May 27, 2013

સાહિત્યની કેન્ટીનમાં તોફાની એક્સ-સ્ટુડન્ટ (સંજય છેલ)

બક્ષીસાહેબ વિષે 26 મે 2013નાં રોજ મુંબઈ સમાચાર દૈનિકમાં પ્રગટ થયેલો શ્રી સંજય છેલનો લેખ:

ગુજરાતી સ્ટારલેખકોની સરખામણી હિંદી ફિલ્મસ્ટારો સાથે કરવાની કલ્પના કરીએ તો? તો એમ થાય કે મેઘાણી ગુજ. સાહિત્યના રાજ કપૂર છે, જેમણે સાવ આમઆદમીની ચોટદાર વાતો લખી. રમેશ પારેખ એટલે દેવ આનંદ છે જેણે સદાબહાર રોમેન્સ આપ્યો. મરીઝ એટલે દિલીપકુમાર જેમણે ટ્રેજેડી કિંગ બનીને ગઝલો આપી. મુન્શી એટલે સોહરાબ મોદી જેમણે ઈતિહાસ ઊભો કર્યો. હરકિસન મહેતા એટલે ધર્મેન્દ્ર જેમણે ડાકુઓની એકશનપેક વારતાઓ લખી... અને નવલકથાકાર-વાર્તાકાર ચંદ્રકાંત બક્ષી એટલે એંગ્રી યંગ મેન અમિતાભ જેમણે કારણ-અકારણ ગુસ્સો કરીને એક તેજાબી ઈમેજ ઊભી કરી! નોવેલ, નવલિકાઓ, લેખોની કુલ ૧૭૮થી વધુ કિતાબો લખનારા બક્ષી સુપરસ્ટાર હતા અને રહેશે. એક પણ કમાલની ટૂંકી વાર્તા કે નોવેલ લખ્યાં વિના પણ ખુદને બક્ષી માનનારા ‘ચાઈનીઝ’ ચંદ્રકાંત બક્ષીઓનો ગુજરાતી ભાષામાં રાફડો ફાટ્યો છે એવામાં એક્ચ્યુઅલ બક્ષી યાદ આવે છે.


પણ પેલા બક્ષી કોણ હતા? એક તેઝતર્રાર લેખક હતા કે સનસનીખેજ માણસ? ચંદ્રકાંત બક્ષી સાથે વિતાવેલો થોડાઘણો સમય કે ફોન પર કરેલી લાંબી ચર્ચાઓ હજુયે યાદ છે. એમની વાતોમાં કોઈ અઘરી યુરોપિયન ફિલ્મની પટકથા જેવી ફિલિંગ ટપકતી. અનેક અસંબદ્ધ દ્રશ્યો, ચમકદાર રોમેન્ટિક સંવાદો અને ઉદાસીના અનેક રંગો. ગંભીર ફિલોસોફીને બેરિંગ બનાવ્યા વિના એક ટૂરિસ્ટની અદાએ જોઈને હસતો, લખતો માણસ એટલે બક્ષી.

બક્ષી આપણને હંમેશાં કોલેજ કેન્ટીનમાં બેઠેલા તોફાની એક્સ-સ્ટુડન્ટ જેવા લાગે. એક એવો માથાભારે સ્ટુડન્ટ જે નવા સ્ટુડન્ટોને કેન્ટીનમાં પાસે બેસાડીને ચા પીવડાવે, થોડું રેગિંગ કરે, છોકરીઓ વિશે ગોસિપ કરે અને પછી જીવન વિશે બેચાર સલાહો આપે. વળી કોલેજના મેનેજમેન્ટને આવા એક્સ-સ્ટુડન્ટની હાજરી ક્યારેય ગમતી ન હોય પણ મેનેજમેન્ટ એની દાદાગીરીથી ડરીને ‘કહેવાય નહીં, સહેવાય નહીં’વાળી સિચ્યુએશનમાં હોય. યેસ, ગુજરાતી સાહિત્યના મેનેજમેન્ટને માથે બક્ષી એક એવા જ એક્સ-સ્ટુડન્ટ કે આઉટસાઈડર હતા જે હંમેશાં દૂર બેસીને મેનેજમેન્ટની મખૌલ ઉડાવતા.

