September 13, 2014

જોધપુર શહેર વિશે

"મારું નામ, તારું નામ" નવલકથામાંથી જોધપુર વિશેના વર્ણનો:


[1]

મીટર-ગેજ સૂર્યનગર એક્સપ્રેસ જોધપુર પહોંચી ત્યારે સૂર્ય તપી રહ્યો હતો. મારવાડ હતું, જેનો અર્થ થતો હતો, મૃત્યુનો દેશ. એક જમાનામાં આ મૃત્યુભૂમિ હતી. અહીંની ધરતી પર મૃત્યુના ઈતિહાસની લોહીલુહાણ છાયા સતત પડતી રહી હતી. મિટ્ટી ખાકના રંગની હતી, અને માણસોના લિબાસ રંગબેરંગી હતા. ચટ્ટાનો ફાડીને ઊગેલા કેકટસ અને લાલગુલાબી પથ્થરોના ટેકરાઓની વચ્ચેથી જોધપુર શહેર ખૂલી રહ્યું હતું. અનુશ્કા જોધપુર આવી ચૂકી હતી, એણે કહ્યું, "ડેડી, ઉનાળામાં પથ્થરોને લીધે આપનું શહેર બ્લાસ્ટ ફર્નેસની જેમ તપી જાય છે અને શિયાળામાં રણને લીધે ભયંકર ઠંડી પડે છે... !" 

તેજ હસ્યો, "અનુશ્કા ! તને રાજસ્થાનનો બહુ ચાર્મ છે !" 

"મારા બુટિક માટે રાજસ્થાન તો ખાણ છે. નવા વિચારો, નવી ડિઝાઈનો... અહીંથી ઘણું બધું આવે છે." અનુશ્કા ઝડપથી બોલતી ગઈ, "આટલા લાઉડ રંગો તમને બહુ ઓછા જોવા મળશે. જયપુર આખું શહેર ગુલાબી રંગનું છે. ઉદયપુર જાઓ તો શહેર સફેદ બની જાય છે, જેસલમેર પીળા રંગનું છે..." 

"અને જોધપુર?" બનાસે પૂછ્યું. 

"જોધપુર? જોધપુરને તું મહેરાનગઢની ઉપરથી જોજે. આખું શહેર બ્લુ છે, પણ સૂર્યાસ્ત થાય છે ત્યારે એ ગળીના વાદળી રંગ પર સૂર્યાસ્તનો સોનેરી રંગ ઢળી જાય છે. દૂરથી મોર બોલે છે. ઈટ્સ ફેન્ટેસ્ટિક !" 

બનાસ ઝૂમી ગઈ...."અનુશ્કા ! આઈ વિલ ડાન્સ ઍન્ડ ક્રાય..." (પૃ. 52) 

[2]

જોધપુર. આ રાજસ્થાનની ઉત્તર-પશ્ચિમ દિશા હતી. થારનું રણ બધી જ દિશાઓમાં ગોળ ફેલાયેલું હતું અને રણની છાતી ઉપર જોધપુર હતું. થારની રેગિસ્તાની ટીલાઓવાળી ધરતી પાકિસ્તાનની સરહદ ઓળંગીને ઊતરી જતી હતી. અહીં રાજપૂત રાઠોડ રાજ કરી ગયા હતા. લૂ વાતી હતી અને રેતીના ટીલા ઊડીને ગાયબ થઈ જતા હતા. કાંટાદાર કેકટસ, જુદી જુદી ઊંચાઈ અને ફૈલાવનાં, છૂટાં છૂટાં, સખ્ત જમીન ફાડીને ઊગી ગયાં હતાં. આકાશ ઊંચું ચાલ્યું જાય છે, ક્ષિતિજો દૂર ચાલી જાય છે, કાતિલાની સાંજ લાંબી ચાલે છે. લાલ લાલ સાંજ ધીરે ધીરે લોહી નીકળી ગયા પછીની સૂજન જેવી પર્પલ બનીને, કાળી બનીને, અંધકાર બની જાય છે. રણનો ઠંડો શ્વાસ ડૂબતી રાતમાં ભૂતિયો બની જાય છે. બપોરે તેતરો દોડીને, રસ્તો ઓળંગીને, કાંટાદાર ઝંખાડમાં ઘૂસીને અદ્રશ્ય થઈ જાય છે. થારની રાતમાં પૂરી બપોર સખ્ત તપેલી લાલ ચટ્ટાનો ગરમી છોડતી જાય છે, અને હવા બફારાથી બોઝિલ બની જાય છે. મેહરાનગઢના કિલ્લા પર જૂની તોપો દરકતાર ગોઠવેલી છે અને જૂનાં મકાનોની જર્જર દીવાલો પર ઘરથી સતી થવા નીકળેલી જવાન વિધવાઓનાં પંજાઓના થાપાનાં નિશાન છે. આ ધરતી પર મૌત ઊંટના મુલાયમ કદમોની જેમ સિફતથી, સુંવાળી ઝડપથી આવ્યું છે અને બદામી મૂછો ફૂટેલા જવાનોને દરેક ધર્મયુદ્ધમાં શહાદતના સેહરાઓથી નવાજતું ગયું છે. જોધપુર. દુનિયાભરના ઘોડેસવારોની બ્રીચીઝ માટે વપરાતા જોધપુર્સ શબ્દને આ નગરે જન્મ આપ્યો છે. આઠ દરવાજાઓની વચ્ચે એક પહાડ છે અને પહાડ પર મેહરાન ગઢ ફૉર્ટ ઊંચાઈ પર ઊભો છે - શહેરના પાલક દેવતાની જેમ. મેહરાનગઢ ફૉર્ટ જોધપુરનું ચટ્ટાની, પથ્થરી હૃદય છે જેની ઊંચાઈના ઝરૂખાઓ અને છત્રીઓની નીચે તૂટેલી રાંગો પર આજે પણ કબૂતરો એ જ રીતે સંવનન કરે છે, ઘૂઘવે છે, ઊડાઊડ કરે છે જે રીતે પાંચસો વર્ષ પહેલાં કરતાં હતાં. એ વાતાયનો, એ ઝરોખા, એ છત્રીઓ પર ચાંદની અને ધૂપ એમ જ પડે છે. જેમ પાંચસો વર્ષો પહેલાં પડતાં હતાં. ફક્ત બંધ અને દરારો પડી ગયેલી, ઉમસ અને સીલનને લીધે બંધિયાર લાગતી દીવાલોની અંદરના ઠંડા અંધકારમાં, પાંખોની ફડફડાહટની કંપન હવે લાંબી ચાલે છે. રાત્રે માણસો રહેતા નથી. રાત્રે પ્રેતોની મેહફિલ દબાતા કદમે નાચતી રહે છે. (પૃ. 54)

હું + ચાલાકી + વાચકની વફાદારી = ગુજરાતી પ્રવાસ વર્ણન

"આભંગ" પુસ્તકમાંથી પ્રવાસ વર્ણનો વિશેના અવલોકનો:

[1]

હમણાં હમણાં ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ-વર્ણનોનો ઉપદ્રવ વધ્યો છે. યાતાયાતનાં સાધનો અને પ્રવાસની સગવડો વધ્યાં છે. ગુજરાતી લેખકોને એરોપ્લેનોમાં બેસીને વિદેશયાત્રાઓ કરવાની તકો વધી છે. લેખક માટે પ્રવાસ ઘણીવાર 'ક્રૅશ કોર્સ' કે 'રિફ્રેશર કોર્સ'નું કામ આપે છે. જૂના જાળાં સાફ થઈ જાય છે, નવી દ્રષ્ટિ ખૂલે છે. થોડું અભિમાન કે અભિજ્ઞાન પણ આવી શકે છે. વળી ચાર-પાંચ વર્ષો સુધી લખ્યા કરાય એવું ભાથું મળી જાય છે. ફલત: સાહિત્યમાં પણ હિન્દી ફિલમની જેમ હવે 'ફોરેઈન'ની ચમત્કારિક અસર આવી છે. લેખક હોય, પ્રવાસ કર્યો હોય, વાચકો મોઢું ફાડીને બેઠા હોય પછી વર્ણનો પાછળ રહી શકે નહિ. એ ખોટું પણ નથી, સાહિત્યનું એક નવું ક્ષેત્ર ખેડાય છે. પણ દરેક પ્રવાસી સારો પ્રવાસ વર્ણન લેખક બને એ જરૂરી નથી. ઘણી વાર લેખકને માટે - સજાગ લેખકને માટે - એક વિકટ પ્રશ્ન એ હોય છે કે શેના વિશે ન લખવું? સારા સાઉન્ડ રેકર્ડિસ્ટ અથવા ફિલ્મ એડિટરની આ સમસ્યા હોય છે - કઈ કઈ વસ્તુઓ પર ક્રૂરતાથી કેંચી ચલાવી દેવી? પ્રવાસવર્ણનો લખનારને માટે શું શું ન લખવું ને શું લખી નાખવું કરતાં વધુ મહત્વનું હોવું જોઈએ, એવું મારું માનવું છે. નહિ તો પ્રવાસવર્ણન લેખક પેરિસનું સોં સેલીઝે વર્ણવતો હોય અથવા સ્વિટઝરલેન્ડના ઝ્યુરિકમાં ફરતો હોય અને વાચકને કંટાળાનાં બગાસાં આવ્યા કરતાં હોય. પ્રવાસ વર્ણન પ્રામાણિક, રસિક વાચ્ય તો હોવું જ જોઈએ. કહેનારને વાત કહેતા આવડવી જોઈએ. સારુ પ્રવાસવર્ણન એરલાઈન કંપનીનું બ્રોશર નથી, સંવાદદાતાએ લખી મોકલેલો અખબારી રિપોર્ટ નથી, ભણવા ગયેલા વિદ્યાર્થીનો વિદેશથી આવેલો અને સંમોહિત અવસ્થામાં લખાઈ ગયેલો પત્ર નથી, પૈસા કમાવા માટે વર્તમાનપત્રો-સામયિકોમાં ઢસડેલી દંભી હપ્તાબાજી નથી. બે પગ નીચે ખૂંદેલી ધરતી અને બે આંખોથી પીધેલી દુનિયાને કલાકારની તુલિકા દ્વારા ઉપજાવેલી પ્રતિચ્છાયામાં ઓગાળવી એ પ્રવાસવર્ણનોનો હેતુ છે.

અંશત: દરેક સુવાચ્ય પ્રવાસવર્ણન દર્શકની આંખોમાં પડેલું પ્રતિબિંબ છે. વ્યક્તિગત છે. જ્યાં ખંડિયેરોના લીલ બાઝેલા પથ્થરો કરતાં બગીચામાં તડકો ખાતી વૃદ્ધાના ચહેરાની ઝુર્રીઓ વધુ 'ઐતિહાસિક' છે, કોઈ કોઈ વખત. (પૃ. 183-184) 

[2]

વચ્ચે ગુજરાતી સાહિત્યમાં આત્મકથાઓ લખવાની સીઝન હતી. ગઠરિયાં બાંધીને કંઈક નીકળી પડ્યા હતા. હમણાં પ્રવાસ વર્ણનોની ફેશન છે. પ્રવાસ વર્ણન આત્મ કથાનું એક નિર્દોષ અંગ છે અથવા કહો કે આત્મકથાનો 'સ્ટંટ' ભાગ છે. હું + ચાલાકી + વાચકની વફાદારી = ગુજરાતી પ્રવાસ વર્ણન એવું કોષ્ટક બેસી શકે. કોઈ નીલ ગગનની નીચેની વાતો કરે છે. કોઈક કોતરો અને કંદરાઓમાં ગાઈડેડ ટુર કરાવી રહ્યા છે, ક્યાંક અલગારીઓ રખડપટ્ટી - કાગળ, પેન્સિલ લઈને - કરી આવ્યા છે. વિદેશના પ્રવાસ વર્ણનમાં ઘણી મજા છે. વાચકને મૂઢમાર જેવી અસર થઈ જાય છે. અંગ્રેજી ઉચ્ચારો પણ સાચા ન બોલનારા, ફ્રેંચ ઉચ્ચારો સાચા કેમ થાય એ વિશે લખે છે અને આપણું જ્ઞાન વધવાનો ભય પેદા થાય છે. વિદેશમાં જોવા જેવું ઘણું છે એની ખાતરી થઈ જાય છે. આ ફેશન જરા વધારે ચાલી તો આપણે વિદેશીઓ કરતાં પણ વિદેશ વિશે વધુ ઘણા જ્ઞાની થઈ જઈશું એવી શક્યતા છે. કદાચ બાપદાદાઓએ કરેલાં પુણ્યને કારણે આપણે પણ વિદેશ જવાનું થાય તો આપણને એ સુખદ આશ્ચર્ય થશે કે આપણે જે વિદેશ વિશે વાંચ્યું હતું એ વિદેશ ક્યાં ખોવાઈ ગયો? પણ ગમે તે હોય, પ્રવાસ થયો તો એનું વર્ણન લખવું જ જોઈએ. વાર્તાઓ, નાટકો લખીને, પ્રવચનો આપી આપીને પણ લેખક કંટાળે છે ત્યારે આ પ્રવાસ લખાણો ફાવે છે. (પૃ. 201-202)

ફરીદા ખાનમ - 19મી સદીનો અવાજ

"તેજ ! તેં ફરીદા ખાનમને સાંભળી છે? સાંભળી હશે, પણ હું તને એક કેસેટ સંભળાવું છું... બિલકુલ મારા મિજાજની ચીજ છે. મને બહુ ગમે છે.'

"ફરીદા ખાનમ વિશે સત્યજિત રાયે કહ્યું હતું કે..." તેજ બોલ્યો, "આ અવાજ 19મી સદીનો અવાજ છે !"

"એનો અવાજ બહુ જ હોન્ટ કરે છે !" વાગ્દેવી બોલતી ગઈ, "સત્યજિત રાયની વાત તદ્દન સાચી છે."

વાગ્દેવીએ ક્રિસ્ટલના બેઠા ગ્લાસમાં વ્હિસ્કી રેડીને, બરફના બે ક્યૂબ નાખીને, તેજને આપ્યો. એણે એક નાજુક, નાના ગ્લાસમાં શેરી લીધી, ફરીદા ખાનમની કેસેટ મ્યુઝિક સિસ્ટમ પર મૂકી. લાઈવ પ્રોગ્રામની કેસેટ હતી. શરૂમાં તાળીઓના ગડગડાટ આવ્યા. બંને ચૂપ થઈ ગયા. પછી ઘૂંટાયેલો, મંજેલો, મધુર દર્દથી તરાશેલો, ગહરાઈઓમાં ડૂબીને બહાર આવેલો અવાજ આવવા લાગ્યો અને મદ્ધિમ રોશનીમાં ફેલાઈને ગુંજવા લાગ્યો: આજ જાને કી જિદ ના કરો...યૂં હી પહલૂ મેં બૈઠે રહો...!

"ધિસ ઈઝ ફરીદા ખાનમ !...તેજ ધ્યાનથી સાંભળજે !" વાગ્દેવી ભાવુક થઈને તેજના ચહેરાને જોતી રહી.

