1. તમારે મન નવલિકા એટલે?
મારે મન નવલિકા એટલે સાહિત્યનું સૌથી સહેલું લાગતું અઘરું સ્વરૂપ, જેની છેલ્લા અઢાર વર્ષથી મને હજી 'વોટર-ટાઈટ' વ્યાખ્યા મળી નથી.
2. તમારી વાર્તાઓનું પ્રેરણાસ્થાન?
વેદના. વેદનાના મૂડ વિના મારા માટે સર્જન શક્ય નથી.
3. આજના ગુજરાતી સાહિત્યનાં વહેણ અને વળાંક તમને કઈ દિશાનાં લાગે છે?
હમણાં વાર્તાઓ દિશાશૂન્ય જ દેખાય છે; પણ એ કામચલાઉ લાગે છે. બાકી નવાઓ પાસે ઈમાનદારી છે, પરંતુ એના પ્રમાણમાં અનુભવ નથી. વર્ણનો, પાત્રાલેખન, કલાકારની પ્રતિબદ્ધતા વગેરેનાં ધોરણો ઊંચાં ગયાં છે; સાથે-સાથે ફાલતું કૃતિઓ એટલી જ વધી છે, જે સ્વાભાવિક છે.
4. તમારા જીવનનો અવિસ્મરણીય પ્રસંગ? - ખૂબ જ રમૂજી અને ખૂબ જ કરુણ.
6ઠ્ઠી જુલાઈ 1957, સવારે 10-30 વાગ્યે મુંબઈમાં રજિસ્ટ્રારની કૉર્ટમાં જ્યારે હું પાંચ મિનિટમાં, પાંચ રૂપિયામાં પરણ્યો હતો તે. એનાથી વધુ અવિસ્મરણીય, રમૂજી, કરુણ અને અલબત્ત સુખદ, પ્રસંગ હજી સુધી બન્યો નથી.
5. કુદરતનું કયું સ્થળ તમને વધારે ગમે છે?
બનારસ પાસેની ગંગા અને નેપાલમાં જામેલા લગભગ 27000 ફૂટ ઊંચાં હિમશૃંગોએ મને હલાવી નાખ્યો છે.
6. તમારી કઈ નવલિકા તમને વધુ ગમે છે અને શા માટે?
અંતિમ. અથવા હવે જે લખવાની છે તે. પણ મારી છેલ્લી એબ્સ્ટ્રેક્ટ નવલિકા 'ક્રમશ:' મને સવિશેષ ગમે છે. 38 વર્ષ પછી કલકત્તા હંમેશને માટે છોડવાના અનુભવ વિશે મારે લખવું હતું - કોંક્રિટ રાખવું હોત તો ત્રણસો પાનાં પણ ઓછાં પડત. એબ્સ્ટ્રેક્ટની ભાષામાં ત્રણ પાનાંમાં મારે કહેવાનું હું બહુ સંતોષકારક રીતે કહી શક્યો છું - બિલકુલ પ્રયત્ન વિના.
7. તમારું મોટાભાગનું લખાણ તમારી દુકાનના 'કાઉન્ટર' પર જ થયું છે એ ખરું? લખ્યા પછી એને ફરીથી મઠારો છો ખરા?
'જાતકકથા' સુધીનું મારું બધું જ લખાણ કાઉન્ટર પર જ લખાયું છે. લખ્યા પછી મેં કંઈ સુધાર્યું નથી. લખીને મારે મઠારવું પડશે તે દિવસે હું લખવું બંધ કરી દઈશ.
('કુમાર' - માર્ચ'70)
(પુસ્તક: આભંગ)
No comments:
Post a Comment