August 26, 2014

કારણ કે એ દિવસોમાં વિવેચકો ન હતા!

હિન્દીના એક વરિષ્ઠ પત્રકારે હિન્દી અને ગુજરાતી લેખકોનો ફર્ક સમજાવ્યો. હિન્દીના લેખકો વિવેચકો માટે લખે છે, ગુજરાતીના લેખકો વાચકો માટે લખે છે. હિન્દીના લેખકોની મનોવૃત્તિ, સરકારી અને ગૈરસરકારી સંસ્થાનો, પ્રતિષ્ઠાનોની નઝર-એ-ઈનાયત હાંસિલ કરવાની હોય છે, ગુજરાતી લેખકોની નજર દિલ્હી તરફ હોતી નથી. થોડાઘણા અમદાવાદી લેખકો ગાંધીનગર તરફ મોઢું કરીને બેઠા હોય છે, જે રીતે ઊંટ મારવાડ તરફ મોઢું કરીને બેઠું હોય છે. પણ લેખકોમાં જે તેજસ્વી અને લોકપ્રિય છે એમને સરકારની સામંતી સખાવતો સાથે કોઈ સરોકાર નથી. હિન્દીમાં આલોચક કે વિવેચક સાહિત્યનો માંધાતા બની જાય છે અને કોણ મહાન છે અને કોણ મહાન નથી એ આ વિવેચકો નક્કી કરે છે.

ગુજરાતીમાં વિવેચકની શું ઔકાત છે? વિવેચન ગુજરાતી સાહિત્યની સૌથી નિષ્ફળ વિદ્યા છે. 1950માં મેં પ્રથમ વાર્તા લખી અને 2003માં મારું 169મું પુસ્તક પ્રગટ થાય છે ત્યાં સુધી કોઈ વિવેચકે મારી તારીફ કરી હોય એવું યાદ નથી. મેં એમને માટે 'અભણ વિવેચક' શબ્દો વાપર્યા હતા. ગુજરાતી વિવેચકોની આ ત્રીજી-ચોથી પેઢી હું કોઈ રહ્યું છું. પહેલાં ઘૃણા હતી હવે મારી દયાને કાબિલ પણ એ રહ્યા નથી. વિવેચકોને હું દશકોથી શબ્દચાબુકો ફટકારતો રહ્યો છું કારણ કે એ નકારાત્મક, દકિયાનૂસી, વિરોધક રહ્યા છે. વિવેચકને માતૃભાષા હોતી નથી, ગુજરાતી વિવેચક ફક્ત પરિભાષા જ જાણે છે અને લેખકના ઘુટનની વાત માત્ર માતૃભાષામાં જ થઈ શકે છે. વિવેચકો વિશે મારા કેટલાક પ્રતિભાવો અને કૌંસમાં એ પ્રતિભાવનું વર્ષ:

ગુજરાતી વિવેચન એ કૂતરાના શરીર જેવું છે. કૂતરાને ગમે તેટલી વાર ધુઓ, એના શરીરમાંથી એવી જ વાસ આવ્યા કરતી હોય છે. ગુજરાતી વિવેચનમાંથી હજી પેલી વાસ છૂટતી નથી (1966). મારે માટે મારી કૃતિનું વિવેચન વપરાયેલા સેનિટરી ટોવેલથી વિશેષ નથી (1967). તમે અન્યાય થયેલા બાળકના આંસુની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માંગો છો, રેસિપી બુકમાં માની રોટલીની મીઠાશ શોધી રહ્યા છો, ઔરતની છાતીના દૂધના બજારભાવ કાઢી રહ્યા છો, મશીનોથી કરોળિયાનાં જાળાં ગૂંથવાની કોશિશ કરો છો (1967). પ્રશંસા કરવી એ નાના માણસનું કામ નથી. એમાં છાતી જોઈએ છે અને ખેલદિલી (1969). આપણા વિવેચકો ચામાચીડિયાની જેમ ઊંધા લટકીને પરિપ્રેક્ષ્યની વાતો કરે છે (1970). મારી છાતીના ધબકારા સમજવા માટે તમારે સ્ટેથોસ્કોપ વાપરવું પડશે, માઈક્રોસ્કોપ મૂકીને જોવાથી નહીં સમજાય. એનાથી તમને ફક્ત મારાં છિદ્રો વધુ મોટાં દેખાશે (1972). ખુદ ઉમાશંકર જોશીનો પણ અંગૂઠો જિંદગીભર ધાવ્યા કરવાથી ગુજરાતી સાહિત્યમાં સ્થાન નહીં મળે. લખવું પડશે. સારું લખવું પડશે. સારું લખ્યા કરવું પડશે (1970). જે સાહિત્યમાં કલાકારની છાતીના વાળ બનાવટી હશે ત્યાં નાન્યેતર લેખકો પેદા થવાના, નપુંસકલિંગના ભક્ત વિવેચકો ફૂટી નીકળવાના, મિસ્ત્રીનો અને શિલ્પીનો ફર્ક અદ્રશ્ય થઈ જવાનો. વ્યાકરણના રેસા ચૂંથનારાઓએ શોધવું પડશે કે કલા કઈ ખાકે-જમીન ફાડીને પ્રકટે છે. એક્ઝિસ્ટેનશીએલિઝમ એ લાઈબ્રેરીની ગૂંગળામણ નથી, એ સડકોનો શ્વાસ છે. ખાબોચિયામાં પોતાની બદસૂરતી જોઈને પ્યારમાં પડી જનારા નારસીસસોની ખોટ છે આપણે ત્યાં? હતી કોઈ દિવસ? (1977)

