April 22, 2013

દરેક બીજી સ્ત્રી અને ત્રીજો પુરુષ માને છે એ શાસ્ત્ર : જ્યોતિષ !

જ્યોતિષ વિષે લખવામાં વ્યાવહારિક જોખમ છે. દરેક બીજી સ્ત્રી અને દરેક ત્રીજો પુરુષ જ્યોતિષમાં માને છે. ભવિષ્ય વેત્તાના દરેક લખેલા શબ્દ પર લોકોને જે વિશ્વાસ છે એ અદભુતથી પણ વધારે છે! જ્યોતિષી કે ભવિષ્યવેત્તાનું નામ ન હોય, એડ્રેસ ન હોય, ગોત્ર ન હોય છતાં પણ ભણેલાગણેલા માણસોને એમની વાતોમાં, એમના અક્ષરેઅક્ષરમાં જે આસ્થા છે એ અંધશ્રદ્ધાથી જરા પણ ઓછી નથી. ભવિષ્ય વિષે જાણવું એ માણસની કમજોરી છે અને રહેશે. જ્યોતિષ જેવો ધમધોકાર ધંધો બીજો નથી. મુહૂર્ત જોયા વિના પરણવા નીકળનારા કે પૂજા કર્યા વિના ગૃહપ્રવેશ કરનારા ભાગ્યે જ મળશે! ભારતમાં જ્યોતિષ હતું, છે અને રહેશે...

1985ના સપ્ટેમ્બરની પહેલી તારીખે દેશના પ્રથમકક્ષ અંગ્રેજી સમાચારપત્રમાં આ પ્રકારની જાહેરખબર વાંચવા મળે છે: '27/155, બીઝનેસમેન, જે દુબઈમાં સ્થાયી છે, એને માટે 20થી 25 વર્ષની ખૂબસૂરત ગ્રેજ્યુએટ સુન્ની મુસ્લિમ કન્યાએ જન્મકુંડળી (હોરોસ્કોપ) સાથે પત્રવ્યવહાર કરવો.' ચારેક વર્ષ પહેલાં પાકિસ્તાનમાં અંગ્રેજી દૈનિકમાં સાપ્તાહિક ભવિષ્યના મકર અને વૃશ્ચિક અને તુલા જોઈને ખૂબ જ આશ્ચર્ય થયેલું ! મુસ્લિમ પાકિસ્તાનમાં ઉર્દૂ અખબારો પણ ભવિષ્યવાણીની કોલમો ચલાવે છે એવું ત્યાંના દોસ્તોએ કહ્યું છે. સોવિયેત યુનિયન જેવા કમ્યુનિસ્ટ દેશમાં પણ ટ્રેડ યુનિયન પત્ર 'ત્રુદ' સતત શિકાયત કરતું રહે છે કે ભવિષ્યવાણી કહેવી એ સામાજિક દૂષણ બની ગયું છે અને એને કારણે કેટલીય જિંદગીઓ ખોટી આશા-નિરાશાઓમાં બરબાદ થઈ જાય છે. એટલે રશિયામાં પણ જ્યોતિષનો 'રોગ' છે જ !

જ્યોતિષ મહાન શાસ્ત્ર હશે પણ એ પ્રેક્ટિસ કરનારા એટલા મહાન નથી. જ્યોતિષની શેરબજાર જેવી એક દ્વિઅર્થી ભાષા છે. દરેક અનુમાનશાસ્ત્રે પોતાની એક ભાષા પેદા કરી લેવી પડે છે. કોઈ પણ આગાહી મૂળભૂત બે જ પ્રકારની હોઈ શકે છે - ક્રિકેટ ટીમ જીતશે અથવા નહીં જીતે ! રાજીવ ગાંધી સફળ થશે કે નહીં થાય. પણ આટલી સ્પષ્ટતાથી આગાહી કરવામાં આવતી નથી. મહાત્મા ગાંધીની હત્યાની એક ભવિષ્યવેત્તાએ જરૂર આગાહી કરી હતી!

