May 18, 2013

મોહમ્મદઅલી, માઈક ટાયસન, સ્ટેફી ગ્રાફ અને સંજય દત્ત !

સંજય દત્તને એપ્રિલ 19, 1993ને દિવસે ટાડા નીચે મુંબઈના સહારા એરપોર્ટ પર ગિરફ્તાર કરવામાં આવે છે. મે 5, એને કામચલાઉ જામીન પર મુક્ત કરાય છે, સપ્ટેમ્બર 23એ જામીનની મુદત વધારવામાં આવે છે, જુલાઈ 4, 1994ને દિવસે ટાડા કોર્ટના જજ જે. એન. પટેલ સંજય દત્તની કામચલાઉ જામીન રદ કરે છે. સંજય દત્ત સુપ્રીમ કોર્ટને અપીલ કરે છે, સુપ્રીમ કોર્ટ સંજય દત્તની અપીલ ફેંકી દે છે. સંજય દત્ત ટાડા કોર્ટને ડિસ્ચાર્જ માટે અરજી કરે છે. ટાડા કોર્ટ અરજી ફેંકી દે છે. મહારાષ્ટ્ર રાજ્યની રિવ્યૂ કમિટી ટાડા કોર્ટને રિપોર્ટ આપે છે કે સંજય દત્ત સામેના આરોપ ખેંચી લો. જજ પટેલ કહે છે કે સરકારે સીધું મને કહેવાની જરૂર નથી, પબ્લિક પ્રોસીક્યુટર દ્વારા આ કહેવું જોઈએ. સી.બી.આઈ. ટાડા કોર્ટને કહે છે કે 12 માણસોને જામીન આપી દો, 12 નામોમાં સંજય દત્તનું નામ પણ છે. સંજય દત્ત જામીન માટે ટાડા કોર્ટને અરજી કરે છે, જજ પટેલ અરજી ફગાવી દે છે, અને સી.બી.આઈ.ની ભૂમિકાની સખ્ત આલોચના કરે છે. સંજય દત્ત સુપ્રીમ કોર્ટને અપીલ કરે છે, અને ઑક્ટોબર 16, 1995ને દિવસે સુપ્રીમ કોર્ટ સંજય દત્તને જામીન પર છોડવા આદેશ આપે છે...

આ હિન્દુસ્તાન છે, અમેરિકા નથી, જર્મની નથી. વિશ્વના બૉક્સિંગ ચેમ્પીઅન મોહમ્મદ અલીએ વિયેતનામ યુદ્ધમાં અમેરિકા તરફથી લડવાની ના પાડી હતી અને અમેરિકન કાનૂને વિશ્વ ચેમ્પીઅન અમેરિકન મોહમ્મદ અલીને જેલ ભેગો કરી દીધો હતો. અમેરિકાના બીજા વિશ્વ બૉક્સિંગ ચેમ્પીઅન માઈક ટાયસને એક મિસ યુ.એસ.એને રેપ કરી માટે અમેરિકન કાનૂને એને વર્ષો સુધી કારાવાસમાં ફેંકી દીધો હતો. જર્મનીની સૌથી પ્રિય સ્પોર્ટ્સવુમન અને વિશ્વ ચેમ્પીઅન ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફની કમાણીમાંથી એના પિતા પિટર ગ્રાફે ઈન્કમટેક્ષ ચોરી કરી માટે જર્મન કાનૂને સ્ટેફી ગ્રાફના પિતાને પણ જેલમાં ઠોકી દીધો છે. 1989થી 1992 સુધીમાં સ્ટેફી ગ્રાફની કમાઈ 25.2 મીલીઅન ડૉલર અંદાજવામાં આવી હતી, એના પિતાએ 5 મીલીઅન ડૉલર આયકર ભર્યો પણ હતો, પણ ઈન્કમટેક્ષ વિભાગના અંદાજ પ્રમાણે સ્ટેફી ગ્રાફે 12.2 મીલીઅન ડૉલર ટેક્ષ ભરવો જોઈતો હતો. જર્મનીના અર્થમંત્રી ગરહાર્ડ માયર-વોર્ફેલ્ડરે કહ્યું કે સર્વાધિક કર આપનારને પણ (જર્મન કાનૂનમાં) કોઈ વિશેષાધિકાર નથી...!

