March 22, 2015

ઉર્દૂ : લિપિથી શબ્દ સુધી...

ઉર્દૂ સાથેનો લગાવ શરૂ થયો 1947-48માં, પાલનપુર હાઈસ્કૂલમાં, અને ઉર્દૂના પહેલા સબક શીખવનાર મારો દોસ્ત અલી મુર્તુઝા શમીમ હતો, જેને બધા શમીમ પાલનપુરી તરીકે ઓળખતા હતા. આઝાદીના દિવસો હતા, હવામાં ઈલેક્ટ્રિક ચમક હતી અને મારી ઉંમર પંદર-સોળની હતી, એ ઉંમર જ્યારે બધું જ નવું જ્ઞાન બ્લોટિંગ પેપરની જેમ ચૂસાતું જતું હતું. એક પુસ્તિકા હાથમાં આવી: 'ઉર્દૂ-હિજ્જે વ માની!' પછી હું ઉર્દૂ શીખતો ગયો, ઉર્દૂમાં નિબંધ લખવા સુધી પહોંચી ગયો. ક્યારેક કોઈકનો ઈન્ટરવ્યૂ લેતી વખતે મસ્તી કરવા હું ઉર્દૂમાં લખતો રહું છું! અને એ એવી રીતે લખતો રહું છું કે એ વ્યક્તિની નજર મારા લખવા પર પડતી રહે! મારા હાથ નીચેના માણસો કે સાથે કામ કરતા સાથીઓ જો મુસ્લિમ હોય તો ઈદ વખતે હું એમને 'ઈદ મુબારક'નું કાર્ડ લખું છું, સાથે ઉર્દૂમાં એક ખત લખું છું, 'અઝીઝ'થી શરૂ કરીને 'અઝ' સુધી એમાં આવી જાય છે! અને ઘણી વાર એ મુસ્લિમ પ્રોફેશનલને જબરું આશ્ચર્ય થાય છે, એ કહી દે છે: સર, તમે ઉર્દૂ જાણો છો? હું કહું છું: થોડું! અને એ મુસ્લિમ સાથી સસ્મિત કહે છે: અમારા ઘરમાં કોઇને ઉર્દૂ વાંચતાં આવડતું નથી...! ઈદના દિવસોમાં મુસ્લિમ હોટેલમાંથી મગાવવું હોય તો કોલકાતામાં હું મારા માણસને મોકલતો, એક પત્ર સાથે, ઉપર 'ઈદ મુબારક' લખીને, અને અંદર ઈદ વખતે બનતી સ્પેશિયલ ચીજોનો ઑર્ડર! આજે પણ રમઝાનમાં બે-ત્રણ વખત મુંબઈની મિનારા મસ્જિદની ગલીમાં જઈને ખાવાનો ક્રમ હજી રાખ્યો છે.

ઉર્દૂ જાણું છું, પણ ફારસી શીખ્યો નથી એનો રંજ જીવનભર રહ્યો છે. ફારસી જગતની સૌથી શીરીં ઝબાનોમાંથી એક છે. શમીમ અને હું એ 1947ના વર્ષમાં પાલનપુરના માનસરોવર ફરવા જતા, ધૂળમાં મીણબત્તી સળગાવતા, મારો દોસ્ત મને ઉર્દૂની નવી ચીજો સંભળાવતો. સાહિર લુધિયાનવીની 'તલ્ખિયાં', અને મખ્દુમ મોહિયુદ્દીનની 'લો સુર્ખ સવેરા આતા હૈ, આઝાદી કા, આઝાદી કા...' અને જોશ મલીહાબાદીની (શમીમનો ઉચ્ચાર હતો: જોશ મલયાબાદી) 'મુઠ્ઠીઓં મેં ભર કે અફશાં ચલ ચૂકા હૈ ઈન્કલાબ!' હિંદુ સ્ત્રીઓ સૌભાગ્ય માટે વાળમાં જેમ સિંદૂર ભરે છે, એમ મુસ્લિમ પરિણીતાઓ માંગમાં અફશાં અથવા ચાંદીના રંગની ભૂકીની ચપટી ભરે છે. શમીમે મને ઉર્દૂ અદબની પૂરી દુનિયા ખોલી આપી અને એ માટે હું મારા એ દિલદાર દોસ્તનો આજીવન ઋણી રહ્યો છું. ઉર્દૂ મને બહુ કામ આવી ગયું છે. કરાચીમાં 1981માં હું ઉર્દૂ જાણતો હતો માટે બહુ સહુલિયત રહી હતી. અને મટન ખાતો હતો એટલે પાકિસ્તાનમાં મને કોઇ તકલીફ પડી ન હતી. દુનિયાના શ્રેષ્ઠ કબાબ મેં પાકિસ્તાનમાં ખાધા છે. બન્ડુ ખાનના કબાબ અને યુસુફ માંડવિયાને ત્યાં યારી કબાબ અને ચપ્પલી કબાબ અને અરબ કા કબાબ અને જવા દો, યારો! વોહ કહાની ફિર કભી...

