April 11, 2013

પત્ર - 2

આ વર્ષનાં સરકારી ઈનામોની જાહેરાતમાં મારી છઠ્ઠી નવલકથા 'પેરેલિસિસ' સરકારી ઈનામ નં.3ના પાછલા હિસ્સાને લાયક બની છે. મારી અઢાર વર્ષની સાહિત્યિક કારકિર્દીમાં સરકારી નજરો મારા તરફ ઈનાયત થવાનો, મને પુરસ્કૃત કરવાનો, મારી કદરદાનીનો આ પ્રથમ પ્રસંગ છે.

એક મિત્રે મજાકિયા લહજામાં કહ્યું કે 'પેરેલિસિસ'ને વૈદિક સંબંધી કે આરોગ્યવિષયક કૃતિ માનીને આ અડધું ઈનામ તને ભૂલથી અપાઈ ગયું લાગે છે. બીજાએ કહ્યું, 'પેરેલિસિસ'ને બાળસાહિત્યમાં પુરસ્કૃત કર્યું નથી એ સરકારની વ્યવસ્થા અને ચોકસાઈ બતાવે છે. ત્રીજાએ અભિનયથી વજનદાર સ્વરે કહ્યું, 'માય હાર્ટ ફેલ્ટ કન્ડોલન્સીસ!...' 

મજાકોની નાર મારે એક વક્તવ્ય આપવાનું છે, 'પુરસ્કાર વિજેતા' (!) તરીકે.

'પેરેલિસિસ' મારી છઠ્ઠી નવલકથા છે. ગુજરાતીમાંથી મરાઠીમાં શ્રી મોહન વેલહાલે અનુવાદ કરી છે. મરાઠીમાં એ ગયે વર્ષે આવી ગઈ છે. આ વર્ષે શ્રી રમેશ કોટકનો હિન્દી અનુવાદ છપાઈ રહ્યો છે, બે-ત્રણ માસમાં એ હિન્દીમાં પ્રકટ થશે. કન્નડમાં શ્રી સીતારામ પરારી એનો અનુવાદ શરૂ કરશે. અંગ્રેજીમાં મારો પોતાનો ભાવાનુવાદ વિદેશમાં છપાવાની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ.નાં અભ્યાસક્રમમાં એ સ્વીકૃત થઈ ચૂકી છે. આટલી સંબદ્ધ હકીકતો. 

પાંચ-સાત વર્ષોથી હું સરકારી વ્યવસ્થા વિશે લખવા વિચાર કરું છું. પણ એની એક ટેકનિકલ રૂકાવટ હતી - મને જ્યાં સુધી ઈનામ મળ્યું ન હતું ત્યાં સુધી મારા પ્રત્યેક વિરોધને એક પ્રશ્નનો ઉત્તર આપવાનો રહેતો હતો. બક્ષીને સરકારી ઈનામ મળ્યું નથી માટે બક્ષી વિરોધ કરે છે? મારામાં વિશ્વાસ રાખનારા મારા મિત્રો સમજતા હતા કે મારો વિરોધ અથવા વિદ્રોહ કોની સામે અને શા માટે હતો. પણ ઈનામ મળી જવાથી મને એક બુલન્દ કારણ મળ્યું છે. મજબૂતીથી ઊભો રહીને હું મારા વિચારો પ્રકટ કરી શકું છું, 'બક્ષીને ઈનામ મળતું નથી માટે...'વાળો આરોપ હવે મારે માટે નાપાયાદાર બની જાય છે. કોઈકની ગફલતને કારણે ઈનામનો એક ટુકડો છટકીને મારી તરફ આવી ગયો છે અને એ મારા હાથમાં હથિયાર બની ગયો છે. પણ 'બાંગે-દરા' પોકારતા પહેલાં...થોડી સ્પષ્ટતા. 

આ તક આપવા માટે મારે હાર્દિક આભાર માનવાનો છે એક વ્યક્તિનો. મારા સાચા અર્થમાં હિતેચ્છુ અને પરમ મિત્ર તથા પ્રકાશક શ્રી નાયકનો, જેમની પ્રકાશન સંસ્થા મારાં પુસ્તકો પ્રકટ કરે છે. નાનુભાઈના પ્રેમાગ્રહને કારણે 'પેરેલિસિસ' સ્પર્ધા (!)માં મુકાયું અને એને ઈનામનો અકસ્માત થઈ ગયો: 'સ્પર્ધા'માં મૂકતાં પહેલાં લેખકે અનુમતિ આપવી જોઈએ, મેં આપી હતી. નૈતિક દ્રષ્ટિએ મારે આંખો ઝપકાવીને, ગર્દન ઝુકાવીને અડધા પુરસ્કારના રૂપિયા (જે હું ધારું છું, કૅશ નહિ પણ સરકારી કાગળિયામાં અપાય છે) સ્વીકારી લેવા જોઈએ - હું જેને ગેરરીતિઓ સમજું છું એ પ્રત્યે ઉદાસીન થઈને પણ રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે, ભવિષ્યમાં ઘણા વધારે રૂપિયાનો ફાયદો થવાનો માર્ગ ખૂલી રહ્યો છે, બૂઢાઓના 'બ્લેક લિસ્ટ' પરથી સરકીને... 

