April 13, 2013

આપણી પૃથ્વી : માણસને અહીં હજી દસ જ સેકંડ થઈ છે

અમે નાના હતા ત્યારે પણ ગુજરાતી પાઠ્યપુસ્તકો હતાં. પણ જાડા જાડા જૂના જૂના ગુજરાતી લેખકો પાઠ્યપુસ્તકોની સમિતિઓમાં જામી પડ્યા ન હતા અને જે વાર્તાઓ મોટો ભાઈ ભણતો હતો એ જ નાનો ભાઈ પણ ભણતો હતો. નાની નાની વાર્તાઓ દ્વારા મોટી મોટી વાતો કહેવાતી હતી. વિજ્ઞાન વિશે, ખગોળ કે ભૂગોળ વિશે, પૃથ્વી વિશે. હું ધારું છું મને સર્વપ્રથમ એ વાર્તા દ્વારા સમજ પડી હતી અને એ વાર્તા એક રમૂજી બાળવાર્તા હતી.

બે પાડોશીઓ લડી રહ્યા હતા અને એક ડાહ્યા માણસે વચ્ચે પડીને એમનો ઝઘડો મિટાવ્યો. ડાહ્યો માણસ સમજાવતો ગયો: અલ્યા, આ આકાશ તું જુએ છે ને એ બ્રહ્માંડ કહેવાય. એમાં જેટલા તારાઓ છે એટલી પૃથ્વીઓ છે. આપણી તો એક જ પૃથ્વી છે. એ પૃથ્વી પર પાંચ ખંડો, એમાં એક એશિયા, એ એશિયામાં ડઝનબંધ દેશો, એમાં એક હિન્દુસ્તાન, એમાં કેટલા પ્રાંતો. એમાં એક ગુજરાત, ગુજરાતમાં પાછા જિલ્લાઓ, એમાં એક આપણો. એમાં કેટલાં ગામો, એક આપણા ગામમાં ઘરો, એમાં એક તારું, ઘરમાં માણસો, એમાં એક તું. ભલા માણસ, શેની તારા માથામાં રાઈ ભરાઈ ગઈ છે? આ બ્રહ્માંડમાં તું તો ધૂળના એક કણ જેટલોય નથી. બંધ કર લડવાનું. બહુ થયું.

નાનપણ ગમ્મત સાથે જ્ઞાનના દિવસો છે. પછી જ્ઞાન આશ્ચર્ય અને જિજ્ઞાસાનો વિષય બની ગયું. હવે જ્ઞાનમાં ભયની નીલ છાંટ પણ ઊતરી આવી છે. આપણી પૃથ્વી આત્મહત્યા તરફ જઈ રહી છે. આ પૃથ્વી પર મનુષ્ય જીવન શું છે? માણસ કેટલા સમયથી છે. કાર્લ સાગાનની કોઝમોઝ નામની એક ટીવી શ્રેણી આ વિષયમાં અદભુત ગણાય છે. આવી જ બીજી શ્રેણી જેકબ બ્રોનોવ્સ્કીની ધ ઍસેન્ટ ઑફ મૅન હતી. ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંત હતો. ડિસન્ટ ઑફ મૅન (મનુષ્યનું અધોગમન, વાંદરામાંથી માણસનું) એટલે બ્રોનોવ્સ્કીએ એનાથી વિરોધી શીર્ષક પસંદ કર્યું: ઍસેન્ટ ઑફ મૅન અથવા મનુષ્યનું ઊર્ધ્વગમન. આદિમાનવમાંથી અદ્યતન માનવ થવાની ઊર્ધ્વક્રિયા. સામાન્ય રીતે, જગતભરમાં ટેલિવિઝન મહાન શ્રેણીઓ માટે મશહૂર નથી, પણ કાર્લ સાગાનની કોઝમોઝ વિજ્ઞાનની બાબતમાં અભૂતપૂર્વ ગણાય છે. 

