March 16, 2013

શરાબ એટલે શર્ર + આબ એટલે આગનું પાણી...

ગુજરાતીઓના દેશમાં દારૂ પીવાતો નથી એ સરકારી સત્ય છે. ગુજરાતમાં મદ્ય માટે દારૂ શબ્દ વાપરવાનો રિવાજ છે. દારૂ ફારસી શબ્દ છે (દાલ-અલીફ-રે-વાવ) અને એનો પ્રથમ અર્થ થાય છે દવા, ઔષધ. દારૂ એટલે બારૂદ અથવા ગનપાઉડર એવો પણ અર્થ થાય છે. દારૂખાનાના પણ બે અર્થો ફારસીમાં મળે છે, દવાની ફાર્મસી અથવા દવાખાનું, અને બારૂદ બનાવવાનું કારખાનું, જે બારૂદ આતશબાઝીમાં વપરાય છે. ગુજરાતી ભાષામાં દવાદારૂ શબ્દપ્રયોગમાં બંને શબ્દો સાથે વપરાય છે. જવાની અને બુઢાપાની મારી વ્યાખ્યા સ્પષ્ટ છે : જ્યારે દવા કરતાં દારૂનો ખર્ચ વધારે હોય ત્યારે જવાની સમજવી અને જ્યારે દારૂ કરતાં દવાનો ખર્ચ વધી જાય ત્યારે સમજવું કે બુઢાપો આવી ગયો છે...!

શરાબ જુદી વસ્તુ છે. શરાબ અરબી શબ્દ છે (શીન-રે-અલીફ-બે) અને એ બે શબ્દોના સંયોજનથી બને છે : શર્ર અને આબ. શર્ર એટલે આગ, અને આબ એટલે પાણી ! શરાબ એટલે આગનું પાણી. આગ ભડકાવી દે એવું પાણી. શરર એટલે, શરારા એટલે, શરાર એટલે પણ ચિનગારી. અરબીમાં શરબ એટલે પીવું. અને શરબત શબ્દના મૂળમાં પણ આ શરબ છે. જો કે શરાબ એટલે આગનું પાણી એ અર્થ જ ઝુમાવી નાંખવા માટે કાફી છે....!

શરાબને પાણી સાથે શું સંબંધ છે? રશિયામાં વોદકા પિવાય છે અને રશિયન ભાષામાં 'વદા' એટલે પાણી, અને વોદકા શબ્દ આ વદા પરથી આવે છે. ફ્રેંચમાં બ્રાન્ડી માટે શબ્દ નથી, અને ફ્રેંચો બ્રાન્ડીને 'ઓ દ વી' કહે છે. ઓ દ વી એટલે વૉટર ઑફ લાઈફ અથવા જિંદગીનું પાણી. શરાબમાં પણ આબ કે પાણી છે. વ્હીસ્કી શબ્દ હવે અપરિચિત રહ્યો નથી. પણ 10મીથી 15મી સદી સુધીમાં આયરલેંડની ગેલિક ભાષામાં આ વ્હીસ્કીને 'વીસ્કાબા' કહેતા હતા અને અર્થ થતો હતો : જીવનનું પાણી ! પાછળથી આ શબ્દ ઉપરથી વ્હીસ્કી શબ્દ વ્યવહારમાં આવ્યો.

અંગ્રેજી વાઇનના નિકટનો ગુજરાતી શબ્દ આસવ છે, અને ફારસી શબ્દ છે: મય! મય એટલે (મીમ-યે) દ્રાક્ષ અને ગુલાબનો શરાબ. આપણો દ્રાક્ષાસવ આ મયનો પર્યાયવાચી શબ્દ છે. પણ ઉર્દૂમાં મય ગમે તે શરાબ માટે વાપરી શકાય છે. સામાન્યત: ગુજરાતીઓ, અને મહદ અંશે હિંદુસ્તાનીઓ, મદ્યપાન કરે છે ત્યારે આશય એક જ હોય છે કે એ ચડવો જોઈએ! માટે વાઇનનુંઆપણે ત્યાં મહત્ત્વ બહુ ઓછું છે પણ પશ્ચિમના મદ્યસંસ્કૃત સમાજોમાં વાઇન અને લિક્યોરને બહુ ઊંચા સ્થાને મૂકવામાં આવે છે. વાઇનમાં બિયર કરતાં આલ્કોહોલનું પ્રમાણ જરાક વધારે હોય છે અને સ્ત્રીઓનું પીણું પણ અમુક વર્તુળોમાં ગણાય છે, જેની સાથે હું સહમત નથી!

