August 22, 2014

ભીષ્મ પિતામહ....

પોતાનો પ્યારો પુત્ર પણ જો પતિત થઈ જાય તો માતા-પિતા એનો ત્યાગ કરી નાખે છે અને બધા જ માણસો હંમેશાં પોતાની જ રક્ષા કરવા ઈચ્છે છે, એટલે જોઈ લો, આ જગતમાં સ્વાર્થ એ જ સાર છે! આ ઉપદેશ આપનાર ભીષ્મપિતામહ છે અને આ ઉપદેશ સાંભળનાર ધર્મરાજા યુધિષ્ઠિર છે અને આ સંવાદ મહાભારતના શાંતિપર્વમાં છે. પૂરું શાંતિપર્વ ભીષ્મની સલાહો છે, જે બાણશય્યા પર મૃત્યુની ઇચ્છા રાખતા ભીષ્મે આપી છે. ભીષ્મ કહે છે: કોઈ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ નથી, સંજોગો મિત્રો અને શત્રુ બનાવે છે. (न कश्चितकस्यचिन्मित्रं , न कश्चित कस्यचिद्रिपु:। व्यवहारेण जायन्ते, मित्राणि रिपवस्तथा।।). આ જ વાતનો ધ્વનિ 19મી સદીના અંગ્રેજ પ્રાઈમ મિનિસ્ટર લૉર્ડ પામર્સ્ટનના વિધાનમાં પડઘાય છે. કોઈ સનાતન મિત્રો હોતા નથી, કોઈ સનાતન શત્રુઓ હોતા નથી, પણ ફક્ત સનાતન સ્વાર્થ હોય છે. પામર્સ્ટને જે શબ્દ વાપર્યા છે, એ છે 'ઈન્ટરેસ્ટ્સ'.

મહાભારતમાં ભીષ્મ મૈત્રી અને શત્રુતા વિષે યુધિષ્ઠિરને વિસ્તારથી સમજાવે છે. જે આજે પણ આપણા જીવનમાં સંગત છે અને માર્ગદર્શક બની શકે છે. મિત્રતા શું છે અને શત્રુતા શું છે? શત્રુઘ્ન અને મિત્રઘ્નમાં કોણ વધારે ખતરનાક છે? ભીષ્મ પિતામહ વારંવાર આ સ્પષ્ટતા શાંતિપર્વમાં કરતા રહે છે. મૈત્રી કોઈ સ્થિર વસ્તુ નથી અને શત્રુતા પણ સ્થિર રહેવાવાળી વસ્તુ નથી. સ્વાર્થના સંબંધથી મિત્ર અને શત્રુ બનતા હોય છે. (नास्ति मैत्री स्थिरा नाम न च ध्रुवम असौहृदम/ अर्थयुक्त्या हि जायन्ते मित्राणि रिपवस्तथा). ક્યારેક સમયફેરથી મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર બની જાય છે, કારણ કે સ્વાર્થ બહુ બળવાન હોય છે. ભીષ્મપિતામહ આગળ કહેતા જાય છે: ન કોઈ ક્યારેય શત્રુ હોય છે અને ન કોઈ ક્યારેય મિત્ર હોય છે. આવશ્યક શક્તિના સંબંધથી લોકો એકબીજાના મિત્ર કે શત્રુ બનતા હોય છે. ભીષ્મ પિતામહ જીવનની ફિલસૂફી સમજાવે છે: હું તમને ઇચ્છાનુસાર બધું જ આપી શકું છું, પણ મારી જાતને હું ક્યારેય નહીં આપું. પોતાની રક્ષા કરવા માટે સંતતિ, રાજ્ય રત્નો અને ધન, બધાનો ત્યાગ કરી શકાય છે. આપણા સર્વસ્વનો ત્યાગ કરીને પણ સ્વયંની રક્ષા કરવી જોઈએ! (आत्मार्थे संततिस तयाज्या राज्यं रत्नं धनं तथा/ अपि सर्वस्वम उत्सृज्य रक्षेद आत्मानम आत्मना). ભીષ્મ પિતામહ ધર્મરાજા યુધિષ્ઠિરને કુટિલ નીતિનું વાસ્તવ સમજાવે છે: कालेन रिपुणा संधिः काले मित्रेण विग्रहः/ कार्य इत्य एव तत्त्वज्ञाः पराजुर नित्यं युधिष्ठिर... સમયાનુસાર શત્રુની સાથે સંધિ અને મિત્ર સાથે વિગ્રહ કરવો પણ ઉચિત છે! ભીષ્મપિતામહ મહાભારત યુદ્ધની સમાપ્તિ પછી પાંડવોને સુખી જોવા ઇચ્છે છે અને પૂરા શાંતિપર્વમાં અત્યંત વિસ્તારથી મિત્ર-શત્રુનો ભેદ-અભેદ અને સુખ-દુ:ખની લીલા સમજાવે છે. ભીષ્મપિતામહ રાજધર્મ સમજાવતાં સમજાવતાં કૂટનીતિ તરફ આવી જાય છે. યુધિષ્ઠિરને પ્રેમથી કહે છે: જે લોકો શત્રુના શત્રુ છે, એ બધાનું સેવન કરવું જોઈએ...! આજે રાજકારણમાં આ ગૃહિત દરેક દેશ અપનાવી રહ્યો છે, શત્રુનો શત્રુ એ મિત્ર છે અને ભૌગોલિક ઇતિહાસની ભાષામાં પાડોશીનો પાડોશી એ મિત્ર છે, કારણ કે બે પાડોશીઓના સંબંધો મૈત્રીપૂર્ણ હોય એવું સામાન્યત: ભૌગો-રાજનીતિ અથવા જિયો-પોલિટિક્સમાં બનતું નથી. ગુજરાતી-મરાઠી ભાષાઓમાં રાજકારણ શબ્દ છે. હિન્દીવાળા રાજનીતિ શબ્દ વાપરે છે.

