April 11, 2013

અતીતવન નવલકથામાંથી તાજમહાલ વિશે પૂરક માહિતી

(બક્ષીબાબુની નવલકથા 'અતીતવન'માં તાજમહાલ વિશેના પ્રકરણમાંથી)
આગ્રા તરફ આવતાં આવતાં વિરાગે બાદશાહ શાહજહાં વિશે પુષ્કળ વાતો સાંભળી હતી. જહાંગીરના બીજા બેટા ખુર્રમે ભાઈઓ અને સગાંઓની કતલ કરાવીને શાહજહાં નામ ધારણ કર્યું હતું અને તખ્તનશીન થયો હતો. નૂરજહાંના ભાઈ આસફખાનની બેટી અર્જુમંદ બાનુને એ પરણ્યો હતો. અર્જુમંદ એની ફઈ નૂરજહાં જેવી જ ખૂબસૂરત હતી. શાહજહાંની ઘણી પત્નીઓમાં વધુ પ્રિય હતી એવું કહેવાતું હતું. દક્ષિણમાં બળવો શમાવવા શાહજહાં ગયો હતો. 1631નું વર્ષ હતું. શાહજહાં અહમદનગર પર આક્રમણ લઈ ગયો હતો, દક્ષિણ અકાલગ્રસ્ત હતું, લોકો ભૂખે મરી રહ્યા હતા. એ જ વર્ષે અર્જુમંદનો ઈન્તકાલ થયો.

અર્જુમંદ બાનુ બેગમનું નામ શાહજહાંએ મુમતાઝ પાડ્યું હતું. કહેવાતું હતું કે એને પંદરમું બાળક જન્મવાનું હતું ત્યારે પ્રસવમાં એ મરી ગઈ. દક્ષિણ પ્રદેશ પરથી શાહજહાંનું દિલ ઊઠી ગયું. મુમતાઝ મહલને બુરહાનપુર પાસે ઝૈનાબાદમાં પ્રથમ દફનાવી. પછી આગ્રામાં દફનવિધિ થઈ. પછી શાહજહાંએ મુમતાઝની કબર પર એક મકબરો બનાવ્યો - રોઝા-ઈ-મુમતાઝ મહલ. લોકો એને તાજમહાલ નામથી ઓળખવા માંડ્યા.

કેટલાક કહી રહ્યા હતા બાદશાહની હવસનો મુમતાઝ શિકાર બની હતી. તાજમહાલ બનતો હતો ત્યારે દક્ષિણ અને ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો. હજારો માણસો વર્ષો સુધી તડપી તડપીને રિબાઈ રિબાઈને ભૂખે મરતા રહ્યા. આગ્રામાં નદી યમુનાને તટે રોઝા-ઈ-મુમતાઝ મહલની દીવાલો પર ફૂલોની પ્રતિકૃતિઓમાં સોનાના તારની નક્કાશી થઈ રહી હતી અને રંગીન રત્નો જડાઈ રહ્યાં હ્તાં. આટલો હૃદયહીન માણસ દિલ્હીના તખ્ત પર આવ્યો નથી, જનતા કહી રહી હતી. સાંજે બાદશાહ સોનેરી માછલીઓને ખવડાવતો. દિવસે ફૂલો ખીલતાં, રાતે ચિરાગ જલતા, દરબારમાં રૂપબજાર ખૂલી જતો, બાદશાહની વિષયલોલુપતા તર-બતર થઈ જતી, તાજમહાલના મકરાણા આરસની બહાર દીવાલો પર કુરઆનની આયાતો ખોદાતી, ગુજરાતમાં જનતા ભૂખની મારી કરાહી કરાહીને દમ તોડી રહી હતી પણ ગુજરાતની જીવલેણ ભૂખ તાજમહાલના સંગેમરમરની ઝિલમિલાહટથી યોજનો દૂર હતી-

હવસમાં ચૂર બાદશાહે યમુનાતટે તાજમહાલ બનાવ્યો હતો.

વિરાગનો ઘોડો યમુનાને કિનારે કિનારે આગળ વધતો ગયો. ચારે તરફ વાદળો ઘેરાઈ ગયાં હતાં. હવામાં વરસાદી ઠંડક હતી પણ ઘોડો તરસ્યો થયો હતો. જરા આગળ જતાં વિરાગ તાજમહાલને જોઈ શક્યો, અને વરસાદ પડ્યો, જોરશોરથી. વિરાગ ઘોડા પરથી ઊતરી ગયો. ઘોડો યમુનામાંથી પાણી પીવા લાગ્યો. તાજમહાલ પર વરસાદ પડી રહ્યો હતો, અને આરસમાંથી પ્રવાહિતા ટપકતી હોય એવું મનોરમ દ્રશ્ય હતું. ઘોડો પાણી પી રહ્યો હતો.

વિરાગ વિચારતો રહ્યો, તાજમહાલ ખૂબસૂરત લાગી રહ્યો હતો. પણ પાછળ અસંખ્ય દક્ષિણવાસીઓ અને ગુજરાતીઓ ભૂખે મરી ગયા હતા એ હકીકત લપકી રહી હતી. અને હવસમાં ચૂર એક બાદશાહ અને ધનછલકતા એના રાષ્ટ્રકોશમાંથી બંટાતું ધન અને અકાલ....દુર્ભિક્ષ...

એકાએક વિરાગને વિચાર આવી ગયો - કોણે બનાવ્યો હતો આ તાજમહાલ?

વિરાગ એક સરાઈમાં આવીને ઊતર્યો. બીજે દિવસે એને ખબર પડી કે આ સરાઈમાં દેશ-વિદેશના પ્રવાસીઓ-યાત્રીઓ આવીને ઠહરતા હતા. આગ્રા મહત્વનું કેન્દ્ર હતું. એટલે દરબારી કામ માટે પણ વિદેશીઓ અહીં આવતા રહેતા હતા.

પહેલે જ દિવસે વિરાગને એક યુરોપીય પ્રવાસી સાથે તાજમહાલ વિશે વાત કરતાં જણાયું કે એક સ્પૅનિશ સાધુ ફ્રાયર સેબાસ્ટીઅન માનરિક તાજમહાલના સર્જન વિશે જાણતો હતો અને એ આ વિષય પર પ્રકાશ ફેંકી શકે એમ હતો. વિરાગ આગ્રામાં ફ્રાયર માનરિકને શોધતો ફર્યો, અંતે ખ્રિસ્તી કબ્રસ્તાનમાં માનરિકથી સાક્ષાત્કાર થયો.

'મારું નામ વિરાગ છે. હું જિજ્ઞાસુ પ્રવાસી છું અને મને સંધાન મળ્યું છે કે તમે તાજમહાલના મુખ્ય સ્થપતિ વિશે જાણો છો. હું જાણવા આવ્યો છું કે આ તાજમહાલ બનાવ્યો કોણે?'

ફ્રાયર માનરિક વિરાગને જોઈ રહ્યો.

'તાજમહાલનું સર્જન એક ખ્રિસ્તી સ્થપતિએ કર્યું છે, એનું નામ જેરોનીમો વેરોનીઓ છે.'

વિરાગના શરીરમાંથી આશ્ચર્યની એક સિરહન પસાર થઈ ગઈ.

'વિરાગ,' ફ્રાયર માનરિકે કહ્યું, 'ચાલ, હું તને તાજમહાલના સર્જકની સમાધિ બતાવું.'

આગળ ફ્રાયર માનરિક અને પાછળ વિરાગ કબ્રસ્તાનની કબરોમાં થતા આગળ ચાલ્યા. કબરો નવી હતી. બાગના અંતે એક જીર્ણ થઈ રહેલી કબર પાસે આવીને ફાયર માનરિક અટકી ગયો.

'તાજમહાલનો બનાવનારો આ કબરની નીચે સૂઈ રહ્યો છે.'

વિરાગે વાંચ્યું: જેરોનીમો વેરોનીઓ. મૃત્યુ ઑગસ્ટ 2, 1640. જન્મ વેનિસમાં.

