August 20, 2016

રમત: બદલાતા કાયદા, ખેલાડીઓ, સાધનો, દિમાગો

રમતનું વિશ્વ ગુજરાતી પ્રકૃતિથી દૂરની વસ્તુ છે, ગુજરાતી પ્રકૃતિ એટલે ગુજરાતી પુરુષોની પ્રકૃતિ! ગુજરાતી સ્ત્રીઓએ રમતના જગતમાં છલોછલ યોગદાન કર્યું છે. ગુજરાતના પુરુષો અખિલ ભારતીય કક્ષાએ ભાગ્યે જ દેખાયા છે, જ્યારે કેટલીય ગુજરાતી સ્ત્રીઓ વિવિધ રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ચૅમ્પિયનો છે. રમતવીરો માટે ગુજરાતને ખાસ માન કે આદર પણ નથી. કારણ કે પ્રજાના હીરો ધર્મગુરુઓ છે અથવા મારૂતિ કારમાં બેઠા બેઠા ગ્રેપ ("ગ્રે"નો ઉચ્ચાર ગુજરાતમાં મોઢું સાત ઇંચ પહોળું કરીને કરવાનો) જ્યુસ પીનારા કે પાનની દુકાન પર માવાનાં પડીકાં બંધાવનારા છે. ગુજરાતી સમાચારપત્રોમાં રમત સમાચાર કે રમતનું પાનું દસ-પંદર વર્ષ પહેલાં ન હતું, પછી આવ્યું. અને આ પાનું અંગ્રેજી ડિસ્પેચ કે ટીકર-ટેપનો સીધો, બેઠો, ક્લિષ્ટ, કર્કશ, કુત્સિત તરજુમો હોય છે. જે કંઈ થોડું કદાચ પ્રતિભાવ રૂપે લખાય છે એ દેશી ક્રિકેટ વિષે લખાય છે. નેટવર્ક ટી.વી. પણ એટલું જ જવાબદાર છે. જે રીતે દૂરદર્શન રાષ્ટ્રભરનો પ્રાઇમ ટાઇમ સમય ટેનિસ પાછળ સમાચારોમાં લગભગ રોજ બગાડે છે એ જોઈને ગમે તેને થાય કે ટેનિસ જ આપણી રાષ્ટ્રીય રમત હોવી જોઈએ. પણ ઉપર કોઈ અફસરનાં ચાર લંગુરછાપ કોન્વેન્ટિયાં છોકરાં બેઠાં હશે, અથવા ટેનિસની ક્લીપો કે અંશની ફિલ્મો સીધી, વિના મહેનતે મળી જતી હશે. એટલે સમસ્ત હિન્દુસ્તાન પર આસાનીથી ઠોકી શકાતી હશે. આપણે સ્વતંત્ર ભારતના ગુલામદશકમાંથી ગુજરી રહ્યા છીએ એવું લાગે છે.

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીના અધ્યક્ષ ઐવરી બ્રેન્ડેજે એકવાર કહ્યું હતું કે પ્રાચીન ગ્રીસમાં જ્યારે ઑલિમ્પિક રમતો યોજાવાની હોય ત્યારે યુદ્ધો અટકાવી દેવાતાં હતાં, આજે યુદ્ધોને લીધે ઑલિમ્પિક રમતો અટકાવી દેવાય છે! લેખક જ્યોર્જ ઓરવેલે ઑલિમ્પિક રમતો માટે લખ્યું હતું કે આ યુદ્ધ છે, ગોળીઓ વિનાનું! એડોલ્ફ હિટલર કદાચ વધારે સચોટ હતો. હિટલરે એની આત્મકથા "માઈન કામ્ફ" (મારું કાર્ય)માં નફ્ફટાઈથી લખ્યું છે. મને એક એથલીટ આપો અને હું એક સૈન્ય ઊભું કરી દઈશ! પશ્ચિમના સમાજોમાં એથલીટ કે સ્પોર્ટ્સમૅન પ્રજાનો હીરો છે, એના પર ધન અને આદર વરસાવી દેવામાં આવે છે. એથલીટ એ મનુષ્ય આદર્શ છે જેનામાં તન અને મનનું ફાઈન ટ્યુનિંગ થયેલું છે.