અવાજ ફેલાતો ગયો:

આજ જાને કી ઝિદ ના કરો/ યૂં હી પહલૂ મેં બૈઠે રહો/ તુમ સોચો જરા ક્યું ન રોકે તુમ્હે/જાન જાતી હૈ જબ ઉઠ કે જાતે હો તુમ/ તુમકો અપની કસમ જાને જાં/ બાત ઈતની મેરી માન લો/ વક્ત કી કૈદ મેં ઝિંદગી હૈ મગર/ ચન્દ ઘડિયાં યહીં હૈ જો આઝાદ હૈ/ કલ કી કિસકો ખબર જાને જાં/ હૌસલા આજ કી રાત કા હૈ...

અવાજ ખોવાતો ગયો, ટેપમાંથી તાળીઓના અને વાહવાહના પડઘા ઊઠ્યા અને શમી ગયા. તેજ સ્તબ્ધ થઈને વાગ્દેવીને જોતો રહી ગયો હતો. વાગ્દેવી ફક્ત તેજ સાંભળે એમ ગુનગુનાતી હતી: વક્ત કી કૈદ મેં ઝિન્દગી હૈ મગર/ ચન્દ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ/ કલકી કિસકો ખબર જાને જાં - 

ફરીથી ફરીદા ખાનમનો અવાજ ખામોશી ફાડીને ઊભરતો ગયો: મેરે હમનફસ, મેરે હમનવા, મુઝે દોસ્ત બન કે દગા ન દે/ મૈં હૂં દર્દે ઈશ્ક કી જાંતલબ મુઝે ઝિંદગી કી દુઆ ન દે...

"દર્દી ઈશ્ક કી...શું કહ્યું?" તેજ બોલ્યો

"એ મને પણ સમજાતું નથી-" વાગ્દેવીએ કહ્યું, "આગળ સાંભળ !"

ટેપમાંથી અવાજ ખૂલતો ગયો: મેરે દાગે-દિલ સે હૈ રોશની ઈસ રોશની સે હૈ ઝિંદગી/મુઝે ડર હૈ મેરે ચારાગર, યહ ચિરાગ તૂ હી બુઝા ન દે/મેરા અઝમ ઈતના બુલંદ હૈ, કિ પરાયે શોલોં કા ડર નહીં/ મુઝે ખૌફ આતિશે ગુલ સે હૈ, કિ કહીં ચમન કો જલા ન દે...

કેસેટ પૂરી થઈ, તેજ ચૂપ થઈ ગયો હતો. વ્હિસ્કીની એક ઘૂંટ ભરીને એ ખામોશ રહ્યો.

"ઘણીવાર એવું થયું છે...રાત્રે કલાકો સુધી ઊંઘ આવી નથી અને આ કેસેટ સાંભળતી રહી છું. વચ્ચે એકવાર વિચાર આવી ગયો હતો કે તને ભેટ આપું...પછી થયું નહીં....એમ સાંભળવાની મજા જ નહીં આવે. આપણે બંને સાથે સાંભળીશું....અને..." વાગ્દેવી અટકી ગઈ.

"હા."

"ગમી?"

"તારા મનની વાત આ અવાજે કહી દીધી છે." તેજે કહ્યું.

"હું પણ... મને લાગે છે અંદરથી 19મી સદીની સ્ત્રી છું...! બહારથી 21મી સદીની." વાગ્દેવીનો અવાજ નરમ થઈ ગયો. "આપણી જિંદગી 20મી સદીમાં બંધ થઈ ગઈ છે...વક્ત કી કૈદ મેં ઝિંદગી હૈ મગર...ચન્દ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ...

(મારું નામ, તારું નામ: પૃ.243-244)

એકલતાના કિનારામાં લગ્ન વિશેના વિચારો

'એકલતાના કિનારા' નવલકથામાંથી લગ્ન વિશેના વિચારો:

[1]

કોઈ કોઈ વાર મને વિચાર આવતો કે હું એવી છોકરીને પરણીશ, જે વાળ ટૂંકા રાખતી હશે અને હોઠ પર ઘેરી લિપસ્ટિક લગાવતી હશે, એ ખૂબ આધુનિક હશે અને પોતાની મેળે કમાતી હશે અને મારી સાથે નહીં ફાવે તો તલાક લઈ લેશે. ઘણી વાર મને વિચાર આવતા કે અમે ખૂબ મજા કરીશું અને ખૂબ ઝઘડશું અને અમે દિવસ-રાત અંગ્રેજીમાં જ વાતો કરીશું.

મારા વિચારો આવતા અને મારા આચરણ પર કોઈ જ અસર મૂક્યા વિના ખરી પડતા. (પૃ.13) 


[2]

રામા મારી ખૂબ જ પાસે હતી - ડાબો હાથ લંબાવું એટલી પાસે. પણ મારો ડાબો હાથ મેં એક જ છોકરી માટે રાખ્યો હતી; મને પરણનારી છોકરી માટે...

હું માનતો હતો કે મારી પત્ની એવા છોકરાને પરણવાની હતી કે જેનું શરીર તાજું હશે, એ શરીર પર કોઈ છોકરીના હાથ ફર્યા નહીં હોય, એણે કોઈ પણ છોકરીનો ઉપયોગ કરી લેવાના આશયથી એની શક્તિ અને હોંશિયારીનો ઉપયોગ નહીં કર્યો હોય - હું એ જ છોકરીના શરીર પર હાથ ફેરવવાનો હતો જેને પરણવાની મારી તૈયારી હતી. નાદાન છોકરીઓ સાથે ખૂણાઓમાં અને અંધારામાં અડપલાં કરી લેવાનું વીરત્વ મારામાં હતું નહીં અને લગ્નની રાતે હું મારી પત્નીને વ્યક્તિત્વ અને શરીરની ભેટ આપવાનો હતો...કે જેથી એને લાગે કે દુનિયામાં એક અકબંધ શરીર એનું પોતાનું હતું, જેને એ જિંદગીનો એક દિવસ પ્યાર કરી શકે.

રામા જેવી ભૂખી છોકરી પણ નિરાશ થઈ જાય એવા પ્રસંગો બની ગયા. છેવટે એને મારા પર નફરત થઈ ગઈ. મારો પણ પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. (પૃ. 41) 

[3]

નાઈટલૅમ્પના પ્રકાશથી ટેવાઈ ગયેલી આંખોને બધું જ ઝાંખું ઝાંખું પણ સ્પષ્ટ દેખાતું અને અમારા ઘરમાં બાર બાય દસના ક્ષેત્રફળમાં જ સાંસારિક સ્વપ્નો આવી જતાં હતાં. (પૃ.58) 

[4]

લગ્નની શરૂઆતના દિવસોમાં જ હું એક વિચિત્ર વિવશતામાં ફસાઈ ગયો. મેં મારી બધી જ સમસ્યાઓના ઈલાજ તરીકે લગ્નને સ્વીકાર્યું હતું, પણ લગ્ન મારે માટે નવા નવા પ્રશ્નો પેદા કરી રહ્યું હતું. જેની મેં કલ્પના કરી ન હતી અને તૈયારી પણ રાખી ન હતી. નીરા ઠંડી છોકરી હતી. એ એનો પ્રેમ એક છોકરાને આપી ચૂકી હતી અને એ છોકરો એના જીવનમાંથી ચાલ્યો ગયો હતો; નિરાશાનો, પરાજયનો ધુમાડો છોડીને અને થોડી મીઠી મીઠી સ્મૃતિઓનો ભાર મૂકીને. મને લાગ્યું, મારે વાસ્તવિકતા સ્વીકારવાની હતી, એક અનિવાર્યતા, એક લાચારી, એક દુ:ખ જે મારા પૂરા ભવિષ્યને ઘેરી વળ્યું હતું. માનસિક ગ્રંથિઓથી નાસીપાસ થઈ જાઉં એ પ્રકારનો હું ન હતો, પણ મારી અતૃપ્ત ઈચ્છાઓ મને કોરી રહી હતી અને મને અમારી વચ્ચેના વધતા જતા અંતરનું ભાન થતું જતું હતું.

નીરાને હું બે પ્રસંગોએ બરાબર સમજી શકતો - એ વખતે એ, મેં વર્ષો સુધી સેવેલા આદર્શને અનુરૂપ બની જતી : બહાર ફરતી વખતે અને રાત્રે પથારીમાં. એની ઈચ્છાઓ સ્વતંત્ર રીતે બહાર આવતી, એનું સ્વત્વ સળવળી ઊઠતું. મને થતું, એના વ્યક્તિત્વમાં ચેતન આવી જતું અને એ મુંબઈની નીરા વકીલ બની જતી. પણ એ બધું થોડા સમય માટે ટકતું અને ફરી એ શાંત પડી જતી. મારો ઉત્સાહ ઠરી જતો અને એના પર માનસિક કે શારીરિક 'બળાત્કાર' કરતાં હું અચકાઈ જતો. એ સમજતી અને મને લાગ્યા કરતું કે એ મને જીતી લેવાની કોશિશ કરતી ન હતી. એની પાસે પ્રયત્ન કે ઈચ્છા જ ન હતી. એની ભૂખ ભાગ્યે જ ઊઘડતી અને ત્યાં સુધીમાં મારી ગરમી તરફડીને ઠંડી પડી જતી. એ બધું દુ:ખદ હતું. એમાં શારીરિક અતૃપ્તિ અને માનસિક એકલતા હતી અને પારાવાર નિરાશા હતી. નિરાશામાંથી ગુસ્સો પેદા થતો અને ગુસ્સો જુદાઈ લાવતો અને જુદાઈ ધીરે ધીરે નિરાશામાં પરિણમતી. (પૃ. 64) 

[5]

હંમેશા અમે સિનેમા જોઈને બહાર નીકળતાં અને હું પૂછતો, 'કેમ, ચિત્ર કેવું લાગ્યું?' 

એ એક ક્ષણ થોભીને મારો ચહેરો સમજીને મને ફરી ફરીને એક જ સવાલ કરતી, 'તને કેવું લાગ્યું?' હું ચૂપ થઈ જઈ મનમાં સમસમી જતો કે એક ચિત્રના અભિપ્રાયને પણ એ કેટલી ભીરુતા અને સંભાળથી જોઈ રહી હતી. એમાં એના અસ્થિર વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડતું હતું અને મને એની સાથે વિશેષ પ્રશ્નોત્તર કરવાની ઈચ્છા મરી જતી. એ પણ કંઈ જ ન બન્યું હોય એમ ચુપચાપ ચાલ્યા કરતી. (પૃ. 65)

કલકત્તા: હિંદુસ્તાનનું મોટામાં મોટું ગામડું

'એકલતાના કિનારા' નવલકથામાંથી કલકત્તા વિશેના અવલોકનો:

[1]

કલકત્તા એ હિંદુસ્તાનનું મોટામાં મોટું ગામડું છે. (પૃ. 23) 


[2]

મોટી મોટી વાતો કરનારા, કારણ વિના ગુસ્સો કરી નાખનારા, પોતાની જ મહત્તામાં ચકચૂર બંગાળીઓની આ રાજધાની હતી. ગંદકીવાળા વાસી કડવા તેલમાં, સડકો પર સુકાતા છાણમાં, હૂગલીના માટીવાળા પાણીમાં ઘેરઘેર બફાતાં સસ્તાં માછલાંમાંથી છૂટતી બદબૂમાં કલકત્તાનો આત્મા સબડતો હતો. રાતના દસ પછી મોટા મોટા રસ્તાઓ પર વેશ્યાઓના દલાલોનો બજાર ખૂલી જતો અને શહેરની ધબકતી જિંદગી બંધ દરવાજાઓની પાછળ સરકી જતી. હિંદુસ્તાનના કોઈ પણ મોટા શહેર કરતાં વધારેમાં વધારે ઔરતો શરીર વેચીને અહીં રોટલા કમાતી હતી.

બંગાળીઓ લગભગ દરેક ક્ષેત્રમાં પોતાને હિંદુસ્તાનના શ્રેષ્ઠ ગણાવતા હતા અને લગભગ ભૂખમરાના ધોરણ પર જીવતા હતા. વાસ્તવિકતા-અવાસ્તવિકતા સમાંતર ચાલતાં હતાં, બડાબજારની પ્રતિ ઈંચ જગ્યામાં સંપત્તિ છલકાતી હતી અને બેહિસાબ ગંદકી વર્ષોથી જામતી જતી હતી. દુનિયાના ધનિકમાં ધનિક અને ગંદામાં ગંદા વિસ્તારોમાંનો એ એક હતો. એક શહેર નછૂટકે ટકી રહ્યું હતું, ઈચ્છા વિરુદ્ધ. ચીડિયાખાનાંઓની જેમ બસો-ટ્રામો દોડતી હતી. ઉનાળો શરૂ થતાં જ દર વર્ષે શીતળા, કૉલેરા, પ્લેગ નિયમિત રીતે આવતાં અને થોડી બસ્તીઓ ખેદાનમેદાન કરીને ચાલ્યાં જતાં. વરસાદ પડતો અને બધા રસ્તાઓ પર પાણી ભરાઈ જતું અને ટ્રાફિક અટકી જતો. ગરમીમાં પીવાનું પાણી ખારું થઈ જતું અને રાતે તકિયાની ખોળીઓ પસીનાથી ભીંજાઈ જતી. રસ્તાઓ પર ઓગણીસમી સદીની ગૅસલાઈટો ઐતિહાસિક રીતે ટિમટિમાતી હતી અને સાંજ પડતાં જ આખા શહેર પર ધુમાડો, અંધકાર, વજન અને નિરાશા છવાઈ જતાં.

કલકત્તા વિચિત્ર હતું. વર્ષો ગુજાર્યા છતાં હજી હું એને સમજતો ન હતો. એને માટે નફરત હતી. અહીંથી ભાગીને દૂર ચાલ્યા જવાની ઈચ્છા છતાં હું ખસી શકતો ન હતો. અહીંના જીવનમાં મુંબઈ કરતાં વધુ વૈવિધ્ય હતું. અહીંનાં હવાપાણીમાં, ખોરાકમાં, લેબાસમાં, વિચારોમાં, નીતિમત્તાનાં ધોરણોમાં મુંબઈ કરતાં વિચિત્રતા વધુ હતી અને પાગલ કરી મૂકે એટલી બધી ગંદકી અને ભ્રષ્ટાચાર પણ અહીં બેફામ ફાલ્યે જતાં હતાં. કલકત્તા કોઈનું ન હતું અને એ બધાનું હતું અને દ્વિધામાં, અણસમજમાં વર્ષો જતાં હતાં. (પૃ. 68-69) 


[3]

નીરાએ મને પૂછ્યું, 'તમે લોકો આટલાં વર્ષોથી કલકત્તામાં કેવી રીતે રહી શકો છો?'

'કેમ?'

'આ રહેવાની જગ્યા છે? કેવા માણસો જીવે છે અહીં? આને મોટું શહેર જ કેમ કહેવાય?'

