1988ના એપ્રિલમાં સરસ્વતીચંદ્ર નવલકથાના પ્રથમ ખંડના પ્રકાશનને એકસો વર્ષ થઈ ગયાં. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની ઉંમર 32 વર્ષની હતી, ત્યારે 1887માં એ પુસ્તક પ્રકટ થયું. એ વર્ષ હતું જ્યારે કનૈયાલાલ મુન્શી, રામનારાયણ વિ. પાઠક અને ચુનીલાલ વર્ધમાન શાહ જન્મ્યા હતા, બળવંતરાય ઠાકોર ઈન્ટર પાસ થયા હતા, ગાંધીજી મેટ્રિક પાસ થયા હતા, રમણભાઈ નીલકંઠ બી.એ. પાસ થયા હતા. કેશવ હર્ષદ ધ્રુવ ભુજમાં હેડમાસ્ટર બન્યા હતા. મહારાણી વિક્ટોરીઆના અભિષેકનો સુવર્ણ મહોત્સવ ઊજવાઈ રહ્યો હતો. એક વર્ષ પહેલાં કવિ નર્મદનો દેહાંત થયો હતો. જ્યોતીન્દ્ર દવેના પિતા હરિહરશંકર દવે ભાવનગરની શામળદાસ કોલેજના પ્રથમ વિદ્યાર્થીઓની સાથે બેંચ પર બેઠા હતા... અને બે વર્ષ પહેલાં શ્યામજી કૃષ્ણવર્મા બેરિસ્ટર થઈને હિંદુસ્તાન આવ્યા હતા અને રતલામના દીવાન બન્યા હતા, ગિજુભાઈ બધેકા જન્મ્યા હતા.
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી |
સરસ્વતીચંદ્ર અને ગોવર્ધનરામ ગુજરાતી સાહિત્યમાં પર્યાયવાચી શબ્દો બની ગયા છે. ઉમાશંકર જોષીએ કહ્યું છે એમ ગોવર્ધનરામ નસીબદાર છે, દરેક પેઢીના કલાકારો અને વિવેચકોને એ આકર્ષતા રહ્યા છે. કોઈપણ લેખક જો તીવ્ર ભાવો-પ્રતિભાવો પ્રકટાવી શકે અને પેઢીઓ પછી પણ
પ્રકટાવી શકે તો મારી દ્રષ્ટિએ લેખકને માટે એ ઉચ્ચતમ સાહિત્યિક સિદ્ધિ છે.
મહાન કૃતિકાર એવું લખી શકે છે જે દરેક ભાવકને પોતાનું નિજી અર્થઘટન કરવાનો
અનાયાસ વ્યાયામ કરવા આક્રોશિત કરી શકે છે. વાચકને પોતાની બૌદ્ધિક ભૂમિકા પર લાવવો, મુકાબિલ કરવો, વાચકને વાચા આપવી એ લેખકનો પ્રથમ ધર્મ છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એ અર્થમાં શતાંશ: યુગપ્રવર્તક ગુજરાતી નવલકથાકાર સાબિત થયા છે. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા 'કરણઘેલો' લેખક નંદશંકરથી આ પેઢીના નવલકથાકાર પ્રકાશ ત્રિવેદી સુધી દરેક ગંભીર ગુજરાતી શબ્દકારે ગોવર્ધનરામના સરસ્વતીચંદ્ર પર પોતાનો અભિપ્રાય આપ્યો છે, એને આપવો પડ્યો છે. તમે જ્યારે ગોવર્ધનરામ વિશે અભિપ્રાય આપો છો ત્યારે તમારા હૃદયના નહીં, પણ તમારી બુદ્ધિમતાના, નીતિમત્તાના, ઈયત્તાના ઈલેક્ટ્રો-કાર્ડીઓગ્રામના 'પી'-વેવ અને 'ક્યુ'-વેવ અને 'ટી-વેવ' અને 'ક્યુ-ટી ઈન્ટરવલ' અને બધું જ સ્પષ્ટ થઈ જાય છે. સેલ્સીઅસ કે ફેરનહાઈટ કે વોટ કે ઓહમ્સની જેમ 'ગોવર્ધનરામ' શબ્દ ગુજરાતી સાહિત્યકારને માપવાના બુદ્ધિદંડનું નામ છે.