આજથી બરાબર 2767 વર્ષો પહેલાં ગ્રીસમાં ઑલિમ્પિક રમતો શરૂ થઈ (ઈસા પૂર્વ 776). એનું કારણ જુદું હતું. એચીલીસના મિત્ર પેટ્રોક્લેસનું અવસાન થઈ ગયું હતું અને એ જુદાઈનો ગમ ભૂલવા માટે એચીલીસે ટ્રોય નગરની દીવાલોની બહાર પ્રથમ રમતો યોજી હતી. ઈસા પૂર્વ 393માં સમ્રાટ થિયોડોસીઅસે આ રમતો પર પ્રતિબંધ મૂકી દીધો અને 1503 વર્ષો સુધી આ રમતો બંધ રહી! 1896માં આધુનિક ઑલિમ્પિક રમતોનો પુનર્જન્મ થયો અને રમતના કાયદા બદલાઈ ગયા. મૂળ ઑલિમ્પિક રમતોનો પુનર્જન્મ થયો અને રમતના કાયદા બદલાઈ ગયા. મૂળ ઑલિમ્પિક રમતોમાં માત્ર પ્રથન ઈનામ જ મળતું હતું. બીજું કે ત્રીજું ઈનામ ન હતું. આધુનિક રમતોમાં બીજા અને ત્રીજા ઈનામો ઉમેરાયાં અને પછી રમતના કાયદાઓ ઝડપથી બદલાતા રહ્યા.

અને હજી પણ કેટલાય દેશોના એથલીટો સાફ માને છે કે તમે પ્રથમ આવો તો જ સ્પર્ધાનું મહત્ત્વ છે. પહેલો અને છેલ્લો એ બે જ નંબરો છે, એ સિવાય કોઈ જ સ્થાન નથી. કાયદાઓ બદલાય, પણ પ્રથમ સ્થાન હજી પણ પ્રથમ સ્થાન જ છે...

નવી રમતો ઉમેરાતી જાય છે અને જૂની રમતોના કાયદા સમય પ્રમાણે બદલતા જાય છે. બિજિંગની 11મી એશિયન રમતોમાં બે નવી રમતો ઉમેરવામાં આવી, હિંદુસ્તાનની કબડ્ડી (હુતુતુતુ) અને મલેશિયાની સેપાક ટેકરો. નિયમ એવો છે કે કોઈ પણ નવી રમત ઉમેરવી હોય તો એ કમથી કમ છ દેશોમાં રમાતી હોવી જોઈએ અને ઓછામાં ઓછી ચાર ટીમોએ ભાગ લેવો જોઈએ.

રમતો હવે બદલાઈ ગઈ છે, ફૂટબૉલ હવે ડ્રીબલિંગ અને પાસિંગની રમત રહી નથી. બર્બર તાકાત અને આધુનિક ટેકનિક વિના ફૂટબૉલનું મેદાન નથી. ટેનિસમાં હવે પાવર ટેનિસ આવી ગઈ છે. ક્રિકેટમાં લેટ કટ અને સ્ક્વેર કટ જૂના થઈ ગયા, હવે વેસ્ટ ઇંડિયન અને ઑસ્ટ્રેલિયન અને પાકિસ્તાની ક્રિકેટરને હંફાવી નાંખે એવા દક્ષિણ આફ્રિકનો આવી રહ્યા છે. હોકી હવે પોઝીશન પ્લે રહી નથી, મરણિયા જાંબાઝ ખેલાડીઓ જ ફિલ્ડ ગોલ કરી શકે છે. આ સંદર્ભમાં બૅડમિન્ટન જેવી પ્રમાણમાં ઓછી સશક્ત રમત વિષે ભારતે આમંત્રણ આપીને બોલાવેલા ચાઈનીઝ કોચ વેંગ ઝિયાઓ મિંગે કહેલી વાત સૂચક છે. વેંગે કહ્યું કે અમારા છોકરાઓ અને તમારા છોકરાઓ શારીરિક ક્ષમતા અને દક્ષતાની દૃષ્ટિએ સમકક્ષ છે પણ આ સમાનતાઓ અહીં અટકી જાય છે. અમારા ચીના છોકરાઓ ખૂબ જ મજૂરી કરી શકે છે, તમારા છોકરાઓ કરી શકતા નથી. પરિણામ? પરિણામ એ આવે છે કે પહેલી ગેમ તો ઇંડિયન પ્લેયર ચૅમ્પિયનની જેમ રમે છે. પણ પછી તરત જ એની કક્ષા પડવા લાગે છે. ચીના કોચની વાતમાં તથ્ય છે, હિંદુસ્તાની ખેલાડીઓ પાસે સ્ટેયિંગ પાવર કે ટકી રહેવાની, માર ખાઈને લડતા રહેવાની, ઝઝૂમતા રહેવાની શક્તિ નથી. અને હિંદુસ્તાની ખેલાડી પાસે કિલર સ્પિરિટ નથી. પ્રતિસ્પર્ધીને કતલ કરી નાંખવાની, હલાલ કરી નાંખવાની, બરાબર સમયસર ઘા મારવાની મન:સ્થિતિ જ નથી.