...હા, આપણે ઉર્દૂની વાત કરતા હતા. ઉર્દૂ ન હોત, શરાબ ન હોત, રેશમી કબાબ ન હોત, શામ ન હોત, 'શમ્મા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક' ન હોત, શરારતી આંખો ન હોત તો આ જિંદગી 72 વર્ષ સુધી કેમ ગુજરી હોત? મારી આત્મકથા 'બક્ષીનામા'માં મેં ઉર્દૂ વિષે લખ્યું છે. ઉર્દૂએ બહુ સુખ આપ્યું છે, બહુ દુ:ખ આપ્યું છે. ઉર્દૂ સાંજની ભાષા છે. કીક મારે છે. પ્લેટમાં તળેલી પોમ્ફ્રેટ માછલી પર લીંબું છાંટ્યું હોય, વ્હિસ્કીના ગ્લાસની બહાર ધુમ્મસી શિકરો બાઝી ગઈ હોય, દોસ્તોની આંખોના સિરાઓ પર જામતી રાતનો ખુમાર ઘેરાતો હોય ત્યારે સમયને અટકી જતાં જોયો છે, ફિરાક ગોરખપુરીની લાઈનો અનુભવી છે: શામ ભી થી કુછ ધૂઆંધૂઆં, દિલ ભી થા કુછ ઉદાસ-ઉદાસ, ઐસે મેં કુછ કહાનિયાં, યાદ સી આ કે રહ ગઈ! હા, કુછ કહાનિયાં. હા, કુછ...

ઉર્દૂમાં તરબોળ સાંજો ગુજરી છે. નાના હતા ત્યારે રાતો નાની હતી, મોટા થયા અને રાતો લાંબી થતી ગઈ. જિંદગી 'ઑન ધ રૉક્સ' જીવવાના દિવસો હતા. પછી સાંજની વ્યાખ્યા બદલાતી ગઈ. તબિયત બે-કૈફ થતી ગઈ. જેમની સાથે 'ચિયર્સ' કહીને ગ્લાસો ટકરાવ્યા હતા, એમના ફોટાઓ પર સુખડના હાર ચડી ગયા. હવે રૂમાની ઉર્દૂ પાછળ રહી ગઈ હતી, હવે ફલાસ ફરાના કલામમાં દિલચસ્પી વધી રહી હતી. મૌત કા એક દિન મુઅય્યિન હૈ, નીંદ ક્યો રાત ભર નહીં આતી...?