યુધિષ્ઠિરને આપદ્-ધર્મનો ઉપદેશ આપનાર ભીષ્મપિતામહ એક સ્થાને કહે છે: જે નદી પાર ન કરી શકો એ ઓળંગવાનું સાહસ ન કરો. જે ધનને શત્રુ બળપૂર્વક પાછું લઈ શકે એ ધનનું અપહરણ ન કરો. એવું વૃક્ષ નષ્ટ કરવાની કોશિશ ન કરો જે જડમાંથી ઉખેડીને ફેંકી દેવું સંભવ નથી. એવા શત્રુ પર પ્રહાર ન કરો જેનું માથું કાપીને ધરતી પર ફેંકી ન શકો! શત્રુ પર વેર લેવા વિષે ઘણા શ્લોકો છે. શત્રુ સાથે કઈ રીતે પ્રસ્તુત થવું એ વિષે પ્રકાર પ્રકારનાં સૂચનો છે. યુધિષ્ઠિરે મૂળ જે પ્રશ્ન કર્યો હતો એ આ પ્રમાણે હતો: ભારતનન્દન! પિતામહ! સત્યપુત્ર, ત્રેતા અને દ્વાપર ત્રણે યુગો પ્રાય: સમાપ્ત થવા આવ્યા છે. જગતમાં ધર્મનો ક્ષય દેખાઈ રહ્યો છે. ડાકુઓ અને લૂંટારાઓ ધર્મમાં અવરોધો ઊભા કરી રહ્યા છે. આવા સમયમાં કેવી રીતે રહેવું જોઈએ?

શત્રુના નાશની બાબતમાં ભીષ્મપિતામહ બિલકુલ અહિંસક નથી અને એમની દરેક સલાહ કે દેશનાનો ઉદ્દેશ્ય એક જ છે અને તદ્દન સ્પષ્ટ છે, દુશ્મનને ખતમ કરી નાંખવાનો, નામશેષ કરી નાખવાનો, સંપૂર્ણ મિટાવી દેવાનો. માત્ર શત્રુ જ નહીં, પણ અર્થપ્રાપ્તિમાં પણ જે વિઘ્ન નાંખવાવાળો હોય એને પણ મારી નાંખવો જોઈએ. ભીષ્મપિતામહની આ સલાહ બહુ સૂચક છે: પુત્ર, ભાઈ, પિતા અથવા મિત્ર જે પણ અર્થપ્રાપ્તિમાં વિઘ્ન નાખનાર હોય એને ઐશ્વર્યની ઇચ્છા રાખનારા રાજાએ જરૂર મારી નાખવા જોઈએ. ( पुत्रो वा यदि वा भ्राता पिता वा यदि वा सुहृत अर्थस्य विघ्नं कुर्वाणा हन्तव्या भूतिवर्धनाः)

શત્રુ કઈ રીતે પેદા થતો હોય છે? કોઈ જન્મથી મિત્ર કે શત્રુ હોતો નથી. સામર્થ્યયોગથી જ મિત્ર અને શત્રુ ઉત્પન્ન થતા રહે છે. ભીષ્મપિતામહે એક મૂલાધાર વાત સમજાવી દીધી છે. શક્તિ હોવી જોઈએ, મિત્ર બનવા અને બનાવવા માટે અને ઈર્ષ્યા શત્રુ બનાવે છે.

