May 14, 2013

પુસ્તક બનામ કોમ્પ્યુટર અથવા પી.બી. વિરુદ્ધ પી.સી

હવે પુસ્તક નકામું થઈ ગયું છે અને વાંચવું જૂનવાણી થઈ ગયું છે કારણ કે ઈન્ફરમેશન સુપર હાઈવે આવી ગયો છે, સીડી-હોમ અને ઈન્ટરનેટનો જમાનો ચાલે છે, તમારા પીસી પર પલમાં નહીં પણ વિપલમાં લેટેસ્ટ માહિતી ખૂલી જાય છે. આંગળીના ટેરવાથી બટન દબાવો અને એન્સાયક્લોપીડિયા બ્રિટેનિકાના 23મા પુસ્તકનું 432મું પાનું ખૂલી જાય છે. હવે ચોપડી કોણ વાંચશે? પુસ્તકનું મૃત્યુ પાસે આવી ગયું છે. હવે છપાયેલા પૃષ્ઠની કોઈ જ કિંમત રહી નથી. પી.બી (પર્સનલ બુક) કરતાં પીસી. (પર્સનલ કોમ્પ્યુટર) આગળ નીકળી ગયું છે.

પ્રથમ વિશ્વ અને વિશેષત: અમેરિકામાં આ ચર્ચા ગરમાતી જાય છે. આ તાંત્રિક પ્રગતિના અભ્યાસી રિચર્ડ રોકવેલ કહે છે કે આજે આપણે સીડી-હોમ વિષે ઉત્તેજીત થઈ ગયા છીએ પણ આજથી 20 વર્ષ પછી કોઈ એ વાપરશે પણ નહીં... જો માહિતી જ સંગ્રહી રાખવી હોય તો પુસ્તક એ અત્યંત પ્રગતિશીલ ટેકનોલોજી છે!

ચર્ચા મુખ્ય મુદ્દા પર આવી જાય છે: પુસ્તક વિરુદ્ધ કોમ્પ્યુટર! આ કોમ્પ્યુટર યુગમાં પુસ્તક અને વાચન જીવશે? જીવી શકશે? હા, પુસ્તકનું વાચન જીવશે, જીવી શકશે. હજી કોમ્પ્યુટરના ચમકતા પડદા કરતાં પુસ્તકનું જર્જરિત થઈ ગયેલું પાનું ઉચ્ચતર છે. તમે કોઈપણ સામયિક ટ્રેનના ડબ્બામાં ઊભા ઊભા કે બાજુમાં સૂતેલી પત્ની સાથે ડબલ બેડમાં સૂતાં સૂતાં વાંચી શકો છો. પુસ્તક વાંચતા કોઈ પ્રકારનો ધ્વનિ કે ખટખટ અવાજો થતા નથી. પુસ્તકમાં બંધારણ, જિલ્દ, પૂંઠું, પૃષ્ઠો... સેંકડો વર્ષોથી આ પ્રમાણે જ ચાલ્યાં આવે છે, છરીના આકાર પ્રમાણે સ્તનના દૂધની ઉપયોગિતા પ્રમાણે અને એમાં ખાસ ફેરફારો થયા નથી. પ્રિન્ટ થયેલું પાનું "આઉટ ઑફ પ્રિન્ટ" નહીં થાય!



પુસ્તક લેખક લખે છે ત્યારે પાંડુલિપિ કે મેન્યુસ્ક્રિપ્ટ હોય છે, પણ વાચક વાંચે છે ત્યારે પુસ્તક બને છે. પુસ્તક વાચક પાસેથી શાની અપેક્ષા રાખે છે? એક સારી આંખ હોવી જોઈએ, પ્રકાશ હોવો જોઈએ, અને એક દિમાગ હોવું જોઈએ જે આંખે મોકલેલા અક્ષર-આકારોનું તુરત જ અર્થઘટન કરી શકે. કોમ્પ્યુટરની સામે બેઠેલા માટે ધારદાર દિમાગ એ આવશ્યક જરૂરિયાત નથી. વાચક લેખકનો સાઝેદાર છે. પણ કોમ્પ્યુટરનાં બટનો દબાવનારો ગમે તે ભાડૂતી હોઈ શકે છે.

