કવિ બોરિસ પાસ્તરનાકે એવું રહસ્યમય શા માટે લખ્યું હશે: મનુષ્ય જીવવા માટે જન્મ્યો છે, જીવવાની તૈયારી કરવા માટે નહીં! પશ્ચિમની વિચારધારા ડેકાર્ટના વિધાન પર ઊભી છે: હું વિચાર કરું છું માટે મારું અસ્તિત્વ છે (I think, therefore, I exist)! પણ અમેરિકન કવિ વોલ્ટ વ્હિટમેને આપણી હિંદુ વાત કહી દીધી છે: હું જેવો છું એટલો જ પર્યાપ્ત છું (I am sufficient as I am)! આ વાત વૃદ્ધત્વને ખૂબ જ લાગુ પડે છે. અમેરિકનોની જેમ જવાન કહેવડાવ્યા કરવાની બચકાના જીદની જરૂર રહેતી નથી. વૃદ્ધત્વની દિશા સાફ છે. વૃદ્ધ વયે તબિયત સરસ હોય અને પૈસા માટે મોહતાજ ન થવું પડે તો એનાથી વધારે મોટા આશીર્વાદ નથી. માણસ પાસે ઘર, ધન, સ્વાસ્થ્ય હોય તો વૃદ્ધાવસ્થા જીવનનો શ્રેષ્ઠ સમયખંડ છે. એક લેખકે વૃદ્ધાવસ્થાના સમર્થનમાં લખ્યું છે કે જો મનુષ્ય આ જિંદગીને કવિતાની જેમ જીવવા માગતો હોય તો એ એના જીવનના સૂર્યાસ્ત સમયને એનો સુખીમાં સુખી કાળ ગણશે...
જિંદગીને અંદરથી કાટ લાગી જાય અને ઉપર રાખની પર્ત જામી જાય એ અવસ્થા નહીં આવવી જોઈએ. ધર્મ જૂનો કચરો સાફ કરવાનો હાઈડ્રોજન પેરોક્સાઈડ નથી. ઘણી વાર એ કચરો મૃત્યુ જ સાફ કરી આપે છે. જ્યારે જૂનો, શઠ, જુઠ્ઠો, દુર્જન માણસ મરી જાય છે ત્યારે ઈશ્વરમાં વિશ્વાસ થઈ જાય છે. પણ જવાન મમ્મીઓને ઈશ્વર શા માટે મારી નાખે છે? એ ઈશ્વરમાં અવિશ્વાસની ક્રૂર ક્ષણ છે પણ મૌત ઈશ્વરની અંતિમ દયા છે, એ માનું છું.
('શ્વાસની એકલતા'માંથી)
No comments:
Post a Comment