April 21, 2013

અસ્તિત્વવાદ અને સાર્ત્ર - 2

હિન્દી લેખક અજ્ઞેયની કૃતિ "શેખર: એક જીવની"  અને અર્નેસ્ટ હેંમિગ્વેની તીવ્ર અસર હેઠળ બક્ષીબાબુએ લખેલી પ્રથમ નવલકથા  "પડઘા ડૂબી ગયા"માં નાયિકા અલકા અને નાયક પ્રકાશ વચ્ચે અસ્તિત્વવાદ વિશેના સંવાદના અંશો: 

'અલકા, જે સંજોગોએ તારા વિચારો ઘડ્યા છે એ સંજોગોને હું સમજું છું, પણ...'

'સંજોગોથી વિવશ બની જાઉં એવી હું નથી, મારા વિચારો સંજોગોથી કોઈ દિવસ ઘડાયા નથી. મારા વિચારો અનુભવોથી ઘડાયા છે અને વિચારો છે પણ શું - ? અનુભવોના પડઘા.'

'તું દાર્શનિક જેવી વાતો કરે છે.' પ્રકાશના ચહેરા પર સ્મિત ફેલાયું.

'ના, આ તો બહુ સ્પષ્ટ વાતો છે.'

‘એક સ્પેનિશ ફિલસૂફ હતો, હમણાં મરી ગયો. એણે બરાબર કહ્યું હતું.’

’શું?’

’એણે ‘હું’ની વ્યાખ્યા આપતા કહ્યું હતું – ‘I am I plus my circumstances.’

અલકા હસી.

’કેમ હસે છે?’

’તેં બહુ વાંચ્યું છે. બહુ વાંચનાર માણસ માનસિક સ્વચ્છતા ગુમાવી દે છે.’

’મને દુનિયાની માનસિક સ્વચ્છતાનાં ધોરણો સાથે કંઈ જ નિસ્બત નથી, એ તું ભૂલી ગઈ લાગે છે, અલકા!’

’તારા અને મારા વિચારોમાં સામ્ય છે...’

’નેગેટિવ વિચારોમાં જ!’ પ્રકાશ બોલ્યો અને હસી ગયો.
_________________________________________________________

'...અને તારો ધર્મ,' પ્રકાશે એક ખાંસી ખાઈને કહ્યું, એ અંતે શું આપશે મને? સ્વર્ગ, જ્યાં અપ્સરાઓ હશે, હૂરો હશે, દેવદેવીઓ હશે, રંગરાગ હશે...મને તો સ્વર્ગ એક મોટા વેશ્યાગાર જેવું જ હમેશા લાગ્યું છે. મારે એ અર્ધનગ્ન દેવતાઓ અને નગ્ન અપ્સરાઓને કરવાં પણ છે શું? ધર્મના કામુક ફિરસ્તાઓ માટે જ એ જગ્યાઓ રહેવા દે...હું દેવતાઓના જેવી અડ્ડાબાજીમાં માનતો નથી, એમને જે સંતોષ સેંકડો ખૂબસૂરત અપ્સરાઓમાંથી નથી મળતો એ મને તારી ભીની ભીની પ્યારભરી બે આંખોમાંથી મળી રહે છે...

...અલકા ખુદાની દુનિયામાં ખુદાના સ્વર્ગ અને નરક કરતાં વધારે નીતિ છે!'


'હું તારી પાસે આવું 'લેક્ચર' માંગતી ન હતી, મારી પાસે મારી પોતાની વિચારશક્તિ છે...અને તું ચોક્કસ ખ્યાલ રાખજે કે ધર્મમાં આસ્થા - અથવા જેને તું કદાચ અંધવિશ્વાસ કહેતો હોય-' અલકા પ્રકાશના હસતા ચહેરો સામે જોઈને બોલી, 'ધર્મમાં આસ્થા રાખનાર માણસ મુશ્કેલીઓ સામે ટકી જાય છે, એ તૂટી શકતો નથી કારણ કે એને ધર્મનો સહારો છે, જ્યારે નાસ્તિક હમેશા તૂટી જવાનો.'

'હા, હું એ માનું છું.'

'તું શું શું માને છે એ અને શું શું નથી માનતો એ સમજવું બહુ મુશ્કેલ છે.'

;હા, એ વાત ખરી છે,' પ્રકાશે પક્કડ છોડતા કહ્યું, 'મારી જિંદગીની ફિલૉસૉફી બહુ જુદી છે.'

'શું છે? ચાલ, આજે મને તારી રીતે કહે. તને જિંદગીમાંથી શું શીખવા મળ્યું?'

'અલકા, એ પ્રશ્ન તો બહુ વિચિત્ર છે. કદાચ મારો બધો અભ્યાસ અને બધા અનુભવો નિચોવી નાંખું તોપણ તને સંતોષ થાય એવો જવાબ નહીં મળી શકે.'

'તું મારા સંતોષની ચિંતા નહીં કર. ફક્ત તારી દ્રષ્ટિએ તું શું સમજ્યો છું એ જ બતાવ.'

