May 31, 2013

ગુજેશકુમારની દિનચર્યા : કેટલું સ્વદેશી? કેટલું વિદેશી?

ગુજેશકુમાર સ્વદેશીનો જબરજસ્ત હિમાયતી છે. એ સવારે ઊઠે છે, આખો દિવસ ઑફિસમાં કામ કરે છે, રાત્રે આવીને સૂઈ જાય છે. એની રોજની દિનચર્યામાં કેટલું સ્વદેશી છે અને કેટલું વિદેશી છે? એ સવારે ઊઠે છે, બ્રશ કરે છે,  શેવ કરે છે (ઈંગ્લિશ શબ્દો), પછી શર્ટ (અંગ્રેજી) કે ખમીસ (સ્પેનિશ, અરબી) પહેરે છે, પેન્ટ (ઈંગ્લિશ) પહેરે છે, મોજાં (ફારસી) પહેરે છે, બૂટ (ઈંગ્લિશ) પહેરે છે. ચા (ચીની) પીએ છે, ચમચી (તુર્કી)થ શ્યુગર (મૂળ સંસ્કૃત શર્કરા, પછી ઈંગ્લિશ) હલાવે છે. નાશ્તો (ફારસી) કરે છે. નાશ્તો કરીને એ એક કેળું કે બનાના (પોર્ટુગીઝ) ખાય છે અથવા નારંગી (સ્પેનિશ) કે મોંસબી (પોર્ટુગીઝ)નો રસ પીએ છે. પછી સિગરેટ (ઈંગ્લિશ) જલાવે છે. બહાર નીકળે છે.

ગુજેશકુમાર સવારે ઊઠીને ટૂથપેસ્ટ (ઈંગ્લિશ) હાથમાં લે અને ત્યાંથી ઘરની બહાર નીકળવા સુધી કેટલી બધી 'વિદેશી' વસ્તુઓનો ઉપયોગ કરે છે? સિગરેટમાં તમાકુ કે ટોબેકો (પોર્ટુગીઝ) જલે છે. ઑફિસ (ઈંગ્લિશ)માં જઈને એ ખુરશી (ફારસી) પર બેસે છે, સામે ટેબલ (ઈંગ્લિશ) કે મેજ (ફારસી) છે. પાછળ અલમારી (પોર્ટુગીઝ) છે. બહાર લાઉન્જ (ઈંગ્લિશ)માં સોફા (અરબી) પડ્યા છે. ઑફિસમાં પિઉન (પોર્ટુગીઝ) આવે છે જેણે એક ટોપી (પોર્ટુગીઝ) પહેરી છે. એની ખાખી (ફારસી) વર્દી (ફારસી) છે. એ પાણીનો ગ્લાસ (ઈંગ્લિશ) મૂકી જાય છે.

ઑફિસની દુનિયાના લગભગ બધા જ શબ્દો વિદેશી છે, કારણ કે ઑફિસ (ઈંગ્લિશ) કે કચેરી (ફારસી) એ પેઢી નથી. ત્યાં ધંધો (પોર્ટુગીઝ) થાય છે. ત્યાંના શબ્દો પણ વિચિત્ર છે : મુકાદમ (અરબી), માલ (અરબી), કુલી (પોર્ટુગીઝ), ત્યાં દરેકને સેલેરી (લૅટિન) કે પગાર (પોર્ટુગીઝ) કે તનખ્વાહ (ફારસી) મળે છે. કેટલાંક પરમેનન્ટ (ઈંગ્લિશ) છે. એ પેપર (ઈંગ્લિશ) ખરીદીને કાર (ઈંગ્લિશ)માં બેસે છે, ચાવી (પોર્ટુગીઝ) લગાવીને ગાડી સ્ટાર્ટ કરે છે, ઘેર આવે છે.

ઘરમાં તાળું (સંસ્કૃત) લગાવેલું છે, એ ચાવી (પોર્ટુગીઝ)થી તાળું ખોલે છે. બાથરૂમ (ઈંગ્લિશ)માં જાય છે, ત્યાં ટુવાલ (ફ્રેંચ) લટકાવેલો છે અને સાબુ (અરબી) પડ્યો છે. અંદર પાણીનું એક પીપ (પોર્ટુગીઝ) પડ્યું છે. નાહીને ગુજેશકુમાર બહાર નીકળે છે, ટેલકમ (ફ્રેંચ) પાઉડર (ઈંગ્લિશ) છાંટે છે, લુંગી (બર્મીઝ) લપેટીને કુર્તું (તુર્ક) પહેરે છે. ડાઇનિંગ ટેબલ પર અચાર (ફારસી)ની શીશી પડી છે. જમીને ચાકર (ફારસી)ને રજા (ફારસી) આપીને સ્વીચ (ઈંગ્લિશ) બંધ કરીને, નાઈટલેમ્પ (ઈંગ્લિશ) જલાવીને એ ડબલ બેડ (ઈંગ્લિશ)માં લંબાવે છે. આપણા જીવનમાં હવે કેટલું 100 ટકા ભારતીય કે આર્ય કે સંપૂર્ણ હિંદુ રહી ગયું છે? નાટકમાં પડદો કે યવનિકા ગ્રીક છે. કવિતામાં સોનેટ ઈંગ્લિશ છે, ગઝલ અરબી અને ફારસી છે અને હાઈકૂ જાપાનીઝ છે. નવકલથા કે નોવેલ (યુરોપીય-ઈટાલીઅન) છે. રેડિયો, સિનેમા, ટીવી, વિડિયો બધું બહારનું છે.

ડૉ. સુનીતિકુમાર ચેટર્જી ભારતના વરિષ્ઠ ભાષાવિદ હતા, એમનું કહેવું હતું કે યજ્ઞમાં વેદી થતી હતી અને એ ભૂમિતિના સિદ્ધાંતો પ્રમાણે કોણ કે ઍઁગલ ગોઠવીને તૈયાર થતી. કોણ શબ્દ ગ્રીક છે! 

લીલાં ફળો અને સૂકા મેવાઓમાં કેટલું સ્વદેશી છે? નારંગી, સંતરા, ટેન્જરીન, મેન્ડેરીન આ બધા પોર્ટુગીઝ છે. કિશમિશ (દ્રાક્ષ), અખરોટ, બદામ, પિસ્તાં, ખુબાની, જરદાલુ (ઝર્દ-આલુ), ચિલગોઝા, અંગૂર એ બધાં તુરાનીઓ અને મુઘલો સાથે આવ્યાં. ચા ચીનથી આવી અને કૉફી આરબો પાસેથી મળી. પોર્ટુગીઝો હિંદુસ્તાનમાં શું શું લાવ્યા? લાલ મરચું અથવા ચીલી, મગફળી, મકાઈ, ફણસી, અરારૂટ, બટાટા, ટમાટા, પપૈયાં, અનનસ-પપનસ, બનાના (કેળાં), મોસંબી, ચીકુ, ગ્વાવા અથવા પેરૂ (જામફળ), શક્કરિયાં, ફણસ, કાજુ, અંજીર, આલ્ફોન્ઝો અથવા હાફૂસ, ટોપીઓકા, કોબીજ વગેરે. કરિયાણા શબ્દની ઉત્પત્તિ શું છે? મને લાગે છે કે કરાન્ના નામની એક ઔષધિ મળતી હતી, જે પોર્ટુગીઝો હિંદુસ્તાનમાં લઈ આવ્યા અને એના પરથી આપણો કરિયાણા શબ્દ આવ્યો છે. એટલે કરિયાણા પણ સ્વદેશી નથી? 