ફ્રેંક સેજમેન ઑસ્ટ્રેલિયન ટેનિસ પ્લેયર છે અને એક જમાનામાં એ વિશ્વનો શ્રેષ્ઠ હતો. મદ્રાસમાં સેજમેને આજના બદલાયેલા ટેનિસ વિષે વ્યથા વ્યક્ત કરી. હવે ટેનિસ ઘાસ અથવા માટી અથવા કૃત્રિમ સપાટી પર રમાય છે, જે આખું વર્ષ રમી શકવા માટે બનાવવામાં આવી છે. હવે ટેનિસ એ ટીવી અને વિજ્ઞાપન વિશ્વનું એક અભિન્ન અંગ બની ગયું છે એમ લાગે છે. પહેલાં કેટ ગટ્સ અથવા બિલાડીનાં આંતરડાંમાંથી ટેનિસના રૅકેટની ક્રોસ દોરીઓ બનતી હતી. હવે અત્યંત શક્તિશાળી ફાઈબરનો ઉપયોગ થાય છે. બૉલ હવે સ્ટૅન્ડર્ડ બન્યા છે. દોડવાની સપાટીઓ મિકેનિકલ બની ગઈ છે, ટૅનિસનાં બૂટમાં જમીનને પકડવાની ગ્રીપ કે પકડ વધારે સખ્ત બનાવવામાં આવી છે. બે ગેમ વચ્ચે આરામ અપાય છે અને ટાય-બ્રેકર પણ આવી ગયું છે.

લગભગ દરેક રમત હવે આધુનિક બની ગઈ છે અને એ માટેનાં ઉપકરણો બનાવવા માટે નવા નવા પદાર્થોના પ્રયોગ થઈ રહ્યા છે. રશિયન સર્ગેઈ બુબકા પોલ વોલ્ટ કૂદમાં વિશ્વનો ચૅમ્પિયન છે અને એણે વારંવાર કેટલીય વાર એના પોતાના જ વિશ્વવિક્રમો તોડ્યા છે. શરૂમાં પોલ વૉલ્ટની રમતમાં પોલ વાંસનો રહેતો હતો. આજે રબરથી ફાયબર સુધી કેટલીય વસ્તુઓ વપરાતી થઈ ગઈ છે. વેસ્ટ ઈંડિયન ક્રિકેટરોમાં વજનદાર બૅટો જેવી આ વાત છે. જે બૅટ વજનદાર છે એમાં સામાન્ય ફટકો બૉલને ડબલ વેગ આપે છે. એમાં બાઉન્ડ્રી વધારે આસાન થાય છે પણ સામર્થ્ય જોઈએ છે. પોલ વૉલ્ટમાં કંઈક એવો જ ફેરફાર થયો છે. ફાયબરના પોલ વધારે લાંબા કરવામાં આવ્યા છે અને એ પદાર્થ એવો છે કે છલાંગ લગાવનારને એક બાઉન્સ કે ઉછાળો આપે છે. સર્ગેઈ બુબકા વિશ્વના સર્વકાલીન મહાન એથલીટોમાં સ્થાન પામે છે. પણ એનો ફાયબરનો પોલ લગભગ સ્થિતિસ્થાપક છે.

અને રમત હવે એટલી નિર્દોષ પણ રહી નથી. ન્યુઝીલેન્ડની સામે પાકિસ્તાનીઓએ બોલનો આકાર ગેરકાયદેસર રીતે બદલી નાંખ્યો હતો. એ હવે જાહેર થઈ ગયું છે. પ્રથમ ડ્રિંક્સ ઈન્ટરવલ વખતે બૉટલોની ધાતુની કેપ ઘસી ઘસીને પાકિસ્તાની ખેલાડીઓ બૉલનો એક તરફનો આકાર બગાડી નાંખતા હતા. બોલ દબાવી દબાવીને એનો આકાર બદલી નાંખવામાં આવતો હતો. પાકિસ્તાની ક્રિકેટની મજા એ છે કે ન્યુઝીલેન્ડ ટીમના મેનેજર ઈયાન ટેલરે કહ્યું કે નવા બૉલ કરતાં જૂના બૉલથી વધારે વિકેટો લેવાય છે! બૉલનો આકાર બદલવા માટે એ લોકો નખ, સેન્ડ પેપર બધું જ કદાચ વાપરી શકતા હતા. મૅનેજર ટેલરે ઉમેર્યું, એ લોકોએ જો છૂરીઓ વાપરી હોય તો પણ મને આશ્ચર્ય નહીં થાય...

(સમભાવ: ઑગસ્ટ 15, 1991) 
(ખાવું, પીવું, રમવું)

1 comment: