August 25, 2013

હું ક્વૉલિટી સાથે ક્યારેય સમાધાન નહીં કરું! (પ્રતીક ગાંધી ) (article by Mona Kanakia)

19 ઑગસ્ટ 2013નાં ચિત્રલેખામાંથી સાભાર:


ગુજરાતી રંગભૂમિ પર સબળ ચંદ્રકાંત બક્ષીને સાકાર કરનારો આ કલાકાર એક સશક્ત અભિનેતા ઉપરાંત સાલસ સ્વભાવની વ્યક્તિ પણ છે.

સ્વબળે આગળ આવનારી વ્યક્તિમાં જે કશુંક કરી બતાવવાની ચાહ હોય છે એના કારણે એ વ્યક્તિ ધારે એટલી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આવી જ એક વ્યક્તિ છે પ્રતીક ગાંધી. પ્રતીક ગુજરાતી રંગભૂમિના તોખાર છે. સશક્ત અભિનેતા અને પૅશનેટ વ્યક્તિ. તાજેતરમાં જ રજૂ થયેલા મનોજ શાહ દિગ્દર્શિત અને શિશિર રામાવત લિખિત હું ચંદ્રકાંત બક્ષી નામના નાટકમાં પ્રતીક ગાંધી પોતાના ઉત્કૃષ્ટ અભિનયના બળે દોઢ કલાક સુધી પ્રેક્ષકોને જકડી રાખે છે.


પ્રતીક કહે છે: ‘ગુજરાતી વાચકો ચંદ્રકાંત બક્ષીને સારી રીતે ઓળખે છે. આ આખાબોલા અને પ્રખર વિદ્વાન માણસને મારે સ્ટેજ પર જીવંત બનાવવા માટે ઘણી મહેનત કરવી પડી, પણ સાચ્ચું કહું, મને ખૂબ મજા આવી રહી છે આ પાત્ર ભજવવામાં.’

છએક મહિના પહેલાં જ્યારે મનોજ શાહ આ નાટક પર કામ કરી રહ્યા હતા ત્યારે પ્રતીકને ખબર પડી કે આ નાટકમાં બીજું કોઈ છે. પ્રતીક કહે છે:

‘મને ખબર પડી એટલે મેં એમને તરત ફોન કર્યો. એ મને કહે કે તને નહીં ફાવે, પણ પછી એવું કશુંક થયું, જેના કારણે મનોજભાઈનો મને સામેથી ફોન આવ્યો... ઍન્ડ હિયર આય ઍમ!’

ત્યાર બાદ પ્રતીક રોજ રાતે નવથી બાર રિહર્સલ કરતા અને સ્ક્રિપ્ટનું વાંચન એની જૉબ પર જવાના સમય દરમિયાન કરતા. તમને વિશ્વાસ નહીં આવે, પણ પ્રતીકે બક્ષીબાબુનું કશું જ વાંચ્યું નથી, કારણ કે પ્રતીકનું માનવું હતું કે જો એ વાંચશે તો પક્ષપાતી થઈ જશે.

પ્રતીક ગાંધીનો જો કે મનોજભાઈ શાહ સાથે કામ કરવાનો આ પહેલો અનુભવ નથી, છતાંય દર વખતે એમની સાથે કામ કરવાની જિજ્ઞાસાવૃત્તિ કોઈ નવોદિત કલાકારને હોય એવી જ પ્રતીકને અનુભવાય છે. કારણ સહજ છે... મનોજભાઈ ઍક્ટરને એટલી બધી ફ્રીડમ આપે છે કે તું જ નક્કી કર તારે શું કરવું છે?

