ક્વોટેબલ ક્વોટ્સ

- કેટલાક કાયદેસર જન્મે છે. કેટલાક જન્મતારીખો સિદ્ધ કરે છે, કેટલાક પર જન્મતિથિઓ થોપી દેવામાં આવે છે.

- દરેક માણસે પોતાનો જ એક બગીચો બનાવવો પડે છે. બીજી સંસ્કૃતિઓમાંથી પૌધા લાવીને વાવવા પડે છે. મનુષ્યત્વ નામનું રસાયણ સમજાતું જાય છે. જન્મ અને કિસ્મત, હાઈડ્રોજન અને ઑક્સિજનની જેમ પ્રમાણસર મળે છે અને જીવનના પાણીનું એક બિંદુ બંધાય છે.

- સ્ત્રીના નિતંબો જોઈને આધ્યાત્મિક આનંદ થવો મારે માટે શક્ય નથી, શરાબનો ગ્લાસ જોઈને બ્રહ્મની કલ્પના કરવી મારે માટે શક્ય નથી. આજે પણ શુદ્ધ ગાંધીવાદી સફેદ એનેમિક મહિલા સાથે વાત કરવા કરતાં હું કામવાળી સાથે વાત કરવી વધારે પસંદ કરું છું.

ગુજરાતમાં રમતગમતના મંત્રી થવું અઘરું કામ છે, સેન્ટર ફોરવર્ડને ગોલકીપિંગ સોંપવા જેવું. ગુજરાતીઓ અને ફૂટબૉલને પાસે લાવવા એ સસલાને ઘોડાનું માંસ ખવડાવવા જેવું કે આંબલી ઉપર કેરી ઉગાડવા જેવું કે બાબુ જશભાઈ પટેલને જીન્સ પહેરાવવા જેવું કે ઉપેન્દ્ર ત્રિવેદીને માયકલ જેક્સનની જેમ બ્રેક-ડાન્સ કરાવવા જેવું કે એથી પણ કઠિન કામ છે.


- હિન્દી ફિલ્મી નટોની લેટેસ્ટ ધર્મપત્ની કે અધર્મપત્ની કોણ છે એનો ટ્રેક-રેકર્ડ રાખવા માટે મિલ્ખા સિંઘ કે પી.ટી. ઉષા જેટલી ઝડપ જોઈએ !


- ખૂબસૂરતી અથવા સૌંદર્ય કામચલાઉ આકર્ષણ છે અને બહુ જલદી બોરિયત લાવી શકે છે. હનીમૂનની ત્રીજી સવારથી સૌંદર્ય એક આદત બનવાની શરૂઆત થઈ જાય છે. આકર્ષણની રાસાયણિક પ્રક્રિયા સમજવામાં તર્ક બહુ કામ આવતો નથી.
 
- લંડનમાં ઘરગૃહસ્થ પૂછે છે: ચા પીશો? મુંબઈમાં આ પ્રશ્ન: ચા પીઓ છો ને? ... અને અમદાવાદમાં આ પ્રશ્ન વિનોદ ભટ્ટ દ્વારા કેવી રીતે પુછાય : ચા પીશું, વહાલા? અમદાવાદમાં "વહાલા" શબ્દ 65 ટકા રાજનીતિક અને 35 ટકા આર્થિક છે!
  
- ભારતમાં પહેલાં બે જન્મકુંડળીઓના મંગળ પ્રેમ કરી લે છે, પછી મનુષ્યો પ્રેમ કરે છે. મજાકમાં કહીએ તો લગ્ન કાગળના બે ટુકડાઓ વચ્ચે નક્કી થાય છે.

- કહેવાય છે કે જવાન રહેવા માટે બે વસ્તુઓ જરૂરી છે: નિર્દોષતા અને આશ્ચર્ય ! બાળકોમાં આ બંને ગુણ હોય છે. મોટી ઉંમરે માણસમાં હોશિયારી આવી જાય છે. એની નિર્દોષતા ચાલી જાય છે. હોશિયાર માણસ પાસે બધા પ્રશ્નોના ઉત્તરો હોય છે, અને એને કોઈ બાબતનું આશ્ચર્ય કે વિસ્મય રહેતું નથી. બાળક પાસે પ્રશ્નો હોય છે, હોશિયારો પાસે જવાબો હોય છે. નિર્દોષતામાંથી જ આશ્ચર્ય પ્રકટ થાય છે અને આશ્ચર્ય પ્રશ્નો ઊભા કરે છે. મોટી ઉંમરે પ્રશ્નો થતા રહે એ જવાનીનું લક્ષણ છે. 

