April 15, 2013

હાં રે દોસ્તો, ચાલો ગુજુ સાહિત્ય પરિષદમાં

વીસેક વર્ષ પહેલાં, 1961માં કલકત્તામાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગયેલો કારણ કે એનો શમિયાણો લગભગ મારા ઘરની બહાર જ ભવાનીપુરમાં બંધાયેલો. 1963માં વીલે પાર્લેમાં ગુ.સા. પરિષદમાં આવેલો કારણ કે ડૉ. જયંત ખત્રીને મળવું હતું. ડૉ. ખત્રી સાથે પાંચસાત દિવસ રહેવાનો, પહેલી અને છેલ્લી મુલાકાતનો એ પ્રસંગ. પછી હું સાહિત્ય પરિષદમાં જતો નથી. એકાદ વર્ષ પહેલાં મુંબઈ પાસે કલ્યાણમાં આવીને દસેક મિનિટ બોલવા માટે નવા સેક્રેટરીનું આમંત્રણ આવેલું. એડ્રેસ ખોટું હોવા છતાં પત્ર મળેલો, એટલે ગયેલો અને થોડું બોલ્યો હતો. ગુ.સા.પ. માં જતો નથી, પણ મરાઠી અને બંગાળી સાહિત્ય પરિષદોએ એ જ વર્ષે પ્રવચન આપવા બોલાવેલો એટલે મારી ભાષાના પ્રતિનિધિ તરીકે જઈને પ્રવચનો આપેલાં. ભારતની અન્ય ભાષાઓવાળા બોલાવે છે, ગુજરાતીવાળા બોલાવતા નથી! હવે તો ગુજરાતી સા. પ.નું અમૃતપર્વ કે એવું કંઈક છે - પણ મને ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રત્યે નફરત થઈ ગઈ છે.

જે મહાન ગુજરાતી શબ્દસ્વામીઓ છે એ સાહિત્ય પરિષદમાં જતા નથી - ફ્રાંસમાં જેમ 'લિજીઅન ઑફ ઑનર' નથી મળ્યો એ મહાન ગણાય એવું જ આ છે. પરિષદનું દ્રશ્ય પણ દયાજનક હોય છે. ગલ્લા પર બેઠેલાઓને સભાશાસ્ત્રનું ભાન નથી હોતું, સંચાલન અંધાધૂંધ હોય છે, વાતાવરણ સામંતશાહી હોય છે. વીસ વર્ષ પહેલાં જે વસૂકી ચૂક્યા હતા એ હજી સાહિત્યની પાંજરાપોળમાં બેઠા છે. પરિષદ દિશાશૂન્ય છે, બે ચાર ટકાને બાદ કરો તો બાકીનાને ઈડરની પેલી તરફ પણ કોઈ ઓળખતું નથી. જેમને જનતા વાંચતી નથી એ પલાંઠી મારીને ચડી બેઠા છે, જેમને જનતા પ્યારથી વાંચે છે એ વર્ષોથી પરિષદથી દૂર રહ્યા છે. ટૂંકમાં, સરકારી અને શેઠિયાઓને ખોળે બેઠેલા લેખકો ભેગા થાય છે. લખનારાઓનો કિસાન સંમેલન કે મીનાબઝાર જેવો મેળો ભરાય છે,જેમાં બેત્રણ દિવસ સુધી વાસી ગુજરાતીમાં બટાટાવડાની ગંધવાળી રમૂજો કરીને, ગુજરાતીમાં લખાવટ કરનારા, મીટર ગેજની ટ્રેનોમાં કે એસ.ટી.ની બસોમાં ખડકાઈને ઘરભેગા થાય છે. બહેરાઓના સંવાદની જેમ આમાં ગેરસમજૂતીનો ભય નથી.