ગુજરાતી સાહિત્યમાં ઉર્દૂ શબ્દો વાપરવા માટે વિવેચકોની ત્રણ પેઢીઓની ગાળો ખાતો રહ્યો છું, પણ ખુદ્દારી છોડવાનું દિલ થતું નથી. એક સલ્તનત, એક નવાબિયત, એક શહંશાહિયત અનુભવી છે મેં મારી ભાષામાં, હવે નપુંસકોની નઝરે-ઈનાયત હાસિલ કરવાની કોઇ ઇચ્છા રહી નથી. દુશ્મનોનો અવાજ સાંભળ્યો છે, દોસ્તોની ખામોશી સાંભળી છે. હવે વાહવાહીથી ઉપર ચાલ્યો ગયો છું. ઢૂંઢતા ફિરતા હૂં અય ઈકબાલ, અપને આપકો, આપ હી ગોયા મુસાફિર, આપ હી મંઝિલ હૂં મૈં!

ઉર્દૂ શીખવા મળ્યું એને હું મારી ખુશકિસ્મતી સમજું છું. સાહિત્ય બહુ ઊંચી ચીજ છે, આવતા ભવમાં પણ સાહિત્યકાર થવા જ માગું છું. દકિયાનુસી અને દરિન્દગીની સામે સંઘર્ષ કરવા માટે શબ્દ એક જ શસ્ત્ર છે મારી પાસે. લોગ આગાઝે-સફર કી લઝ્ઝતોં મેં ચૂર થે, મૈં ફર્સુદા થા, મુઝે અંજામ ભી પતા થા! ભાષાના બંદા પાસે બીજું શું હોય છે? ઔર એક દિન નિગલ ગયા આખિર, હાલ (વર્તમાન) માઝી મેં (ભૂતકાળ) ઢલ ગયા આખિર, એક ચુલ્લુ મિલા થા આબે હયાત, ઉંગલિયોં સે ફિસલ ગયા આખિર! પ્રિયદર્શી ઠાકુર 'ખયાલ'ની લીટીઓ સરસ છે.

ઉર્દૂ એક એવી ભાષા છે જે જનતાની ઝુબાન પર ઊછળતી ઊછળતી જન્મી છે. ગલીચ રાજકારણીઓએ એને મુસ્લિમોની ભાષા બનાવી દીધી અને ઝેરનાં ઈન્જેક્શનો આપી આપીને કોમવાદી બનાવી દીધી. આજે ઉર્દૂ મુસ્લિમોની ભાષા છે એ સત્ય સ્વીકારવું જ પડશે. મુશાયરાઓ થાય છે, મહેફિલો થાય છે, તમાશબીનો આવે છે, વાહવાહીમાં ઉર્દૂ ઘૂંટાઈ જાય છે. હિંદુસ્તાનમાં ઉર્દૂ માત્ર જલસાઓ અને જશ્નોની ભાષા જ બની રહેશે? કદાચ, કારણ કે ઉર્દૂના પાલકો, પેટ્રનો, પોષકો એ પૈસાદાર મેહરબાનો છે, જેમની દયા પર એણે જીવવાનું છે. ઉર્દૂના રિસાલા કે પર્ચા વેચાતા નથી, એમને જાહેરખબરો મળતી નથી. નવી પેઢીઓને ઉર્દૂમાં દિલચસ્પી નથી. જૉબ-માર્કેટમાં ઉર્દૂનું સ્થાન કોંકણી કે તુલુ કે કચ્છી બોલીઓ કરતાં પણ નીચું છે. ઉર્દૂ માટે, હિંદુસ્તાનના નોકરી બજારમાં કોઇ ભવિષ્ય દેખાતું નથી. કદાચ 21મી સદીના ઝડપી કમ્પ્યુટરયુગમાં આવી મટકતી, ઝટકતી અંગડાતી 18મી સદીના હેંગ-ઓવરમાં ઝૂમતી ભાષા જેટ-એજમાં દોડતી બૂઢી ઘોડાગાડી જેવી લાગે છે. કટ્ટર મુસ્લિમ રાજકારણીઓ આ દેશમાં જ્યાં સુધી ઝેર પાયેલી ભાષા વાપરતા રહેશે ત્યાં સુધી ઉર્દૂને દુશ્મનોની જરૂર નહીં પડે, પણ રૂમાની ભાષા તરીકે ઉર્દૂ જરૂર જીવશે.



