટીપાં
વિનુ મહેતાને
મિડિયા, કાવ્ય, સાહિત્ય
પુષ્પાબહેન અને મનહર શેઠને
રાજનીતિ અને અનીતિકારણ
સંજય કોઠારી/બકુલ મહેતાને
64 લેખો
સંજય કોઠારી/બકુલ મહેતાને
અન્ય
લવ... અને મૃત્યુ
મારી 26 નવલકથાઓના સ્ત્રીપાત્રોને:  અલકા (પડઘા ડૂબી ગયા), રોમા (રોમા), નીરા, નીશી (એકલતાના કિનારા), શીખા, નીવા, લીરા, સરના, શોભારાની, રેખા, બુલબુલ (આકાર), સપના (એક અને એક), આશિકા દીપ, મારીશા (પેરેલિસિસ), આમ્રપાલી, આશના (જાતકકથા), નીમા (હનીમૂન), નીકી (લગ્નની આગલી રાતે), ઝિન્દાની (ઝિન્દાની), વિપાશા, બેદાના, સુરખાબ (સુરખાબ), અંતરા, નિશિતા, સંઘમિત્રા (આકાશે કહ્યું), સુરોમા, મદિરા (રીફ-મરીના), દિશા (દિશાતરંગ), કેયા (બાકી રાત), કપિલા શાહ, મોનાલીસા, ગૌતમી, મિશેલ, ઝીનોબીઆ (હથેળી પર બાદબાકી), ઈરા, માલવિકા, રિબેકા, ગંગોત્રી (હું, કોનારક શાહ...), રૂપા, તક્ષશિલા (લીલી નસોમાં પાનખર), દેવયાની, પ્રિયદર્શિની, રચના, આશાવરી, સરગમ, સપ્તપદી (વંશ), તક્ષશિલા, નીકી (પ્રિય નીકી...), યામા, મહાદેવી, તેજસ્વિની, કોશના, નતાલિયા (કોરસ), અંબિકા, વાગ્દેવી, કુમકુમ, બનાસ, અનુશ્કા (મારું નામ, તારું નામ), આશના, વિમુક્તિ (સમકાલ)
નેપથ્ય
ગીતાબહેન અને અશોકભાઈ વશીને
શબ્દપર્વ
રમેશજીને (શ્રી રમેશચંદ્ર અગ્રવાલ)
વિવિધ ગુજરાત
અજય ઉમટને
35 લેખો
રમેશ તન્નાને
શ્વાસની એકલતા
બકુલાને
માઈક્રોસ્કોપ
ભરત ઘેલાણીને
ટેલિસ્કોપ
ચિત્રાબહેન અને વૃંદાવન સોલંકીને
પડાવ અને મંઝિલ
કિરણ વડોદરિયાને
યાર બાદશાહો
ભારતીબહેન અને સંજય ઉદ્દેશીને
મિસિંગ બક્ષી
શક્તિસિંહ ગોહિલને
ક્લોઝઅપનું સ્માઈલ પ્લીઝ
ટીકુબહેન (હર્ષા) અને નિરંજનભાઈ એન્જિનિયરને...
કહેવત-વિશ્વ
ડૉ. તેજસ પટેલને
ઈગો
કાજલ ઓઝાને