ગુજરાતી સાહિત્યકારો, લેખકો અને પત્રકારો ખૂબ ફરતા હોય છે. દેશમાં અને વિદેશમાં પણ. કેટલાક પારકે પૈસે ફરતા હોય છે, કેટલાક પોતાના પૈસે ફરતા હોય છે તો કેટલાકની પાસે પારકાના કે પોતાના પૈસા નથી હોતા છતાં કરકસરથી અલગારી રખડપટ્ટી કરતા હોય છે. પ્રવાસથી પાછા ફરીને તેઓ પ્રવાસવર્ણનો લખતા હોય છે. ટ્રાવેલોગ એક આખો અલગ સાહિત્ય પ્રકાર છે. ગુજરાતીનાં કેટલાંક પ્રવાસવર્ણનો મફતિયા મહેમાનગતિના પેમેન્ટની રસીદ જેવાં લખાતાં હોય છે. લેસ્ટરમાં લતાબહેને દાળઢોકળી ખવડાવી હોય કે સાન ફ્રાન્સિસ્કોમાં શાંતિભાઈને ત્યાં ખીચડી ખાધી હોય. આ બધાંની રસીદ પ્રવાસવર્ણનોમાં આવી જતી હોય છે. ગાડીભાડું, ટ્રંકકૉલ, રહેવાનો ખર્ચ તેમજ શૉપિંગ વગેરેના ખર્ચ બચાવવા બદલ આભાર માનીને પ્રવાસવર્ણનનું આખેઆખું પુસ્તક વિદેશી યજમાનોને અર્પણ કરીને મફતિયા પ્રવાસની ગિલ્ટ ફીલિંગમાંથી મુક્ત થવાની કોશિશ ક્યારેક થતી હોય.
આની સામે ગુજરાતી લેખકોમાં કેટલાક ઉત્તમ પ્રવાસીઓ છે જેમણે લખેલાં પ્રવાસવર્ણનો ગુજરાતી સાહિત્યનો એક અમૂલ્ય હિસ્સો છે. કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદથી માંડીને ભોળાભાઈ પટેલ તથા પ્રીતિ સેનગુપ્તા કે પછી ગુણવંત શાહ અને ચંદ્રકાન્ત બક્ષી ઉપરાંત અમૃતલાલ વેગડ તથા જયેન્દ્ર ત્રિવેદી સુધીના સંખ્યાબંધ ગુજરાતી લેખકોએ યાદગાર પ્રવાસવર્ણનો લખ્યાં છે.
મોટાભાગના ગુજરાતી લેખકો વિદેશમાં ફરતી વખતે સતત પોતાના ઘરનાં દાળભાત શાકરોટલીના વિરહમાં હોય એ રીતે અડધા ભૂખ્યા રહેતા હોય છે. વિવિધ વેજિટેરિયન વાનગીઓના સ્વાદ પણ આ ગુજરાતી લેખકોએ કેળવ્યા ન હોવાથી એમણે ભારતથી સાથે લાવેલા ખાખરા એફિલ ટાવર પર જઈને આરોગવા પડે છે. ચંદ્રકાન્ત બક્ષીએ દેશ-વિદેશના આઈસક્રીમો પર એક આખો રસપ્રદ લેખ લખ્યો છે. એમના પોતાના ઇતિહાસના બૅકગ્રાઉન્ડને કારણે અલગ અલગ દેશની વાતો દરમિયાન આવતા એ દેશના ભૂતકાળના સંદર્ભો સાહજિક રીતે પ્રવાસલેખમાં વણાઈ જાય છે. મોટાભાગના લેખકોમાં આવી વાતો આગંતુક લાગતી હોય છે, આયાસપૂર્વક ઉમેરાયેલી જણાતી હોય છે. સાનંદાશ્ચર્ય એ વાતનું છે કે બક્ષીનાં અન્ય કેટલાંક લખાણોમાં ગમે ત્યાંથી પ્રવેશી જતાં અહમ અને મિથ્યાભિમાન પ્રવાસવર્ણનોમાં સદંતર ગેરહાજર હોય છે. ચાર પ્રવાસવર્ણનોનાં પુસ્તકો ઉપરાંત ગુજરાતી જ્ઞાનવિજ્ઞાન શ્રેણીમાંનું 21મું પુસ્તક 'વિદેશ' પણ ચંદ્રકાન્ત બક્ષીના એક સફળ પ્રવાસવર્ણનલેખક હોવાનો વધારાનો પુરાવો છે.
No comments:
Post a Comment