આજે 1 મે, 2013નાં રોજ ગુજરાત એનાં સત્તાવાર અસ્તિત્વનાં 53 વર્ષ પૂરા કરી રહ્યું છે ત્યારે પ્રસ્તુત છે, આજથી 33 વર્ષ પહેલાં ચિત્રલેખામાં પ્રકટ થયેલી બક્ષીસાહેબની લેખમાળા "મહાજાતિ ગુજરાતી"માંથી એક વિસ્તૃત અભ્યાસ-અવલોકન લેખ:
કલકત્તાના એક વિરાટ પ્રેક્ષકગૃહનું નામ છે મહાજાતિ સદન! એ નામની પાછળ એક નાની વાત છે. સુભાષ બોઝે નેતાજી બન્યા એના પહેલાં એની શિલારોપણવિધિ કરેલી. એ મકાનના સંચાલકો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પાસે ગયા અને કંઈક સરસ નામ સૂચવવાની વિનંતી કરી. ગુરુદેવે કહ્યું કે બંગાળી જાતિ મહાજાતિ છે, માટે આ સદનનું નામ 'મહાજાતિ સદન' પાડો ! અને એ નામ સ્વીકારવામાં આવ્યું.
ગુજરાતીભાષી જનતાનો સામાજિક એક્સ-રે લેવામાં આવે તો શું જોવા મળે? ગુજરાતીઓ મહાજાતિ છે કે મીનીજાતિ છે? ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટાં પડ્યાં ત્યારે મહાગુજરાત શબ્દ થોડો સમય ચાલેલો, પણ પછી ગુજરાત શબ્દ જ સ્વીકારવામાં આવ્યો. ભારતના રાષ્ટ્રમાં એક નાનો ભાગ 'મહારાષ્ટ્ર' છે એમ શાબ્દિક રમૂજ કરી શકાય. મહાગુજરાત શબ્દ ગુજરાતી મિજાજને કદાચ રુચ્યો નહીં, પણ ગુજરાતી જાતિને એવી કોઈ નમ્રતાની જરૂર નથી. એક મહાજાતિનાં કયાં લક્ષણો હોય છે? આપણી ખાસિયતો, લાક્ષણિકતાઓ, વિશેષતાઓ અને વિશિષ્ટતાઓ કઈ છે? આ વિશે કોઈ વ્યવસ્થિત અભ્યાસ થયો નથી. આપણી જ છાતી પર સ્ટેથોસ્કોપ મૂકીને આપણા ધબકારા ગણવા અઘરું કામ નથી, પણ જરા અસ્વસ્થ કરી મૂકે એવું કામ જરૂર છે.
1 મે, 1960ને દિવસે ગુજરાત રાજ્યનો જન્મ થયો. 1 મે, 1980એ ગુજરાત 20 વર્ષ પૂરાં કરે છે. સંવિધાન પ્રમાણે 21 વર્ષ સમાપ્ત થયા બાદ નાગરિક પુખ્ત બને છે અને એને વોટ આપવાનો અધિકાર મળે છે. ગુજરાત જ્યારે પુખ્ત વયને ઉંબરે ઊભું છે ત્યારે નિષ્પક્ષ થઈને, જરાક ક્રૂર થઈને પણ એ વિચારવું પડશે કે ગુજરાતીઓ કોણ છે, શું છે, ક્યાં છે, કેવા છે?
ગુજરાતીભાષી ઘણા રંગોમાં આવે છે. ઘણી બોલીઓ બોલે છે, પણ ગુજરાતી એકસૂત્રતા એમને બાંધી રાખે છે. એ અઠ્ઠાઈ કરે છે, મક્કા તરફ મોઢું કરીને પાંચ વખત નમાઝ પઢે છે, 'ચ્યમ' અને 'ચાંણે' અને 'કુરો' અને 'ઓલો' શબ્દ વાપરે છે, આખાં મરચાંનાં ભજિયાં અને ભાવનગરી ગાંઠિયા અને ગોળકેરી ખાય છે, તુવરની દાળના તલબી છે, ઊંધિયું, ખમણ-ઢોકળાં અને આઈસક્રીમના શોખીન છે, નવરાત્રિમાં રાતરાતભર નવ રાતો નાચે છે, છાપાંમાં મૃત્યુનોંધ પ્રેમથી વાંચે છે, કુંડળીમાં મંગળ ન હોય એવી છોકરી શોધીને જ પરણે છે, મીઠા તેલમાં વઘારેલું શાક ઝાપટે છે. ઉત્તર કે દક્ષિણ ભારતીયની જેમ માત્ર રોટી કે માત્ર ચાવલ ખાતા નથી. ભારતના નક્શાના મધ્યમાં ગુજરાત છે એટલે ગુજરાતીઓ મધ્યમાર્ગી છે. એ 'રોટલી' અને 'ભાત' બન્ને ખાય છે!
વિચિત્ર પ્રજા છે ગુજરાતી ! ટાઈ પહેરીને ફોટા પડાવવાના શોખીન છે. અમેરિકા જઈ આવ્યા હોય તો પણ 'નેસન', 'ટેન્સન' અને 'ફેસન' બોલે છે. બિલનું પેમેન્ટ આપતાં પહેલાં થોડું કાપી લીધા વિના એને ચેન પડતું નથી. બહુ બર્ડન હોય તો દારૂ પીએ છે, પણ માંસ ખાતા નથી. સ્ત્રીઓ કદાચ શરાબ પીએ તોપણ સિગારેટ ભાગ્યે જ પીતી હોય છે. માથાના વાળની પૂંછડી સુધી ઘરેણાં પહેરે છે કે પછી સ્લીવલેસ હોલ્ટર પહેરીને ડિસ્કોમાં જઈને નાચી નાખે છે. સ્વાભાવિક રીતે ગુજરાતી ગરીબ મરતો નથી એ દ્રષ્ટિએ પિતા તરીકે એ વધારે સારો છે. નેચરોપથીનો જિદ્દી છે. વાગી જાય એવી રમતો રમતો નથી. પત્તાંબાજી રમે છે. એમને યોગ ગમે છે, પણ કુસ્તી કે વેઈટલિફ્ટિંગ એમના મિજાજને માફક આવતું નથી. સુંવાળા છે એવું આખું હિન્દુસ્તાન માને છે. દરેકના નામની પાછળ 'ભાઈ' લગાડીને કરોડપતિથી મુફલિસ સુધી બધાને એક લાઈનમાં બેસાડી શકે છે. વીસ-પચીસ વર્ષ પહેલાં બંગાળીની પાછળ પાગલ હતા. આજે અમેરિકા અમેરિકા થઈ રહ્યું છે. ઘરમાં સંતાનોને 'શીલા' કે 'શર્મિલા' કે 'મૂકેશ' કહીને મોટા સ્વરે બોલાવી શકે છે. ઈંડાંની કાચલીઓ કાગળમાં લપેટીને સાવધાનીથી, કોઈ ન જોતું હોય ત્યારે બારી બહાર ફેંકી દે છે. હોટેલમાં જઈને 'બોનલેસ' મટન ખાઈ જાય છે.