સંજય દત્તની સામે જે આરોપો છે એ મોહમ્મદ અલી કે માઈક ટાયસન કે સ્ટેફી ગ્રાફ સામેના આરોપો કરતાં હજાર ગણા વધારે ગંભીર છે. સંજય દત્ત હજી જામીન પર છૂટ્યો છે અને ઉચ્ચતમ ન્યાયાલયે એને જામીન બખ્શી છે. ઉચ્ચતમ કે એપેક્ષ કોર્ટનો નિર્ણય અને એની પુન:પરીક્ષા થતી નથી, કોર્ટની ગરિમા સાચવવાની હોય છે. પણ લોકશાહીમાં દરેક નાગરિક પ્રતિભાવ આપી શકે છે, પોતાનું મંતવ્ય પ્રસ્તુત કરી શકે છે. કટુ આલોચના પણ કરી શકે છે. કારણ કે સ્વતંત્ર વૈચારિક સ્વાતંત્ર્ય લોકશાહીની બુનિયાદ છે. હજી કેસ માત્ર જામીનની સ્થિતિમાં છે. "સંજય દત્ત-વલ્દ-સુનીલ દત્ત: ગિલ્ટી કે નોટ ગિલ્ટી?" જેવા પ્રશ્નનો ઉત્તર આવવાનો બાકી છે, પણ મહાન નેતાઓ અને વકીલોના અભિપ્રાયોનો ધોધ વહી ગયો છે! બાળાસાહેબ ઠાકરે સંજય દત્તને મુક્ત કરાવવાના તરફદાર છે, ટાડા જજ પટેલને પટકી નાંખવાની ધમકી પણ એમણે આપી હતી, એવું મુંબઈના સમાચાર પત્રોએ લખ્યું હતું. ઠાકરેને પ્રશ્ન પુછાયો : બીજા બધા જ બૉમ્બવિસ્ફોટ આરોપીઓ મુક્ત થઈ જાય એવું તમે માનો છો? એમણે ઉત્તર આપ્યો : બીજાઓ વિષે તો હું એવું ન કહી શકું...



એક વરિષ્ઠ ક્રિમિનલ વકીલે નામ ન કહેવાની શરતે કહ્યું કે આરોપીઓને ખબર જ ન હતી કે ષડયંત્રમાં ભાગ લેવાનો આરોપ મુકાય જ કેવી રીતે? બચાવ પક્ષના વકીલ અબ્બાસ કાઝમીએ કહ્યું કે ઘણાખરા આરોપીઓને ખબર જ ન હતી કે અંદર શું હતું? છતાંય એ લોકો બે વર્ષથી જેલમાં છે! વકીલો મજીદ મેમણ અને વારિસ પઠાણે કહ્યું કે બૉમ્બ વિસ્ફોટના બીજા 11 આરોપીઓને પણ જેલમાં સડવા ન દેવાય ! વકીલ બી. બી. તિવારીએ કહ્યું કે સંજય એની પાસેથી મળેલી એ. કે. 56 બંદૂક વાપરવાનો જ છે એવું તો ચોખ્ખું સાબિત થયું જ નથી. એણે તો ફક્ત એના પરિવારના રક્ષણ માટે એ બંદૂક ખરીદી હતી. એ વખતે મુંબઈની જે સ્થિતિ હતી એ જોતાં એને ક્રિમિનલ ન કહેવાય. વકીલ નરી ગુરસહાનીએ કહ્યું હતું કે તમારી પાસેથી શસ્ત્રો મળી આવે એટલે તમને ટાડામાં ન મૂકી દેવાય...! વકીલ એમ. પી. વશીએ કહ્યું કે સંજય દત્તે નુકસાની માટે 200 કરોડ રૂપિયાનો કેસ કરી દેવો જોઈએ! 

