April 11, 2013

તાજમહાલની નીચે ખજાનો છે?

હિન્દુસ્તાનના સોનાએ સદીઓથી યોદ્ધાઓ, સોદાગરો, આક્રમકો અને સ્મગલરોને આ દેશ તરફ આકર્ષ્યા છે. અઢી હજાર વર્ષ પહેલાં ગ્રીક નાટ્યકાર સોફોક્લેસના 'એન્ટીગની' નાટકમાં એક પાત્ર 'ભારતના વિપુલ સુવર્ણ'નો ઉલ્લેખ કરે છે. ઈતિહાસકાર હીરોડોટસ 'હિન્દુશ' વિશે વર્ણન કરતાં લખે છે કે, સામ્રાજ્યની બીજી કોઈપણ પ્રજા કરતાં ભારતીયો સૌથી વધુ સોનું મોકલતા હતા - સુવર્ણ ભસ્મની 360 ટેલન્ટો પર્સીપોલિશમાં મોકલાતી હતી.

હિન્દુસ્તાનીઓને સોનું હંમેશાં પ્રિય રહ્યું છે જેનાં ઘણાં કારણો છે. અહીં સ્ત્રીને સંપત્તિ અધિકારો બહુ જ ઓછા હતા માટે સોનું આર્થિક સલામતી આપતું. દેશમાં અંધાધૂંધી વારંવાર આવતી ત્યારે દરેક વિજેતા જૂના રાજાનું ચલણ બંધ કરાવીને પોતાનું ચલણ ચલાવતો. આવા સમયે દાટેલું સોનું જ સાચું ચલણ બની જતું. પરિણામે સોનું-ચાંદી આ દેશમાં સેંકડો વર્ષોથી દાટતા રહેવાનો રિવાજ પડી ગયો. 

જયગઢના ગુપ્ત ખજાનાની વાતે એક નવી હવા ફેલાવી છે. રાજસ્થાનના કિલ્લાઓની સુરંગો, નક્શાઓ, ફરમાનો, જૂની કિંવદંતીઓ આ બધા વિશે અભ્યાસીઓ હવે ધ્યાનથી તપાસ કરી રહ્યા છે. કહેવાય છે કે મહમ્મદ ગઝની પુનાગર ભાકરી નામક સ્થાન પાસે એક સુરંગમાં લૂંટના માલનો એક અંશ મૂકીને ભાગ્યો હતો. બીજી વાત ફિરોઝશાહ ખિલજીના ખજાનાની છે. સાડા પાંચસો ખચ્ચરો પર લદાઈને એનો ખજાનો મુલ્તાન જઈ રહ્યો હતો અને માર્ગમાં જેસલમેરના મૂળરાજ રતનસીએ લૂંટી લીધો. આ ખજાનો ક્યાં ગયો? જાત-જાતની વાતો દરેક યુગે વહે છે. ઈસ્ટ ઈંડિયા કંપનીના સમયમાં કહેવાય છે કે, ત્રણ જહાજ ભરીને સોનું ઈંગ્લંડ જતું હતું અને માર્ગમાં તોફાનને કારણે આ ત્રણે જહાજો ભારતના પૂર્વ કિનારા પાસે ક્યાંક ડૂબી ગયાં. એ જહાજો લક્ષ્યસ્થાન પર પહોંચ્યા જ નથી.

પણ સૌથી રહસ્યમય આશ્ચર્ય છે શાહજહાંના ખજાનાનું, શાહજહાંએ કરોડોની ઈમારતો બનાવી, મયૂરાસન અને મહેલો બનાવ્યા. એ સમયે એક અફવા એવી હતી કે શાહજહાંએ ખજાનાનું બધું જ સોનું અને ચાંદી ગળાવીને બે ટેકરા બનાવેલા અને આ બે ટેકરા બે ગુફાઓમાં રાખેલા. કોઈ ચોરી ન જાય એ માટે આ ગુફાઓના બે તદ્દન નાના દરવાજા કરેલા અને એ હંમેશાં આ ગુફાઓના સ્થાન પર દ્રષ્ટિ રહે એ રીતે રહેતા. જે માણસે આટલું ધન વાપર્યું, જે માણસ કહેવાય છે કે રત્નોમાં તોળાતો એ માણસ પાસે અઢળક સોનું-ચાંદી હશે એ સ્વાભાવિક છે. જો આટલું બધું એ બહાર બતાવી શકે તો એની પાસે ગુપ્ત કેટલું હશે? સોના અને ચાંદીના આ બે ટેકરાઓનું શું થયું? નાદિરશાહે દિલ્હીની લૂંટ વખતે કહેવાય છે કે કિલ્લાના માણસો પર સિતમ ગુજાર્યો, ક્યાંક ક્યાંક ખોદકામ પણ કર્યું, પણ એ મળ્યું નહીં અને છતાં પણ નાદિર ગયો ત્યારે સિત્તેર કરોડના સોનાં-ચાંદી-ઝવેરાત લઈ ગયો હતો - બીજું પણ ઘણું લઈ ગયો હતો.

