September 2, 2013

પરિવાર નિયોજન : એક નહિ, બે છોકરાઓ...

આખી દુનિયાને એ વાતની ચિંતા છે. પણ આપણે નિશ્ચિંત થઈ ગયા છીએ. કેટલાં છોકરાં હોવા જોઈએ? થોડા વર્ષો પહેલાં આ મુદ્દા પર કોંગ્રેસ હારી ગઈ હતી... કારણ કે કટોકટીમાં જબરદસ્તી નસબંધી કરાવવાની એણે ભૂલ કરી હતી. ઉત્તર પ્રદેશમાં એ દિવસોમાં એક નારો હતો : ઈન્દિરા હટાવો, ઈન્દ્રિય બચાવો! સ્વ. સંજય ગાંધીને લીધે નિર્વાચનમાં કોંગ્રેસ ડૂબી ગઈ. હમણાં એક રાષ્ટ્રીય અનુસંધાનમાં ખબર પડી કે ભારતમાં સરકાર બે સંતાનોને આદર્શ માને છે, એક છોકરી અને એક છોકરો (સરકારી પ્રસારચિત્રોમાં છોકરી મોટી અને છોકરો નાનો બતાવવામાં આવે છે!) પણ પરિણીત યુગલો ત્રણ સંતાનો ઈચ્છે છે, બે છોકરા અને એક છોકરી! હજી સુધી ઈચ્છા પ્રમાણે છોકરો કે છોકરી પેદા કરી શકાતાં નથી એટલે પહેલાં છોકરા માટે, અને પછી બીજા છોકરા માટે (એક છોકરો મરી જાય તો...?) જે અનવરત પ્રયત્નો થાય છે એના ફલસ્વરૂપ વચ્ચે વચ્ચે છોકરીઓ પેદા થઈ જાય છે અને વસતિ સાયાસ પણ અકારણ વધી જાય છે. જો ઈન્સ્ટન્ટ છોકરાઓ પેદા થતા હોત તો આ સમસ્યા રહેત નહિ.

માદા સંતાન જન્મવાથી હિન્દુસ્તાનમાં આનંદ થતો નથી. આ એક એવો મુદ્દો છે જે આખા દેશમાં એક ભાવનાત્મક ઐક્ય લાવે છે. ગરીબ અને અમીરનો ફર્ક ભૂંસી નાંખે છે. અમીર માણસને પણ છોકરો જ જોઈએ, ગરીબને પણ છોકરો જ જોઈએ છે. પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ બધે જ છોકરી જોઈતી નથી. હિંદુ, બૌદ્ધ, શીખ, પારસિક, મુસલમાન, ખ્રિસ્ટાની... બધા જ આ એકસૂત્રી કાર્યક્રમમાં માને છે. પહેલી પુત્રીને લક્ષ્મી સમજીને મન મનાવી લે છે, બીજી આવે ત્યારે સ્તબ્ધ થઈ જાય છે, ત્રીજી આવે છે અને હાહાકાર થઈ જાય છે! ભણેલા અને ગણેલા, અભણ અને ભણતરવાળા આ બાબતમાં બધા એક જ છે : છોકરી નહિ, છોકરો! અને એક નહિ પણ બે છોકરા !

માદા જન્મે ત્યારે આનંદ થાય છે? હા, વેશ્યા અને ગાયને માદા જન્મે તો આનંદ મનાવવામાં આવે છે! કારણ કે એમની માદા સંતાનો ઉપયોગી હોય છે!

