August 23, 2014

મૃત્યુ એટલે મરણ એટલે અવસાન એટલે નિધન એટલે નિર્વાણ એટલે...

હું વિચાર કરું છું કે જો હોશ હશે તો જૈનની જેમ હું મારું મૃત્યુ નક્કી કરી લઈશ, સંથારારૂપે, પણ આ રીતે શરીરમાં અડધો ડઝન સોયો ઘુસાડેલી અવસ્થામાં હૉસ્પિટલમાં નહીં મરું. મારાં પુસ્તકોની વચ્ચે, મારા ઘરમાં, મારી સ્મૃતિઓની વચ્ચે, મારા પ્રિયોના સાન્નિધ્યમાં, જલદી જલદી મરી જઈશ. હું મર્સી કિલિંગ અથવા યુથેનેશિયામાં માનું છું, મારા પ્રિયતમને હું ટોર્ચર નહીં થવા દઉં, અસાધ્ય રોગને અને એ રોગની અસહ્ય પીડાને હું મારા પૈસાના જોરે નહીં લંબાવું અને એ જ મારી પણ અપેક્ષા છે. મારો પરિવાર લાઈફ-સપોર્ટ સિસ્ટીમને જોરે મારા મૃતપ્રાય શરીરને માત્ર જીવતું નહીં રાખે એવી મને શ્રદ્ધા છે. મિત્રકવિ આદિલ મન્સૂરીએ લખ્યું છે: ફૂલ સુકાઈ રહ્યું છે ડાળ પર, ગુલબદન ડાળીને હળવેથી અડો...! જે ફૂલ ડાળ પર જ મરી ચૂક્યું છે એને ક્યાં સુધી નમો અરિહંતાણં સંભાળાવતા રહેવું છે? એને 'હળવેથી' તોડીને નદીમાં વહાવી દેવાનું છે. એ જ મર્સી કિલિંગ છે, ફૂલનું. 

બીજી એક વાત એ છે કે જ્યાં પણ દેહાંત થાય, અંત્યેષ્ટિ ત્યાં જ કરી નાખવી. દેહવિલય લંડનમાં થયો હોય તો વિમાનમાર્ગે શરીર લાવવું, દર્શન માટે મૂકવું, વિરાટ સ્મશાનયાત્રા કાઢવી, 'ભવ્ય' શોકસભા ભરવી... આ બધી વલ્ગર તમાશાબાજીમાં હું માનતો નથી. ઘનશ્યામદાસ બિરલા ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ હતા. લંડનમાં અવસાન થયું, એમની સૂચના પ્રમાણે અંતિમ સંસ્કાર લંડનમાં જ કરી નાંખ્યા. વિમાનો ચાર્ટર કરીને બે હજાર માણસો લંડનથી દિલ્હી લાવવા એમના જેવા મહાધનપતિ માટે મામૂલી વાત હતી, પણ મૃત્યુ સમયે ગાંધીવાદનો એમનો નિખાર જનતાએ જોયો.

મૃત્યુનો ડર મનુષ્ય માટે કદાચ સૌથી ભયંકર ડર છે કારણ કે એ વખતે એ તદ્દન અસહાય હોય છે, બીજાની સંભાળ-શુશ્રૂષા પર એની દરેક ક્રિયા અવલંબે છે. માણસ 9 સેકંડમાં મરી શકે છે અને 9 વર્ષ પછી પણ મૌત આવતું નથી. મૃત્યુ ઈશ્વરના હાથમાં છે, વૃદ્ધો કહે છે. પણ આ માત્ર આંશિક સત્ય છે. મૃત્યુનું પણ મનુષ્ય આયોજન કરી શકે છે, આત્મહત્યાથી આમરણ ઉપવાસ સુધી સ્વ-મૃત્યુનો ફલક ફેલાયેલો છે. પણ બંનેમાં હિમ્મત જોઈએ છે જે સામાન્ય માણસ પાસે હોતી નથી. દરેક જીવંત જીવ થોડું વધારે જીવવા માગે છે, અને કબરમાંથી દરેક મુડદાને ઊભું કરો તો દરેક મુડદું કહેશે કે બસ, એક જ નાની ઇચ્છા અતૃપ્ત રહી ગઈ છે! મૃત્યુનો સમાધાન ઉત્તર જૈન ધર્મમાં જે રીતે મળે છે એ રીતે મને અન્ય ધર્મોમાં મળ્યો નથી. જૈન ધર્મમાં સંથારો છે, સંથારો એટલે જ્યારે મનુષ્યને ઇચ્છામૃત્યુની આવશ્યકતા દેખાય ત્યારે એ અન્નજળાઔષધિનો સ્વેચ્છાએ ત્યાગ કરી દે, અને સામાન્ય રીતે સાતઆઠ દિવસમાં શરીરનું નિર્વાણ થઈ જાય. બધાં જ પોષણો બંધ કરી દેવાથી શરીર આપોઆપ હોલવાઈ જાય છે. સંથારો એ સ્થિતિ છે જ્યારે માણસ સ્વયં ઈશ્વરની ભૂમિકામાં આવી જાય છે, પોતાને જીવવું છે કે મરવું છે એ માણસ પોતે નક્કી કરે છે. વિનોબા ભાવેએ સંથારો લઈને પોતાનો જીવનદીપ બુઝાવી લીધો હતો. સંસ્થારો સમજી લીધા પછી મૃત્યુની યંત્રણાનો ભય નીકળી ગયો છે. જો રોગ અસહ્ય કે ટર્મિનલ હોય તો બધું જ બંધ કરીને જીવન સંકેલી શકાય છે, સ્વેચ્છાએ.

આધ્યાત્મિક અને ધાર્મિક વાતો સતત કરતા રહેનારાઓ કદાચ અજ્ઞાત અવસ્થામાં એવી વૃત્તિ ધરાવતા હોય છે કે જીવન મૃત્યુલક્ષી છે. આવતી કાલના મૃત્યુની ભયચિંતામાં આજના જિવાતા જીવનમાં સમાધાનો કરતા જવામાં એક કાયરતા રહેલી છે. ઘણી વાર કાયરતામાં સસ્તી સલામતી હોય છે. વાસ્તવમાં મર્દને મૌત કરતાં મૌતના પહેલાં આવી જતી પરવશતા અને પરાવલંબનનો વિશેષ ભય હોય છે.

('શ્વાસની એકલતા'માંથી)

1 comment:

  1. મૃત્યુ વિશેના તેમના વિચારો જાણી જાણે ચિત્ત'માં અનુનાદ થયો . [ હું પણ યુથેનેશિયામાં માનું છું . ]

    ReplyDelete