મુંબઈને સ્વચ્છ રાખનાર સુધરાઈના સફાઈ કામદારો લગભગ બધા જ ગુજરાતી છે, મુંબઈને ખોરાક આપનારા ઘણા દાણાવાળા ગુજરાતી છે અને મુંબઈની તબિયત ખરાબ થાય તો દવા કરનારા ઘણાખરા ડૉક્ટરો પણ ગુજરાતી છે!
એક વાર નાટ્યકાર શંભુ મિત્રે મને પ્રશ્ન પૂછ્યો હતો: ભારતની જાતિઓમાં સૌથી વધુ દુનિયા ફરેલા ગુજરાતી છે. અત્યાધુનિક હોવાને કારણે એમના ઘરમાં વધારે પશ્ચિમી અસર હોવી જોઈએ, પણ એમનાં ઘરોનું ફર્નિચર અને સુશોભનો લગભગ ગુજરાતી જ હોય છે! પંજાબી કે બંગાળી હોય તો વધારે 'વેસ્ટર્નાઈઝ્ડ' હોય, પણ આ ગુજરાતીઓની ખાસ વિરોધિતા તમે કેવી રીતે સમજાવી શકશો?
હા, સ્વભાવની વિરોધિતા ગુજરાતી લાક્ષણિકતા છે. બે ગુજરાતી મળે ત્યારે અંગ્રેજીમાં વાત કરે. ઉચ્ચારણ ભયાનક હોય, પણ ભાષા અંગ્રેજી હોય. ગર્વથી કહી પણ દે - મને ગુજરાતી આવડતું નથી! અમે ઈંગ્લિશ મિડિયમમાં ભણ્યા છીએ! પણ એની આંગળીઓના નખની હળદરની પીળાશ, નવરાત્રિની રાતે નાચતું એનું શરીર, એનાં કપડાંની બગલા જેવી સફેદી, એના રસોડાનાં વાસણોનો ચકચકાટ, અનુકૂલન અથવા ઍડજસ્ટમેન્ટની એની ગજબનાક શક્તિ, એના વ્યવહારુ ખરાબ અક્ષરો - એ પૂર્ણત: ગુજરાતી છે.
ગુજરાતી દેશભરને વેજીટેબલ તેલ અને માખણ ચટાડે છે. લાકડાંથી, તમાકુથી હીરા સુધી ડઝનો વસ્તુઓ એમના મોનોપોલી વ્યવસાયો છે. કલકત્તા અને કરાંચીમાં ભાડૂઆત તરીકે ગુજરાતીને પ્રથમ પસંદ કરવામાં આવે છે, કારણ કે એ ટાઈમસર ભાડું આપે છે અને નાની વાતોમાં કચકચ કરતો નથી અને મોટી વાતોમાં ઝઘડા કે કોર્ટકચેરી પણ કરતો નથી. એના જેટલું સાફ ઘર બહુ ઓછી પ્રજાઓ રાખે છે. ગુજરાતી કંપનીમાં નોકરી કરવાનું અન્ય જાતિના સભ્યોને ગમે છે, કારણ કે એ શોષક પ્રકારનો માલિક નથી. સામાન્ય રીતે, કર્મચારીને તકલીફ હોય તો એના દિલમાં અનુકંપા રહે છે. ગુજરાતી ખૂન જમીનદાર કે ચૌધરીનું નથી, પણ સમજદાર વેપારીનું છે. બે હજાર વર્ષના ઈતિહાસના અનુભવે એને ગળથૂથીમાં જ શીખવી દીધું છે કે સત્તા સામે શાણપણ નકામું છે. ભારતની બહુ ઓછી પ્રજાઓ પાસે આટલો સુખી મધ્યમ વર્ગ છે.
ગુજરાતીનો અર્થ કાઢવો અઘરું કામ છે. એ પાટીદાર અને બ્રહ્મક્ષત્રિય છે. એ પારસી અને જૈન છે, એ વહોરા અને લોહાણા છે, એ ઔદિચ્ય અને ખડાયતા છે - મુંબઈમાં સ્થાયી થયા પછી એને 'ગુજરાતી' લૅબલ લાગ્યું! જોકે હજી પણ એ પરણે છે કે મરે છે ત્યારે ખોજા-શીઆ-ઈસ્ના-અશરી, દશા, સોરઠિયા, વણિક કે ત્રિવેદી મેવાડા, બ્રાહ્મણ, બાવીસી કે હાલાઈ લોહાણા બની જાય છે. એ નર્મદાને કિનારેથી આવ્યો છે, ચોટીલાની તળેટીમાંથી નીકળ્યો છે. એ પંચમહાલથી એસ.ટી.માં બેઠો છે, એના ગામના પાદરથી ખારોપાટ શરૂ થાય છે. ખભા પર વચન લઈને ફરનારો એ ખાનાબદોશ છે. એના વતનનાં ઘણાં નામો છે, જામ-ખંભાળિયા અને કપડવંજ, વડનગર અને માંગરોળ, મહુવા અને પાટણ, આણંદ અને પોરબંદર, દમણ અને અમદાવાદ અને અમદાવાદ અને અમદાવાદ! માટે જ કરાંચીથી ત્રીસ વર્ષે આવેલો મેમણ પહેલા કુતિયાણા જઈને એના ગામની તૂટેલી મસ્જિદ જોઈ આવે છે, ઝરિયાના કોલસા ક્ષેત્રથી દસ વર્ષે આવેલો કાઠિયાવાડી લીંબડી જઈને એના તળાવ પાસે ઊભો રહી જાય છે. શિકાગોથી પાંચ વર્ષે આવેલી મિસિસ પટેલ ચરોતરના હાઈવે પર કાર ઊભી રાખીને ખેતરોની લીલોતરી જોઈને આંખો ભીની કરી લે છે. ગુજરાત એક નશાનું નામ છે, વહેતી ધારાનું નામ છે. ધ્યેયના નિશાનનું નામ છે, લોહીના રંગનું નામ છે, ખોયેલા ધબકારાના અહસાસનું નામ છે, આકાશ અને ધૂળ અને પાણીનું નામ છે.
