જે દિવસે કલમ ઉપાડી હતી એ દિવસે જ બગાવત શરૂ થઈ હતી, એ દિવસોમાં પત્રકાર કે પત્રકારત્વ શબ્દના શબ્દાર્થની ખબર ન હતી. આજે થોડી ખબર પડી છે. શબ્દ ઝાંખો પડી ગયો છે અને અર્થ ઘટ્ટ બન્યો છે. અર્થ એટલે પૈસા. પત્રકારને માટે આજે પૈસાનું પ્રલોભન વધ્યું છે. ભેટસોગાદો વધી છે. પત્રકારની કલમની શાહી પણ એની પોતીકી રહી ન શકે એ સ્થિતિ છે. જે શાહી ખરીદી આપે છે, એ જ શબ્દો પસંદ કરી આપે છે. લેખન ઓછું થયું છે, લખાવટ વધી છે. લખાવટનું પ્રમાણ વધ્યું છે.
અને છાપાં વધ્યાં છે. છાપાં એટલે જે છાપીને બહાર પડે એ પાનાં. વર્તમાનપત્ર છે, જેમાં વર્તમાન છપાય. રોજ બનતી સાંપ્રત જીવનની, વર્તમાનની સપાટી પર ઘટતી ઘટનાઓ, આજે એવાં પણ વર્તમાનપત્રો છે જેમાં પરમ દિવસે બનેલી ઘટના અને ગઈ કાલે વંચાઈ ગયેલી ઘટના, આજે છપાઈ રહી છે. એ વર્તમાનપત્ર નથી, એ ભૂતપત્ર છે! ગુજરાતી ભાષામાં વર્તમાનપત્ર છે અને ભૂતપત્ર પણ છે. ભૂતકાળની વાત? કે ભૂત લખે છે એ વાત? ભૂતિયા તરજુમિયાઓ વિના કયું ગુજરાતી છાપું આજે ચાલી શકે એમ છે?
કેટલાંક ભૂતપત્રો છે, તો કેટલાંક ભીંતપત્રો છે. ચીનમાં વૉલ-પેપર અને ન્યૂઝપેપર એ તદ્દન જુદી વિદ્યાઓ છે. ગુજરાતી ભાષામાં વૉલપેપર અથવા ભીંતપત્ર નથી એવું માનવાને કારણ નથી. ગુજરાતી વૉલપેપર કદાચ પૂરું છાપું ન હોય તો એનાં અમુક પાનાં વૉલપેપર જેવાં છે. અને ગુજરાતી ભાષામાં સમૃદ્ધ, વિચારોત્તેજક, અભિપ્રાય ઘડનારા સમાચારપત્રો પણ છે. સમાચારપત્રનું કામ છે સમાચાર આપવાનું, દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરવાનું, સમીક્ષા કે પૃથક્કરણ કરવાનું, વિચારતા કરવાનું...અને સતત વિરોધ કરવાનું! હા, સમાચારપત્ર ગંધકની જેમ સડેલી ચામડીને જલાવી શકે છે, અથવા લેસર કિરણોની જેમ કોટરાઈઝ કરી શકે છે. અથવા તાનપુરાનો રોલ પણ અદા કરી શકે છે. દરેક સમાચારપત્રે પોતાના રુચિભેદ, દ્રષ્ટિભેદ અને મતભેદની માત્રા નક્કી કરી લેવાની હોય છે.
ગુજરાતનાં કેટલાંક છાપાંઓનું પહેલું પાનું ન્યૂઝપેપર લાગે છે પણ છેલ્લું પાનું વૉલપેપર હોય છે! હવે સમાચારપત્રો વાંચનારો વર્ગ વધ્યો છે અને સ્પર્ધા વધી છે એટલે છાપાઓને સુધરવું જ પડે એ આશાસ્પદ સ્થિતિ આવી રહી છે. ખાસ કરીને મુંબઈનો ગુજરાતી વાચક હવે વધુ ખુશકિસ્મત બની રહ્યો છે. સાઠ કે સિત્તેર કે પંચોતેર પૈસામાં એને જાહેરખબરોનું કેટલોગ, ફોટાઓ, સમાચારો અને દળદાર રદ્દી બધું જ મળી શકે છે. છાપાંઓના જગતમાં સમાચારોનું જેમ "રિ-સાઈક્લિંગ" થાય છે એમ છાપાંઓની પસ્તી કે રદ્દીના જગતમાં છાપાંઓનાં પાનાંનું પણ "રિ-સાઈક્લિંગ" થાય છે!