આ પહેલાં પ્રતીક ગાંધીએ મનહર ગઢિયાના બૅનર હેઠળ બહોત નાચ્યો ગોપાલ નાટકમાં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી અને નાટક ડિરેક્ટ પણ કર્યું હતું. પરેશ રાવલના અતિ પ્રચલિત હિંદી નાટક કિશન વર્સિસ કન્હૈયામાં પણ એમણે અભિનય કર્યો હતો. સૌમ્ય જોશીના નાટક અમે બધા સાથે તો દુનિયા લઈએ માથેમાં પ્રતીકના અભિનયને ટ્રાન્સમિડિયાનો બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો એવૉર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત, અમર ફળ, અપૂર્વ અવસર, ગુજરાતની અસ્મિતા, વગેરે પ્રયોગાત્મક ભૂમિકા પણ ભજવી છે.મૂળ સુરતના, પણ છેલ્લાં નવ વર્ષથી મુંબઈમાં સ્થાયી થયેલા પ્રતીક ગાંધીનું બૅકગ્રાઉન્ડ કોઈ હિંદી ફિલ્મના સ્ટ્રગલિંગ ઍક્ટર જેવું જ છે. પ્રતીક ઘરમાં સૌથી મોટો પુત્ર. એનાં માતા-પિતા શિક્ષક. પરિણામે પહેલેથી જ પ્રતીકને શિસ્ત અને મહેનત ગળથૂથીમાં જ મળ્યાં. પ્રતીક કહે છે:

‘સ્કૂલ એટલે પૂરેપૂરી ધમાલ. નવ વર્ષનો હતો ત્યારથી જ નાટક કરતાં શીખી ગયેલો. એ વખતે અમારી સ્કૂલ જીવન ભારતીમાં ટીમ પાડવામાં આવતી. બાળકો જ એમાં નાટક લખે, ડિરેક્ટ કરે, ઍક્ટિંગ કરે એટલે તમામ અનુભવ મળે. ૧૩ વર્ષની ઉંમરે ફુલ લેન્થ નૃત્યનાટિકા કલ્લુ બલ્લુ ભજવી. મને ડાન્સ કરવો ખૂબ ગમે. કોઈ ટ્રેનિંગ નહોતી લીધી, પણ જાતે જ બધું શીખ્યો.’

આઠમા ધોરણ વખતે આઝાદીની ગૌરવગાથા નામના નાટકમાં નટખટ જયુ સાથે કામ કરવા મળ્યું. પરિણામે પ્રતીક એક મહિનાનાં રિહર્સલ દરમિયાન એમની પાસે ઘણું બધું શીખ્યો. દસમા ધોરણ પછી પ્રતીકનો નિર્ણય અડગ હતો. એમને એન્જિનિયરિંગમાં જવું હતું. પરિણામે સુરતમાં જ ડિપ્લોમા-મિકેનિકલ કર્યું. આમ ભણતાં ભણતાં જ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ત્રિઅંકી નાટ્યસ્પર્ધામાં કશ્યપ જોશી-આશિયાના ગ્રુપ સાથે જોડાયા, જેમાં અરણ્યરુદન, અંતર વચ્ચે અંતર નાટક કર્યાં. આ બધામાં પ્રતીક ડાન્સ શો પણ કરતાં. નાટકમાં કામ પણ કરતાં અને ભણતાં પણ ખરા.

હવે પ્રતીકના જીવનમાં એક વળાંક આવ્યો. ડિપ્લોમા પૂરો કર્યા બાદ ડિગ્રી કરવામાં પ્રતીકને આર્થિક મુશ્કેલી નડી. પરિણામે પોતાની કૉલેજની ફી પોતે જ ભરશે એવું નક્કી કરી પ્રતીકે ઓળખીતામાં જ નોકરી લીધી. જૉબ હતી સેલ્સપર્સનની અને પગાર હતો પંદરસો રૂ‚પિયા!

અગિયાર મહિનાની નોકરીમાં પ્રતીકને સારા-નરસા ઘણા અનુભવ થયા, પણ દરેક અનુભવમાંથી પ્રતીક કશુંક શીખ્યા. આ બધા વચ્ચે થિયેટરની પ્રવૃત્તિ ચાલુ જ રહી. પ્રતીક કહે છે:

‘હવે સુરતમાંથી ડિગ્રી કરવાનો મારો વિચાર લગભગ મરી જ પરવારેલો. એવામાં જ મને જલગાંવની સંજય ગાંધી કૉલેજમાં ડોનેશન વિના ઍડ્મિશન મળી ગયું, પ્રોડક્શન એન્જિનિયરિંગમાં. એ ચાર વર્ષમાં પણ રજાઓ દરમિયાન મેં અભિનય ચાલુ જ રાખેલો. અત્યારે વિચારું છું કે આ બધું હું કેવી રીતે કરતો, આઈ મીન, ઓહ ગૉડ... કેટલાં ગાંડા કાઢતો હતો આ બધું મૅનેજ કરવામાં!’

