એકાએક કોંગ્રેસીઓને માટે આંબેડકર જ્યારે બાબાસાહેબ આંબેડકર બની જાય ત્યારે સમજવું કે નિર્વાચન આવી રહ્યું છે. એકાએક ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ, શતાબ્દી, એમના નામનું વિશ્વવિદ્યાલય વગેરે વાતો થવા લાગે ત્યારે સમજવું કે ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એકાએક રાજીવ ગાંધી અને એમના હિસ માસ્ટર્સ વોઈસ ચિદમ્બરમ કહેવા માંડે કે અનામત હજી દસ વર્ષ ચાલુ રહેશે, હજી ગરીબ તબક્કાના શોષિતોને બધી જ સગવડો ચાલુ રહેશે, હજી ગરીબી હટાવવાનું છોડાશે નહીં ત્યારે સમજવું કે ઈલેક્શન આ વર્ષે જ આવશે. એકાએક અને અકારણ પણ ફરીથી જ્યારે સ્ત્રીઓ, દલિતો, બેકારો, મુસ્લિમો, શીખો, ઉર્દૂ, લઘુમતીઓ અને અનામતીઓની ચિંતાઓ જાહેરમાં કરવામાં આવે ત્યારે સમજવું કે ચુનાવ આવી રહ્યો છે. એકાએક કર્મચારીઓનાં વેતનમાનોમાં વૃદ્ધિ થાય, શિલારોપણ વિધિઓ વધી જાય, આઠમી પંચવર્ષીય યોજનાની વાતો વધી જાય, છાપખાનાંઓ આપણું કામ લેવાનું બંધ કરે, ગુન્ડાઓ જેન્ટલમેનોની જેમ ફરતા દેખાવા લાગે, દૈનિક વપરાશની વસ્તુઓના હોલસેલ ભાવો સરકાર એકાએક વધારી આપે, હીરા બજારના વેપારીઓ ઈન્કમટૅક્સવાળાઓ પર હુમલા કરવા માંડે અને આપણને જબ કુત્તે પે સસ્સા આયાવાળી કહેવતો યાદ આવવા માંડે ત્યારે સમજવું કે હવે મામલો જામી ગયો છે. એકાએક દિલ્હીમાં, ભોપાળમાં, ગાંધીનગરમાં ગોળમટોળ લીડરોનાં ટોળાં ગબડતાં ગબડતાં "મેરા ભારત દેશ મહાન"ની ધૂનમાં દોડંદોડ કરવા માંડે ત્યારે સમજવું કે હવે ખરેખર કંઈક ગંભીર ઘટવાનું છે. અમે નાના હતા ત્યારે આ દેશના લીડરો રવીન્દ્રનાથ ટાગોરનું ગીત "જોદિ તોર ડાક શુને...કેઉના આશે...તોબુ તૂમિ એકલા ચોલો રે... (એનો મહાદેવ દેસાઈએ કરેલો અદભુત અનુવાદ: તારી જો હાક સૂણી કોઈ ના આવે... તો તું એકલો જાને રે...) ગાતા ગાતા એકલા ફના થવા માટે નીકળી પડતા હતા. એ વખતે ટેલિવિઝન ન હતું, ધૂળિયા રસ્તાઓ હતા, ટ્રેક-સુટ ન હતા, પોતડી પહેરીને એકલા નીકળી જનારા હતા, માર્ગમાં કેડબરી ચોકલેટો અને ફઝી ફીઝ અને અટરલી, બટરલી, અમુલ ચોપડેલી સેન્ડકીચો ન હતી, લીમડાના ઝાડ નીચે બેસીને રોટલો અને છાશ ખાઈ પીને કાથીના ખાટલા પર સૂઈ જવાનું હતું.