નીરાની વાત ખરી હતી અને એનો એક જ જવાબ હતો - પાંચ હજાર માઈલ દૂર સ્કૉટલૅન્ડથી ડૂગલી કિનારાની જ્યુટ મિલોમાં કામ કરવા આવનાર સ્કૉટ અને અઢીસો માઈલ દૂરના ઓરિસ્સાના બાલાસોર જિલ્લામાંથી આવતા ઉડિયા મજૂર સુધી દરેક પાસે આનો એક જ જવાબ હતો. કલકત્તામાં પૈસા સસ્તા હતા, જ્યારે પૈસો મોંઘો થશે ત્યારે કલકત્તા મરી જશે... અને બધા જ અહીં આવતા હતા - શિયાળામાં આવતા શાસ્ત્રીય સંગીતજ્ઞો, સિઝન પર રમતા ફૂટબૉલ-હૉકીના ખેલાડીઓ, પ્રદર્શિનીઓ ભરનારા ચિત્રકારો, એન્જિનિયરો, વેપારીઓ, આંતરરાષ્ટ્રીય દાણચોરો, વ્યાજ વસૂલ કરનારા કાબૂલીઓ, બિકાનેરના વેરાનમાંથી ઊતરી પડેલા મારવાડીઓ, સફાઈદાર કાળા મદ્રાસીઓ, મુંબઈની જીવલેણ હરીફાઈ અને અદેખાઈથી ડહોળાયેલી વેપારી દુનિયાથી ભાગી આવીને અહીં સહેલાઈથી સફળ થઈ ગયા પછી મુંબઈની કલ્પના કરીને છટપટતા મુલાયમ ગુજરાતીઓ. બધાનો ગુજારો અહીં થઈ જતો હતો. હિંદુસ્તાનનાં ગંદામાં ગંદા શહેરમાં બીજા કોઈપણ શહેર કરતાં, રાજધાની દિલ્હી કરતાં પણ વધુ યુરોપિયનો રહેતા હતા, એ એક હકીકત હતી. (પૃ. 69-70) 

[4]

કલકત્તા પાસે આપવાનું, સમજવાનું ઘણું હતું - ઘણું જે હું પણ બહુ ઓછું સમજ્યો હતો.

કીપ્લિંગ અને થેકરેથી જહોન માસ્ટર્સ સુધીના સાહિત્યિકોની એક યશસ્વી કતાર કલકત્તા સાથે વણાયેલી હતી. અહીંની કૉન્ટીનેન્ટલ હોટેલમાં માર્ક ટ્વેઈન આવી ચૂકેલો હતો. મિશન રોમાંથી અંધારી રાતોએ ડેલહાઉસીનું ભૂત દબદબા સાથે સવારીમાંથી નીકળતું એમ બુઢ્ઢા દરવાનો આંખો ઝીણી કરીને યાદ કરતાં. દિલ્હી દરબારમાંથી આવેલા પાંચમા જ્યોર્જના મનોરંજન માટે કાચની કર્શવાળા મહેલમાં રાતભરમાં બબ્બે લાખ રૂપિયા ફેંકીને ધનાઢ્ય હિંદુ વેપારીઓએ નગ્ન પરીઓને નચાવેલી. એ જ એશના કૅફમાં ઊભા થયેલા મલ્લિકના પેલેસમાં અંધારા ઓરડાઓમાં કલાસ્વામી, રૂબેન્સ, મ્યુરીલો અને સર જેશુઆ રેનોલ્ડ્ઝનાં વિરાટ, અમૂલ્ય અપ્રાપ્ય કૅન્વાસો ગમગીનીમાં જડાયેલાં ઊભાં હતાં. આસપાસ ફેલાયેલા બંગાળી જમીનદારોની અગણિત મહેલાતોનાં ખરી રહેલા ખંડિયેરોમાંથી બુઢ્ઢી થઈ ગયેલી, સંસ્કારિતાનો, સિતમનો, પલંગો પર સુવાડી સુવાડીને ભોંયરામાં દફનાવી દીધેલી ગોરી કમસિનોના રૂંધાયેલા શ્વાસનો, ખવાઈ ગયેલા ઐશ્વર્યનો કરુણ ઈતિહાસ ઝરતો હતો. કલકત્તા જીવતું હતું અને તવારીખના આંચકાઓ પસાર થઈ જતા હતા. (પૃ. 72-73)

હિન્દુસ્તાનનું વર્ણન અતીતવન નવલકથામાંથી

[1]

આ હિન્દુસ્તાન હજારો વર્ષોથી જીવે છે. અહીં દુ:શાસકો આવી ગયા અને સુશાસકો આવી ગયા. પર્શીઅનોનો દરિયાવુશ આવ્યો અને યુનાનનો ઈસ્કન્દર આવ્યો. કુશાનોનો કેડફીસીસ આવ્યો અને બેક્ટ્રીઅનોનો મિનેન્દર આવ્યો. શકોનો નહપાણ આવ્યો, હૂણોના તોરમાણ અને મિહિરગુલ આવ્યા. અરબોનો ઈબ્ન કાસિમ આવ્યો અને ગઝનવીઓનો મુહમ્મદ આવ્યો. ગુલામ અને ખલજી અને તુઘલિક આવ્યા. તુર્ક-તાતાર-મંગોલ આવ્યા. અને હજી કેટલાય આવશે. કોને ખબર? પેઢીઓની પેઢીઓઆ હિન્દુસ્તાનની ધરતી નીચે દફન થઈને સૂઈ ગઈ છે અને એમની ઉપર દર વર્ષે ઘઉં અને બાજરાનાં ખેતરો લહેરાય છે. પાગલો આવશે અને જશે અને હિન્દુસ્તાન ઊગતા સૂરજની જેમ ચમકતું રહેશે. (પૃ. 174-175) 

[2]

પૃથ્વીના પટ પરથી કેટલા બધા દેશોના ઈતિહાસોને પૂર્ણવિરામો મુકાઈ ગયા છે. બેક્ટ્રીઆ અને પાર્થીઆ, કાર્થેજ, ફીનીશીઆ અને આસીરીઆ, બાબિલોનીઆ, રૂમ અને શામ, સુમેરિયા, યુનાન, મિસ્ર, સ્કીધીઆ...

પણ ભારત જીવે છે, જીવશે.

અને ચોમાસાના વરસાદની જેમ ભારતના ઈતિહાસ પર વિદેશીઓ વરસતા રહ્યા છે.

પર્શ્યનોના સાયરસ અને દેરિયસ, આસીરીઅનોની સેમિરામીસ, સીરીઅનોનો એન્ટીઓક્સ, યુનાનીઓના ઈસ્કંદર અને સેલ્યૂકોસ.

કુશાનોનો કેડેફીસીસ અને બેક્ટ્રીઅનોના ડીમીટ્રીઓસ અને મિનેન્દર-

શકોનો નહપાણ, હૂણોના તોરમાણ અને મિહિર ગુલ.

શ્રીલંકાનો પરાક્રમ બાહુ અને તિબ્બતનો સ્ત્રોંગ-સાન-ગામ્પો.

અરબોનો ઈબ્ન-કાસ્મિ, ગઝનવીઓનો મુહમ્મદ, મામલુક ઐબક, ખલજી અલાઉદ્દીન, તુઘલિક મુહમ્મદ.

સમરકંદનો તૈમુર, ફરઘાનાનો બાબર, તુર્ક-તાતાર-મંગોલ.;

ફિરંગીઓનો ડા'ગામા અને આલ્બુકર્ક, ફ્રેંચ દુપ્લે, અંગ્રેજ ક્લાઈવ-

ઈરાનીઓનો નાદિર કુલી અને અફઘાનોનો અબ્દાલી-

અને પાકિસ્તાનીઓના અય્યુબ અને યાહ્યા. બધા આવીને ફૂંકાઈ ગયા છે.

આ ધરતીની નીચે દટાયેલી વિદેશી સૈનિકોની પેઢીઓ પર દર શિયાળે ઘઉંની ફસલો લહેરાય છે, મેઘદૂતવાળો વરસાદ દર ચોમાસે બરાબર પડે છે, બેલાનાં ફૂલો દર ઉનાળાની રાતે બરાબર ફાટે છે, હજારો વર્ષોથી ગંગા અગણિત હિન્દુ પેઢીઓની અસ્થિઓ વહાવીને લઈ ગઈ છે અને હજારો વર્ષોથી આ હિન્દુસ્તાનની ધરતી પર હિન્દુનો પુનર્જન્મ થતો રહ્યો છે...(પૃ. 194-195) 

[3]

આ ધરતી વિશ્વ માટે સ્વપ્નભૂમિ હતી. આ ધરતી સુખ અને ઐશ્વર્યની, સોનાની અને રત્નોની હતી. દૂર દૂરથી આક્રમકો, વેપારીઓ, સૈનિકો, વિદ્વાનો, પ્રવાસીઓ આ ધરતીની શોધમાં પ્રત્યેક સદીએ આવતા રહ્યા છે. જુદા જુદા ધર્મના, જુદી જુદી પ્રકૃતિના માણસો આ ધરતી પર આવીને કૃતાર્થ થયા છે. શાંતિ અને યુદ્ધનું ચક્ર આ ભૂમિ પર ઋતુઓના પરિવર્તનની જેમ ફર્યું છે. આ ભારતની ધરતી સૃષ્ટિની પારાવાર પ્રજાઓને અને વ્યક્તિઓને એમની સાધનાઓ અને પિપાસાઓનાં ફળ આપતી રહી છે. (પૃ. 196) 


[4]

આપણે આધુનિક બનવામાં બહુ વાર લગાડીએ છીએ. 

ત્રણ હજાર માઈલનો સમુદ્રતટ હોવા છતાં આપણાં રાજ્યોએ નૌકાદળની પ્રણાલી ખીલવી નહીં. ગઝની અને ઘોરીના ઘોડાઓ આપણાં મેદાનો જીતી ગયા. બાબરની તોપોએ ભારતનું તકદીર સીવી લીધું. અંગ્રેજોના જહાજોએ આપણું ભવિષ્ય ઘૂંટી નાખ્યું. પણ આપણે આપણા યુદ્ધહાથીઓ અઢારમી સદી સુધી છોડ્યા નહિ, ઓગણીસમી સદી સુધી આપણાં ઢાલ-તરવાર છૂટ્યાં નહીં. સમુદ્ર ઓળંગીને આપણે જોયું નહિ - દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. બેહોશીમાંથી કળ વળતાં આપણે સદીઓ ગુજરવા દીધી. આપણી શાંતિપ્રિયતાને આપણે નપુંસકતા સુધી સડવા દીધી. વૃદ્ધત્વને, જડત્વને, વાસ મારી ગયેલી પ્રણાલિકાને આપણે મૂર્તિપૂજાના સ્વરૂપમાં ફેરવી નાખી.

આક્રમણ એ સંરક્ષણનો જ ભાગ છે. યુદ્ધ એ શાંતિનું જ અંગ છે. શૌર્ય એ ઔદાર્યનો જ એક હિસ્સો છે. અહિંસા શીખતાં પહેલાં પ્રતિહિંસા શીખવી એ આપણા અસ્તિત્વ માટે અત્યંત જરૂરી છે. નવસર્જન માટે સંહાર પણ લાઝમી બની જાય છે.

આ આપણો ઈતિહાસબોધ છે. (પૃ. 283)

હિન્દુસ્તાનનું વર્ણન સુરખાબ નવલકથામાંથી

હિન્દુસ્તાન-આવતા ભવમાં જન્મવાનું મન થાય એવું હિન્દુસ્તાન ફેલાયેલું પડ્યું હતું. આકાશ અને પથ્થરો, રેતી અને આમ્રકુંજો, વરસાદો અને કોયલો, ચિતાઓ અને બર્ફ, લૂ અને કબરો-ઈતિહાસ અને યથાર્થનું ધૂપછાહી હિન્દુસ્તાન, કાળી આંખોવાળી મુગ્ધાઓનું અને તારાઓ ભરેલા આકાશવાળું અને ઘંટારવોના ધ્વનિઓ વહાવીને લઈ જતી નદીઓવાળું હિન્દુસ્તાન, અડધી દુનિયા ફરીને જે ખરાબીઓ અને સારાઈઓ જોઈ ન હતી. એ આ ધરતી પર જોઈ હતી. પાંચ હજાર વર્ષનાં દુ:ખોએ જડ, અમાનુષિક બનાવી દીધેલા માણસો અહીં હતા, હાથીઓના કદની સુસ્તગી હતી, માખીઓનો ગણગણાટ અને તડકાને ઝલઝલાવી દેતો મોરગુચ્છોનો કલાપ હતો, ભાંગમાં ધોળાયેલી પ્રવાહી સાંજો હતી અને જટાઓમાં ખોવાઈ ગયેલી વાસનાઓ હતી. હિન્દુઓની શ્વેત પવિત્રતાઓ આંખોમાં ખૂંચ્યા કરતી હતી અને ખંજરની ધાર પર સત્તાઓના નૃત્ય-દાવો ખેલાઈ રહ્યા હતા...

અને આ દેશ પછડાટ ખાઈ ચૂક્યો હતો. કંઈક જબરદસ્ત કમી હતી આ દેશમાં, જ્યાં જવાની એ સૌથી મોટું પાપ હતું અને વૃદ્ધત્વથી વધીને બીજું સાતત્ય ન હતું. જૂઠ કલાસ્વરૂપ બની ચૂક્યું હતું, દંભ રૂંએ-રૂંઆમાંથી પરાગની જેમ હિન્દુસ્તાની ત્વચામાંથી ઝરી રહ્યો હતો. સદાચાર અને દુરાચારની વ્યાખ્યાઓ માણસ પોતાની વ્યવસ્થા પ્રમાણે સજાવી લેતો હતો. જ્યાં સ્ત્રીઓ પર કરોડો અન્યાય ગુજારીને એને માતૃત્વનું વરિષ્ઠ પદ આપીને પુરુષ-સંચાલિત સમાજ નીતિની સોદાબાજી કરવામાં કોઈ જ સંકોચ અનુભવતો નહોતો. શતકો ગુજરતા જતા હતા અને માણસ નાનો બનતો જતો હતો અને ભૂતકાળના ગૌરવને એક પીડાની જેમ સહલાવી રહ્યો હતો. આગ્રહી અ-સત્ય દરેક ત્યાગી નિર્લજ્જતાથી ઉચ્ચારતો જતો. ફેફસાંઓમાં કાળો શ્વાસ ભરેલા, ફદફદી ગયેલા ધનપતિઓ સમયના નવા દેવતાઓ હતા. હિન્દુસ્તાની માણસ વર્તમાનથી ડરી રહ્યો હતો. એક ગ્રંથિમાં એક લજ્જામાં થરથરી રહ્યો હતો, એનું વીરત્વ સીમટી સંકોચાઈને પુરુષની મૂછોના વળ પર આવીને અટકી ગયું હતું. નપુંસકતા પ્લેગ કે શીતળાના રોગની જેમ સમસ્ત પ્રજાને રુગ્ણ બનાવી ચૂકી હતી. ભાંગ, ભગવો અને ભૂતકાળના ત્રિવિધ કવચ નીચે એ બેહોશ થઈ જતી હતી ત્યારે એને શાંતિ મળતી હતી. 

અને સુરખાબો હતી હિન્દુસ્તાનમાં. અપવાદો નિત્ય આવતા રહેતા હતા આ ધરતી પર, રણમાં ખીલી જતા એકાદ રંગીન ફૂલની જેમ કે સફેદ મોરની જેમ જે ગ્રીષ્મની વૃષ્ટિની જેમ અને ઈતિહાસનો, જનજીવનનો, સાંપ્રતનો, સમતલ પ્રવાહ એ જ મંથર ગતિથી ભેંસના શ્વાસની જેમ, ગુજર્યા કરતો. ઈશ્વરે એક મહાન ધરતી પર ગૌણ પ્રજાનું સર્જન કર્યું હતું, જેનામાં આખી જિંદગી ભૂખે મરીને સમયના અંત સુધી જીવતા રહ્યા કરવાની જિદ્દી જીજીવિષા હતી, જેની આંખોમાં ઈન્સાનનું ભવિષ્ય એ કરોડો જોજનો દૂર ટિમટિમાતા ગ્રહો-નક્ષત્રોની રમતનો એક જ્યોતિષી અખાડો હતો, જે સ્ત્રીના પેટમાંથી પુત્ર પેદા કરી આપનારી બંદરી પ્રવૃત્તિને પુરુષત્વની સીમા સમજતી હતી.

