બક્ષી ખાવાપીવાના શોખીન છે. બંને ક્રિયાઓના વર્ણનના વધુ શોખીન છે. એમની આંખોમાં મજાકિયા સરૂર છે, અને ચહેરા પર શીળીના ડાઘ છે, જે એમના ચહેરાને એક ખરબચડું ટેક્સચર આપે છે, એમનું એવું માનવું છે, કે એમનું વર્તન પણ એવા જ ટેક્સચરનું છે. બક્ષીનું મોટાભાગનું લખાણ એમની દુકાનના કાઉંટર પર થાય છે, (દુકાન ખૂબ ધીકતી ચાલે છે) અને એમનો દિવસ લગભગ આખો એ સ્થળે વીતે છે. મારી પહેલી મુલાકાત વખતે એમણે 'ગુડ નાઈટ' કહ્યું હતું, અને 'નમસ્તે'નો 'અસફળ' દેખાવ કરી કહ્યું હતું. નમસ્તે કરતાં તો મને નથી આવડતું, એ છૂટા પડતી વખતે થયું હતું, અને વર્ષો પછી મેં એક વાર કરાવ્યું હતું. ત્યારે અમે બંને હસી પડ્યા હતા; બક્ષી પણ ક્યારેક પોતાની જાતની મખૌલ ઉડાવી શકે છે. એસેન્શીઅલી, બક્ષી અડ્ડાબાજ માણસ છે, કલાકો, કે પ્રહરો એમની પાસે સ્થગિત થઈ જાય છે. સતત (એમણે કોઈના હાસ્ય માટે વાપરેલી ઉપમા વાપરીને કહેવાય કે) ફટાકડાના સર્પની જેમ વાતોમાંથી વાતો નીકળ્યે જ જાય છે. એમની વાતમાંથી બોલનાર અને સાંભળનાર વચ્ચે સતત સાગરનાં મોજાંની જેમ અટ્ટહાસ્યનાં મોજાં આવ્યે જ જાય છે, અને સાંભળનાર વાતોનું વજૂદ કે મહત્ત્વ આંકવા પામે નહિ એટલી ઝડપથી એના મન અને વિચારો ઉપર એ અટ્ટહાસ્યો ફરી વળે છે. બક્ષીની મજાકો મીંઢી કે 'મરકાવનારી' નથી હોતી, પેટ પકડી અને મન છોડીને તમારે હસવું જ પડે. બક્ષી પણ એટલા જ રૂઆબથી હસતા હોય છે, મજાક જાણે એમણે નહિ, જેની વાત થતી હોય એ વ્યક્તિએ કરી હોય. એકવાર બકુલ (એમનો નાનો ભાઈ), બક્ષી, અને હું એક મિત્ર સવિશેષની ગેરહાજરીમાં એની મજાકે ચઢ્યા હતા, ત્યારે એકાએક એક વાતથી ખરેખર દસ મિનિટ સુધી પાગલ અવસ્થામાં, અવાક દશામાં હસતા જ રહ્યા હતા; બક્ષી ખુલ્લા દિલે હસે છે, ત્યારે પોતાની છાતી ઉપર હાથ ફેરવ્યા કરે છે. ગુજરાતીઓ પેટ પકડીને હસે તો બક્ષી છાતી પકડીને હસે, કારણ કે બક્ષીને 'ગુજરાતી'ને આંચકા આપવામાં મહાઆનંદ આવે છે. હસતી વખતે ધબ્બા મારવા, કે ધક્કા મારવા, કે તાળીઓ લેવી-આપવી, ભેટી પડવું કે એવી કોઈ 'ગુજરાતી' ક્રિયા બક્ષી બિલકુલ કરતા નથી. એમની સાથે વાતો કરતાં કરતાં તમને લાગ્યા કરે કે, તમે પોતે કેટલા રમૂજી માણસ છો. એમને મેળવી આપ્યા પછી કલકત્તાના મારા બે-ત્રણ દોસ્તો હ્યુમરિસ્ટ થઈ ગયા છે, અને બીજાઓને હસાવવાના પ્રયત્નો કરી બદનામ થઈ રહ્યા છે.