બહારવાળા તારીફની દ્રષ્ટિએ ગુજરાતને જુએ છે. આટલી ઔદ્યોગિક ક્રાંતિ, આટલી વિરાટ પ્રગતિ, આટલી મહેનત પંજાબ-હરિયાણા સિવાય ક્યાંય નથી, પણ પંજાબ-હરિયાણાને કેન્દ્રનું પીઠબળ અને ધનબળ મળતું રહ્યું છે. ગુજરાતી પોતાના પૈસાથી ઊભો થયો છે. હિન્દુસ્તાનમાં જ્યાં દસ-વીસ ઘરો છે ત્યાં પણ ગુજરાતી સમાજ-સંસ્થાન ઊભું થયું છે. કરાંચી, કલકત્તા, લંડન, ન્યૂ યૉર્ક જેવાં સ્થાનોએ ગુજરાતી પત્રિકાઓ નિયમિત નીકળતી રહે છે! આપણે રાષ્ટ્રવાદી છીએ, નાની પ્રાંતીય મનોવૃત્તિવાળા નથી અને એ વસ્તુએ એક નવી સ્થિતિ પેદા કરી છે.
આપણા નિષ્ઠ અને અનુભવી પત્રકાર વાસુદેવ મહેતાએ આ વિષે અભિયાન શરૂ કર્યું છે, જે હોશમાં લાવી દે એવું છે. આઈ.એ.એસ., આઈ.પી.એસ. ઊંચી સરકારી નોકરીઓમાં ગુજરાતી નથી અથવા નહિવત છે! માત્ર ત્રણ વર્ષથી ગુજરાતમાં આવેલો પરપ્રાંતીય 'કેમ છો?' 'શું છે?' બોલી શકતો હોય એને કાનૂનની દ્રષ્ટિએ ગુજરાતી ગણવામાં આવે છે! મહારાષ્ટ્રમાં દસ વર્ષનો નિયમ છે, બંગાળમાં તો માણસ જિંદગીભર 'નોન-બેંગોલી' કે અ-બંગાલી રહે છે! મિલિટરીમાં ગુજરાતી નથી. બંગાળની હલ્દિયા રિફાઈનરીમાં 90 ટકા બંગાલી છે. આસામ પોતાના અધિકારો માટે સળગી રહ્યું છે, પણ વડોદરાની રિફાઈનરીમાં નીચા દરજ્જાની નોકરી માટે પણ ગુજરાતીનો આગ્રહ નથી! નોકરી મેળવી લીધા પછી ત્રણ વર્ષ ગુજરાતમાં રહ્યો હોય એને પણ ગુજરાતી ગણી લેવામાં આવે છે! 1962થી 1980 સુધીમાં વડોદરા રિફાઈનરીમાં એક પણ ગુજરાતી ઉચ્ચાધિકારી બન્યો નથી. ગ્રેડ-3 અને ગ્રેડ-4 માટે પણ બિનગુજરાતીઓ છે! નવા અધિકારીઓમાં બંગાળી ભરાતા જાય છે એમ વ્યાપક ફરિયાદ છે. ઓ.એન.જી.સી. રિફાઈનરી કેન્દ્રનાં ખાતાં - બધે જ ગુજરાતીને સરાસર અન્યાય થાય છે અને રાજનેતાઓ તથા મજૂરનેતાઓ નાહિંમત અને કાયર છે એટલે કંઈ બોલવા માગતા નથી!
ગુજરાતના છેલ્લા નેતા 'સરદાર' હતા. હવે ખાદીધારી હવાલદારો આવી ગયા છે. સરદારે સ્વાતંત્ર્ય-પ્રાતિ પછી રાજસ્થાનનું આબુ પણ ગુજરાતમાં મેળવી દીધું હતું! આજે બૉમ્બે હાઈના ગૅસની પાઈપલાઈનનું ભૂમિબિંદુ મહારાષ્ટ્રના નવાપુરને બદલે ગુજરાતના જ ઊભરાટમાં નાખવાનો કેસ સાચો હોવા છતાં નેતાઓની રોકકળ, કાલાવાલાં, વિનંતીની કેન્દ્રને પડી નથી. કારણ કે એ જાણે છે કે ગુજરાતી નેતાગીરી પાણી વગરની છે! કેન્દ્ર તરફથી ગુજરાતને થતો અન્યાય જગજાહેર છે. પછી એ ટાટાનો ફર્ટિલાઈઝર પ્રોજેક્ટ હોય કે કચ્છનો વિકાસ હોય, નર્મદા યોજના હોય કે દૈવી કોપ માટેની આર્થિક સહાય હોય! ગુજરાતની પ્રજા, લેખક સમરસેટ મોમે કહેલા વાક્યને જરા ગોઠવીને કહીએ તો ફર્સ્ટ ક્લાસ છે, પણ લીડરો થર્ડ ક્લાસ છે. એ બન્ને હાથ જોડીને ધોતિયાં ફરફરાવતાં ઊભા રહી જાય છે.
ગુજરાતની તકલીફ છે ગુજરાત પાસે માત્ર 'શુદ્ધ' નેતાઓ છે. ગુજરાતને એક બાલ ઠાકરેની જરૂર છે, રજની પટેલ જેવા એક મુખ્યમંત્રીની જરૂર છે. ગાંધીવાદી જૂની પેઢી ગાંધીનું નામ ચરી ખાય એ 1980ના યુગમાં ચાલે નહીં, સમય બદલાઈ ગયો છે, સંદર્ભ બદલાઈ ગયો છે. ઉમાશંકર જોશી ઉપ-કુલપતિ બન્યા પછી ગુજરાતી સ્નાતક માટે અંગ્રેજીના દરવાજા બંધ થયા, પૂરું ભારત એને માટે ફોરેઈન બની ગયું. સામાન્ય ક્લાર્કની ત્રણસો રૂપિયાની નોકરી ભારતમાં ક્યાંય કરવા માટે પણ ગુજરાતી યુવાન અસમર્થ બની ગયો. અંગ્રેજી બંધ કર્યા પછી ગુજરાતી યુવા પેઢીનો ધીમો આપઘાત શરૂ થયો જેને માટે વિશ્વવિદ્યાલયોના દ્રષ્ટિહીન, અપંગ શિક્ષણશાસ્ત્રીઓ જવાબદાર છે.
ગુજરાતી નેતાગીરીની જિદ્દી નીતિબાજીથી ગુજરાતને ઘણું સહન કરવું પડ્યું છે. ગુજરાતી રાજકારણનું માથું સુવરનું, સેક્સ ખચ્ચરની અને આત્મા આખલાનો છે.
