August 20, 2016

રમત: બદલાતા કાયદા, ખેલાડીઓ, સાધનો, દિમાગો

રમતનું વિશ્વ ગુજરાતી પ્રકૃતિથી દૂરની વસ્તુ છે, ગુજરાતી પ્રકૃતિ એટલે ગુજરાતી પુરુષોની પ્રકૃતિ! ગુજરાતી સ્ત્રીઓએ રમતના જગતમાં છલોછલ યોગદાન કર્યું છે. ગુજરાતના પુરુષો અખિલ ભારતીય કક્ષાએ ભાગ્યે જ દેખાયા છે, જ્યારે કેટલીય ગુજરાતી સ્ત્રીઓ વિવિધ રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ચૅમ્પિયનો છે. રમતવીરો માટે ગુજરાતને ખાસ માન કે આદર પણ નથી. કારણ કે પ્રજાના હીરો ધર્મગુરુઓ છે અથવા મારૂતિ કારમાં બેઠા બેઠા ગ્રેપ ("ગ્રે"નો ઉચ્ચાર ગુજરાતમાં મોઢું સાત ઇંચ પહોળું કરીને કરવાનો) જ્યુસ પીનારા કે પાનની દુકાન પર માવાનાં પડીકાં બંધાવનારા છે. ગુજરાતી સમાચારપત્રોમાં રમત સમાચાર કે રમતનું પાનું દસ-પંદર વર્ષ પહેલાં ન હતું, પછી આવ્યું. અને આ પાનું અંગ્રેજી ડિસ્પેચ કે ટીકર-ટેપનો સીધો, બેઠો, ક્લિષ્ટ, કર્કશ, કુત્સિત તરજુમો હોય છે. જે કંઈ થોડું કદાચ પ્રતિભાવ રૂપે લખાય છે એ દેશી ક્રિકેટ વિષે લખાય છે. નેટવર્ક ટી.વી. પણ એટલું જ જવાબદાર છે. જે રીતે દૂરદર્શન રાષ્ટ્રભરનો પ્રાઇમ ટાઇમ સમય ટેનિસ પાછળ સમાચારોમાં લગભગ રોજ બગાડે છે એ જોઈને ગમે તેને થાય કે ટેનિસ જ આપણી રાષ્ટ્રીય રમત હોવી જોઈએ. પણ ઉપર કોઈ અફસરનાં ચાર લંગુરછાપ કોન્વેન્ટિયાં છોકરાં બેઠાં હશે, અથવા ટેનિસની ક્લીપો કે અંશની ફિલ્મો સીધી, વિના મહેનતે મળી જતી હશે. એટલે સમસ્ત હિન્દુસ્તાન પર આસાનીથી ઠોકી શકાતી હશે. આપણે સ્વતંત્ર ભારતના ગુલામદશકમાંથી ગુજરી રહ્યા છીએ એવું લાગે છે.

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીના અધ્યક્ષ ઐવરી બ્રેન્ડેજે એકવાર કહ્યું હતું કે પ્રાચીન ગ્રીસમાં જ્યારે ઑલિમ્પિક રમતો યોજાવાની હોય ત્યારે યુદ્ધો અટકાવી દેવાતાં હતાં, આજે યુદ્ધોને લીધે ઑલિમ્પિક રમતો અટકાવી દેવાય છે! લેખક જ્યોર્જ ઓરવેલે ઑલિમ્પિક રમતો માટે લખ્યું હતું કે આ યુદ્ધ છે, ગોળીઓ વિનાનું! એડોલ્ફ હિટલર કદાચ વધારે સચોટ હતો. હિટલરે એની આત્મકથા "માઈન કામ્ફ" (મારું કાર્ય)માં નફ્ફટાઈથી લખ્યું છે. મને એક એથલીટ આપો અને હું એક સૈન્ય ઊભું કરી દઈશ! પશ્ચિમના સમાજોમાં એથલીટ કે સ્પોર્ટ્સમૅન પ્રજાનો હીરો છે, એના પર ધન અને આદર વરસાવી દેવામાં આવે છે. એથલીટ એ મનુષ્ય આદર્શ છે જેનામાં તન અને મનનું ફાઈન ટ્યુનિંગ થયેલું છે.