પ્રતીકને ડિસ્ટિંક્શન મળ્યું. રિઝલ્ટ લઈને પહેલાં એ મનહર ગઢિયાની ઑફિસમાં આવ્યા અને કહ્યું કે મારે ઍક્ટિંગ કરવી છે. કંઈક કરો મારી માટે... પ્રતીક જૂની યાદ તાજી કરતાં કહે છે:

‘કાજલ ગઢિયા મારા નાના ભાઈની મિત્ર એટલે મારી માટે તો આ પિતા અને પુત્રી જ તારણહાર બન્યાં. બન્નેએ કંઈક ને કંઈક વાતે મારી મદદ જ કરી છે અને હજી પણ ઘણી બધી વાર કરી રહ્યાં છે...’

શરૂ‚આતનાં મુંબઈનાં વર્ષોમાં ઍક્ટિંગક્ષેત્રે કશું જ વળ્યું નહીં એટલે પ્રતીકે નોકરી શોધવાની શ‚રૂઆત કરી દીધી. સદભાગ્યે નૅશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના પ્રોજેક્ટ બેઝડ્ કૉન્ટ્રાક્ટમાં પ્રતીકને જૉબ મળી. સાથે નાટકની પણ શ‚આત થઈ. પછી તો ફિરોઝ ભગતના નાટક આ પાર કે પેલે પારમાં કામ કર્યું. ફોરેન ટુર પણ કરી. એની જૉબ પ્રોજેક્ટ બેઝ્ડ હોવાથી પ્રતીકને પૂરતી સ્વતંત્રતા મળી રહેતી અને એ એના અભિનયક્ષેત્રને પ્રાધાન્ય આપી શકતાં.

છેવટે પ્રતીકને રિલાયન્સ ગ્રુપની ઑફર આવતાં એ અત્યારે ત્યાં જૉબ કરી રહ્યા છે. પ્રયોગાત્મક નાટકો સાથે કમર્શિયલ કામ પણ કરી રહ્યા છે. ચિત્રલેખા નાટ્યસ્પર્ધામાં પણ પ્રતીક અચૂક અભિનય કરે છે અને ઘણાં પ્રાઈઝ પણ મેળવી ચૂક્યા છે.

ભવિષ્યની યોજનામાં પ્રતીકને ફિલ્મોમાં કામ કરવું છે. સિરિયલો સારી મળશે તો કરશે. પ્રતીકની પત્ની ભાવિની પણ અચ્છી અભિનેત્રી છે. પ્રતીકનો એક જ મંત્ર અત્યાર સુધી રહ્યો છે: જે પણ કરીશ એ ક્વૉલિટી સાથે કરીશ, કારણ કે ક્વૉલિટીમાં કૉમ્પ્રોમાઈઝ મને ન પોસાય!

August 19, 2013

તમે યાદ આવ્યા – વિનોદ ભટ્ટ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જૂન-2012માંથી સાભાર.]

ચંદ્રકાન્ત બક્ષી અને મારી વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ હતો, લવ-હેટ્રેડનો, પ્રેમ-તિરસ્કારનો, ગમા-અણગમાનો પણ… જોકે બક્ષી પારદર્શક હતા. પોતાના મનોભાવને છુપાવી શકતા નહીં. જે જીભ પર આવે એ બેહિચક બોલી દેતા. એક સભામાં એ વક્તા હતા. હું ઓડિયન્સમાં આગળ બેઠો હતો. મને એમણે જોયો. પ્રવચનની શરૂઆતમાં જ મારી સામે આંગળી ચીંધી એમણે કહ્યું, ‘મારો પ્રિય દુશ્મન વિનોદ ભટ્ટ અહીં હાજર છે….’ અલબત્ત બક્ષીએ ક્યાંક નોંધ્યું છે કે હું રેંજીપેંજીને મારા શત્રુ બનવાનું સ્ટેટસ નથી આપતો. એ સાંભળી મનમાં સહેજ ચચર્યું, પણ મનને મેં આશ્વાસન દીધું કે ચાલો, બક્ષીએ આપણને એમના શત્રુ હોવાનું ગૌરવ તો આપ્યું જ છે ને ?’