એ જ બધા દિલ્હીમાં હતા, મદ્રાસમાં હતા, સુરતમાં હતા, પોરબંદરમાં હતા અને વડોદરામાં હશે. પોરબંદર હોય કે ધંધુકા હોય કે ઘોડાપુર હોય, ગામનું નામ બદલવાથી કોઈ ફર્ક પડતો નથી. ગુડ્ઝનો ડબ્બો ડી-લક્ષ ટ્રેનમાં જોડાવાથી કુપ (coupe) બનતો નથી. એ ગુડ્ઝનો ડબ્બો જ રહે છે. સાહિત્ય પરિષદમાં બગાસાં ખાતાં બેસી જવાથી કોઈ ગુજરાતી લેખક બન્યો નથી. જેમ બૂઢાનું નામ બચુભાઈ પાડવાથી એ કુમાર બની જતો નથી એમ જ પરિષદના મંચ પરથી ઊછળીને પાંચ મિનિટ બોલી લેવાથી લેખક ક્રાન્તિકારી બનતો નથી. એ લેખક પણ બનતો નથી! કાગડાની ભાષા જેમ બીજો કાગડો સમજી શકે એમ ગુજરાતી વિદ્વાનની ભાષા ગુજરાતી વિદ્વાન જ સમજે - પ્રોફેસરી કાકારવની આ ગમ્મત છે અને એ સાહિત્ય પરિષદમાં સાંભળવા મળે છે. સિંહની ગર્જના બધા જ સમજી શકે, એનું ભાષ્ય ન આપવું પડે.

દોસ્તો આવીને રિપોર્ટ આપતા રહે છે. ગુજરાતીના કેવા લખનારા ત્યાં જાય છે? ફર્સ્ટ ક્લાસ કોમેડિયનો, થર્ડ ક્લાસ કવિઓ, ટેન્થ ક્લાસ કથાકારો હોય છે. એકબીજાના વેવાઈઓ હોય એવા ખખડી ગયેલા લેખકો એકબીજાને લળી લળીને મળે છે. ઘોડા જેવા લાંબા મોઢાવાળી, પેટ્રોલ વગરના લાઈટરો જેવી લેખિકાઓ દેખાય છે, અને દેખાતી રહે એમ સર્વત્ર ઘૂમતી રહેતી હોય છે. ઘોર અજ્ઞાન ધરાવનારા અઘોરીઓ હોય છે. કાળાબજારિયાં હોય છે અને કલાબજારિયા હોય છે. સાહિત્યના નગરશેઠો દેખા દે છે. ખાદીવાદી ગાંઠિયાદાસો, અવસરવાદી આડતિયાઓ, પ્રદર્શનવાદી મહામુરબ્બીઓ, સવાઈ હોશિયાર સરસ્વતીબાજો, ફાંકાબાજ તળિયાંચટ્ટાઓ, ક્વોટેશનબાજ ભાષણખોરો, બટાટાવડાવાદી બિરાદરો આવે છે. જેમને "દ્રષ્ટિ" પણ નથી અને "કોણ" પણ નથી એવા મિર્જાપુરી લોટા જેવા લેખકો પણ હોય છે અને જૂના જમાનામાં નવાબનું નાડું ખોલી આપનાર સાથે સાથે ફરતા, એવો પણ એક વર્ગ હોય છે. આ ગુજુ સાહિત્યની પરિષદ છે.. અને બે વર્ષે એક વાર સાહિત્યની ચિંતા કરવી એ એનો ધંધો છે! 

દુનિયાની મહાન ભાષાઓ સાહિત્ય પરિષદો ભરતી નથી. અંગ્રેજી, ફ્રેંચ, રશિયન, સ્પેનીશ ભાષાની સાહિત્ય પરિષદો સાંભળી છે? પણ ગુજરાતીઓ ઉજવણી કે ઊજાણીના શોખીનો છે. પરિષદ ભરે એનો વાંધો નથી પણ હેતુ? હમણાં ગુજરાતની એક યુનિવર્સિટીમાં પ્રશ્ન પુછાયો હતો: "સિદ્ધ કરો કે ગુજરાતી સાહિત્ય પરિષદ એક બિનજરૂરી સંસ્થા છે." વિદ્યાર્થીઓ તકદીરવાળા કહેવાય કે એમને આવા સહેલા સવાલો પૂછવામાં આવે છે! થોડા સમય પૂર્વે ગુ.સા.પ.ના એક સત્રમાં એક પ્રશ્ન વિશે ચર્ચા થઈ હતી: લોકો આજકાલ સાહિત્ય વાંચતા નથી અથવા વિમુખ થઈ ગયા છે! પરિષદને આવી ચિંતા થવા માંડી છે એ સારું લક્ષણ છે. નહીં તો પરિષદ હંમેશા મધ્યસ્થ સમિતિ અને કમિટિ અને પ્રસ્તાવોની જંજાળમાંથી જ બહાર આવતી નથી. લોકોમાં સહજ બુદ્ધિ પણ છે અને અક્કલ પણ છે અને માટે જ એ બેઈમાન લેખકોને વાંચતા નથી. નહેરુ કહેતા એમ, અંતે તો 'જનતાની અદાલત'માં ઊભા રહેવું જ પડે છે. ત્યાં જ તમારી ઈમાનદારી સાબિત થાય છે, અને કલાકાર માટે જનતાથી વધીને બીજું સત્ય નથી ! પરિષદના ગલ્લા પર નહીં, પણ ગુજરાતી પ્રજાના ગુલાબી દિલમાં સ્થાન જમાવવું પડે છે...

