ગુજરાતીઓ હેરસ્ટાઈલના ક્લાસમાં જાય છે, મેંદી મુકાવે છે, ચાઈનીઝ અને મેક્સિકન કૂકિંગના વર્ગો જોઈન કરે છે, લેટેસ્ટ કપડાં પૈસાના જોરે ખરીદી નાખે છે, પણ મેનર્સ, એટીકેટ, વિદેશી રીતભાત, તેહઝીબ કેમ શીખતા નથી? ફોરેઈન જનારા ગુજરાતીઓનું પ્રમાણ અન્ય ભારતીય જાતિઓની તુલનામાં બહુ જ મોટું છે (બે અપવાદો : મલયાળીઓ, પંજાબીઓ), પણ હોટેલમાં જાહેરમાં કેમ ખાવું, દરવાજો ખોલીને કેમ પ્રવેશવું, કેમ નાચવું, કેમ અંગ્રેજી બોલવું, યજમાનના વિદેશી ટોઈલેટનો કેવી રીતે ઉપયોગ કરવો, બાથટબમાં શી રીતે નાહવું, આ બધું શીખવવાના વર્ગો કેમ નથી? ગુજ્જુ લેખકોમાં ઘણાખરા ફોરેઈન આંટો મારી આવ્યા છે અને ઘણાખરાને ટેબલ પર બેસીને ફોર્ક પકડતાં કે સુટ પહેરીને હોટેલના ફોયર કે લાઉન્જમાં બે પગ પર સીધા ઊભા રહેતાં આવડતું નથી. શી જરૂર છે? હું માનું છું કે જરૂર છે. મમ્મી મુર્ગીની પાછળ પાછળ દોડાદોડ કરતાં ચિક્સની જેમ કે મમ્મી બંદરિયાના બચ્ચાની જેમ આંખો ફાડીફાડીને એની છાતીને લીપટી રહેનારા છોટા લંગૂરની જેમ યજમાનની કારમાં ઘૂસીને યજમાનને ચોંટી રહેનાર ગુજરાતી મારો આદર્શ નથી. યુ ગોટ ટુ રફ ઈટ આઉટ, મેન...!
એટીકેટ કે મેનર્સને હું બહુ મહત્ત્વ આપું છું. હું માનું છું કે આ દેશના વિદેશમંત્રીએ નીચું મોઢું કરીને, ઊંધું ઘાલીને, હસહસ કરવા સિવાય પણ કંઈક કરવાનું હોય છે. હું માનું છું કે આપણા દેશી રાજકારણીઓમાંનો એક બહુ મોટો વર્ગ વિદેશમાં ડોબાઓમાં ખપી જતો હશે. દુનિયા એ મંડલ કમિશનનું એક્સટેન્શન નથી, તમને ગોલ્ફ અને પોકર રમતાં આવડતું જોઈએ, તમને થ્રી-પીસ-સુટ પહેરતાં આવડવો જોઈએ, તમને પેરટ્રીજના શિકાર પર કે ફિશિંગ પર જતાં આવડવું જોઈએ, તમને ચેસ્ટ અને ક્લિપ્ડ એક્સેન્ટવાળું અંગ્રેજી (દેશી ફાફડાછાપ અંગ્રેજી નહીં) સહજતાથી અનાયાસ બોલતાં આવડવું જોઈએ, તમને ફ્રેંચ બોલતાં આવડવું જરૂરી નથી પણ શાલીનતાથી કમ્યુનિકેટ કરતાં આવડવું જોઈએ, તમને ચોપસ્ટિક્સથી ચાઈનીઝ ખોરાક ખાતાં આવડવું જોઈએ, તમને જમ્યા પછી રેડ વાઈન સિપ કરતાં આવડવું જોઈએ. આ વાતો બહુ ઊંચી કક્ષાના રાજનીતિજ્ઞો કે વિદેશો સાથે ઉચ્ચ સ્તરીય સંબંધો રાખનારી વ્યક્તિઓ માટે છે.