સ્વદેશી-વિદેશીની ચર્ચા બેમતલબ અને બેબિનુયાદ થઈ જાય છે. જેટ પ્લેન છોડીને જો આપણે બળદગાડામાં પ્રવાસ કરવા માંડીએ તો પણ આપણે 100 ટકા સ્વદેશી નથી. પૈડું અથવા ચક્ર મેસોપોટેમિયાના આસીરીઆ- સુમેરીઆ પ્રદેશમાં સર્વપ્રથમ શોધાયું હતું. સ્કૂટર ઈટલીથી આવ્યું, ટેલિફોન અમેરિકાએ દુનિયાને આપ્યો.

વિદ્યુત પણ અમેરિકા-ઈંગ્લંડે વિશ્વને આપી છે, ટોઇલેટમાં (ફ્રેંચ), સંડાસ (પોર્ટુગીઝ) જવાની પણ આપણી સંસ્કૃતિ ન હતી. આપણે ઝાડે ફરતા હતા ! કેટ સ્કેન અને બાય-પાસ સર્જરી આજકાલ જૈન સાધુઓ પણ કરાવે છે જે એકસો એક ટકા ઈમ્પોર્ટેડ છે, વિદેશી છે. કદાચ ઝાડ પર હૂપાહૂપ કરીને કૂદાકૂદ કરીને બોર કે જાંબુ ખાનારા વાંદરા સો ટકા સ્વદેશી છે... અને એ લોકો આજીવન સો ટકા સ્વદેશી રહે છે...

(મુંબઈ સંધ્યા : જૂન 4, 1998) 

(પુસ્તક: દેશ ગુજરાત)

May 29, 2013

દર્દ અને દર્દી : તનોબળ કરતાં મનોબળ વધારે જરૂરી હોય છે !

1996માં ઈંગ્લંડના પત્ર 'ગાર્ડિઅન'માં યુરોપિયન મેડિકલ જર્નલે જાહેરખબરો પ્રકટ કરી હતી અને આ જાહેરખબરો ડૉક્ટર વર્નન કોલમેન નામના ડૉક્ટરે લખેલાં પુસ્તકો વિશે હતી. ડૉ. કોલમેન મેડિકલ વિજ્ઞાનને આપણી દ્રષ્ટિએ સ્થાપિત મૂલ્યોથી તદ્દન વિપરીત માને છે. એમનાં વિધાનો છે : 33થી 50 ટકા જેટલાં કૅન્સરો ખોટા પ્રકારના ખોરાકો ખાવાથી થાય છે... યોગ્ય અને શરીરને જરૂરી છે એ સાચો ખોરાક ખાઓ તો તબિયત બગડતી નથી અને સંતુલન રહે છે... હૃદયરોગ અને કૅન્સરની જેમ ડૉક્ટરો પણ બીમારીનું એક કારણ બને છે... મલ્ટિનેશનલ દવા કંપનીઓ, અબુદ્ધિ ડૉક્ટરો અને લાપરવાહ સરકારોની એક અદ્રશ્ય યુતિ ઊભરી રહી છે...! આ પુસ્તકો સામાન્ય માણસોને ફરીથી સામાન્ય બુદ્ધિ તરફ લઈ જવા માટે છે. ન સમજાય એવાં નામોવાળા રોગો અને ન સમજાય એવાં નામોવાળી દવાઓથી ચકાચૌંધ ન થવા વિષે ડૉ. કોલમેન સલાહ આપે છે.

ગુજરાતી ભાષામાં આ વિષયો પર ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતાએ ઘણું માર્ગદર્શક અને શિક્ષણાત્મક લખ્યું છે. વિદ્વત્તા સાથે સહજતાનું મિલન સામાન્યત: ડૉક્ટરોમાં અને એ પણ પ્રકાંડ સ્પેશાલિસ્ટ ડૉક્ટરોમાં કઠિન છે, પણ મનુભાઈ-લોપાબહેનનાં વિધાનો તથ્યપૂર્ણ હોય છે. ઍલોપથી શબ્દ 1882માં હોમિયોપથીના જનક હાનમાને પ્રસ્તુત કર્યો હતો અને એનો ભાવાર્થ હતો : થૅરપીનો એ પ્રકાર જે નવો રોગ પૈદા કરીને જૂનો રોગ મટાડી શકે છે! સામાન્ય દર્દી તરીકે આ અનુભવ ઘણા લોકોનો હોય છે. મેડિકલ સાયન્સ અથવા મૉડર્ન મેડસીન (એમ.એમ) પાસે ઘણા પ્રશ્નોના ઉત્તરો નથી. ચાળીસ વર્ષ સુધી ધૂમ્રપાન કરનારને ગળાનું કૅન્સર થાય છે, પણ ચોવીસ વર્ષની છોકરી જેણે જીવનમાં એક પણ સિગરેટ ફૂંકી નથી, એને શા માટે ગળાનું કૅન્સર થાય છે? ડાયાબિટીસ વિષે હજી સમવાક્યતા નથી. લોહીમાં કેટલી ચીની નૉર્મલ ગણાવી જોઈએ, અમેરિકન સંશોધકોએ બનાવેલા ચાર્ટ પ્રમાણે કે આપણા દેશકાળ, હવામાન, ખાનપાન પ્રમાણે? ઘણાંખરાં ઈન્ફેક્શન અથવા ચેપ માટે કોઈ ચિકિત્સાની જરૂર જ હોતી નથી, શરીરની સંરક્ષણાત્મક રચના જ એ પ્રકારની છે કે કાળક્રમે સ્વસ્થતા પુન: પ્રાપ્ત થઈ જાય છે. ઘણાં નિમ્નવર્ગનાં પશુઓ અને જીવોને મનુષ્યરોગો થતા જ નથી અને એનાં થોડાં દ્રષ્ટાંતો છે : કૉલેરા, શીતળા, પોલિઓ, સિફિલીસ વગેરે. મનુષ્ય માદાને ગર્ભવતી અવસ્થાના આરંભમાં ફેર આવવા કે જીવ ગભરાવવા જેવી ઘટનાઓ બનતી હોય છે જે પશુમાદામાં નથી. સામાન્ય તાવ ખાસ નુકસાન કરતો નથી, અને એમાં એન્ટીપાયરેટીક ડ્રગ્ઝની ખરેખર જરૂર હોતી જ નથી. આવી સ્થિતિઓમાં શરીરનું તાવ ઉતારવાનું અત્યંત જરૂરી બની જાય છે.