આજથી બરાબર 2767 વર્ષો પહેલાં ગ્રીસમાં ઑલિમ્પિક રમતો શરૂ થઈ (ઈસા પૂર્વ 776). એનું કારણ જુદું હતું. એચીલીસના મિત્ર પેટ્રોક્લેસનું અવસાન થઈ ગયું હતું અને એ જુદાઈનો ગમ ભૂલવા માટે એચીલીસે ટ્રોય નગરની દીવાલોની બહાર પ્રથમ રમતો યોજી હતી. ઈસા પૂર્વ 393માં સમ્રાટ થિયોડોસીઅસે આ રમતો પર પ્રતિબંધ મૂકી દીધો અને 1503 વર્ષો સુધી આ રમતો બંધ રહી! 1896માં આધુનિક ઑલિમ્પિક રમતોનો પુનર્જન્મ થયો અને રમતના કાયદા બદલાઈ ગયા. મૂળ ઑલિમ્પિક રમતોનો પુનર્જન્મ થયો અને રમતના કાયદા બદલાઈ ગયા. મૂળ ઑલિમ્પિક રમતોમાં માત્ર પ્રથન ઈનામ જ મળતું હતું. બીજું કે ત્રીજું ઈનામ ન હતું. આધુનિક રમતોમાં બીજા અને ત્રીજા ઈનામો ઉમેરાયાં અને પછી રમતના કાયદાઓ ઝડપથી બદલાતા રહ્યા.

અને હજી પણ કેટલાય દેશોના એથલીટો સાફ માને છે કે તમે પ્રથમ આવો તો જ સ્પર્ધાનું મહત્ત્વ છે. પહેલો અને છેલ્લો એ બે જ નંબરો છે, એ સિવાય કોઈ જ સ્થાન નથી. કાયદાઓ બદલાય, પણ પ્રથમ સ્થાન હજી પણ પ્રથમ સ્થાન જ છે...

નવી રમતો ઉમેરાતી જાય છે અને જૂની રમતોના કાયદા સમય પ્રમાણે બદલતા જાય છે. બિજિંગની 11મી એશિયન રમતોમાં બે નવી રમતો ઉમેરવામાં આવી, હિંદુસ્તાનની કબડ્ડી (હુતુતુતુ) અને મલેશિયાની સેપાક ટેકરો. નિયમ એવો છે કે કોઈ પણ નવી રમત ઉમેરવી હોય તો એ કમથી કમ છ દેશોમાં રમાતી હોવી જોઈએ અને ઓછામાં ઓછી ચાર ટીમોએ ભાગ લેવો જોઈએ.

રમતો હવે બદલાઈ ગઈ છે, ફૂટબૉલ હવે ડ્રીબલિંગ અને પાસિંગની રમત રહી નથી. બર્બર તાકાત અને આધુનિક ટેકનિક વિના ફૂટબૉલનું મેદાન નથી. ટેનિસમાં હવે પાવર ટેનિસ આવી ગઈ છે. ક્રિકેટમાં લેટ કટ અને સ્ક્વેર કટ જૂના થઈ ગયા, હવે વેસ્ટ ઇંડિયન અને ઑસ્ટ્રેલિયન અને પાકિસ્તાની ક્રિકેટરને હંફાવી નાંખે એવા દક્ષિણ આફ્રિકનો આવી રહ્યા છે. હોકી હવે પોઝીશન પ્લે રહી નથી, મરણિયા જાંબાઝ ખેલાડીઓ જ ફિલ્ડ ગોલ કરી શકે છે. આ સંદર્ભમાં બૅડમિન્ટન જેવી પ્રમાણમાં ઓછી સશક્ત રમત વિષે ભારતે આમંત્રણ આપીને બોલાવેલા ચાઈનીઝ કોચ વેંગ ઝિયાઓ મિંગે કહેલી વાત સૂચક છે. વેંગે કહ્યું કે અમારા છોકરાઓ અને તમારા છોકરાઓ શારીરિક ક્ષમતા અને દક્ષતાની દૃષ્ટિએ સમકક્ષ છે પણ આ સમાનતાઓ અહીં અટકી જાય છે. અમારા ચીના છોકરાઓ ખૂબ જ મજૂરી કરી શકે છે, તમારા છોકરાઓ કરી શકતા નથી. પરિણામ? પરિણામ એ આવે છે કે પહેલી ગેમ તો ઇંડિયન પ્લેયર ચૅમ્પિયનની જેમ રમે છે. પણ પછી તરત જ એની કક્ષા પડવા લાગે છે. ચીના કોચની વાતમાં તથ્ય છે, હિંદુસ્તાની ખેલાડીઓ પાસે સ્ટેયિંગ પાવર કે ટકી રહેવાની, માર ખાઈને લડતા રહેવાની, ઝઝૂમતા રહેવાની શક્તિ નથી. અને હિંદુસ્તાની ખેલાડી પાસે કિલર સ્પિરિટ નથી. પ્રતિસ્પર્ધીને કતલ કરી નાંખવાની, હલાલ કરી નાંખવાની, બરાબર સમયસર ઘા મારવાની મન:સ્થિતિ જ નથી.