ગુજરાતીના પ્રથમ નવલકથાકાર નંદશંકરે લખ્યું હતું: મારા વહાલા ગોવર્ધનરામ... તમારો ફિલસૂફ રખડું, આ પેઢી જે જ્ઞાનને ખાતર જ્ઞાન માટે તૃષા ધરાવે છે પણ કાર્યશીલતાવિહોણીછે અને સમાજના જીવનપટને સરખું સમું કરવા માટે પોતાના જ્ઞાનનો વિનિયોગ કરવા માટે તો તેથીય વધુ અસમર્થ છે તેનું સાચું સંતાન છે....!' સન 1907માં આનંદશંકર બાપુભાઈ ધ્રુવે ગોવર્ધનરામના મૃત્યુ સમયે જરા વધારે સ્પષ્ટ લખ્યું હતું: સરસ્વતીચંદ્રને નવલકથા કહેવી કે નહીં એ શબ્દપ્રયોગનો પ્રશ્ન છે. ' કવિ નાનાલાલ વરસી ગયા હતા, એમના વિશેષ ધોધને અંતે એમણે નિષ્કર્ષ કાઢ્યો હતો: 'સરસ્વતીચંદ્ર જગતની ચિરંજીવી મહાકાદંબરી છે.'
ગુજરાતી ભાષાના જબરદસ્ત નામોએ સરસ્વતીચંદ્ર અને ગોવર્ધનરામ વિશે વ્યક્તિગત અભિપ્રાયો આપ્યા છે. મહાદેવ દેસાઈની માર્ચ 25, 1932ની ડાયરીમાં ગાંધીજીએ સરસ્વતીચંદ્ર પર આપેલા મંતવ્યની નોંધ છે: 'પહેલા ભાગમાં એમણે પોતાની શક્તિ ઠાલવી. નવલકથાનો રસ પહેલામાં ભરેલો છે. ચરિત્રચિત્રણ એના જેવું ક્યાંય નથી; બીજામાં હિંદુ સંસાર સરસ ચીતરાયો છે, ત્રીજામાં એમની કળા ઊડી ગઈ; અને ચોથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા જ આપી દઉં તો કેવું સારું.'
ગોવર્ધનરામે સ્વયં લખ્યું છે કે એમની ઈચ્છા નિબંધ લખવાની હતી. નવલકથા વધારે લોકપ્રિય માધ્યમ હતું. માત્ર બાવીસ વર્ષની વયે ગોવર્ધનરામે 'વ્યવહારુ સંન્યાસ' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. માત્ર 19-20 વર્ષે એમણે એકસો એક કાંડવાળું સંસ્કૃત ખંડકાવ્ય 'હૃદય-રુદિત શતક' લખ્યું હતું, જેની સંસ્કૃત 'વિજ્ઞપ્તિ:'ને અંતે લખ્યું હતું; 'ગોવર્ધનસ્ય ત્રિપાઠીન:'! સરસ્વતીચંદ્રના ચાર ભાગો સાચા અર્થમાં મહાનવલની કક્ષાના છે: લગભગ 150 જેટલાં પાત્રો, 1900 પૃષ્ઠો. એ 19મી સદીની નવલકથાઓની વિશિષ્ટતા હતી. સોળમે વર્ષે એ છઠ્ઠા ધોરણમાં હતા અને મેટ્રિક (સાતમું ધોરણ)ની પરીક્ષા આપીને પાસ થઈ ગયા હતા. એ જ વર્ષે એમણે પ્રથમ સંસ્કૃત શ્લોક બનાવ્યો હતો. 1873માં 18મે વર્ષે ગોવર્ધનરામ અંગ્રેજીમાં ભાષણો કરી આવેલા. એ ભાષણોના વિષયો હતો: Is there any creator of this universe? અને The state of Hindu society in Bombay Presidency!