આ બ્રહ્માંડમાં માણસ ક્યાં છે? કાર્લ સાગાન સમજાવે છે કે આ બ્રહ્માંડનો જન્મ 1 જાન્યુઆરીએ થયો હોય તો, અને આપણે 31 ડિસેમ્બર સુધીનું બ્રહ્માંડ-કૅલેન્ડર કલ્પીએ તો 31મી ડિસેમ્બરની છેલ્લી 10 સેકંડોમાં મનુષ્યજાતિનો બધો જ ઈતિહાસ આવી જાય. આ આખું દ્રશ્ય માથું ચકરાઈ જાય એવું ભયાનક છે. સમય અને સ્થળનો એક સમુદ્ર હતો, જેમાંથી આજની 1989ની સ્થિતિ સુધી આવતાં 15 બિલીયન વર્ષોની ઉત્ક્રાંતિએ ભાગ ભજવ્યો છે! આ એક વર્ષના કેલેન્ડરમાં માણસ તો 31મી ડિસેમ્બરની છેલ્લી થોડી સેકંડોથી જ છે. આજે 31મી ડિસેમ્બરની છેલ્લી સેકંડ છે એમ કલ્પીને જ આપણે વિચારીએ છીએ. કાર્લ સાગાનના કૅલેન્ડરમાં બ્રહ્માંડનો જન્મ 1 જાન્યુઆરીએ છે. આકાશગંગા મે માસમાં આવે છે. ગ્રહો જૂન-જુલાઈમાં પ્રગટ થાય છે. સૂર્ય સપ્ટેમ્બરમાં આવે છે. 31મી ડિસેમ્બરની રાત્રે 11 વાગીને 59 મિનિટે પ્રાણીઓ પાળવામાં આવે છે. છોડ ઊગી રહ્યા છે.

કાર્લ સાગાન વધારે વિશદતાથી સમજાવે છે: આ પૃથ્વી પર આપણાથી પહેલાં સ્ત્રીઓ અને પુરુષોની 40,000 પેઢીઓ જીવી ચૂકી છે. તારાઓ પૂર્વામાં જ ઊગ્યા છે અને પશ્ચિમમાં જ આથમ્યા છે. એમનું આવર્તન (મૂવમેન્ટ) એ જ રહ્યું છે. પ્લેનેટ (ગ્રહ) મૂળ ગ્રીક શબ્દ છે અને એનો અર્થ જ થાય છે: ફરનારો, ઘુમક્કડ રખડનારો. (આના સંદર્ભમાં એક રાજસ્થાની જિપ્સી લોકગીતની લીટીઓ યાદ આવી ગઈ: આઠ અઠન્તર નવલખ તારા, ઈસ ધરતી પર દો બનજારા! આ બે વણજારા એટલે સૂર્ય અને ચંદ્ર જે સદાય જિપ્સીઓની જેમ આકાશમાં સતત ઘૂમતા રહે છે.) પણ ગ્રહોના આવર્તન માર્ગો જુદા જુદા હોય છે.

મનુષ્ય જીવનનો ઈતિહાસ 31મી ડિસેમ્બરની થોડી અંતિમ સેકંડો જ છે. પણ વિજ્ઞાને આપણને આપણા પૂર્વજો વિશે માહિતી આપી છે. ચાર બિલિયન વર્ષો પહેલાં માત્ર એલ્જી (શેવાળ) હતી. પછી માઈક્રો-ઓરગેનિઝમ (અત્યંત મહીન જીવાણુઓ) પેદા થયા. પણ કાર્લ સાગાનનું માનવું છે કે માઈક્રોબમાં સર્વ પ્રથમ સેક્સની શોધ થાય છે. નર-અણુ અને માદા-અણુના સમાગમથી ઉત્પત્તિચક્ર ચાલતું રહે એ એક ગજબનાક પરિવર્તન હતું. 18મી ડિસેમ્બર આસપાસ સ્ક્વીડ (અળસિયાં જેવાં) નીકળે છે. પછી વર્ટેબ્રેટ્સ આવે છે (કરોડરજ્જુવાળા). 26મી ડિસેમ્બરે પવનનાં જંતુઓ, પાણી અને ધરતી બન્ને પર સરકી શકતા દ્વિસ્વભાવી જીવો, માછલીઓ જન્મે છે. ડિસેમ્બર 23 : સર્પવંશી જીવો જે પેટ પર સરકે છે. મનુષ્ય આ સર્પવંશીઓમાંથી નીકળ્યો છે એમ વૈજ્ઞાનિકો માને છે. 24મી ડિસેમ્બરે રાક્ષસી વિરાટકાય ડીનોસર્સ આવે છે જે 27 ડિસેમ્બર આસપાસ મરી જાય છે. ડીનોસર્સ મરે છે ત્યારે જ પ્રથમ ફૂલોનો પૃથ્વી પર જન્મ થાય છે. વચ્ચે ડિસેમ્બર26 અને 27 આરંભના સ્તન્ય (મેમલ્સ) પશુઓ અને પ્રથમ ઊડતાં પક્ષીઓ. આજે જે ડીનોસર્સનો વંશ પક્ષીઓ રૂપે આપણી પાસે રહી ગયો છે. આપણે માણસો તો આ એક વર્ષના કૅલેન્ડરમાં ફક્ત છેલ્લી 10 સેકંડથી જ છીએ.