જ્યોતિષનું સૌથી ખરાબ પરિણામ એ છે કે એ અસ્થિર માણસને કમજોર બનાવી નાંખે છે. આંધ્રમાં વિધાનસભાની ચૂંટણી હતી. કોંગ્રેસની પાંત્રીસ વર્ષોથી બહુમતી હતી. દિલ્હીમાં ઉમેદવારો ભેગા થયા હતાં. કોંગ્રેસી ઉમેદવારોએ શુભ મુહૂર્ત કાઢીને પત્રકો ભર્યાં. પણ એ શુભ મુહૂર્ત સાચવવા માટે દિલ્હીથી ખાસ ચાર્ટર કરેલું ઈન્ડિયન એરલાઈન્સનું હવાઈ જહાજ ખાસ શુભ મુહૂર્ત કાઢીને દિલ્હીથી હૈદરાબાદ માટે ઊડ્યું. સરકારી હવાઈ જહાજ મુહૂર્ત પ્રમાણે આ રીતે ઊપડતું નથી પણ દેશના 'ભવિષ્ય'નો પ્રશ્ન હતો અને પ્લેન ચાર્ટર કરેલું હતું! બધાં જ શુભ મુહૂર્તો સચવાયાં, કોંગ્રેસીઆ ઉમેદવારોએ બધાં કોંગ્રેસની જન્મકુંડળીના બધા જ ગૃહો સાચવ્યા પણ જનતાનું ગૃહ ભૂલી ગયા! આંધ્રના રામારાવે કોંગ્રેસને સખત પરાજય આપ્યો. મુહૂર્તો ખોટાં કાઢવાનો પ્રશ્ન હતો જ નહીં. ઘણાબધા જોષીઓએ એકથી વધારે મુહૂર્તો સાચવ્યાં હતાં અને બધું એમનું સંપૂર્ણ મતૈક્ય હતું - પણ જોષીઓ ખોટા પડ્યા.

1761માં પાણિપતનું ત્રીજું યુદ્ધ થયું. મરાઠા સેનાઓના સેનાપતિ હતા સદાશિવરાવ ભાઉ અને સામે અફઘાન અહમદશાહ અબ્દાલી હતો. અફઘાનો શક્તિ વગરના, સંગઠન વિનાના હતા, મરાઠાઓ તૈયાર હતા. મૌસમ આક્રમણ માટે ઉપયુક્ત હતી. પણ ભાઉસાહબ પ્રખર જ્યોતિષી હતા. હમણાં ગ્રહો બરાબર ન હતા, એમનું કહેવું હતું.

મરાઠી સેનાના મુખ્ય તોપચી ઈબ્રાહીમખાન ગાદીએ કહ્યું કે આ મોકો છે હુમલો કરી દેવાનો, પણ ગ્રહો ઠીક ન હતા. મરાઠા વિલંબ કરતા રહ્યા, વરસાદ આવ્યો, નદીઓ ઊભરાઈ ગઈ. ચોમાસું ગયું. પણ હજી ગ્રહો બરાબર ન હતા. અંતે એક દિવસ યુદ્ધ થઈ ગયું, યુદ્ધ કરવું જ પડ્યું. છેલ્લે દિવસે મરાઠા સૈનિકો એમનું છેલ્લું ભોજન અને ઘોડાઓની છેલ્લી રસદ ખતમ કરીને યુદ્ધમાં ઊતર્યા. ભાઉસાહેબે કહ્યું, હવે ગ્રહો બરાબર છે...

નવેક માસના વિલંબ પછી મરાઠા-અફઘાન યુદ્ધ થયું. ગ્રહો સારા હતા-પણ અફઘાનો માટે ! 1761માં જે યુદ્ધ થયું એણે ભારતનું ભાવિ શેષ કરી દીધું અને એમાં પરાજયનું એક કારણ હતું સદાશિવરાવ ભાઉનો જ્યોતિષમાં અડગ અંધવિશ્વાસ. 