કવિ નાનાલાલ દ્વારા ગોવર્ધનરામને 'બાણભટ્ટના ગુર્જરાવતાર કહેવાય છે (બાણ 'કાદંબરી' પૂરી લખી શક્યો ન હતો, એના પુત્ર પુલિન ભટ્ટે એ પૂરું કર્યું હતું એવી કથા છે). એક જરા રસિક વાત પણ છે કે 1905માં ગોવર્ધનરામને સરસ્વતીચંદ્રનો પાંચમો ભાગ લખવા માટે વિનંતી કરવામાં આવી હતી પણ એમણે ઈનકાર કર્યો હતો. એ પછી બીજા કોઈએ પાંચમો ભાગ લખ્યો પણ છે! ગોવર્ધનરામનું અંગ્રેજી બહુ સરસ હતું. એમણે 1885થી એમની ડાયરી જેવી સ્ક્રેપ-બુક લખવી શરૂ કરી હતી. એ ડાયરીઓનું પ્રકાશન 1969માં થયું હતું એવી માહિતી છે! મતલબ કે 84 વર્ષો પછી એ સ્ક્રેપ-બુકો પ્રકટ થઈ! ગોવર્ધનરામના વાંશિક ગુજરાતી નવલકથાકાર ડૉ. પ્રકાશ ત્રિવેદીએ આ વિશે થોડી માહિતી આપી છે. ડૉ. ત્રિવેદી એમની 'જેક્સન સિમ્ફની' અને 'સીમાનું આકાશ' નવલકથાઓથી પ્રસિદ્ધ છે. એમણે અમેરિકામાં પોલિમર વિજ્ઞાનમાં પીએચ.ડી પ્રાપ્ત કર્યું છે. ગોવર્ધનરામની 1894માં આકસ્મિક રીતે અવસાન પામેલી નાની બહેન સમર્થલક્ષ્મીના પુત્ર કાન્તિલાલ પંડ્યાની પુત્રી રશ્મિબહેનના પુત્ર ડૉ. પ્રકાશ ત્રિવેદી છે. એટલે એમના નાનાના મામા ગોવર્ધનરામ હતા. ડૉ. પ્રકાશ ત્રિવેદીએ આપેલી માહિતી પ્રમાણે ગોવર્ધનરામ જાન્યુઆરી 1907માં એમના મિત્ર ડૉ. ત્રિભુવનભાઈ ગજ્જરના બંગલામાં અવસાન પામ્યા અને બાણગંગાના સ્મશાનમાં એમના અંતિમ સંસ્કાર થયા. ગોવર્ધનરામની સ્ક્રેપ-બુકો 1907થી 1957 સુધી ડૉ. ગજ્જરના બંગલામાં જ રહી હતી. એ અંગ્રેજી હતી અને પ્રથમ ભાગ કાન્તિભાઈ પંડ્યાએ બહાર પાડ્યો હતો. બીજા અને ત્રીજા ભાગો અંગ્રેજીમાં છે. આજકાલ બધું જ અપ્રાપ્ય છે.