શાહજહાંને પદભ્રષ્ટ કરીને ઔરંગઝેબ ગાદીએ બેઠો પછી શાહજહાંને ગિરફ્તાર કરવામાં આવ્યો. આગરાના લાલ કિલ્લામાં શાહજહાં એક કમરામાં બંદી તરીકે આઠ વર્ષ રહ્યો, જ્યાંથી તાજમહાલ સ્પષ્ટ જોઈ શકાતો હતો, રોશનઆરા જાસૂસો દ્વારા ઔરંગઝેબને સમાચારો પહોંચાડતી. આ આઠ વર્ષના ગાળામાં બાપ-બેટો દિલ્હી અને આગરા જેટલાં પાસે રહેવા છતાં મળતા નહીં. શાહજહાં પોતાના જીવનમાં ચોવીસ વર્ષ સુધી કોઈપણ મોટી લડાઈમાં સંડોવાયા વિના રહી શક્યો હતો. પરિણામે ખજાનો છલકાઈ ગયો હતો. ઔરંગઝેબ આખી જિંદગી લડતો રહ્યો. યુદ્ધ અને અર્થતંત્રના આયોજનના એના અજ્ઞાનને કારણે એ જ્યારે મર્યો ત્યારે શાહી તિજોરીમાં માત્ર તેર લાખ જ રૂપિયા હતા ! શાહજહાંએ 470 કિલો સોનું વાપર્યું હતું એનો ઔરંગઝેબને વસવસો હતો. તો પછી સોના અને ચાંદીના ટેકરાઓવાળી ગુફાઓ ક્યાં હોઈ શકે? તાજમહાલની નીચે અથવા આસપાસ ક્યાંક ભૂગર્ભમાં? શાહજહાંની હંમેશા નજર રહે એવા કયા સ્થાને?

લાલ કિલ્લામાં શાહજહાંને બંદી બનાવ્યા પછી ફરતી ખાઈના ઔરંગઝેબે બે ભાગ કરી નાખ્યા. એક ખાઈ એણે પાણીથી ભરી નાખી કે જેથી શાહજહાં ભાગી ન શકે. બાકીના અડધા ભાગમાં રાત્રે ભૂખ્યો સિંહ છોડી મૂકવામાં આવતો, જેથી કદાચ પાણીમાં તરીને પણ ભાગે તો ભૂખ્યો સિંહ ખતમ કરી નાંખે. પાણીની સપાટી કરતાં આ કમરાની સપાટી ઘણી ઊંચી છે.

આ ખજાનો તાજમહાલની નીચે હોવાનો સંભવ છે એ તર્કના પક્ષમાં કેટલાંક કારણો રજૂ કરી શકાય છે:

તાજમહાલની જમીન મૂળ રાજા માનસિંહની હતી. એ માનસિંહના વંશજો પાસેથી એકાએક લેવામાં આવી હતી. કહે છે, ત્યાં રાજા માનસિંહનો મહેલ પણ હતો અને આસપાસ એક મોટો બગીચો હતો જેમાં ફુવારા હતા. આઈને-અકબરીમાં અબુલ ફઝલ લખે છે કે આ જમીન માનસિંહની હતી.

તાજમહાલની જમીન અને મકાનો શા માટે શાહજહાંએ એકાએક લઈ લીધાં? તાજમહાલના બનાવનાર વિશેનું રહસ્ય હજીપણ ઉકેલાયું નથી. તાજમહાલ શાહજહાં પહેલાં પણ હતો? બાબરે લખ્યું છે કે એ તાજમહાલમાં રહ્યો હતો - મતલબ કે મુમતાઝના મૃત્યુના સો વર્ષ પૂર્વે પણ તાજમહાલ હતો! શાહજહાનાં બાદશાહનામામાં ઉલ્લેખ છે કે એની પત્નીના દફન માટે એક હિન્દુ મહલ લેવામાં આવ્યો હતો. ઈતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ લખે છે કે બાબરનું મૃત્યુ તાજમહાલમાં થયું હતું. એક હિન્દુ મહેલની બહારની દીવાલો પર કુરાનની આયાતો ખોદવામાં આવતી હતી. એવો ફ્રેંચ પ્રવાસી ટ્રેવર્નીઅરનો ઉલ્લેખ છે.

