April 10, 2013

(વિવેચકને) પત્ર - 1

પ્રિય, 

'ગ્રંથ'નું વિવેચન, મારી નવલકથાઓનું, વાંચ્યું; આભાર. તમારું ગદ્ય ઘણું ગુણકારી છે, ઊકળતા ગરમ પાણી જેવું. વાંચી રહ્યો એટલે બધું જ વરાળની જેમ ઊડી ગયું. કચરો પણ રહ્યો નહિ. ન એક પણ અવતરણ, સુઝન લેંગર પણ નહિ? તો પછી તમે કઈ જાતના ગુજરાતી વિવેચક?

તોય 'આકાર' તમારે ગમાડવી પડી. ઉલ્લેખ સિવાય કંઈ લખવા જેવું લાગ્યું નહિ? કયો ગુનો કર્યો તમે - જાણકારની ચૂપ કે બેવકૂફની દાદ? કે બન્ને, અડધાં અડધાં?

ગળીથી 'કલાકાર' લખેલા અખાડામાં તમે મારે માટે જરાય જગ્યા રાખી નથી ! પાછળ પન્નાલાલ અને આગળ શિવકુમાર ! સરસ. વચ્ચે મને મૂકીને તમે બન્નેને એક સાથે જ માન રાખીને ખુશ કરી નાખવા માંગો છો? ખેર, બીજાઓની થતી ખુશામત સહન કરવા જેટલો ત્યાગ મેં હવે કેળવી લીધો છે.

એક વાત પૂછું? કૂતરાને જેટલી વાર ધુઓ એટલે વાર એના શરીરમાંથી ગંધ આવ્યા કરે એમ તમારા બધાના વિવેચનમાંથી પ્રોફેસરી બૂ કેમ આવ્યા કરે છે?

હું એક વાત મારી રીતે સમજું છું. સર્જનાત્મક (creative) urge એ process of feeling છે, process of thinking નથી. જીવતી વસ્તુ છાતીમાંથી આવવી જોઈએ, માથાના 'pigeon hole' માંથી નહિ. અનુભવ માત્ર મગજથી ન થાય, પાંચેય ઈન્દ્રિયો સજાગ જોઈએ. સર્વપ્રથમ, શરીર, પ્રામાણિકતા, involvement; પછી નજરબંધી, કરામતો, સફાઈ સૂઝન લેંગર, નખરાં, ભોળાભાઈ પટેલ, બધા જ. તો કલાની પવિત્રતા સચવાય. સમજાવવા ન બેસવું પડે, અને સમજ્યા વિના લાંબા પેરેગ્રાફો ઉદ્ધૃત કરવા ન પડે. 

સિદ્ધાંતો Sciences માટે બરાબર છે, Humanitiesના મૂલ્યાંકનમાં ધાર્મિક જડતાથી વાપરવા નહિ બેસી જવું જોઈએ. ટ્યુબવેલ સિદ્ધાંત તોડે ત્યારે ન ચાલે, પહાડી સ્ત્રોત સિદ્ધાંત તોડે ત્યારે વહેવા માંડે. સર્જનાત્મક કલા એ ટ્યુબવેલનું પાણી નથી - આવું મારું માનવું છે. 

ગુજરાતી વિવેચન એક ટ્રેજિક માસ્તરી રમત થઈને રહી ગયું છે, 45 મિનિટના પીરિયડ જેવું એકવિધ અને નિરસ. તમે બધા, પ્રોફેસર-વિવેચકો, ઊંધું ટેલિસ્કોપ રાખીને સાહિત્યની પરીક્ષા કરી રહ્યા છો. તમે અન્યાય થયેલા બાળકના આંસુની 'સ્પેસિફિક ગ્રેવિટી' માપવા માંગો છો, રેસીપી બુકમાં માની રોટલીની મીઠાશ શોધી રહ્યા છો, ઔરતની છાતીના દૂધના બજારભાવ કાઢી રહ્યા છો, મશીનોથી કરોળિયાનાં જાળાં ગૂંથવાની કોશિશ કરો છો. આ 'ટ્રેજીકોમેડી' ગુજરાતના જવાન વિદ્વાનોની છે, એવું મને લાગ્યા કરે છે. 

કલાકારે પ્રામાણિક થવું પડશે અને વિવેચકે એ પ્રામાણિકતાને સમજતાં શીખવું પડશે. જે સાહિત્યમાં કલાકારની છાતીના વાળ બનાવટી હશે ત્યાં નાન્યેતર લેખકો પેદા થવાના, નપુંસકલિંગ ભક્ત વિવેચકો ફૂટી નીકળવાના, મિસ્ત્રીનો અને શિલ્પીનો ફર્ક અદ્રશ્ય થઈ જવાનો. વ્યાકરણના રેસા ચૂંથનારાઓએ શોધવું પડશે કે કલા કઈ ખાકે-ઝમીન ફાડીને પ્રકટે છે. લખાયેલું દરેક ગદ્ય એ વાર્તા કે નવલ નથી, એ દરેક કવિ/વિવેચકે સમજી લેવું પડશે - કવિકુલગુરુ સુરેશ જોષીની હ્રસ્વ-દીર્ઘની જોડણીના ધુમાડામાં ખોવાઈ ગયેલા શ્રીકાન્ત શાહ સુધી બધાએ. એક્ઝીસ્ટન્શીએલીઝમ એ લાયબ્રેરીની ગૂંગળામણ નથી, સડકોનો શ્વાસ છે. 

તમારા જેવા માણસને તમારો પોતાનો અભિપ્રાય આપવા માટે કોઈ શ્રી શાહનો ટેકો લેવો પડે છે? સાહિત્યના મેદાનમાં ચણી ખાતા દરેક 'વિવેચિકન' પર ધ્યાન આપવાની જરૂર નહિ, અને ખાબોચિયામાં પોતાની બદસૂરતી જોઈને પ્યારમાં પડી જનારા નારસીસસોની ખોટ છે આપણે ત્યાં? હતી, કોઈ દિવસ?

અંતે, થોડી દિલ્લગી. ઓસ્કાર વાઈલ્ડ (એલ્બી કે ડ્યુરેનમાટ કે પીન્ટર જેવું આધુનિક નામ લખતો નથી માટે ક્ષમા કરશો) વાંચતો હતો; એક પાત્ર પૂછે છે, પ્રાચીન ગ્રીસમાં કલા આટલાં બધાં સ્વરૂપોમાં પ્રકટીને ચરમસીમાએ પહોંચી ગઈ અને અઢી હજાર વર્ષ સુધી એનો મુકાબલો થઈ શક્યો નથી, એનું કારણ શું? બીજો ઠંડકથી ઉત્તર આપે છે, સીધી વાત છે, એ સમયે કલાના વિવેચકો ન હતા એટલે... 

તમારી તબિયત સારી હશે, હું મજામાં છું. 

સપ્રેમ, 
ચંદ્રકાન્ત બક્ષી 
(કેસૂડાં - 1966-67)

(પુસ્તક: આભંગ)

No comments:

Post a Comment