'આ વેનિસનો હતો. વેરોનીઓ પુર્તગાલી જહાજમાં હિન્દુસ્તાન આવ્યો હતો અને લાહૌરમાં મરી ગયો હતો. રાજા કોરોમ્બો (ખુર્રમ)એ એને કહ્યું હતું કે ત્રણ કરોડ રૂપિયા ખર્ચીને તાજમહાલ બનાવવો છે. આ ઈટાલિયન સ્થપતિને માસિક હજાર રૂપિયાનો પગાર શાહી કોશમાંથી મળતો હતો, પણ એ ભિખારી મરી ગયો, કારણ કે ભયંકર ખર્ચાળ હતો. જ્યારે બંગાળથી પુર્તગાલી બન્દીઓને પકડીને આગ્રા લાવવામાં આવ્યા ત્યારે વેરોનીઓએ રૂપિયા ભરીને એમને છોડાવ્યા હતા.'

'પણ ફ્રાયર માનરિક, આ વેરોનીઓ વિશે કોઈ જ ઈતિહાસમાં ઉલ્લેખ કેમ નથી?'

'દેશી લોકો વિદેશીનું નામ તો ન જ લખે!' ફ્રાયર સેબાસ્ટીઅન માનરિકે લુચ્ચું હસીને કહ્યું.

'એટલે જ ખ્રિસ્તી લોકોએ ખ્રિસ્તીનું નામ આગળ કર્યું છે?' વિરાગ પ્રશ્ન પૂછીને અસતુંષ્ટ થઈને વેરોનીઓની કબર તરફ જોઈને કબ્રસ્તાનની બહાર નીકળ્યો.

કબ્રસ્તાનની બહાર નીકળતાં એક વિદેશી જેવો લાગતો વૃદ્ધ માણસ પાસે આવ્યો. વૃદ્ધ માણસે પૂછ્યું: 'તાજમહાલ કોણે બનાવ્યો એ તમારે જાણવું છે?'

વિરાગ નવા માણસને જોઈ રહ્યો: 'હા-'

'મારી પાછળ પાછળ આવો.'

બન્ને ચાલ્યા. કબ્રસ્તાનથી જરા દૂર એક નાની કબર હતી-

'આ કબર જૉન મિડલટન નામના અંગ્રેજની છે. હિન્દુસ્તાનમાં અંગ્રેજની આ જૂનામાં જૂની કબર છે.'

'આ માણસે તાજમહાલ બનાવ્યો હતો?' વિરાગે પૂછ્યું.

'ના. આ માણસે મરતાં પહેલાં મને તાજ વિશે વાત કરી હતી. એ પર્શીઆ થઈને હિન્દુસ્તાન આવી રહ્યો હતો. માર્ગમાં એને એક ફ્રેંચ મળી ગયો જેનું નામ ઓગસ્ટીન દ' બોર્દો હતું. ઓગસ્ટીને તાજમહાલની ડિઝાઈન બનાવી હતી. એ જ ઓગસ્ટીને બે મોરવાળું મયૂરાસન પણ બનાવ્યું હતું. જહાંગીરે એને 'હૂઅરેમન્દ હીરીઅર્ન'- (કલાઓના સર્જક)નો ખિતાબ એનાયત કર્યો હતો...'

વિરાગ સાંભળી રહ્યો, 'તમે ફ્રેંચ પ્રવાસી ટ્રેવર્નીઅરનું નામ સાંભળ્યું છે?'

'હા.' માણસે કહ્યું.

'મને એક માણસ પ્રવાસમાં મળ્યો હતો જેને ટ્રેવર્નીઅર સાથે આ વિશે વાત થઈ હતી. ટ્રેવર્નીઅરે એને કહ્યું હતું કે પહેલાં તાજમહાલ એક હિન્દુ મહેલ હતો. શાહજહાંએ એ મહેલની દીવાલો પર ફક્ત કુરઆનની આયાતો જ ખોદાવી હતી.'

'પણ તાજમહાલ તો હમણાં જ બંધાયો છે!'