અમારી વચ્ચે સાહિત્યિક વાતો થતી નહોતી. 'શું લખો છો આજકાલ?' કે 'શું વાંચો છો આજકાલ?' એ અમારા અભિવાદનના શબ્દો નહોતા. એક 'સાહિત્યકારના વ્યાખ્યાન'માં 'લગભગ' શબ્દ બોલાયો, અને બક્ષીએ કાનમાં કહ્યું, 'ગુજરાતી સાહિત્યકાર હોય અને પ્રોફેસર હોય તો લગભગને બદલે બોલે "લ-ગ-ભ-ગ"'. કોઈ વ્યાખ્યાનમાં બક્ષી બેઠા હોય તો એ સભાનું એક ન્યુક્લિયસ એમની આસપાસ બંધાય અને ચાલુ વ્યાખ્યાને હસાય નહિ એવા શિષ્ટાચારમાં તમે માનતા હો તો મુશ્કેલીમાં મુકાઈ જાઓ, અને છતાંય તમને એ અશિષ્ટતાનું 'ઘેલું' લાગે. વ્યાખ્યાનનું શ્રોતાવૃન્દ નાનકડું હોય તો બક્ષી વ્યાખ્યાતાને સવાલજવાબની વિકટ કસરતમાં ઉતારે, હેરાનપરેશાન કરી મૂકે, અને ઘણીવાર દ્રશ્ય 'વણસી' જાય. બક્ષી 'વાર્તા' વાંચી રહ્યા પછી સમજાવવી ન પડે, ટકોરા જેવી સ્પષ્ટ વાર્તા હોય, એવી વાર્તામાં માને છે. મારી સામે વ્યક્તિગત વિરોધ એમનો એ જ રહ્યો છે, અને હંમેશાં એમણે કહ્યો છે, મારી (આ લખનારની) વાર્તાઓ ઘણીવાર વિકટ હોય છે, 'જે ન હોવી જોઈએ.' એટલો જ ઉગ્ર અને હિંસક વાંધો એમને સુરેશ હ. જોષીની વાર્તાઓની સામે છે, અને એથી ય જુદાં કારણોસર કોઈ ત્રીજા વાર્તાકારની વાર્તાઓ સામે છે, બધાની સામે છે, દુનિયા જગતની સામે છે, અને વિશ્વબ્રાહ્મણની સામે છે. એમને મુંબઈની સામે, કલકત્તાની સામે, અમદાબ્રહ્માણ્ડની સામે, દિલ્હી, કાનપુર, લખનૌ...ગમે તે વસ્તુ, વ્યક્તિ કે વિચારની સામે એમને વાંધો જ વાંધો છે. અને બે વાક્યોથી એ વાંધો મહાપ્રેમમાં પલટી શકે છે. ખરેખર તો બક્ષી હમેશાં પ્રેમાધિક્કાર એ બેમાંથી એક વસ્તુ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વિચાર કે વાદને આપ્યા જ કરે છે. એમને સતત ગમતા માણસોને એ પોતાનો 'હીરો' કહે છે, અને પોતાને ગમતી હીરોઈનને 'સાલી' કહે છે. એમનો લેટેસ્ટ હીરો ઇતિહાસકાર 'પી.એન. ઓક' છે, જે તાજમહાલ, કુતુબમિનાર વગેરે ઈમારતોના સર્જક રજપૂત રાજાઓને ગણે છે, અને હિન્દુત્વના આગ્રહી છે, એવું બક્ષી પાસેથી એના વિષે સાંભળ્યાથી લાગે છે. બક્ષી અસંખ્યવાર, એક જ બેઠકની દૌરાન, પોતાને જનસંઘી, સામ્યવાદી (ચીનતરફી - એમનો એક 'હીરો' માઓ ત્સે તુંગ પણ છે), અને મૂડીવાદી કહેવડાવે છે, એકાદ-બે વર્ષે એકવાર, સુન્નત કરાવી મક્કા જવાની વાત પણ કરે છે, અને મુસલમાનો પ્રત્યે એમના હૃદયમાં પ્રેમના ફુવારા છૂટે છે, એવું લાગવા દે છે. એમણે ઉર્દૂ (લિપિ)નો અભ્યાસ પણ કર્યો છે. એ પોતે, કઈ ઘડીએ કયા વાદમાં 'સ્ટોન્ચ બિલિવર' છે, એનો આધાર તમે કયા વાદમાં માનો છો એની ઉપર છે, કારણ કે, એ તમારા વાદની સામેના વાદમાં માને છે. - પ્રતિવાદમાં. બક્ષી પાર્ટીઓમાં જાન નાખી આપે છે. અને તમારા અંગત સવાલોમાં ગોટાળે ચડી ગયેલા તમને એકાએક આખી દુનિયામાં તમારા પોતાના સિવાય આનંદ લઈ શકાય એવા કેટલા બધા વિષયો, વ્યક્તિઓ વસ્તુઓ છે, એનું વિશ્વરૂપદર્શન કરાવે છે.