ગુજરાતની પોતાની લૉટરી ટિકિટો નથી, પણ રાજસ્થાન, કેરાલા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યો પોતાની ટિકિટો વેચીને ગુજરાતમાંથી લાખો-કરોડો રૂપિયા ખેંચી જાય છે, જે ગુજરાતની આમજનતાના છે. નોકરીઓમાં નોન-ગુજરાતી એમની જાતિઓના માણસોને ખેંચી લાવે છે.
ગુજરાતને દારૂબંધીનો તો કંઈક નશો જ ચઢી ગયો છે! દારૂ કરતાં દારૂબંધીનો નશો ભયાનક હોય છે. આખી દુનિયામાં દારૂબંધી નિષ્ફળ ગઈ છે, પણ ગુજરાત ગાંધીનું એકમાત્ર કાયદેસરનું વારસદાર હોય એમ દલીલથી કે તર્કથી પર થઈ ગયું છે અને 'જુલમ' કરીને પણ જનતાને 'સુખી' કર્યા વિના છોડશે નહીં.
દારૂબંધીનું તંત્ર ચલાવવા માટે કરોડોનો ખર્ચ, દારૂ કાયદેસર ન વેચાય એટલે સરકારને કમાણીમાં કરોડોનું નુકસાન - અને દરેક શરાબ એ દારૂ નથી! વિદેશી ટેકનિશિયનોને પણ મદ્યપાનની પરમિટ ન આપવી એ નીતિ માટે કયો શબ્દ વાપરવો એ સમજાતું નથી. ગુજરાતને પ્રવાસી-પર્યટકો અરબ સહેલાણીઓ ન મળે એ દીવા જેવું સ્પષ્ટ છે. કચ્છમાં રજનીશનો આશ્રમ ન જોઈએ, દરિયાકિનારાના સરકારી ગૅસ્ટહાઉસોમાં પણ સામે જ તાજી, વિપુલ સંખ્યામાં મળતી માછલીઓ ન જ રંધાય! સ્વ. ચુનીલાલ મડિયાએ મને એક આર એમની લાક્ષણિક રીતે કહ્યું હતું કે સૌરાષ્ટ્રની સરકાર બની ત્યારે પ્રાણીબાગના વાઘ-સિંહને પણ પર્યુષણના આઠ દિવસ શાકાહારી ખોરાક ખવડાવતા હતા એટલે વાઘ-સિંહની તબિયત ખરાબ થઈ ગઈ હતી! ગાંધીવાદીઓની અહિંસા વાઘ-સિંહને પણ ઠંડા કરી શકે છે!
ગુજરાતીઓ વ્યવહારુ છે એ હકીકત ભ્રમ હોય એવું લાગે છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વર્ષો સુધી કરમુક્તિ અને કન્સેશનની બૉટલનું દૂધ પાયું, સરકારે કરોડોનું નુકસાન કર્યું - પણ હજી બૉટલ છોડવી નથી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને બે પગ પર ચાલતાં શીખવું જ નથી. બહારના નિર્માતાઓ-કલાકારો, જેમને ગુજરાતીનાં બે વાક્યો સીધાં બોલતાં હજી આવડતાં નથી, અહીં ફિલ્મો ઉતારી ગયા. કરોડો ઘરભેગા કરી ગયા. ફિલ્મોએ પ્રજાના પૂર્વગ્રહો અને અંધ આસ્થાઓને પોષ્યાં. સરકારની કરમાફી લઈને પ્રજાની ગંદી, બીભત્સ અને વલ્ગર રુચિને બહેકાવી. ફિલ્મોની વાત આવે ત્યારે એક ગુજરાતી તરીકે આપણે શર્મથી માથું ઝુકાવી દઈએ એવું કામ કર્યું છે. અંગ્રેજી શિક્ષણમાં આપણે છેલ્લે પાટલે બેઠા છીએ, પણ ગુજરાતી સમાચારપત્રોમાં અડધાં પાનાં ભરીને અંગ્રેજી લિપિ અને ભાષામાં જાહેરખબરો બેધડક છપાય છે. બંગાળી કે મરાઠીમાં આ શક્ય છે? તમારે એ ભાષાનો અનુવાદ જ આપવો પડે! કહે છે કે ગુજરાતમાં બ્લડબૅન્કોની પણ તકલીફ છે. અહિંસાના વિચારો ચાલતા હોય ત્યાં લોહી કેમ વેચાય?
આપણે લૉટરી ચલાવતા નથી, બિનગુજરાતી સરકારો આપણું ધન ખેંચી જાય છે. આપણે ફિલ્મોમાં કરમાફી આપીએ છીએ, બહારવાળા એ કન્સેશનનો લાભ લઈને અશ્લીલ માલ બનાવીને વેચી જાય છે. આપણે શરાબમાં માનતા જ નથી, કરોડોનું નુકસાન કરીએ છીએ, સેંકડોને ઝેર પાઈએ છીએ. આપણે લોહી વેચતા નથી, એ કારણે કોઈ બીમાર મરી જાય તો ઈટ્સ ઑલરાઈટ! પ્રવાસી-ઉદ્યોગમાં સમજતા નથી, રજનીશ નહીં જોઈએ, આરબો નહીં જોઈએ, આપણે બહાર બધે જ ફરીને પૈસા આપી આવીશું! ક્યાંય રેલ આવી કે લોકો ઘરબાર વિનાના થયા કે આપણે પૈસાનાં પોટલાં લઈને દોડ્યાં જ છીએ - રખે રહી જઈએ! આપણે ત્યાં વિનાશનું તાંડવ સર્જાય છે ત્યારે બહારવાળા ભાગ્યે જ ફરકે છે. એ જાણે છે કે ગુજુ પૈસાદાર છે. એમનું ફોડશે! આપણી યુવા પેઢીને આપણે અંગ્રેજી વિના અપંગ બનાવી દીધી. આપણે વાઘ-સિંહને પણ શાકાહારી બનાવી દીધા છે! દૂધમાં સાકરને હલાવે એમ બધા જ આપણને હલાવી શકે છે. આપણું કામ તો છે મીઠાશ વધારવાનું. જય જય ગરવી ગુજરાત !