વિરાગનો ચહેરો તંગ થઈ ગયો: 'હું તાજમહાલના સર્જક વિશે જાણવા નીકળ્યો છું. તમને ખબર છે શાહજહાંના દાદાનો દાદો બાબર તાજમહાલમાં રહ્યો હતો એવું એણે પોતે બાબરનામામાં લખ્યું છે? મુમતાઝ મહલ મરી એનાં પણ સો વર્ષ પૂર્વેની આ વાત છે. અને તમને ખબર છે કે એ બાબરનો દેહાંત પણ તાજમહાલમાં થયો હતો? મારે ફક્ત એ જાણવું છે કે આ તાજમહાલ બનાવનાર સ્થપતિ કોણ હતો - તમે એ વિશે વધુ પ્રકાશ પાડી શકો એમ છો?'

વૃદ્ધ માણસ ધીરેથી મોઢું ફેરવીને ચાલ્યો ગયો.

વિરાગ પાછો પોતાની સરાઈ તરફ આવવા નીકળ્યો. માર્ગમાં એ તાજમહાલને ફરીથી બહુ ધ્યાનથી જોવા માંડ્યો. એને વિચાર આવ્યો કે તાજમહાલનો સર્જક વિદેશી ન હોઈ શકે, ન જ હોય. કોણ હશે?

સરાઈમાં એક પ્રવાસી વિરાગને કહી રહ્યો હતો: 'તાજમહાલ બનાવ્યો શિરાઝના એક કારીગરે. એનું નામ ઉસ્તાદ ઈસા હતું. એ શિરાઝનો શ્રેષ્ઠ શિલ્પી હતો.'

'એ સિવાય કંઈ માહિતી?' વિરાગે પ્રશ્ન કર્યો.

પ્રવાસી જોઈ રહ્યો. એની પાસે વિશેષ માહિતી ન હતી.

અન્ય પ્રવાસીઓ આ દરમિયાન આસપાસ જમા થઈ રહ્યા હતા અને દિલચસ્પીથી વિરાગનો અને પ્રવાસીઓનો સંવાદ સાંભળી રહ્યા હતા.

'ઉસ્તાદ અહમદ મામર લાહૌરી તાજમહાલનો ખરો સર્જક હતો.' એક પ્રવાસીએ કહ્યું, 'એ ઈરાની હતો અને વર્ષોથી એમનું કુટુંબ પંજાબમાં સ્થાયી થયું હતું. એને નાદિર-અલ-અસરની ઉપાધિ આપવામાં આવી હતી. અહમદ લાહૌરી અને એના ભાઈ હમીદ લાહૌરીએ તાજમહાલ બનાવ્યો છે. પાછળથી અહમદ લાહૌરીએ દિલ્હીનો લાલ કિલ્લો પણ બનાવ્યો હતો.'

'ખોટી વાત છે,' બીજા પ્રવાસીએ કહ્યું,' તમે તાજમહાલની વાત કરો છો ને? એ કંદહારના મુહમ્મદ હનીફે બનાવ્યો છે. એના બે સહાયકો હતા - મુહમ્મદ સઈદ અને અબુ તોરાહ. આ બન્ને મુલતાનના હતા.'

'તમે મુલતાનના છો?' વિરાગે પ્રવાસીને પ્રશ્ન કર્યો.

'હા. એટલે જ તો હું જાણું છું. નહીં તો શી રીતે જાણું?'

એક ત્રીજો પ્રવાસી બોલવા માંડ્યો, 'આવો મકબરો એક માણસથી બને નહીં. આ બધાની વાતો ખોટી છે. હું તમને થોડી માહિતી આપું. તાજમહાલ બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો છે તમને ખબર છે?'

'ના.'