એકાએક પ્રકાશ બોલ્યો, 'તેં ઝ્યોં પોલ સાર્ત્રનું નામ સાંભળ્યું છે?'

'કેમ-? ના.'

'એ ફ્રેન્ચ લેખક છે અને એની ફિલૉસૉફીને કહેવામાં આવે છે - existentialism - અસ્તિત્વવાદ.'

'તું એવું બોલે છે - જે તું ખુદ જ સમજે છે.'

'સાંભળ - બરાબર સમજાશે. મેં એનું કંઈક વાંચ્યું છે અને બહુ થોડું સમજ્યો છું.'

અલકા ખડખડાટ હસી ગઈ.

'...પણ એ માણસે મારા પર સખત અસર પાડી છે. એના લખાણ પરથી મારા વિચારો ઘડાયા છે એવું તો નહીં જ, પણ એના વિચારો મને બહુ જ મળતા આવે છે.'

વાહ! તું તો કાલે કહેવા લાગીશ કે ગૌતમ બુદ્ધના વિચારો મારા વિચારોને મળતા આવે છે...અને જવાહરલાલ નેહરુ મારા જેવું જ ઉર્દૂ બોલે છે...અચ્છા ભાઈ, ચાલ આગળ!'

'હા, એના વિચારોમાં અને મારા વિચારોમાં બહુ સામ્ય છે. હવે બરાબર છે?'

'હા.'

'હું અમુક વસ્તુઓ મારી રીતે સમજી શક્યો છું...' પ્રકાશ બોલ્યો અને એક મિનિટ એની આંગળીઓ સીધી થઈને સ્થિર થઈ ગઈ. 'જો.' એ ચૂપ થઈ ગયો, ધીરેથી એણે એક એક શબ્દ તોળીને કહેવા માંડ્યું, 'જિંદગી શું છે? એક Area of miseries - દુ:ખનો એક મોટો વિસ્તાર...જ્યાં બાલ્યાવસ્થા, જવાની, બુઢાપો બધું જ દુ:ખમાં વ્યતીત થાય છે. સુખ જેવી વસ્તુ તો દુનિયામાં હતી જ નહીં, છે જ નહીં. એ એક નેગેટિવ કલ્પના છે.

'અચ્છા અલકા, સમજવાની કોશિશ કર. જળચરોની દુનિયા લે. દરિયામાં ભાગ્યે જ કોઈ જળચરનું સ્વાભાવિક મૃત્યુ થાય છે...એટલે કે દરેક દરિયાઈ જીવ અંત પામે છે બીજાના પેટમાં. ત્યાં હજી સંસ્કૃતિ આવ્યા પહેલાંની દુનિયા જેવી જ જિંદગી ચાલે છે. આખું જીવન પેટ ભરવા માટેની એક ખૂનખાર પ્રવૃત્તિ હોય છે. એકના મોત પર જ બીજાનું અસ્તિત્વ નિર્ભર હોય છે... जीवो जीवस्य जीवनम.

'પૃથ્વી પરની જિંદગી પણ એ જ હતી. મનુષ્ય પાસે પેટ ન હોત તો દુનિયાએ પ્રગતિ ન કરી હોત. હું ધારું છું એ વખતે આજના જળચરો જેવી જ દુનિયા હતી. કોઈનું સ્વાભાવિક મોત નહીં થતું હોય...આખું જીવન અંધકાર, દુ:ખ, ભય અને ભૂખની એક જીવલેણ કશ્મકશ બની જતું હશે અને 'સેક્સ'નું આજે જે મહત્વ થઈ ગયું છે એ તો હશે જ નહીં.

'હું બહુ આડીઅવળી વાતો કરી રહ્યો છું, નહીં? અચ્છા, પ્રાગૈતિહાસિક ભૂતકાળને જવા દે. આજની દુનિયા સંસ્કૃત બની ગઈ છે. એના પોતાના મૂલ્યો અને ધોરણો છે, પોતાનાં માધ્યમો અને ધ્યેયો છે, જીવનની ગતિવિધિ પલટાઈ છે. જેટલું દુ:ખ ઓછું એટલી જીવનમાં સફળતા વધારે. સુખ મેળવવા કરતાં દુ:ખને દૂર કરવું એ વિશેષ મહત્વનું છે અને દુ:ખને દૂર કરવાના ઉપાયો એ મનુષ્યની આજ સુધીની અનેકવિધ પ્રવૃત્તિઓનો ઈતિહાસ છે, એને માટે શબ્દ છે escape. દુ:ખના પ્રદેશમાંથી જેટલા 'એસ્કેપ' વધારે એટલું દુ:ખ ઓછું...એટલું દુનિયા અને સમાજની દ્રષ્ટિએ સુખ વધારે.