લોકોસ્ટ ફિચર સંસ્થા વડોદરાથી 'આપણું સ્વાસ્થ્ય' નામની પત્રિકા ખાનગી વિતરણ માટે પ્રકટ કરે છે, અને એમાં પ્રકટ થતા લેખો એ વિષયોના તજજ્ઞોએ લખેલા હોય છે અને જનમાનસમાં રૂઢ થઈ ગયેલી ભ્રમણાઓ દૂર કરવા માટે હોય છે. વાસ્તવમાં આ અત્યંત ઉચ્ચ કક્ષાની લોકસેવા છે. ડૉક્ટર કેતન ઝવેરી લખે છે : અમેરિકામાં થોડાં વર્ષો પહેલાં 'સેકેન્ડ ઓપિનિયન ટ્રાયલ'માં નીકળ્યું કે કોરોનરી એન્જિઓગ્રાફી નામની જોખમી મોંઘી તપાસની જેટલા દર્દીઓને સલાહ આપવામાં આવે છે એમાંથી માત્ર ત્રણ ટકા દર્દીને જ તપાસની ખરેખર જરૂર હોય છે! ગ્લુકોઝના એક બાટલામાંથી માત્ર પાંચ-દશ ચમચી ખાંડ ખાવા જેટલી જ શક્તિ મળે છે. ખરી શક્તિ તો ખોરાકમાંથી જ મળે છે. મોટા ભાગની એન્ટીબાયોટિક દવાની અસર બરાબર થાય છે કે નહીં એ અડતાલીસ કલાક પછી જ ખબર પડે છે. ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારીઓમાં રોગનાં કોઈ બાહ્ય લક્ષણ ન હોય તો પણ રોગને નિયંત્રણમાં રાખવા માટે કાયમી ધોરણે દવા લેવી જરૂરી હોય છે. સામાન્ય ઍસિડિટી માટે ઘણા દર્દીઓ સોનોગ્રાફી કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. હકીકતમાં સોનોગ્રાફીની મદદથી ક્યારે પણ પેટમાં ઍસિડિટી કે અલ્સર છે કે નહીં એ જાણી શકાતું નથી. સોનોગ્રાફીનો રિપોર્ટ નૉર્મલ આવે એટલે દરદી પણ ખુશ અને ડૉક્ટર પણ ખુશ. ભૂખ લાગવા માટે, ઊંઘવા માટે, દુ:ખાવા માટે, કમજોરી માટે વગેરે માટે દવાની માગણી કરવી એ મૂર્ખાઈની નિશાની છે. કેટલાક પાણીજન્ય રોગો હિન્દુસ્તાની છે અને પશ્ચિમ પાસે એની ખાસ અકસીર દવાઓ નથી. કમળાનો રોગ હજી સમજાતો નથી અને લીવર ટકાવી રાખવા વિટામિન-બી કૉમ્પ્લેક્સનાં ઈંજેક્ષનો અપાતાં રહે છે. દેશી વૈદો આ રોગ ભૂકીઓ આપીને મટાડે છે. સ્લીપ્ડ ડિસ્કમાં નિતંબની નસને લાત મારીને હજી પણ સીધી કરાય છે, પણ ઍલોપથીમાં અઠવાડિયાંઓ સુધી, વજન બાંધીને, સીધા સૂઈ રહીને કે સુવડાવીને, અંગોને ખેંચીને પૂર્વવત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

દર્દી અને દવા અને ડૉક્ટર વચ્ચે કેવો સંબંધ હોય છે? સ્વાર્થ અને પરમાર્થ જેવા શબ્દો પણ આજના સંદર્ભમાં અસંબદ્ધ બની જાય છે. પણ મહત્ત્વની વાત એ છે કે દરદીના તનોબળ કરતાં મનોબળ વધારે મજબૂત હોવું જોઈએ ! અને મેડિકલ ભાષામાં કહીએ તો એ વસ્તુનો ખ્યાલ રાખવો  જોઈએ કે 'ડીઝીઝ' ચાલ્યું જાય પણ 'ન્યુરોસીસ' ન રહી જાય... 

ક્લોઝ અપ: 

પોસ્ટમૉર્ટેમ : રાંડ્યા પછીનું ડહાપણ....

(મુંબઈ સંધ્યા : જુલાઈ 30, 1998)

(પુસ્તક: દર્શન વિશ્વ)

May 28, 2013

અપરિચયના આંદામાનનું વીરપાત્ર : સાવરકર

1988માં મુંબઈના વીર સાવરકર રોડ પરથી બસમાં કે કારમાં કે ટેક્સીમાં પસાર થઈ જતી પેઢીનાં યુવા સ્ત્રી-પુરુષોને રાજીવ ગાંધી સાથે જીવવા મળ્યું છે. એમને ફક્ત એક જ જ્ઞાન આપવામાં આવ્યું છે કે ભારતવર્ષના સ્વાતંત્ર્યસંગ્રામમાં એક જ પરિવારે સંઘર્ષ કર્યો હતો - મોતીલાલ નેહરુ અને એમનાં પુત્ર અને પૌત્રી અને પ્રપૌત્રો ! અને હવે પ-પ્રપૌત્રો પણ ઈતિહાસમાં આવશે. પણ એક માણસ હતો, વિનાયક દામોદર સાવરકર નામનો, જેના વિષે આધુનિક ગુજરાતી પેઢીને વંચિત રાખવામાં આવી છે. એનો જન્મ 1883માં, આજથી 105 વર્ષો પહેલાં થયો હતો. ભારતના સંઘર્ષ ઈતિહાસનાં સૌથી યશસ્વી નામોનાંનું એક સાવરકરનું નામ છે. પણ દુર્ભાગ્યે એથી વિશેષ માહિતી આપવાની બાબતમાં પત્રપત્રિકાઓ ઉદાસીન રહી છે. 

અમે નાના હતા ત્યારે સાવરકર અમારા હીરો હતા. એમની આત્મકથાનો એક અંશ 'મારી જન્મટીપ' (માઝી જન્મઠેપ) અમારી પેઢીના જવાનો માટે ફરજિયાત વાચન હતું. 1949ના ડિસેમ્બરમાં કલકત્તાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતો હતો ત્યારે હું અને મારા મિત્ર દેવુભાઈ દેશબંધુ પાર્કમાં હિંદુ મહાસભાના અધિવેશનમાં ગયા હતા, સાવરકરને માટે જનતાને બૂમો પાડતી સાંભળી હતી : અમે વાઘને સાંભળવા માટે આવ્યા છીએ! આ બધી પ્રસ્તાવબાજી પછી કરી લેજો... સાવરકર, સાવરકર ! અમે સાવરકરને પ્રથમ જોયા હતા - 'મારી જન્મટીપ'ના લેખક જે વર્ષો સુધી આંદામાનની જેલમાં રિબાયા હતા ! સાવરકરનો સ્વર સાફ હતો, ભાષા મશીનગનની જેમ છૂટતી હતી, જુસ્સો કાયમ હતો. અમે ખુશ થઈ જઈએ એમ સાવરકર અમારા યુવા દિમાગો પર છવાઈ ગયા હતા.બીજી વાર 1953માં સાવરકરને નાશિકની ભોંસલે મિલિટરી સ્કૂલમાં જોયા હતા. હું ત્યાં લશ્કરી તાલીમ લેવા ગયો હતો અને સાવરકર વિદ્યાર્થીઓને પ્રવચન આપવા આવ્યા હતા. અહીં ભાષણ મરાઠીમાં હતું. ભાષા તેજ હતી, પ્રેરક હતી, વેધક હતી. એમને બહુ જ પાસેથી જોયા, ઠીંગણા, ગોળ ચશ્માં, ગોળ કાળી ટોપી, હાફકોટ, ધોતી, ચંપલ અને છત્રી. આંખો કાચ જેવી. બહુ પાસેથી જોયા અને એમને વાતો કરતા સાંભળ્યા. એ વખતે વૃદ્ધત્વ દેખાતું હતું, એ 70 વર્ષના હતા.