ફ્રેંક સેજમેન ઑસ્ટ્રેલિયન ટેનિસ પ્લેયર છે અને એક જમાનામાં એ વિશ્વનો શ્રેષ્ઠ હતો. મદ્રાસમાં સેજમેને આજના બદલાયેલા ટેનિસ વિષે વ્યથા વ્યક્ત કરી. હવે ટેનિસ ઘાસ અથવા માટી અથવા કૃત્રિમ સપાટી પર રમાય છે, જે આખું વર્ષ રમી શકવા માટે બનાવવામાં આવી છે. હવે ટેનિસ એ ટીવી અને વિજ્ઞાપન વિશ્વનું એક અભિન્ન અંગ બની ગયું છે એમ લાગે છે. પહેલાં કેટ ગટ્સ અથવા બિલાડીનાં આંતરડાંમાંથી ટેનિસના રૅકેટની ક્રોસ દોરીઓ બનતી હતી. હવે અત્યંત શક્તિશાળી ફાઈબરનો ઉપયોગ થાય છે. બૉલ હવે સ્ટૅન્ડર્ડ બન્યા છે. દોડવાની સપાટીઓ મિકેનિકલ બની ગઈ છે, ટૅનિસનાં બૂટમાં જમીનને પકડવાની ગ્રીપ કે પકડ વધારે સખ્ત બનાવવામાં આવી છે. બે ગેમ વચ્ચે આરામ અપાય છે અને ટાય-બ્રેકર પણ આવી ગયું છે.

લગભગ દરેક રમત હવે આધુનિક બની ગઈ છે અને એ માટેનાં ઉપકરણો બનાવવા માટે નવા નવા પદાર્થોના પ્રયોગ થઈ રહ્યા છે. રશિયન સર્ગેઈ બુબકા પોલ વોલ્ટ કૂદમાં વિશ્વનો ચૅમ્પિયન છે અને એણે વારંવાર કેટલીય વાર એના પોતાના જ વિશ્વવિક્રમો તોડ્યા છે. શરૂમાં પોલ વૉલ્ટની રમતમાં પોલ વાંસનો રહેતો હતો. આજે રબરથી ફાયબર સુધી કેટલીય વસ્તુઓ વપરાતી થઈ ગઈ છે. વેસ્ટ ઈંડિયન ક્રિકેટરોમાં વજનદાર બૅટો જેવી આ વાત છે. જે બૅટ વજનદાર છે એમાં સામાન્ય ફટકો બૉલને ડબલ વેગ આપે છે. એમાં બાઉન્ડ્રી વધારે આસાન થાય છે પણ સામર્થ્ય જોઈએ છે. પોલ વૉલ્ટમાં કંઈક એવો જ ફેરફાર થયો છે. ફાયબરના પોલ વધારે લાંબા કરવામાં આવ્યા છે અને એ પદાર્થ એવો છે કે છલાંગ લગાવનારને એક બાઉન્સ કે ઉછાળો આપે છે. સર્ગેઈ બુબકા વિશ્વના સર્વકાલીન મહાન એથલીટોમાં સ્થાન પામે છે. પણ એનો ફાયબરનો પોલ લગભગ સ્થિતિસ્થાપક છે.