આ "એકાએક" શબ્દ બધી ગડબડ કરી નાખે છે! બાબાસાહેબ આંબેડકર એમના જીવનમાં "ડિપ્રેસ્ડ ક્લાસીસ"ના પ્રતિનિધિ હતા ત્યારે અતિમાનવ ન હતા. હવે અંત્યજો શબ્દ રહ્યો નથી. હવે દલિતો મેદાનમાં આવી ગયા છે. ડૉ. ભીમરાવ આંબેડકર દલિતોના મસીહાના રૂપમાં સ્થાપિત થઈ ચૂક્યા છે. જીવનભર સુટ પહેરેલા એમના ફોટાઓ મળે છે, પણ કુરતું-પાયજામો કે સામાન્ય મસીહાડ્રેસમાં એમની તસવીર મળતી નથી. આવી જ તકલીફ મહમ્મદ અલી જિન્નાહની થઈ હતી. જિન્નાહે જિંદગીભર અપ-ટુ-ડેટ સુટ પહેર્યા. પછી એ બૅરિસ્ટરમાંથી કાઈદે-આઝમમાંથી રાષ્ટ્રપિતા બની ગયા. પાકિસ્તાનના કટ્ટરોએ એમના સુટ પહેરેલા ફોટાઓનો નિષેધ કર્યો. શેરવાની-સલવાર અને જિન્નાહ કૅપમાં જિન્નાહનો સારો ફોટો મળવો અઘરું કામ છે. પાકિસ્તાનની સ્થાપના પછી જ જિન્નાહે સરકારી પ્રસંગોએ આ લિબાસ પહેર્યો હતો... એમની લાંબી જિંદગીમાં છેલ્લાં એક-બે વર્ષો જ! પાકિસ્તાનની ચલણી નોટો પર પણ સુટવાળા જિન્નાહ અને માથા પર જિન્નાહ કેપવાળી પ્રતિકૃતિ છે. છેવટે ક્યાંક અચકન અને ટોપીવાળા જિન્નાહનો ફોટો મેળવાયો. આજે પાકિસ્તાનની સરકારી ઑફિસોમાં જિન્નાહનો એ જ લિબાસવાળો ફોટો જોવા મળે છે જે એમણે જિંદગીમાં ભાગ્યે જ પહેર્યો હતો!
કેટલાંક છાપાંઓએ છાપી માર્યું કે 14મી એપ્રિલે ડૉ. આંબેડકરની શતાબ્દી છે. "દિશા" નામના દલિત સામયિકના એપ્રિલ 1989ના અંકમાં પાનાંઓ 2, 23 અને 26 પર એમની 98મી જન્યજયંતીનો ઉલ્લેખ છે, પણ પાના નં 13 પર લખ્યું છે: "આજે 14મી એપ્રિલ તેમની 95મી જયંતીએ..." જ્ઞાની મિત્રો કહે છે કે એમની જન્મતિથિ 14 એપ્રિલ 1891 છે! પહેલાં 25, 50, 75, 100 વર્ષો કે 60 વર્ષો ઊજવાતાં હતાં, હવે તો એવું રહ્યું નથી. અપના-ઉત્સવવાદ આવી ગયા પછી આઝાદીની 40મી, નેહરુની 99મી, આંબેડકરની 98મી, મૌલાના આઝાદની...મી (કેટલામી એ ખબર નથી) ઊજવી શકાય છે. ચૂંટણી આવી રહી છે, હવે તો ફખરુદ્દીન અલી મહમદની વરસી અને સફદર હાશમીની જન્મતિથિ, સોનિયા ગાંધીની એક જ મહિનામાં બે વર્ષગાંઠો... બધું જ ઊજવી શકાય છે! (મોગલકાળ દરમિયાન બાદશાહો બે વર્ષગાંઠો ઊજવતા હતા, સૂર્ય કેલેન્ડર પ્રમાણે અને ચંદ્ર કેલેન્ડર પ્રમાણે).
અને ચૂંટણી બેહોશ થઈ જવાની સીઝન છે, આપણા પ્રશ્નો ભૂલવાનો ઉત્સવ છે. નારા, નારા, નારા: જબ તક સૂરદ ચાંદ રહેગા, રાજીવ તેરા નામ રહેગા!... સામેથી પ્રતિઘોષ: જબ તક સૂરજ ચાંદ રહેગા, રાજીવ તૂ બદનામ રહેગા! ચૂંટણીની રાજનીતિ ઘોર વનમાં સાંજના અંધકાર જેવી છે : દરેક ઝાડ પાસે આવી જાય છે અને મોટું લાગવા માંડે છે! ચૂંટણીમાં દરેક નેતા ઝડ બની જાય છે (ઘોડેસવારીની ભાષામાં ઘોડો પાગલ થઈને આગલા બે પગો ઉછાળીને ફક્ત પાછલા બે પગો પર ઊભો રહીને હણહણવા લાગે એને માટે ગુજરાતીમાં "ઝાડ થઈ જવો" પ્રયોગ છે).