માણસનો પૃથ્વી પર જન્મ એક વાત છે અને માણસના ઈતિહાસનો પૃથ્વી પર જન્મ એ બીજી વાત છે. પ્રાચીન ભારતીય, ચીની, મેસોપોટેમિયન, ગ્રીક, રોમન, ઈજિપ્શિયન, આ બધી સંસ્કૃતિઓ કેટલી જૂની છે? માત્ર પાંચ-સાત હજાર વર્ષ, બે હજાર વર્ષ, હજાર વર્ષ. ઈસ્લામ 1400 વર્ષ જૂનો છે. અમેરિકા 213 વર્ષ જૂનું છે. સોવિયેટ રશિયાનો સામ્યવાદ ફક્ત 70 વર્ષ જૂનો છે. ઈઝરાયલનું રાજ્ય 41 વર્ષ જૂનું છે. યહૂદી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે પણ મૂળ વાત એ છે કે મનુષ્યનો ઈતિહાસ ક્રમબદ્ધ શરૂ થાય એમાં કેટલાં વર્ષો? આપણા પહેલાંની મનુસઃયની ફક્ત 185 કે 186 પેઢી સુધીની જ આપણને ખબર છે. એ પહેલાં મનુષ્યની પ્રાગૈતિહાસિકમાં ભટકતું એક પશુ છે, પૃથ્વી પરનાં અન્ય પશુઓ જેવું.

પૃથ્વી પરનાં પશુઓમાં મનુષ્ય સૌથી ક્રૂર પશુ છે. આજે મનુષ્ય પાસે એક થર્મોન્યુક્લીયર બૉમ્બ છે જેની વિધ્વંસક શક્તિ એક મેગાટન છે. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બધા જ પક્ષોએ વાપરેલા બધા જ બૉમ્બ જેટલી વિનાશક શક્તિ આજે મનુષ્ય પાસે એક જ થર્મોન્યુક્લીઅર બૉમ્બમાં છે. અને હમણાં સોવિયેટ રશિયા અને અમેરિકા વચ્ચે થયેલી શાંતિસંધિ પહેલાં આ બન્ને મહાસત્તાઓ પાસે 60,000 ન્યુક્લીઅર વોરહેડ્ઝ હતાં.