સાવરકર 1883માં જન્મ્યા, 1966માં અવસાન પામ્યા, ઉંમર 83 વર્ષ! માનવંદના સાથે 1966ની 27મી ફેબ્રુઆરીએ એમનો દેહસંસ્કાર મુંબઈના ચંદનવાડીમાં કરવામાં આવ્યો હતો. સાવરકરના જીવનની કેટલીક વાતો પ્રસિદ્ધ છે કારણ કે નવી પેઢીને તરત જ પ્રિય થઈ જાય એવા પરાક્રમ અને રોમાંસનું એમાં સંમિશ્રણ છે. 1906માં 23 વર્ષની વયે એમણે લંડન તરફ પ્રસ્થાન કર્યું. 1909માં બેરિસ્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ગુજરાતના શ્યામજી કૃષ્ણવર્માએ 1897માં લંડનમાં હાઈગેટ પાસે ક્રોમવેલ હાઉસ ખરીદ્યું હતું જેમાં હિંદુસ્તાની વિદ્યાર્થીઓ રહેતા હતા.1906ના વર્ષની આસપાસ આ મકાન ભારતભવનમાં લગભગ 14 વિદ્યાર્થીઓ રહેતા હતા. એમાંથી કેટલાંકનાં નામો: વિઠ્ઠલભાઈ પટેલ, લાલા હરદયાળ, મદનલાલ ધિંગરા, ભાઈ પરમાનંદ, માદામ કામા, વિનાયક દામોદર સાવરકર...!

સાવરકર 26 વર્ષના હતા ત્યારે એમના મોટા ભાઈ બાબારાવને જન્મટીપની સજા થઈ હતી. એ દિવસોમાં જન્મટીપની સજા થનારને આંદામાન ટાપુમાં પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં મોકલી દેવામાં આવતા હતા. એ સજા કાળા પાણીની સજા કહેવાતી હતી અને એમાંથી માણસ જીવતો પાછો ફરે એ સંભવ ન હતું. પેરિસથી લંડન આવેલા સાવરકરને ગિરફ્તાર કરવામાં આવ્યા અને ભારત આવી રહેલા જહાજમાંથી સાવરકરે સમુદ્રમાં કૂદકો માર્યો. ફ્રાંસના માર્સેલ્સ બંદરે પહોંચી ગયા પણ ફ્રેંચ સરકારે સાવરકરને અંગ્રેજ સરકારને સોંપી દીધા. કેસ થયો, સજા થઈ જન્મટીપની ! વિનાયક સાવરકર, ઉંમર વર્ષ 27, કેદી ક્રમાંક 32788, વર્ગ 3-સી, કક્ષા -2, કેદ થવાનો સમય: 1910...મુક્તિનું વર્ષ: 1960 ! સાવરકરનો આજીવન કારાવાસ શરૂ થયો.

1910માં જન્મટીપ થઈ, કુલ સજા પચાસ વર્ષના કાળા પાણીની, એટલે કે 27 વર્ષીય સાવરકર 1960માં મુક્ત થાય ત્યારે 77 વર્ષના હોય ! આંદામાનમાં મજબૂત માણસો પણ પાંચ વર્ષમાં તૂટી જતા હતા. એ આંદામાનમાં સાવરકર 1910થી 1921 સુધી, અગિયાર-બાર વર્ષ રહ્યા. એમની આત્મકથા 'મારી જન્મટીપ'માં આંદામાનના ભયાનક જેલજીવનનું વર્ણન છે. 1922માં એમને કલકત્તા પાસે અલીપુર જેલમાં રાખવામાં આવ્યા. પછી રત્નાગિરિમાં નજરકેદ, 1924થી 1937, 14 વર્ષો સુધી ! જીવનના 27મા વર્ષે આંદામાનમાં પુરાઈ ગયેલા સાવરકર ફરીથી ભારતની ધરતી પર અલીપુર જેલમાં આવ્યા ત્યારે 38 વર્ષના થઈ ગયા હતા.

આજની રાજીવ ગાંધી સાથે જીવતી પેઢીને અપરિચયના આંદામાનમાં જ ખોવાયેલા રાખવામાં આવે છે. પચાસ વર્ષની કાળા પાણીની આજન્મ સજા પછી માણસ આત્મહત્યા કરી નાખે, અને કેટલાય ક્રાન્તિકારીઓએ આત્મહત્યા કરી હતી. સાવરકરે આત્મકથામાં લખ્યું છે: નાનપણની જ મારી એક ઈચ્છા હતી કે મરાઠીમાં એક મહાકાવ્ય લખું...! અને જેલની દીવાલો પર સાવરકર 'લખતા' ગયા અને એ કવિતા કંઠસ્થ કરતા ગયા. કવિતાનું નામ: કમલા ! અંધારી કોટડીમાં પ્રકટેલી આ મરાઠી કવિતામાં વનસ્પતિના સૌન્દર્યનું, રોમાંસનું, પ્રણયનું વર્ણન છે અને આ કવિતા સમાપ્ત થઈ અને સાવરકરની બદલી થઈ ગઈ, બીજી અંધારકોટડીમાં...

સાવરકર સાચા અર્થમાં 'વીર' હતા અને વીર શબ્દનો સાવરકર સાથે જે સંબંધ ઉપયુક્ત છે. જેલમાં એ ઉર્દૂમાં લખતા-વાંચતા શીખ્યા હતાં. એમણે બંગાળી ભાષા પર  પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. એ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા, એમણે અંગ્રેજીમાં પુષ્કળ લખ્યું છે, મરાઠી વાડ઼્મય પર સાવરકર ઘટાની જેમ છવાયેલા છે. હિંદીમાં મેં એમને વક્તા તરીકે સાંભળ્યા છે. પણ સાવરકર ઉર્દૂમાં રાષ્ટ્રપ્રેમથી છલોછલ ગઝલ લખે એ વાત જ કલ્પનાતીત છે પણ સત્ય છે. હિંદુત્વના પ્રખર પુરસ્કર્તા સાવરકર શતાંશ: રાષ્ટ્રવાદી હતા. એમણે આંદામાન જેલની દીવાલો પર ઉર્દૂ લિપિમાં લખેલી એક ગઝકના કેટલાક અંશ : (એમના શબ્દો અને જોડણી પ્રમાણે જે વંચાય છે) 

ખુશી કે દૌર દૌરે સે હૈ યા રંજો મુહન પહિલે 
બહાર આતી હૈ પીછે ઔર ખિજા ગિરદે ચમન પહિલે....1 
મુહિબાને વતન હોગે હઝારો બેવતન પહિલે 
ફલેગા હિન્દ પીછે ઔર મરેગા અંદમાન પહિલે... 2 
અભી મેરાજ કા ક્યા જિક્ર યહ પહિલી હી મંઝિલ હૈ 
હજારો મંઝિલે કરતી હૈ તૈ હમકો કફન પહિલે... 3 
મુનવર અંજમન હોતી હૈ મહફલ ગરમ હોતી હૈ
મગર કબ જબ કે ખુદ જલતી શમા એ અંજમન પહિલે...4 
હમારા હિન્દ ભી ફૂલે ફૂલેગા એક દિન લેકિન 
મિલેંગે ખાક મેં લાખોં હમારે ગુલબદન પહિલે... 5 
ઉન્હી કે સિર રહા સેહરા ઉન્હી કો તાજ કુર્બાં હો
જિન્હોને ફાડ કર કપડે રખા સિર પર કફન પહિલે...6 

સાવરકર ભાષાની શુદ્ધતાના સમર્થક હતા. પ્રખર મેધાવી વ્યક્તિનું જ આ કામ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે લખ્યું છે એમ કારાગારની ઊબડખાબડ સપાટી પર સાવરકરે પ્રથમ લખ્યું અને પછી મુખસ્થ કર્યું. નાટ્યકાર-સર્જક પુ.લ. દેશપાંડે સાવરકરના જીવનને ગ્રીક ટ્રેજેડી સાથે સરખાવે છે. લેખક વિ. વા. શિરવાડકર સાવરકરને ગ્રીક દંતકથાના પ્રથમ હીરો પ્રોમીથીઅસની કક્ષાએ મૂકે છે. પ્રોમીથીઅસે દેવતાઓ પાસેથી અગ્નિ ચોરીને મનુષ્યજાતિને આપી દીધો હતો અને એની શાસ્તી સ્વરૂપ એને એક ખડક સાથે બાંધીને આજીવન રાખવામાં આવ્યો હતો અને એક હિંસક પક્ષી એનું શરીર ચાંચથી નોચ્યા કરતું હતું ! શિવશાહીર પુરંદરે સાવરકરની કલમને શિવાજીની ભવાની તરવાર સાથે સરખાવે છે. શિવાજી સાવરકરના આદર્શ હતા.

સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે રાષ્ટ્રયજ્ઞમાં જીવનની આહુતિ આપી છે એ એમના જીવનનો એક અને પ્રધાન અંશ છે. પણ મરાઠી ભાષાને એમણે નવાનવા શબ્દો બનાવીને આપ્યા છે એ એમના વ્યક્તિત્વનું એક લગભગ અજ્ઞાત પાસું છે. હિન્દુત્વના એ લગભગ અદ્વિતીય ઈતિહાસકાર રહ્યા છે. જીવનભર એમણે લખ્યું. મરાઠી ભાષામાં મેયર માટે નગરપતિ શબ્દ નથી પણ 'મહાપૌર' શબ્દ વપરાય છે. આ શબ્દ સાવરકરનો સર્જિત છે. રિપોર્ટર શબ્દને માટે એમણે બનાવેલો 'વાર્તાહર' શબ્દ મરાઠીમાં વધારે પ્રચલિત છે. અર્થ થાય : વાર્તાને ખેંચીને લઈ આવનારો ! સંપાદકથી સ્તંભ, સુધી કેટલાય મરાઠી શબ્દો સાવરકરે પત્રકારત્વને આપ્યા છે. એ જ રીતે ફિલ્મજગતને એમણે જ દિગ્દર્શન, ધ્વનિમુદ્રણ, પટકથા, સંકલન, આદિ શબ્દો આપ્યા છે ! આ વાત પુ. લ. દેશપાંડેએ આંદામાન જેલમેદાનમાં આપેલા એક ભાષણમાં કરી હતી.

પણ સાવરકર વ્યાવહારિક પણ હતા. મૃત્યુના ત્રણ વર્ષ પૂર્વે આપેલા એક ઈન્ટરવ્યુમાં એમણે ભાષાશુદ્ધિ વિશે સ્પષ્ટતા કરી હતી. 'નક્શા' (મરાઠીમાં 'નકાશા') અથવા મેપ શબ્દ માટે એમણે તર્ક કર્યો હતો કે હિંદી અને બંગાળીમાં 'માનચિત્ર' વપરાય છે. માનચિત્ર એટલે નોંધ - માપીને બનાવેલું પ્રમાણબદ્ધ ચિત્ર એ શબ્દ મરાઠીમાં વપરાવો જોઈએ. પણ પુલિસ માટે 'આરક્ષક' શબ્દ જનતાની જીભ પર હજી ચડ્યો નથી એટલે પુલિસ શબ્દ બરાબર છે.

મારી સામે ભોંસલે મિલિટરી સ્કૂલનું એ જ છિત્ર છે, સિત્તેર વર્ષીય વૃદ્ધ સાવરકરનું, જે તડકામાં અમને પ્રવચન આપવા આવ્યા હતા. એ વાત 1953ની છે. આજે એ ચિત્ર પણ મન:ચક્ષુઓની સામે માનચિત્ર બની ગયું છે. વ્યક્તિવિશેષ માટે માનચિત્ર અને સામાન્ય દર્શક માટે અભિમાન-ચિત્ર.

ક્લોઝ-અપ: 
હિન્દુ હૈ હિન્દુસ્તાનચે હૃદય આહે (હિન્દુ હિન્દુસ્તાનનું હૃદય છે.) 
                                                                                               સાવરકર

(સમકાલીન: ડિસેમ્બર 25, 1988)

(પુસ્તક: વિવિધા-1)

May 27, 2013

સાહિત્યની કેન્ટીનમાં તોફાની એક્સ-સ્ટુડન્ટ (સંજય છેલ)

બક્ષીસાહેબ વિષે 26 મે 2013નાં રોજ મુંબઈ સમાચાર દૈનિકમાં પ્રગટ થયેલો શ્રી સંજય છેલનો લેખ:

ગુજરાતી સ્ટારલેખકોની સરખામણી હિંદી ફિલ્મસ્ટારો સાથે કરવાની કલ્પના કરીએ તો? તો એમ થાય કે મેઘાણી ગુજ. સાહિત્યના રાજ કપૂર છે, જેમણે સાવ આમઆદમીની ચોટદાર વાતો લખી. રમેશ પારેખ એટલે દેવ આનંદ છે જેણે સદાબહાર રોમેન્સ આપ્યો. મરીઝ એટલે દિલીપકુમાર જેમણે ટ્રેજેડી કિંગ બનીને ગઝલો આપી. મુન્શી એટલે સોહરાબ મોદી જેમણે ઈતિહાસ ઊભો કર્યો. હરકિસન મહેતા એટલે ધર્મેન્દ્ર જેમણે ડાકુઓની એકશનપેક વારતાઓ લખી... અને નવલકથાકાર-વાર્તાકાર ચંદ્રકાંત બક્ષી એટલે એંગ્રી યંગ મેન અમિતાભ જેમણે કારણ-અકારણ ગુસ્સો કરીને એક તેજાબી ઈમેજ ઊભી કરી! નોવેલ, નવલિકાઓ, લેખોની કુલ ૧૭૮થી વધુ કિતાબો લખનારા બક્ષી સુપરસ્ટાર હતા અને રહેશે. એક પણ કમાલની ટૂંકી વાર્તા કે નોવેલ લખ્યાં વિના પણ ખુદને બક્ષી માનનારા ‘ચાઈનીઝ’ ચંદ્રકાંત બક્ષીઓનો ગુજરાતી ભાષામાં રાફડો ફાટ્યો છે એવામાં એક્ચ્યુઅલ બક્ષી યાદ આવે છે.


પણ પેલા બક્ષી કોણ હતા? એક તેઝતર્રાર લેખક હતા કે સનસનીખેજ માણસ? ચંદ્રકાંત બક્ષી સાથે વિતાવેલો થોડાઘણો સમય કે ફોન પર કરેલી લાંબી ચર્ચાઓ હજુયે યાદ છે. એમની વાતોમાં કોઈ અઘરી યુરોપિયન ફિલ્મની પટકથા જેવી ફિલિંગ ટપકતી. અનેક અસંબદ્ધ દ્રશ્યો, ચમકદાર રોમેન્ટિક સંવાદો અને ઉદાસીના અનેક રંગો. ગંભીર ફિલોસોફીને બેરિંગ બનાવ્યા વિના એક ટૂરિસ્ટની અદાએ જોઈને હસતો, લખતો માણસ એટલે બક્ષી.

બક્ષી આપણને હંમેશાં કોલેજ કેન્ટીનમાં બેઠેલા તોફાની એક્સ-સ્ટુડન્ટ જેવા લાગે. એક એવો માથાભારે સ્ટુડન્ટ જે નવા સ્ટુડન્ટોને કેન્ટીનમાં પાસે બેસાડીને ચા પીવડાવે, થોડું રેગિંગ કરે, છોકરીઓ વિશે ગોસિપ કરે અને પછી જીવન વિશે બેચાર સલાહો આપે. વળી કોલેજના મેનેજમેન્ટને આવા એક્સ-સ્ટુડન્ટની હાજરી ક્યારેય ગમતી ન હોય પણ મેનેજમેન્ટ એની દાદાગીરીથી ડરીને ‘કહેવાય નહીં, સહેવાય નહીં’વાળી સિચ્યુએશનમાં હોય. યેસ, ગુજરાતી સાહિત્યના મેનેજમેન્ટને માથે બક્ષી એક એવા જ એક્સ-સ્ટુડન્ટ કે આઉટસાઈડર હતા જે હંમેશાં દૂર બેસીને મેનેજમેન્ટની મખૌલ ઉડાવતા.

