August 21, 2014

ખાવું-પીવું: પ્રસંગ, સંસ્કાર, વિધિ

ઘણી જગ્યાઓ, અને ખાસ કરીને કોઈ દેશના રાષ્ટ્રીય દિવસની પાર્ટી હોય ત્યારે મિત્રતા કે સ્વાસ્થ્યને લક્ષમાં રાખીને ટોસ્ટ પિવાય છે. બધા જ હાજર રહેલ પોતપોતાના ગ્લાસ ઊંચા કરીને એકએક ઘૂંટ શરાબ પીએ છે. સમજદાર માણસો બહુ જ નાના ઘૂંટ લેતા હોય છે કારણ કે ખબર હોતી નથી કે કેટલા ટોસ્ટ પીવા પડશે! આપણા પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ રશિયા ગયા ત્યારે રશિયન રાજ્યાધ્યક્ષ લિયોનિદ બ્રેઝનેવની સાથે ટોસ્ટમાં એમણે શરાબને સ્થાને પાણીનો ગ્લાસ પીને ટોસ્ટ કર્યું હતું! રશિયામાં પાણીથી ટોસ્ટ પીવાને બહુ મોટું અપશુકન ગણવામાં આવે છે. પણ મોરારજીભાઈએ શિવામ્બુ કે સ્વમૂત્રથી ટોસ્ટ ન કર્યું એ માટે કેટલાક નટખટ પત્રકારોએ એમનો આભાર પણ માન્યો હતો...! જ્યારે મુંબઈમાં રાજ્યપાલ કે દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળવા ગયો છું ત્યારે મેં એક અનુભવ કર્યો છે કે એ લોકો ચાના કપમાંથી એક અત્યંત નાનો ઘૂંટ પીને ચા છોડી દે છે. (ક્યારેક મને લાગે છે કે માત્ર જીભ જ અડાડતા હશે, કારણ કે એમણે દિવસભર ડઝનો મુલાકાતીઓ સાથે ચા 'પીવી' પડતી હોય છે.)

પંડિત જવાહરલાલ નેહરુ કે શ્રીમતી ઈંદિરા ગાંધીની વાત જુદી હતી, એમને ટેબલ મેનર્સ અને સંસ્કારનું સંપૂર્ણ જ્ઞાન હતું. એ પછી કેટલાક ગોલગપ્પા ખાનારા, હથેળીથી મોઢું ઢાંક્યા વિના ટુથપીકથી દાંત ખોતરનારા, ચુસ્કીઓના અવાજ કરીને ચા પીનારા, પીપદાનીમાં પાનનો ડૂચો થૂંકનારા કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓ આવી ગયા. લોકશાહીમાં તમે સડક પરથી સીધા જ સંસદ સુધી પહોંચી શકો છો. પાર્ટી પછી ગર્ભવતી સ્ત્રીની જેમ પગ પહોળા મૂકીને, લડખડાતા મંત્રીઓને જોવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે અને ત્યારે સમજાયું છે કે બંદૂકવાળાઓ શા માટે મંત્રીઓની સાથે સાથે રહેતા હોય છે! શ્રીમતી ગાંધી ચાઈનીઝ ખોરાક ચોપસ્ટીકથી ખાઈ શકતાં હતાં. હું સ્વયં પણ ચાઈનીઝ ખોરાક ચોપસ્ટીકથી જ ખાવો પસંદ કરું છું, અને ચાઈનીઝ ખોરાક ખાવા માટેની એ જ પારંપરિક રીત છે. બ્રાન્ડીના ગ્લાસમાં વાઈન પિવાય નહીં પણ જો કોઈ બારટેન્ડર એમાં આપે તો અમદાવાદી તરીકે ના પાડવી નહીં, કારણ કે એમાં વધારે વાઈન આવી જાય છે!

('યાર બાદશાહો'માંથી)

No comments:

Post a Comment