May 18, 2013

...અને ખૂબસૂરત પુરુષ એ ઈશ્વરની ભૂલ છે!

હેન્ડસમ માટે જૂના ગુજરાતી સાહિત્યકારો એક ગંદો શબ્દ વાપરે છે: દેખાવડો ! સ્ત્રી બ્યુટીફૂલ હોય, પુરુષ હેન્ડસમ હોય એવું નાનપણના અંગ્રેજીમાં શીખવવામાં આવ્યું હતું. ગોરો-ગોરી-ગોરું એટલે ખૂબસૂરત અને કાળો-કાળી-કાળું એટલે બદસૂરત એવું પણ નાનપણમાં શીખવવામાં આવ્યું હતું અને નાનપણનું ઘણુંખરું શિક્ષણ સરાસર બ્રેઈન-વૉશિંગ હતું. ઉંમર વધતી ગઈ અને દુનિયા જરા જરા અનુભવાતી ગઈ એમ એમ સમજાતું ગયું કે આ બધી જ શબ્દ વ્યાખ્યાઓ અપૂર્ણ છે અને સુરૂપ-કુરૂપ જેવા શબ્દો સૌંદર્યશાસ્ત્રના નથી, જે રીતે સારું અને ખરાબ જેવાઅ આત્યંતિક શબ્દો સમાજશાસ્ત્રના નથી. કાળી સ્ત્રી ડાયનેમો હોય, ગોરી સ્ત્રી કોલ્ડ સ્ટોરેજ હોઈ શકે. કાળી સ્ત્રી 98.4 ડિગ્રી ઉષ્માથી ધબકતી માદા હોય, ગોરી સ્ત્રી ધોવાયેલી લાશ હોઈ શકે, દ્રષ્ટિ દરેક વ્યાખ્યાને સબ્જેક્ટિવ બનાવી દે છે. સૌંદર્ય પણ સર્વમાન્ય, સર્વસ્વીકાર્ય વ્યાખ્યામાં ઢાળી શકાતું નથી. દિલ લગા ગધી સે તો પરી ક્યા ચીઝ હૈ જેવી સડકછાપ કહેવતો રૂપસીના રૂપગર્વખંડન માટે શોધાઈ હશે?

પુરુષ જ્યારે વિષાદગ્રસ્ત હોય છે, ગમગીન હોય છે, ચિંતિત હોય છે, ત્યારે શું કરે છે? રાગ મારવા ગાય છે, જે સૂર્યાસ્તનો રાગ છે, ઘેરાતા અંધકારનો રાગ છે. અથવા ક્રિસ્ટલના ગ્લાસમાંથી વ્હિસ્કીના ઘૂંટ પી લે છે, મોઢામાં સોનેરી કડવાહટ ભરી લે છે. ગમગીન અને વિષાદી પુરુષ હંમેશાં ખૂબસૂરત લાગે છે. અને ખૂબસૂરત પુરુષ એ ઈશ્વરની ભૂલ છે...

પુરુષ રજસ્ત્રાવ થઈ જાય એમ ગદ્ય લખી શકતો નથી. વાત વીરરસની નથી, વાત તૂટનની, ઘૂટનની, સડનની, ખંડનની છે જેમાંથી સાહિત્યનું મંડન અને સર્જન થાય છે. તૂટેલો કિલ્લો જ ખૂબસૂરત લાગે છે, ઘાયલ સૈનિક જ ખૂબસૂરત લાગે છે. એક્રીલીક રંગના ત્રણ હાથ મારેલો કિલ્લો જોયો છે? આટાના ડબ્બામાં મોઢું નાંખીને, મોઢું બહાર કાઢતી બકરી જેવો પાઉડર છાંટેલો સૈનિકનો ચહેરો જોયો છે? ચાળીસ વર્ષ પછી દરેક માણસ એના ચહેરા માટે જવાબદાર છે, ફ્રેંચ લેખક આલ્બેર કામ્યુએ લખ્યું હતું, હું માનું છું કે દરેક લેખક તો 25 વર્ષ પછી જ એના ચહેરા માટે જવાબદાર બની જાય છે. પુરુષના ચહેરા પર જખમના ડાઘ કોતરાયેલા હોવા જોઈએ, માર ખાધી છે એ દિવસોનું શિલ્પ ચહેરા પર ઝળહળવું જોઈએ, ઘામાંથી રિસતું લોહી સૂકાઈ ગયું છે એ ઘેર ગયા પછી જ ખબર પડવી જોઈએ. કૂકરમાં ભાતની તપેલીના છીબા પર મૂકેલા બટાટા બહાર કાઢ્યા પછી, છીલકાં ઉતારી લો અને પછી જેવા સુંવાળા લાગે છે એવી સુંવાળી દાઢીઓવાળા પુરુષો મને ક્યારેય ખૂબસૂરત લાગ્યા નથી. પુરુષ બે દિવસની વધેલી દાઢી હોય અને સ્ત્રી ત્રણ માસની ગર્ભવતી હોય ત્યારે શ્રેષ્ઠ લાગે છે. 

(અભિયાન, મે 23, 1998) 
(પુસ્તક: યાદ ઈતિહાસ)

1 comment: