યુવતા ઊગે છે અને યુવતા સ્પૃહાઓ જન્માવે છે, દૈહિક અને માનસિક, શરીરી અને અશરીરી. આમાં દેખાદેખી હોય છે, ગતાનુગતિક હોય છે. શિક્ષણ લેવાનું હોય છે. પછી ધન કમાવવાનું હોય છે. પછી ગૃહસ્થી વસાવવાની હોય છે. અને સેક્સમાં, અર્થશાસ્ત્રની જેમ, 'લૉ ઑફ ડિમિનિશિંગ રિટર્ન્સ'ની દુવિધા રહેલી છે. પહેલા 10 રૂપિયા કમાવાનો આનંદ બીજા દસ રૂપિયામાં નથી, ત્રીજા ચોથા પાંચમા દસ રૂપિયા કમાવાનો આનંદ ક્રમશ: ઓછો થતો જાય છે. રિટર્ન ડિમિનિશ થતું જાય છે. સેક્સના ઉપભોગનો આનંદ, ધંધાની ભાષામાં કહીએ તો, પહેલે વર્ષે 40 ટકા ડિપ્રિસિયેશનનો છે. પછીના વર્ષે 25 ટકા, પછી 10 ટકા જ રહે છે. ચોથે વર્ષે સેક્સ માત્ર 5 ટકા જ આનંદ આપે છે. પૈસા કમાવા ડ્રગિંગ જેવું છે. વધારે અને વધારે પૈસા કમાવા એ ચુઈંગ ગમ ચાવ ચાવ કરવાની સ્વાદહીન ક્રિયા છે, એક આદત, ડ્રગ જેવી, પછી એના વિના રહી શકાતું નથી. પૈસાની ખરીદશક્તિ, પૈસાનું મૂલ્ય બધું જ ગૌણ બની જાય છે. શા માટે અને કોને માટે જેવા પ્રશ્નો પણ ભુલાઈ જાય છે. ધર્મ અને/અથવા બીમારી પાછલી ઉંમરે પ્રવૃત્ત રાખે છે, સહારારૂપે એ બન્ને સારાં છે. બીમારીનું સુખ એ છે કે એમાં કોઈ ભાગ પડાવતું નથી. ધર્મ જ્ઞાનહીનને જ્ઞાની જેવું મોઢું બનાવીને બોલવાની શક્તિ આપે છે.
('શ્વાસની એકલતા'માંથી)
No comments:
Post a Comment