પણ મારે માટે ઈનામ સ્વીકારવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી, એ બસોનું હોય યા બારસોનું હોય. હું ચંદ્રકાન્ત બક્ષી, એક ગુજરાતી કથાકાર અને કલાકાર, પ્રત્યેક દકિયાનૂસી, સિફારિશી, દંભી, બદદાનત, ના-લાયક દ્રષ્ટિ કે સૂઝથી પર જર્જરિત, સુવિધાવાદી વહેંતિયાઓની બનેલી પારિતોષિક વિતરક સમિતિ અથવા સમિતિઓનો વિરોધ કરતો રહ્યો છું અને કરતો રહીશ. પ્રશ્ન નૈતિક સ્વીકારનો નથી, પ્રશ્ન કલાકારની ઉદ્દંડતાનો છે. પ્રશ્ન વ્યાવહારિક દુનિયાદારી કે હિસાબી સમજદારીનો નથી, પ્રશ્ન આંખમાં પસીનો અને પેશાબમાં આગ ઝરતા કલાકારની ખુદ્દારીનો છે. પ્રશ્ન બારસો રૂપરડીમાં ઈમાનથી સ્વમાન સુધીનાં મારાં બધાં જ અભિમાનો ખરીદવા નીકળી પડેલી ગુજરાતી સરકારનો નથી, પ્રશ્ન - ગઈકાલના ગુજરાતી સાહિત્યની માટીમાં ખાતર બનીને નામશેષ થઈ ગયેલા, આ અને આવતી કાલના ગુજરાતી સાહિત્યના ફલક પર પોતાની રાખના ધબ્બાઓ મૂકી જનારાઓનો છે. અને પ્રશ્ન નકાબી, ખુશામતખોર, જડ 'સાહિત્યના ગમારો' (રશિયન કથાકાર સોલ્ઝેનિત્સીનના શબ્દોમાં)ને પર્દાફાશ કરવાનો છે. કોઈએ એ કામ કરવું પડશે. કોઈએ 'બાગેદરાં' પોકારવું પડશે. કોઈએ - 'બડા મઝા હો, તમામ ચેહરે અગર કોઈ બે-નકાબ કર દે' અમલમાં મૂકવું પડશે. પણ શા માટે એ 'કોઈ' હંમેશાં ચંદ્રકાન્ત બક્ષી જ હોય છે?... 

નમ્રતાનો દુર્ગુણ કેળવી શકાયો નથી એટલે હું દંભના પાપમાંથી મુક્ત થઈ જાઉં છું. ઈનામનો અસ્વીકાર કરવાથી, આ વર્ષે પૈસા બચાવવા નીકળેલી ગુજરાત સરકારના અમદાવાદિયામાં હું કંઈક વિચિત્ર અનિચ્છાએ સહાયક થઈ રહ્યો છું. આવી રહેલા પૈસા અને માન-અકરામનો ઈન્કાર કરવો એ સરાસર અ-ગુજરાતી લક્ષણ છે, થોડી મૂર્ખતા પણ છે. ઉદ્દંડતા તો છે જે પણ એ મૂર્ખ ઉદ્દંડતા પ્રામાણિક કલાકારની છે. કારણ કે એની ગર્દન હજી ફૂલોના હારો પહેરી પહેરીને જાડી થઈ ગઈ નથી, કારણ કે એ બૂઢા કોંગ્રેસી આખલાની સડેલી ખૂંધ પર બેસીને બગાઈઓ ચણી ખાતા કાગડાઓ જેવી મિની-લેખકોની જમાતમાંનો એક નથી, કારણ કે એ બા-અદબ, બા-કાયદા કુર્નિશ બજાવવાનું શીખી શક્યો નથી, કારણ કે એના દિમાગમાં આયોજિત વ્યવસ્થાઓની સામે હજી નિષ્કલુષ પ્રશ્નો ઊઠી શકે છે. હું માનું છું કે જ્યારે હું મારા સાહિત્યનું લિલામ કરવા લાગીશ ત્યારે હું તો જીવી શકીશ, પણ મારું સાહિત્ય મરી જશે. હું જ્યારે મારા સાહિત્ય માટે મરી શકીશ, ત્યારે મારું સાહિત્ય જીવશે. વર્ષોથી હું આ તદ્દન સરળ ફોર્મ્યુલામાં માનતો આવ્યો છું. માટે જ રેડિયો-લાયસન્સની જેમ દર વર્ષે ઈનામો રીન્યુ કરી આપનારી આ વાર્ષિક ગોઠવણનું મૂલ્ય મારે માટે ગટરમાં જામી ગયેલી ગંદકીથી વિશેષ નથી- 