અને છતાંય હિન્દુસ્તાનિયત હતી આ દેશમાં, પાંચ હજાર વર્ષ પુરાણી હિન્દુસ્તાનિયત: તુલસી અને સાપ, સ્મશાન અને યોગ, માયા અને અગરબત્તી અને લિંગ, છાશ અને બીડી અને દશેરા અને પાન, શતરંજ, મેંહદી, લાજ, ચારપાઈ, મદારી, શંખ, શર્બત, વડવાઈઓ, પતંગો, શીર્ષાસન, મંડપ, તાંત્રિકો, બરફી, અસ્થિ-વિસર્જન. જગતમાં બહુ ઓછી જગ્યાઓ પર હતું એવું બધું કેટલુંય, રંગો-વાસો-ઉષ્માઓ-ઠંડકો, મિજાજો, સંસ્કારો, રક્ષાબંધન અને શ્રાદ્ધ અને ઓમ તત સત...

(સુરખાબ: પૃ. 165-166)

એક નવલકથાકારના અંગૂઠાની વાત

નવલકથા લખવાની મને હમેશાં મજા આવી છે. માટે જ મારાં ચોપન પુસ્તકોમાં એકવીસ નવલકથાઓ છે. પહેલાં વાર્તાઓ લખવાની મજા આવતી હતી. સવા બસો-અઢીસો જેટલી લખી. 1951થી આજ સુધીમાં - દેશભરની ભાષાઓમાં છપાઈ. પછી નેપાલી, ઉર્દૂ, પૂર્વ યુરોપની ભાષાઓમાં છપાઈ. ગમ્યું. અને ગુજરાત સરકારે કેસ ઠોકી દીધો એટલે મેં વાર્તા લખવી બંધ કરી દીધી. એમાં પૈસા મળતા નથી, સરકાર ઈનામો પણ આપતી નથી. વાચકો વાંચીને ભૂલી જાય છે અને સરકાર પુલિસ કેસ કરીને ભૂલી જાય છે...અંતે એમાં ખુવાર થવાનું છે.

ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા મરી ગઈ છે એનું હવે દુ:ખ રહ્યું નથી. 

નવલકથા જુદી વસ્તુ છે. વાચકોએ જબરદસ્ત પ્રેમ કર્યો છે. પ્રકાશક ખુશ છે, તંત્રી ખુશ છે, હું પણ ખુશ છું. હું ધારાવાહિક નવલકથાઓનો લેખક છું. મારી છેલ્લી તેર નવલકથાઓ ધારાવાહિક છપાઈ છે. દર રવિવારે લગભગ 3 લાખ પરિવારોમાં પહોંચતું સમાચારપત્ર અંદાજે 30 લાખ વાચકો સુધી પહોંચે છે, એટલે કે દર રવિવારે મારી નવલકથા જગતના દસ ટકા ગુજરાતીઓ સુધી પહોંચી શકે છે.

'લીલી નસોમાં પાનખર' છપાઈ રહી હતી ત્યારે 25 માર્ચ 1984ના રવિવારના અંકમાં 20મા પ્રકરણની સાથે 19મું પણ ફરીથી બીજી વાર પૂરું છાપવું પડ્યું કારણ કે અમદાવાદમાં ફેરિયાઓની હડતાળ પડવાથી ગુજરાતના વાચકોને એ હફ્તો મળ્યો ન હતો! કોઈ પણ વર્તમાનપત્રને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ રવિવારે એક આખું પાનું ભરીને જાહેરખબરો ન છાપવી પોષાય નહીં...પણ ગુજરાતી નવલકથાના પ્રકરણ માટે હજારો રૂપિયાની જાહેર ખબરો ખસેડાય છે એ વસ્તુની નોંધ લેવી જોઈએ!

ગુજરાતી નવલકથાના ઈતિહાસમાં આ ઘટના કદાચ પહેલી વાર બની છે. 

વાચકો વિના કોઈ નવલકથા હોતી નથી. આજે ગુજરાતી નવલકથાકારોમાં સરસ મજા પડે એવું ગંભીર લખનારા નવલકથાકારો ઓછા છે. ઘણાખરા શેઠાશ્રયી, સરકારાશ્રયી, પરિષદાશ્રયી, પ્રતિષ્ઠાનાશ્રયી નવલકથાકારો છે. ખોખલા છે અંદરથી. જ્યારે ગુજરાતીના તથાકથિત મહાન નવલકથાકારોનો વિચાર કરું છું ત્યારે મને 'પંચ'માં જોયેલું એક કાર્ટુન રહી રહીને યાદ આવ્યા કરે છે: એક મંચ પર આઠ લગભગ નગ્ન 'કેન-કેન' નર્તકીઓ પગ ઉછાળીને એક કતારમાં નાચતી હતી. એક નગ્નિકા બીજી નગ્નિકાને પૂછે છે: તને એવી 'હોરીબલ ફીલિંગ' થતી નથી કે કોઈ તારી સામે જોતું નથી?...લોકો જેમને વાંચતા નથી એ મહાન ઈનામવિજેતા નવલકથાકારોની 'હોરીબલ ફીલિંગ' હું સમજી શકું છું! તમે નાગા થઈને પગ ઉછાળવા માંડો માટે જ દર્શક તમને જુએ એવું બનતું નથી...નવલકથામાં ખાસ !

લેખક નવલકથાનો પાઈલટ છે, વાચક એનો નેવીગેટર છે. નેવીગેટરના ખોળામાં પૂરા આસમાનનો નક્શો ખુલ્લો પડ્યો છે. એક ચાલક છે, બીજો માર્ગદર્શક છે, રહનુમા છે. વાચક લઈ જાય છે એ ઊંચાઈએ કથાકાર પહોંચી શકે છે. કોકપીટમાં એ પણ તમારી સાથે બેઠો છે, એનું મુકદ્દર પણ તમારી સાથે જોડાયેલું છે. નવલકથા અંશત: વાચકની કલાવિદ્યા છે...

કવિ પોતાના રોદણાં રડી શકે છે એકલો એકલો. સેક્સની ભાષામાં કહીએ તો રતિ કર્યા કરે, ક્રીડા ન કરે, અથવા ન કરી શકે. એક આખી પ્રજાની વેદનાને વાચા આપનારો ગુજરાતી કવિ આવતી પેઢીમાં કદાચ પૈદા થશે. ગુજરાતી કવિને ત્રણ કરોડ ગુજરાતી પ્રજાના સુખદુ:ખ સાથે એવો કયો સંબંધ છે?

નવલકથા જુદી વસ્તુ છે. એ મર્દાઈનો ખેલ છે. નવલકથાકાર ફૂલને પીંછીથી રંગી શકે છે, ફૂલનો અર્ક ટપકાવી શકે છે, ફૂલનો એક્સ-રે લઈ શકે છે, ફૂલને બાળીને એમાંથી અત્તર કાઢી શકે છે, અને ફૂલને સ્પર્શની પણ હિંસા કર્યા વિના એને સૂંઘી પણ શકે છે. એ ગરૂડની જેમ એક પગ પર એકલો ઊભો રહી શકે છે, એ વાંદરાની હથેળીની રેખાઓ જોઈને ભવિષ્ય કહી શકે છે, એ વિલમ્બિત તીન તાલમાં હસી શકે છે, એ શ્વાસ અને વિશ્વાસના 'નો મૅન્સ લૅન્ડ'માં જાગતો રહી શકે છે, એ શબ્દોના લેન્સ બદલીને મંથરાની આંખે રામાયણ જોઈ શકે છે, એ ઘાસની કૂંપળને ફૂટતી સાંભળી શકે છે, એ બૂઝાતી આંખોમાંથી છટકી જતી જિંદગીને બંધ આંખોમાં કેદ કરી શકે છે! દરેક વ્યક્તિના શરીરમાં એક 'સિમ્પેથેટિક નર્વસ સિસ્ટીમ' હોય છે પણ નવલકથાકારની સિમ્પેથેટિક નર્વ્ઝ વધારે આર્દ્ર હોય છે. કારણ કે અન્ય કલાકારો કરતાં નવલકથાનો લેખક જીવાતા જીવનની વધુ નિકટ હોય છે...એને રહેવું જ પડે છે, જીવનને જોવું, અનુભવવું, સહન કરવું પડે છે, જીવનની વાર્તા કહેતાં શીખવું પડે છે. 

ગુજરાતી નવલકથા અ-બ્રાહ્મણ રહી છે, જ્યારે કવિતા પર બ્રાહ્મણોનો કબજો રહ્યો છે. અને માટે જ એક અત્યંત વલ્ગર વિધાન ગુજરાતી ભાષામાં કરવામાં આવે છે: વાર્તા કવિતાની ઊંચાઈએ પહોંચી છે! કુમારના ચંદ્રકોથી સાહિત્ય અકાદમીની સોગાદો સુધી જુઓ - ડઝનો ઈનામો અકરામો અપાય છે. એમાં કવિઓ કેટલા બધા છે? કવિતાઓમાંથી વટલાઈને નવલકથાકાર બનેલા કેટલા છે? અને માત્ર નવલકથાનું ત્રિશૂળ ઉપાડીને બલિ થઈ ગયેલા નવલકથાકારો કેટલા છે? પંદરમી સદીના યુરોપીય જીવનમાં કેથલિક ધર્મગુરુઓ જે રીતે મનમાની કરતા હતા એમ જ ગુજરાતી સાહિત્યમાં નબળા કવિઓ ઘણાખરા લાભ ઉઠાવી ગયા છે. નવલકથાની એક સશક્ત કલાસ્વરૂપ તરીકે ગુજરાતનાં પ્રતિષ્ઠાનોએ ક્યારેય ઈજ્જત કરી નથી. નવલકથાને એક શૂદ્ર પ્રવૃત્તિ તરીકે જોવામાં આવી છે પણ નવલકથા એના ધર્મ પ્રમાણે આખા સાહિત્યનું સમુદ્રતલ ફાડીને, 35000 ફીટના મહાસાગરની જલરાશિ ચીરીને, જ્વાલામુખીની જેમ પાણીની સતહ ઉપર આવીને ફાટે છે અને આગ ફેંકી શકે છે...સૂર્યની દિશામાં!

ગુજરાતી નવલકથાને ગુજરાતી પ્રજાએ છાતીથી લગાવી છે. હિંદી કે બંગાળીમાં ધારાવાહિક નવલકથા આ હદે સફળ થઈ શકી નથી! છે, પણ ગુજરાતી જેવી નહીં. મરાઠીમાં ધારાવાહિક નવલ નથી. દક્ષિણની મલયાલમ, તામિલ, કન્નડામાં છે. કદાચ ગુજરાતીમાં ધારાવાહિક નવલ સૌથી સફળ પ્રકાર છે. સાપ્તાહિક રવિવારની દરેક પૂર્તિ ધારાવાહિક છાપે છે. મારા અંદાજ પ્રમાણે આપણી એક ડઝન રવિવારીય પૂર્તિઓ અને અડધો ડઝન સાપ્તાહિકના નવલકથાકારો ભૂજથી મુંબઈ સુધી દર સપ્તાહે દોઢથી બે કરોડ ગુજરાતી વાચકો સુધી પહોંચે છે! સાહિત્યની દુનિયામાં આનાથી વધુ સફળ, સશક્ત અને લોકપ્રિય સાહિત્યપ્રકાર બીજો કયો છે?

પણ બુદ્ધિજીવી પ્રોફેસરો અને દુર્બુદ્ધિજીવી વિવેચકોને આ વાતની હજી સુધી ખબર પડી નથી!

નવલકથા બે પ્રકારની લખાતી હોય છે. એક જે લોકો વાંચે છે, અને બીજી જે લોકો નથી વાંચતા. લોકો એટલે? ગુજરાતી ભાષાનાં અડધો ડઝન સાપ્તાહિકો અને એક ડઝન છાપાં ખરીદીને વાંચતા ગુજરાતીઓ! લોકો એટલે જેમણે મને 1951થી 1984 સુધી એકવીસ નવલકથાઓ સુધી જીવતો રાખ્યો છે એ ત્રણ ગુજરાતી ભાષી પેઢીઓ! લોકો એટલે પર્સમાં પૈસા લઈને શાક લેવા જતી મધ્યવર્ગીય ગૃહિણી, જે મનપસંદ વાચનસામગ્રી ખરીદી શકે છે, જે બપોરે સૂતી સૂતી વાંચી શકે છે! લોકો એટલે એ ગુજરાતી માતા અને પત્ની અને એનો પરિવાર...! લોકો એટલે વિવેચનો નથી વાંચતા એ લોકો!

દરેક નવા વાચકની સાથે લેખકનો પણ પુનર્જન્મ થતો હોય છે.

1954-55માં હું મારી પ્રથમ નવલકથા 'પડઘા ડૂબી ગયા' શરૂ કરતો હતો, 1984માં મેં મારી એકવીસમી નવલકથા 'લીલી નસોમાં પાનખર' પૂરી કરી છે. મેં લખવું શરૂ કર્યું ત્યારે કનૈયાલાલ મુનશી હતા, રમણલાલ દેસાઈ હતા, ધૂમકેતુ હતા. ત્રીસ વર્ષ પહેલાં એમની રિયાસત હતી. પછી ઘણાં નામો આવ્યાં, આવતાં ગયાં. ચુનીલાલ મડિયા અને પન્નાલાલ પટેલની જાનપદી કથાઓ આવી, બીજા આવ્યા, અમે આવ્યા, અમારા પછી બીજા આવ્યા, મુઘલ દરબારમાં નવાજેશ થતી હતી એમ ઘણાને સિર-ઓ-પા (શિરપાવ) આપીને લાદી દેવામાં આવ્યા અને એ નવલકથાકારો એમાં જ દફન થઈ ગયા. ગુજરાતી નવલકથા ફિનીક્સ પક્ષીની જેમ પોતાની જેમ જ ખાકમાંથી જન્મીને ઊઠતી રહી. નવલકથામાં એ જ જીવ્યા જેમને લોકોએ સ્વીકાર્યા. નવલકથાકાર સરકારને ખોળે બેસવાથી જીવતો રહી શકતો નથી. એ જિંદગીભર 'ફેરેક્સ બેબી'ની જેમ જીવી શકે નહીં, સિંહના બચ્ચાની જેમ એણે પોતાનો શિકાર શોધવા નીકળવું પડે છે, પોતાના જખમ પોતે ચાટતા રહેવું પડે છે. નવલકથાકાર સરકારી રાજ્યસભાનો માણસ નથી, એ લોકોની લોકસભાનો પ્રતિનિધિ છે...