ગુજરાતની અસ્મિતાની વાત કરતાં પહેલાં ગુજરાતી પ્રકૃતિની ઊણપો અને ક્ષતિઓને પણ જોવી જોઈએ. તેજોદ્વેષ અને ટાંગખેંચ શા માટે? એક ગુજરાતી હોય ત્યાં બીજાને નહીં ઘુસાડે. મલયાલી, બંગાળી, મરાઠી કે તમિલને પોતાની જાતિવાળા માટે સહાનુભૂતિ હોય છે. ગાંધીએ પટેલને પ્રધાનમંત્રી થવા દીધા નહીં, નેહરુને પસંદ કર્યા. આખા હિન્દુસ્તાની કોંગ્રેસોએ સરદારને લગભગ સર્વાનુમતિએ પસંદ કરેલા, ગાંધીએ વિટો વાપર્યો! પ્રધાનમંત્રી મોરારજી હતા અને અર્થમંત્રી હીરુભાઈ હતા. બન્ને ગુજરાતી, જે હવે આપણી જિંદગીમાં તો ફરીથી થવાનું નથી - છતાં પણ ગુજરાતને જરા પણ મદદ થઈ નહીં. ક્યાંક ગુજરાતી નિષ્પક્ષતા પર ડાઘ લાગી જાય તો? ઉપર જઈને ગુજરાતી ક્યાંક કમજોર બની જાય છે? આપણો દંભ, આપણી જૂઠી નમ્રતા, આપણી હિસાબી મનોવૃત્તિ, આપણી વ્યાજખાધની ચિંતા, આપણી 'વાણિયા મૂછ નીચે'નો સંતોષ, સલામતી માટેનો આપણો તરફડાટ! જો કે નવનિર્માણ આંદોલનમાં ગુજરાતી લોહી પડ્યા પછી ગુજરાતી જવાનની આંખ ફરી છે અને એક ઝડપી સામાજિક પરિવર્તન આવી રહ્યું છે - એ એક સારું લક્ષણ છે.
ગુજરાતી ભાષામાં અંગ્રેજીની જેમ એક લચીલાપણું છે. ચરોતરી, કાઠિયાવાડી, કચ્છી, સુરતી, અમદાવાદી...વહોરા, પારસી, અનાવિલ, પાટીદાર, વાઘરી, નાગર... બધા જ પોતાનું લાક્ષણિક ગુજરાતી બોલે છે! આપણને બધાને એક સૂત્રે જોડતી એ આપણી અમૂલ્ય દોલત છે. એ આફ્રિકામાં બોલાય છે, અમેરિકામાં બોલાય છે, પાકિસ્તાનમાં બોલાય છે, આખી દુનિયામાં બોલાય છે. બંગાળી કે મરાઠીની જેમ એ પ્રાંતીય નથી, વિશ્વભાષા છે. જેને જે જોડણી કરવી હોય એ કરે, જે વ્યાકરણ વાપરવું હોય એ વાપરે! ઈંગ્લિશ હોંગકોંગ અને વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલૅન્ડ અને સ્કોટલૅન્ડ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકા અને ભારત બધે જ જુદી બોલાય છે, જુદી લખાય છે, એમ જ ગુજરાતીનું છે. ગુજરાતી ભાષા વ્યાકરણશાસ્ત્રીઓએ બનાવી નથી, એ પ્રજાએ જબાનથી જબાન પર બહેલાવેલી ભાષા છે. ગુજરાતી ભાષા કોઈ ભાષાશાસ્ત્રીના બાપની ઈજારદારી નથી, કોઈ વિવેચકની રખાત નથી કે એ કહે એમ મારે વાપરવી. એ મારી માતૃભાષા છે અને પિતૃભાષા છે, મારી ધરતીની અને મારી મિટ્ટીની ભાષા છે, મારા દિલની અને મિજાજની ભાષા છે.
ગુજરાતી રંગભૂમિને સવાસો વર્ષ થઈ ગયાં, પણ આજે મુંબઈ પાસે ત્રણ વક્તાઓ નથી જે સરસ અંગ્રેજી, હિન્દી કે મરાઠીમાં ગુજરાતી નાટક વિષે બોલી શકે. બોલવામાં આપણે કમજોર છીએ એ આપણે સ્વીકારી લેવું જોઈએ. આપણો કવિ કવિસંમેલનમાં પોતાની જ કવિતા વાંકથો હોય અને એના ટાંટિયા ધ્રૂજતા હોય, હાથમાંનો કાગળ ફડફડતો હોય - એની પાસે બંગાળી, મલયાલી કે ઉર્દૂવાળાની ખુલ્લાદિલી કે બુલંદી કેમ નથી? આપણું અંગ્રેજી ગુજુ-અંગ્રેજી હાસ્યાસ્પદ લાગે છે. ટેલિવિઝનની ઝગઝગાટ લાઈટો નીચે આપણો ગુજરાતી વિદ્વાન પણ અસ્વસ્થ, કૃત્રિમ, રમૂજી લાગે છે. પેટમાં ગડગડાટ ચાલતો હોય એવું કૉમિક એનું મોઢું થઈ જાય છે! આપણા મુંબઈના પ્રખ્યાત સાહિત્યકારો પણ બોલવા ઊભા થાય છે ત્યારે શરીરમાં ત્રિભંગમાં અંગડાવા માંડે છે, ગરદન ભરતનાટ્યમ નર્તકીની જેમ પૂર્વ-પશ્ચિમ ડોલવા લાગે છે, સ્વર તોતડાય છે, કાન લાલ લાલ થઈ જાય છે, આંખો ઝલઝલી જાય છે, અવાજના ઉબકા આવવા લાગે છે અને વૃદ્ધ કબૂતરો જેવો ઘરઘરાટ સંભળાય છે! વક્તા તરીકે ગુજરાતી નિષ્ફળ ગયો એ હકીકત છે.
દિલ્હી રેડિયો પરથી ગુજરાતી સમાચાર વાંચનારોઓને આખું હિન્દુસ્તાન સાંભળે છે. આખી પ્રજાને બદનામ કરે એટલી દયાજનક રીતે એ ગુજરાતી બોલે છે. ગુજરાતી નાટક અને ફિલ્મમાં મરાઠી અને અન્ય ભાષીય કલાકારો ગુજરાતીનો સંહાર કરે છે અને આપણી પ્રજા પોપકોર્ન ફાકતી ફાકતી એ ચલાવી લે છે. ટી.વી.માં નાની નાની નાદાન છોકરીઓ કે પૈસાદાર બૈરાં એવા ભયાનક ગુજરાતી કાર્યક્રમો રજૂ કરે છે કે મુંબઈના લાખો બિનગુજરાતી દર્શકોને ગુજરાતી સંસ્કાર માટે નફરત થઈ ગઈ છે. ગુજરાતીઓ માટે ઘૃણા પેદા કરવામાં ટી.વી.નાં પૈસાદાર બૈરાંઓએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે અને વીસ-બાવીસ લાખ ગુજરાતીઓ ચૂપ રહી શકે છે! મુંબઈના ગુજરાતી રેડિયોની ડોશીઓ આ કામ કરી શકી નથી, કારણ કે સદભાગ્યે એમના કાર્યક્રમો ગુજરાતીઓ પણ સાંભળતા નથી !