'સાંભળો - ચાર કરોડ, અગિયાર લાખ, અડતાળીસ હજાર, આઠસો છત્રીસ રૂપિયા, સાત આના અને છ પાઈ. અમ્લ-ઈ-સાલીહમાં ચોખ્ખું લખ્યું છે.' પ્રવાસી વિચક્ષણ હિસાબનીશની અદાથી કહેતો રહ્યો, 'આવો મકબરો એક માણસથી બને નહીં. દુનિયભરમાંથી કારીગરો આવ્યા હતા જેમણે તાજમહાલની સૌથી ઊંચી ટોચ બનાવી હતી. દિલ્હીનો જ પીરા નામનો એક માણસ હતો જેણ ઘુમ્મટની આસપાસ માંચડો બાંધ્યો હતો અને ઘુમ્મટનું મધ્યબિંદુ ગોઠવવામાં મુખ્ય કામ કર્યું હતું. શિરાઝથી અમાનતખાન, બગદાદથી કાદર ઝમાન અને મુહમ્મદ ખાન, શામથી રૌશન ખાન આવ્યા હતા જેમણે આરસમાં આયાતો કોતરી છે. અંદરનું બધું કામ કનૌજના ચિરંજીલાલે કર્યું છે. એની સાથે ત્રણ મુખ્ય કારીગરો હતા: છોટીલાલ, મન્નુલાલ, અને મનૌહરસિંઘ, અંદર ફૂલો કોતરનારા બોખરાથી આવ્યા હતા - અતા મુહમ્મદ અને શકર મુહમ્મદ. ત્રણ દિલ્હીના હતા - બનુહાર, શાહમલ અને ઝોરાવર. બહાર બાગ-બગીચાની યોજના રામલાલ કાશ્મીરી નામના માણસે કરી હતી. અને આ બધાનો ઉપરી ઉસ્તાદ ઈસા હતો.'

બધા જ ચૂપ રહ્યા. વિરાગે પૂછ્યું: 'તમારું નામ શું છે?'

'અલી કુરબાન ખાન.'

'તમે ક્યાંના છો?'

'હું ક્યાંનો નથી?' અલી કુરબાન ખાને હસતાં હસતાં કહ્યું, 'શિરાઝ, બગદાદ, લાહૌર, સમરકંદ, મુલતાન, બોખારા બધું જ મેં જોયું છે. મારા પિતા અલી મર્દાન ખાન પણ તાજમહાલન બનાવવામાં હતા-'

'અલી કુરબાન ખાન,' વિરાગે સખતાઈથી કહ્યું, 'તાજનો સાચો સ્થપતિ કોણ એ શોધવા હું આવ્યો છું. હજી ઉત્તર મળ્યો નથી.;

'તમે દિલ્હીથી હુમાયુનો મકબરો જોયો છે?'

'હા.'

'બસ, એના પરથી જ તાજમહાલની રચનાનો વિચાર શાહજહાંને આવ્યો હતો.'

'મને પણ એવું જ સમજાય છે. પણ હુમાયુના મકબરાની ટોચ સ્પષ્ટ રીતે અરબ સ્થાપત્યની છે.'

'એટલે?'

'એટલે તાજમહાલની ટોચ સ્પષ્ટ રીતે અરબ સ્થાપત્યની નથી. અહીં ફર્ક પડે છે. હુમાયુના મકબરામાં અને તાજમહાલમાં સામ્ય જણાય છે પણ એ સામ્ય આ અનુસંધાનને વિશેષ જટિલ બનાવે છે. તાજમહાલનો સ્થપતિ શોધવો એટલો સહજ નથી. તાજમહાલની ટોચ પર ત્રિશૂળ છે - હિન્દુઓનું. વેરોનીઓ કે ઉસ્તાદ ઈસા, અહમદ લાહૌરી કે તમારા પિતા અલી મર્દાન ખાન કોઈએ આ ત્રિશૂળ ટોચ પર મૂક્યું નથી. એ શિલ્પી બીજો કોઈ છે...' પછી વિરાગે પશ્ચાદવિચાર તરીકે હસીને ઉમેર્યું, 'જો ખરેખર તાજમહાલનો કોઈ શિલ્પી હોય તો...!'

જેમ જેમ વિરાગ માહિતીઓમાં ઊંડો ઊતરતો ગયો એમ એમ એ વધુ ગૂંચવાતો ગયો. તાજમહાલ શાહજહાંએ બનાવ્યો હતો. ખરેખર શાહજહાંએ બનાવ્યો હતો કે આ અકબરના રાજા માનસિંહનો હિન્દુ મહલ હતો? કે એ પણ ખોટું હતું? અહીં બાબર રહ્યો હતો, મર્યો હતો. બાબરના સમયમાં પણ તાજમહાલ હતો?'