’૮૬ની આઈ.એન.ટી.ની નાટ્યસ્પર્ધામાં મારે મધુ રાયનું એક નાટક ભજવવું હતું. મને રાતોરાત મધુ રાયની પરમિશન જોઈતી હતી એટલે મેં બક્ષીનો કોન્ટેક્ટ કર્યો. એમણે તરત ઘરે બોલાવ્યો. બારણું ખોલ્યું. ટુવાલભેર ઊભા રહીને એમણે તરત ટેબલ પાસે જઈ મધુ રાય વતી પરમિશન આપી. કોઈ નોન-સેન્સ સવાલ નહીં, લાંબી પૂછપરછ નહીં. બસ આ અદા જોઈને જ હું બક્ષીનો ફેન બની ગયો. એક વાર બક્ષીની ‘આકાર’ નોવેલ વાંચીને પાર્લાથી છેક વર્લી એમને ઘરે ખાસ મળવા ગયો. મારી વાતો સાંભળીને તરત જ પોતાની એક બુક આપીને બક્ષીબાબુ બોલ્યા: ‘વાંચજો અને પછી પાછી પણ આપજો!’

૧૯૮૭માં પાર્લામાં ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોકળીબાઈ સ્કૂલ ખાતે ભજવાઈ હતી, સોરી ભરાઈ હતી. ત્યાં બક્ષી કેન્ટીનમાં લઈ ગયા અને કહ્યું હતું: ‘છોડો આ પરિષદવાળાઓની લેક્ચરબાજી, ચાલો વાતો કરીએ. આ બધાંમાં સફેદ કપડાંવાળા સાહિત્યકારો તો સાલા ડાઘુઓ જેવા લાગે છે!’

૨૦૦૪માં કોઈ પુસ્તકના વિમોચન પ્રસંગે ભાઈદાસ સભાગૃહમાં બક્ષી બોલ્યા હતા. ત્યારે પહેલી વાર બક્ષીએ બુઝુર્ગની જેમ મને કહ્યું: ‘બાળબચ્ચાં સાથે ઘરે આવો ક્યારેક.’ બક્ષી સાથે બસ એ છેલ્લી મુલાકાત. બક્ષી સાથે ફોન પર કલ્લાકો સુધી વાતો કરી છે. રિસીવરમાં સામેથી ખુમાર કે ગુરુરવાળો અવાજ સંભળાય: ‘બક્ષી સ્પીકિંગ’ પણ એ જ બક્ષીને જ્યારે અંગત ક્ષણોમાં જોઈએ ત્યારે ખૂબ ભીનાશ અનુભવાય. આવી જ ફીલિંગ મને ગુલઝારને મળીને હંમેશાં થઈ છે. જાહેરમાં એમની આસપાસ, પ્રતિભા અને સફળતાનું અભેદ્ય કવચ પણ એકાંતમાં અતિશય સાદગી કે નિખાલસતા! ગુલઝારની દીકરી મેઘના સામે એક વાર મેં એ વિશે કોઈ કોમેંટ કરી ત્યારે એણે કહ્યું, ‘ઘણી વાર સેલ્ફ મેઈડ માણસમાં કારણ વિના કઠોરતા કે ઈગો આવી જ જતાં હોય છે. તારા જેવામાં પણ નથી?’ હું ચૂપ થઈ ગયેલો. કદાચ સૌને ગળે ના ઊતરે એવી વાત છે. દાળ-રોટીનો સંઘર્ષ, સાહિત્યની વાડાબંધી કે લોબીઈંગ, બજારનું સત્ય ભલભલા સંવેદનશીલ લેખકને પણ પથ્થર બનાવી દે છે. શરૂશરૂમાં દરેક લેખક બિચારો ભાવુકતાનો ફુગ્ગો લઈને નીકળતો હોય છે પણ દુનિયા સૌથી પહેલાં એ ભાવુકતાના ફુગ્ગાને જ ફોડી નાખે છે. એ લેખકને આગળ જતાં નામ-પૈસા-પારિતોષિકો વગેરે તો મળે છે પણ છતાંયે અંદરખાને, એક બાળકની જેમ લેખક બિચારો આખી જિંદગી પેલા ભાવુકતાના ગુબ્બારાને શોધતો જ રહે છે. બક્ષીનો ગુરુર પણ સિસ્ટમ સામેનો સેલ્ફડિફેન્સ કે પ્રતિકાર હતો કે પછી જાણી જોઈને અંગીકાર કરેલો ‘ઈગો’?

લેખક-વિવેચક પ્રો.કાંતિ પટેલે ૧૯૮૮માં અંધેરી-ભવન્સ કોલેજ ખાતે વાર્તાસ્પર્ધામાં, ચંદ્રકાંત બક્ષીને અતિથિવિશેષ તરીકે બોલાવેલા. ત્યારે મંચ પરથી લેક્ચર આપતી વખતે બક્ષીએ મારી સામે જોઈને કહ્યું હતું, ‘ગુજરાતી સાહિત્યના ભાવિને, વાર્તાકળાના ભાવિને હું તમારા જેવા યુવાનોની આંખોમાં જોઈ રહું છું.’ આ સાંભળતાં જ અમે તો ગળગળા થઈ ગયા. પણ પછી મોડેથી સમજાયું કે હી ઈઝ અ સ્માર્ટ સેલ્સમેન! ઓડિયન્સને શું ગમશે એની બક્ષીને બરાબર ખબર હતી. એક્ટરને શોભે એવી ડાયલોગ ડિલિવરી, વાતને રમાડીને, પોઝ આપીને બોલવાની અદા બક્ષીમાં હતી. ક્યારેક ફોન કરીને કહેતા, ‘છેલબાબુ, અંગ્રેજી છાપામાં તમારો ઈન્ટરવ્યૂ વાંચ્યો, પણ નવા ફોટા તો પડાવો. માર્કેટિંગ શીખો! મારો બેટો રજનીશ, દરરોજ નવા ફોટા પડાવતો... ડિયર કંઈક શીખો. શરમાઓ નહીં... અરે આ પણ એક ખેલ છે દુનિયાદારીનો, દોસ્ત.’

’૯૦માં બક્ષીની નોવેલ ‘હું કોનારક શાહ’ પરથી એક ટેલિફિલ્મ બનાવવા માગતો હતો. નોવેલના રાઈટ્સ લેવા બક્ષીને મળ્યો. મૂળ નોવેલમાં અંત જુદો હતો પણ ફિલ્મમાં અંત ધારદાર જોઈતો હતો. ભલભલા ડિરેક્ટરોને પણ જે ઘટના કે વિઝ્યુઅલ સૂઝે નહીં એવો ક્લાઈમેક્સ બક્ષીએ બે મિનિટમાં સૂચવેલો: ‘ફિલ્મના અંતે મેનેજમેન્ટના કાવાદાવાની સામે લડીને જ્યારે કથાનો નાયક પ્રોફેસર કોનારક કેસ જીતી જાય ત્યારે માત્ર એક દિવસ માટે સ્વમાન ખાતર એ કોલેજમાં નોકરીએ પાછો ફરે... ફરીથી વિદ્યાર્થીઓ વચ્ચે જઈ એ જ ક્લાસમાં, એ જ ખુરશીમાં બેસે, પછી પેનમાં શાહી ભરે અને ચૂપચાપ રાજીનામું આપીને ચાલ્યો જાય! ધેટ્સ ઈટ!’