પણ આ પ્રશ્ન મારો એકલાનો વ્યક્તિગત પ્રશ્ન નથી. અમદાવાદમાં ભટકતા મધુ રાયનો આ પ્રશ્ન છે, બરોડામાં વ્યવસ્થિત રીતે પીસવામાં આવતા સુરેશ જોષીનો આ પ્રશ્ન છે, ભઠિયાર ગલીમાં કારસ્તાની લેબલો લગાવવામાં આવેલા લાભશંકર ઠાકર અને આદિલ મન્સૂરીનો આ પ્રશ્ન છે, કદાચ અપવાદરૂપ કોઈ કોઈ વખત સરકારી કૃપાદ્રષ્ટિનો ભોગ બનેલા કેટલાય હમખયાલ લેખકોનો પ્રશ્ન છે, આવતીકાલના સુધીર દલાલ અને કિશોર જાદવનો આ પ્રશ્ન થશે, સાહિત્યના કેટલાય પ્રામાણિક કલાકારોને... અને ચિત્રકલા અને નાટકો અને... કેટકેટલી દુનિયાઓના પ્રામાણિક કલાજીવી સ્ત્રી-પુરુષોને સ્પર્શતો ધ્રુવપ્રશ્ન છે. 'એસ્ટાબ્લિશમેન્ટ'ની પકડ. ગોઠવણો આયોજન પ્રામાણિક કલાકારોની વ્યવસ્થિત ઉપેક્ષા અને હજૂરિયાંઓ માટેનાં સાલિયાણાં. પાપના દરેક સાઝેદારનું મોંઢું પેટમાં મુક્કો મારીને જ ફડાવવું પડશે?

ઈનામો શા માટે અપાય છે? કમિટીઓ કોણ નીમતું હોય છે? એમાં કોણ કોણ હોય છે? એમની સાહિત્યિક યોગ્યતા કેટલી? ઈનામોથી ગુણવત્તાનાં કયાં ધોરણો સ્થપાય છે? નિર્ણાયકોના, ઉચ્ચતા માટેના કયાં માપદંડો છે? સમસામયિક સાહિત્યિક પ્રવાહોની કંઈ ગતાગમ? કોઈ એમેટર ષડયંત્રની જેમ આ બધું આટલી હાસ્યાસ્પદ ચોરીછુપીથી શા માટે થાય છે? યુનિવર્સિટીનાં પાઠ્યપુસ્તકોથી શરૂ કરીને, વાર્ષિક માન અકરામ સુધીની સરકારી કદરદાનીની દુનિયામાં ભાઈ-ભત્રીજાવાદ કઈ હદ સુધી પ્રવેશી ચૂક્યો છે? 

પ્રજાના પૈસા છે. દરેક શિક્ષિત પ્રજાજન લોકશાહીમાં અનાયાસે કમિટીનો ચોથો પ્રતિનિધિ બની જતો હોય છે. અને સરકારી ઈનામો યુરોપીય મધ્યયુગમાં સરેઆમ વેચાતાં ઈન્ડલજન્સીઝ નથી જ. ખેરાત પણ નથી. ભિક્ષા પણ નથી. 

ઈનામો આપવાની પ્રથાના આરંભથી આજ સુધી એવા કેટલા લેખકો છે જેમને એકથી વધુ વખત ઈનામો આપવામાં આવ્યાં છે? અને પાંચથી વધુ વખત? કુલ કેટલા રૂપિયા આ લેખકોને આટલાં વર્ષોમાં આપવામાં આવ્યા છે? કોણ પ્રકટ કરશે આ બધી માહિતી? માહિતી મેળવવા માટે ગુજરાત એસેમ્બલીની ફર્શ પર વિરોધપક્ષના કોઈ ધારાસભ્યે ઊભા થઈને પ્રતિપ્રશ્નો પૂછવા પડશે? 