કાર્યક્રમ પૂરો થયા બાદ સ્વરુચિ ભોજન લેવાનું હતું. હું હજી ડિશ પીરસી જમવાનું શરૂ કરતો હતો, ત્યાં જ પાસે આવી બક્ષી મને ભેટી પડ્યા. મેં એમની સામે જોઈ દાઢમાં કહ્યું :

‘બક્ષીબાબુ, મને એ કહો કે ક્યો બક્ષી સાચો ? થોડીકવાર પહેલાં ભાઈકાકા હોલમાં મને પ્રિય શત્રુ કહેતો હતો એ કે આ ક્ષણે પ્યારથી ભેટી રહ્યો છે એ ?’

બન્ને બક્ષી સાચા છે, ‘વિનોદબાબુ….’ કહી શરારત ભર્યું હસીને એ આગળ વધી ગયા.

એ દિવસોમાં બક્ષી મુંબઈ રહેતા. એ અમદાવાદ આવે ને નવભારત સાહિત્ય મંદિરની ઑફિસે બેઠા હોય ત્યાંથી મને ફોન કરે કે પ્રકાશક મહેન્દ્ર શાહની સામે બેઠો છું, તમને મળવાનું મન છે, અનુકૂળતા ખરી ? ‘ખરી, આવી જાવ, રાહ જોઉં છું.’ હું કહું ને એની દસ જ મિનિટમાં એ દર્શન આપે. તે બોલે, હું સાંભળું. તેમણે મને એક સારા શ્રોતા બનવાની તાલીમ આપી હતી. એ મારે કબૂલ કરવું જોઈએ. ક્યારેક તો એવું પણ બનતું કે તે મારે ત્યાં આવે ત્યારે ‘આવો બક્ષીબાબુ’ ને દોઢેક કલાક બાદ જાય ત્યારે ‘આવજો બક્ષીબાબુ’ જેવાં રોકડા બે વાક્યો બોલવાનો અવસર મને મળી જતો. બાકીની ખાલી જગ્યા એ ભરી દેતા. પણ એક વાત છે, તેમની કંપનીમાં ક્યારેય બોર ન થવાય.


અને કોઈવાર તેમને ઓચિંતો ખ્યાલ આવતો કે આ વિનોદ ભટ્ટ પણ લેખક છે તો એકાદ સવાલ મારા સાહિત્ય અંગેય તે ઉપકારના ધોરણે પૂછી નાખતા. ઉ.ત. એક દિવસ તેમણે મને પૂછ્યું : ‘વિનોદબાબુ, તમારું કોઈ નવું પ્રકાશન આવ્યું છે ? એ જ દિવસે મારું એક નવું પુસ્તક પ્રગટ થયું હતું. મેં તેમના હાથમાં મૂક્યું. પુસ્તકનાં શરૂઆતનાં પાનાં ફેરવતાં એક પાના પર તે અટકી ગયા – એ પાન પર વિનોદ ભટ્ટનાં બહાર – એટલે કે પ્રકાશકને ત્યાંથી બહાર પડેલાં પુસ્તકોની સાલવાર યાદી હતી – ક્યા વર્ષમાં કયું પુસ્તક પ્રકાશિત થયું એ છાપ્યું હતું. આ સાલવાર યાદી પર આંગળી મૂકી બક્ષીએ મને પ્રશ્ન કર્યો, ‘ગુજરાતી સાહિત્યમાં સાલવાર યાદી છાપવાની શરૂઆત કોણે કરી એ તમે જાણો છો ?’