તાજમહાલ બનાવનારાઓનાં અડધો ડઝન નામો છે: વેનિસનો વેરોનીઓ, શિરાઝનો ઉસ્તાદ ઈસા, ઓસ્તીન દ' બોર્દો નામનો એક ફ્રેંચ, કંદહારનો મહમદ હનીફ, અહમદખાન લાહોરી નામનો એક ઈરાની - આ બધામાંથી કોણ હતો એ વિશે કોઈ જ ચોક્કસ માહિતી નથી. ખરેખર કોઈ હિન્દુ મહેલમાંથી ફેરફાર કરીને તાજમહાલ બનાવવામાં આવ્યો હતો? તો આટલું ઝપાટાબંધ કરવાનું કોઈ કારણ?

તાજમહાલની પાછળ એક હિન્દુ ઘાટ છે, જ્યાં હોડીઓ આવતી હતી. આસપાસ ત્રણસોથી ચારસો કમરાઓ છે જે કોઈપણ કબર પાસે હોવા જરૂરી નથી. એક નક્કારખાનું પણ છે. જ્યાં નગારા વાગે. ઈસ્લામમાં ધાર્મિક સ્થળોએ સંગીતની મનાઈ છે. તાજમહાલનો દરવાજો દક્ષિણ તરફ છે, મુસ્લિમ ઈમારતોના દરવાજા પશ્ચિમ તરફ - મક્કા તરફ સામાન્યત: હોય છે. તાજની ટોચ પર ત્રિશૂળ છે, ઉપર ઊર્ધ્વ કમળનો આકાર છે. કનિંગહામના કથન પ્રમાણે એક મોટો ઘુમ્મટ અને ચાર નાના, એ પંચ મહાભૂતની નિશાની છે. રાજપૂત છત્રીઓ છે, બ્રેકેટની ડિઝાઈનો હિન્દુ છે. જેમાં ઘોડાનાં માથાં છે અને ચારે મિનારાઓ પર આવા ત્રણ ત્રણ બ્રેકેટ છે.

તાજમહાલના બનાવનારા વિશે સ્પષ્ટ ઉલ્લેખ તત્કાલીન લેખનમાંથી મળતો નથી. એના સ્થાપત્યના હિન્દુ લક્ષણો બહુ જ સ્પષ્ટ છે. તાજમહાલ ક્યાંક ઝપાટાબંધ બની ગયો એવો અહેસાસ થયા કરે છે. શાહજહાનાં પહેલાં પણ એ હતો.

ખજાનો સંતાડવા માટે આ સ્થાનની ઉપયોગિતા કેટલી?

મુમતાઝનો દેહાંત દક્ષિણના બુરહાનપુરમાં ચૌદમા પ્રસવ વખતે થયો હતો. મુમતાઝનું મૃત્યુ 39 વર્ષે થયું, ત્યારે એ છ પુત્રીઓ અને આઠ પુત્રો એમ ચૌદ સંતાનોને જન્મ આપી ચૂકી હતી! એનું શરીર દક્ષિણમાં દાટવામાં આવ્યું. પછી એ કબર ખોદીને શરીરના અંશોને ફરીથી તાજમહાલમાં દાટવામાં આવ્યા, ઈસ્લામમાં એકવાર દફન થયેલું શરીર ફરીથી દફનાવવું અધાર્મિક ગણાય છે. હુમાયુ એના પિતા બાબરનું શરીર દફન માટે કાબુલ લઈ ગયો હતો, કારણ કે બાબરની એવી ઈચ્છા હતી. અકબરે પોતે જ પોતાના મકબરાની જગ્યા પસંદ કરેલી. આગ્રામાં સિકંદર લોદીના બહિશ્તાબાદ મહેલમાં, જે આજે સિકંદરા નામથી ઓળખાય છે. જહાંગીરે પણ પોતાની કબરની જગ્યા લાહોરના શાહદરાબાગમાં પસંદ કરેલી, મુગલોમાં આ રિવાજ હતો. ક્યારેક દુશ્મનનું શરીર ખોદીને ફરી દફન કરવામાં આવતું હતું. (દારાનું માથું હુમાયુના મકબરામાં મોકલવામાં આવ્યું હતું) પણ મુમતાઝની બાબતમાં આ જરૂરી ન હતું અને મહત્વની વાત, આટલા મકાનો બંધાવનાર શાહજહાંએ પોતાનો જ મકબરો કેમ ન બનાવ્યો?

શાહજહાંને તાજમહાલમાં મુમતાઝની બાજુમાં દફનાવવામાં આવ્યો છે. મુમતાઝની કબર કમરાની બિલકુલ વચ્ચોવચ્ચ છે. શાહજહાંની એની બાજુમાં છે અને પાછળથી કરવામાં આવી છે. જો પહેલેથી જ ત્યાં દફન થવાની શાહજહાંની યોજના હોત તો મુમતાઝ અને શાહજહાં બંનેની કબરો બિલકુલ વચ્ચે આવે એવું આયોજન થાત. ભૂમિતિના સિદ્ધાંત પ્રમાણે આનાથી કબરોનું ફોર્મ તૂટી જાય છે. એક કાળો તાજમહાલ બનાવવાની પણ શાહજહાંની ઈચ્છા હતી અને થોડું કામ થયું હતું.

