April 11, 2013

નવલકથાકાર ચંદ્રકાંત બક્ષી સાથે એક સાહિત્યિક મુલાકાત

સંશોધક વાસંતીબહેન ખોનાએ શ્રી બક્ષીની સંશોધનના ઉપક્રમે લીધેલી મુલાકાત:

પ્રશ્ન - આપની નવલકથામાં નારીપાત્રો બહુધા બળુકાં, બોલકાં, ઉન્નત, અલ્લડ, મુક્ત, છોછરહિત એવં નવે ચીલે ચાલનારાં વર્તાય છે. આથી માનવજીવનનાં મૂલ્યોનું શી રીતે જતન જાળવી શકાય?

ઉત્તર - મારાં નારીપાત્રોને હું નારી કરતાં સ્ત્રી તરીકે વ્યક્ત કરવાનું પસંદ કરું છું. સ્ત્રી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જ્યારે નારી નર ઉપર આધારિત રહે છે. મને રોતલ કે પરાવલંબી સ્ત્રીઓ ગમતી નથી. એમને લાચાર કે દયનીય બતાવવાની મારી વૃત્તિ નથી. મને સ્ત્રી ખુદ્દાર, સ્વતંત્ર અભિવ્યક્તિવાળી, એકલું જીવી લેવાવાળી અને જગત સામે ઝઝૂમતી રહે એ ગમે છે. એ કોઈની મોહતાજ કેમ હોય! સ્ત્રી માટે મને ખૂબ જ માન છે. આજેય હું મારા પરિચયમાં આવતી તમામ સ્ત્રીઓને મુક્ત મને ભેટું છું. સ્ત્રીને સ્ત્રી તરીકે જ જોવાય. એક મમ્મી બે સંબોધનો ધરાવે છે. જન્મ આપનારી મમ્મી 'તું' છે અને તે દૂર છે. સાસુ પણ 'મમ્મી' બની જાય છે. પાસે છે પણ 'તમે' છે. ભાવ એકસરખો ક્યાં રહે?

મારી સ્ત્રીઓ દયનીય નથી. પડકાર ફેંકનારી અને ઝીલનારી છે. એ એક્ઝિક્યુટિવ છે. ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. સ્ત્રી ચામડીના રંગથી નહીં પણ પોતાના આત્મવિશ્વાસથી પ્રભાવક બને છે એ સર્જક તરીકે મારા મિજાજને વિશેષ માફક આવે છે.  

પ્રશ્ન - તમારી નવલકથાનાં પાત્રોને વિશેષત: સ્ત્રીપાત્રો સમાજદર્શનનાં પ્રતિબિંબો છે કે પ્રતિકારો છે?

ઉત્તર - મારાં પાત્રો બહુધા વાસ્તવિક જગતમાંથી મને મળેલાં કે મેં જોયેલાં છે, તેમાં કલ્પનાની ઉડાન ઉમેરીને આલેખન થાય. મારાં સ્ત્રીપાત્રો સમાજનાં પ્રતિબિંબો જ છે. સ્ત્રી જે કામ કરે છે, એ પુરુષ નથી કરતો, નથી કરી શકતો. મને રૂપસી સ્ત્રી કરતાં ઓજસ્વી સ્ત્રીઓ, કાળી અને છટાદાર સ્ત્રીઓ, મગરૂર અને મનસ્વી સ્ત્રીઓ પ્રત્યે ખૂબ જ આદર છે.
મારી નાયિકાઓ 'રોમા' હોય કે 'નીકી', 'બનાસ' હોય કે 'યામા', 'આશના' હોય કે 'વાગ્દેવી' મને વાસ્તવિક જગતમાંથી જ મળેલી છે. એમના સંઘર્ષને આત્મસાત કરવા માટે નવલકથા લખું છું. મારાં પાત્રોનાં નામો પણ વિશિષ્ટ રહ્યાં છે. "માયા નહીં પણ યામા" આશા નહીં પણ 'આશિકા', રામ નહીં 'અરામ' વગેરે.

પ્રશ્ન - આપની નવલકથાઓની નાયિકાઓની વિશેષતા જણાવો. એનું ચરિત્રચિત્રણ શા કારણે શક્ય બન્યું?

ઉત્તર - મારી દરેક નાયિકા વિશેષ છે અને વિશિષ્ટ છે. એ માત્ર આદર્શ ગૃહિણી કે ગ્રામ્ય નારી નથી. એ જાગ્રત, સુશિક્ષિત, દુનિયા ફરેલી છે. એને હોટલમાં નોનવેજ ખાવું ફાવે છે. પીવું જામે છે. તે મૉડર્ન ડ્રેસ પહેરીને મસ્તીથી ફરી છે. એ વાળ કપાવે છે અને અંગ્રેજી તેમજ વિશ્વની અન્ય ભાષાઓમાં સંવાદ પણ કરે છે. એ વિદેશમાં ફરી શકે છે. એ અપરિણીતા, ડાયવોર્સી, દગ્ધા, ત્યક્તા કે વિધવા હોવા છતાં સંસારમાંથી ફેંકાયેલી નથી, પણ સમાજમાં સંઘર્ષ કરતાં કરતાં મોજથી, નિખાલસતાથી જીવે છે. એ ખલનાયિકા નથી. પોતાનું સત્ત્વ અને સંમાન જાળવીને ઝઝૂમનારી છે. પુરુષોને વશ થનારી કે શીઘ્ર શિથિલ થનારી નથી. આ બધું શક્ય બન્યું મારાં અવલોકન અને વર્ણનશક્તિના આલેખનના કારણે. હું સ્ત્રીઓને મુક્ત મને મળું છું. સ્ત્રી તરીકે એમનો ભરપૂર આદર કરું છું. સ્ત્રીસંબંધ મારે મન સમસ્યા નથી. મારી નાયિકા ગાયિકા, નર્સ, સાધ્વી, ગૃહિણી, નોકરિયાત, એક્ઝિક્યુટિવ કે એમ.ડી. હોય. હું એમના મેઘધનુષી વ્યક્તિત્વને વાચકો સુધી લાવવા સભાનપણે પ્રયત્ન કરું છું.