ગુજરાતી મધ્યમાર્ગી પ્રજા છે - મહાજાતિ છે કે મીનીજાતિ એ ખબર નથી. 'બોલે તેનાં બોર વેચાય'ની સાથે સાથે એ કહી શકે છે 'ન બોલ્યામાં નવ ગુણ!' ગરવી ગુજરાતની સાથે સાથે એ ગાંડી ગુજરાત પણ કહેવાય છે. કદાચ 'દાઝ' જેવો શબ્દ આ ભાષા જ આપી શકે. દાઝ એટલે લાગણી, અનુકંપા, પ્રેમ, ચીડ, ગુસ્સો, દ્વેષ, વેર બધું જ! માનસશાસ્ત્રનાં 'લવ-હેટ' જેવું કંઈક.
ગુજરાત માટે મને દાઝ છે... અને એ ઉપરના બધા જ અર્થોમાં.
(ચિત્રલેખા: મે 1, 1980)
(પુસ્તક: મહાજાતિ ગુજરાતી)

ગરવી ગુજરાત ક્યારેક 'ગરીબી ગુજરાત' બની જાય છે. બત્રીસલક્ષણાનો ભોગ લેવાની એને મજા આવે છે. ગાંધી 1934માં ગુજરાત છોડી ગયા. કનૈયાલાલ મુનશી જેવી મહાન વિભૂતીને ગુજરાતની કોઈ યુનિવર્સિટીએ ડૉક્ટરેટ પણ આપી નથી. મુનશી બંગાળમાં હોત તો એમને ટાગોર બનાવ્યા હોત! જિન્નાહનું એક ગુજરાતી તરીકે ગુજરાતમાં નામોનિશાન નથી. હમણાં ભારતીય ક્રાંતિકારીઓના પિતામહ અને દેશના પ્રથમ વિપ્લાવક શ્યામજી કૃષ્ણવર્માની 50મી પુણ્યતિથિ ગઈ, પણ ગુજરાતમાં કેટલી મિટિંગો ભરાઈ? ગુજરાતી દયાનંદ સરસ્વતીને ઉત્તર ભારત અને પંજાબે દેવતા બનાવી દીધા, ગુજરાતને ખબર પણ નથી. પ્રેમચંદ રાયચંદે મુંબઈના સર્જનમાં આવો સંગીન ફાળો આપ્યો, ગુજરાત બેખબર છે. રણજીના નામનું ક્રિકેટ સ્ટેડિયમ કલકત્તામાં છે; ગુજરાતે શું કર્યું? પોણા બસો વર્ષ સુધી અંગ્રેજી ગવર્નરો નિમાતા રહ્યા હતા. પહેલા હિન્દી ગવર્નર ઓરિસ્સા માટે નિમાયા - સર ચંદુલાલ ત્રિવેદી! આઝાદી પહેલાં ઊંચામાં ઊંચા સ્થાને પહોંચેલા આ ગુજરાતીનો હમણાં દેહાંત થયો જેની ગુજરાતે નોંધ પણ લીધી નથી! મોટરકાર રેસમાં કેનિયાના શેખર મહેતા અને હૉકીમાં ન્યુઝીલેન્ડના રમેશ પટેલ વિશ્વના શ્રેષ્ઠની કક્ષાએ છે પણ ગુજરાતને એનું ભાન નથી. મેમણ સર અબ્દુલ રઝાક મોરિશીઅસના ઉપ-પ્રધાનમંત્રી છે. કેટલા ગુજરાતી નેતાઓને ખબર છે? અને આજે ભારતના પૂરા ટેલિવિઝન તંત્રના સર્વોચ્ચ અફસર-ડિરેક્ટર જનરલના આસને ગુજરાતી ગિજુભાઈ વ્યાસ બેઠા છે. આવતા પચાસ વર્ષ સુધી હવે કોઈ ગુજરાતી એ સ્થાને પહોંચવાનો નથી... પણ આપણે આંખો બંધ રાખી છે. આ મહાજાતિના લક્ષણો નથી. મહાન પ્રજા મફતમાં થતી નથી. એણે એના સપૂતોની કદર અને આદર કરવાં પડે છે. ગર્વથી માથું ઊંચું રાખવું પડે છે. ગુજરાતી છાપાં સતુભાઈ અને ફતુભાઈથી ભરાયેલાં રહે છે. ક્યાં ઉદઘાટન કર્યું, ક્યાં શું સલાહ આપી! નાક વગરના, દિમાગ વગરના, જાડી ગરદનો અને ફૂલેલા પગવાળા નેતાઓની પાટલીબદલુ દગાબાજીના સમાચારોમાં પ્રજાને વધારે રસ છે? આપણે 'શું શા પૈસા ચાર'વાળી નમાલા નેતાઓની પાછળ પાછળ ફરનારી પ્રજા છીએ? એક યુવામિત્રે કહ્યું એમ, 'આપણી નેતાગીરીને મોરારજી નામનું ઈન્ફેક્શન લાગી ગયું છે.'
ગુજરાતી નેતાગીરીની જિદ્દી નીતિબાજીથી ગુજરાતને ઘણું સહન કરવું પડ્યું છે. ગુજરાતી રાજકારણનું માથું સુવરનું, સેક્સ ખચ્ચરની અને આત્મા આખલાનો છે.
ગુજરાતની પોતાની લૉટરી ટિકિટો નથી, પણ રાજસ્થાન, કેરાલા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યો પોતાની ટિકિટો વેચીને ગુજરાતમાંથી લાખો-કરોડો રૂપિયા ખેંચી જાય છે, જે ગુજરાતની આમજનતાના છે. નોકરીઓમાં નોન-ગુજરાતી એમની જાતિઓના માણસોને ખેંચી લાવે છે.
ગુજરાતને દારૂબંધીનો તો કંઈક નશો જ ચઢી ગયો છે! દારૂ કરતાં દારૂબંધીનો નશો ભયાનક હોય છે. આખી દુનિયામાં દારૂબંધી નિષ્ફળ ગઈ છે, પણ ગુજરાત ગાંધીનું એકમાત્ર કાયદેસરનું વારસદાર હોય એમ દલીલથી કે તર્કથી પર થઈ ગયું છે અને 'જુલમ' કરીને પણ જનતાને 'સુખી' કર્યા વિના છોડશે નહીં.