31મી ડિસેમ્બરની છેલ્લી દસ સેકંડોમાં આવેલા મનુષ્યપ્રાણીએ પૂરા એક વર્ષ દરમિયાન પ્રકટેલી પૃથ્વી કરતાં વધારે શક્તિ પ્રાપ્ત કરી લીધી છે. અને વંશવિજ્ઞાનશાસ્ત્રીઓ એવું માને છે કે આ પૃથ્વી પર મનુષ્ય દસેક લાખ વર્ષથી છે. અંતરીક્ષમાં વિહરતા સૂર્યમંડળમાં ડઝનો પૃથ્વીઓ છે. પણ આપણી એક જ પૃથ્વી પર મનુષ્ય જીવન શક્ય બન્યું છે. જેટલા પ્રાણીવંશો આજે આપણે પૃથ્વી પર જોઈએ છીએ એનાથી કેટલાય વધારે અહીં જન્મીને નષ્ટ થઈ ચૂક્યા છે: અને એમનાં કોઈ નિશાન કે પાદચિહ્ન પણ રહ્યાં નથી. કેટલાક મ્યુટેશન (પારસ્પરિક સમાગમથી થતા ફેરફારો) દ્વારા ઓળખાય નહીં એટલા બદલાઈ ગયા છે. ઉત્ક્રાંતિથી સંક્રાંતિ સુધીની આ આખી જીવનકૂચ વૈજ્ઞાનિકો-વિદ્વાનો માટે એક ચૅલેન્જરૂપ બની ગઈ છે. સૌની પોતપોતાની કલ્પનાધારા છે, પણ કાલક્રમે એ કલ્પનાઓ સ્થિર વિચારધારાઓ બની ચૂકી છે. કયું પ્રાણી જીવ્યું છે અને કયું નથી જીવ્યું એ સમજાવવું જરા અઘરું છે. રાક્ષસી ડીનોસોર મરી ગયું. પણ લાખો વર્ષોથી કરચલા (ક્રૅબ) કે કેકડા (ટરટલ) હજી જીવે છે. ટકી રહેવાની, જીવતા રહેવાની ભાગીને બચી જવાની એક અદભુત શક્તિ આપણા વંદા કે તેલચટ્ટા કે કોકરોચમાં છે. એ પણ આ પૃથ્વી પર લાખો વર્ષોથી છે. ગમે તે સંજોગોમાં એ ટકી શકે છે અને એનો પ્રજનનદર વિપુલ છે. આ મિકૅનિઝમ ઑફ એવોલ્યુશન (ઉત્ક્રાંતિતંત્ર) અત્યંત રોમાંચક વિષય છે.

માણસ પૃથ્વી પર રહ્યો છે, પણ જ્યુપીટર પર શા માટે નથી? કારણ કે એ એટલો ગરમ ગ્રહ છે કે માણસ એ ગ્રહ પર ઊતરતાં ઊતરતાં જ શેકાઈ જાય. પૃથ્વીનું રચના તંત્ર એકબીજા પર અવલંબિત ઘટકોનું બનેલું છે. આજે આપણે ઈકોલૉજી શબ્દને ફૅશનેબલ બનાવી દીધો છે. પણ પૃથ્વી આત્મનિર્ભરતા પર નહીં પણ પરનિર્ભરતા પર ચાલે છે. આ પૃથ્વીના વાર્ષિક કૅલેન્ડરમાં 31 ડિસેમ્બરની રાત્રે 11-59 મિનિટે જ છોડ, વનસ્પતિ, વૃક્ષરાજી જન્મે છે. આપણે જે અર્થમાં વનસ્પતિ સમજીએ છીએ એ આ પૃથ્વી પર બહુ મોડી આવી છે. વૃક્ષો સૂર્યશક્તિને રિ-સાઈકલ કરનારાં ચક્રવત ફેરવનારાં, મહાશક્તિશાળી મશીનો છે. વનસ્પતિ અને પશુઓ એકબીજાની ફેંકી દીધેલી વસ્તુઓનો ઉપયોગ કરતાં રહે છે અને આ જબરદસ્ત પ્રયોગશાળા કે પાવરહાઉસ ચોવીસે કલાક સતત ચાલ્યા કરતું હોય છે. હાઈડ્રોજન ઑક્સિજનને ગળી ગયો છે અને હવે ઘણોખરો હાઈડ્રોજન અંતરીક્ષમાં ચાલ્યો ગયો છે. પૃથ્વી પર જીવાણુ પ્રકટી ચૂક્યાં છે અને આપણે સમજીએ છીએ કે જીવતા જીવ માટે, શ્વાસ લેતા જીવ માટે ઑક્સિજન કેટલો મહત્ત્વનો છે. માટે આપણે એને પ્રાણવાયુ નામ આપ્યું છે.