નંદશંકર, આનંદશંકર, નાનાલાલ અને ગાંધીજીના વિવિધ અભિપ્રાયોની જેમ અન્ય સાહિત્ય-દિગ્ગજોના પણ વિભિન્ન અભિપ્રાયો છે. કનૈયાલાલ મુનશીએ 1934માં લખ્યું હતું: '(સરસ્વતીચંદ્રમાં) પ્રેમીઓ, અનંતકાલ માટેના પ્રેમ અને સખ્યના શપથ લે છે, અને ન પરણવાનો નિર્ણય કરે છે. સ્પષ્ટ છે કે કુમુદ વિધવા છે એ સિવાય એ નિર્ણય પાછળ કોઈ વધુ વજૂદવાળું કારણ નથી. ઝવેરચંદ મેઘાણીએ 1946માં 16મી ગુજરાતી સાહિત્ય પરિષદના રાજકોટ સંમેલનમાં કહ્યું હતું: 'મારો પ્રાંત (ગુજરાત) અવ્વલ દરજ્જાના પ્રતિભાવંતોથી વંચિત રહે એ અલબત્ત મને અકળાવે છે. એકદા ગોવર્ધનરામનું સ્થાનેય અર્ધી સદી સુધી ખાલી પડ્યું રહે એ અસહ્ય છે. કારણ કે પ્રતિભાવંતોને અભાવે સામાન્યોમાં વામણા આદર્શોની પૂજા પેસી જાય, સામસામા કૂપમંડકો પેટ ફુલાવતા બેસીએ છીએ. પ્રજા સમસ્ત પણ સાહિત્ય અને સાહિત્યકાર એ બે શબ્દોના ઉચ્ચાર માત્ર સાથે જે એક રગરગવ્યાપી ગંભીરતાને આકાશી વિસ્તીર્ણતાનો ભાવસ્પર્શ અનુભવી રહે તે સાચા સ્વામીને અભાવે અનુભવી શકતી નથી. હું ટાગોરને તો નહીં, પણ ગોવર્ધનરામને તો ગુજરાતને ટીંબે માગું છું. વાણીના સ્વામીઓ વિનાની ગુજરાત સેંકડોને પ્રસવ્યા છતાંય વાંઝણી કહેવાય.'
મુનશી અને મેઘાણી પછી નર્મદનો અભિપ્રાય જાણવાની ઉત્સુકતા થાય એ સ્વાભાવિક છે. 1885ની 18મી સપ્ટેમ્બરે ગોવર્ધનરામે સરસ્વતીચંદ્રનો પ્રથમ ભાગ લખવો શરૂ કર્યો અને પાંચ જ મહિનાપછી 1886ની 25મી ફેબ્રુઆરીએ નર્મદનું દેહાવસાન થયું. નર્મદ અને ગોવર્ધનરામ સમસામયિકો ન હતા એ ગુજરાતી સાહિત્યની એક વિધિવક્રતા ગણવી જોઈએ. નર્મદે જ્યારે પ્રથમ કાવ્ય લખ્યું ત્યારે એ 22 વર્ષના હતા. અને એ જ વર્ષે ગોવર્ધનરામનો જન્મ થયો હતો: 1855! કદાચ આ બંને મનીષીઓમાં એક ક્રૂર સમાનતા હતી: નર્મદ અને ગોવર્ધનરામ બંને બાવન વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. નર્મદે જ્યારે 'દાંડિયો' શરૂ કર્યું ત્યારે ગોવર્ધનરામ 8 વર્ષના હતા, નંદશંકરનું 'કરણઘેલો' પ્રગટ થયું ત્યારે ગોવર્ધનરામ 11 વર્ષના હતા, દલપતરામનું 'ફારબસ વિલાસ' આવ્યું ત્યારે ગોવર્ધનરામ 12 વર્ષના હતા, કલાપીનો જન્મ થયો ત્યારે ગોવર્ધનરામ 19 વર્ષના હતા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણી રહ્યા હતા ત્યારે ગોવર્ધનરામ 22 વર્ષના હતા, ગાંધીજી અને કસ્તૂરબા તેરમે વર્ષે પરણ્યા ત્યારે ગોવર્ધનરામ 27 વર્ષના હતા, રવિશંકર મહારાજનો જન્મ થયો ત્યારે ગોવર્ધનરામ 29 વર્ષના હતા. અને જ્યારે સરસ્વતીચંદ્ર લખવું શરૂ કર્યું ત્યારે ગોવર્ધનરામ 30 વર્ષના હતા! નર્મદ અને ગોવર્ધનરામ બંનેને બહુ જ અલ્પ સર્જનકાળ મળ્યો છે. નર્મદને 30 વર્ષો, ગોવર્ધનરામને 31 વર્ષો (1875માં એમણે સંસ્કૃતમાં હૃદયરુદિત શતકં શરૂ કર્યું એ સર્જનના શ્રીગણેશરૂપે ગણીએ તો).