મકબરો અથવા રોઝો એક એવું સ્થાન હતું કે ભવિષ્યમાં કોઈપણ આક્રમક એના પર નજર બગાડે નહીં અથવા તોડે કે ખોદે નહીં. તાજમહાલનો વિસ્તાર બહુ મોટો હોવાથી એમાં સંતાડવું સરળ પડે.

માનસિંહના પુત્ર જયસિંહ પાસેથી આ બગીચો શાહજહાંએ લઈ લીધો હતો. એ વખતે એમાં ફુવારા હતા. તાજમહાલના અત્યારના ફુવારા ચાલતા નથી, તાંબાના ફુવારાઓની એક આખી બીજી લાઈન મળી આવી છે. અકસ્માત જ આ મળ્યું છે. મુગલ સ્થાપત્યમાં ફુવારા સૌથી પહેલાં જહાંગીરે એના સસરા ઈત્મુદ્દૌલાના મકબરામાં વાપર્યા છે જે અત્યંત અ-કલામય છે. અકબરે હુમાયુના મકબરામાં ફુવારા વાપર્યા નથી. કહેવાય છે કે આ ફુવારા મૂળ રાજા જયસિંહના બગીચા છે. આ વિશે વધુ ઊંડાણમાં જવાથી તાજમહાલના ઈતિહાસનો ખ્યાલ આવી શકે.

જયસિંહના સમયમાં જે બગીચો હતો એના કરતાં આજના બગીચાનું લેવલ ઊંચું છે. આ લેવલ કોણે ઊંચું કર્યું? આ સિવાય હમણાં ખોદકામ કરતાં મુખ્ય માર્ગ તરફ જતાં પગથિયાં મળ્યાં છે. એ પગથિયાં આજની સપાટીથી એક મિટર નીચે, અંદર ભૂગર્ભમાં છે.

1652માં ઔરંગઝેબે શાહજહાંને એક પત્ર લખ્યો હતો, જેમાં તાજમહાલને થયેલા નુકસાનની વાત લખી છે. એ પત્રમાં ભૂગર્ભનાં કમાનવાળા સાત ઓરડાઓનો ઉલ્લેખ છે, જેમાં તિરાડો પડી ગઈ છે.

બજારની અફવાઓ પ્રમાણે શાહજહાં પાસે બે ડુંગરો હતા - એક સોનાનો અને એક ચાંદીનો. એ ડુંગરો રાખવા માટે ગુફાઓ બનાવવામાં આવી હતી અને કોઈ ચોરી ન શકે એ માટે દરવાજા નાના બનાવવામાં આવ્યા હતા. બાદશાહનું રહેવાનું પણ એ રીતે હતું કે હંમેશાં એની નજર રહે.

ઔરંગઝેબે શાહજહાંને પદભ્રષ્ટ કરીને રાજધાની દિલ્હી ખસેડી લીધી, મરતાં સુધી બાપ-બેટાનો મિલાપ થયો નહીં, ઔરંગઝેબને ભય હતો કે બાપને મળવા જઈશ તો મારી કતલ કરવામાં આવશે. જીવનભર યુદ્ધો લડનાર અને જિંદગીનાં છેલ્લાં 27 વર્ષો દક્ષિણના ફૌજી તંબુઓમાં ગુજારનાર શંકાશીલ ઔરંગઝેબ અને એની પત્ની રૂબીયા બેગમ બંને દક્ષિણમાં જ મૃત્યુ પામ્યાં. વિશેષમાં ધન-દૌલત માટે ઔરંગઝેબને એટલું આકર્ષણ ન હતું જેટલું એને ધર્મ માટે હતું; માટે જ કદાચ આ અઢળક ખજાનો શાહજહાંની સાથે જ ઈતિહાસમાં ખોવાઈ ગયો.

તાજમહાલના એ પૂરા વિસ્તારનો અદ્યતન સાધનોથી અભ્યાસ થવો જોઈએ.

તાજમહાલની આસપાસ અથવા બિલકુલ નીચે શાહજહાના સોના-ચાંદીના ડુંગરોવાળી બે ગુફાઓ દફનાવેલી પડી છે?

જો એ નીકળે તો હિન્દુસ્તાનના અત્યાર સુધીના શોધાયેલા બધા જ ખજાના ઝાંખા પડી જશે.

(પુસ્તક: તવારીખ)

No comments:

Post a Comment