ઈન્ટરવ્યુ આજે પત્રકારત્વનો એક અંતરંગ હિસ્સો છે, અને દરેક સમાચારપત્રમાં ઈન્ટરવ્યૂને સ્થાન અપાય છે. ઈન્ટરવ્યૂનો ઇતિહાસ લગભગ 150 વર્ષો જૂનો છે, અને અમેરિકન છાપાંઓએ એની શરૂઆત કરી હતી. ઈન્ટરવ્યૂનું ગુજરાતી મુલાકાત કરાય છે, પણ ઈન્ટરવ્યુ મુલાકાત કરતાં કંઈક વિશેષ છે. વ્યક્તિની અંતરંગ, અંદરની વાતો ઈન્ટરવ્યૂ દ્વારા પ્રકાશમાં આવે છે, જનતા સમક્ષ જાય છે, અને જનતાને વધારે જાણવાની પ્યાસ જાગે છે, અથવા ઊભી કરવામાં આવે છે.
મશહૂર ઈટાલીઅન પત્રકાર અને લેખિકા ઓરીઆના ફેલીસીએ વિશ્વના શ્રેષ્ઠતમ રાજકારણીઓના ઈન્ટરવ્યૂ લીધા છે, અને એણે એક વાત લખી છે: લખવા કરતાં ઈન્ટરવ્યૂ લેવા સહેલા છે, બીજાઓની જિંદગીનો અર્ક તમે લઈ લો છો અને તમારા નામે વેચતા રહો છો...!
લેખકો જ્યારે ઈન્ટરવ્યૂ આપે છે ત્યારે વધારે મૌલિક થઈ જતા હોય છે, અને સાધુબાવાઓ ઈન્ટરવ્યૂ આપે છે ત્યારે વધારે દંભી લાગે છે. જેણે જીવનભર માત્ર ઉપદેશો જ આપ્યા છે એવા સાધુચરિત્ર કલમબાજો ઈન્ટરવ્યૂ સમયે પાખંડનો મુખૌટો કે મહોરું પહેરી લે છે, આદતન એમનાથી પહેરાઈ જાય છે, અને જેમણે આજીવન આદેશો જ ઉઠાવ્યા છે એવા ચેલાચમચાઓ ઈન્ટરવ્યૂ આપે છે ત્યારે એમનું મોઢું 'હિઝ માસ્ટર્સ વોઈસ'ના કૂતરા જેવું થઈ જાય છે. અતિ શુદ્ધ વ્યક્તિએ ઈન્ટરવ્યૂમાં ખાસ કંઈ કહેવાનું રહી જતું નથી, કારણ કે જીવનભર એ જૂઠને સત્યનું કવચ પહેરાવીને જ જીવ્યો છે. જે માણસ જિંદગીને બધા જ રંગોમાં, મૂડોમાં, મિજાજોમાં, લયોમાં જીવ્યો છે એણે હમેશાં કંઈક નવું કહેવાનું હોય છે.
('પડાવ અને મંઝિલ'માંથી)
No comments:
Post a Comment