શત્રુ કરુણાજનક વચનો બોલી રહ્યો હોય તોપણ એને મારી નાખવા સિવાય છોડવો નહીં. જેણે આગળ આપણો અપકાર કર્યો હોય એને અવશ્ય મારી નાખવો અને એનું દુ:ખ ન કરવું, ભીષ્મપિતામહ કહે છે.  (अमित्रं नैव मुञ्चेत बरुवन्तं करुणान्य अपि / दुःखं तत्र न कुर्वीत हन्यात पूर्वापकारिणम). 

આનાથી આગળ કૂટનીતિની બીજી એક વેધક વાત આવે છે. (શત્રુ પર) પ્રહાર કરતાં પહેલાં પણ મીઠું બોલવું અને પ્રહાર કરી લીધા પછી પણ મીઠું જ બોલવું, તલવારથી શત્રુનું મસ્તક કાપીને પછી એ માટે શોક વ્યક્ત કરવો અને રડવું (परहरिष्यन प्रियं ब्रूयात परहृत्यापि परियॊत्तरम/ अपि चास्य शिरश छित्त्वा रुद्याच शोचेद अथापि वा). દુશ્મન પર દયા નથી. એની કતલ કરીને, એની સડકો તોડીફોડીને, એનાં ઘરોને નષ્ટભ્રષ્ટ કરીને શત્રુના રાષ્ટ્રનો વિધ્વંસ કરવો જોઈએ અને ભીષ્મપિતામહ કહે છે: દેવું, અગ્નિ અને શત્રુમાંથી કોઈ પણ બાકી રહી જાય તો એ વારંવાર વધતું રહે છે, માટે આ ત્રણમાંથી કોઈને પણ જરાય બાકી રખાય નહીં...

ભીષ્મપિતામહ અને ધર્મરાજા યુધિષ્ઠિરની જે મૂર્તિઓ જનમાનસમાં છે એનાથી જરા વિપરીત આ શ્લોકો છે. અહીં અહિંસા નથી. આતતાયીને શેષ કરી નાંખનારી હિંસા-પ્રતિહિંસાની સાફ વાતો છે. શત્રુ પર વેર લેવાની વાતો છે. અહીં ક્ષમા વીરસ્ય ભૂષણમ્ નથી. અહીં વીરનું ભૂષણ પ્રતિશોધ છે, વેર છે, ક્ષાત્રધર્મ છે અને ભીષ્મપિતામહ એક વ્યવહારિક સૂચન પણ આપે છે: સૂકું વેર ન રાખવું અને બંને હાથથી તરીને નદી પાર ન કરવી. આ પ્રવૃત્તિ નિરર્થક છે અને આયુષ્યનો નાશ કરનારી છે. આ કામ કૂતરા દ્વારા ગાયનું શીંગડું ચાવવા જેવું છે, જેનાથી દાંત ઘસાઈ જાય છે અને રસ મળતો નથી!

યુધિષ્ઠિરને રાજધર્મ વિષે, વેર લેવા વિષે, હનન અને ધ્વંસ કરવા વિષે ભીષ્મપિતામહ દેશના આપે છે અને વિચિત્રતા એ છે કે આ અધ્યાયનું શીર્ષક 'શાંતિપર્વ' છે અને એમાં વાતો વિશેષત: યુદ્ધવિષયક અને વિગ્રહવિષયક છે! વેરી સામે શાતિ અને અહિંસા કામ આવતાં નથી. દુશ્મનનું નામોનિશાન મિટાવી દેવું એ જ ધર્મ છે...

ક્લોઝ-અપ:

न बुद्धिं परिगृह्णीत स्त्रीणां मूर्खजनस्य च।
                                                                 - भीष्म
(અર્થ: રાજા ક્યારેય સ્ત્રીઓ અને મૂર્ખોની સલાહ ન લે.)
                                                                                         (મહાભારત: શાંતિપર્વ: 69: 73) 

('ટેલિસ્કોપ'માંથી)

No comments:

Post a Comment