નર્મદ અને ગોવર્ધનરામ વચ્ચે એક કાલખંડ આવી ગયો. મુનશી ગોવર્ધનરામના પ્રશંસક લાગતા નથી. મેઘાણી પ્રબળ સમર્થક છે. નર્મદ, મુનશી અને મેઘાણીને મેં ગુજરાતી સાહિત્યમાં મારા પિતામહો માન્યા છે અને હું એમનો વાંશિક છું. ગુજરાતી સાહિત્યના એક અદના, નાચીઝ પ્રેમી તરીકે, વાચક તરીકે, શ્રમિક તરીકે, સૈનિક તરીકે મેં 1970માં સરસ્વતીચંદ્ર અને ગોવર્ધનરામ વિશે આપેલા અભિપ્રાયને 1989માં હું જરા પણ ફેરવવાની જરૂર જોતો નથી. સરસ્વતીચંદ્ર મને કોઈ દિવસ બહુ મહાન કૃતિ લાગી જ નથી. એ મને ફોસિલ લાગી છે. ફોસિલ એટલે અશ્મિયુગનું ઉત્ખનન કરીને પ્રાપ્ત કરેલું એકાદ હાડકું, એકાદ દાંત, એકાદ જડબાનો ટુકડો, જેના પરથી એ કાલખંડના પૂરા મનુષ્યપ્રાણીનું હું કલ્પનાચિત્ર સર્જી શકું છું. ફોસિલ ઈતિહાસથી પૂર્વ પરા-ઈતિહાસ અને એથી પણ પૂર્વ પ્રાગૈતિહાસિકનું હોઈ શકે છે. ફોસિલનું ઐતિહાસિક મહત્ત્વ છે, ભૂસ્તરીય મહત્ત્વ છે, નૃવંશીય મહત્ત્વ છે. ગોવર્ધનરામ મારે માટે ગુજરાતી નવલકથાનું પ્રથમ ચરણ છે, પણ સરસ્વતીચંદ્ર એ શ્રેષ્ઠ નવલકથા નથી, આજની શ્રેષ્ઠ નવલકથા નથી. ગુજરાતી સાહિત્યની સર્વકાલીન ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા મને લાગી નથી. ગોવર્ધનરામ મહાન છે, સરસ્વતીચંદ્ર મારે માટે ગુજરાતી નવલકથા સાહિત્ય તવારીખની એક દેશકાળમાં સ્થિત, માત્ર ઐતિહાસિકતાના માપદંડથી માપી શકાય એટલી જ મહત્ત્વપૂર્ણ નવલકથા છે. સમયકાળને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવા સિવાય વધારે માન આપવાની જરૂર હું જોતો નથી. દરેક કલાકારને જ્ઞાની થવાનો કે અજ્ઞાની રહેવાનો, પૂર્વગ્રહથી અભિગ્રહ સુધીના બધા જ આગ્રહો રાખવાનો મજબૂત હક છે. ગોવર્ધનરામના કૃતિત્વની એ કમાલ છે અને વ્યક્તિત્વનું એ વૈશિષ્ટ્ય છે કે નંદશંકરથી ઉમાશંકર સુધી એ આજે પણ તીવ્ર વિરોધાભાસી પ્રતિભાવો જન્માવી શકે છે. ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકો છે, ગુજરાતમાં વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો છે એટલે બસો વર્ષો સુધી સરસ્વતીચંદ્રને 12થી 22 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ ભણતા રહેશે.