છોકરીઓને સરાસર અને બેશરમ અન્યાય કરવો એ તદ્દન સ્વાભાવિક બની ગયું છે. દરેકના જીવનમાં ક્ષણે ક્ષણે પુત્રીને પુત્રીની અપેક્ષા થતો અન્યાય જોવા મળે છે. થોડાં વર્ષો પહેલાં હું એક કૉલેજનો પ્રિન્સિપાલ હતો ત્યારે એક પિતા એમની પુત્રી અને પુત્રને લઈને પ્રથમ વર્ષ વિજ્ઞાનમાં પ્રવેશ માટે મારી પાસે આવ્યા. પુત્રીને બહુ સારા માર્ક હતાં, પુત્રને પૂરા ચાળીસ ટકા પણ માંડ માંડ મળતા હતા. નિયમ પ્રમાણે પુત્રીને પ્રવેશ મળવો જોઈએ. પિતાએ જીદ કરી : સાહેબ, છોકરી નહિ ભણે તો ચાલશે, પણ તમે છોકરાને એડમિશન આપી દો! એક એડમિશન તો તમારે આપવાનું જ છે! છોકરાને આપી દો! મેં એમને સમજાવી શકાય એટલા સમજાવ્યા! આ પસંદગીની વાત નથી. યોગ્યતાની વાત છે. પ્રવેશના કાયદા છે અને છોકરી છે માટે? છોકરાને જો પ્રવેશ મેળવવો હોત તો સારા માર્ક અથવા પ્રવેશ માટેના લઘુત્તમ માર્ક તો લાવવા જ જોઈએ! છોકરી માટે પ્રવેશ લીધા વિના પિતા ખફા થઈને ચાલ્યા ગયા. આ જમાનામાં આટલો નગ્ન અન્યાય થઈ શકે છે એ હકીકત છે.

છોકરી હજી બેનંબરી સંતાન છે. પરિવારમાં એ ગૌણ છે. શિક્ષિત પિતાઓની મન:સ્થિતિમાં ફર્ક પડી રહ્યો છે પણ છોકરી અને છોકરો બંને સમાન હોય એવા પરિવારોની અત્યંત નાની લઘુમતી છે, અને હિન્દુસ્તાનના સમાજમાં માતા જે રીતે પુત્રને બગાડે છે એ અદભુત છે! એવું મનાય છે કે પુત્ર વંશ ચાલુ રાખે છે, અગ્નિસંસ્કાર આપે છે. બુઢાપામાં માતા-પિતાનો ખ્યાલ રાખે છે. જો કે કલિયુગમાં આવું બધું હંમેશાં બનતું નથી...! 

હિન્દુસ્તાનમાં વસ્તીવધારાનું એક મહત્વનું કારણ છે - એક નહિ પણ બે છોકરાંઓની ઈચ્છા! આ દેશમાં બધી જ વસ્તુઓનું આયોજન છે ફક્ત સંતાનો સિવાય. હિંદુસ્તાનમાં એક જ સંતાનવાળા પરિવારનો ખાસ અભ્યાસ થયો નથી. હમણાં સોવિયેત રશિયામાં આ વિષે એક ચર્ચા થઈ હતી જેમાં થોડી મજાની વાત બહાર આવી હતી. (અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે રશિયામાં ધરતી અફાટ છે, પણ લોકો ઓછા છે. બીજા વિશ્વયુદ્ધમાં એક આખી જવાન પેઢી મરી ગઈ. ત્યાંની સરકાર વસતિ વધારવા માટે તરહ તરહની યોજનાઓ અને પ્રલોભનો આપે છે!) એક મહિલાએ કહ્યું કે મારે એક જ સંતાન જોઈએ છે અને હું એને શક્ય એટલી શ્રેષ્ઠ તાલીમ આપીશ. એક પરિવારના ડઝન બચ્ચાં કરતા મારું એક સંતાન સમાજને વધુ ઉપયોગી સિદ્ધ થશે! લેનિનગ્રાદની એક ગૃહિણીએ જુદી વાત કરી. એક સંતાન સામાન્ય રીતે સ્વાર્થી બની જાય છે. પતિ કે પત્ની અથવા પિતા કે માતા તરીકે પણ ઘણી વાર એ અસંતોષી હોય છે. મોટા પરિવારમાં વ્યક્તિને નિસ્વાર્થી બનવું જ પડે છે જ્યારે એક સંતાન સ્વકેન્દ્રી બનવાનો સંભવ વધારે છે! 

