નાટક શબ્દ આપણા જૂનામાં જૂના શબ્દોમાંનો એક છે. સંસ્કૃત નાટકની સાથે સાથે જ કાલિદાસ અને ભવભૂતિ અને માઘ જેવાં નામો તરત યાદ આવી જાય છે. બીજાં ડઝનો નામોની સાથે સાથે. વિશ્વભરમાં નાટકની પરંપરા રહી છે. ગુજરાતીમાં નાટક શબ્દ ઘણી બધી પ્રવૃત્તિઓ માટે વપરાતો રહે છે. શેક્સપિયરનાં નાટકો એ ટ્રેજેડી, કૉમેડી અને હિસ્ટોરિકલ્સ એમ ત્રણ શાખાઓમાં નાટ્યવિદો વહેંચી લે છે. અમેરિકનોએ એક નવી વસ્તુ આપી: મ્યુઝિકલ્સ! આમાં સંગીતપ્રધાન અભિનય સિવાય બર્લેસ્ક્યૂ નામનો અંગ્રપ્રદર્શનનો ખેલ પણ હોઈ શકે છે. આપણા દેશમાં લગભગ દરેક પ્રદેશની પોતાની નાટક પરંપરા હતી, ગુજરાતની ભવાઈથી બંગાળની જાત્રા અને ઉત્તરની નૌટંકી સુધી. અત્યારે મુંબઈમાં ગુજરાતી નાટ્યપરંપરા બે હિસ્સાઓમાં વિભાજિત થઈ ગઈ છે: નાટકો બહુ ઓછાં આવે છે, અને ચેટકોની ભરમાર છે, ભીડ થઈ ગઈ છે. થોડાં ચેટકો જે અત્યારે માર્ચ 2004માં મુંબઈમાં ચાલી રહ્યાં છે, એમનાં નામો: હાયલા, રમીલા પાછી આવી....પતિ થયો એ પતી ગયો...આપણું તો બધું પ્રાઈવેટ લિમિટેડ (છેલ્લા બે શબ્દો અંગ્રેજી લિપિમાં)...લોચો માર્યો શેઠિયા...બાપુ, તમે કમાલ કરી...અમે લઈ ગયા, તમે રહી ગયા! થોડાં ડૂસકાં, થોડા ટુચકા, થોડા દ્વિઅર્થી વન-લાઈનર્સનું મિશ્રણ હલાવીને ઉપર થોડી અહિંસક સેક્સ સ્પ્રે કરીને ચેટક તૈયાર કરવામાં આવે છે, અને જેમ કરિયાણા બજારની ઉકાળેલી ચાના ઘરાકો એ જ ચા પીવાના બંધાણી થઈ જાય છે એમ આ ચેટકો ચાટનારા ચેટકતલબીઓ દુકાન ખૂલે એટલે ગલ્લો છલકાવવા હાજર થઈ જ જાય છે. મુંબઈના ગુજરાતીઓની અસ્મિતાનો આ ચેટકબજાર એક પ્રધાન અંશ છે.
ગુજરાતી દર્શકોને ચેટકો ચટાડવામાં આવ્યા છે એટલે મહાન ક્લાસિકલ નાટકો કોઈ જોતું નથી, એ ઉતારવાનો કોઈ પ્રયત્ન પણ કરતું નથી. અમદાવાદમાં નાટ્યપ્રવૃત્તિ સુસ્ત છે, સુરતમાં પ્રતિબદ્ધ કલાકારો છે, પણ ગુજરાતી નાટક એટલે મુંબઈ એવી એક વ્યાખ્યા થઈ ગઈ છે. પણ હેમલેટ કે કિંગ લિયર કે ટારટફ કે ફાધર જેવાં કે મધર કરેજ કે થ્રી સિસ્ટર્સ કે સેંટ જોન કે કેલીગુલા જેવાં નાટકો ગુજરાતી ભાષામાં બૉક્ષ-ઑફિસ પર હિટ જાય એ દિવસ હજી ઘણો દૂર છે. ગુજરાતી નાટક પાસે કલાકારો અને કસબીઓ પ્રથમ કક્ષાના છે પણ એ ઉતારનારા કારીગરો નાહિમ્મત વ્યાપારીઓ છે, જેમને એક જ ચાલુ ડાઈસ ઉપર ઊતરેલો માલ વેચવો છે અને વેચતા રહેવું છે. અને ચેટકબજારમાં ગલ્લો છલકાવવો બહુ કઠિન કામ નથી, જો તમે તમારા ઘરાકોનો 'ટેસ્ટ' સમજી લો તો...જે રીતે બટાટાવડાં વેચનારાઓ સમજી લે છે.
ગુજરાતી નાટકમાં એ દિવસ ક્યારે આવશે કે આપણે કાકને ટી-શર્ટમાં અને મંજરીને જીન્સમાં જોઈએ અને પાછળ ઈલેક્ટ્રિક ગિટાર વાગતું હોય? અથવા મુંજાલ મહેતા સુટ પહેરીને ટેબલ સામે ઊભા હોય અને દીવાલ પરના ગુજરાતના નક્શાને જોતા હોય? અને ટેબલ પર એશ-ટ્રેમાં એમની બુઝાઈ ગયેલી પાઈપ ઊંધી પડી હોય? મહાન કલા એ છે જે ભાવકને પોતાનું અર્થઘટન કરવાનો અવસર આપે છે. નાટક એક નિર્જીવ કલાપ્રકાર નથી, નાટકના મંચ ઉપર મંચન સમયે ટેબલ અને ખુરશી અને સોફો પણ જીવંત બની જાય છે.
(અભિયાન: એપ્રિલ 3, 2004)
('વિવિધ ગુજરાત'માંથી)
No comments:
Post a Comment