મિત્ર અજિત પોપટના પુસ્તક 'ઉર્દૂ શીખો'ને આવકાર આપતાં મને સવિશેષ આનંદ થાય છે, કારણ કે ગુજરાતીઓમાં ઉર્દૂ લિપિ જાણનારા લોકોની સંખ્યા બહુ જ ઓછી છે. ગુજરાતી મુસ્લિમોમાં પણ ખાલિસ ઉર્દૂ બોલી શકે (લખવાની વાત જવા દઈએ!) એવા લોકો બહુ ઓછા જોવા મળે છે. ઉચ્ચારણશુદ્ધિ ઉર્દૂમાં અહમિયત રાખે છે અને આપણા ગુજરાતી ગઝલકારો પણ આ બાબતમાં નિર્દોષ નથી! ગુજરાતી ગઝલિયાઓમાંથી 95 ટકાને ઉર્દૂ આવડતું નથી. ગઝલના નો ઉચ્ચાર પણ દોષયુક્ત હોય છે. હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં વકીલને અંગ્રેજી ન આવડતું હોય એવી આ વાત છે. જેણે ગઝલ કે નઝમ લખવી છે એણે ઉર્દૂના જ્ઞાતા થવું જ જોઈએ એવો આગ્રહ નથી, પણ જો ઉર્દૂનું જ્ઞાન હોય તો સર્જનમાં જરૂર સહાયક થાય છે એવું હું માનું છું. 'અલીફ' અને 'અએન'નો ફર્ક સમજાય તો જરૂર સમજાશે કે 'ઈદ'નું અંગ્રેજી 'ઈ-આઈ-ડી' શા માટે થાય છે અને 'અલવિદાઅ' શા માટે લખાય છે. અજિત પોપટે તદ્દન સરળ રીતે આ ભાષા સમજાવી છે, અને નવી ભાષા શીખનારે આ પુસ્તક પર જરૂર નજર ફેરવી જવી જોઈએ.

ગુજરાતી અને ઉર્દૂ બે લિપિઓમાં એક પુસ્તક પ્રકટ કરવું કેટલું કઠિન છે એ હું સમજું છું. એક ભાષા ડાબેથી જમણે લખાય છે, બીજી જમણેથી ડાબે લખાય છે. આ બધા અક્ષરોને, શબ્દોને, વાક્યોને વ્યવસ્થિત સામસામે અથવા ઉપર-નીચે ગોઠવવા, ઝેર-ઝબરનો અને નુક્તાનો ખ્યાલ રાખવો, કમ્પ્યૂટરના જમાનામાં પણ સહેલું નથી! અને ભૂલો કાઢવા માટે નુક્તચીની કરતા રહેવા માટે, નુક્તચીં બેઠા જ છે. એ એમનું કામ કરતા રહેશે, આપણે આપણું કામ કરતા રહેવાનું. આ પ્રકારનાં જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ આદિ ભાષાઓ શીખવા માટેનાં પુસ્તકો પણ ગુજરાતી ભાષામાં આવવાં જોઈએ. સામાન્ય મુશાયરાઓ-મહેફિલોનો લુત્ફ ઉડાવવા માટે આટલી ઉર્દૂ કાફી છે. ઈન્સાન અને બશર શબ્દોનો અર્થ એક જ છે (માણસ), પણ એનો તાત્ત્વિક ભેદ સમજવા માટે ભાષામાં આગળ વધવું પડે છે અને બીજું પગથિયું ચડવા માટે પહેલું પગથિયું ચડવું જરૂરી છે.

અજિત પોપટે ગુજરાતી ભાષાના એક ખાલી સ્લોટને ભરી દીધો છે, જેમને ઉર્દૂ શીખવું છે એમને આ પુસ્તક ખરેખર કામ આવી શકે છે એવું મારું માનવું છે. અભિનંદન.

(ઉર્દૂ શીખો, સરળ ગુજરાતીમાં ઉર્દૂ શિક્ષણ: લેખક : અજિત પોપટ)

No comments:

Post a Comment