પ્રશ્ન - તમારાં સ્ત્રીપાત્રોની એકવિધતા માટે કયાં પરિબળોને જવાબદાર ગણશો? 

ઉત્તર - મારાં સ્ત્રીપાત્રો મારી આંખોમાં છે. એમને હું ક્યાંક મળ્યો છું. મેં ક્યાંક જોયાં છે. એ ભણેલાંગણેલાં અને કર્મઠ છે. સમાજની સામે પરાજય સ્વીકારતાં નથી. મને ડાર્ક, જીવંત સ્ત્રીઓ ગમે છે. મારે મન રૂપ એટલે ચાર્મ, તેજસ, સ્માર્ટનેસ, આત્મવિશ્વાસુ બુદ્ધિમતા છે. માત્ર ચામડીનો રંગ નથી.

પ્રશ્ન - તમારાં પાત્રો વધુ સંવાદીલા ગણાય કે બોલકાં? 

ઉત્તર - સામાન્ય રીતે મારાં પાત્રો સ્પષ્ટવક્તા હોય છે. એમને વિધાન કરવું, વાત માંડવી, પ્રતિસાદ દેવો, સમયાનુસાર અને સ્થિતિ પ્રમાણે કહી દેવું ફાવે છે. 'મારું નામ તારું નામ'માં બનાસ એના ડેડી તેજ શાહને કહે છે "ડેડી, તમને એક પત્ની મળવી જોઈતી હતી." આ લખ્યા પછી હું ક્ષણભર સ્તબ્ધ થઈ ગયો. પાપમાંથી પાપવૃત્તિ જાણે છેદાઈ ગઈ.

પ્રશ્ન - તમારાં પાત્રોને મર્યાદામાં રહેવાનું ફાવતું નથી. તે ગુજરાતી સંસ્કૃતિને ઉપકારક ઠરે કે ઘાતક?

ઉત્તર - મારાં પાત્રો વિશિષ્ટ છે. મર્યાદાબદ્ધ છે. જવાબદાર પણ છે. આ પાત્રો સામાન્ય નવલોમાં આવે છે એ પ્રકારનાં એક જ શ્વાસમાંથી બહાર ફેંકાયેલાં નથી. એ ગુજરાતી છે અને સવાઈ હિન્દુસ્તાની છે અને વૈશ્વિક છે. એમને હીનતા કે લઘુતાની એવી કોઈ ગ્રંથિઓ નથી. એક જ જિંદગી મળે છે, જીવી લેવાની છે, બસ દોષભાવના વિના.

બક્ષીની નવલકથાનાં સ્ત્રી-પાત્રો પારંપરિક ન રહેતાં પ્રગતિશીલ પ્રયોગવાદી કે વાસ્તવિક વધુ જણાય છે. આદર્શ કરતાં વાસ્તવ નક્કરમાં માને છે. એક રંગમાં ન રાચતાં અનેકરંગી જણાય છે. સ્થિર ન રહેતાં સ્થળાંતરમાં માને છે. મુરઝાયેલાં નહીં પણ ધબકતાં જીવંત લાગે છે. બાલિશ નહીં પણ બળૂકાં છે. અભણ નહીં પણ અભ્યાસુ છે. દોરવાતાં નથી, દોરે છે. ગતિભંગ ન કરતાં ગતિશીલ છે. એકવિધતામાં ન રહેતાં, વૈવિધ્યમાં રમે છે. પાત્રો સ્વયં જીવે છે અને જિવાડે છે. ચંચળ નહીં પણ સમજુ છે. બેસૂરાં નહીં પણ સૂરીલાં છે. નીરસ નહીં પણ રસિક છે. અવિકસિત નહિ વિકસિત છે, પાછળ નહીં જોનારા, આગળ વધનારાં છે. અસ્વીકાર્ય નહીં, સ્વીકાર્ય છે. આધુનિક નવલનાં માર્ગદર્શન અને પ્રેરણાસ્ત્રોત છે. બક્ષીનાં સ્ત્રી-પાત્રોથી ગુજરાતી સાહિત્યને આગવું નવલું નજરાણું મળેલ છે.

(પુસ્તક: યશસ્વી સ્ત્રી-પાત્રો: ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓનાં... - ડૉ. વાસંતી ખોના)

2 comments:

  1. વાહ નેહલભાઈ આપનો બ્લોગ બક્ષી મ્યુજીયમ જેવો છે ખુબ સુંદર સેવા કરો છો તમે આ બ્લોગ ની મુલાકાત કરાવનાર મૌલી બેન નો પણ ખુબ આભાર આગે બઢો મિત્ર લખતા રહો આપના બક્ષી પ્રેમ માટે અમને માન છે આપની ફેસબુક તેમજ ગૂગલલીક આપજો

    ReplyDelete