કૃષ્ણદેવ પ્રસાદ ગૌડ હિન્દી સાહિત્યમાં 'બેઢબ' બનારસી નામથી મશહૂર છે. હાસ્યલેખક 'બેઢબ' બનારસી (1895-1968)ના સર્જનમાંથી કેટલાંક અવતરણો:
- અમારા બેનો પરિચય એ સમયથી છે જ્યારે રામે હનુમાનને ગળે લગાવ્યા હતા.
- અહીં ઓછાં કપડાં પહેરો તો મહાજન ગણાઓ, અને ન પહેરો તો દેવતા.
- આવા શહેરમાં (બનારસ) રહીને તરવું ન જાણવું, એ કૉલેજમાં ભણવું અને સિગરેટ ન પીવા જેવું છે.
- નાયિકાનું શરીર એવું લચકતું હતું જેવો અંગ્રેજી કાનૂન, જ્યાં ઈચ્છો ત્યાં ફેરવી લો.
- કચૌરી (કચોરી)ની વ્યુત્પત્તિ વિશે: પહેલાં એનું નામ ચકોરી હતું. વર્ણ ઈધરઉધર થઈ જાય છે. એટલે ચકોરી કચૌરી બની ગયું. ચકોરી એક પક્ષી હતું જે અંગારા ખાતું હતું. કચોરી ખાનારા પણ અગ્નિની જેમ ગરમ રહે છે, ઠંડા નથી થતા.
- એવું લાગે છે કે જૂના પ્રાચીનકાળમાં ભારતવાસીઓને કોઈ કામધંધો ન હતો એટલે બેઠાબેઠા દિવસભર મૂર્તિઓ બનાવ્યા કરતા હતા.
- ભારતવાસીઓ પ્રમાણ એ જ ગ્રંથોને માને છે જે અંગ્રેજોએ લખ્યા હોય.
- પ્રેમીઓને જે મજા પ્રેમિકાઓની આંખોને જોવામાં આવે છે એવી જ મજા કદાચ ડૉક્ટરોને દર્દીઓની જીભ જોવામાં આવે છે.
- ખ્વાજા સાહેબની દાઢીનો પાકો રંગ જોઈને અંગ્રેજ એવો મુગ્ધ થઈ ગયો કે એનું થયું કે આ કોઈ નવું વિલાયતી ઘાસ છે.
- હકીમ સાહેબ એટલા દૂબળાપાતળા હતા કે એવું લાગતું હતું કે એમણે એમની તંદુરસ્તી એમના દર્દીઓમાં વહેંચી નાંખી હતી.
('યાર બાદશાહો'માંથી...)
No comments:
Post a Comment