થોડા સમય પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ હોસ્ની મુબારક ઈંગ્લંડના ઓફિશીઅલ પ્રવાસે ગયા હતા. ઈંગ્લંડની રાણી એલિઝાબેથ (દ્વિતીય)એ રોયલ ફેમિલી અને વરિષ્ઠ અંગ્રેજ અને ઈજિપ્શીઅન અફસરાન માટે એક બેંક્વેટ ડિનર આપ્યું હતું. શરૂમાં મેઝબાન રાણીએ સ્પીચ આપી: મિસ્ટર પ્રેઝિડેન્ટ ! વી આર ગ્લેડ ટુ વેલકમ યૂ એન્ડ મિસિસ મુબારક ટુ બ્રિટન... પૂરી સ્પીચનો ટોન મિત્રતાપૂર્ણ હતો અને અંતે મિસિસ મુબારકને રાણીએ સંબોધન કરીને તારીફ કરી. અને અંતમાં, ટોસ્ટ કરતી વખતે રાણીએ કહ્યું: મિસ્ટર પ્રેઝિડેન્ટ ! આઈ રેઈઝ માય ગ્લાસ ટુ યૂ એન્ડ મિસિસ મુબારક એન્ડ ટુ ધ વેલ બીઈંગ એન્ડ હેપીનેસ ઑફ ધ ઈજિપ્શીઅન પીપલ!... મહેમાન રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકે ઉત્તરની શરૂઆત કરી: યોર મેજેસ્ટી, યોર રોયલ હાઈનેસીસ, લેડીઝ એન્ડ જેન્ટલમેન!... પછી તારીફો અને પ્રંશસાઓ અને વચ્ચેવચ્ચે 'યોર મેજેસ્ટી'નું વારંવાર આવતું સંબોધન અને 'હિઝ રોયલ હાઈનેસ ધ ડ્યુક ઑફ એડિનબરો' માટે આદરભાવ સાથે ઉલ્લેખો...
આટલું બધું ફોર્મલ વર્તન આપણા લીડરોને ન આવડે એ સમજી શકાય એવું છે, કારણ કે હોસ્ની મુબારક લશ્કરની તાલીમ પામેલા છે. એક સૂચક વાત છે કે દક્ષિણ અને પૂર્વ આફ્રિકા, મધ્યપૂર્વ, ચીન, જાપાન, અગ્નિ એશિયા, દક્ષિણ અમેરિકાના દેશોના, એટલે કે તૃતીય વિશ્વના નેતાઓ સુટ પહેરે છે, આપણા નેતાઓ શા માટે ડ્રાઈવર જેવા ડ્રેસ પહેરીને (ક્લોઝ્ડ બટન્ડ-અપ ટ્યુનિક) જગતમાં ફરે છે? ટાઈ પહેરતાં આવડતી નથી માટે? રાજીવજી વિલમાં લખી ગયા છે કે કોન્ગ્રેસીઓએ આ શોફર જેવા ડ્રેસ જ પહેરવા? પણ હવે એમાં ફેરફાર આવી રહ્યો છે. હવે તો શરદ પવાર, રક્ષામંત્રી, પણ અમેરિકામાં સુટ પહેરીને ફરે છે. જ્યારે ચીનના લિ-પાંગ ભારત આવ્યા ત્યારે સુટમાં સજ્જ શરદરાવજી પવારે એમની સાથે હાથ મિલાવ્યા હતા, પણ એક હાથ પેન્ટના ખીસામાં રાખીને ! આ અત્યંત ફૂવડ મેનર્સ છે, આવું કરાય નહીં, મહેમાનનું અપમાન ગણાય, પણ બમ્બય્યા હિંદી ફિલ્મોની આ અસર હશે એવું મારું અનુમાન છે. ધીરે ધીરે બધું આવડી જશે, ગામની પટલાઈ ગામ શીખવે જેવી વાત છે...