‘મને ખબર નથી.’ મેં કહ્યું.

‘આ કામ પહેલવહેલું બક્ષીએ કર્યું.’ બક્ષી બોલ્યા.

‘નો ડાઉટ બક્ષીબાબુ’ મેં જણાવ્યું, ‘આ કામ ગુજરાતી સાહિત્યમાં બે જણાએ કર્યું છે, એક તો બક્ષીએ ને ત્યાર પછી નર્મદે….’ જો કે મેં આપેલી માહિતીથી બક્ષી ખાસ પ્રભાવિત નહોતા થયા.

બક્ષી વક્તા પ્રભાવશાળી, કલાક-દોઢ કલાકથી ઓછું ન બોલે, પણ તે બોલતા અટકે ત્યાં સુધી ઑડિયન્સને બાનમાં રાખે. તેમને પાછું એવું ખરું કે વિષય ગમે તે હોય, તેમને બોલવું હોય એ જ બોલે, શરત એટલી કે પ્રેક્ષકોને મજા પડવી જોઈએ. એમનું હૉલમાં બેઠેલું વસૂલ થવું જોઈએ. એક વખત ડૉ. ભોળાભાઈ પટેલ અને બક્ષીજીને સાથે સુરેન્દ્રનગરની કોઈ એક સાહિત્યિક ગોષ્ઠીમાં બોલવાનું હતું. કલકત્તા સાથે જોડાણ હોવાથી બક્ષી-બાબુને શરદબાબુની નવલકથા પર બોલવાનું સૂચવાયેલું. બક્ષીબાબુએ શરૂ કર્યું. ‘શરદબાબુ આજ-કાલ આઉટડેટેડ થઈ ગયા છે. તમને શરદબાબુની વાતોમાં ખાસ ઈન્ટરેસ્ટ નહીં પડે. આજે હું તમને મજા પડે એવા રાઈટર ચન્દ્રકાન્ત બક્ષીની વાત કરીશ. અને લગભગ 70 થી 80 મિનિટ સુધી એમણે પોતાની કેફિયત રજૂ કરી દીધી હતી… બીજી એક બિનસાહિત્યિક સભામાં બક્ષીજીને ફાળવેલ સમય કરતાં ખાસ્સું લાં…બુ તે બોલ્યા. આયોજકો અને ખુદ મુખ્યમંત્રી અકળાયા પણ બક્ષી તો અટકવાનું નામ ન લે. લાંબુ બોલવાને કારણ આપતાં નામદાર રાજ્યપાલ, મુખ્યમંત્રી વગેરે તરફ આંગળી ચીંધી શ્રોતાઓને તેમણે જણાવ્યું પણ ખરું, ‘તમે આ લોકોને નહીં, મને સાંભળવા આવ્યા છો….’ – એ શ્રોતાઓની વચ્ચે બેસવાનું સદભાગ્ય (!) આ લખનારને પણ મળ્યું હતું.

