પુસ્તકોનાં અર્પણની પણ એક સૃષ્ટિ હોય છે. આખા કોરા પાના પર ક્યારેક એક જ શબ્દ હોય (અમુકને), બસ અને લેખકના મનની કેટલી બધી વાત કહેવાઈ જાય. લેખકો માટે પોતાનાં પુસ્તકોનું અર્પણ સ્નેહભરી મૂંઝવણનો સવાલ હોઈ શકે. ક્યારેક એટલાં બધાં સ્વજનો યાદ આવી જાય કે સમજ ન પડે કોને આ પુસ્તક અર્પણ કરવું. ક્યારેક સ્વજનોમાંથી એકેય વ્યક્તિ નિકટ ન લાગે જેને પોતાનું સર્જન અર્પણ કરી શકાય.
ભોલાભાઈ ગોલીબાર (તંત્રી: ચંદન સાપ્તાહિક)ની એક નવલકથાનું શીર્ષક છે 'ભૂતપલીત'. આ ટાઈટલવાળી હોરર નવલકથા કોને અર્પણ કરવી એની ભોલાભાઈને મૂંઝવણ હતી. સૌથી પહેલાં ભોલાભાઈએ ચંદ્રકાન્ત બક્ષીને 'ભૂતપલીત' અર્પણ કરવાનું વિચાર્યું પણ છેક છેલ્લી ઘડીએ ભોલાભાઈને બીક લાગી એટલે વિચાર ફેરવી તોળીને એમણે આપના વિશ્વાસુને ભાવપૂર્વક અર્પણ કરી દીધી. જોકે થોડાંક વર્ષ બાદ ભોલાભાઈની હિંમત ખૂલી ગઈ એટલે એમણે પોતાની તાજી નવલકથા 'શૈતાન' ચંદ્રકાન્ત બક્ષીને અર્પણ કરી દીધી.
અર્પણમાં વ્યક્ત થતી લાગણીઓ પુસ્તક પ્રગટ થયાનાં થોડાંક વર્ષો પછી બદલાઈ જાય તો? આ સવાલ દેખાય છે એટલો થિયોરેટિકલ નથી. પુસ્તક છપાઈ રહ્યું હોય અને બાઈન્ડિંગ ન થયું હોય એ ગાળામાં લાગણીઓ બદલાય તો તો અર્પણનું પાનું બદલી શકાય કે રદ કરી શકાય. ગુજરાતીમાં આવું બન્યાના દાખલા મેં જોયા છે. પણ અહીં સવાલ છપાઈ ગયા પછી બદલાતી લાગણીઓનો છે. 1971માં ચંદ્રકાન્ત બક્ષીનો વાર્તાસંગ્રહ અમૃતલાલ યાજ્ઞિક, નગીનદાસ સંઘવી અને ગુલાબદાસ બ્રોકરને અર્પણ થયો હતો. વર્ષો વીતતાં આ ત્રણેય વડીલો સાથે ક્રમશ: મહાયુદ્ધો અને/અથવા મિનીયુદ્ધો બક્ષીએ કર્યાં. 'ક્રમશ:'ની નવી આવૃત્તિ પ્રગટ થશે ત્યારે અર્પણનું પાનું કેવું હશે એ સસ્પેન્સ છે.
(સૌરભ શાહના પુસ્તક 'કંઈક ખૂટે છે'માંથી)
No comments:
Post a Comment