દારૂબંધીનું તંત્ર ચલાવવા માટે કરોડોનો ખર્ચ, દારૂ કાયદેસર ન વેચાય એટલે સરકારને કમાણીમાં કરોડોનું નુકસાન - અને દરેક શરાબ એ દારૂ નથી! વિદેશી ટેકનિશિયનોને પણ મદ્યપાનની પરમિટ ન આપવી એ નીતિ માટે કયો શબ્દ વાપરવો એ સમજાતું નથી. ગુજરાતને પ્રવાસી-પર્યટકો અરબ સહેલાણીઓ ન મળે એ દીવા જેવું સ્પષ્ટ છે. કચ્છમાં રજનીશનો આશ્રમ ન જોઈએ, દરિયાકિનારાના સરકારી ગૅસ્ટહાઉસોમાં પણ સામે જ તાજી, વિપુલ સંખ્યામાં મળતી માછલીઓ ન જ રંધાય! સ્વ. ચુનીલાલ મડિયાએ મને એક આર એમની લાક્ષણિક રીતે કહ્યું હતું કે સૌરાષ્ટ્રની સરકાર બની ત્યારે પ્રાણીબાગના વાઘ-સિંહને પણ પર્યુષણના આઠ દિવસ શાકાહારી ખોરાક ખવડાવતા હતા એટલે વાઘ-સિંહની તબિયત ખરાબ થઈ ગઈ હતી! ગાંધીવાદીઓની અહિંસા વાઘ-સિંહને પણ ઠંડા કરી શકે છે!
ગુજરાતીઓ વ્યવહારુ છે એ હકીકત ભ્રમ હોય એવું લાગે છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વર્ષો સુધી કરમુક્તિ અને કન્સેશનની બૉટલનું દૂધ પાયું, સરકારે કરોડોનું નુકસાન કર્યું - પણ હજી બૉટલ છોડવી નથી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને બે પગ પર ચાલતાં શીખવું જ નથી. બહારના નિર્માતાઓ-કલાકારો, જેમને ગુજરાતીનાં બે વાક્યો સીધાં બોલતાં હજી આવડતાં નથી, અહીં ફિલ્મો ઉતારી ગયા. કરોડો ઘરભેગા કરી ગયા. ફિલ્મોએ પ્રજાના પૂર્વગ્રહો અને અંધ આસ્થાઓને પોષ્યાં. સરકારની કરમાફી લઈને પ્રજાની ગંદી, બીભત્સ અને વલ્ગર રુચિને બહેકાવી. ફિલ્મોની વાત આવે ત્યારે એક ગુજરાતી તરીકે આપણે શર્મથી માથું ઝુકાવી દઈએ એવું કામ કર્યું છે. અંગ્રેજી શિક્ષણમાં આપણે છેલ્લે પાટલે બેઠા છીએ, પણ ગુજરાતી સમાચારપત્રોમાં અડધાં પાનાં ભરીને અંગ્રેજી લિપિ અને ભાષામાં જાહેરખબરો બેધડક છપાય છે. બંગાળી કે મરાઠીમાં આ શક્ય છે? તમારે એ ભાષાનો અનુવાદ જ આપવો પડે! કહે છે કે ગુજરાતમાં બ્લડબૅન્કોની પણ તકલીફ છે. અહિંસાના વિચારો ચાલતા હોય ત્યાં લોહી કેમ વેચાય?
આપણે લૉટરી ચલાવતા નથી, બિનગુજરાતી સરકારો આપણું ધન ખેંચી જાય છે. આપણે ફિલ્મોમાં કરમાફી આપીએ છીએ, બહારવાળા એ કન્સેશનનો લાભ લઈને અશ્લીલ માલ બનાવીને વેચી જાય છે. આપણે શરાબમાં માનતા જ નથી, કરોડોનું નુકસાન કરીએ છીએ, સેંકડોને ઝેર પાઈએ છીએ. આપણે લોહી વેચતા નથી, એ કારણે કોઈ બીમાર મરી જાય તો ઈટ્સ ઑલરાઈટ! પ્રવાસી-ઉદ્યોગમાં સમજતા નથી, રજનીશ નહીં જોઈએ, આરબો નહીં જોઈએ, આપણે બહાર બધે જ ફરીને પૈસા આપી આવીશું! ક્યાંય રેલ આવી કે લોકો ઘરબાર વિનાના થયા કે આપણે પૈસાનાં પોટલાં લઈને દોડ્યાં જ છીએ - રખે રહી જઈએ! આપણે ત્યાં વિનાશનું તાંડવ સર્જાય છે ત્યારે બહારવાળા ભાગ્યે જ ફરકે છે. એ જાણે છે કે ગુજુ પૈસાદાર છે. એમનું ફોડશે! આપણી યુવા પેઢીને આપણે અંગ્રેજી વિના અપંગ બનાવી દીધી. આપણે વાઘ-સિંહને પણ શાકાહારી બનાવી દીધા છે! દૂધમાં સાકરને હલાવે એમ બધા જ આપણને હલાવી શકે છે. આપણું કામ તો છે મીઠાશ વધારવાનું. જય જય ગરવી ગુજરાત !
ગુજરાતની અસ્મિતાની વાત કરતાં પહેલાં ગુજરાતી પ્રકૃતિની ઊણપો અને ક્ષતિઓને પણ જોવી જોઈએ. તેજોદ્વેષ અને ટાંગખેંચ શા માટે? એક ગુજરાતી હોય ત્યાં બીજાને નહીં ઘુસાડે. મલયાલી, બંગાળી, મરાઠી કે તમિલને પોતાની જાતિવાળા માટે સહાનુભૂતિ હોય છે. ગાંધીએ પટેલને પ્રધાનમંત્રી થવા દીધા નહીં, નેહરુને પસંદ કર્યા. આખા હિન્દુસ્તાની કોંગ્રેસોએ સરદારને લગભગ સર્વાનુમતિએ પસંદ કરેલા, ગાંધીએ વિટો વાપર્યો! પ્રધાનમંત્રી મોરારજી હતા અને અર્થમંત્રી હીરુભાઈ હતા. બન્ને ગુજરાતી, જે હવે આપણી જિંદગીમાં તો ફરીથી થવાનું નથી - છતાં પણ ગુજરાતને જરા પણ મદદ થઈ નહીં. ક્યાંક ગુજરાતી નિષ્પક્ષતા પર ડાઘ લાગી જાય તો? ઉપર જઈને ગુજરાતી ક્યાંક કમજોર બની જાય છે? આપણો દંભ, આપણી જૂઠી નમ્રતા, આપણી હિસાબી મનોવૃત્તિ, આપણી વ્યાજખાધની ચિંતા, આપણી 'વાણિયા મૂછ નીચે'નો સંતોષ, સલામતી માટેનો આપણો તરફડાટ! જો કે નવનિર્માણ આંદોલનમાં ગુજરાતી લોહી પડ્યા પછી ગુજરાતી જવાનની આંખ ફરી છે અને એક ઝડપી સામાજિક પરિવર્તન આવી રહ્યું છે - એ એક સારું લક્ષણ છે.
ગુજરાતી ભાષામાં અંગ્રેજીની જેમ એક લચીલાપણું છે. ચરોતરી, કાઠિયાવાડી, કચ્છી, સુરતી, અમદાવાદી...વહોરા, પારસી, અનાવિલ, પાટીદાર, વાઘરી, નાગર... બધા જ પોતાનું લાક્ષણિક ગુજરાતી બોલે છે! આપણને બધાને એક સૂત્રે જોડતી એ આપણી અમૂલ્ય દોલત છે. એ આફ્રિકામાં બોલાય છે, અમેરિકામાં બોલાય છે, પાકિસ્તાનમાં બોલાય છે, આખી દુનિયામાં બોલાય છે. બંગાળી કે મરાઠીની જેમ એ પ્રાંતીય નથી, વિશ્વભાષા છે. જેને જે જોડણી કરવી હોય એ કરે, જે વ્યાકરણ વાપરવું હોય એ વાપરે! ઈંગ્લિશ હોંગકોંગ અને વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલૅન્ડ અને સ્કોટલૅન્ડ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકા અને ભારત બધે જ જુદી બોલાય છે, જુદી લખાય છે, એમ જ ગુજરાતીનું છે. ગુજરાતી ભાષા વ્યાકરણશાસ્ત્રીઓએ બનાવી નથી, એ પ્રજાએ જબાનથી જબાન પર બહેલાવેલી ભાષા છે. ગુજરાતી ભાષા કોઈ ભાષાશાસ્ત્રીના બાપની ઈજારદારી નથી, કોઈ વિવેચકની રખાત નથી કે એ કહે એમ મારે વાપરવી. એ મારી માતૃભાષા છે અને પિતૃભાષા છે, મારી ધરતીની અને મારી મિટ્ટીની ભાષા છે, મારા દિલની અને મિજાજની ભાષા છે.
ગુજરાતી રંગભૂમિને સવાસો વર્ષ થઈ ગયાં, પણ આજે મુંબઈ પાસે ત્રણ વક્તાઓ નથી જે સરસ અંગ્રેજી, હિન્દી કે મરાઠીમાં ગુજરાતી નાટક વિષે બોલી શકે. બોલવામાં આપણે કમજોર છીએ એ આપણે સ્વીકારી લેવું જોઈએ. આપણો કવિ કવિસંમેલનમાં પોતાની જ કવિતા વાંકથો હોય અને એના ટાંટિયા ધ્રૂજતા હોય, હાથમાંનો કાગળ ફડફડતો હોય - એની પાસે બંગાળી, મલયાલી કે ઉર્દૂવાળાની ખુલ્લાદિલી કે બુલંદી કેમ નથી? આપણું અંગ્રેજી ગુજુ-અંગ્રેજી હાસ્યાસ્પદ લાગે છે. ટેલિવિઝનની ઝગઝગાટ લાઈટો નીચે આપણો ગુજરાતી વિદ્વાન પણ અસ્વસ્થ, કૃત્રિમ, રમૂજી લાગે છે. પેટમાં ગડગડાટ ચાલતો હોય એવું કૉમિક એનું મોઢું થઈ જાય છે! આપણા મુંબઈના પ્રખ્યાત સાહિત્યકારો પણ બોલવા ઊભા થાય છે ત્યારે શરીરમાં ત્રિભંગમાં અંગડાવા માંડે છે, ગરદન ભરતનાટ્યમ નર્તકીની જેમ પૂર્વ-પશ્ચિમ ડોલવા લાગે છે, સ્વર તોતડાય છે, કાન લાલ લાલ થઈ જાય છે, આંખો ઝલઝલી જાય છે, અવાજના ઉબકા આવવા લાગે છે અને વૃદ્ધ કબૂતરો જેવો ઘરઘરાટ સંભળાય છે! વક્તા તરીકે ગુજરાતી નિષ્ફળ ગયો એ હકીકત છે.
દિલ્હી રેડિયો પરથી ગુજરાતી સમાચાર વાંચનારોઓને આખું હિન્દુસ્તાન સાંભળે છે. આખી પ્રજાને બદનામ કરે એટલી દયાજનક રીતે એ ગુજરાતી બોલે છે. ગુજરાતી નાટક અને ફિલ્મમાં મરાઠી અને અન્ય ભાષીય કલાકારો ગુજરાતીનો સંહાર કરે છે અને આપણી પ્રજા પોપકોર્ન ફાકતી ફાકતી એ ચલાવી લે છે. ટી.વી.માં નાની નાની નાદાન છોકરીઓ કે પૈસાદાર બૈરાં એવા ભયાનક ગુજરાતી કાર્યક્રમો રજૂ કરે છે કે મુંબઈના લાખો બિનગુજરાતી દર્શકોને ગુજરાતી સંસ્કાર માટે નફરત થઈ ગઈ છે. ગુજરાતીઓ માટે ઘૃણા પેદા કરવામાં ટી.વી.નાં પૈસાદાર બૈરાંઓએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે અને વીસ-બાવીસ લાખ ગુજરાતીઓ ચૂપ રહી શકે છે! મુંબઈના ગુજરાતી રેડિયોની ડોશીઓ આ કામ કરી શકી નથી, કારણ કે સદભાગ્યે એમના કાર્યક્રમો ગુજરાતીઓ પણ સાંભળતા નથી !
ગુજરાતી મધ્યમાર્ગી પ્રજા છે - મહાજાતિ છે કે મીનીજાતિ એ ખબર નથી. 'બોલે તેનાં બોર વેચાય'ની સાથે સાથે એ કહી શકે છે 'ન બોલ્યામાં નવ ગુણ!' ગરવી ગુજરાતની સાથે સાથે એ ગાંડી ગુજરાત પણ કહેવાય છે. કદાચ 'દાઝ' જેવો શબ્દ આ ભાષા જ આપી શકે. દાઝ એટલે લાગણી, અનુકંપા, પ્રેમ, ચીડ, ગુસ્સો, દ્વેષ, વેર બધું જ! માનસશાસ્ત્રનાં 'લવ-હેટ' જેવું કંઈક.
ગુજરાત માટે મને દાઝ છે... અને એ ઉપરના બધા જ અર્થોમાં.
(ચિત્રલેખા: મે 1, 1980)
(પુસ્તક: મહાજાતિ ગુજરાતી)
No comments:
Post a Comment