બહુ જ અઘરું હોય છે એ કહેવું કે નવલકથા કેવી રીતે જન્મે છે? કઈ નવલકથા પ્રિય, કઈ શ્રેષ્ઠ? શબ્દ સાથે કેવો સંઘર્ષ કર્યો? અનુભવ કેટલો જરૂરી? શૈલીનું કેટલું મહત્વ? નવલકથા લેખનમાં યોજના કે આયોજન કેવી રીતે કરો છો? અંગ્રેજીમાં કહે છે એ 'રાઈટર્સ બ્લૉક'નો અનુભવ કર્યો છે? થાક લાગ્યો છે? કોઈ સંદેશ, રૂપક, પ્રતીક, બિમ્બ ક્યાંય વાપર્યું છે? લેખન સાહજિક હોય છે? વાંચો છો. મથામણ થઈ છે, મનોમંથન થયું છે? પાત્રો જીવંત હોય છે? સફળતાની કોઈ ફૉર્મ્યુલા છે? કેવી રીતે લખો છો?...

આવા બેશુમાર પ્રશ્નો પૂછી શકાય અને ન સમજાય એવી દીર્ઘસૂત્રી ભાષામાં ઉત્તરો પણ આપી શકાય. પણ કલાકાર પોતે જ પોતાની સર્જનપ્રક્રિયા સમજાવવા બેસે એ બીજાઓને ફાવતું હશે, મને બહુ ફાવતું નથી. પોતાના હાથે જ પોતાનું સ્તન દબાવ્યા કરતી સ્ત્રીને કયો આનંદ મળતો હશે? એ અનૈસર્ગિક છે, અવૈજ્ઞાનિક છે. કલાકાર તરીકે અને નવલકથાકાર તરીકે હું માનું છું કે જીવનને ભોગવવું પડે છે, પછડાવું પડે છે, માર ખાવો પડે છે, માનહાનિમાંથી ગુજરવું પડે છે, જેમને પ્રેમ કર્યો છે એમને માટે ખુવાર થવું પડે છે, પસાર થયેલાં વર્ષોના જખમો સાચવવા પડે છે, મૃત્યુની સાથે શતરંજ રમી લેવી પડે છે, હસવું પડે છે...અને એકલા બેસીને લખવું પડે છે. ખૂબ લખવું પડે છે, ખૂબ ખૂબ ખૂબ લખવું પડે છે. કિસ્મત હોય તો થોડી સફળતા મળે છે. અને થોડી સફળતા મળે એને હું ખુશકિસ્મતી કહું છું.

મારી નવલકથાઓ મારી કલકતાની દુકાનના કાઉન્ટર પર લખાઈ હતી. હું વ્યવસ્થિત ગુજરાતી પણ ભણ્યો નથી. મારો જીવનનો અનુભવ સુખી ગુજરાતીનો નથી. મારી ભાષા પણ સાફ નથી. મને વ્યાકરણ આવડતું નથી, જરૂર પણ નથી. પણ મારી ભાષા, મારી વાત, મારો અનુભવ, મારી દ્રષ્ટિ ઈમાનદાર છે. નવલકથાકાર પાસે એક વસ્તુ હોવી જ જોઈએ - ઈમાનદારી! ઈમાનદાર લેખક વાચકના દિલ સુધી પહોંચી શકે છે, વાચક એને વફાદાર રહે છે. લેખકની ઈમાનદારી અને વાચકની વફાદારી એક એવો સંબંધ છે જે લેખકની આંખો મીંચાઈ ગયા પછી અને લેખકની ખાક ઊડી ગયા પછી પણ જીવે છે. નવલકથાના લેખક અને વાચકનો સંબંધ ફક્ત ઉઘાડી આંખોની શરમનો વ્યવહાર તો નથી! બૂઢાપામાં લેખક થાકતો હોય તો પણ વાચક એની ખાનદાની રાખતો હોય છે, માફ કરી દેતો હોય છે એવો મારો અનુભવ છે....

ગુજરાતી નવલકથાનો ઈતિહાસ એકસો વર્ષ જેવો કહી શકાય. ત્રીસ વર્ષ પહેલાં હું નવલકથામાં આવ્યો અને આવતીકાલે આંખો મીંચાશે ત્યારે મને કોઈ રંજ નહીં હોય. ત્રીસ વર્ષ પહેલાંની અને આજની નવલકથામાં જે ફર્ક હશે એમાં મારું એક યોગદાન હશે. અને મારા વિશે એક લીટી પણ ન લખાય તો મને વાંધો નથી. પૂરા ગુજરાતી સાહિત્યના ફલક પર મેં ફક્ત ત્રણ માણસો સામે ગર્દન ઝુકાવી છે: નર્મદ, મુનશી અને મેઘાણી. એ મારા પૂર્વજો છે...અને એકલવ્યની જેમ મેં મારો અંગૂઠો આ પ્રતિમાઓના ચરણમાં મૂકી દીધો છે...

(મે 10, 1984) ('લીલી નસોમાં પાનખર'ની પ્રસ્તાવના)

તમે જે ભાષા બોલો છો એ ગુજરાતી છે?

ભાષા જીવનભર પ્રેમ કરવાની વસ્તુ છે અને બુદ્ધિમાન માણસ એકભાષી નથી હોતો. એક જૂની વિદેશી કહેવત પણ છે કે, સ્ત્રી અને ભાષા પર કોઈનો એકાધિકાર નથી હોતો. ભાષાનો અભ્યાસ વિસ્મયનું વિશ્વ છે. જેણે આશ્ચર્ય પામવાની નિર્દોષતા ખોઈ નાખી છે, એણે ભાષાનો પાતાળપ્રદેશ ન કરવો જોઈએ. ભાષા દરેક શિશુ લખતાં પહેલાં બોલતાં શીખી જાય છે અને દરેક મનુષ્ય છેલ્લા દમ સુધી શીખતો રહે છે. ભાષા કાનથી, આંખોથી, આંગળીઓથી, ગળાથી શીખવાની વસ્તુ છે. ભાષા લખાયેલો કે લેખિત શબ્દ છે, બોલાયેલો વાચિક શબ્દ છે, અભિનય કરાયેલો કે અભિનીત શબ્દ છે, દરેક બોલાયેલા વાક્યનો દરેક મનુષ્યનો એક સ્વગ્રાફ હોય છે, એક લય હોય છે, એક રિધમ હોય છે, એક રવાની હોય છે, એક ધ્વનિનો કાર્ડિયોગ્રાફ હોય છે, એક સંગીતલિપિ હોય છે. લખાયેલું વાક્ય મહાન હોઈ શકે છે પણ બેજાન હોય છે, બોલાયેલું વાક્ય કિમાન હોઈ શકે છે પણ જાનદાર હોય છે.

આપણે ઉચ્ચારણને ગુજરાતી ભાષામાં હજી અભ્યાસ ક્ષેત્ર બનાવ્યું નથી. એ તરફ આપણું બહુ ધ્યાન પણ ગયું નથી. જાપાની ભાષામાં 'દ' અને 'ત' છે. રશિયન ભાષામાં 'હ' નથી, 'ટ' નથી, 'ડ' નથી. સુરત-ભરૂચમાં "ઓ"નો પહોળો ઉચ્ચાર નથી, રશિયનમાં પણ નથી. (રશિયનમાં મોલોતોવ શબ્દમાં બધા જ ઉચ્ચાર સાંકડા કરવાના). ડૉ. ગીઅર્સને ગુજરાતી ઉચ્ચારણ વિશે લગભગ સો વર્ષ પહેલાં અભ્યાસ કર્યો હતો. ઉત્તર ગુજરાતમાં 'ક' બદલાઈને 'ચ' થઈ જાય છે (ચેટલાક, ચેટલો) 'છ'નું 'સ'માં પરિવર્તન થાય છે. (સોકરો, પસે) 'સ'ના ઉચ્ચારણના એકથી વિશેષ પરિવર્તનો જોવા મળે છે. (માણહ, હરખું, હમજ્યો) 'સ'નો 'હ' ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી લગભગ સર્વત્ર છે. (હુરટ, વરહાદ, હારું) ગુજરાતી ઉચ્ચારણમાં ઓકારાંત ગ્રામ્ય આંચલોમાં છે (વોણીઓ, નોંખ્યો, પોંચ) ટ, ઠ, ડ, ઢ, ણ ઉચ્ચારણોમાં બહુ જ અરાજકતા છે અને ત, થ, દ, ધ, ન સાથે બદલાઈ જાય છે. (સંસ્કૃતના મૂર્ધન્ય અને દંત્ય) આ પારસ્પરિક ફેરફારોનાં બેશુમાર દ્રષ્ટાંતો છે. (બઢા, ટેઠી, ધનો, ડાણો, એકથું, ટરવું, તાઢ) ચરોતરના ઉચ્ચારણમાં ફેરફારો માત્ર એકાક્ષરી નથી (ચ્યમ, ચ્યો, ચાંણે).

ગુજરાતી ભાષામાં જે ભેદઅંતરો છે એ ઉચ્ચારણ અને વ્યાકરણને લીધે જન્મ્યા છે. થોડાં વાક્યો : હું આવટો છે...બીક ની મલે...હું ટમુને કહી ડેવા....ઢીરેઠી...જોય છે કોન છે...! આ એક કિનારો છે. બીજે કિનારે વિદેશસ્થિત ગુજરાતીઓની ભાષા છે. એક સામ્પલ: (બે સ્ત્રીઓ ટૅલિફોન પર વાતો કરે છે એમાં એક સૂચના આપે છે). યૂ મેઈક મગની દાળ એન્ડ સમથિંગ હૉટ, સમ બૅક્ડ ડિશ ઍન્ડ ખિચડી, મેઈક બિગ કચોરી વિથ ચટની, બિગ મગ બુંદી એન્ડ ધ કચોરી થિંગ...! આ બીજો સિરો છે. વચ્ચે ક્યાંક ગુજરાતી ભાષા છે.

ગુજરાતી ભાષામાં 13 સ્વરો છે, 34 વ્યંજનો છે અને 4 સંયુક્ત વ્યંજનો છે (ક્ષ, જ્ઞ, ત્ર, શ્ર). આધુનિક સંસ્કૃતજ્ઞોમાં એક એવો પણ મત પ્રવર્તે છે કે સ્વરો 'ઐ' અને 'અ' સ્વતંત્ર સ્વરો નથી પણ બે સ્વરોનું મિશ્રણ છે માટે એમનું અસ્તિત્વ ન હોવું જોઈએ. આધુનિક ભાષાશાસ્ત્રીઓએ સ્પષ્ટ વર્ગીકરણ કર્યું છે કે ગળાની અંદર અને જીભ હલાવ્યા વિના સ્વર બોલી શકાય છે જ્યારે વ્યંજન બોલવા માટે જીભ કે હોઠ હલાવવા પડે છે. મેં આફ્રિકાની સ્થાનિક કાળી પ્રજાની ભાષાઓમાં નવાં ઉચ્ચારણો સાંભળ્યાં જે સંસ્કૃતમાં પણ નથી. અત્યાર સુધી હું એમ માનતો હતો કે સંસ્કૃતમાં દરેક ઉચ્ચારણ છે પણ કાળા આફ્રિકન લોકો જીભથી ડચકાર કરતા હોય એમ જે ઉચ્ચારો કરે છે એ આપણે ત્યાં નથી. દ્રષ્ટાંતરૂપે 'મ્પ', 'ન્ગ', 'મ્બ', 'ન્ડ' જેવા ઉચ્ચારો આપણે કરી શકતા નથી, જે ત્યાં સામાન્ય છે. 

ભાષાનું એક ધ્વનિશાસ્ત્ર કે ફોનેટીક્સ હોય છે. ગુજરાતી શબ્દ 'વારુ' ક્યાંથી આવ્યો છે? મરાઠીમાં 'બર' નામનો શબ્દ છે. આપણે ત્યાં બરોબર જે બરાબર શબ્દ છે. આ બર અને આપણા વારુ ને સંબંધ છે?

ગ્રામીણ ગુજરાતીમાં સ્વીકાર માટેનો શબ્દ છે "હોવે". આ હોવેને લોકો 'હા'ના અર્થમાં વાપરે છે. હોવેની વ્યુત્પત્તિ અઘરી છે કારણ કે આવા એકાક્ષરી કે ધ્વનિઆધારિત શબ્દો કાળક્રમે વિકાસ પામે છે. પણ ચીની ભાષામાં આપણા હોવેને મળતો એક શબ્દ મને મળ્યો છે. એ છે: હવૈ! હવૈ એટલે હા, હું કરી શકું છું. ગુજરાતી ભાષામાં કેટલા ચીની શબ્દો છે? મને ખબર છે એટલા આ પ્રમાણે છે: ચા (ત્ચા), લીચીફળ (લી-ચી), ભાતની કાંજી (કોં-જી). આમાં હોવેને સ્થાન મળવું જોઈએ!

અરબીમાં આવી જ એક રોમાંચક વાત વાંચી હતી. અરબી ભાષામાં જ્યારે 'જ' અને 'ન' સાથે આવે ત્યારે અદ્રશ્યતાનો ભાવ અચૂક આવી જાય છે. દાખલા તરીકે, 'જિન', જે એક અદ્રશ્ય જાતિ છે. "જુનૂન" (ઝનૂન) એટલે એવી સ્થિતિ જેમાં બુદ્ધિ અદ્રશ્ય થઈ જાય છે. આના પરથી જ મજનૂન કે મજનૂ શબ્દ આવે છે. મજનૂમાં શું અદ્રશ્ય હોય છે એ દરેક બુદ્ધિશાળી સમજે છે! જન્નત એટલે સ્વર્ગ અને એક અર્થ એવો નીકળે છે કે આ સ્થાને એટલા બધાં વૃક્ષો છે કે ધરતી દેખાતી નથી. રેગિસ્તાની આરબ ધરતીના લોકો માટે સ્વર્ગ વૃક્ષાચ્છાદિત હોય એ કલ્પના સંભવ છે.

અને આ જ તર્કને આગળ વધારીએ કે જ્યાં 'જ' અને 'ન' સાથે આવે ત્યાં કંઈક અદ્રશ્ય હોવું જોઈએ તો જિન્નાહ શબ્દનું કેવી રીતે અર્થઘટન કરીશું? જિન્નાહ (મહમદઅલી ઝીણા) શબ્દમાં હિંદુસ્તાનની થોડી ધરતી અદ્રશ્ય થઈ ગઈ એ નિહિત છે?