બક્ષીને માત્ર ગુજરાતી જ નહીં પણ હિંદી સાહિત્યકારો પણ એટલા જ માનથી જોતા. હિંદી લેખક કમલેશ્વર કે રાજેંદ્ર યાદવ, ભારતીય સાહિત્યના સંદર્ભમાં બક્ષીનો ઉલ્લેખ ખૂબ આદરથી કરતાં એ મેં સગી આંખે જોયું છે. બોરડમ અને બેવકૂફીના બ્રાન્ડ એમ્બેસેડર જેવા ગુજ્જુ લેખકો વચ્ચે ચંદ્રકાંત બક્ષી, ગુજરાતી ભાષાના એ ‘કલ્ચરલ એમ્બેસેડર’ હતા. આપણે ત્યાં મોટે ભાગે એવું જોવા મળે છે કે તમે ગાંધીવાદી નીતિમત્તા છાંટેલું, ગામડિયું વેજિટેરિયન સાહિત્ય લખો કે તરત જ અન્ય ભાષામાં એના સરકારી અનુવાદો થવા માંડે, તમને ઈનામો મળે પણ એ કિતાબો ખરા વાચકો સુધી ભાગ્યે જ પહોંચે. એ બધાની સરખામણીએ મોડર્ન, બિનધાસ્ત અને લેટિન અમેરિકન છાંટવાળું ગંભીર સાહિત્ય લખીને એને સરેરાશ ગુજરાતી વાચકોમાં લોકપ્રિય બનાવ્યું. એ જ બક્ષીની સિદ્ધિ.

મારી હિંદી ફિલ્મોની કમર્શિયલ સફળતાને જોઈને બક્ષી દાઢમાંથી કહેતા, ‘આ બધી રોમેન્ટિક કોમેડીઓ વગેરે તો ઠીક છે, પણ કાંઈક ગંભીર બનાવો નહીં તો ક્યારેય કદર નહીં થાય. કોમેડી બનાવવી એ અઘરી કળા છે, પણ ઉદાસીનો રંગ હંમેશાં ઘેરો ને શાશ્વત હોય છે. ફિલ્મ હોય કે સાહિત્ય, હિંદુસ્તાનમાં વેદના કે સંવેદનાને જ ઈજ્જત મળે છે. સાલો રાજ કપૂર એને ધ્યાનથી જુઓ. આખી ફિલ્મ નાગી, ઉઘાડી, કોમર્શિયલ બનાવે પણ એક દ્રશ્ય એવું લઈ આવે જેમાં ઊંડાણ હોય. માય ડિયર, એન્ટરટેઈનર અને આર્ટિસ્ટ વચ્ચેનો ભેદ સમજો’.

મારી ફિલ્મ ‘ખૂબસૂરત’ એમણે વર્લીના સચિનમ્ થિયેટરમાં જોઈ. બીજે જ દિવસે સામેથી એમણે ફોન કરેલો. એમાં સંજય દત્તના પાળેલા કૂતરાનું નામ હતું: ‘બાબુભાઈ’ જે બક્ષીની એક નોવેલના પાત્ર પરથી મને સૂઝેલું. બક્ષીને એ મજાક ગમી હતી: ‘સાલ્લા, અમુક બીકણ ગુજરાતીઓ પર આ સારો કટાક્ષ છે...’

પણ બક્ષી એકંદરે ઊંડાણ અને ગંભીરતાના કલાકાર હતા. છતાંયે મારું માનવું છે કે બક્ષીની લોકપ્રિયતા માત્ર એમના ગંભીર સાહિત્યસર્જનને લીધે નહોતી. બક્ષીની સેન્સેશનલ છટાઓ, નોનસ્ટોપ વિવાદો, હાર્ડકોર હિંદુવાદી લખાણો અને અનેક કોલમોને કારણે હતી. બક્ષીને ‘આકાર’ કે ‘પડઘા ડૂબી ગયા’ના લેખક તરીકે બહુ ઓછા લોકો સમજ્યા છે! લેખક બક્ષી કરતાં ‘પર્સનાલિટી ઓફ બક્ષી’ વધુ લોકપ્રિય હતી. બક્ષી કલકત્તામાં ઊછરેલા હોવાને કારણે શરૂશરૂમાં કોમ્યુનિસ્ટ ‘લાલ’ રંગે રંગાયેલા હોય એવું લાગતું. પછી ધીમે ધીમે એ લાલ રંગ મુંબઈ આવીને ઝાંખો પડ્યો. છેલ્લે ગુજરાત જઈને લાલમાંથી કેસરી બનતો ગયો. બક્ષીની કલમમાં કારણ વિના હિંદુત્વ અને જમણેરી વિચારો સતત ઝળકવા લાગ્યા. નવલકથાઓ લખવાની ઓછી થઈ ગઈ અને જે લખી એમાં પણ શરૂઆતના બક્ષીનો પાવર નહોતો. લોકો કહેવા માંડેલા કે ‘પેરેલિસિસ’ પછી બક્ષીની કલમને પેરેલિસિસ થઈ ગયો છે. શું રાજકારણમાં જવાની મહત્ત્વાકાંક્ષાએ ખુદ્દાર બક્ષીને સહેજ ખંધા બનાવી દીધેલા? જે સિસ્ટમ સામે એમણે સતત લખ્યું એ સિસ્ટમ સાથે એમણે સમાધાનો કરવા માંડેલાં? ‘તમે આવશો’ જેવી ગુજરાતી ભાષાની અદભુત ટૂંકીવાર્તાના લેખક બક્ષીને પૂછવાનું મન થતું, ‘બક્ષી, તમે પણ?’

ખેર, એ જે હોય તે. અનેક લેખકોમાંની ઘેટાંભીડ વચ્ચે બક્ષી એક ‘આખરી મુગલ’ હતા. પોચટ સાહિત્યકારોની વચ્ચે બક્ષી જ તો ‘મૃત્યુ’થી માંડીને ‘માઓ ત્સે તુંગ’ સુધી કે ‘સેક્સ’થી લઈને ‘સામ્યવાદ’ સુધી અસ્ખલિત બોલી શકનારા, લખી શકનારા અંદાઝે બયાંના ઓલરાઉન્ડર હતા. ગલીને નાકે મોડી રાત સુધી, ઊભાં ઊભાં ગોસિપભરી વાતો કરનારા મજેદાર માણસ હતા. બક્ષીની ‘આકાર’ નોવેલના હીરોની જેમ ‘ક્યાં’ની દિશામાં એક આકાર લુપ્ત થઈ ગયો!

બક્ષી નામનો આકાર, વી વિલ મિસ યુ.