ભારતમાં ટોળાશાહી નથી. પ્રજાશાહી છે. માટે જ આ પ્રશ્નો પુછાઈ રહ્યા છે. તંત્રશાહી - અમલદારશાહી-ભાઈભત્રીજાવાદશાહીઓએ સમજવું પડશે કે મોંઢું બંધ રાખવાથી, અનુત્તર રહેવાથી તમે તમારો ગુનો કબૂલ કરી રહ્યા છો. ઈશુનું 1969નું વર્ષ ચાલી રહ્યું છે. ભારતની હવામાં, જેમની આંખોના કિનારા સુર્ખ થઈ રહ્યા છે એવી એક નવી પેઢીનો મિજાજ ધબકી રહ્યો છે. કાન બંધ કરીને બેઠેલા ખુરશીધીશોએ સમજવું પડશે કે એમની પાસે ફક્ત લગામ જ રહી ગઈ છે, ચાબુક પ્રજા પાસે આવી ગયો છે.

અને ઈનામો વહેંચી આપવાની આ પ્રથા, આ પદ્ધત્તિ, આ ગોઠવણ શરૂ કર્યા પછી ગુજરાતી સાહિત્યનાં ધોરણોમાં કેટલી પ્રગતિ થઈ છે? જે કંઈ પ્રગતિ થઈ છે એમાં આ પૂર્વવ્યવસ્થામાં સંડોવાયેલાઓનું યોગદાન કેટલું? ગુજરાતી સાહિત્યનું નામ કદાચ રોશન છે તો એ કોને લીધે છે? એમાં પાળેલા લેખકડાંઓનું પ્રદાન કેટલું? 

નિર્ણાયકોએ નિર્ણય લઈ લીધા પછી ઉપરથી દોરીસંચાર થવાથી નિર્ણયો બદલવામાં આવ્યા છે? પહેલા અને ત્રીજા ઈનામને લાયક કૃતિ ન મળ્યાં છતાં બીજા જ ઈનામને લાયક કૃતિ મળી રહે એ કયા કોષ્ટકને આભારી છે? 

પ્રશ્નોનો અંત નથી. આ અને આવા કેટલાય પ્રશ્નોના ઉત્તરો કોણ આપશે? વિદ્વત્તા અને અંતર્દ્રષ્ટિનો સુમેળ સાધીને આધુનિક સાહિત્યપ્રવાહો સાથે ચાલનારા વિચારકો કે ગુજરાતની શિક્ષિત પ્રજાને અભિપ્રાયહીન ઢોર સમજનારાં, પોતાની અલ્પબુદ્ધિથી શિક્ષિતાની અભિરૂચિ માપનારાં, દિશાસૂઝ કે સમયભાન વિનાના બે મોઢાંવાળાં અળસિયાં? 

કે પછી આ બધું જ મિથ્યા છે? આપણે જન્મથી જ એક એવી નિર્જીવ, નાન્યેતર પ્રજા અને ભાષા સાથે સંકળાયેલા છીએ કે આપણે દંભ ટપકતી વ્યવહારકુશળતાના બંધારણમાં બધું જ સહ્ય બની જાય છે? અને ભૂખડી-બારશ વૃદ્ધોની એક પુરાણી પેઢી હણહણ્યા જ કરશે? અને સરકારી તોતા-પોપટોની એક નવી પઢાવેલી પેઢી ચહચહાયા જ કરશે? 

હું એવું નથી માનતો. 

મારી સાથેનો ગુજરાતી સરકારની આત્મીયતાનો સંબંધ બહુ થોડા દિવસોનો છે. ગયે વર્ષે મારી વાર્તા 'કુત્તી' માટે તંત્રશાહી બહુ ઉત્સાહથી મને કૉર્ટમાં ખેંચીને લઈ જવા તૈયાર થઈ ગઈ હતી. આ વર્ષે પૂર્વવિચાર કરીને ત્રીજા ઈનામનો છેલ્લો ટુકડો ફેંકવામાં આવ્યો છે. મારા મૂલ્યાંકનની ફેશનમાં ઝેરી રમૂજનું તત્ત્વ ઉતરી રહ્યું છે - 

પણ મને વિશ્વાસ છે, કોઈક દિવસ આપણું ગુજરાતી પારિતોષિક, વિદેશોનાં પારિતોષિકોની સાથે સંકળાયેલી છે એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે જ. સ્વભાવે હું આશાવાદી છું. કોઈક દિવસ મને પણ ઈનામ મળશે. હું સહર્ષ સ્વીકારી લઈશ. સરકારી કમિટીઓની દયાનતદારી અને લાયકાત વિશે પૂછવાયોગ્ય પ્રશ્નો મારી પાસે નહિ રહ્યા હોય. 

કદાચ, ત્યાં સુધીમાં મારી રાખનો ડાઘ પણ ગુજરાતી સાહિત્ય પરથી ભૂંસાઈ ગયો હશે. ખેર, એની ચિંતા નથી. 

પણ બહરહાલ...??? 

(ચાંદની - 1969) 
(પુસ્તક: આભંગ)

No comments:

Post a Comment