આજની પેઢીનાં કપડાં અને અવાજો આધુનિક થઈ ગયાં છે પણ ટેબલ મેનર્સ દેખાતી નથી જેને માટે એ દોષિત નથી. મુંબઈ જેવા શહેરમાં સામાન્ય હોટેલમાં છરી અને ચમચી આપે છે, છરી અને કાંટો નહીં! એક ચાઈનીઝ હોટેલમાં જઈને ખાવાનું મગાવ્યું, સાથે ચોપસ્ટિક્સ લાવવા કહ્યું, ઉત્તર મળ્યો: અમે ચોપસ્ટિક્સ રાખતા નથી! જગતમાં થોડું ફર્યા પછી અને જાતજાતના દેશોમાં જાતજાતની ભાષાઓ બોલનારા લોકો સાથે બેસીને, જમીને, સાથે રહીને હું થોડું શીખ્યો છું. સૌથી મહત્ત્વની વાત એ છે કે વિદેશમાં જોતા રહેવું, નવું શીખવાની વૃત્તિ રાખવી, ભૂલો જરૂર થશે કારણ કે શીખવાનો એ એક જ માર્ગ છે, બુદ્ધુ બનવાની તૈયારી રાખવી અને તરત માફી માગી લેવી, અને એ બધું કરી લીધા પછી પણ એમની આખી જિંદગીના સંસ્કાર આપણી એક ટૂંકી મુલાકાતમાં આપણે સંપૂર્ણ શીખી શકવાના નથી. નવું શીખતા રહેવાની પ્રક્રિયા આજીવન છે અને 60મે વર્ષે પણ એવું ઘણું બધું છે જેના વિષે આપણને જરા પણ ગતાગમ નથી. આપણે આખી જિંદગી ભોજનના આરંભમાં સૂપ પીધો છે, જ્યારે રશિયામાં સૂપ વચ્ચે પીવાનો આવે છે. સૂપની પ્લેટ આપણી તરફ નહીં પણ સામેની તરફ ઢળતી રાખીને સૂપ પિવાય છે, જે હું હંમેશાં કરતો હતો અને સામેના ટેબલવાળો ભારતવાસી મુંબઈનગરીમાં આપણને જોઈને મલકી જાય તો ગભરાવું નહીં. આ દેશમાં દરેકને મલકવાનો અધિકાર છે.
ગરમ કોફીમાં બ્રાન્ડી નાખીને ભોજનને અંતે પિવાય છે, અને એ પહેલાં ઠંડો આઈસક્રીમ ખાઈ જવાનો હોય છે. એ લોકોને આપણા આયુર્વેદના સિદ્ધાંતોની ખબર નથી, પણ મજા આવશે. ક્યારેય ગ્રેપ એન્ડ ગ્રેઈન ભેગાં ન કરવાં (બ્રાન્ડી અને બિયર). રેડ વાઈનની બોટલ ફ્રિજમાં સુવાડીને રખાય છે! (ઔરતાના ચીજ છે, માટે?) અને કોન્યેક અથવા બ્રાન્ડી! મને લાગે છે કે વ્હિસ્કી પછી સૌથી વધારે પીવાતું એ ડ્રિંક છે.
ટેબલ પર જે છરી જરા ધારદાર કે કરકરી છે એ મટન કાપવા માટે છે અને જે છરી સુંવાળી અને લગભગ ધારહીન છે એ માછલી માટે છે. અમેરિકામાં બીફ-સ્ટેક (ઓસ્ટ્રેલિયનો સ્ટાઈક બોલે છે) જો 'વેલ ડન' મગાવ્યું તો એવું સખ્ત આવશે કે ખાઈ નહીં શકો. હાફ-ડન મગાવવાનું. અને એક સરસ વાત, ગુજરાતીઓને ગમે એવી. બધું ખાઈ ન શકાય તો 'ડોગ-પેક' કરવાનું કહેવાનું, વધેલું પેક કરી આપશે, ઘેર લઈ જવા માટે! એ લોકોને ત્યાં કૂતરો ખાઈ જશે, આપણે ત્યાં પતિ...
ક્લોઝ અપ:
મટનો અને શરાબો મહેલોમાં સડી રહ્યાં છે
અને માણસનાં હાડકાં એમનાં દ્વારોની બહાર સડી રહ્યાં છે
- ચીની કવિ તુ-ફૂ
(અભિયાન, મે 4, 1992)
(પુસ્તક: કાલ અને આજ)
નેહલભાઈ આગે બઢો
ReplyDelete