’૮૬ની આઈ.એન.ટી.ની નાટ્યસ્પર્ધામાં મારે મધુ રાયનું એક નાટક ભજવવું હતું. મને રાતોરાત મધુ રાયની પરમિશન જોઈતી હતી એટલે મેં બક્ષીનો કોન્ટેક્ટ કર્યો. એમણે તરત ઘરે બોલાવ્યો. બારણું ખોલ્યું. ટુવાલભેર ઊભા રહીને એમણે તરત ટેબલ પાસે જઈ મધુ રાય વતી પરમિશન આપી. કોઈ નોન-સેન્સ સવાલ નહીં, લાંબી પૂછપરછ નહીં. બસ આ અદા જોઈને જ હું બક્ષીનો ફેન બની ગયો. એક વાર બક્ષીની ‘આકાર’ નોવેલ વાંચીને પાર્લાથી છેક વર્લી એમને ઘરે ખાસ મળવા ગયો. મારી વાતો સાંભળીને તરત જ પોતાની એક બુક આપીને બક્ષીબાબુ બોલ્યા: ‘વાંચજો અને પછી પાછી પણ આપજો!’

૧૯૮૭માં પાર્લામાં ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોકળીબાઈ સ્કૂલ ખાતે ભજવાઈ હતી, સોરી ભરાઈ હતી. ત્યાં બક્ષી કેન્ટીનમાં લઈ ગયા અને કહ્યું હતું: ‘છોડો આ પરિષદવાળાઓની લેક્ચરબાજી, ચાલો વાતો કરીએ. આ બધાંમાં સફેદ કપડાંવાળા સાહિત્યકારો તો સાલા ડાઘુઓ જેવા લાગે છે!’

૨૦૦૪માં કોઈ પુસ્તકના વિમોચન પ્રસંગે ભાઈદાસ સભાગૃહમાં બક્ષી બોલ્યા હતા. ત્યારે પહેલી વાર બક્ષીએ બુઝુર્ગની જેમ મને કહ્યું: ‘બાળબચ્ચાં સાથે ઘરે આવો ક્યારેક.’ બક્ષી સાથે બસ એ છેલ્લી મુલાકાત. બક્ષી સાથે ફોન પર કલ્લાકો સુધી વાતો કરી છે. રિસીવરમાં સામેથી ખુમાર કે ગુરુરવાળો અવાજ સંભળાય: ‘બક્ષી સ્પીકિંગ’ પણ એ જ બક્ષીને જ્યારે અંગત ક્ષણોમાં જોઈએ ત્યારે ખૂબ ભીનાશ અનુભવાય. આવી જ ફીલિંગ મને ગુલઝારને મળીને હંમેશાં થઈ છે. જાહેરમાં એમની આસપાસ, પ્રતિભા અને સફળતાનું અભેદ્ય કવચ પણ એકાંતમાં અતિશય સાદગી કે નિખાલસતા! ગુલઝારની દીકરી મેઘના સામે એક વાર મેં એ વિશે કોઈ કોમેંટ કરી ત્યારે એણે કહ્યું, ‘ઘણી વાર સેલ્ફ મેઈડ માણસમાં કારણ વિના કઠોરતા કે ઈગો આવી જ જતાં હોય છે. તારા જેવામાં પણ નથી?’ હું ચૂપ થઈ ગયેલો. કદાચ સૌને ગળે ના ઊતરે એવી વાત છે. દાળ-રોટીનો સંઘર્ષ, સાહિત્યની વાડાબંધી કે લોબીઈંગ, બજારનું સત્ય ભલભલા સંવેદનશીલ લેખકને પણ પથ્થર બનાવી દે છે. શરૂશરૂમાં દરેક લેખક બિચારો ભાવુકતાનો ફુગ્ગો લઈને નીકળતો હોય છે પણ દુનિયા સૌથી પહેલાં એ ભાવુકતાના ફુગ્ગાને જ ફોડી નાખે છે. એ લેખકને આગળ જતાં નામ-પૈસા-પારિતોષિકો વગેરે તો મળે છે પણ છતાંયે અંદરખાને, એક બાળકની જેમ લેખક બિચારો આખી જિંદગી પેલા ભાવુકતાના ગુબ્બારાને શોધતો જ રહે છે. બક્ષીનો ગુરુર પણ સિસ્ટમ સામેનો સેલ્ફડિફેન્સ કે પ્રતિકાર હતો કે પછી જાણી જોઈને અંગીકાર કરેલો ‘ઈગો’?