પણ એ આખી બહિર્મુખતા એ સદાબહાર ખુશહાલી, એ ફટાકડાના સર્પની ફૂટ્યા કરતી અજીબોગરીબ વાતોની બોમ્બમારી એમના લખાણોમાં કેમ અદ્રશ્ય થઈ જાય છે? કેમ એમની વાર્તાઓમાં 'બિઝારે', કે મરઘીની ટાંગો, વેશ્યાઓ, વ્યસનીઓ, અને દિલ અને દિગામના તૂટેલા માણસોની વાતો આવ્યા કરે છે? કેમ એમની નવલકથાઓનો નાયક છેલ્લે પરાસ્ત જ થયા કરે છે? અને ટ્રેજેડીનો, પીડાનો ચાકડો કેમ 'પડઘા ડૂબી ગયા'થી લઈને 'આત્મકથાનકાભાસી' છેલ્લી નવલકથાઓમાં ફર્યા જ કરે છે? તન-મન-ધન જીવનથી સર્વ વાતે સુખી, ગૃહસ્થ, વેપારમાં ચાલાક અને જિંદગાનીનો રસ લેવાવાળો માણસ, કેમ એના સાહિત્યિક લખાણોમાં જમાનાની પછાડો ખાતો હોય એવો દેખાય છે? એનાં પાત્રો કેમ બધાં એક જ રસાયણમાંથી બન્યાં હોય એવું લાગે છે? બધાંની બોલી કેમ એક જ પ્રકારની બની જાય છે: સંજોગોએ અમને પરેશાન કરી મૂક્યા છે. શું બક્ષીની આત્મ-છબિ (સેલ્ફ ઈમેજ) એવી છે? કે પછી 'પ્રતિ-વાદ'નું ઓબ્સેશન એમને ત્યાં પણ એવું કરવા દોરવે છે, પોતે જેવા નથી એવા ચિત્રિત થવામાં એક પ્રકારનું સુખ અનુભવે છે? પત્રોમાં, વાતોમાં, દિન-પ્રતિ-દિનના વ્યવહારમાં અટ્ટહાસ્યોમાં મહાલતા, હસાતા-હસાવતા બક્ષી ગંભીરતાનો 'પોઝ' કરે છે? બક્ષી માણસ તરીકે, મિત્ર તરીકે જેટલા મજેદાર લાગે છે, એટલા લેખક તરીકે મને નથી લાગતા. પરિચય પહેલાં મને એમનું લખાણ જેટલું આકર્ષક લાગતું હતું, એટલું હવે નથી લાગતું. કારણ કે બક્ષીને હું એટલા કરોડ કલાકોથી ઓળખું છું, કે એમને લેખક તરીકે પૃથક જોવાનો અવસર મળ્યો નથી. અને હું પૃથક થઈ જોવાનો ઈરાદો પણ નથી રાખતો; મને મિત્રો ગમે છે, માણસો ગમે છે, બંને રીતે બક્ષી અફલાતૂન ઈસમ છે. બક્ષીને કોમરેડ તરીકે ઓળખનાર એમનું લખાણ ન વાંચે તો કંઈ ગુમાવતા નથી, અને એમના અસંખ્ય મિત્રો એવા છે, જે કદાચ બક્ષી 'લેખક' છે, એ વસ્તુથી માહિતગાર નથી. એ લેખક તરીકે જેટલા આકર્ષક હોય એથી અનેકગણા વધુ આકર્ષક વાત કરનાર, અને વિશેષે સાહિત્યેતર વાત કરનાર, કોમરેડ તરીકે છે, અને એમને જે માત્ર લેખક તરીકે જ ઓળખે છે, એ ઘણું ગુમાવે છે. જો કે, આ કથનનો પણ બક્ષી કદાચ ઝનૂનથી પ્રતિવાદ કરશે.
(ગ્રંથ, મે 1969માં પ્રકટ થયેલો મધુ રાયનો લેખ)
(પુસ્તક: આભંગ)
मतलब के बक्षी बनो तो वांधा वखणाय,नहीं तो वगोवाय
ReplyDelete