પચાસ વર્ષોમાં જે પૂરાં પાંચ પુસ્તકો લખી શક્યા નથી એવા એક ગુજરાતી 'યુગકવિ'એ હમણાં વિધાન કર્યું કે સશક્ત વિવેચન ન હોય તો ઉત્તમ સર્જન શક્ય નથી! આના સંદર્ભમાં ઓસ્કાર વાઈલ્ડનું એક નાટક 'ધ ક્રિટિક એઝ આર્ટિસ્ટ' યાદ આવે છે. બે પાત્રો અર્નેસ્ટ અને ગિલ્બર્ટ ચર્ચા કરી રહ્યા છે. પ્રાચીન ગ્રીસમાં અઢી હજાર વર્ષ પહેલાં જે અદ્યતન કલાઓ, નાટકો, ચિત્રો, શિલ્પો, સ્થાપત્યો પ્રગટ્યાં એવાં જગતે પછી જોયાં નથી. એમાંથી જગતભરની કલાઓ વિકસતી ગઈ. આ જબરદસ્ત કલાવિસ્ફોટ થવાનું કારણ શું? ગિલ્બર્ટ પૂછે છે! અને અર્નેસ્ટ શાંતિથી ઉત્તર આપે છે. એ દિવસોમાં વિવેચકો ન હતા, માટે...!

1975માં મેં વિવેચકોને ઉદ્દેશીને એક કવિતા લખી હતી, એમાંથી કેટલાક અંશ:

મારો આત્મા તોળવા બેઠેલા વિવેચકો
હું મારી એકલી ચામડીમાં જીવી લઉં છું
પાનાંઓ પર મેં મારો અવાજ ખોદી લીધો છે
વંદાની મૂછ જેવી ફરફરતી તમારી કલમ
મારી વેદનાનું સ્થાપત્ય સમજશે?

આંસુઓને ઓળખતો નથી
રડવું ગયા જન્મથી ભૂલી ગયો છું
પણ તમારી ઈર્ષ્યાને
આવતા ભવમાં પણ ઓળખી લઈશ
તમે લાંબુ જીવો...!

એમની જાડી બેઈમાની
જોઈ શકતી એક જ આંખના ખૂણા પર જામી ગઈ છે
મારી નાડી પારખવા નીકળેલી એમની આંગળીઓ
મારા ધબકારાઓએ મારેલા કરંટમાં
ખલાસ થઈ ગઈ છે.
બા-હોશ માણસો બે-હોશ થઈ રહ્યા છે અને ગરોળીનાં સંતાનો, ઝડેલા કાકાકૌઆની ઔલાદો
રૂંઆદાર ટાલિયાં ખચ્ચરો, ગીધડાંઓ
મારી ભાષાને સૂંઘનારા ખસ્સી બળદો
...બળવાની વાસ આવે છે?...

આ કવિતાનું શીર્ષક છે: 'વિવેચકોને...'