ગુજરાતી ભાષાને પણ ગુજરાતી પ્રજાનો કરકસરનો નિયમ લાગુ પડે છે! ગુજરાતી ભાષામાં સંસ્કૃત અને હિંદીની ખડીપાઈ (પૂર્ણ વિરામને સ્થાને વપરાતી સીધી ઊભી લીટી) ન હતી. સંસ્કૃતમાં અલ્પવિરામ માટે એક અને પૂર્ણવિરામ માટે બે લીટીઓ વાપરવાનો રિવાજ હતો. હિન્દીએ એક લીટી અપનાવી લીધી. ગુજરાતી ભાષાએ અંગ્રેજીમાંથી સીધું પૂર્ણવિરામ અપનાવી લીધું. મરાઠી પાસે લિપિ નાગરીની છે પણ પૂર્ણવિરામ ગુજરાતી જેવું છે. હવે હિન્દીવાળાઓએ પણ પૂર્ણવિરામ અપનાવી લીધું છે કારણ કે છાપકામમાં એ વધારે ફાવે છે. ગુજરાતી લિપિમાં અમેરિકનોની જેમ સીધી સચોટતા છે. દરેક અક્ષર સંસ્કૃત અને હિન્દી જેવો છે પણ ઉપરથી માથાં કાઢી લીધાં છે. જેને લીધે ગુજરાતી ભાષા ઝડપથી લખી શકાય છે. બોલવામાં પણ ગુજરાતીઓ ચાર અક્ષરોને સ્થાને સાડા ત્રણ અક્ષરો બોલે છે, દાખલા તરીકે: લગભગ, હિન્દીવાળા 'અનુભૂતિ' શબ્દનો બરાબર 'અનુભૂતિ' જેવો ઉચ્ચાર કરે છે. હ્સ્વ અને દીર્ઘ છૂટા પાડે છે, ગુજરાતીઓ આ બધામાં માનતા નથી. ગુજરાતીઓ લખે છે દિલીપે પણ બોલે છે દિલિપ! છેલ્લાં અક્ષરનો પૂરેપૂરો ઉચ્ચાર કરવો એ ગુજરાતી સ્વભાવમાં નથી. અડધો ટકો વટાવ કે કમિશન કદાચ આપણને માફક આવે છે! જો કે સંસ્કૃત અક્ષર જે ગુજરાતી અક્ષરનો આદિ પિતા છે. આ બાબતમાં વૈજ્ઞાનિક રીતે બોલાય છે. સંસ્કૃતમાં 'વ' ત્રણ રીતે ઉચ્ચારી શકાય: અનુદાત્ત 'વ' જેનો ઉચ્ચાર નીચો છે. પછી ઉદાત્ત "વ" જેનો ઉચ્ચાર સામાન્ય છે. અને ત્રીજો સ્વરિત "વ" જેનો ઊંચો ઉચ્ચાર થાય છે. સંસ્કૃતમાં "ઋ" અને "લૃ" પણ સ્વર છે, વ્યંજન નથી.

મધ્યયુગીન યુરોપનાં વિશ્વવિદ્યાલયોમાં ભાષા બે રીતે શીખવવામાં આવતી હતી. એક વ્યાકરણ રૂપે, જેમાં લખાતી ભાષામાં ક્યાં ક્યાં અટકવું જોઈએ એ પણ શીખવાતું હતું. આ ગ્રામર હતું, બીજી વાચિક ભાષા શીખવાતી હતી જે વક્તૃત્વ અથવા ઓરેટરી હતી. આમાં બોલતી વખતે ક્યાં ક્યાં અટકવું, ક્યાં ભાર મૂકવો, વગેરે શીખવવામાં આવતું. આ બોલાતી ભાષાનું વ્યાકરણ હતું. આજે ભાષાશાસ્ત્ર અનેક રૂપરંગોમાં ખીલી ચૂક્યું છે. ફોનેટીક્સ અથવા ધ્વનિશાસ્ત્ર, મોર્ફીમ અથવા ધાતુશાસ્ત્ર, ઈટીમોલૉજી અથવા વ્યુત્પત્તિ, સિમેન્ટિક્સ અથવા શબ્દાર્થશાસ્ત્ર વગેરે. આ સિમેન્ટિક્સમાં પણ સિમીઓટિક અથવા સંજ્ઞાશાસ્ત્રની પ્રશાખા છે. ભાષા ડઝનો રીતે અને શાસ્ત્રીય પદ્ધત્તિઓથી સમજવાના વિજ્ઞાનો ખીલ્યાં છે ઉચ્ચારણ એ ભાષાના અનેક આયામોમાંનો એક આયામ માત્ર છે, પણ એ એક આવશ્યક આયામ છે.

અંગ્રેજી બોલનાર ઑસ્ટ્રેલિયન જો અંગ્રેજી બોલનાર સ્કોટલેન્ડવાસી સ્કોટને મળે છે તો બંને એકબીજાની ભાષા સમજતા નથી. ઘણી વાર આપણે પણ અંગ્રેજી બોલનાર દક્ષિણ ભારતીયને સમજી શકતા નથી. હું માનું છું કે ઉચ્ચારણ જ પ્રજાને એક વ્યક્તિત્વ આપે છે, માટે ઉચ્ચારણની ભિન્નતાને કારણે કોઈ હીનતાગ્રંથિ ન હોવી જોઈએ. જે ગુજરાતીઓમાં ખાસ છે! ગુજરાતીઓને અંગ્રેજી ઉચ્ચારો માટે લઘુતાગ્રંથિનું કોઈ કારણ ન હોવું જોઈએ. કેટલીક પ્રજાઓના કેટલાક સામાન્ય અંગ્રેજી શબ્દોના ઉચ્ચારો આ પ્રમાણે છે: ઑસ્ટ્રેલિયનો ટેઉન (ટાઉન), નેઉ (નાઉ), આઈટ (એઈટ) બોલે છે. મેં રશિયનોને બોલતા સાંભળ્યા છે: પ્લુસ (પ્લસ), હીર (હિયર).ફ્રેંચોના અંગ્રેજી શબ્દો: (પબ્લિક), ઝી (ધી, જેનો અંગ્રેજી સ્પેલિંગ છે: ટી-એચ-ઈ). અમેરિકન ઉચ્ચારણ: ગાડ (ગોડ), હાટ (હૉટ), ડાય (ડે). એટલે ગુજરાતીઓને ગાંધીજીના આદેશ પ્રમાણે મનપસંદ જોડણી લખવાનો અધિકાર નથી પણ મનપસંદ બોલવાનો અધિકાર જરૂર છે!

જો કે મનપસંદ ઉચ્ચારણ ક્યારેક કષ્ટ આપી શકે છે, જાપાનીઝો "લ"ને બદલે "ર" જ બોલી શકે છે. જ્યારે જ્યારે જાપાન ઍરલાઈન્સનું પ્લેન ઊતરે છે ત્યારે ઍરહોસ્ટેસનો મધુર જાપાની અંગ્રેજી અવાજ સંભળાય છે: વી હોપ યૂ હેવ ઍન્જૉય્ડ યોર ફ્રાઈટ ! (ફ્લાઈટ એટલે ઉડાન, અને ફ્રાઈટ એટલે ફફડાટ!) આશા રાખીએ આ ફફડાટની તમને મઝા આવી હશે...

ક્લોઝ અપ:

એકવાર અકબરે બિરબલને કહ્યું: બિરબલ! મને એક તોહફો લાવી આપ જે મેં ક્યારેક જોયો ન હોય. મારી પાસે ન હોય, એક અજાયબી હોય...! બિરબલે કહ્યું: હુઝૂર, એક વર્ષનો સમય આપો, કોશિશ કરું. બિરબલે એક વર્ષ પુરા હિન્દુસ્તાનમાં ફરીને એક માણસને પકડીને અકબર પાસે હાજર થઈ ગયો.

અકબર ચમક્યો: બિરબલ! આ તો તારા મારા જેવો આદમી છે! આમાં અજાયબી શું છે? બિરબલે કહ્યું: હુઝૂર! આ આદમી છે પણ ચિડિયાની ભાષા બોલે છે! પછી એણે એક કાંટાદાર સળિયો માણસના નિતંબમાં ઘોંચી દીધો. માણસ ચિત્કાર કરતો બોલી ઊઠ્યો: "કિ કોચ્ચો? કિ કોચ્ચો?" અકબર ખુશ થઈ ગયો...

માણસ બંગાળી હતો. કિ કોચ્ચો એટલે શું કરે છે? શું કરે છે?...

(જન્મભૂમિ/પ્રવાસી: જાન્યુઆરી 21, 1990)

('સંસ્કાર'માંથી)

સામાન્ય અંગ્રેજી વાક્યો અને તળપદી ગુજરાતી ભાષાંતર

ફૉરેનથી આવતા ગુજરાતી ટીનએજરોને બોલચાલનું અંગ્રેજી આવડે છે પણ એનું પર્યાયવાચી દૈનિક બોલચાલનું દેશી ગુજરાતી આવડતું નથી. શુદ્ધ, ઉચ્ચભ્રૂ, સાહિત્યિક ગુજરાતી આ માટે નકામું છે. થોડાક સામાન્ય અંગ્રેજી વાક્યપ્રયોગોને તળપદી ઘરેલુ ગુજરાતીમાં મૂકવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ શબ્દશ: અનુવાદ નથી, પણ ઊછળતું ફ્રી કરીબી ગુજરાતી છે!

વિદેશસ્થિત ગુજરાતીઓ સ્થાનિક સુરતી, ચરોતરી કાઠિયાવાડી બોલીઓ બોલતા હોય છે, સુશ્લિષ્ટ ગુજરાતી નહીં. એટલે એ દ્રષ્ટિએ પર્યાયો મૂક્યા છે:

આર યૂ કમિંગ? = આવટો છે?

ઍક્સક્યૂઝ મી = જાવા દે, લ્યાં

બિહેવ યૉર સેલ્ફ = કેમ અલ્યા? માબહેન નથી તારે? 

લિસન = હું શું કહું છું...

કિપ ક્વાયટ = એક પડશેને તો બત્રીસી બહાર આવી જશે.

ડોન્ટ યૂ વરી = ટેસ કરો, તમતમારે...

ગેટ લોસ્ટ! = હાલતો થા, હાલતો!

સૉરી, રૉંગ નંબર = અરે, બાપ રે!

મે આઈ કમ ઈન = આવું કે?

વ્હેર ઈઝ પશાભાઈઝ હોમ? = પશાભાઈનું ઘર કઈ બાજુ?

પશાભાઈઝ હોમ ઈઝ અરાઉન્ડ હિઅર = આ શું રહ્યું?

આયમ બીઝી = ભાળતો નથી?

આયમ સૉરી = આવા શબ્દો ગુજરાતીમાં વપરાતા નથી

ડોન્ટ બી લેટ = ટાઈમ એટલે ટાઈમ

હેલો! = જી!

યોર્સ ફેઈથફૂલી = લિખિતંગ

ટેઇક ઈટ ઈઝી = શોંતિ રાખો, શોંતિ રાખો!

ગો અહેડ! = હૅઁડ! હૅઁડ...!

ઓ.કે. = સારું

બિલીવ મી! = વાત માનવાની, શું?

કૉન્ગ્રેચ્યુલેશન્સ = મોટો થજે, અને ડાહ્યો થજે!

ચિઅર્સ = પીઓ, સાલે!

ધિસ ઈઝ ટૂ મચ = બેસ હવે, ડાહ્યો થા મા!

વ્હેન ડિડ યૂ કમ = ચાંણે આયો, ભઈ!

હિ ઈઝ એક્સ્પેક્ટેડ એની મોમેન્ટ = આયા જ હમજો!

ડિઅર સર = સાહેબ વહાલા

આયમ ફાઈન = લ્હેર છે

લિવ મી અલોન = ચલ ભાગ

લેટ અસ ક્રૉસ અવર ફિંગર્સ = ભગવાન કરે તે ખરું.

આઈ મેઈક અ મૂવ = સારું ત્યારે....રજા લઉં?


(-એ-બી-સી થી -એક્સ-વાય-ઝી-: પૃ.30-32)

September 12, 2014

'હથેળી પર બાદબાકી' નવલકથામાંથી ઈશ્વર વિશેના વિચારો

જે છોકરીએ કોઈનું કંઈ બગાડ્યું નથી, એને આટલી મોટી જિંદગીભરની સજા! ઈશ્વરનો ન્યાય પાગલનો ન્યાય છે! એની મા બૂઢી છે, એ ગરીબ છે...ગરીબને ભૂખે મારવામાં ઈશ્વરને કંઈક શયતાની આનંદ આવતો લાગે છે! (પૃ. 164) 

*                      *                        *                             *                           *

ઈશ્વરની સૃષ્ટિમાં ન્યાય કે સજા જન્મ-જન્માંતર પછી પણ અપાતી જ હોય છે.

'બાબુજી, ગાંધારીએ એકસો એક વર્ષ પહેલાં કાચબીનાં સો ઈંડાં ફોડી નાખ્યાં હતાં. એને, એકસો એક વર્ષ પછી પણ એની કિંમત ચૂકવવી પડી. દરેકને પોતાના કર્મની કિંમત આપવી પડે છે. ભીષ્મ પિતામહના આઠમા પૂર્વજન્મમાં એમણે એક વાર બે મોઢાવાળા એક સાપને કાંટા પર ફેંકી દીધો હતો. કાંટા પર ફસાયેલા સાપે વેદનાથી પીડાતાં પીડાતાં જીવ છોડ્યો. અને શાપ આપ્યો! ભીષ્મ આઠ જન્મ પછી બાણશય્યા પર પોઢ્યા. બાબુજી, સજા તો છે જ. સજા વિના કર્મમાંથી છૂટાતું નથી.'

કર્ણ જોઈ રહ્યો. 'ઈશ્વર પણ બદલો લે છે?'

'બદલો તો માણસનો શબ્દ છે. ઈશ્વરને ન્યાયથી સંબંધ છે. ઉપરવાળો જેટલા સરવાળા કરે છે, એટલી જ બાદબાકી કરી નાખે છે. એનો હિસાબ ચોખ્ખો છે. આપણે નથી સમજતા એટલે હિસાબમાં ભૂલો કરીએ છીએ.' રામસ્વરૂપ સિંહે હસતાં હસતાં સરળ રીતે કહેવા માંડ્યું. 

'આપણે ગોટાળા કરીએ છીએ અને ઉલઝનો પેદા કરીએ છીએ! ભગવાનનાં ત્રાજવાનાં બે પલ્લાં સરખાં જ હોય છે. એક જ પલ્લામાં એ સુખ-સાહેબી મૂકે છે. માણસ દુનિયા જીતીને સિંહાસન પર બેસે તો રાતે ઈશ્વર એની ઊંઘ લઈ લે છે! સમયની સાથે દુર્બુદ્ધિ પણ એ જ સુઝાડે છે. આપણે ઈન્દ્રિયોની બાજી રમ્યા કરવાની.'

'માણસ જિંદગીની ચોપાટ રમતો નથી, ચાચા?'

'સોગઠાં ચૌપાટની બાજી શું સમજે?'

કર્ણના શરીરમાંથી રોમાંચની એક લહર દોડી ગઈ. સોગઠાંને ચૌપાટથી શું સંબંધ? પાસાનું કામ છે ફેંકાવાનું. પાસાનું કામ છે પડવાનું. પાસાનુ કામ છે એનો ધર્મ બજાવવાનું. (પૃ. 209) 

*                      *                        *                             *                           *

કર્ણની આંખોમાંથી ટીસનાં ગરમ ગરમ આંસુ વહી ગયાં...

ભગવાન, મને આટલો બધો ભાવુક, આટલો બધો નિર્બળ, આટલો બધો પ્રમાણિક શા માટે બનાવ્યો? મને પાપી અને ઈમાનદાર બન્ને બનાવવા પાછળ કેટલી ભયંકર ક્રૂરતા હતી તારી? આત્મહત્યા કરતાં રોકે એવા ત્રણ સ્ત્રીઓના સંબંધોની જંજીરોમાં બાંધીને શા માટે તાવે છે, ભગવાન? મેં તો તારી પાસે, મરણિયા થઈને દુ:ખ પણ માગ્યું ન હતું? હજી છેલ્લો પાસો બાકી છે - મને પાગલ કરી મૂકવાનો? 

મને નાસ્તિકનો આત્મા આપીને કયો દાવ રમી ગયો, મારા માલિક?