લેખક-વિવેચક પ્રો.કાંતિ પટેલે ૧૯૮૮માં અંધેરી-ભવન્સ કોલેજ ખાતે વાર્તાસ્પર્ધામાં, ચંદ્રકાંત બક્ષીને અતિથિવિશેષ તરીકે બોલાવેલા. ત્યારે મંચ પરથી લેક્ચર આપતી વખતે બક્ષીએ મારી સામે જોઈને કહ્યું હતું, ‘ગુજરાતી સાહિત્યના ભાવિને, વાર્તાકળાના ભાવિને હું તમારા જેવા યુવાનોની આંખોમાં જોઈ રહું છું.’ આ સાંભળતાં જ અમે તો ગળગળા થઈ ગયા. પણ પછી મોડેથી સમજાયું કે હી ઈઝ અ સ્માર્ટ સેલ્સમેન! ઓડિયન્સને શું ગમશે એની બક્ષીને બરાબર ખબર હતી. એક્ટરને શોભે એવી ડાયલોગ ડિલિવરી, વાતને રમાડીને, પોઝ આપીને બોલવાની અદા બક્ષીમાં હતી. ક્યારેક ફોન કરીને કહેતા, ‘છેલબાબુ, અંગ્રેજી છાપામાં તમારો ઈન્ટરવ્યૂ વાંચ્યો, પણ નવા ફોટા તો પડાવો. માર્કેટિંગ શીખો! મારો બેટો રજનીશ, દરરોજ નવા ફોટા પડાવતો... ડિયર કંઈક શીખો. શરમાઓ નહીં... અરે આ પણ એક ખેલ છે દુનિયાદારીનો, દોસ્ત.’

’૯૦માં બક્ષીની નોવેલ ‘હું કોનારક શાહ’ પરથી એક ટેલિફિલ્મ બનાવવા માગતો હતો. નોવેલના રાઈટ્સ લેવા બક્ષીને મળ્યો. મૂળ નોવેલમાં અંત જુદો હતો પણ ફિલ્મમાં અંત ધારદાર જોઈતો હતો. ભલભલા ડિરેક્ટરોને પણ જે ઘટના કે વિઝ્યુઅલ સૂઝે નહીં એવો ક્લાઈમેક્સ બક્ષીએ બે મિનિટમાં સૂચવેલો: ‘ફિલ્મના અંતે મેનેજમેન્ટના કાવાદાવાની સામે લડીને જ્યારે કથાનો નાયક પ્રોફેસર કોનારક કેસ જીતી જાય ત્યારે માત્ર એક દિવસ માટે સ્વમાન ખાતર એ કોલેજમાં નોકરીએ પાછો ફરે... ફરીથી વિદ્યાર્થીઓ વચ્ચે જઈ એ જ ક્લાસમાં, એ જ ખુરશીમાં બેસે, પછી પેનમાં શાહી ભરે અને ચૂપચાપ રાજીનામું આપીને ચાલ્યો જાય! ધેટ્સ ઈટ!’

બક્ષીને માત્ર ગુજરાતી જ નહીં પણ હિંદી સાહિત્યકારો પણ એટલા જ માનથી જોતા. હિંદી લેખક કમલેશ્વર કે રાજેંદ્ર યાદવ, ભારતીય સાહિત્યના સંદર્ભમાં બક્ષીનો ઉલ્લેખ ખૂબ આદરથી કરતાં એ મેં સગી આંખે જોયું છે. બોરડમ અને બેવકૂફીના બ્રાન્ડ એમ્બેસેડર જેવા ગુજ્જુ લેખકો વચ્ચે ચંદ્રકાંત બક્ષી, ગુજરાતી ભાષાના એ ‘કલ્ચરલ એમ્બેસેડર’ હતા. આપણે ત્યાં મોટે ભાગે એવું જોવા મળે છે કે તમે ગાંધીવાદી નીતિમત્તા છાંટેલું, ગામડિયું વેજિટેરિયન સાહિત્ય લખો કે તરત જ અન્ય ભાષામાં એના સરકારી અનુવાદો થવા માંડે, તમને ઈનામો મળે પણ એ કિતાબો ખરા વાચકો સુધી ભાગ્યે જ પહોંચે. એ બધાની સરખામણીએ મોડર્ન, બિનધાસ્ત અને લેટિન અમેરિકન છાંટવાળું ગંભીર સાહિત્ય લખીને એને સરેરાશ ગુજરાતી વાચકોમાં લોકપ્રિય બનાવ્યું. એ જ બક્ષીની સિદ્ધિ.