એને ખેલદિલી કહેવાય કે કેમ એની મને જાણ નથી, પણ ઉદારતા તો જરૂર કહેવાય કે એમના પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં તેમણે એકવાર નહીં, બબ્બેવાર વકતા લેખે મને અવળચંડાને બોલાવેલો. તેમનાં પચ્ચીસ પુસ્તકોના લોકાર્પણ વખતે તો સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પણ હતા. અમે બન્ને વક્તા ટીખળ કરવાના મૂડમાં હતા, માત્ર ઑડિયન્સને હસાવવા જ અમે બક્ષીજી પર થોડો વ્યંગ-વિનોદ કર્યો. ઉ.ત. મેં શરૂઆત આમ કરી : ‘મારી બે દીકરીઓ છે, મોટી પુત્રી મોનાએ ગુજરાતી સાથે એમ.એ કર્યું છે ને નાની વિનસે સાઈકૉલૉજી સાથે એમ.એ. કર્યું છે. બન્નેને પી.એચ.ડી. કરવું હતું. મોટી, ગુજરાતીવાળીએ મારી સલાહ માગી : ‘હું શેના પર કરું ?’ મેં તેને જણાવ્યું કે બક્ષીઅંકલે થોકબંધ લખ્યું છે, નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો વગેરેમાંથી તું ગમે તે એક સ્વરૂપ પકડ, જરૂર પડે એમાં તું બક્ષીઅંકલની મદદ પણ લઈ શકીશ. સાઈકૉલૉજી સાથે એમ.એ. થયેલી નાની દીકરીએ મને પૂછ્યું : ‘અને હું ?’ ‘બેટા, તારો સબ્જેક્ટ તો સાઈકૉલૉજી છે ને ?’ મેં તેને વિષય આપ્યો, ‘તું બક્ષીઅંકલ ઉપર જ પી.એચ.ડી. કર, બક્ષીઅંકલની મદદ લીધા વગર એ તું કરી શકીશ.’ ઓડિયન્સ બહુ હસ્યું, વધારે પડતું હસ્યું એટલે બક્ષી બરાબરના ખિજાઈ ગયા, એ સમસમી ગયા. એ છેલ્લા વક્તા હતા. આગળના વક્તાઓ સાથેનો હિસાબ બરાબર કરવા એ કાયમ છેલ્લે બોલવાનું પસંદ કરતા. માધવસિંહભાઈ અને મારી સામે જોઈ બક્ષીએ ઓડિયન્સને કહ્યું : ‘હું ધારું તો આ બન્નેને ફક્ત બે જ મિનિટમાં પતાવી શકું, પણ આજે એમ નહીં કરું.’ (થૅન્ક ગોડ કે અમે બન્ને બચી ગયા.)

બક્ષી હિસાબના માણસ હતા. બદલો ભલા બુરાનો, અહીંનો અહીં આપવાનું કદાચ ઉપરવાળો ચૂકી જાય, બક્ષી ના ચૂકે. અટક ભલે બક્ષી હતી, પણ કોઈને માફી બક્ષવાનું તેમને પસંદ નહીં. કવિ સુન્દરમના રૂક્ષ વ્યવહારથી તે નારાજ થઈ ગયેલા. આ નારાજગીનો પડઘો પોતાની આત્મકથા ‘બક્ષીનામા’માં તેમણે આ રીતે પાડ્યો છે : ‘હું એક જ વાર અમદાવાદમાં સુન્દરમને મળ્યો હતો.’ પછી તે આગળ ઉમેરે છે. ‘સુન્દરમને મેં દૂરથી જોયા. પાસે ગયો. કહ્યું : હું ચન્દ્રકાન્ત બક્ષી ! કલકત્તાથી આવ્યો છું ! તમને…. અને જે માણસ સાથે હું સાડાચાર વર્ષથી પત્રવ્યવહાર કરતો હતો એણે કબરમાંથી ઊભા થયેલા મુડદા જેવી બર્ફીલી નજરે મને જોયો અને સડેલા અવાજે થીજવી નાખે એવી ઠંડકથી કહ્યું : ‘ઠીક !’ મારું મસ્તક ફરી જવા માટે આટલું જ કાફી હતું. મને થયું મારી સામે માણસ નથી, પ્રેત ઊભું છે. કવિ સુન્દરમને સલામ. છેલ્લી સલામ. એક ચાહકના હકની…!’