અને ગમ્મતની વાત એ છે કે અંગ્રેજી છાપાંની રદ્દીનો ભાવ ગુજરાતી, મરાઠી કે હિંદીભાષી રદ્દી કરતાં ત્રીસ પૈસા વધારે જ રહ્યો છે. અંગ્રેજી કાગળ ખરાબ હોય અને ગુજરાતીના વધારે સારા હોય તોપણ મુંબઈમાં અંગ્રેજી રદ્દી મોંઘી હોય છે! આખરે રદ્દી અંગ્રેજીની છે અને ભારતમાં અંગ્રેજી અન્નદાતાઓની ભાષા રહી છે. વડાપ્રધાન રાજીવ ગાંધીના એક પણ પ્રધાનની હિન્દીમાં કે માતૃભાષામાં શપથ લેવાની હિંમત હતી? બધાએ શપથ અંગ્રેજીમાં જ લીધા હતા ને? અને આપણું સંવિધાન કે બંધારણ અંગ્રેજીમાં જ લખાયું હતું ને? જગતમાં ભારત એક જ મહાન દેશ છે જેનું રાષ્ટ્રીય સંવિધાન પણ એની પોતાની ભાષામાં લખાયું ન હતું... અંગ્રેજી શબ્દોના ટેકા વિના ગુજરાતી બોલવું કે લખવું ફાવતું નથી. લખવું હજી પણ ફાવે છે પણ બોલવું અસંભવ છે. જેટલા અભણ વધારે એટલા અંગ્રેજી શબ્દો વધારે...
આજે પત્રકારોને પૈસા પ્રમાણમાં સારા મળે છે. (આપણે કાયદેસર મળતા પગારની વાત કરીએ છીએ) પણ નવા પત્રકારો એમના પેશા વિષે ઓછા સભાન છે. ઘણું ઓછું વાંચે છે. કદાચ અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓ વચ્ચે અંતર વધી ગયું છે એ કારણ હોય. તથાકથિત અભ્યાસી કૉલમો લખનારા પણ પગેરું શોધો તો તરજુમિયાઓ છે એ ખબર પડી જાય છે. બધા એવા નથી પણ સન્નિષ્ઠ ઓછા છે, અભ્યાસી જૂજ છે. જેમ ખખડી ગયેલા હિંદી કૉમેડીઅનો ગુજરાતી ફિલ્મોમાં હીરો બનીને કૂદકા મારી શકે છે એમ અંગ્રેજી પત્રોમાંથી ફેંકાયેલા નામો ગુજરાતી છાપાંઓમાં આપણે બહુ પ્રતિષ્ઠા આપીને ચમકાવીએ છીએ, ગુજરાતી છાપાંઓ સૌથી વધુ પૈસા પણ આ અંગ્રેજીના કચરાને આપે છે! આપવા જ જોઈએ, કારણ કે એ કચરો અંગ્રેજી છાપામાંથી ફેંકાયેલો છે અને હીનતાગ્રંથિ ગુજરાતીઓની કમજોરી માત્ર નથી, ગુજરાતીઓની હૉબી છે, રસરુચિ છે. આપણી ભાષામાં અભ્યાસી લેખકો ઓછા છે, અને એમનો બજારભાવ પણ ઓછો છે! આ વિરોધિતા સમજાતી નથી.
1975ની કટોકટી દરમિયાન ભારતના સમાચારપત્રો પાસે બે જ સ્વતંત્ર સ્તંભો હતા: એક કાર્ટૂન અને બીજું વાચકોના પત્રો! ગુજરાતી છાપાંઓએ એક વાર 'ટાઈમ' સામયિકે કહેલી વાત વિચારવા જેવી છે: અમે જો મહાન હોઈએ તો તો એનું કારણ એ છે કે અમારા વાચકો મહાન છે! વાચકોના પત્રો એ કોઈ પણ સમાચારપત્રની ગુણવત્તાનું બેરોમીટર છે. ભાયંદરમાં ગટર ખૂલી ગઈ છે કે મલાડની પોસ્ટ ઑફિસના ડબ્બામાં કવર નાખી શકાતું નથી એ બરાબર છે. એનો પ્રતિસાદ છાપાંઓ દ્વારા પડી શકે છે પણ વાચકોનો એ જ ધર્મ નથી. બેસ્ટ કંપનીના કંડક્ટરની ઉદ્ધતાઈ એની જગ્યાએ બરાબર છે. ઉદ્વેગ પ્રકટ કરવા માટે છાપામાં જરૂર લખી શકાય. પણ વાચકે ખૂટતું ઉમેરવાનું કાર્ય કરવાનું હોય છે. ગુજરાતી છાપાંઓએ આ બાબતમાં વાચકને ઇતિહાસનો સાઝેદાર બનવાની તક આપી નથી. વાચક મિત્ર સિત્તેર પૈસાનો ફેંકનારો ખરીદદાર નથી, એ સૂર્યોદયનો સાથી છે અને સમાચારપત્ર સાથે દિવસની પહેલી હમઝુબાનીનો સંબંધ છે. ગુજરાતી વાચકોના પત્રો ચોથી કાર્બન કૉપી જેવા ઝાંખા, વિધવાના વારંવાર ધોવાયેલા સાડલા જેવા પીળા પડી ગયેલા વૃદ્ધ, સુસ્ત, ઉદાસીન લાગે છે. શા માટે?
(માઈક્રોસ્કોપમાંથી)
No comments:
Post a Comment