ગાંધીજીને કાપુરુષ તરીકે બતાવવા અને એ કુપિતા હતા એવું મંચન દ્વારા સાબિત કરવું અને ગાંધીજી પરિવારના અધ્યક્ષ તરીકે સરેઆમ નિષ્ફળ ગયા હતા એ હાઈલાઈટ કરતા રહેવું હમણાં હમણાં 1997ના અંત તરફ ગુજરાતી નાટકવાળાઓને ફાવી ગયું છે. એ બધું બતાવતા રહેવાથી બે પૈસા મળે છે. ગાંધીજીની વિરુદ્ધ ઘસાતા ડાયલોગ લખાવી-બોલાવીને શરૂથી મોંઘી ટિકિટોના ધારકો અને ઘરાકો પાસેથી તાળીઓના ગડગડાટ કરાવવા આસાન છે. આ તાળીઓ પાડનારા ગુજરાતીઓ છે, નાટકો બનાવનારા ગુજરાતીઓ છે, ગલ્લો ઘેરે જઈને ગણવા બેસનારા ગુજરાતીઓ છે, નાટક માટેની કાચી સામગ્રી પૂરી પાડનાર નવલકથાકાર ગુજરાતી છે, અને ગાંધી ગુજરાતની ધરતીએ પેદા કરેલા સર્વકાલીન સર્વોત્તમ ગુજરાતી હતા એવી વાતોમાં બમ્બૈયા ગુજ્જુ તમાશાઈઓ અને તમાશબીનોના કેટલા ટકા?
દરેક ભ્રષ્ટાચારના પણ પોતાના સંસ્કાર હોય છે, અને મુંબઈના નાટ્યદર્શકોના ભ્રષ્ટાચારના પણ પોતાના સંસ્કાર છે. એક નવલકથા કે બે નાટકોથી ગાંધીજીની આદરમૂર્તિને કોઈ ડાઘ પડતો નથી પણ આવાં નાટકો જોઈને ઊછળી ઊછળીને તાળીઓ પાડતા ગુજ્જુ દર્શકો ગુજરાતી અસ્મિતા વિષે અન્ય પ્રજાઓને જરા વિપરીત સંકેતો આપી રહ્યા છે. ગુરુ નાનક કે શિવાજી કે નેતાજી બોઝ કે જિન્નાહે કે પ્રજાની કોઈપણ આ કક્ષાની આદર્શમૂર્તિની અવહેલના કે દુરાગ્રહી કુપ્રચાર કે બદનામીનો આ રીતે જશ્ન મનાવાતો નથી, લોકો મનાવવા દેતા પણ નથી. પણ ગુજરાતી વેપલાબાજો કલાના સ્વાંગમાં ગાંધીજી જેવી હિમાલયી પ્રતિભાનું પણ ખનન, ખંડન, હનન કરવાની દુષ્પ્રવૃત્તિ કે કુચેષ્ટા છોડતા નથી. અને મોહનદાસ કરમચદ ગાંધી કોણ હતા? જેમને માટે હરિલાલ ગાંધી કે નાથુરામ ગોડસે હીરો છે એ ગુજરાતીઓના જ્ઞાનાર્થે થોડી ગાંધીમાહિતી:
જર્મનીના સ્ટુટગાર્ટ શહેરના બુર્ગોલઝોફ વિસ્તારમાં એક માર્ગનું નામ મહાત્મા ગાંધી માર્ગ રાખવામાં આવ્યું છે અને આ ઘટના 1997ના અંતની છે. વીસમી સદીના વિશ્વના મહાન વિપ્લાવક ચે ગુવેરાની પુત્રી એલેઈડા ગુવેરા નવેમ્બર 1997માં દિલ્હી આવી હતી અને એણે કહ્યું કે (મારા પિતા) ચે પર મહાત્મા ગાન્ધીની જબરજસ્ત અસર હતી. ઈઝરાયલના સ્થાપક અને રાષ્ટ્રપિતા ડેવિડ બેનગુરિયોંનું ઘર નેગેવ રેગિસ્તાનમાં કિબુત્ઝ સ્દેહ બોકર પ્રદેશમાં આજે પણ યથાતથ રાખ્યું છે અને એમાં બેનગુરિયોંએ લટકાવેલો ગાંધીજીનો ફોટો આજે પણ એમ જ છે. ન્યૂ યોર્કમાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની અંદર જે વાક્યો લખ્યાં છે એમાં એક વાક્ય મોહનદાસ કે. ગાંધીનું છે. મેક્સિકોના ખેતમજૂરોનો નેતા સિઝારે કહેતો હતો કે એના આંદોલનની પ્રેરણા ગાંધીજી હતા. ગાંધીજીની હત્યા થઈ ત્યારે શ્રેષ્ઠ કવિતા બ્રાઝિલની એક પોર્ટુગીઝ કવયિત્રીએ પોર્ટુગીઝ ભાષામાં લખી હતી. ફિલિપીન્સના વિરોધનેતા નીનોય એક્વીનોએ "ગાંધી" ફિલ્મ જોઈ અને ગાંધીજીમાંથી પ્રેરણા લઈને ફિલિપીન્સ પાછા ફરવાનો નિર્ણય કર્યો. મનિલાના ઍરપોર્ટ પર માર્કોસના હત્યારાઓએ એક્વીનોનું ખૂન કર્યું, ફિલિપીન્સમાં બળવો થઈ ગયો, માર્કોસ દેશનિકાલ થઈને વિદેશમાં મર્યો, અને નીનોય એક્વીનોની વિધવા કોરી એક્વીનો દેશની રાષ્ટ્રપતિ થઈ. એક ગાંધીએ ફિલિપીન્સના ઈતિહાસનું ચક્ર ફેરવી નાખ્યું. અમેરિકન કાળી પ્રજાના દેવતા માર્ટિન લ્યુથર કિંગે ગાંધીજીની અહિંસા અને નાફરમાની પરથી પ્રેરણા લઈને અમેરિકન કાળાઓ માટે ગાંધીવાદી આંદોલન કર્યું અને અમેરિકાના ઈતિહાસે એક કરવટ બદલી નાખી. દક્ષિણ આફ્રિકાના રેબન દ્વીપમાં આજીવન કારાવસના કૈદી નેલ્સન મંડેલાએ વારંવાર કહ્યું છે કે એમને ટકાવી રાખનાર પ્રેરક પરિબળનું નામ હતું: ગાંધી ! 20મી સદીના મહાનતમ વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઈનસ્ટાઈને ગાંધીજીના 70મા જન્મદિને અંજલિ આપી: આવનારી પેઢીઓ ભાગ્યે જ એ માની શકશે કે આવો કોઈ માણસ, માંસ અને રક્તનો બનેલો માણસ, આ પૃથ્વી પર ચાલ્યો હશે !
કોણ હતા ગાંધીજી? સિંગાપુરથી રેડિયો પર નેતાજી સુભાષ બોઝે એમને "ફાધર ઑફ ધ નેશન" અથવા રાષ્ટ્રપિતા કહ્યા હતા. જવાહરલાલ નેહરુએ એમને "તાજી હવાની એક લહર" કહ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું: ગાંધીએ આહવાન કર્યું અને હિંદુસ્તાન ખીલી ઊઠ્યું એ નૂતન મહાનતામાં, પ્રાચીન કાલની જેમ, જ્યારે બુદ્ધે દરેક જીવ માટે અનુકંપા અને ભ્રાતૃત્વનું સત્ય કહ્યું હતું. અને 1981માં પાકિસ્તાનના કરાંચીમાં એમના પ્રથમ પ્રધાનમંત્રી લિયાકતઅલી ખાન મરહૂમની વિધવા રાના લિયાકતઅલીએ મને કહેલી વાત ભુલાતી નથી: પ્રોફેસર બક્ષી! તમને લોકોને ઈંડિયામાં ખબર નથી, ગાંધીએ તમારા માટે શું કર્યું છે? ગાંધીએ 1919માં મુંબઈમાં સારા ઘરની સ્ત્રીઓને રસ્તા પર લાવી હતી, દેશની આઝાદીના સંગ્રામ માટે! આજે (1981માં) પાકિસ્તાનમાં સ્ત્રીઓની હોકી ટીમને અમે ઑલિમ્પિક્સમાં મોકલી શકતાં નથી! હિંદુસ્તાનના ઈતિહાસના દરેક મોડ પર તમને ગાંધી દેખાશે!
