1944ના 31મી ડિસેમ્બરની સાંજે ખૂબ વરસાદ પડતો હતો અને પાલનપુરની 'ફિમૅલ હૉસ્પિટલ'માં અમારી એક જ બહેનનો જન્મ થયો હતો. જન્મ સમયે એનું વજન સાડા નવ પાઉન્ડ હતું, લંબાઈ 23 ઇંચ હતી, શરીર ગુલાબી હતું, વાળ પણ હતા. હું અને લલિતભાઈ હૉસ્પિટલમાં ગયા હતા અને કૉટમાં સૂઈ રહેલા બાળકને જોતા હતા ત્યારે લેડી ડૉક્ટરે કહેલા શબ્દો બરાબર યાદ છે: આવું તંદુરસ્ત...સરસ બાળક હૉસ્પિટલમાં ભાગ્યે જ આવે છે! એ દિવસે બહુ જ ઠંડી અને વરસાદને લીધે અમે ગરમ કોટ પહેરીને ગયા હતા. રવિવાર હતો, સ્કૂલમાં રજા હતી. ત્રણચાર દિવસ ખૂબ ઠંડી પડી. અસમય વરસાદ આવતો રહ્યો. 4થી જાન્યુઆરી 1945ને દિવસે સવારે લલિતભાઈએ હૉસ્પિટલથી આવીને મને કહ્યું: બેબી મરી ગઈ! એ દિવસે પણ અતિશય ઠંડીને લીધે સ્કૂલમાં રજા હતી. 1950માં બેબીની મૃત્યુતિથિએ મેં જરા ભાવુક ડાયરી લખી છે. કોઈકનો 'વહાલા ભાઈઓ!' સંબોધન સાથે પત્ર આવ્યો હતો અને હું ભાવુક બની ગયો હતો. બેબી ચાર દિવસ જીવી હતી. વાદળાંઓની પાછળ ચાલી ગઈ હતી. એના જન્મ અને અવસાન બંને દિવસોએ અમને રજા હતી. મેં મારા સ્કૂલ રજિસ્ટરમાં 31મી ડિસેમ્બરે પેન્સિલથી લખ્યું છે: સિસ્ટર બોર્ન! અને 4 જાન્યુઆરીના ખાનાની બહાર શાહીથી ઘટ્ટ અક્ષરે લખ્યું છે: સિસ્ટર ડાઇડ! અને, રજિસ્ટરમાં 4 તારીખની આસપાસ ઘેરી શાહીથી ઘૂંટીને એક નાનું ઘર બનાવ્યું છે...
ઋતુઓમાં જે સ્થાન વસંતનું છે, પરિવારમાં મને એ જ સ્થાન બહેનનું લાગ્યું છે. બહેન બરછટ જીવનમાં કુમાશ લાવે છે. બહેન હોત તો અમે કદાચ વધારે સમજદાર અને વાસ્તવિક બન્યા હોત. જ્યારે હું કોઈ બહેનને અન્યાય થતાં જોઉં છું ત્યારે મને એક ચુભન થયા કરે છે કે જે તમારે માટે રડી લે છે એને રડાવી નાખવાનું આ કયા પ્રકારનું કાપુરુષી વીરત્વ છે! વીર શબ્દ ભારતભરની ભાષાઓમાં ભાઈ માટે વપરાયો છે. અમારા બંજર બયાબાં (ઉજ્જડ અને સૂમસામ જગ્યા) ભ્રાતૃત્વમાં ક્યારેય કોઈ બહેન આવી નહીં... અને ધર્મની બહેનોવાળો દંભ મારી ખુદ્દાર તબિયતને ક્યારેય રાસ આવ્યો નથી. નાનપણમાં મને ક્યારેય કોઈ મારી અનિચ્છાએ રાખડી બાંધી ગયું હોય તો એ ગમ્યું નથી. કોઈ એવી હિંમત કરતું પણ નથી અને હવે એવી જરૂર પણ રહી નથી. પણ ક્યારેક એકલો એકલો હું પસાર થતાં વાદળાં જોઉં છું ત્યારે મેઘધનુષ્યના પરાગની શીકરો મને ભીંજવી રહી હોય એવું ફિલ કરું છું. કદાચ બહેનનો પ્રેમ આવો હશે... કદાચ નાની બહેન જીવતી હોત તો અમે ત્રણે ભાઈઓ એને ખૂબ મજા કરાવત.
(બક્ષીનામા: પૃ. 111-112)
No comments:
Post a Comment