મારી હિંદી ફિલ્મોની કમર્શિયલ સફળતાને જોઈને બક્ષી દાઢમાંથી કહેતા, ‘આ બધી રોમેન્ટિક કોમેડીઓ વગેરે તો ઠીક છે, પણ કાંઈક ગંભીર બનાવો નહીં તો ક્યારેય કદર નહીં થાય. કોમેડી બનાવવી એ અઘરી કળા છે, પણ ઉદાસીનો રંગ હંમેશાં ઘેરો ને શાશ્વત હોય છે. ફિલ્મ હોય કે સાહિત્ય, હિંદુસ્તાનમાં વેદના કે સંવેદનાને જ ઈજ્જત મળે છે. સાલો રાજ કપૂર એને ધ્યાનથી જુઓ. આખી ફિલ્મ નાગી, ઉઘાડી, કોમર્શિયલ બનાવે પણ એક દ્રશ્ય એવું લઈ આવે જેમાં ઊંડાણ હોય. માય ડિયર, એન્ટરટેઈનર અને આર્ટિસ્ટ વચ્ચેનો ભેદ સમજો’.

મારી ફિલ્મ ‘ખૂબસૂરત’ એમણે વર્લીના સચિનમ્ થિયેટરમાં જોઈ. બીજે જ દિવસે સામેથી એમણે ફોન કરેલો. એમાં સંજય દત્તના પાળેલા કૂતરાનું નામ હતું: ‘બાબુભાઈ’ જે બક્ષીની એક નોવેલના પાત્ર પરથી મને સૂઝેલું. બક્ષીને એ મજાક ગમી હતી: ‘સાલ્લા, અમુક બીકણ ગુજરાતીઓ પર આ સારો કટાક્ષ છે...’

પણ બક્ષી એકંદરે ઊંડાણ અને ગંભીરતાના કલાકાર હતા. છતાંયે મારું માનવું છે કે બક્ષીની લોકપ્રિયતા માત્ર એમના ગંભીર સાહિત્યસર્જનને લીધે નહોતી. બક્ષીની સેન્સેશનલ છટાઓ, નોનસ્ટોપ વિવાદો, હાર્ડકોર હિંદુવાદી લખાણો અને અનેક કોલમોને કારણે હતી. બક્ષીને ‘આકાર’ કે ‘પડઘા ડૂબી ગયા’ના લેખક તરીકે બહુ ઓછા લોકો સમજ્યા છે! લેખક બક્ષી કરતાં ‘પર્સનાલિટી ઓફ બક્ષી’ વધુ લોકપ્રિય હતી. બક્ષી કલકત્તામાં ઊછરેલા હોવાને કારણે શરૂશરૂમાં કોમ્યુનિસ્ટ ‘લાલ’ રંગે રંગાયેલા હોય એવું લાગતું. પછી ધીમે ધીમે એ લાલ રંગ મુંબઈ આવીને ઝાંખો પડ્યો. છેલ્લે ગુજરાત જઈને લાલમાંથી કેસરી બનતો ગયો. બક્ષીની કલમમાં કારણ વિના હિંદુત્વ અને જમણેરી વિચારો સતત ઝળકવા લાગ્યા. નવલકથાઓ લખવાની ઓછી થઈ ગઈ અને જે લખી એમાં પણ શરૂઆતના બક્ષીનો પાવર નહોતો. લોકો કહેવા માંડેલા કે ‘પેરેલિસિસ’ પછી બક્ષીની કલમને પેરેલિસિસ થઈ ગયો છે. શું રાજકારણમાં જવાની મહત્ત્વાકાંક્ષાએ ખુદ્દાર બક્ષીને સહેજ ખંધા બનાવી દીધેલા? જે સિસ્ટમ સામે એમણે સતત લખ્યું એ સિસ્ટમ સાથે એમણે સમાધાનો કરવા માંડેલાં? ‘તમે આવશો’ જેવી ગુજરાતી ભાષાની અદભુત ટૂંકીવાર્તાના લેખક બક્ષીને પૂછવાનું મન થતું, ‘બક્ષી, તમે પણ?’

ખેર, એ જે હોય તે. અનેક લેખકોમાંની ઘેટાંભીડ વચ્ચે બક્ષી એક ‘આખરી મુગલ’ હતા. પોચટ સાહિત્યકારોની વચ્ચે બક્ષી જ તો ‘મૃત્યુ’થી માંડીને ‘માઓ ત્સે તુંગ’ સુધી કે ‘સેક્સ’થી લઈને ‘સામ્યવાદ’ સુધી અસ્ખલિત બોલી શકનારા, લખી શકનારા અંદાઝે બયાંના ઓલરાઉન્ડર હતા. ગલીને નાકે મોડી રાત સુધી, ઊભાં ઊભાં ગોસિપભરી વાતો કરનારા મજેદાર માણસ હતા. બક્ષીની ‘આકાર’ નોવેલના હીરોની જેમ ‘ક્યાં’ની દિશામાં એક આકાર લુપ્ત થઈ ગયો!

બક્ષી નામનો આકાર, વી વિલ મિસ યુ.

No comments:

Post a Comment