- અમેરિકામાં વૉશિંગ્ટનમાં કેટલાંક વૃક્ષો સ્વચ્છ લાગે એ માટે એમને નિયમિત પાણીથી ધોવાય છે! અને રશિયામાં ઊંચાં ઝાડોની ઉપરની ઘટાઓ ટ્રીમ કરીને ઘુમ્મટના આકારની બનાવેલી મેં જોઈ છે! આપણે જે રીતે લૉનને આકાર આપીએ એ રીતે એ લોકો ઊંચાં વૃક્ષોને આકાર આપે છે...! આ કઈ રીતે નિયમિત કરી શકાતું હશે એ હિંદુસ્તાની કે ગુજરાતી દિમાગ માટે સમજવું જરા મુશ્કેલ છે! આપણે ત્યાં કોઈએ રેલવે સ્ટેશનોને, લોખંડના થાંભલાઓને રંગ થતા જોયા છે?

- ગુડ્ઝનો ડબ્બો ડી-લક્ષ ટ્રેનમાં જોડાવાથી કુપ (coupe) બનતો નથી. એ ગુડ્ઝનો ડબ્બો જ રહે છે. સાહિત્ય પરિષદમાં બગાસાં ખાતાં બેસી જવાથી કોઈ ગુજરાતી લેખક બન્યો નથી. જેમ બૂઢાનું નામ બચુભાઈ પાડવાથી એ કુમાર બની જતો નથી એમ જ પરિષદના મંચ પરથી ઊછળીને પાંચ મિનિટ બોલી લેવાથી લેખક ક્રાન્તિકારી બનતો નથી. એ લેખક પણ બનતો નથી! કાગડાની ભાષા જેમ બીજો કાગડો સમજી શકે એમ ગુજરાતી વિદ્વાનની ભાષા ગુજરાતી વિદ્વાન જ સમજે - પ્રોફેસરી કાકારવની આ ગમ્મત છે અને એ સાહિત્ય પરિષદમાં સાંભળવા મળે છે. સિંહની ગર્જના બધા જ સમજી શકે, એનું ભાષ્ય ન આપવું પડે.

- જવાની અને બુઢાપાની મારી વ્યાખ્યા સ્પષ્ટ છે : જ્યારે દવા કરતાં દારૂનો ખર્ચ વધારે હોય ત્યારે જવાની સમજવી અને જ્યારે દારૂ કરતાં દવાનો ખર્ચ વધી જાય ત્યારે સમજવું કે બુઢાપો આવી ગયો છે...! 

- ઈતિહાસમાં દરેક સમાજમાં સ્ત્રી રાજનીતિની સાથે જ રહી છે, અને એણે રૂપ અને સેક્સને અસ્ત્ર અને શસ્ત્ર તરીકે વાપર્યાં છે. જે હાથથી ફેંકવામાં આવે છે એ હથિયાર અસ્ત્ર છે (રૂપ) અને જે પોતાની પાસે રાખીને વાપરવામાં આવે છે એ હથિયાર શસ્ત્ર (સેક્સ) છે. 

- જે લેખકને છાશ પચતી નથી અને રોજ રાત્રે ત્રણ જાતના જુલાબો લેવા પડે છે એ સલાહ આપે છે તગડા કેમ થવું? અને વર્ષમાં સાડા સાત મહિના શરદીથી છીંકાછીંક કરતાં વાચકો આ લેખકોને વાંચે છે, અને આપણને કહી પણ જાય છે કે શિયાળામાં એરંડિયાનું સેવન ગુણકારી છે.

- ગુજરાતી વિવેચન એક ટ્રેજિક માસ્તરી રમત થઈને રહી ગયું છે, 45 મિનિટના પીરિયડ જેવું એકવિધ અને નિરસ. તમે બધા, પ્રોફેસર-વિવેચકો, ઊંધું ટેલિસ્કોપ રાખીને સાહિત્યની પરીક્ષા કરી રહ્યા છો. તમે અન્યાય થયેલા બાળકના આંસુની 'સ્પેસિફિક ગ્રેવિટી' માપવા માંગો છો, રેસીપી બુકમાં માની રોટલીની મીઠાશ શોધી રહ્યા છો, ઔરતની છાતીના દૂધના બજારભાવ કાઢી રહ્યા છો, મશીનોથી કરોળિયાનાં જાળાં ગૂંથવાની કોશિશ કરો છો. આ 'ટ્રેજીકોમેડી' ગુજરાતના જવાન વિદ્વાનોની છે, એવું મને લાગ્યા કરે છે. 

- જેમ કિશોરમાંથી કુમારમાંથી જવાન થવાય છે એમ સોફ્ટ ડ્રિંક્સમાંથી બિયર પર થઈને વ્હીસ્કી તરફ જવાય છે, એવો શરાબશાસ્ત્રનો નિયમ છે! 

- ઈંગ્લંડમાં પાર્લમેન્ટના મકાનમાં પ્રવેશ કરવો હોય તો જોવાનું કે ઈંગ્લંડનો યુનિયન જેક ધ્વજ ઉપર લહરાઈ રહ્યો છે કે નહીં. જો ધ્વજ ફરકતો હોય તો પાર્લમેન્ટ સેશનમાં છે. ન હોય તો રજા છે. એટલે બહારથી ખબર પડી જાય છે કે પાર્લમેન્ટ ચાલી રહી છે કે નહીં. આપણે ત્યાં ગાંધીનગરમાં કેન્ટીનમાં છોકરાંને જલેબી-ગાંઠિયાનો ઑર્ડર આપતી વખતે પૂછી લેવાનું: "પોરિયા! આજકાલ સરકાર ચાલે છે કે?' અને પોરિયો જો ઉત્તર આપે કે "હોવે...!" તો પછી કોઈ ધારાસભ્યની આરાધના કરવાની.

- આત્મકથા એવી હોવી જોઈએ જેમાં કંઈક બનવું જોઈએ. જીવન જિવાયું છે એ દેખાવું જોઈએ. બાકી તો માર્ક ટ્વેઈને લખ્યું છે એમ ઘણાખરાના જીવન વિશે એક જ વાક્ય લખી શકાય: એ 30 વર્ષે જન્મ્યો અને 60 વર્ષે દફન થયો...

- આપણા મહાન કવિઓ, નાટ્યકારો, મહાન ગાયકોનાં નામો આપણી પાસે છે પણ મહાન શિલ્પીઓ કે મહાન સ્થપતિઓનાં નામોથી આપણે અપરિચિત છીએ. પથ્થર કે આરસ પર કામ કરનારો શૂદ્ર હતો એ કારણ હશે? કે પછી આપણી સંસ્કૃતિ જ ધનપૂજક છે અને કલાપૂજક નથી? પશ્ચિમમાં આવું નથી.

- બર્બર-તુર્ક-પઠાન આક્રમકો અને ધર્માંધ અને વહશી મુઘલ પાદશાહોએ મંદિરો-મૂર્તિઓની જે અમર્યાદ તોડફોડ કરી છે એ પણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયેલી છે. યુરોપીય ઈતિહાસે આવી જંગલી પ્રજા માટે 'વેન્ડાલ' અને એ વિનાશ માટે 'વેન્ડેલીઝમ' શબ્દો વાપર્યા છે. 

- ધાર્મિક કથાઓ અને પ્રવચનો લોકપ્રિય હોવાનું એક કારણ એ છે કે લોકો નિરક્ષર છે. જે સ્ત્રીને વાંચતાં આવડતું નથી એને માટે કથા સાંભળવા બેસી જવું એ બીજો શ્રેષ્ઠ માર્ગ છે! જેમને થોડું પણ વાંચતાં આવડે છે એમને ક્યારેક વાંચવાનો કંટાળો આવે છે અને જેમને ઘણું વાંચતા આવડે છે એમને વાંચવા માટે પુસ્તકો મળતાં નથી!