રશિયાના સમાજશાસ્ત્ર ઈન્સ્ટિટ્યૂટની વસતિ વિભાગની અધ્યક્ષા ગેલીના કીસેલેવાનું મંતવ્ય હતું કે એક સંતાન ખોઈ નાંખવાનો એક અદ્રશ્ય ભય હંમેશાં રહેતો હોય છે. એમનું કહેવું હતું કે નૃવંશશાસ્ત્રના નિયમોના આધાર પર એવું માનવામાં આવે છે કે પ્રથમ સંતાન હંમેશાં પાછળનાં સંતાનો કરતાં શારીરિક રીતે કમજોર રહેવાનું! એક કહેવત ટાંકવામાં આવે છે કે એક આખી આંબાવાડી ઉગાડવી સહેલી છે પણ એક આંબો ઉગાડવો અઘરો છે! 

અમેરિકામાં લોરેન્સ ઓલસન નામના અર્થશાસ્ત્રીએ હિસાબ કરીને નિષ્કર્ષ કાઢ્યો હતો કે અમેરિકામાં એક બાળકને જન્મથી બાવીસ વર્ષ સુધી મોટું કરવાનો અને ભણાવવાનો ખર્ચ બે લાખ ડૉલર આવે છે.

જે દેશોને વસતિ-વધારાની સમસ્યા છે એ દેશો આનો વૈજ્ઞાનિક હલ કાઢવા માંગે છે. દક્ષિણ કોરિયાની વસતિ જુલાઈ 1983માં ચાર કરોડ થઈ ગઈ ત્યારે ત્યાંની સરકારે લોકો વિદેશગમન કરે એ માટેના કાયદા સરળ બનાવ્યા! અને દક્ષિણ કોરિયાની સ્વાસ્થ્ય-મંત્રી શ્રીમતી કિમ-યુંગ રાયે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં સુધારો કર્યો કે જે દંપતીને બેથી વધારે સંતાનો હોય એમણે દંડ ભરવાનો! વસતિ-વધારો ઘણા દેશો માટે ચિંતાનો વિષય છે અને સરકારો સખ્તમાં સખ્ત કાયદાઓ ઘડે છે.

વસતિ-નિયંત્રણની બાબતમાં સૌથી ગંભીર અને સાહસિક પગલું ચીને લીધું છે : એક પરિવારમાં એક જ સંતાન હોવું જોઈએ! શહેરોમાં આ કાર્યક્રમને સફળતા મળી છે. એક જ સંતાનવાળા દંપતીને સરકાર દર મહિને પાંચ યુઆન આપે છે. (વીસ કિલો ચાવલની કિંમત) એ બાળકને સ્કૂલમાં પ્રવેશ માટે પ્રાથમિકતા મળે છે, દવા, દારૂની બાબતમાં પણ એને પ્રથમ સ્થાન મળે છે! ચીનની અત્યંત નાની લઘુમતીઓને આ એક સંતાનનો કાયદો લાગુ પડતો નથી.

જો બીજું સંતાન થઈ જાય તો સરકાર સખ્ત બની જાય છે! બીજા સંતાનને શહેરમાં રહેવાનો પરવાનો મળતો નથી. ખોરાકના રેશનની કૂપનો મળતી નથી. એના માતા-પિતાને નોકરીમાં પ્રમોશન મળતું નથી. ક્યારેક એમને નીચે પણ ઉતારવામાં આવે છે. ઘણી વાર બીજા સંતાનના જન્મને લીધે એક કે બે હજાર યુઆનનો દંડ થાય છે. (એટલે કે એક અથવા બે વર્ષનો પગાર!)

આ બધું સારું છું કે ખરાબ એ ભવિષ્ય કહેશે પણ ચીને હિમ્મતથી એના બેફામ વસતિ-વધારાને રોકી દીધો છે. એક દંપતી અને એક સંતાન એ ચીનનું સૂત્ર છે.

હિંદુસ્તાનમાં એક સંતાનવાળા પરિવારોને સરકાર શું આપે છે? કંઈ નહિ.

અહીં મર્દો એક સંતાનથી અટકતાં નથી. ખુદા દેતા હૈ તો છપ્પડ ફાડ કે દેતા હૈ! 

(ગુજરાત સમાચાર : સપ્ટેમ્બર, 1985)  

(સમાજ-1)

No comments:

Post a Comment