ચૂંટણીમાં દેશની વર્તમાન ચિંતા કરવાનો સમય હોતો નથી, ચૂંટણીમાં દેશના ભાવિની ચિંતામાં જ ચોવીસે કલાક સમાપ્ત થઈ જાય છે. ચૂંટણી સમયે શતાબ્દીઓ પણ પાસે પાસે આવી જાય છે? સાવરકરની જન્મશતાબ્દી છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક હેડગેવારની જન્મશતાબ્દી છે, નેહરુની છે, ડૉ. આંબેડકરની જલદી જલદી ઊજવવાનો ઉત્સાહ છે. એકસો વર્ષ પહેલાં આપણે ખરેખર મહાન પુરુષો પેદા કરતા હતા! આજે પણ કરતા હોઈશું, પણ એ 21મી સદીમાં ખબર પડશે. અત્યારે તો દરેક પક્ષનેતાની વાગ્ધારા સ્ખલન વિના, અસ્ખલિત વહી રહી છે. ગરીબી હટાવો, બેકારી હટાવો, રાજીવ હટાવો. સારું છે. પણ મૂળ પ્રશ્નો વિશે બધા જ નેતાજીઓ ખામોશ રહે છે? આ અધધધ વસતિવધારો બંધ કરો, કોઈ કહેતું નથી. ચૂંટણીની ચિંતા પહેલી છે, દેશની ચિંતા પછી છે. આપણે 33 કરોડ હતા (જેટલા દેવતાઓ એટલા માણસો), 40 કરોડ થયા, 40 કરોડ થયા, 80 કરોડ છીએ. દરેક પક્ષના ચૂંટણી અભિયાનનું પ્રથમ સૂત્ર હોવું જોઈએ: વસતિવધારો, આ ધોધમાર વસતિવધારો બંધ કરો! આટલી બધી વસતિ વધતી રહે તો જગતનો સૌથી પૈસાદાર દેશ પણ હાંફી જાય, ભિખારી બનવા માંડે પણ એક વાર વસતિવધારો ચૂંટણીમાં મુખ્ય પ્રશ્ન બની ગયો હતો. નસબંધીના પ્રશ્ન પર ભારતવર્ષમાં ચૂંટણી જંગ લડાયો હતો. ઉત્તર પ્રદેશના અંચલોમાં નારો પણ હતો: ઈન્દિરા હટાવો, ઈન્દ્રી (ઈન્દ્રિય) બચાવો! અને લોકોએ, ભારતના જવાંમર્દોએ ઈન્દિરાજીને હટાવ્યાં હતાં, ઈન્દ્રિય બચાવી હતી.
ચૂંટણીઓ આવી રહી છે. પાછી મજા આવશે. ટીવી પર દાઢીવાળા સેફોલૉજિસ્ટો (ચૂંટણીનાં પરિણામો આવી ગયાં પછી હોશિયારીભર્યા અવાજે એનું વિશ્લેષણ કરનારાઓ) ચડી આવશે, આપણને સમજાવશે. "ટિલ્ટ" કેટલો થયો? ભાજપને 80 ટકા વોટ મળ્યા છે પણ 1952થી 1984 સુધીનાં નિર્વાચન-પરિણામોનો અભ્યાસ કરીએ તો ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમમાં ભાજપના મતોમાં અનુક્રમે 51.55 અને 63.35 ટકા ઘટાડો થયો છે! અને આપણે એમનાં મોઢાં જોઈને માથાં હલાવીને માની લઈશું. ચૂંટણીની આ મજા છે.
દર પાંચ વર્ષે એક રાષ્ટ્રવ્યાપી ચૂંટણી તો આવવી જોઈએ. કાળાબજારના કરોડો રૂપિયા ફરીથી બજારમાં વહેતા થઈ જાય છે. દેશને કેટલો આર્થિક ફાયદો થાય છે? આખો દેશ એક રેસકોર્સ બની જાય છે. એક પણ પૈસો લગાવ્યા વિના આપણે ઘેર બેઠા કૂદકા મારીને આનંદ લૂંટી શકીએ છીએ. એ જ લોકશાહીની મજાશાહી છે.
(સમકાલીન, મે 3, 1989)
(પુસ્તક: રાજકારણ ભારત)
પણ 1952થી 1884 સુધીનાં નિર્વાચન-પરિણામોનો અભ્યાસ કરીએ તો ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમમાં ભાજપના મતોમાં અનુક્રમે 51.55 અને 63.35 ટકા ઘટાડો થયો છે!
ReplyDelete^^ aama ભુલ થતી હાય ઍવુ નથી લાગતુ? ;)
Yes.. VIshal...I changed the year to 1984. બાકીના આંકડાઓ ખાલી ઉદાહરણ તરીકે સેફોલોજીસ્ટોની ભાષા સમજાવવા માટે આપ્યા હોય એવું લાગે છે.
Delete