- દરેક ધાર્મિક ગુરુ કે ગોડમેન મહાન વક્તા હોય છે. એ એના ધંધા માટે જરૂરી છે, જેમ હાઈકોર્ટના વકીલ પાસે સરસ અંગ્રેજી હોવું જરૂરી છે એમ! 

- ગુજરાતી ફિલ્મો વિકલાંગ જ રહી, પચ્ચીસ વર્ષો થયાં, પચાસ વર્ષો થયાં પણ સરકારી બોટલમાંથી ડબલ ટોન્ડ દૂધ દિવસમાં ચાર વાર પીવાની એની આદત છૂટી જ નહીં. આટલા ગમાર હીરો અને આટલી ગંદી હીરોઈનોને વર્ષો સુધી જોયા કરનારી પ્રજા કેવી હશે? જગતના જાડિયા હીરો લોકો જોવા હોય તો ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ. ગુજરાતી ફિલ્મો એના વજનથી, સરકારી ઈનામોના વજનથી, હીરો લોકોના ડેડ-વેઈટથી ડૂબી ગઈ. પણ પ્રજાના મનની જલસપાટીમાં ગ્લાનિ કે વેદનાનું એક પણ સ્પંદન આવ્યું નહીં.

- સરસ્વતીચંદ્ર મને કોઈ દિવસ બહુ મહાન કૃતિ લાગી જ નથી. એ મને ફોસિલ લાગી છે. ફોસિલ એટલે અશ્મિયુગનું ઉત્ખનન કરીને પ્રાપ્ત કરેલું એકાદ હાડકું, એકાદ દાંત, એકાદ જડબાનો ટુકડો, જેના પરથી એ કાલખંડના પૂરા મનુષ્યપ્રાણીનું હું કલ્પનાચિત્ર સર્જી શકું છું. ફોસિલ ઈતિહાસથી પૂર્વ પરા-ઈતિહાસ અને એથી પણ પૂર્વ પ્રાગૈતિહાસિકનું હોઈ શકે છે. ફોસિલનું ઐતિહાસિક મહત્ત્વ છે, ભૂસ્તરીય મહત્ત્વ છે, નૃવંશીય મહત્ત્વ છે. ગોવર્ધનરામ મારે માટે ગુજરાતી નવલકથાનું પ્રથમ ચરણ છે, પણ સરસ્વતીચંદ્ર એ શ્રેષ્ઠ નવલકથા નથી, આજની શ્રેષ્ઠ નવલકથા નથી. ગુજરાતી સાહિત્યની સર્વકાલીન ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા મને લાગી નથી. 

- સાહિત્ય સાહિત્ય હોય છે, સારું હોય છે અથવા ખરાબ હોય છે, એ દલિત કે લલિત હોતું નથી. ભાટિયા પ્રેમ કે વાઘરી દોસ્તી કે આદિવાસી આંસુ કે જૈન હાસ્ય કે પાટીદાર દુશ્મની જેવું કંઈ હોય તો મને ખબર નથી. માતૃપ્રેમ કે વફાદારી કે ઉલ્લાસ કે નિર્દોષતા કે વીરત્વને જાતિવાચક કે સમૂહવાચક વિશેષણો લગાવવાની જરૂર નથી.

- જોષી અને વૈજ્ઞાનિકનો મારી દ્રષ્ટિએ ફરજ એક જ છે. જોષી ક્યારેય ભૂલ કરતો નથી, વૈજ્ઞાનિક ભૂલો કરતો રહે છે અને આસમાનના ગ્રહોને સ્પર્શી આવે છે. જોષી કાગળ ઉપર ચોકડીઓ કરીને આકાશના ગ્રહો સાથે રમ્યા કરે છે! શૂન્ય ચોકડીની રમત કદાચ જન્મકુંડળીઓ પરથી જ આવી હશે, નવરા જોષીઓની સામે પડેલી જન્મકુંડળીઓમાંથી.

- વિજ્ઞાન અને કલાનો એક ફરક છે. કલામાં મારા પૂર્વજ અને મારી વચ્ચે માત્ર એક ભાવનાત્મક સંબંધ છે, જે બિંદુ પર અટકે છે ત્યાંથી મારે શરૂ કરવાનું નથી. મારું આરંભબિંદુ અને મારું અંતબિંદુ મારા જીવનની જેમ મારાં પોતાનાં છે. વિજ્ઞાનની દુનિયામાં એક આઈનસ્ટાઈનની પાછળ એક ન્યુટન જરૂર રહેલો છે. ન્યુક્લીઅર પાવર કે સૌરઊર્જા કે વિદ્યુતની પાછળ કોલસો છે અને કોલસાના પહેલાં લાકડું ઊર્જાનો સ્ત્રોત હતું. વિજ્ઞાન એક પરંપરા છે, કલા અંશત: એક પ્રણાલિકાનું ભંજન છે. કલામાં ભૂલ નામનો શબ્દ બાહ્ય છે, બહુ સાંદર્ભિક પણ નથી. વિજ્ઞાનમાં ભૂલ એ બુનિયાદ છે અને ગુંબજ છે. ભૂલ એક સહાયક શબ્દ છે. 

- અમેરિકામાં રાષ્ટ્રપતિ કૅનેડીએ કહ્યું હતું કે જે માણસ સવારે 8-30 વાગે ઘરથી નીકળે છે, અને સાંજે 5-30 વાગે ઘરે પાછો ફરે છે એ અમેરિકન હીરો છે. મુંબઈનો હીરો કોણ છે? બૉલિવુડમાં, બાફેલા બટાટા જેવી સુંવાળી દાઢી પર મેક-અપ કરીને આયનાની સામે બેઠેલો પુરુષ નથી, મુંબઈનો હીરો એ માણસ છે જે સવારના 8-30 વાગે ટ્રેન કે બસમાંથી નીકળે છે, અને સાંજે 8-30 વાગે ઘેર પાછો ફરે છે, અને માર્ગમાંથી માતા માટે દવા, પત્ની માટે શાક અને સંતાનો માટે ચૉકલેટ લઈને આવે છે, એ મારી દ્રષ્ટિએ મુંબઈનો હીરો છે.

- વિપક્ષોનો વિકલ્પ ચંદ્રની બીજી અંધારી બાજુ જેવો છે જે આપણે જોઈ શકતા નથી! આ સ્થિતિ ભારતવર્ષના વિપક્ષોને સૌથી વધુ લાગુ પડે છે. દેખાઈ રહ્યો છે એ ચંદ્ર ડાઘાવાળો છે, એનો ક્ષય થઈ રહ્યો છે, જ્યારે ચંદ્રની દ્રશ્યમાન નથી એ અંધારી બાજુ વિષે કોઇ જ અનુમાન થઈ શકતું નથી! વિપક્ષોની સ્થિતિ એ પરિણીતા જેવી છે જેના ઘરમાં આઠદસ વર્ષ પછી પારણું બંધાવાના સંજોગો આવી રહ્યા છે.

9 comments:

  1. બક્ષીબાબુની કેટલા વિષયો ઉપર હથરોટી છે..કમાલ.

    ReplyDelete
  2. સલામ......સુપર્બ બક્ષી જી.......હેટ્સ ઓફ.....યોંર થોટ્સ.............વોટ એ કમાંડ ઓન લેન્ગવેજ એન્ડ નોલેજ...........

    ReplyDelete
  3. Very Good work Nehalbhai.
    Keep on cracking!! :)

    ReplyDelete
  4. મજા આવી ગઇ... સોલિડ! આભાર નેહલભાઇ.

    ReplyDelete
  5. khub saras kary...Abhar Nehalbhai....

    ReplyDelete
  6. વાંચુ છુ અને વંચાવું છું... ફરી ફરી ગમે તેવું...

    ReplyDelete
  7. Bakshi means and only means Chandrakant Banksi, Havi to Chandrakanth Bakshi Ni 100,00,00,00,00,00,00,000th Photocopy bani ne lakhvani fashion che aj kal. Chandrakant Bakshi na pota naj shabdo ma kahie to a badha "Shabda Mistio" , "Kala Bajaria" ane "Gujarat Sarkar na Palela Lekhakdao" che.

    ReplyDelete