માર્ક્સ અને એંગલ્સના "ડાસ કેપિટલ" ગ્રંથ માટે કહેવાય છે: જગતની સૌથી વધુ ચર્ચાયેલી, સૌથી ઓછી વંચાયેલી કૃતિ ! ગુજરાતીમાં સરસ્વતીચંદ્રને માટે આ વાક્ય લાગુ પડી શકાય. મેં સરસ્વતીચંદ્રનાં પૂરાં 1900 પાનાં વાંચ્યાં નથી. ઘણુંબધું એડિટ થઈ ગયા પછી એ "સુવાચ્ય" નવલકથા બની જશે એ નિશ્ચિંત છે. જો માત્ર પ્લોટ જોઈએ તો પણ સરસ્વતીચંદ્ર સામાન્ય વાચકને પકડી રાખે એવી સશક્ત કૃતિ છે. એના વિશે ઘણું બધું લખાઈ ચૂક્યું છે પણ એક બે નોંધનીય વાતો તરફ ધ્યાન ખેંચવું જોઈએ. 1982માં સરસ્વતીચંદ્રની હસ્તપ્રતો ઉમાશંકર જોઈ રહ્યા હતા અને એમણે જોયું કે પ્રથમ ભાગને મૂળ શીર્ષક 'નવીનચંદ્ર' આપવામાં આવ્યું હતું. પછી છેકીને એ "સરસ્વતીચંદ્ર" કરવામાં આવ્યું હતું. નવીન એટલે નવો માનવી, અને એ જ આશય હતો ગોવર્ધનરામનો. સરસ્વતી એટલે જ્ઞાન, વિદ્યા અને સરસ્વતીચંદ્ર એક શિક્ષિત, જ્ઞાનસંપન્ન નાયક છે એ ગોવર્ધનરામનો આશય હતો.
પણ મને ગોવર્ધનરામની વિચારધારા જેટલી જ એમની જીવનધારામાં રસરુચિ છે. ગોવર્ધનરામનાં માતા શિવકાશીનું એક પ્રતિભાવંત ચિત્ર ઊપસે છે. ભયંકર ઠંડીમાં સવારે સાડા ત્રણ વાગ્યે ઊઠીને એ સ્નાન કરતાં હતાં. એક વાર એ ઘોડિયું હલાવતાં હાલરડું ગાઈ રહ્યાં હતાં અને એમણે સાપ જોયો અને હાથથી પકડી લીધો. એમની પાસે જૂનાં ગીતોનો ખજાનો હતો, જેમાંથી કેટલાંક સરસ્વતીચંદ્રમાં વપરાયાં છે. નાનપણમાં ઊંચા ઝાડ પરથી તળાવમાં કૂદીને એ પૂરું તળાવ તરી જતા હતા.
ગોવર્ધનરામ એમની સંસ્કૃત કૃતિ 'હૃદયરુદિત શતકં'ના 99મા શ્લોકમાં લખે છે: આ ભુવન શૂન્યમાર્ગ બનો ભલે, વિધિ એને ફાવે તેટલી ક્રૂરતા ધારણ કરો, એને હવે હું મારા ચરણની રજ જેવો ગણીને કચરું છું!...' પણ આ વીરત્વભાવ અન્યત્ર ક્વચિત જ દેખાય છે. આ લાઈનો વીસમે વર્ષે લખાઈ હતી. એ જ વીસમે વર્ષે એમણે બી.એ. થઈને નિશ્ચય કર્યો કે એલએલ.બી કરીને વકીલાત કરવી પણ નોકરી ન કરવી અને 40મે વર્ષે ધંધામાંથી નિવૃત્ત થઈ જવું, પછી શેષ જીવન સાહિત્ય અને સંસ્કાર સાધનામાં વ્યતીત કરવું. એ વાત લખ્યા પછી 23 વર્ષ બાદ ગોવર્ધનરામ 43મે વર્ષે સ્ક્રેપ-બુકમાં લખે છે કે એ એમના ધંધાની ટોચે પહોંચ્યા હતા અને તમામ ગુજરાતી વકીલોની કુલ આવક કરતાં એમની આવક વધારે હતી. બસ, એ વખતે કારકિર્દીના શીર્ષસ્થાને બિરાજેલા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્યની સેવા કરવા માટે નિવૃત્ત થઈ ગયા. 1887, 1893, 1898 અને 1901માં એમ સરસ્વતીચંદ્રના ચાર ભાગો પ્રકટ થતા ગયા. એ ચૌદ-પંદર વર્ષોનો યજ્ઞ સાહિત્ય પછી હતો.