કોઈ જ સમસામયિક ઈતિહાસ કે બાદશાહનામામાં આ વિશે વિસ્તૃત સટીક માહિતી મળતી ન હતી. શાહજહાં અથવા એના તવારીખનવીસો આ વસ્તુઓ ન લખે એટલા નમ્ર ન હતા. અને દશકો સુધી જો તાજમહાલ બંધાતો રહ્યો હોય તો એ વિશે રચના, કૌશલ, ડિઝાઈન, યોજના વિશે, મુખ્ય સ્થપતિ વિશે પણ ઈતિહાસમાં કંઈ જ સ્પષ્ટતા ન હતી એ અસહ્ય હતું. પ્રવાસીઓ જાતજાતના મનપસંદ નામો કરી રહ્યા હતા.

વિરાગ તાજમહાલની પાસે આવ્યો. ધુમ્મસ હતું, પાસે યમુનાનો મન્થર પ્રવાહ જઈ રહ્યો હતો. ક્ષિતિજો સુધી વિસ્તરિત હરિયાળી સામે વિરાગ જોઈ રહ્યો. પથ્થરો, કારીગરો, ગુલામો કે પછી હિન્દુ પ્રાસાદમાં ફેરફાર અને...

પણ તાજમહાલની સુરેખ આકૃતિ આંખો સામેથી ખસતી ન હતી.

અને પાછળ પાછળ ગુજરાતીઓ અને દક્ષિણવાસીઓની જલદ ભૂખ અને આર્ત્તનાદો...

અને પંદરમા પુત્રજન્મમાં મરી ગયેલી અર્જુમંદ બાનુ.

એક બાદશાહની વિષયલોલુપતાનું આ બેશર્મ સ્મારક....કે-

વિરાગ ઘોડા પર ચડીને તાજમહાલના સ્થાપત્યને જોતો ચક્કર મારવા લાગ્યો. તાજમહાલનો ઘુમ્મટ અને હુમાયુના મકબરાનો ઘુમ્મટ બન્નેના સ્થાપત્યમાં અંતર હતું. હુમાયુના મકબરાનું સ્થાપત્ય શિખર પર અરબ હતું. તાજમહાલના શિખર પર ત્રિશૂળ હતું અને કળશ હતો. ઘુમ્મટ પર હિન્દુ સ્થાપત્યનું ઊર્ધ્વ કમળ હતું. વિરાગ ઊંધા ખૂલેલા કમળના આકારને જોઈ રહ્યો. વિરાગે જોયું કે ચાર દિશાઓ પર શિખરની આસપાસ ચાર રાજપૂત છત્રીઓ હતી જે હિન્દુ સ્થાપત્યની લાક્ષણિકતા હતી. તાજમહાલનું પ્રવેશદ્વાર પશ્ચિમ તરફ મક્કા તરફ ખૂલતું ન હતું. તાજમહાલની આસપાસ ચાર મિનારાઓ હતા. દરેક મિનારાને ગોળાકાર લપેટતી ત્રણ ત્રણ રાંગો હતી જેના પર હિન્દુ સ્થાપત્યમાં હોય છે તેવા ઘોડાના મોઢાવાળાં સુશોભનો હતાં. આ અશ્વમુખ ટેકાઓ અને સુયોજનો હિંદુ મંદિરોનું વૈશિષ્ટ્ય હતું.

વિરાગે ઘોડો બાંધ્યો. પછી તાજમહાલની બહાર ફેલાયેલા બાગમાં દ્રષ્ટિ કરતો એ પગથિયાં ચડ્યો. મકરાણાના સફેદ આરસ પર એના પદચાપના ધ્વનિ ઊઠતા રહ્યા. ધીરેથી એ મકબરાના ગર્ભાગારમાં પ્રવેશ્યો...

(અતીતવન: પૃ.227-235)

No comments:

Post a Comment