માર્ચ 12, 1993ને દિવસે મુંબઈમાં 13 સ્થાનોએ બૉમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં સેંકડો માણસો મરી ગયા હતા, હજારો ઘાયલ થયા હતા, કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ સંબંધમાં સંજય દત્ત પાસેથી ગેરકાયદેસર શસ્ત્રો મળી આવ્યાં હતાં એટલે એને હિરાસતમાં લેવામાં આવ્યો હતો. મુંબઈ હાઈકૉર્ટે કામચલાઉ જામીન આપી હતી એ રદ કરતાં ટાડા જજ જે. એન. પટેલે એમના 55 પાનાંના ચુકાદામાં લખ્યું હતું : ... કોઈ કાનૂનની ઉપર નથી અને આરોપીનો એ દાવો કે એના ઉપરનો આ કેસ એ ન્યાયના પ્રશાસન પર એક કલંક છે એમ સૂચવે છે કે એ કાનૂનથી પર છે. આ બીજું કાંઈ નથી પણ ન્યાયની મજાક કરવાનો એક પ્રયત્ન છે, જે અત્યંત શોચનીય છે અને એને અનુમોદન ન આપવું જોઈએ... જજ પટેલે ઑર્ડરમાં આગળ કહ્યું કે જે સૂત્રો પાસેથી સંહયે રાઈફલો અને 25 હેન્ડગ્રેનેડ મેળવ્યાં એ ષડયંત્રનો ભાગ હતાં. સંજયને પૂરેપૂરી ખબર હતી કે દાઉદ ઈબ્રાહીમ અને એના શાગિર્દોએ ત્રાસવાદી જુલ્મો કરવા માટે હથિયારો, ગોળીઓ અને બોમ્બસામગ્રી આ દેશમાં દાણચોરીથી ઘુસાડી હતી... આમાંથી ત્રણ રાઈફલો, ગોળીઓ અને હેન્ડગ્રેનેડો પોતે રાખી લીધાં, આ સામગ્રીનો એક હિસ્સો પોતાના ઘરમાં સંતાડીને એ આ ષડયંત્રનો ભાગ બન્યો. એ લઈ ન ગયા ત્યાં સુધી એણે રાખી... સંજયના ઘરમાંથી દાઉદ ઈબ્રાહીમના ભાઈ અનીસ ઈબ્રાહીમને ટેલિફોનો થયાની સાબિતીઓ છે જેની જજે નોંધ લીધી છે... (હિંદુસ્તાન ટાઈમ્સ: જુલાઈ 5, 1994)

સંજય દત્ત ગિરફ્તાર થયો એ પહેલાં અને પછી તત્કાલીન સમાચારપત્રોના રિપોર્ટો અત્યારે વધારે સાંદર્ભિક બની જાય છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા (એપ્રિલ 19, 1993)ને સંજય દત્તે ઈન્ટરવ્યૂમાં કહ્યું: મારી પાસે એ. કે. 56 હોઈ જ કેવી રીતે શકે?... મેં ફોન પર મુંબઈના પુલિસ કમિશ્નર એ.એસ. સામરા સાથે વાત કરી લીધી છે... (સામરાએ) મને કહ્યું છે કે ચિંતા ન કર અને તારું શૂટિંગ પતાવીને પછી જ મુંબઈ આવ... મારી પાસે 3 લાઈસન્સવાળાં શસ્ત્રો છે, બે સ્પોર્ટિંગ રાઈફલો અને એક શોટગન. હું સૌગંદ ખાઈને કહું છું કે હું નિર્દોષ છું... સમીર હિંગોરા અને હનીફ લાકડાવાળાએ કહ્યું કે ત્રણ એ. કે. 56 રાઈફલોમાંથી એક એમણે સંજયને વેચી હતી. (ટાઈમ્સ ઑફ ઈંડિયા : એપ્રિલ 20, 1993) વિરોધપક્ષોએ સરકારને પ્રશ્ન કર્યો કે તમને જેવી માહિતી મળી કે તરત જ શા માટે મિસ્ટર દત્તના ઘરની તલાશી ન લેવાઈ, અને મોરીશીઅસથી સંજય પાછો ફરે ત્યાં સુધી રાહ શા માટે જોવાઈ? (ટાઈમ્સ ઑફ ઈન્ડિયા: એપ્રિલ 21, 1995)