ગોવર્ધનરામના જીવનમાં તૂટનો સતત આવતી રહી છે. મુરબ્બીઓની ઈચ્છા એમને આઈસીએસ કરાવવાની હતી, પણ એમણે ના પાડી. 1874માં ગૃહક્લેશ થયો, ગોવર્ધનરામ ઘર છોડીને ભાગી ગયા, ચોપાટીથી ભાયખલા ગયા, ભાયખલામાં ટ્રેન ચૂકી ગયા એટલે ઘેર પાછા આવ્યા. એ વખતે એમની વય 19 વર્ષની હતી, 13મે વર્ષે એમનું પ્રથમ લગ્ન હરિલક્ષ્મી સાથે થઈ ચૂક્યું હતું, ગૃહત્યાગ કર્યો એ જ વર્ષે પ્રથમ પત્ની હરિલક્ષ્મીનું અવસાન થઈ ગયું, પછી પુત્રી રાધા પણ ત્રણેક માસમાં મૃત્યુ પામી. માધવરામની પેઢી તૂટી ગઈ, ભૂલેશ્વરનો માળો વેચી નાખ્યો. બી.એ.ની પરીક્ષામાં પહેલો પેપર બરાબર ગયો નથી એમ ધારીને બીજો ન આપ્યો. પછી પેપરો તપાસાયા ત્યારે ખબર પડી કે પહેલા પેપરમાં બહુ સારા માર્ક હતા! એ બી.એ.માં નાપાસ થયા. બીજે વર્ષે ઉત્તીર્ણ થયા, બીજા વર્ગમાં ભાવનગરમાં નોકરી કરવી પડી. કરકસરના દિવસો આવી ગયા. બીમાર પડી ગયા. 1879માં બીજી એલએલ.બીમાં બેસી શક્યા નહીં. બીજે વર્ષે 1880માં નાદુરસ્ત તબિયત છતાં પરીક્ષામાં બેઠા, નિષ્ફળ ગયા. 1881માં ફરીથી બીમાર થયા, ફરી નાપાસ થયા. 1882માં પરીક્ષા સમયે બીમાર હતા, નાપાસ થયા. છેવટે 1883માં એ એલએલ.બી પાસ થયા.
ગોવર્ધનરામની બીમારી સતત ચાલુ રહે છે, જેમ્સ ટોડના રાજસ્થાનનું ગુજરાતી ભાષાન્તર કરવાનું કામ મળે છે, શરૂ કરીને એ છોડી દે છે. વડોદરાના દીવાન મહિને 500 રૂપિયાની નોકરી અપાવે છે, ગોવર્ધનરામ જતા નથી. આ પૂર્વે પણ નોકરીઓની ઓફરો આવી છે, એ અસ્વીકાર કરતા રહે છે. બીમારીઓ, ખર્ચાઓ ચાલુ રહે છે. 1892માં ન્યૂ ઓરીએન્ટલ બેંક તૂટી એમાં એમના 2700 રૂપિયા ડૂબી ગયા. એમને સંધિવા, ક્ષય, આંખોની તકલીફો થાય છે. એક વર્ષ પછી નાની બહેન સમર્થલક્ષ્મીનું અકસ્માતમાં મૃત્યુ થાય છે. ગોવર્ધનરામ પિતાનું બધું જ દેવું ચૂકવી નાખે છે.