અને રમત હવે એટલી નિર્દોષ પણ રહી નથી. ન્યુઝીલેન્ડની સામે પાકિસ્તાનીઓએ બોલનો આકાર ગેરકાયદેસર રીતે બદલી નાંખ્યો હતો. એ હવે જાહેર થઈ ગયું છે. પ્રથમ ડ્રિંક્સ ઈન્ટરવલ વખતે બૉટલોની ધાતુની કેપ ઘસી ઘસીને પાકિસ્તાની ખેલાડીઓ બૉલનો એક તરફનો આકાર બગાડી નાંખતા હતા. બોલ દબાવી દબાવીને એનો આકાર બદલી નાંખવામાં આવતો હતો. પાકિસ્તાની ક્રિકેટની મજા એ છે કે ન્યુઝીલેન્ડ ટીમના મેનેજર ઈયાન ટેલરે કહ્યું કે નવા બૉલ કરતાં જૂના બૉલથી વધારે વિકેટો લેવાય છે! બૉલનો આકાર બદલવા માટે એ લોકો નખ, સેન્ડ પેપર બધું જ કદાચ વાપરી શકતા હતા. મૅનેજર ટેલરે ઉમેર્યું, એ લોકોએ જો છૂરીઓ વાપરી હોય તો પણ મને આશ્ચર્ય નહીં થાય...

(સમભાવ: ઑગસ્ટ 15, 1991) 
(ખાવું, પીવું, રમવું)

April 16, 2016

ગુજરાતી કૉલમ લેખન: અધિકૃત, આકર્ષક અને સુવાચ્ય બનવાનો કસબ

ગુજરાતી પત્રકારત્વમાં એ દિવસો હતા જ્યારે સ્ટાફના માણસો નોકરીની ફર્જ રૂપે ટીકા-ટિપ્પણી લખી નાખતા અને આવા લેખનનો વાચકવર્ગ સામાન્યત: સીમિત રહેતો. પછી કૉલમલેખન આવ્યું અને સમાચારપત્રો બહારના તેજસ્વી લેખકોને કૉલમો કે સ્થંભો માટે આમંત્રણ આપવા લાગ્યા. ઘણી વાર માત્ર મોટાં નામોને આ કામ ફિલર તરીકે સોંપાતું અને સત્ત્વહીન અને તથ્યહીન આવી કૉલમોના વાચકોની સંખ્યા ક્રમશ: ઘટતી ગઈ. પછી લગભગ 1970ના દશકમાં ગુજરાતીના સાહિત્યકારો અને પ્રધાનત: વાર્તાકારો કૉલમો પર છવાતા ગયા અને પૂરો પરિવેશ બદલાતો ગયો. વાચકો એમના પ્રિય લેખકની એક કૉલમ માટે છાપું કે સામયિક ખરીદતા ગયા. વાર્તાઓ લખનારા નવલિકાકારોએ કૉલમને સરસ ટૂંકી વાર્તાની જેમ આદિ, મધ્ય અને અંતનું એક સ્વરૂપ આપ્યું. વાર્તાઓ માટેનાં પત્રો બંધ થતાં ગયાં અને નવલકથાકારો ફિટરો અને પ્લમ્બરોની જેમ રિ-સાઈકલ કરતા રહેવાના ઉદ્યમમાં વ્યસ્ત થઈ ગયા. ગુજરાતી ભાષાનું લગભગ બધું જ ગદ્યકૌશલ્ય, ગુણવત્તા, તત્ત્વસત્ત્વ કૉલમોમાં ટપકતું ગયું. કૉલમો પત્રકારિતાના સીમાબદ્ધ દાયરાને ફાડીને બહાર નીકળતી ગઈ, ગુજરાતી કૉલમલેખનમાં તેજસનો વિસ્ફોટ થવો અપેક્ષિત હતો. વાચક પાસે પ્રતિ સપ્તાહ લગભગ 500 કૉલમોનું વૈવિધ્ય પત્રો-સામયિકો દ્વારા ગુજરાતી ભાષામાં પ્રસ્તુત થાય છે, પણ હકીકત એ છે કે પાંચ, સાત જેટલી કૉલમો જ નિયમિત વંચાતી હોય છે. બાકીની કૉલમો પસ્તીબજારના ભાવ ટકાવી રાખવામાં સહાયક થાય છે.