ખેર, ધર્મનું કવચ પહેરીને હું મારા જખમો ઢાંકી લઈશ. શરીરને હોલવી નાખવાની કોઈ ચેષ્ટા નહીં કરું. માણસ પાસે એક જ જીવન હોય છે, પણ હું એ જીવનમાં ભરપૂર વિશ્વાસ પૂરીને ક્ષિતિજો સુધી જોયા કરીશ. કમજોરનો હાથ પકડતો રહીશ. તેં મને સ્વતંત્ર બનાવવાની પણ ભૂલ કરી છે ને? હું પણ મારી સ્વતંત્રતાનો માલિક છું.

ના, બહુ નાનો છું હું...તારી લીલા સામે, મારી અને તારી કોઈ શત્રુતા નથી. મારી ઈન્દ્રિયો, મારી શક્તિઓ, મારાં પાપો, મારી યાતનાઓ બધાં જ તારાં નિમિત્તો છે. મારી બુદ્ધિ...મારી બુદ્ધિ? એ શ્રદ્ધાનું શિરસ્ત્રાણ છે! ના, એ સંશયનું ખડગ છે. મારી બુદ્ધિને તારું નિમિત્ત નહિ થવા દઉં. હું માણસ છું. મન છે માટે જ માણસ છું. તારી પૂરી સૃષ્ટિથી હું જુદો છું, અલિપ્ત છું. મનનો માલિક છું. 

મારી ઘાયલ બુદ્ધિ જીવશે ત્યાં સુધી મારી રીતે જીવીશ. હું તારી સામે જીવીશ, તારી સામે હારીશ, પણ હારીશ ત્યાં સુધી જીવીશ. મરીશ ત્યાં સુધી જીવીશ. આંખો બંધ કરશે ત્યાં સુધી જીવીશ. મને તોડી નાખશે ત્યાં ટુકડા ટુકડામાં જીદથી જીવીશ. શ્વાસ ભરીને જીવીશ. બે શ્વાસની વચ્ચે પણ જીવવાની કોશિશ કરીશ.

મારી પાસે બુદ્ધિ છે, તેં જ આપી છે. અને માટે જ હું તારું સૌથી મહાન સર્જન બન્યો છું. હું જન્મ્યો ત્યારે પશુ હતો, મારી જરૂરિયાતો પશુની હતી, મને જીવાડવો પડતો હતો. પણ હું મરીશ ત્યારે મારી મુઠ્ઠીઓ ખોલીને મારી ઈચ્છાથી જ સમયને ઢોળી નાખીશ. શેષ પ્રહર સુધી હું બુદ્ધ રહીશ. (પૃ. 218) 

*                      *                        *                             *                           *

ભારતમાં લક્ષ્મણનું એક જ મંદિર છે. અને એ અહીં લક્ષ્મણઝુલામાં. રામ તો પરમપુરુષ હતા. દૈવી હતા. આદર્શ તરીકે યોગ્ય હતા. લક્ષ્મણ આપણા જેવા હતા. ક્રોધી, બીજાને માટે મરી ફીટે એવા, બહુ દૂરંદેશી નહિ. અત્યંત પ્રેમાળ, તર્ક કરતાં ભક્તિમાં વિશ્વાસ રાખનારા, માણસ જેવા દોષયુક્ત! 

માણસે લક્ષ્મણની જેમ જીવવું પડે છે. લક્ષ્મણ માણસ હતા. શ્રી રામચંદ્ર દેવતા હતા. લક્ષ્મણ અપૂર્ણ હતા, રામ પૂર્ણ હતા. અને માટે જ હું લક્ષ્મણઝુલા આવું છું. એક જ તો છે ભારતવર્ષમાં, રામના મંદિર તો લાખો છે. ખૂણે ખૂણે..લક્ષ્મણની પૂજા કરવી હોય તો અહીં જ આવવું પડે. (પૃ. 220)

બક્ષીબાબુની નવલકથાઓમાં સામ્યવાદ વિશે...

[1] એકલતાના કિનારા

કમ્યુનિઝમ તરફનો મારો રસ્તો સીધો ન હતો. એ આડોઅવળો હતો અને ખૂબ લાંબો હતો. એક વાર ક્લાસમાં એક મુસલમાન છોકરાએ મને 'જંગે આઝાદી' નામની નજમ લખી આપી. એનો શાયર હૈદ્રાબાદનો કમ્યુનિસ્ટ હતો, એ કવિતામાં નવો જોશ હતો, નવા શબ્દો અને નવા વિચારો હતા, એમાં એક 'સુર્ખ સવેરા'ની વાતો હતી.

મરેલા વંદાઓ પર કીડીઓ ભેગી થવા માંડે એમ અમે ભેગા થઈ ગયા. બનારસ હિન્દુ યુનિવર્સિટીનો એક એન્જિનીઅરિંગ ભણતો છોકરો, પેટ્રોલનું કામ કરતા બે મુસલમાન છોકરાઓ, એક અભ્યાસી વકીલ, થોડા બેકારો અને હું. કમ્યુનિસ્ટ સાહિત્ય ફેલાવા માંડ્યું. મારી સામે એક નવી દુનિયા ખૂલતી ગઈ. કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો, બુઝર્વા, ડાયાલેક્ટિકલ મટીરીઆલીઝમ, પંચવર્ષીય યોજનાઓ... એ શબ્દો ઝપાટાબંધ જૂના થતા ગયા.

ધર્મની અશ્રદ્ધાને કમ્યુનિઝમનો સંગીન ટેકો મળી રહ્યો હતો.

સંસારભરનાં, ઈશ્વર અને માણસે પેદા કરેલાં દુ:ખોનો આ જવાબ હતો. ઈશ્વરે આસમાનમાંથી ફેંકેલો આ ધર્મ ન હતો, માણસે જમીનમાંથી પેદા કરેલો આ ધર્મ હતો, એ ધર્મનો ઈશ્વર માણસ હતો, આ ધર્મની સામે એક વિરાટ ભવિષ્ય હતું...વાતો ઘણી મોટી, મોટી હતી અને મને ઝપાટાબંધ ગળે ઊતરી જતી હતી.

કૉલેજમાં - સેંટ ઝેવિયર્સ કૉલેજમાં - મને પહેલાં કમ્યુનિસ્ટો મળ્યા, બંગાળી છોકરાઓ અને થોડા કેરળના. એમની પાસે જાતજાતના દુ:ખોની બહુ સીધી ચાવી હતી. એ કોઈએ 'ડાસ કેપિટલ' વાંચ્યું ન હતું. મેં પ્રયત્નો કરીને મૂકી દીધું. મારી બુદ્ધિની બહારની વાતો હતી એમાં અને વાતો પુરાણી હતી.

રશિયાનો રાજદ્વારી ઈતિહાસ વાંચતા વાંચતા મારી આંખો સામે કત્લેઆમની એક કૂર તવારીખ ખૂલી ગઈ. એ કમ્યુનિઝમનો યથાર્થવાદ હતો. એમાં સારા-ખોટાનો સવાલ જ ન હતો, એમાં અસ્તિત્વનો પ્રશ્ન હતો. મને સમજાવવામાં આવ્યું કે, એ બધું બરાબર હતું. હું સમજી ગયો કે એ બધું બરાબર હતું.

સ્ટાલિન - ઈનામો જીતનાર સાહિત્ય મેં ખંખેરી જોયું. એક દયાજનક એકવિધતામાં હું અટવાઈ ગયો. કમ્યુનિઝમના રાજદ્વારી દર્શનથી બિલકુલ વિમુખ અસર મને એના સાહિત્યથી થઈ. મને લાગતું જ હતું કે રાજદ્વારી દુનિયાનો હું અભ્યાસી ન હતો અને એના સાહિત્યમાં મને દિલચસ્પી થઈ શકી નહીં. રાજનીતિનો અભ્યાસ પણ છોડી દીધો.

મને કમ્યુનિઝમ પણ, ધર્મની જેમ, લોકોના અફીણ (opium of the people) જેવું લાગ્યું છે. કમ્યુનિઝમનો એક નશો આવે છે અને પાગલ કરી મૂકે છે અને એ પાગલ થવા જેવી ચીજ પણ છે. (પૃ. 14) 


*                      *                       *                           *                    *

મારી સાથે પાછલી બેંચો પર ચર્ચાઓ કરનારા કરનારા વામપક્ષી મિત્રો આજે સારી સારી ઑફિસમાં બેસી ગયા છે. ઓક્ટરલોની મોન્યુમેન્ટ નીચે મિટિંગોમાં એ લોકો ભાગ્યે જ દેખાય છે. કોઈ કોઈને સારા ફ્લૅટો છે. લગભગ બધા જ સુખી છે. લગભગ બધા જ પરણી ગયા છે, એકબે પાસે ગાડીઓ પણ આવી ગઈ છે.

કમ્યુનિઝમના બુનિયાદી સિદ્ધાંત પ્રમાણે દરેકને પોતાની કાર્યશક્તિથી પોતાની જરૂરિયાત પ્રમાણે મળી ગયું છે. (પૃ. 15) 

*                      *                       *                           *                    *

કમ્યુનિસ્ટો કમ્યુનિસ્ટો જ રહ્યા હતા. ફક્ત તીખાશ વધી ગઈ હતી અને લાલાશ ઊડી ગઈ હતી. (પૃ. 40) 

[2] રીફ-મરીના:

માર્ક્સવાદનો સિદ્ધાંત છે - From each according to his ability, to each according to his needs! (પૃ. 63)

ચાણક્યનીતિમાંથી નમૂનારૂપ કેટલાક શ્લોકો, અને કેટલાક શ્લોકાર્થો

ઘણું કરીને એકનું કર્મ જોઈને બીજો પણ એમ જ કરે છે, કારણ કે લોકો હંમેશા ગતાનુગતિક હોય છે, વિચાર કરનારા નથી. 

*             *               *              *               *             *               *              *

રાજ્ઞિ ધર્મિણિ ધર્મિષ્ઠા: / પાપે પાપા: સમે સમા: / રાજાનમનુવર્તંતે / યથા રાજા તથા પ્રજા

(રાજા સદાચારી હોય તો પ્રજા સદાચારી, પાપી હોય તો પાપ કરનારી, પાપ-પુણ્ય બંનેમાં રસ હોય તો અમાન થાય છે, કેમ કે પ્રજા રાજાને જ અનુસરે છે. જેવો રાજા એવી પ્રજા.) 

*             *               *              *               *             *               *              *

ત્યજેદેકં કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલં ત્યજેત / ગ્રામં જનપદસ્યાર્થે આત્માર્થે પૃથિવી ત્યજેત 

(કુલના બચાવ માટે એકને, ગામના બચાવ માટે કુલને, દેશના બચાવ માટે કુલને અને પોતાના બચાવ માટે પૃથ્વીને જરૂર પડે તો ત્યજી દેવાં) 


*             *               *              *               *             *               *              *

પુનર્વિતં પુનર્મિત્રં પુનર્ભાર્યા પુનર્મહી/ એતત્સર્વં પુનર્લભ્યં ન શરીર પુન: 

(ધન, મિત્ર, પત્ની તથા પૃથ્વી એ બધું ફરી મળી શકે છે, પણ શરીર ફરીથી મળતું નથી.) 

*             *               *              *               *             *               *              *

આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષે શત્રુ સંકટે/રાજદ્વારે સ્મશાને ચ યસ્તિષ્ઠતિ સ બાંધવ: 

(રોગ સમયે, દુ:ખના દિવસોમાં, દુષ્કાળમાં, શત્રુના સંકટકાળે, રાજદ્વારે અને સ્મશાનમાં જે આવીને ઊભો રહે છે એને બાંધવ સમજવો) 

*             *               *              *               *             *               *              *

ક્યાંય મોકલવા સમયે નોકરને, દુ:ખના સમયે બાંધવને, આપાતકાળમાં મિત્રને અને વૈભવ ઓછો થઈ જાય એ સમયે સ્ત્રીને....એ લોકો કેવાં છે એ જાણી લેવું.

*             *               *              *               *             *               *              *

મોઢા પર મીઠું બોલે અને પાછળથી કાર્યને તોડી નાખે એવા મિત્રને (મોઢામાં) ઝેર નાખ્યું હોય એવા દૂધના ઘડાની જેમ છોડી દેવો. 

*             *               *              *               *             *               *              *

વિદ્યાથી શોભતો હોય એવા દુર્જનનો પણ ત્યાગ કરવો કારણ કે શું મણિથી શોભતો નાગ ભયંકર નથી? 

*             *               *              *               *             *               *              *

લોભિયાને ધનથી, અક્કડને હાથ જોડીને, મૂર્ખને એની મરજી પ્રમાણે ચાલીને અને પંડિતને યથાર્થપણાથી વશ કરવા. 

*             *               *              *               *             *               *              *

અનાગતવિધાતા ચ પ્રત્યુન્નમનિસ્તથા/દ્વાવેવં સુખમેધેને દીર્ઘસૂત્રી વિનશ્યતિ 

(પહેલેથી વિચાર કરનાર અને સમયસર મતિ પહોંચાડનાર બંને સુખી થાય છે પણ દીર્ઘસૂત્રી....બહુ લાંબું ખેંચનારો નાશ પામે છે). 

*             *               *              *               *             *               *              *


જે દેશમાં સન્માન, જીવિકા, બાંધવ કે વિદ્વાનો આગળ નથી ત્યાં રહેવું નહીં. 


*             *               *              *               *             *               *              *

કુંલીનૈ: સહ સંપર્ક પંડિતે: સહ મિત્રતામ / જ્ઞાતિ ભિશ્વ સમં મેલં કુર્વાણો નાવસીદતિ 

(કુલીન સાથે સોબત, પંડિત સાથે મિત્રતા અને જ્ઞાતિ સાથે સંપ રાખનાર મનુષ્ય ખેદ પામતો નથી.)

(સ્ટૉપર: પૃ.24-25) 

*             *               *              *               *             *               *              *

ત્રીભ્ય: શિક્ષેત કૈતવમ

(છળ સ્ત્રીઓ પાસેથી શીખવું.)

- ચાણક્યનીતિ

(સ્ટૉપર : પૃ.39) કવિતાઓ : દિશા મૃત્યુ તરફની....

હું કવિતા લખતો નથી, પણ કવિતા જેવું લખવાની કોશિશમાંથી પ્રકટ થયેલી લીટીઓ જેમની દિશા મૃત્યુની છે:

ઈશ્વરની એક કેમિકલ ફૉર્મ્યુલા છે
પૃથ્વી ફૂલો આપે છે અને આકાશમાંથી ભમરા ઊતરી આવે છે
અને માણસના પગ આવે છે
ભમરાને પગ નીચે રૌંદવા માટે
અને માણસના હાથ આવે છે
ફૂલની ગર્દન કાપવા માટે

____________________________________


રાતના પ્રેગનન્ટ અંધારામાં
ઈશ્વરે ચાંદની હોલવી નાંખી
અને સંહારલીલા શરૂ થઈ ગઈ આદિમ ભૂખની
ઈશ્વર તારી અપરંપાર લીલા
ગરોળીએ ફૂદા પર ઝપટ મારી
વંદાની પાંખ લઈ જતી કીડીઓ પર
રંગ બદલતા કાચંડાએ જીભ લપકાવી
સાપણના દાંતમાં દેડકાના બચ્ચાનું પેટ તૂટી ગયું
લાલ આંખોવાળા સસલાની રૂંવાદાર ચામડી ફાડીને
જંગલી કુત્તાઓએ માંસમાં દાંત દબાવી દીધા
ચકલીએ ઝાપટ મારી જાળું બાંધતા કરોળિયા પર
અને મેં માઈક્રોસ્કોપના કાચની આરપાર
કરોડો કવિતાઓને સળવળતી જોઈ લીધી...

