May 18, 2013

ઈક્નૉમિક્સ એટલે ભૂતને પીપળા ઝાઝા અને પીપળાને ભૂત ઝાઝાં

શૅરબજાર ગબડે છે અને દરેક ગુજરાતી મીની-અર્થશાસ્ત્રી બની જાય છે. એકાએક એના ગળામાંથી નવી ભાષા સ્ફુરે છે. ડીવેલ્યુએશન અને ડેફીસીટ ફિનેન્સિંગ. કન્વર્ટીબીલીટી અને એફ.આઈ.આઈ.! અર્થશાસ્ત્રની એક પરિભાષા જન્મી ચૂકી છે. ઘણા નવા શબ્દો જૂની શૅરોની સાથે સાથે ઊછળી રહ્યા છે. જે પેઢી અંગ્રેજી જાણતી નથી એ પેઢી ગુજરાતી કહેવતો જાણે છે. બીજી તરફ અઘરા અંગ્રેજી શબ્દપ્રયોગો અને ઈકનૉમિક્સના લેટેસ્ટ શબ્દોને તળગુજરાતીમાં સમજાવવા જરૂરી છે. આ બંને અંતિમો વચ્ચે એક સેતુ બાંધવાનો વિનમ્ર પ્રયાસ:

  • વર્લ્ડ બૅંક : કુટુમ્બનો કાકો ને ફળિયાનો ફુઓ.
  • નોન-રેઝીડેન્ટ ઈન્ડિયન : ધાન ખાવું ધણીનું ને ગીત ગાવાં વીરાનાં.
  • કેપિટલ ફ્લાઈટ :  દુકાળમાં તેરમો મહિનો.
  • મેક્સિકોનો પૈસો :  ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો.
  • ડીપ્રીસીએશન એલાવન્સ : કંકણ વેચીને શેઠાણી કહેવડાવવું.
  • ગ્રોથ રેટ :  ગામડાની રાંડ નાતરે જાય ને ગામ વળાવવા જાય.
  • ડીવેલ્યુએશન : હાથી ઘોડા બહા જાય ઔર ગધા કહે કિતના પાની?
  • હોટ મની : વાંદરાને કરડ્યો વીંછી.
  • લાયસન્સ-પરમિટ રાજ : મોસાળે જમણ અને મા પીરસનાર.
  • પ્રોજેક્શન : મનમાં પરણ્યા અને મનમાં રાંડ્યા.
  • આઈ.એમ.એફ. (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) : કૂવા ઊંચા ને દોરડાં ટૂંકાં.
  • બૉમ્બે ક્લબ ઑફ ઈન્ડસ્ટ્રીઆલીસ્ટ્સ : કિસી કી વેલ, કિસી કા બેલ ને બંદે કા ડચકારા.
  • ડેટ ટ્રૅપ : ખાળે ડૂચા ને દરવાજા ઉઘાડા.
  • બિલીઅન : બાર લાખ ચાળીસ.
  • મ્યુચ્યુઅલ ફંડ : કેળ ઉપર કેળાં એક જ વાર લાગે.
  • રિ-સ્કીડ્યુલ્ડ ડેટ્સ : દશેરાને દહાડે ઘોડું ન દોડ્યું તો ક્યારે દોડશે?
  • વેલ્યુ-એડેડ ટેક્ષ : દાઝ્યા ઉપર ડામ ને પડ્યા ઉપર પાટુ.
  • ડેટ - સર્વિસિંગ : આંધળો દળે ને કૂતરો ચાટે.
  • કોર્પોરેટ સેક્ટર : દરજી દરજીનો દુશ્મન.
  • ફૂલ કન્વર્ટીબીલીટી : ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં.
  • ઓવર વેલ્યૂ : દિલ લગા ગધી સે તો પરી ક્યા ચીઝ હૈ?
  • કેપિટલ એકાઉન્ટ : ઓળખીતો સિપાઈ બે ડંડા વધારે મારે.
  • પોપ્યુલીસ્ટ સ્કીમ્સ : હથેળીમાં ચાંદ.
  • રેટ ઑફ ઈન્ફ્લેશન : બોત્તેર ભેગા છોત્તેર.
  • સ્લીપ-ઓવર ઈફેક્ટ : ઘી પડ્યું તો ખીચડીમાં.
  • જી.ડી.પી. (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) : ભેંસના શીંગડાં ભેંસને ભારે.
  • ફોરેઈન એક્સચેન્જ રિઝર્વ્સ : લાખના બાર હજાર.
  • પબ્લિક સેક્ટર : દેરામાં દેવ માયા નહીં ને પૂજારી પેસતા જાય.
  • ઈકનૉમિક ઍડવાઈઝર : રાણીછાપ રૂપિયો.
  • બૅલેન્સ ઑફ પેમેન્ટ્સ : મારું એ મારું અને મારું તમારું સહિયારું.
  • નાઈન્થ પ્લાન : (નવમી પરિકલ્પના) : ત્રાંસી આંખે બે ચંદ્ર દેખાય.
  • એઝમ્પશન : ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ.
  • એક્ષપોર્ટ અર્નિંગ્સ : ગામનાં છોકરાં જતિ કરવાં.