કથાકાર મધુરાયની એક વાર્તામાં એક પાત્ર રમૂજમાં કહે છે કે મારી મમ્મીને મંગળ હતો અને મારા પપ્પાને મંગળ હતો એટલે મારો જન્મ થયો! ભારતમાં પહેલાં બે જન્મકુંડળીઓના મંગળ પ્રેમ કરી લે છે, પછી મનુષ્યો પ્રેમ કરે છે. મજાકમાં કહીએ તો લગ્ન કાગળના બે ટુકડાઓ વચ્ચે નક્કી થાય છે.

જ્યોતિષ પાસે ઘણા પ્રશ્નો અનુત્તર છે. તરત જન્મેલા મૃત બાળકને પણ સામાન્ય મનુષ્ય જેટલી લાંબી જીવનરેખા હોય છે ! બંદરની હથેળી પર પણ આપણા જેવી જ રેખાઓ હોય છે. સામુદ્રિક વિદ્યા એ હથેળીઓ વિષે કંઈ કહી શકે છે? ખગોળશાસ્ત્ર (એસ્ટ્રોનોમી) ચોક્કસ શાસ્ત્ર છે, જ્યારે જ્યોતિષ (એસ્ટ્રોલોજી) હજી અનુમાનની વસ્તુ છે. જન્મની ક્ષણને ભવિષ્ય સાથે સંબંધ છે?

હિન્દુસ્તાનમાં એક જ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. અમેરિકામાં ત્રણ સમયો છે. આસામ અને ગુજરાતમાં એક જ સમય હોઈ શકે? બે ઘડિયાળો એક સ્થળે પણ સરખો સમય બતાવતી નથી! હોસ્પિટલની ઘડિયાળ પણ સાચી જ હોય એ જરૂરી નથી. ચોક્કસ કે એક્ઝેક્ટ સમય ઘડિયાળો પર નિર્ભર નથી પણ તમે કયા ચોક્કસ અક્ષાંશ-રેખાંશ પર જન્મ્યા છો એના પર આધારિત છે. કદાચ જ્યોતિષીઓ આ વિષે ક્યારેય સાવધાન નથી હોતા. શિયાળા ઉનાળાના જગતના ઘણા દેશોમાં જુદા જુદા સમય હોય છે. અક્ષાંશ રેખાંશની દ્રષ્ટિએ ભારતવર્ષમાં પૂર્વતમથી પશ્ચિમતમ બે સ્થાનો વચ્ચે વૈજ્ઞાનિક રીતે લગભગ બે કલાકનો ફર્ક હોવો જોઈએ. સ્થાનિક સમય અને ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ વચ્ચે પણ ફરક હોય છે. દ્રષ્ટાંત રૂપે જોઈએ તો અમદાવાદના સ્થાનિક સમયમાં 40 મિનિટ ઉમેરો તો ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ આવે, પણ આસામના ગુવાહાટીમાં 37 મિનિટ બાદ કરો તો આઈએસટી આવે!

ગ્રીક 'હોરોસ્કોપ' પરથી ભારતીય 'હોડાચક્ર' આવ્યું. આપણે ત્યાં જન્મકુંડળી જૂની વસ્તુ છે. કહેવાય છે કે રાવણની કુંડળીમાં સૂર્ય સાતમા ઘરમાં હતો. રામાયણમાં રામનાં લગ્ન પછી દશરથ અયોધ્યા પાછા ફરી રહ્યા છે ત્યારે વનમાં પક્ષીઓનો તીવ્ર કાકારવ સાંભળે છે પણ હિંસક પશુઓ પાળેલાં જાનવરોની જેમ પાસે આવીને આસપાસ ફરે છે. દશરથને અપાર આશ્ચર્ય થાય છે ત્યારે વશિષ્ઠ આ લીલા સમજાવે છે. પક્ષીઓનો કાકારવ આવનારી આપત્તિઓનો દ્યોતક છે જ્યારે હિંસક પશુઓનું શરણ બતાવે છે કે એ આપત્તિઓ પસાર થઈ જશે ! ઋષિ વશિષ્ઠની ભવિષ્યવાણી અક્ષરશ: સાચી પડે છે. 