____________________________________


ઈતિહાસ પર ઘાસ ઊગી ગયું છે
તૂટેલો ચબૂતરો ચરાગ જલાવવા માટે
પાસ વહેતી નદીમાં બળદ ધોતો છોકરો
લૂણો ખાધેલી જર્જર ઈંટોનો રોમાંચ
અહીં ઔરંગઝેબ જન્મ્યો હતો...

કડિયાના ગધેડાની સૂકી હગાર પડી છે
તૂટેલા ભાલા દફન થયા છે અહીં અને
ઘોડાના જડબાનું હાડકું
પથ્થરની પાર્વતીનું છેદાયેલું નાક
મરેલી ગરોળીઓની વાસ
અહીં ઔરંગઝેબ જન્મ્યો હતો.

(ક્લોઝ-અપનું સ્માઈલ પ્લીઝ: પૃ.197) 

ઈરાક યુદ્ધ વિશેની એક આરબ કવિતા

ઈરાક યુદ્ધ (માર્ચ 2003) પછી લખાયેલી નવી આરબ કવિતા 'યુદ્ધ' - કવિ દુન્યા મિખેઈલ, અને પ્રગટ થઈ માર્ચ 31, 2003ના લંડનના 'ટાઈમ્સ'માં. થોડા અંશો:

વહેલી સવારથી
સાયરનો, એમ્બ્યુલંસો, હવામાં લુઢકતી લાશો,
બૉલબેરિંગ પર સરકતાં સ્ટ્રેચરો પર
પડેલા ઘાયલો, માની આંખોમાં વરસાદ ખેંચી
લાવે છે. રેગિસ્તાનની ધરતી પર
બાળકોના માથાંઓમાં થતા પ્રશ્નો-
આકાશમાં ફેંકાતા અગ્નિના ગોળાઓ
અને પ્રક્ષેપકો
દેવતાઓની મજા ખાતર....યુદ્ધ
જનરલોને ચંદ્રકો, કવિઓને વિષયો
બનાવટી અંગોના ઉદ્યોગનો વિકાસ,
માખીઓની ઉજાણી,
ઈતિહાસના પુસ્તકમાં પાનાંઓની વૃદ્ધિ
હત્યારા અને હત્યા વચ્ચેની સમાનતા
છોકરીઓની પ્રતિક્ષાના દિવસો
અનાથો માટે ઘરો, કોફીન બનાવનારાઓના
ધંધામાં તેજી, નેતાના ચહેરા પર સ્મિત....

(ક્લોઝ-અપનું સ્માઈલ પ્લીઝ: પૃ.15)

વિવેચકો વિશે બક્ષીજીની કવિતા

ફેબ્રુઆરી 1975માં 'કવિતા' સામયિકમાં પ્રકટ થયેલું બક્ષીજીનું કાવ્ય:

મારો આત્મા તોળવા બેઠેલા વિવેચકો
હું મારી એકલી ચામડીમાં જીવી લઉં છું
પાનાંઓ પર મેં મારો અવાજ ખોદી દીધો છે
વંદાની મૂછ જેવી ફરફરતી તમારી કલમ
મારી વેદનાનું સ્થાપત્ય સમજશે?
આંસુઓને ઓળખતો નથી-
રડવું ગયા જનમથી ભૂલી ગયો છું
પણ તમારી ઈર્ષ્યાને
આવતા ભવમાં પણ ઓળખી લઈશ
તમે લાંબું જીવો!
મેં સવારે જોયેલો ફિક્કો ચાંદ
નુક્તચીનોને દેખાતો નથી, અને
હું રાત્રે જોઉં છું એ ચાંદ
એમને સમજાતો નથી.
એમની જાડી બેઈમાની-
જોઈ શકતી એક આંખના ખૂણા પર જામી ગઈ છે.
મારી નાડી પારખવા નીકળેલી એમની આંગળીઓ
મારા ધબકારાઓએ મારેલા કરંટમાં ખલાસ થઈ ગઈ છે.
બા-હોશ માણસો બે-હોશ થઈ ગયા છે.
અને ગરોળીનાં સંતાનો, ઝડેલા કાકાકૌઆની ઔલાદો
રૂંઆદાર ટાલિયાં ખચ્ચરો, ગીધડાંઓ
મારી ભાષાને સૂંઘનારા ખસ્સી બળદો,
બળવાની વાસ આવે છે?

(એ-બી-સી-થી -એક્સ-વાય-ઝી-: પૃ.29-30) 

નારંગી દ્વીપ પર અને બરફ : બે અનૂદિત કાવ્યો

ચીનના રાષ્ટ્રપતિ માઓ ઝેદોંગ પ્રથમકક્ષ કવિ હતા. એમની બે જાતિપ્રેમી ચીની કવિતાઓના મેં ઑક્ટોબર 1972માં અનુવાદો કર્યા હતા: 

નારંગી દ્વીપ પર

અફાટ અવકાશમાં ગરુડ ફેલાઈ ગયું
માછલીઓ છીછરા પાણીમાં ભેગી થઈ ગઈ
ધૂન્ધ આકાશ નીચે જીવનમાં બહુરૂપી
સ્વરૂપો
સ્વાતંત્ર્યની દિશામાં ફાટતાં રહ્યાં.
મેં એક એકાકી ટાવરનું ઢાંકણું ખોલ્યું
અને પૂછ્યું:
આ વિરાટ ગ્રહ પર જીવતા માણસનું
તકદીર કોણ નક્કી કરી રહ્યું છે?

-------------------------------------------------------------

બરફ

ઉત્તરનું બધું જ સૌંદર્ય
એક હજાર લિ(ચીનમાં જમીનનું માપ)ની હિમ સપાટીઓ નીચે ઢંકાઈ ગયું છે
અને દસ હજાર લિના ચકરાતા
હિમપાતની નીચે
મહાન દીવાલની બંને તરફ જુઓ
માત્ર એક વિરાટ આતંક રહી ગયો છે
પીળી નદીના ઉપલા અને નીચલા
ભાગોમાં
તમે હવે પાણી જોઈ શકતા નથી
પર્વતરેખાઓ નાચતા રૂપેરી સર્પો છે
મૈદાની ડુંગરો ચમકતા હાથીઓ છે
મારી ઈચ્છા છે આપણી ઊંચાઈને આકાશ
સાથે માપવાની
સ્વચ્છ ઋતુમાં 
પૃથ્વી બહુ ખૂબસૂરત લાગે છે.
સફેદ વસ્ત્રો પહેરેલી ગુલાબી ચહેરાવાળી
છોકરી જેવી
આ નદીઓ અને પર્વતોનો નિખાર છે
જેને માટે અનગિનત યૌદ્ધાઓ મુકાબલા
કરે છે એકબીજાનો
સમ્રાટો શિહ-હુઆંગ અને વુ-ટિ સંસ્કારી
ન હતા
સમ્રાટો તાઈ-ત્સુંગ અને તાઈ-ત્સુમાં
ફીલિંગ ન હતી
ચંગેઝખાનની માત્ર ધનુષ્ય ખેંચતાં આવડતું
હતું, ગરુડો તરફ...
આ બધાં જ ભૂતકાળની સંપત્તિ છે.
ફક્ત આજે જ ફીલિંગવાળા માણસો છે.

(સ્પાર્ક પ્લગ: પૃ.146-147)

ભૂખ વિશે બે કવિતાઓ

મેં 'ભૂખ' વિશે બે કવિતાઓ લખી હતી, જ્યારે 'દલિત કવિતા' જેવો શબ્દપ્રયોગ વપરાતો ન હતો. આ કવિતાઓના શીર્ષકો છે: 'ભૂખ-1' અને 'ભૂખ-2'

ભૂખ-1

ભૂખની ભાષા
આંખોમાં ખારોપાટ
નસોમાં બળેલા લોહીની વરાળ
સ્તનહીન છાતીઓ પર પાંસળીઓનું 
કોતરકામ
ચૂલાના ધુમાડા દેખાતા નથી
ખામોશ કૂવાની બહાર ગીધોની કારીગરી
બળદનું સ્વચ્છ હાડપિંજર, તૂટેલો કેકટસ,
ખાંસીની ખરાશ
ધરતીની ચામડી પર સૂજેલો ભૂતકાળ
જખમનું નિશાન મૂક્યા વિના મારતા
દુકાળના દેવતા!
હાડકાંના ધોળા બજારમાં
કંકાલ અને કંકાલ વચ્ચે ભેદ નથી
ચાક હસવું, ચાક રડવું, ખોપરીઓનું
સ્ત્રીનું નગ્ન હાડપિંજર કેટલું ખૂબસૂરત હોય છે?
ખાતરનું કારખાનું બહુ દૂર નથી
તોળેલાં હાડકાં બફાઈ રહ્યાં છે
અને વરાળે લાલાશ પકડી છે
દરિયો ઓળંગીને વરસાદો આવવાના છે
પણ એ પહેલાં જ
જમીન ચીરીને હાડકાંનું ખાતર ભરી દઈશું
અને ઈશ્વર ફરીથી માંસની ગાંઠોથી હાડકાં
બાંધશે
લોહી છાંટશે, ચામડી ઓઢાડશે, આત્મા
ફૂંકશે
અને ધીમે ધીમે
રંગબેરંગી માણસો બનાવશે

-------------------------------------------------

ભૂખ-2

ચીમનીના મોઢામાંથી ગૂંચળાતો ધુમાડો
લટકતા ધુમ્મસને હલાવતો જાય છે
નીચે બેકરીની મટિયાલી જમીન પર
આટો વેરાયેલો છે
લાકડાં સળગી ચૂક્યાં છે બાવડીમાં-
પકાવેલી સફેદ ઈંટો આગના ગઠ્ઠાઓથી
ચોંટાડી છે
બાવડીના પેટમાં તૂટેલા કાચ ભરી દીધા છે
પથ્થરની કચ્ચરો અને લોઢાના ભંગારનો ઢેર
અને નીમકના થર
દબાવી દબાવીને બાવડીનો ભઠ્ઠો બનાવ્યો છે
હવે આગ વિના પણ
એની આંચ મહિના સુધી ઠંડી પડતી નથી
કારણ કે આ બેકરી છે
અને એમાં માણસની રોટી પકાવવાની હોય છે
રોટીનું ગ્રામર, રોટીની ટેકનીક, રોટીનું નો-હાઉ
આટો, મેંદો, યીસ્ટનો પાઉડર
કાશ્મીરી ચેરીનાં ફૂલ ગુલાબી ટપકાં
વિલાયતી સ્તનો જેવાં નાનાં નાનાં ગુદાઝ
બન
બ્રેડ, બિસ્કિટ, કુકી, કેન્ડી
સ્ટિક્સ, કોપરાં, મક્ખનિયા-
શેકાયેલા આટાની મીઠી મીઠી ભાપ
ક્યૂમાં ઊભેલા છેલ્લા બાળકની જીભ સુધી
પહોંચે છે
ઓવનની બહાર એક ખાનું છે, સેફના
લૉકર જેવું
નાનો બલ્બ જલી રહ્યો છે
પશીનાની ધૂંધથી બલ્બ ઝાંખો પડી ગયો છે
કાળા માણસો શાંત છે
ફક્ત ઓવનના ભઠ્ઠાની અંદર
હિટલરે ભસ્મ કરેલા યહૂદીઓની
સાઠ લાખ ચીસો ભટકી રહી છે
આજે
રોટીના કારીગરો ઓગળી રહ્યા છે
અને ખમીરની ઉફાનમાં 
બ્રેડ ફૂલતા જાય છે.

(સ્પાર્ક પ્લગ: પૃ.137-139)

ડાયાલેક્ટિક્સ ઑફ નેચર

જૂન 1978માં 'કવિતા'માં પ્રકટ થયેલી મારી એક કવિતા 'ડાયાલેક્ટિક્સ ઑફ નેચર':

હું વાંચી રહ્યો છું એંગલ્સનું 'ડાયાલેક્ટિક્સ ઑફ નેચર'
પાસે ખરતાં પાંદડાનો અવાજ સંભળાય છે
કદાચ જાંબું ટપકી રહ્યાં છે
માળીની કૂતરી મારી પાઈપ જોઈ રહી છે
મારાં સ્વેડનાં સ્લીપર્સ પર કાળી કીડીઓ ફરી રહી છે
હું બેઠો છું એ પથ્થરની બેંચ પર
પહેલા વિશ્વયુદ્ધમાં બસરાની રણભૂમિ પર
શહીદ થયેલા યોદ્ધાઓનાં નામો કોતરેલાં હતાં
હવે ભૂંસાઈ ગયાં છે
મારા કપાળ પરનો સરસરાટ કરોળિયાના
જાળાનો તૂટેલો તાર હશે
ક્યાંકથી યુકેલિપ્ટસ જેવી ખુશ્બૂ આવી રહી છે
ઢળતી સાંજમાં જાંબલી પતંગિયું હજી ખોવાયું નથી
લાલ પાંદડાવાળો છોડ સાંજે ઉદાસ થઈ જાય 
છે
તડકો ડાકબંગલાનાં ઉપરી નળિયાં પર હાંફી રહ્યો છે.
ધૂળમાંથી પસાર થઈ ગયેલા કેસરી મંકોડાએ
રેંગતું નિશાન મૂક્યું છે
વાડમાં ચણોઠીની ફળી લટકી રહી છે
અંદર પાંચ ચણોઠી ચોંટી રહેલી છે
બળેલાં પાંદડાંના ઢગલા પર તૂટી પડેલી
અંગૂઠાના નખ જેટલી કાચી કેરી
સડી રહી છે...
હું વાંચી રહ્યો છું
એંગલ્સનું 'ડાયાલેક્ટિક્સ ઑફ નેચર'

(સ્પાર્ક પ્લગ: પૃ.134-135)

ઈશ્વર અને માણસ

1970ના દશકમાં મેં એક નાની કવિતા બનાવી હતી. એમાંથી એક અંશ:

ઈશ્વરે પૃથ્વી બનાવી, માણસે પૈસા
ઈશ્વરે પ્રકૃતિ બનાવી, માણસે સંસ્કૃતિ
ઈશ્વરે ભૂગોળ બનાવી, માણસે ઈતિહાસ
ઈશ્વરે રણ બનાવ્યું, માણસે રણાંગણ
ઈશ્વરે પથ્થર બનાવ્યા, માણસે આગ
ઈશ્વરે પાણી બનાવ્યું, માણસે શરાબ
ઈશ્વરે ધુમ્મસ બનાવ્યું, માણસે ધુમાડો
ઈશ્વરે અવાજ બનાવ્યો, માણસે નામ
ઈશ્વરે ધૂળ બનાવી, માણસે કાચ
ઈશ્વરે ભૂખ બનાવી, માણસે રોટી
ઈશ્વરે સુખ બનાવ્યું, માણસે દુ:ખ
ઈશ્વરે માણસ બનાવ્યો, અને માણસે ઈશ્વર.

(સ્ટૉપર: પૃ.168-169)