  • બૂમ એન્ડ ડૂમ : આણું કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો.
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર : ગધેડાના વાંસા પર ઘોડાની જીન.
  • એફ.આઈ.આઈઝ (ફોરેઈન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ) : ડાહી પરણે નહીં અને ગાંડીને શિખામણ આપે.
  • કરન્ટ એકાઉન્ટ ડેફીસીટ : ચોરની મા કોઠીમાં મોં નાખીને રડે.
  • લિબરલાઈઝેશન : જેવાં ભાઈનાં મોસાળાં એવાં બહેનનાં ગીત.
  • હિંદુ રેટ ઑફ ગ્રોથ (પ્રોફેસર રાજ કૃષ્ણનો સિદ્ધાંત) : નવરો હજામ પાટલા મૂંડે.
  • કેશ રિઝર્વ રેશીઓ : દેવતાના દીકરા કોયલા.
  • બોરોઈંગ : ગધેડાનું મોં કૂતરે ચાટ્યું.
  • ટર્મિનલ યર ઓફ ધ એઈટ્થ પ્લાન (આઠમી પંચવર્ષીય યોજનાનું અંતિમ વર્ષ) : છીંડે આવ્યો ચોર.
  • રિસ્ટ્રક્ચરિંગ : ભીંત ને કરો સાથે ન પડે.
  • ડેફીસીટ ફિનેન્સિંગ : જણનારીમાં જોર નહીં તો સુઈયાણી શું કરે?
  • ફિસ્કલ પૉલિસી : મિયાં લૂંટે પૂઠે પૂઠે ને અલ્લાહ લૂંટે ઊંટે ઊંટે.
  • એફ.ડી.આઈ. (ફોરેઈન ડીરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ) : વાંદરો બૂઢો થાય પણ ગુલાંટ ન ભૂલે.
  • બુક ક્લોઝર : ગુરુ ગામ જાય ત્યારે ચેલા તોફાને ચડે.
  • એમ્પ્લોયમેન્ટ પોટેન્શીઅલ : ઘરમાં ટકાના ત્રણ શેર અને બહાર મિયાં તીસમારખાં.
  • સબસીડી : દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી.
  • માર્કેટ સેન્ટીમેન્ટ : કુંભાર કરતાં ગધેડા ડાહ્યા.
  • ટેક્ષ બર્ડન : ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતર નહીં.
  • ઈમર્જિંગ માર્કેટ : કાલો થઈને કાછડીમાં હાથ નાંખે.
  • રેટ ઓફ રિટર્ન : જીવતો રહેજે ને જોગી થજે.
  • ઓ.ડી.એ (ઓફીશીઅલ ડિવેલપમેન્ટ એસસ્ટન્સ) : હજામના હાથમાં દાઢી આવી તો હજામની થઈ ગઈ?
  • ઈકનૉમિક ક્રાઈસીસ : ડોશી મરતાં દુકાળ ન પડે.
  • લોન ગેરન્ટી : દેડકાની પાંચશેરી.
  • ડબલ ટેક્ષેશન : ડાહ્યો કુંભાર ગધેડે ન ચડે.
  • એક્ષટર્નલ લાયાબીલીટીઝ : ડાહ્યો કાગડો બે પગે બંધાય.
  • મલ્ટી-લેટરલ લોન્સ : ભલભલા કુંવારા ને બહેરાને બે જોઈએ.
  • કન્સેશનલ એઈડ : જમાઈનું પૂંછડું વાકું.
  • વર્લ્ડ ડેટ ટેબલ્સ : દેડકાને મન દરિયો નથી.
  • ટ્રાન્સફર ડીડ : ખૂટો વાણિયો જૂનાં ખાતાં તપાસે 
  • કસ્ટોડીઅલ સર્વિસિઝ : બળદની વાત ગધેડો સાંભળે.
  • હેલ્ધી એક્સપોર્ટ ગ્રોથ : ટીટોડી સૂએ પણ પગ ઊંચા રાખે.
  • ઈકનૉમિક્સ : ભૂતને પીપળા ઝાઝા અને પીપળાને ભૂત ઝાઝાં
અર્થશાસ્ત્રની પરિભાષા અનંત છે અને ગમે તે કલ્પના કરી શકાય છે. મહાન અર્થશાસ્ત્રી જ આવું વાક્ય બોલી શકે છે. ધારો કે વ્યાજનો દર શૂન્ય હોય...! વિશ્વમાં ક્યાંય વ્યાજનો દર શૂન્ય હોતો નથી, સિવાય કે અર્થશાસ્ત્રીના દિમાગમાં! બસ, અર્થશાસ્ત્રની આ જ મજા છે. ગંભીર મોઢું કરીને તમે ગમે તે ક્ષુલ્લક વાત કરી શકો છો જે તમારો શ્રોતા ગંભીર મોઢું કરીને સાંભળી શકે છે...

(મિડ ડે: ફેબ્રુઆરી 11, 1995)

(પુસ્તક: રમૂજકાંડ)

No comments:

Post a Comment