વાઇનનો ગ્લાસ અડધો ભરવાનો રિવાજ છે. સફેદ વાઇન સફેદ માંસ કે માછલી સાથે, અને રેડ વાઇન લાલ માંસ સાથે લેવાનો રિવાજ છે. બરફ નંખાતો નથી. વાઇન વિષે ઘણી રોચક, રોમાંચક વાતો છે. દક્ષિણ આફ્રિકાના કેપ પ્રદેશમાં ખાસ નસ્લની અંગૂરો પર્વતોના ઢાળમાં વાવવામાં આવે છે કે જેથી બપોરનો ઉગ્ર તડકો આ અંગૂરો પર ન પડે, અને સવારનો મુલાયમ સોનેરી તડકો જ આ અંગૂરોને પકવે, અને અંગૂરો પક્વ થાય એનાથી જરાક પહેલાં રાત્રે એ અંગૂરો ઉતારી લેવામાં આવે કે જેથી એની કુંવારી મુલાયમિયત કાયમ રહે! એક ખાનદાન શરાબી મોસ્કોના ઍરપોર્ટ પર વાઇન લેવા ગયો, ભયંકર ઠંડીમાં બૉટલોનો વાઇન જામી ગયો હતો, શરાબીનું દિલ તૂટી ગયું. એણે બૉટલો ખરીદી, હોટેલની રૂમ પર જઈને વહાલથી ગોઠવી. ધીરેધીરે, ખોવાઈને મળી ગયેલી હસીનાનાં આંસુ ટપકે એમ, વાઇન ઝમવા લાગ્યો. બૉટલોનો વાઇન અને શરાબીની આંખો ચોધાર... વરસતી રહી. પણ કલાકારોને ગમે એવી એક બીજી વાત છે. જર્મનીમાં લેખકોને કાર્લ ઝુકમાયર પારિતોષિક અપાય છે. એ પારિતોષિકમાં ચંદ્રક અને ધનરાશિ તો અપાય જ છે પણ સાથે સાથે સ્વર્ગસ્થ લેખક-નાટ્યકાર કાર્લ ઝુકમાયરના વતન નેકેનહાઇમમાં બનેલા અદભુત વાઇનનું એક પીપ પણ ભરીને આપવામાં આવે છે! ગુજરાતી સાહિત્યના સરકારી ઇનામવિજેતાઓનું ધોરણ સુધારવાની જ જો ગુજરાત સરકારની દાનત હોય તો ગિલીટ ચડાવેલા ચંદ્રકો, જર્જરિત સર્ટિફિકેટો અને બાબા આદમના જમાનાની શાલો ઓઢાડવા ઉપરાંત જગતના શ્રેષ્ઠ વાઇનનું પીપ અને એક ડઝન ચેકસ્લોવાક કટલેસના વાઇન ગ્લાસ પણ સાથે આપવાનું ગંભીરતાથી વિચારવું જોઈએ....!

મુખ્ય શરાબો જેવું કંઈ નથી, પણ વ્હીસ્કી, રમ, બ્રાન્ડી, જીન, બિયર, વોદકા જેવા શબ્દો ઊછળતા રહે છે. પશ્ચિમમાં મદ્યનું શાસ્ત્ર અગાધ સમુદ્ર જેવું છે, અને માણસ જીવનભર એમાં ડૂબકીઓ લગાવતો રહે છે, શરાબનું વિશ્વ 'અનંત શાસ્ત્રં બહુલા શ્ચ વિદ્યા, અલ્પશ્ચ કાલો બહુ વિઘ્નતા ચ' જેવું છે. જીવન ટૂંકું છે અને શરાબોની સૂચિ લાંબી છે. જીન પારદર્શક હોય છે, એમાં લીંબુની છાલથી નારંગીની છાલ સુધી નંખાય છે, ડ્રાય જીન હોય છે, જીન વિથ ટૉનિક હોય છે. હોલંડ, જ્યાં જીનનો જન્મ થયો, ત્યાં એ નીટ અથવા સીધો જ પીવાય છે. શરૂમાં જીનમાં ક્વીનીન (મલેરિયા માટેની કડવી દવા)નું પાણી નંખાતું હતું, અને આજે એમાં ચેરી બ્રાન્ડી નાંખીને 'સિંગાપુર સ્લિંગ' પણ પીવાય છે. શરાબ એ દ્રવ્ય છે જે પીધા વિના પણ તમને પાગલ કરી શકે છે...

