પ્રેમ, સેક્સ, લવ, લગ્ન વગેરેનો કોઈ શબ્દકોશ નથી મળતો. કેટલાક વિદ્વાન વિચારકોએ આ બધું સમજાવવાનો વચ્ચે વચ્ચે પ્રયાસ કર્યો છે. ઘર એટલે શું? નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શોએ વ્યાખ્યા આપતાં કહ્યું હતું: 'ઘર એ છોકરી માટે જેલ છે અને સ્ત્રી માટે વર્કશોપ છે.' આ જ રીતે અમેરિકન હાસ્યવેત્તા એચ.એલ.મેન્કેને કહ્યું હતું કે, 'સંસારમાં બે જ વર્ગના માણસો સુખી છે : એક પરિણીતા સ્ત્રીઓ અને બીજા અપરિણીત પુરુષો.' અહીં થોડા રોજબરોજ વપરાતા આ પ્રકારના શબ્દોને વ્યાખ્યાઓમાં બાંધવાની કોશિશ કરી છે.
જો કે કેટલાંક બહુ અઘરા શબ્દો છોડી દીધા છે. જેમ કે: 'સાદીસીધી છોકરી'. આ પ્રકારનું કોઈ માદા પ્રાણી મુંબઈ શહેરમાં જોવા મળતું નથી. બીજા વિશ્વયુદ્ધ પહેલાં મુંબઈનાં પરાંઓમાં આ પ્રાણી ક્યારેક દેખાઈ જતું હતું. હવે એ અદ્રશ્ય થઈ ગયું છે. હવે થોડા શબ્દો:
મમ્મી: 'એ વ્યક્તિ, જે તમે નાના હતા ત્યારે વહેલી ઊઠીને એક કપ ચા બનાવી આપતી હતી.હવે તમારું લગ્ન થઈ ગયું છે એટલે વહેલી ઊઠીને બે કપ ચા બનાવી આપે છે.'
તલાક: 'આઈ ડૉન્ટ લવ યૂ... આઈ ડૉન્ટ લવ યૂ... આઈ ડૉન્ટ લવ યૂ...!'
કામ: કામવાળીનો પતિ.
પાણિગ્રહણ: 'ગ્રહણો ત્રણ જાતનાં હોય છે: સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને પાણિગ્રહણ. પહેલાં બેમાંથી થોડા સમય પછી મુક્તિ થઈ જાય છે. ત્રીજામાંથી સામાન્ય રીતે મુક્ત થવાતું નથી. થવાય તો પણ એ તકલીફનું કામ છે.'
પ્રેમપત્ર: 'પુરુષ માટે જુનિયર કેજીની અને સ્ત્રી માટે હાયર સેકન્ડરીની પરીક્ષા.'
ઈસ્ત્રી: સ્ત્રીનું અર્ધોવચન
ડાર્લિંગ: 'મહામહોપાધ્યાય અંબિકાશંકર આત્મારામ ઓઝા વિદ્યાવાચસ્પતિના અભિમત પ્રમાણે આ શબ્દની મૂળ ધાતુ સંસ્કૃત શબ્દ 'લિંગ' છે. ડાર્લિંગ શબ્દ લિંગનું અપભ્રંશ છે.'
આઈ લવ યુ: જ્યારે પતિ-પત્ની બંની આંખોમાં ઊંઘ ઘેરાઈ ચૂકી હોય ત્યારે ઊંઘ ઉડાડવા માટે ઉચ્ચારવામાં આવતો મંત્ર, પણ આ મંત્ર અપરિણામી છે.'
આદર્શ પતિ: 'ઘરમાં કલર ટીવી હોય છતાં પણ રેડિયો પર મિડિયમ વેવ પકડીને મુંબઈ 'અ' સાંભળ્યા કરતો હોય એવો પુરુષ.'
પ્રેમ: પતિનો 'પ' અને મમ્મીનો 'મ'. આ બે વચ્ચે સંતુલન રાખીને બનાવવામાં આવેલો શબ્દ.
રસોડું: આ એક એવો રહસ્ય પ્રદેશ છે, જેની ભૂગોળ સતત બદલાતી રહે છે અને પુરુષ મૃત્યુ સુધી આની ભુલભુલામણી સમજી શકતો નથી.
જન્મદિવસ: પુરુષ અનાયાસે ભૂલી શકે અને સ્ત્રી અનાયાસે યાદ રાખી શકે એવો દિવસ.
પ્રણયત્રિકોણ: આ એક એવો ત્રિકોણ છે, જેના બે ખૂણા સરખી ડિગ્રીવાળા છે, એકબીજાના પૂરક છે, સમભાવી છે, સુંવાળા છે અને વાગતા નથી, પણ એના ત્રણ ખૂણામાંથી એક ખૂણો અણિદાર છે, વાગ્યા કરે અને એ જ દેખાયા કરે છે. જ્યોમેટ્રીમાં જે આઈસોસિલિસ ટ્રાયેંગલ છે એ પ્રણયત્રિકોણનું પ્રતીક છે.