એ જ જૂનો પ્રશ્ન આવે છે: જોષી જોષ જુએ છે તો એની છોકરી કેમ રંડાય છે?

જ્યોતિષ અંગત વિશ્વાસનો પ્રશ્ન છે. વહેમ જ્યોતિષનો અનૌરસ પુત્ર છે. નિર્દોષ આનંદ માટે જ્યોતિષ બહુ સરસ વિષય છે અને સાપ્તાહિક ભવિષ્ય એમાં ઉત્તમ છે ! 

તમે જો નિયમિત સાપ્તાહિક ભવિષ્ય વાંચવાના બંધાણી હો તો તમારે માટે થોડી સૂચનાઓ અને ભવિષ્યવાણી નીચે મુજબ છે:

"...પાડોશમાં પોપટ હોય તો સંભાળશો. ઑક્ટોબરમાં તમે પ્રાણીબાગમાં જાઓ એવા સંજોગો છે. આ જૂન સુધીમાં તમને ફક્ત બે જ સ્ત્રીઓ પ્રેમ કરે એવા યોગ છે. દિવાળી સમયે એક બંગાળી તમને વીમો ઉતરાવવા માટે ચેષ્ટાઓ કરશે પણ તમે એમાંથી છટકી જશો. પ્રથમ છ માસ તમને તમારા ટેલિફોન તરફથી કોઈ તકલીફ નહીં રહે. વરસાદના દિવસોમાં તમારી વર્ષો જૂની એક પ્રિયા તમને યાદ કરશે અને બેએક વાર ગુંડા મોકલશે, પણ તમારો સૂર્ય તપી રહ્યો છે. આપઘાત કરવા માટે આ અઠવાડિયું સારું નથી. રેસકોર્સમાં 'યુ' કે 'ડબલ્યુ' નામથી શરૂ થતા ઘોડા પર જુગાર રમવાથી ફાયદો થશે. જેના પિતાનું નામ મૂળજી કે હરિદાસ કે ચમન લાલ હોય એવા શખ્સથી દૂર રહેજો. જુલાઈમાં વાળ કપાવશો નહીં અને નવું ટી.વી. ખરીદશો નહીં. સપ્ટેમ્બરમાં પેન્ટ સિવડાવશો તો સીટમાંથી ટાઈટ થઈ જશે. આ વર્ષે અત્તરની શીશીઓ લેવી નહીં, અને લેશો તો ખોલતી વખતે એનાં બૂચ તૂટીને અંદર ચાલ્યાં જશે. આ વર્ષે પાંચ ફીટ સાડા ત્રણ ઈંચ ઊંચી એક સ્ત્રીથી તમને સંતાપ છે, પણ શિયાળામાં એને લગભગ પરણી જવાનો યોગ ઊભો થશે. વૃશ્ચિક રાશિમાં જન્મેલા એક જાડા બેંક મેનેજરથી બોલાચાલી થશે. તમને ટેબલ ટેનિસના બૉલની ઘાત છે માટે એનાથી સંભાળશો. આ વર્ષે તમારે એકંદરે સંતાનયોગ નથી."

અને હા, હું જ્યોતિષમાં માનતો નથી.

ક્લોઝ અપ:

ગ્રાહકોને વિનંતી છે કે વચ્ચે વચ્ચે એમણે સિલિંગના પંખાઓ તરફ તાકતા રહેવું, જ્યારે પંખાઓ ફરતા દેખાય (અમારા પંખાઓ ચાલતા નથી,) ત્યારે સમજવું કે હવે ઘેર જવાનો સમય થઈ ગયો છે.

[કલકત્તામાં એક શરાબના બારમાં લટકાવેલી સૂચના]

(પુસ્તક: અતિક્રમ)

No comments:

Post a Comment