મુંબઈમાં પુલિસ કમિશનર એ.એસ. સામરાએ કહ્યું કે એપ્રિલની 20મીએ મોરીશીઅસથી પાછા ફરતાં મુંબઈના એરપોર્ટ પર ગિરફ્તારી વખતે સંજય બહુ મક્કમતાથી કહેતો હતો કે એ નિર્દોષ છે. પછી એને જ્યારે સમીર હિંગોરા અને હનીફ લાકડાવાળાની સામે લાવવામાં આવ્યો, જેમણે એને એ.કે. 56 રાઈફલ આપી હતી, સંજયે કબૂલ કરી લીધું. સંજયે જાન્યુઆરી 1993ના કોમી હુલ્લડો પછી આ એ.કે. 56 રાઈફલ ખરીદી હતી. સપ્ટેમ્બર 1992માં એણે એક કુખ્યાત ક્રિમિનલ પાસેથી 9 એમ.એમ પિસ્તોલ ખરીદી હતી. એની પાસે ત્રણ લાઈસન્સવાળા હથિયારો હતાં જે ગ્વાલિયરમાં રજિસ્ટર થયેલાં છે. અંતે (સામરા) નિષ્કર્ષ કાઢે છે: આ રીતે શસ્ત્રો ખરીદવાની પ્રવૃત્તિ બતાવે છે કે એ હીરો છે એટલે કાયદામાં માનતો નથી... અને શસ્ત્રો ગાયબ કરવાની કોશિશમાં એણે સાબિતીઓનો નાશ કરવાની સાવચેતી રાખી છે. (ટાઈમ્સ ઑફ ઈન્ડિયા: એપ્રિલ 27, 1993) 

સંજય દત્ત જામીન પર છૂટશે કે મુક્ત થશે તો એના ચેઈન-રિએક્શન કે પ્રતિઅસર રૂપે અન્ય બોમ્બવિસ્ફોટ કેસના આરોપીઓને જામીન પર છોડવા પડશે કે મુક્ત કરવા પડશે. સરકારી આંકડાઓ કહે છે, ઓછામાં ઓછા 317 માણસો મરી ગયા હતા અને સેંકડો જખ્મી થયા હતા. એ મૃતાત્માઓને કયું ન્યાયાલય ન્યાય આપશે?

ક્લોઝ અપ:

કરીબ હૈ યાર રોઝે મહશર, છૂપેગા કુશ્તોં કા ખૂન કબ તક? 
જો ચૂપ રહેગી ઝુબાને-ખંજર, લહૂ પુકારેગા આસ્તીન કા

(અર્થ: કયામતનો દિવસે પાસે છે, નિર્દોષનું રક્ત ક્યાં સુધી સંતાડાશે? જો ખંજરની જીભ ચૂપ રહેશે તો બાંય ઉપરનો લોહીનો ડાઘ પોકારી ઊઠશે)

શાયર અને જજ અકબર ઈલાહાબાદીએ એક ખૂન કેસના નિર્ણય વખતે આ શેર ટાંક્યો હતો.

(ગુજરાત સમાચાર : નવેમ્બર 1, 1995)

(પુસ્તક: ખુરશીકારણથી રાષ્ટ્રકારણ)

No comments:

Post a Comment