ચતુષ્કોણ: ચતુષ્કોણ પ્રમાણમાં સરળ છે અને જ્યોમેટ્રીની વાત હોવા છતાં એ એલજિબ્રાની આસાન ભાષામાં સમજાવી શકાય છે. દાખલા તરીકે, મિસ એક્સ એની બહેન મિસિસ ઝેડના દેવર માસ્ટર ઝેડને ચાહતી હોય અને માસ્ટર ઝેડ મિસિસ ડબલ્યુની નણંદ મિસ ક્યુને ચાહતો હોય તો આ ચતુષ્કોણ કહેવાય. આ ચતુષ્કોણ ઘણી જાતના આવે છે: ચોરસ, લંબચોરસ, ક્વોડ્રેંગલ, પેરેલેલોગ્રામ વગેરે. આમાં મિસિસ એક્સને મિસ ક્યુના ભાઈ સાથે જો કોઈ સંબંધ હોય તો એ ષટકોણ કહેવાય છે. ષટકોણને છ ખૂણાઓ હોય છે.
કજોડું: એક બૂટ અને એક ચંપલ સાથે મૂક્યાં હોય એવી સ્થિતિને કજોડું કહે છે.
ડિયર: પતિ જ્યારે સાંભળતો નથી ત્યારે આ શબ્દ વપરાય છે. આ શબ્દ મૂળ મેડિકલ વિજ્ઞાનમાંથી આવ્યો છે.
યૌન: આ એક અંગ્રેજી શબ્દ છે. અર્થ થાય છે: 'બગાસું'.
સેક્સ: આ શબ્દ પણ અંગ્રેજી ભાષામાંથી આપણી પાસે આવ્યો છે. સ્ત્રી પોતાની સ્ત્રીમિત્ર સાથે જે વાત કરી શકે છે એને ગુજરાતીમાં સેક્સ કહે છે.
સ્ત્રીહઠ: અમેરિકાના 'વુમન્સ ડે' પત્રે 60,000 પરિણીતા સ્ત્રીઓને એક પ્રશ્ન પૂછ્યો હતો: જો તમારે ફરીથી પરણવું હોય તો તમે આ જ પુરુષને પરણો? અને 38 ટકા સ્ત્રીઓએ કહ્યું હતું : ના, હવે પરણવું હોય તો તો આ બબૂચકને ન જ પરણાય ! આ બાકીની 62 ટકા સ્ત્રીઓના પ્રતિભાવને આપણી ભાષામાં સ્ત્રીહઠની સંજ્ઞા આપવામાં આવી છે.
પ્રામાણિકતા: જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે: (1) તમે પુરુષ છો? (2) તમે સ્ત્રી છો? (3) ખબર નથી... અને તમે (3) પર નિશાની કરીને લખો કે 'ખબર નથી', ત્યારે તમે પ્રામાણિક સિદ્ધ થાઓ છો.
એક્ટ્રેસ: આ નારી જાતિનું એક પ્રાણી છે, જે સમસ્ત જીવન આનંદોત્સવ કરતું રહે છે. સાચા ભાવકો એના જીવનનું અનુકરણ અને અનુસરણ કરતા રહે છે. એક્ટ્રેસનું જીવન ઉત્સવથી ઉત્સવ સુધી ઊછળતું રહે છે. એની જીવનરેખાનો ગ્રાફ શરૂથી જ ગોઠવી લેવામાં આવે છે.
એક્ટ્રેસ કંઈક આ પ્રમાણે જીવે છે: 'જન્મોત્સવ, ભોજનોત્સવ, રંગોત્સવ, લગ્નોત્સવ, પ્રેમપ્રકરણોત્સવ, ઑપરેશનોત્સવ, એવોર્ડોત્સવ, હાઈકોર્ટોત્સવ, દ્યૂતોત્સવ, વનપ્રવેશોત્સવ, તલાકોત્સવ, બહુમાનોત્સવ, મદ્યપાનોત્સવ, સિરોસીસ ઑફ લિવરોત્સવ, અવસાનોત્સવ, દૂરદર્શન પ્રદર્શનોત્સવ, શોકસભાપ્રસ્તાવોત્સવ અને અંતે એની જૂની ફિલ્મોનો ઉત્સવ કરવામાં આવે છે.'
ઑફિસ ગર્લ: સ્ત્રી(નાયિકા)ના ચાર પ્રકારના ભેદ-પ્રભેદ શાસ્ત્રોમાં લખ્યા છે અથવા સ્ત્રી ચાર પ્રકારની છે: 'પદ્મિની, ચિત્રિણી, હસ્તિની અને શંખિણી.' આમાં એક નંબર બેસ્ટ છે અને ચાર નંબર વર્સ્ટ છે, પણ બીજો અને ત્રીજો નંબર મધ્યમાં ગણાય છે. આ ચારેયનાં લક્ષણો કળિયુગમાં એક જ સ્ત્રીમાં મળી રહે છે. એને ઑફિસ ગર્લ કહેવામાં આવે છે.
પ્રીતિ: મહાભારતમાં રાજા દુશ્ચંડની ત્રણ પુત્રીઓમાંથી એકનું નામ. એ રાજાને ત્રણ પુત્રીઓ હતી : પ્રીતિ, રતિ, સતી. પછી એમનું શું થયું એ ખબર નથી.
(ગુજરાત ટાઈમ્સ: ઑક્ટોબર 5, 2001)
(પુસ્તક: ચંદ્રકાંત બક્ષીના ઉત્કૃષ્ટ નિબંધો)
No comments:
Post a Comment