આજે ગુજરાતી પત્રોમાં કૉલમો લખવી એ એક પૂર્ણત: પ્રોફેશનલ અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિ છે. શીર્ષકથી અંત સુધી લેખકે પોતાના માધ્યમનો કસબ દેખાડતા રહેવાનું છે, અને અંદર અધિકૃત માહિતી ભરવાની છે, શૈલી આકર્ષક અને ભાષા સુવાચ્ય બનાવવી પડે છે અને બીજી એક વધારે ભયાવહ ચૅલેંજ લેખક સામે ઊભી છે, ગુજરાતી વાચક હવે 21મી સદીના આરંભે વધારે સ્માર્ટ, વધારે જિજ્ઞાસુ, વધારે દક્ષ થઈ ગયો છે. ઘણી વાર જે વિષય પર લેખકે લખ્યું હોય છે એ જ વિષય પર લેખક કરતાં વાચક વધારે જાણતો-સમજતો હોય છે. વાચક હવે માત્ર સુજ્ઞ રહ્યો નથી, એ પ્રાજ્ઞ બની રહ્યો છે, દુનિયાભરમાં ફરે છે, અન્ય ભાષાઓની ગતિવિધિઓથી પરિચિત છે, લેખકની જડ બની ગયેલી મૂઢ માનસિકતાથી એ દસપાંચ વર્ષ કે એક પેઢી આગળ નીકળી ગયો છે. એના ડ્રૉઈંગ-રૂમમાં ટી.વી.ની 60 ચેનલો વરસી રહી છે, અને એના બેડરૂમમાં ઈન્ટરનેટનાં બટનો દબાવીને એ કરાચીના 'ડોન'થી લોસ એંજેલિસના 'લોસ એંજેલિસ ટાઈમ્સ' સુધીનાં વિશ્વનાં પ્રમુખ પત્રોના સમાચારો, વિચારો, પ્રતિ-વિચારો વિશે આગાહ થઈ શકે છે. અલાદીનનો જીન માહિતીઓના ખજાનાઓ લઈને હાજર ઊભો છે. વાચક પાસે આજે મૂર્ખ બનવાનો સમય નથી. વાચક એનું ત્રીજું નેત્ર ખોલીને લેખકની બેઈમાની અને બકવાસ અને બદનિયતની આરપાર જોઈ શકે છે. કૉલમલેખને ગુજરાતી ભાષામાં એક વાચક-યુગ લાવી દીધો છે.

આજે ગુજરાતી ભાષામાં કૉલમલેખકોમાંના કેટલાક સૌથી વધારે માનધન અથવા ધનરાશિ મેળવે છે, અને લેખક તરીકે ઉત્તરદાયિત્વ નિભાવવું પડે છે. પૈસા મળે છે માટે પ્રોફેશનલ થવું જ પડે છે, અને ગુજરાતી પત્રો તમને લાખો વાચકોના ઘરોમાં પહોંચાડે છે માટે તમારે ઠોસ, સંગીન, સમૃદ્ધ લખવું જ પડે છે. બેજવાબદાર, જૂઠ્ઠું, તફડંચી કરેલું, અશિષ્ટ, અશ્લીલ, પૂર્વગ્રહપીડિત, આત્યંતિક લેખન કૉલમોમાં લાંબું ટકતું નથી, કારણ કે કૉલમનો વાચક એ નાટકનો પ્રેક્ષક કે સંગીતનો શ્રોતા કે ચિત્રપ્રદર્શિનીનો દર્શક નથી જે એક વાર જોઈ-સાંભળી-અનુભવીને ઘેર ચાલ્યો જાય છે. કૉલમ પ્રતિસપ્તાહ પ્રકટ થતી રહે છે, તમારે એ જ વાચકના ચરણોમાં ફરીથી એ જ કૉલમ મૂકી દેવાની છે, લેખક-વાચકનો સંબંધ એક જ લેખ પૂરતો નથી, દૃષ્ટિનો સંબંધ બનાવ્યા વિનાનો એ એક મેઘધનુષી સેતુ છે, જે એના સાતેસાત રંગોની જાહોજલાલીમાં અડધા આકાશ પર ફેલાઈ જાય છે. કૉલમલેખકે વિશ્વસનીયતા પ્રકટાવવાની છે, એનો પરિશ્રમ એના ટપકેલા શબ્દોમાં વાચકને દેખાવો જોઈએ, એની હકીકતો સ્વીકૃત અને અધિકૃત હોવી જોઈએ. અને આ બધાની ઉપર લેખકના વિચારોની મૌલિકતા, ભય કે પ્રલોભન વિનાની અભિવ્યક્તિ, વાચકના નિર્ભીક સાથી હોવાનો અહસાસ... લેખકની ગર્દન ટટાર રાખે છે. વાચકને પણ પ્રામાણિક સ્પષ્ટ લેખન ગમે છે, આભાસી અને દોગલું અને શબ્દાળ અને બેઈમાન અને ઉપદેશાત્મક લેખન શું અને કેવું હોય છે એ આજના સતર્ક વાચકને ખબર છે. લેખકે વાચકના અંતરતમનાં સ્પંદનોને શબ્દો દ્વારા વાચા આપવાની છે. માટે લેખકનો શબ્દ પારદર્શક હોવો જોઈએ. કૉલમલેખક ધર્મગુરુ કે ઉપદેશક નથી, સૌદાગર કે તાબેદાર નથી, શિક્ષક કે સર્કસનો જોકર નથી, સરકાર સાથે વેવાઈ જેવું વહાલ રાખીને પૂછડી પટપટાવતા રહેવાનો એનો ધર્મ નથી. અઢી અક્ષરનો શબ્દ 'સત્ય' એ એનું નિશાન હોવું જોઈએ અને આ નિશાનની દિશામાં વાચક એનો બિરાદર છે, કોમરેડ છે, હમદમ છે અને દોસ્ત છે.