એક વાર ગુ. સા. પ.માં જઈ આવેલા હિન્દી લેખકે વાતવાતમાં કહ્યું હતું: પરિષદની ગતિવિધિઓ જોઈને લાગ્યું કે ગુજરાતી એ ભાષા નથી પણ ગુજરાતી એક બોલી છે! કદાચ આ એક જલદ પ્રતિક્રિયા છે, પણ પરિષદમાં ન જનારા - મુંબઈના એક તેજાબી વિદ્વાને બહુ ખટાશથી કહ્યું: આપણી પ્રથમ નવલકથા "કરણ ઘેલો" મળતી નથી, "કલાપીનો કેકારવ"ની એક પણ સારી આવૃત્તિ નથી. શત-વાર્ષિકી ઊજવવા છતાં! મધ્યકાલીન સાહિત્ય કેટલું બધું અપ્રકટ પડ્યું છે! શબ્દશાસ્ત્ર કે કોશશાસ્ત્ર વિશે આપણે કંઈ કામ કર્યું નથી. અંગ્રેજીમાં જ્યૉફ્રી ચૉસર કે શેક્સપિયરની અંગ્રેજી  ભાષાનું વિશ્લેષણ કરતાં ગ્રંથો મળે, આપણે ત્યાં આવું કંઈ થયું નથી. આપણું પત્રસાહિત્ય? ઘોર અંધારું ! ગુજરાતીમાં એક પણ પ્રમાણભૂત વ્યુત્પત્તિકોશ નથી. અન્ય ભાષાઓમાંથી આપણે અપનાવેલા શબ્દો વિશે કોઈ સંશોધન? હજી પણ સાહિત્યિક વિવેચન માટે આપણે વર્સફોલ્ડ કે ક્રોમ્બી કે આઈ. એ. રીચર્ડ્ઝના અંગ્રેજી પુસ્તકોને ટેકે ચાલીએ છીએ અને એ ભણાવીએ છીએ. ભાષાના વ્યાકરણ વિશે? આધુનિક અધ્યયન? આપણે એટલી પ્રાકૃત પ્રજા છીએ કે આપણે હજી સાહિત્યના બદલે પરિષદના મકાનમાં આટલો રસ લઈએ છીએ?

મુંબઈના તેજાબી વિદ્વાને ઉમેર્યું: આપણું સાહિત્ય ભલે પ્રાચીન ન હોય પણ એ ઊણપ આપણે જુદી રીતે પૂરી કરી છે. આપણા સાહિત્યકારો પ્રાચીન છે, જર્જરિત છે.

ઘણું બધું થઈ શકે - જો પરિષદ પાંત્રીસચાળીસ વર્ષના જવાન લેખકને પ્રમુખ બનાવે તો! સાહિત્યને ભવિષ્યની પેઢીઓને માટે સાચવવા વિજ્ઞાનનો ઉપયોગ પણ થઈ શકે. એંશી ઉપર પહોંચેલા પાઘડી પહેરનારા પ્રમુખોથી શું થવાનું છે? એ મકાન બનાવવાના, ગુ. સા. પ.નો મકબરો મૂકી જવાના! અને નવી પેઢીને સાહિત્યના મકબરામાં બહુ રસ નથી...

(પુસ્તક: પિતૃભૂમિ ગુજરાત)

No comments:

Post a Comment