લંડનમાં ગાંધીજીની પ્રતિમા છે, અને એ પ્રતિમાની સામે ઊભા રહીને તમે શું વિચાર કરી શકો છો? દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી ટૉલ્સ્ટૉય ફાર્મ 20 માઈલ દૂર હતું અને ગાંધીજી આ વીસ માઈલ ચાલીને જતા. ટૉલ્સ્ટૉય આશ્રમના આશ્રમવાસીઓએ બ્લેંકેટ પર સૂવાનું હતું, અને તકિયા માટે લાકડાનો એક ચોરસ ટુકડો વપરાતો હતો. દર સોમવારે પ્રતિજ્ઞા કરવી પડતી હતી કે આ અઠવાડિયે હું એક વસ્તુનો ત્યાગ કરીશ. અને એ વસ્તુ ખાંડ, નિમક કે ચા હોઈ શકે! શા માટે? એટલા માટે કે પછી જેલમાં જવાનું જ હતું. જેલનિવાસ દરમિયાન, આ તાલીમને લીધે દુ:ખ થતું નથી.
ગાંધીજીને આપણે કેટલા ઓળખી શક્યા છીએ? એમનાં ધર્મપત્ની કસ્તૂરબાના ભાઈ કે પિતાનો ગાંધીજીએ એમની આત્મકથાના પાછલા હિસ્સામાં ઉલ્લેખ કર્યો નથી. કસ્તૂરબા અને ગાંધીજીનું લગ્નજીવન 61 વર્ષ ચાલ્યું. ગાંધીજીનાં માતા પૂતળીબાઈ હતાં. ગાંધીજીને ત્રણ બહેનો હતી, મૂળીબહેન, પાનકુંવરબહેન અને રળિયાતબહેન અને એ બહેનો વિષે કોણ કેટલું જાણે છે? આ બહેનો હતી એ વિશે પણ વિદ્વાનો કેમ ખામોશ રહ્યા છે?
અને ગાંધીજીને હરિલાલ સિવાય બીજા પણ પુત્રો હતા: મણિલાલ, રામદાસ, દેવદાસ ! ગાંધીજીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના 83 વર્ષીય પત્ની સુશીલાબહેનને હું 1988માં ડરબનથી 19 માઈલ દૂર વેરલમ જઈને મળ્યો હતો. એમણે કહ્યું હતું : હું પરણીને દક્ષિણ આફ્રિકા આવી ત્યારે 20 વર્ષની હતી અને ત્યારથી ફિનિક્સમાં જ રહી છું, 1985ના હુલ્લડો થયાં ત્યાં સુધી ! ડરબનમાં ગાંધીજીનાં પૌત્રી સીતાબહેને મને કહેલી વાતમાં વિષાદ હતો: ફિનિક્સ ક્યારેય ભૂંસાશે નહીં. ગાંધીજીના જીવન સાથે જ એ અમર રહેશે. પણ મારા પિતા (મણિલાલ ગાંધી)એ જીવનભર જે કામ કર્યું એમનું બધું કામ શેષ થઈ ગયું. એ ફિનિક્સ સાચવી શકાયું નહીં.
ગાંધીજીને બતાવવાનું કામ આપણે મુંબઈનાં ગુજરાતી નાટકોચેટકોને જ સોંપી દેવું પડશે?
(અભિયાન: જાન્યુઆરી 3, 1998)
(પુસ્તક: મહાત્મા અને ગાંધી)
No comments:
Post a Comment