બક્ષી પ્રેમાળ પણ એટલા. એ વખતે તે મુંબઈ હતા. હૃદયમાં ગરબડ થવાથી મારે સ્ટેન્ટ મુકાવવું પડ્યું હતું. એપ્રિલ 11, 2003ના પત્રમાં તેમણે લખ્યું હતું : ‘પ્રિય વિનોદબાબુ, જલ્દી જલ્દી સ્વસ્થ થઈ જાઓ એ પ્રાર્થના….’ – બક્ષી. આ એ બક્ષી છે જેમને ગુજરાત સાહિત્ય સભાના કહેવાથી મેં શ્રી રણજિતરામ સુવર્ણચન્દ્રક સ્વીકારવા દિલથી વિનંતી કરી હતી કે તમે પત્ની, દીકરી, પ્રકાશક કે કોઈ મિત્રને (જો હોય તો તેને) પૂછો, પછી નિર્ણય કરો. પણ આ વાત હમણાં આપણી વચ્ચે છે. બીજે દિવસે તેમણે મને સવિનય ના પાડી હતી. ઉમેર્યું હતું, ‘1960ની આસપાસ ચન્દ્રક આપ્યો હોત તો લીધો હોત.’ ટૂંકમાં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમણે નકાર્યો હતો. એ બહુ ઓછા લોકો જાણે છે, જોકે બક્ષીએ કોઈને કહ્યું નહોતું. બક્ષી શું છે એની બક્ષીને ખુદને ખબર હતી. એક ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાના માટે કહ્યું છે : ‘હું અહંકારી માણસ છું. અહંકારને હું ગુણ સમજું છું. મારે માટે અહંકાર એ ઓમકાર છે. એકાન્ત પ્રિય માણસમાં અહંકાર હોય જ….’

આજે આપણી પાસે બક્ષી તો શું, એમનો ડુપ્લિકેટ પણ નથી. છે ?

August 3, 2013

દિલ્હી : સમાધિનગર, અંત્યેષ્ટિનગર કે નેતાનગર?

વાસનાની સીમા કઈ? પૈસા, જવાની, સાધનો, સત્તા, ભક્તો? એ બધાથી આગળ પણ એક મંઝિલ છે. ચારે તરફ જયજયકાર હોય અને સૂર્યાસ્તની ઊડતી ધૂળમાં જમનાને કિનારે લોકો ચિલ્લાતા હોય - જબ તક સૂરજ ચાંદ રહેગા, (જે નેતાનું નામ હોય એ) તેરા નામ રહેગા! દેશને માટે મરી ફીટનારા અનામ સૈનિક અથવા 'અનનોન સોલ્જર'ની જગતભરમાં સર્વત્ર સમાધિઓ છે પણ આપણે ત્યાં 'અનામ તેરા નામ રહેગા' બોલવું ફાવતું નથી, એ વિધાન જ એક વિરોધિતા છે. નામ ન હોય એ જ અનામ કહેવાય. અલબત્ત, આપણે ત્યાં પણ અમર જ્યોતિ સતત પ્રજ્વલિત છે એ અનામ સૈનિકની યાદમાં, જેણે ગઈકાલે પોતાના પ્રાણની આહુતિ આપી છે કે જેથી આજ રાતે આપણે પરિવાર સાથે ચેનથી સૂઈ શકીએ.

સૂરજ અને ચાંદ છે ત્યાં સુધી ઈન્દિરાજી અને સંજયજી અને ચૌધરીજી અમર રહેશે, એમનું નામ રહેશે. દિલ્હીમાં એક 'વી.આઈ.પી. સ્મશાનવાદ' ફેલાઈ રહ્યો છે એમ ગુજરાતીના શ્રેષ્ઠ પત્ર-તંત્રી હસમુખ ગાંધી લખે છે. જમના કે કિનારે, રો રો કે પુકારે, આકાશ કે તારે... એવું એક પાનવાળાની દુકાન પાસે કવ્વાલીમાં વર્ષો પહેલા સાંભળ્યું હતું. એ દિવસોમાં જમનાને કિનારે ફક્ત રાજઘાટ હતો. પછી તો શાંતિવન થયું, વિજય ઘાટ થયો, શક્તિસ્થળ આવ્યું, હવે કિસાનઘાટ તૈયાર થયો છે. ગાંધીજી, જવાહરલાલજી, લાલબહાદુર શાસ્ત્રીજી, ઈન્દિરાજી, સંજયજી અને હવે ચૌધરી ચરણસિંહજી....સમાધિઓ એટલી વધી રહી છે કે એ આખા કિનારાને સમાધિનગર કે અંત્યેષ્ટિનગર કે નેતાનગર જેવું કંઈક સરસ નામ આપવાનો વિચાર કરવો જોઈએ.

(અભિયાન, જૂન 22, 1987)
(રાજકારણ -2)