20મી સદીનાં અંતનાં વર્ષો અને 21મી સદીના આરંભના કાળમાં ગુજરાતી પત્રકારિતા શીર્ષસ્થ છે. કૉલમલેખકોના લાખો ગુજરાતી વાચકો છે. કૉલમલેખક હવે, જૂના સંસ્કૃતમાં અટવાતો હતો એ શબ્દ સાર્થક કરે છે: અભિપ્રાયજ્ઞ! એ 'ઓપિનીઅન-મેકર' બની ચૂક્યો છે. જનતાના વિચારોમાં વિરાટ પરિવર્તન લાવે છે, સ્વસ્થ માનસિકતાનું સંવર્ધન કરે છે, બેઝુબાન વંચિતને એક વાચા આપે છે. આજે વર્ષ 2001માં મધ્ય-અંત તરફ કર્મઠ કૉલમલેખક ગુજરાતી ભાષામાં એક શક્તિમાન પરિબળ તરીકે ઊભરી ચૂક્યો છે.

(જય વસાવડાના પુસ્તક 'ઓહ, હિન્દુસ્તાન...આહ, હિન્દુસ્તાન!'ની ચંદ્રકાંત બક્ષી લિખિત પ્રસ્તાવનામાંથી)

January 21, 2016

બક્ષી સાહેબ વિશે શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીન'

આ ક્ષણે યાદ આવે છે 14મી ઑગસ્ટ 2005ની સાલનો INT અમદાવાદનો મુશાયરો. મુશાયરો પૂરો થયા પછી મંચ ઉપર આર. આર. શેઠ કંપનીના ચિંતનભાઈ શેઠ સાથે ઊભો છું ત્યારે જાણીતા તસ્વીરકાર સંજય વૈદ્ય ચંદ્રકાંત બક્ષીને લઈને આવે છે. ધીમું ધીમું મીઠું મીઠું હસતા ચંદ્રકાંત બક્ષી હાથ લંબાવી 'તમારી મર્દાના રજૂઆત છે. તમારી ગઝલો ખૂબ સરસ છે.' આમ જણાવે છે. સંજય વૈદ્ય કહે છે કે બક્ષીબાબુએ સામેથી કહ્યું હતું કે રાજેશ વ્યાસની ઓળખાણ કરાવો. જેની સાથે ઓળખાણ કરવા સૌ સામેથી તક શોધતા હોય છે એવા ચંદ્રકાંત બક્ષી ગઝલના નિમિત્તે સહજ, ખૂબ પ્રેમથી મળવા આવે તે ઘટના મારે માટે ઘણી સુખદ છે.

(શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીન' સાહેબના ગઝલસંગ્રહ 'એ પણ સાચું... આ પણ સાચું'ની પ્રસ્તાવનામાંથી...)