વિવેચક શબ્દ સરસ છે, ર્વિવચ્, એટલે કે વિવેકથી કરવું. વિચ્ એટલે વિભક્ત કરવું, અલગ કરવું, વિભેદ કરવો. વિવેચન સાથે સંકળાયેલા ઘણા શબ્દો સંસ્કૃતની સાથે ગુજરાતીમાં પણ છે. વિવરણ એટલે અનાવૃત્ત કરવું, ખુલ્લું કરવું, વિવેકજ્ઞ જેવો પણ એક શબ્દ છે. આપણે ત્યાં વિવેચક એ વિવેકજ્ઞ બન્યો નથી, પણ સાહિત્યના મેદાનમાં ચણી ખાતો 'વિવેચિકન' બની ગયો છે. જે દાણા નાંખે છે એના પક્ષમાં કર્રકર્ર... કરતા રહેવું એનો ધર્મ છે. વિવેચનથી જરા હટીને શબ્દ છે: અવલોકન. અવ એટલે દૂર, જરા અંતર રાખીને. લોકનમ્ એટલે જોવું, દર્શન કરવું. સિંહ મોઢું ફેરવીને પાછળ જુએ એ સિંહાવલોકન અને આકાશમાં વિહંગ એટલે કે પક્ષી ઉપરથી ક્ષિતિજ સુધી જુએ એ વિહંગાવલોકન કહેવાય છે. ગુજરાતી વિવેચક ઝાડ પર ચડીને, પૂંછડી લટકાવીને, ઉપરથી નીચે જોયા કરે છે એને લંગુરાવલોકન કહેવાય છે.

સમર્થ લેખક કોઈ વિવેચકનો મોહતાજ હોતો નથી અને કમથી કમ, ગુજરાતી ભાષામાં એવા લેખકો જરૂર છે, બહુ ઓછા છે, પણ જરૂર છે જેમણે વિવેચનની પરવા કરી નથી. સંસ્કૃતમાં એક પ્રસિદ્ધ શ્લોક છે જેનો ભાવાર્થ આવો છે: ગાયને લાકડી મારો પણ એ દૂધ આપે છે, સાપને દૂધ આપો અને એ દંશ મારે છે. લેખકનો ધર્મ છે દૂધ આપવાનો અને વિવેચકની દાનત છે દંશ મારવાની. 18મે વર્ષે પણ મને વિવેચનોની ચિંતા હતી નહીં અને 81મે વર્ષે પણ હશે નહીં. દરમિયાન ગુજરાતી વિવેચકોની ચાર પેઢીઓ મારું લેખન વાંચીને ડ્રાંઉં.. ડ્રાંઉં... કરતા શીખી છે એ ખુશીની વાત છે. ગુજરાતી વિવેચનસાહિત્યમાં એ મારું વિનમ્ર યોગદાન છે.

ક્લૉઝ અપ:

હું અંકગણિતમાંથી એલ્જિબ્રામાં અને એલ્જિબ્રામાંથી એપ્લાઈડ મેથેમેટિક્સ સુધી પહોંચી ગયો છું, પણ વિવેચકો હજી બેઠાબેઠા મારી અંકગણિતની ભૂલો શોધ્યા કરે છે.
                                                                                                               - અર્નેસ્ટ હેમિંગ્વે
(દિવ્ય ભાસ્કર: ઑક્ટોબર 12, 2003)

('શબ્દપર્વ'માંથી)

1 comment:

  1. ગુજરાતી સાહિત્યમાં હજી એવો સમ્માનિત વિવેચક પેદા થયો નથી જેના એક કપાતા વિવેચનથી પુસ્તકના વેચાણને ધક્કો લાગે અથવા જેની પ્રસંશાથી વેચાણ વધી જાય અથવા નવા લેખકને સાહિત્યમાં સ્થાન મળે. છેલ્લાં પચીસ વર્ષોમાં આ સાહિત્યમાં વિવેચકો સૌથી નિષ્ફળ રહ્યા છે, કારણ કે વિવેચન સંબંધોની સોગઠાંબાજી બની ગયું છે. ભારતના સૌથી અશિક્ષિત અને અર્ધશિક્ષિત આલોચકો ગુજરાતી ભાષામાં જીવે છે. ગુજરાતીમાં વિવેચક મનીષી કે વિદ્વાન હોવો આવશ્યક નથી. ગામડાની ગમે તે કોલેજના ગુજરાતીના પાર્ટ ટાઈમ જુનિયર લેકચરરને ગાળો બોલવાનો પરવાનો મળી જાય છે. હજી આધુનિક વિવેચને ગુજરાતીમાં એક કલાવિધા બનવાનું બાકી છે.

    ( પુનાની અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદના બાવનમા અધિવેશનમાં આપેલા પ્રવચનમાંથી : ૧૯૭૭ )

    ReplyDelete