મનુષ્યે 'એસ્કેપ' સર્જ્યા, બનાવ્યા, તરાશ્યા. અક્ષરજ્ઞાન, લલિત કળાઓ, સાહિત્ય...પૈસાની ઉત્પત્તિ...ખેતી, યુદ્ધો, સંગીત, રમતો, વિજ્ઞાન, સ્ત્રી-સમાગમ, બાળકો, શરાબ, રાગરંગ અને ધર્મ પણ! બધા જ 'એસ્કેપ' છે, દુ:ખને ભૂલવાના, એનાથી દૂર રહેવાના, જાતજાતનાં 'સુખ' મેળવવાની એ જુદી જુદી પ્રવૃત્તિઓ છે - સુખની સમીપ આવવાની અથવા દુ:ખથી દૂર રહેવાની. પોતપોતાનાં માની લીધેલાં દુ:ખોથી દૂર રહેવાના એ માર્ગો છે, સાંત્વનો 'એસ્કેપ' છે. માશૂકાના ગાલ પર હાથ ફેરવાનાર પ્રેમી અને પથ્થરના ભગવાનના પગ પર માથું ઝુકાવીને અડાડનાર ભાવિક બન્નેના માર્ગો સમાંતર છે. બંનેના ધ્યેય પોતપોતાની રીતે પોતે માની લીધેલા દુ:ખથી દૂર જવા કાર્યરત છે...દુ:ખથી ભાગવાની બન્ને પોતપોતાની રીતો અપનાવી રહ્યા છે. અંતત: બન્નેની અપેક્ષાઓ એક જ છે.

'મને તો જીવનભરની પ્રવૃત્તિઓનો નિષ્કર્ષ એક જ લાગે છે, દુ:ખથી ભાગવાના, 'એસ્કેપ' માર્ગો તરફ જવાનો અને એમાં વિકાસ કરતા જવાનો. એ જીવનની સફળતાની પારાશીશી છે...

'અને દુ:ખ છે પણ શું? ઈચ્છાઓનો અવરોધ. જેટલી ઈચ્છાઓ વધારે, જેટલી આંકાક્ષાઓ વધારે, એટલું દુ:ખ વધારે. અને ઈચ્છાઓ ઉપર તો મનુષ્યનું જીવન જ નિર્ભર હોય છે. એ જીવનની બધી જ પ્રગતિની બુનિયાદ છે. ઈચ્છાઓ વિનાનો માણસ મને હમેશા ઈશ્વર જેવો લાગ્યો છે...અને ઈશ્વરનો મને કોઈ કોઈ વખત ભય જ થાય છે, એને માટે માન કે પ્રેમ નથી. સંસ્કૃતિનું એ સૌથી કરુણ પાત્ર મને લાગ્યું છે...

'મને પણ ઈચ્છાઓ છે કારણ કે હું ઈશ્વર નથી, અને એ ઈચ્છાઓનો અવરોધ થાય છે ત્યારે દુ:ખ થાય છે અને દુ:ખની સાથે જ એ દુ:ખથી ભાગવાના 'એસ્કેપ અનાયાસે આવી જાય છે, પણ જીવનમાં માત્ર સુખની આશા રાખવી એ તો મને નામર્દાઈનું મોટામાં મોટું લક્ષણ લાગે છે.'


પ્રકાશે એક ખોંખારો ખાધો અને કહ્યું, 'અલકા, તેં મને એક બહુ જબરદસ્ત સવાલ પૂછી લીધો છે. હું સ્વયં જે વસ્તુ બરાબર સમજતો નથી એ સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. હું 'એસ્કેપિસ્ટ' થઈ ગયો છું. અને મને કોઈ કોઈ વખત લાગ્યું છે કે 'એસ્કેપિઝમ' એ નામર્દનો ધર્મ છે અને મર્દાઈનો ગરૂર કરનાર હું પણ જરા વિચાર કરતો થઈ જાઉં છું...ધર્મ, સ્વજનો, સમાજ, સરકાર, નીતિમત્તા - બધાંની દુશ્મની કરીને મનુષ્ય કેટલો સમય ટકી શકે? હું ખુશદિલીથી જીવવા માંગું છું, સક્કરથી રોટી ખાનાર અને ટક્કરથી દુનિયા જીતનાર માણસની જેમ, અને મને ખબર છે - my candle burns at both ends...'

(પડઘા ડૂબી ગયા: પૃ. 141 અને 148 to 152)

1 comment:

  1. વાહ બહુ સુંદર નેહલ ભાઈ હું રાહ જોઈ રહ્યો હતો.
    બહુ સુંદર પસંદગી કરી છે વિષય ની પ્રકાશ તો બિચારો માત્ર ઉદીપ્પ્ક છે . બક્ષી જ કહી રહ્યા છે અલકા (બકુલા??) ને !!!! અને નેહલ ભાઈ હું પણ હું સ્વયં જે વસ્તુ બરાબર સમજતો નથી એ સમજાવવાની કોશિશ કરી રહ્યો છું.

    આવા બક્ષી ચાહક ને તો જરૂર રૂબરૂ મળવું છે ક્યાં મળશો નેહલ ભાઈ ?? હાં રે દોસ્તો, ચાલો ગુજુ સાહિત્ય પરિષદ

    ReplyDelete