October 16, 2015

કહેવતો: (1) છેડો અડકે છોકરું થાય? (2) ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે

રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ અને વડાપ્રધાન રાજીવ ગાંધી વચ્ચે ઠંડું યુદ્ધ શરૂ થઈ ગયું છે અને હવા નાખનારા બરાબર પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે. આપણે ત્યાં એક કૉમિક કહેવત છે કે 'છેડો અડકે છોકરું થાય?'...જવાબ છે કે ન થાય! પણ તણખો ઊડે ભડકો થઈ શકે! લોકો હમેશાં કહેવતો દ્વારા પરમ સત્ય કહી દેતા હોય છે. ગ્યાની ઝૈલસિંઘ અને ગાંધી રાજીવનું ઠંડું યુદ્ધ બીજી એક દેશી કહેવતની યાદ અપાવે છે! લોકો કહે છે કે 'ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે'...પણ રાજીવ ગાંધીને આ ખબર નથી. ગુજરાતીઓની શહેરી અટરલી, બટરલી, અમૂલ પેઢીને આ બધા શબ્દો ન પણ સમજાય. વેલ, સની એન્ડ હની, ડાંગ મીન્સ વાંસની લાઠી અને હાંલ્લા એટલે માટીનું વાસણ જેમાં તમારા ગ્રેન્ડ-પાની મોમ દેશમાં કઢી ઉકાળતી હતી. 

(સમકાલીન: માર્ચ 25, 1987)   (રાજકારણ-2)

[પૂરક માહિતી: રતિલાલ નાયકના કહેવતકોશ પ્રમાણે બંને કહેવતોના અર્થ આ પ્રમાણે છે:

(1) છેડો અડકે છોકરું થાય? : પાલવ પકડવાથી તરત ઘર મંડાય ને સ્ત્રી એમ ઘરમાં આવતાં સંતાનની ભૂખ ભાંગે?
(2) ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે: થોડુંક બળ પણ કેટલીક બાબતોમાં અસરકારક નીવડે.]

પત્રકાર અને ઇતિહાસકાર

પત્રકાર કંઈક એવા ભ્રમમાં જીવતો હોય છે કે એ ઇતિહાસના સર્જનનો સાક્ષી હોય છે. પણ પત્રકાર ઇતિહાસકાર નથી. પત્રકાર વર્તમાનની આગળપાછળ જોઈ શકતો નથી. પત્રકારનું ગજું નથી અને ભારતીય કે ગુજરાતી પત્રકાર ઝાડના થડ પર ફરતા મંકોડાની જેમ જ રેંગતો હતો, નદીમાં રેલ આવી ગઈ એની એને ખબર ન રહી. થડ ડૂબ્યું ત્યારે સમજાયું કે નદીનો પ્રવાહ બદલાઈ ગયો છે.

ઇતિહાસકારને વર્તમાનમાં રસ નથી, આજના સમાચાર આવતી કાલની ઇતિહાસની જમીન માટે ખાતર છે. ઇતિહાસકારને પૂર્વગ્રહ હોતો નથી એટલે એ પત્રકારની જેમ ગભરાઈ જતો નથી. ઇતિહાસકારને વ્યક્તિઓ કરતાં પ્રજામાં વિશેષ રસ હોય છે. વોટના ટોટલ કરતાં સત્તાની સમતુલામાં વધારે રુચિ હોય છે, નવી દિલ્હીની દિશામાં સૂર્યનમસ્કાર કરવા કરતાં દિલ્હીમાં પસાર થઈ ગયેલા યુગો અને યુગપુરુષો સાથે આજના ઇતિહાસનું તુલનાત્મક અધ્યયન કરવામાં ગહરી દિલચસ્પી હોય છે! પત્રકાર કરતાં ઇતિહાસકાર વધારે પુખ્ત અને પરિપક્વ છે. એનું સત્ય ચોવીસ કલાકનું નહીં, પણ ચોવીસ સદીઓનું સત્ય છે. એને ત્રિકાળમાં રસ નથી, એને દ્વિકાળ અથવા બેકાળમાં રસ છે - અને એ છે ભૂત અને ભવિષ્ય!

(સંદેશ, 1980) (રાજકારણ-2)