અને આ વિશ્વની બીજી એક વિરોધિતા છે: ઑક્સિજન. પર્યાવરણવાલાઓ ચક્કર ખાઈને પડી જશે જો સાંભળશે કે આ પૃથ્વી પર મનુષ્યજન્મ ત્યારે જ શક્ય બન્યો છે જ્યારે પ્રદૂષણે પૃથ્વીનો કબજો લઈ લીધો હતો. વિલિયમ એફ ઓલમેને પૃથ્વી પર મનુષ્યજન્મની વાત આ ઈકોલૉજીકલ ડિઝસ્ટર (પ્રદૂષણ દુર્ઘટના)ના પરિપ્રેક્ષ્યમાં સમજાવી છે. બે હજાર મિલિયન વર્ષો પહેલાં આ પૃથ્વી પરના આદિસમુદ્રોમાં સૂક્ષ્મતમ ઑર્ગેનિઝમ (જીવાણુઓ) રહેતાં હતાં. આ જીવાણુઓ એમના શરીરનું ઝેર એમના વાતાવરણમાં છોડતાં રહ્યાં. આ ટૉક્સિક વેસ્ટ (ઝેરી કચરો) એટલો બધો વધી ગયો કે એ જીવાણુઓ સ્વયં મરી ગયાં અને આપણા ગ્રહ પરની બીજી બધી જ જીવનપદ્ધત્તિઓ મરી ગઈ. એ ઝેરી કચરાને આજે આપણે ઑક્સિજનને નામે ઓળખીએ છીએ.

આજે પૃથ્વી પર માત્ર ઑક્સિજન જ નથી, પણ જીવી શકાય એ પ્રમાણમાં છે અને વૃક્ષો, પશુઓ, સૂર્ય, વરસાદનું એક ચક્ર ફરી રહ્યું છે જે મનુષ્ય જીવનને સહ્ય બનાવી રહ્યું છે. જીવન પનપી શકે છે. ફરીથી કાર્લ સાગાનને યાદ કરીએ: એ કહે છે કે વનસ્પતિએ પ્રકટાવેલો ઑક્સિજન પર્ણો આ પૃથ્વી પર ફૂંકતા રહે છે. ઑક્સિજન આપણા વિશ્વબંધુત્વનું પ્રતીક છે. કેવી રીતે? કાર્લ સાગાનનું વિધાન: દરેક શ્વાસ જે તમે લઈ રહ્યા છો એમાં એક બિલિયન મોલેક્યુલ્સ (પરમાણુ) છે જે આ પૃથ્વી પર મનુષ્યજન્મથી આજ સુધીના પચાસ બિલિયન મનુષ્યોનાં ફેફસાંમાં શ્વાસ દ્વારા ગયા હશે. ઉચ્છવાસ દ્વારા બહાર નીકળ્યા હશે. શ્વાસોચ્છવાસ નામની એક વસ્તુ આપણને દરેક ઐતિહાસિક પાત્ર, સ્વજનો, પૂર્વજો, દરેક જાતિ, દરેક રાષ્ટ્ર, દરેક યુગ સાથે જોડે છે. મનુષ્યજાતિના ઈતિહાસમાં શ્વાસોના આ અમર મહાસેતુ પર આપણે આ ક્ષણે ઊભા છીએ એ આપણું વ્યક્તિગત પરમ સૌભાગ્ય છે...

ક્લોઝ અપ:
अहमेवासमेवाग्रे   नान्यद्यत्सदसत्परम।
સૃષ્ટિની પહેલાં હું જ હતો, તે સમયે સત, અસત, એનું કારણ પ્રકૃતિ આદિ કંઈ જ ન હતું, સૃષ્ટિની ઉત્પત્તિ પછી હું જ છું. અને સૃષ્ટિનો અંત થતાં કંઈ બાકી રહે તે પણ હું જ છું.
(શ્રીમદ ભાગવત સ્કં. 2, અ. 9, શ્લોક 32) 

(સમકાલીન, જૂન 4, 1989)
(પુસ્તક: વિજ્ઞાન વિષે)

No comments:

Post a Comment