જેને વાંચતા આવડે છે એ વાંચશે. જેને દાંત ઊગી ગયા છે એ બટકું ભરશે એવી જ જિજ્ઞાસા, તલપ, પ્યાસ, અદમ્ય ઈચ્છા આ ભાવનામાં છે. જેમ જેમ માણસ વાંચતો જાય છે એમ એમ એના વાંચવાની ઝડપ અને વાચનસામગ્રીની ક્વૉલિટીની પસંદ સુધરતાં જાય છે. વાંચવામાં માણસ ગિજુભાઈથી શરૂ કરીને ગુન્ટર ગ્રાસ કે ગાર્શીઆ માર્ક્વેઝ સુધી પહોંચી શકે છે. કારણ કે વાંચવું એ શિક્ષણની પ્રક્રિયા છે. એ ઓર્ગેનિક છે, કોમ્પ્યુટરની બદલાતી સ્ક્રીનની સામે બેઠેલો માણસ એક બ્લૉટિંગ પેપર છે, જે ઝબકે છે એ બધું જ એણે ચૂસી જવાનું છે. એક સેકંડમાં એક કરોડ ટપકાં ઝંકૃત થઈ જાય છે અને હોલવાઈ જાય છે. અટકીને વિચારોમાં ખોવાઈ જવા માટે અથવા વાંચતાં વાંચતાં એક ભાવવિશ્વમાં વિહરતા રહેવા માટે કોમ્પ્યુટર નથી. કોમ્પ્યુટરને ભાવવિશ્વ હોતું નથી. જે વાંચતો નથી એ વર્તમાનમાં કેદ થઈ જાય છે. જે વાંચે છે એના માટે નવો દેશ, નવો કાળ, નવો યુગ, નવો જીવનઆયામ ખૂલી જાય છે. શરીરના કારાગારમાંથી મુક્તિ પુસ્તક દ્વારા પ્રાપ્ત થાય છે. વાચન એ એક માનસિક પ્રવાસ છે, વાચન એ એક "મનોજ્ઞાનિક" (મનોવૈજ્ઞાનિક નહીં) યાત્રા છે. અહીં છાપાં વાંચવાની વાત નથી, અહીં પુસ્તક વાંચવાની વાત છે. રિપૉર્ટ વાંચવા કે ફાઈલો વાંચવી એને હું પુસ્તક કહેતો નથી.

પુસ્તકમાં તમે લીટીઓ કરી શકો છો. હાંસિયામાં લખી શકો છો, આદર અને અનાદર બંનેના તમે માલિક છો. વાચક વાંચે છે ત્યારે પોતાનું મર્મઘટન અને અર્થઘટન કરીને મીની-સર્જક બનતો રહે છે. લેખક "સુજ્ઞ વાચક"નું સંબોધન કરી શકે છે, કોમ્પ્યુટરનો બટનદાબક સુજ્ઞ નથી. એ માત્ર નિર્દોષ અજ્ઞ છે.

એક જ પુસ્તક તમે 16મે વર્ષે વાંચ્યું ત્યારે એનો એક અર્થ તમે સમજ્યા હતા, અને 32મે વર્ષે ફરીથી વાંચશો ત્યારે એનો બીજો અર્થ સમજાશે. 48મે વર્ષે ભગવદગીતા વાંચી હતી અને 64મે વર્ષે ભગવદગીતા વાંચો છો અને 80મે વર્ષે ભગવદગીતા વાંચશો ત્યારે જુદા જુદા અર્થો પણ મેઘધનુષના જુદા જુદા રંગોની જેમ ખૂલતા જશે. એ જ પુસ્તક છે, એ જ વાચક છે, માનસિકતા અને મન:સ્થિતિમાં પરિવર્તન આવતું રહે છે. કોમ્પ્યુટર આ અદભુતના પ્રદેશની બહારનું યંત્ર છે. પુસ્તક, અને મહાન પુસ્તક બીજી વાર વાંચી શકાય છે. પુસ્તક-લેખકની સાથે જીવી શકાય છે. કોમ્પ્યુટરના પડદા પરની વિદ્યુતલિપિ એક બટન દબાવીને ભૂંસી શકાય છે. પુસ્તકનો શબ્દ બાળી નાખ્યા પછી પણ ધબકતો રહે છે, જનમાનસમાં જીવતો રહે છે. શબ્દ જીવે છે, કારણ કે શબ્દ અક્ષરોમાં જીવે છે...

વાંચવું એટલે? જ્યોર્જ એલિયેટે પ્રથમ વાર ફિલસૂફ રૂસોને વાંચ્યો ત્યારે જે અસર થઈ એને માટે શબ્દો વાપર્યા હતા: ઈલેક્ટ્રિક શૉક! ઈમોશનથી રોમાંસ સુધીની ફીલિંગ કયું કોમ્પ્યુટર આપી શકશે?

(મિડ-ડે, સપ્ટેમ્બર 30, 1995)

(પુસ્તક: ટી.વી. પહેલાં અને ટી.વી. પછી)

No comments:

Post a Comment