સરસ્વતીચંદ્રનો ત્રીજો ભાગ પૂરો થયો તે પછી કોઈએ તેને પ્રકટ કરવાની હિમ્મત બતાવી નહીં, કારણ કે રાજકીય અશાંતિ અને પ્રેસ એક્ટના દમનને લીધે છાપનારા મુદ્રકો ગભરાતા હતા. એ પ્રકટ થવામાં વિલંબ થઈ ગયો. ગોવર્ધનરામ એ દિવસોમાં રહેવા માટે વસઈ ચાલ્યા ગયા હતા, કારણ કે મુંબઈમાં પ્લેગ ચાલતો હતો. એમને રોજ વસઈથી મુંબઈ આવજા કરવી પડતી હતી. બે વર્ષ પછી ત્રીજો ભાગ પ્રકટ થયો, ગોવર્ધનરામ મુંબઈને હંમેશને માટે છોડીને નડિયાદ ચાલ્યા ગયા. બીજે જ વર્ષે એ સખત બીમાર પડી ગયા, બહુ મુશ્કેલીથી બચી ગયા.
દર બેત્રણ વર્ષે એક આઘાત આવતો હતો. 1902માં એમની સૌથી પ્રિય પુત્રી લીલાવતી ગુજરી ગઈ, જેનો આઘાત ગોવર્ધનરામ માટે અસહ્ય થઈ ગયો. એક વર્ષ પછી નડિયાદમાં પ્લેગ આવ્યો અને પ્લેગમાં એમનાં માતા શિવકાશી અને સાસુ લહેરલક્ષ્મીનાં એકસાથે અવસાન થઈ ગયાં. એ પછી બીમારી વધી ગઈ, વધતી ગઈ. એમના મિત્ર પ્રો. ગજ્જરે એમને મુંબઈમાં નેપીઅન સી રોડ પર એમના બંગલાની પાસે જ "જેસ્મિન લોજ"માં રાખ્યા. પણ હવે દીપશિખાનું નિર્વાણ સમીપ હતું.
પચાસમાં જન્મદિવસે એમણે એમની સ્ક્રેપ-બુકમાં લખ્યું હતું: 'ઘેર બેઠાં સંન્યાસ એ જ એકમાત્ર ઉકેલ છે.'
1907ના જાન્યુઆરીની ચોથી તારીખે બપોરે દોઢ વાગ્યે એમનો દેહધર્મ સમાપ્ત થયો.
જીવનની સંઘર્ષમય ગતિ, અનિશ્ચિતતાનો પ્રકૃતિદોષ, સતત રુગ્ણાવસ્થા, નિકટજનો અને સ્વજનોનાં મૃત્યુ.... ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીને કલાકાર તરીકે જીવવા માટે જીવનમાં કેટલી વાર મરવું પડ્યું હતું?
ક્લોઝ-અપ:
કોઈ કહેશે કે જુદા જુદા અભિપ્રાય દર્શાવે તેમાં ફળ શું, પરંતુ તેમાં જ ફળ છે. સૌ ઊભરો કાઢ્યા પછી પાશ્ચાત્યશાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક ચર્ચા થયા પછી જે ઉત્તમ હશે તે જય પામશે.
- ગોવર્ધનરામ ત્રિપાઠી
(1905માં અમદાવાદમાં ભરાયેલી પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષીય ભાષણમાંથી)
(સમકાલીન: ડિસેમ્બર 21, 1989)
(પુસ્તક: ગુજરાતી ભાષા અને સાહિત્ય-2)
(An Article on Govardhanram Madhavram Tripathi and Saraswatichandra written by Chandrakant Bakshi in Samkalin daily on 21st December, 1989)
(An Article on Govardhanram Madhavram Tripathi and Saraswatichandra written by Chandrakant Bakshi in Samkalin daily on 21st December, 1989)
ઉત્તમ ઉત્તમ
ReplyDelete