બ્રાન્ડી એટલે 'Burnt Wine', એવું મધ્યયુગીન જર્મનો કહેતા હતા અને આજે પણ બ્રાન્ડી એ જ અર્થમાં લેવાય છે. શ્રેષ્ઠ બ્રાન્ડી ફ્રાંસના કોન્યેક પ્રદેશમાં ડિસ્ટિલ થાય છે અને માટે કોન્યેક કહેવાય છે, અને હવે તો બૉટલ ઉપર કોન્યેક પ્રદેશના કયા વિસ્તારમાં આ બનાવવામાં આવી છે એ પણ લખવામાં આવે છે. રમ બહુ સખ્ત ડ્રિંક છે અને અત્યંત ઠંડી હોય અથવા અત્યંત મજબૂત માણસો ભેગા થયા હોય ત્યારે પિવાય છે. ફૌજીઓમાં રમ વધારે લોકપ્રિય છે. રમની સાથે ઘણું મેળવી શકાય છે. કલકત્તામાં જવાનીમાં રમ અને કોકાકોલા પીવાની મજા પણ આવી છે. સસ્તા જોઇન્ટ્સમાં, એક જમાનામાં એ જ પોષાતું હતું ત્યારે શરૂમાં રમ બરાબર અપાતો, પછી ગ્લાસો ખતમ થતા જાય એમ એમ કોકાકોલાની માત્રા વધતી જતી અને રમ ઓછો થઈ જતો, કારણ કે બંનેનો રંગ એક જ હતો, અને એ આધ્યાત્મિક કક્ષાએ પહોંચ્યા પછી વધારે ઓછી માત્રાથી કોઈ ફર્ક પડતો ન હતો. જો કે એ જોઇન્ટના માલિકને જરૂર ફર્ક પડતો હતો કારણ કે એ દિવસોમાં, 1950ના દશકના આરંભ અને મધ્યમાં, કોકાકોલાની એક બૉટલની કિંમત હતી : 4 આના (25 પૈસા) !

બિયર જગતભરમાં પીવાય છે, દક્ષિણ આફ્રિકાના લાગરથી ડ્રાઉટ બિયર અને ડાયટ બિયર સુધી. એક માન્યતા એવી છે કે 8 ટકા આલ્કોહોલવાળા બિયરની એક બૉટલ એ બે પેગ વ્હીસ્કી સમાન છે. જેમ કિશોરમાંથી કુમારમાંથી જવાન થવાય છે એમ સોફ્ટ ડ્રિંક્સમાંથી બિયર પર થઈને વ્હીસ્કી તરફ જવાય છે, એવો શરાબશાસ્ત્રનો નિયમ છે! આ લિક્વીડ ગોલ્ડ કે તરલ સ્વર્ણ કહેવાય છે. જર્મનીમાં 'બોક' બિયર ચર્ચના સાધુઓએ બનાવ્યો હતો, લેન્ટેનના ધર્મોત્સવ સમયે સાધુઓને ઉપવાસ કરતી વખતે બિયરમાંથી પોષણ મળી રહેતું. ગિનનેસના રેકર્ડ વિષે લગભગ દરેક ગુજરાતીને ખબર છે, અને ગિનનેસનો મુખ્ય ધંધો બિયર બનાવવાનો છે. ઇંગ્લંડના પબમાં ગિનનેસ પીધા પછી મજા આવી નથી, પણ દક્ષિણ આફ્રિકામાં લાગર પીવાની સૌથી વધારે મજા આવી છે. જેમ માછલી અને ઈંડાને દુનિયામાં ઘણા નોન-વેજીટેરિઅન ગણતા નથી, એમ બિયરને પણ દુનિયામાં ઘણા દારૂ પણ ગણતા નથી ! અટેન્શન, નશાબંધી મંત્રી, ગુજરાત....!

ક્લોઝ અપ:
પ્રાચીન આર્યગ્રંથોમાં ક્યાંય દારૂબંધી કે નશાબંધી જેવો શબ્દ જ ઉપલબ્ધ નથી.
(રમણ પાઠક, ગુજરાત મિત્ર, એપ્રિલ 21, 1990)

(અભિયાન, ઑગસ્ટ 26, 1996)
(પુસ્તક: ખાવું, પીવું, રમવું)

No comments:

Post a Comment