May 26, 2013

કૌભાંડ અને સ્કેન્ડલ : મેગાવતી અને આદિત્ય

કૌભાંડ ગુજરાતી ભાષાનો એ શબ્દ છે કે જે દરેક નાના છોકરાને ખબર છે, પણ એ શબ્દના ગોત્ર વિશે વિદ્વાનો હજી બેખબર છે. કૌભાંડ શબ્દ ગુજરાતી સમાચારપત્રોમાં પહેલાથી 12મા કે 16મા કે 18મા પાના સુધી સતત ઊછળતો રહે છે. કૌભાંડ રાજકારણથી રસોઈકારણ સુધી લાગુ પડી શકે છે, અને મને લાગે છે કે આ શબ્દ મૂળ રસોડામાંથી બહાર આવ્યો હશે! સંસ્કૃત શબ્દકોશમાં કૌભાંડ શબ્દ નથી. હિંદી શબ્દકોશમાં કૌભાંડ શબ્દ નથી. પણ આપણે ગુજરાતીઓ ધન્ય ધન્ય થઈ જઈએ એવી વાત એ છે કે કૌભાંડ શબ્દ ગાંધીજીવાળા સાર્થ જોડણીકોશમાં છે. 287મા પાના પર શબ્દ કૌભાંડ છે, સામે લખ્યું છે કે જુઓ કુભાંડ, અને આપણે રિવર્સ ગિયરમાં 265માં પૃષ્ઠ પર આવીએ છીએ: કુભાંડ મૂળ સંસ્કૃત કુકભંડ પરથી. તરકટ, તોહમત, આળ. આજે 1996ના કળિયુગમાં હિંદુસ્તાનમાં કૌભાંડ એટલે સ્કેન્ડલ, પૈસાનો ગોટાળો, સત્તાનો દુરુપયોગ કરીને પ્રાપ્ત કરાતી સમૃદ્ધિ માટેની પ્રવૃત્તિ એવો અર્થ થાય છે.

હિંદીમાં ભાંડ શબ્દ છે, સામે લખ્યું છે: ભાંડા! ભાંડા એટલે વાસણ, બરતન, તેલ કા કુપ્પા. ભંડા ફોડ દિયા... એવો પ્રયોગ થાય છે. મરાઠીમાં વાસણ માંજવાને માટે 'ભાંડી ઘસાયચી' એવો શબ્દપ્રયોગ વપરાય છે. કૌભાંડ કે કુભાંડમાં જે ભાંડ છે એ વાસણ છે, માટે મારો અંતરાત્મા કહે છે કે આ કૌભાંડ મૂળ રસોડાની ઉત્પત્તિ છે! કાળક્રમે રાજકારણીઓ રસોડામાં ઘૂસ્યા અને કૌભાંડનો જન્મ થયો. હિંદીવાળા તો 'ભાંડા મે જી દેના' જેવું વાક્ય વાપરે છે. એટલે શું? આ વાક્યનો સુઅર્થ છે: કિસી પર દિલ લગા હોના. વાસણ, દિલ, રાજકારણી... આ એક ખતરનાક કૉમ્બિનેશન છે. રાજકારણીઓના વિવિધ પ્રકારનાં તરકટો અને કરતૂતો અને કારસ્તાનો માટે છાપાંવાળાઓ હવે એક જ સ્ટિકરથી કામ ચલાવી લે છે : કૌભાંડ.

સંસ્કૃતમાં 'ભાણ્ડમ' છે. ક્ષીરભાંડમ એટલે દૂધ રાખવાનું વાસણ. નીલભાંડમ એટલે નીલ (ગળી?) રાખવાનું વાસણ. ભણ્ડાગાર એટલે ભંડાર. એક ભાણ્ડપતિ નામનો શબ્દ પણ છે, અર્થ છે સૌદાગર. કૌભાંડ શબ્દને સ્વાભાવિક રીતે જ લાંચ શબ્દ સાથે સંબંધ છે. ગાંધીજીવાળો સાર્થ ગુજરાતી શબ્દકોશ જેમ કૌભાંડનો અર્થ અને વ્યુત્પત્તિ આપે છે એમ લાંચની વ્યુત્પત્તિ પણ આપે છે. મૂળ સંસ્કૃત લંચા પરથી લાંચ શબ્દ આવે છે. અમલદારને કે ઉચ્ચ અધિકારીને છૂપી રીતે અપાતી કે લેવાતી અઘટિત રકમ કે ભેટ ગુજરાતી ભાષામાં લાંચ કહેવાય છે. એટલે આપણા પૂર્વજો લંચાની વાતથી માહિતગાર હતા...

અંગ્રેજીમાં અરાજકતા જરા ઓછી છે. કૌભાંડ અને ગોટાળા માટે એક જ સર્વસ્વીકૃત શબ્દ છે: સ્કેન્ડલ ! એ સ્કેન્ડલ શબ્દમાં આર્થિક કૌભાંડથી જાતીય સ્ખલન સુધી લગભગ બધું જ આવી જાય છે. બૅંકમાંથી પૈસા ઉચાપત કરવાથી માંડીને પ્રિન્સેસ ડાય (ડાયાના)ની પરપુરુષો સાથે રંગરેલિયં સુધીની ઘણીબધી પ્રવૃત્તિઓ માટે સ્કેન્ડલ કે સ્કેન્ડેલસ જેવા શબ્દો બેરોકટોક વાપરી શકાય છે. અંગ્રેજીમાં એક કહેવત પણ છે: વન મેન્સ સ્કેન્ડલ ઈઝ અનધર મેન્સ સ્લેન્ડર! બીજાને બદનામ કરવા વપરાતી ભાષા એ સ્લેન્ડર કહેવાય છે. સ્કેન્ડલ સ્લેન્ડર બન્ને શબ્દો અર્થની દ્રષ્ટિએ વિરોધી શબ્દો છે પણ ગોત્રની દ્રષ્ટિએ બન્ને શબ્દો સગોત્રી છે.

સ્કેન્ડલ શબ્દની વ્યુત્પત્તિ શું છે? મૂળ ગ્રીક શબ્દ છે: સ્કેન્ડેલોન ! અને સ્કેન્ડેલોન એક એવું ષડયંત્ર હતું જે ઊછળીને પકડી લેતું હતું. કંઈક છુપાયેલી વસ્તુ જે એકાએક પ્રકટ થઈ જતી હતી. સમથિંગ ફિશી ! ફિશ અથવા માછલી પણ પાણીની અંદર જ રહે છે, સંતાયલી, છુપાયલી વસ્તુ જે એકાએક લપકે છે. સ્કેન્ડલની સાથે અંગ્રેજીમાં એક શબ્દ વપરાય છે: કવર-અપ! એટલે ઢાંકપિછોડો. ઢાંકી દેવું. દ્રષ્ટિથી દૂર લઈ જવું. પર્દાફાશ કરવું, બેનકાબ કરવું, અને પછી પડદો પાડી દેવો. ગ્રીક સ્કેન્ડેલોન પરથી લૅટિન ભાષામાં સ્કેન્ડલૅમ આવ્યું, અને અર્થ પણ જરા બદલાયો. લૅટિન શબ્દનો અર્થ થયો: ઠોકર ખાવાનું કારણ ! કાળક્રમે પ્રાચીન ફ્રેંચમાં એસ્કાન્દલ શબ્દ આવ્યો. પછી આ એસ્કાન્દલનું એક રૂપ એસ્કલાન્દ્રે અને એમાંથી આપણો આજનો સ્લેન્ડર શબ્દ આવ્યો. એક જ મૂળ ગ્રીક શબ્દમાંથી નીકળેલા બે શબ્દો આજે વિરોધીઅર્થી બની ગયા છે : સ્કેન્ડલ અને સ્લેન્ડર.

જેમ ખરાબ શબ્દો છે એમ સારા શબ્દો છે, અને સારા શબ્દોની વ્યુત્પત્તિ પણ એવી જ રસપ્રદ છે. ઘણી વાર સરસ નામોની પાછળ રોમાંચક કહાનીઓ હોય છે. ઈન્ડોનેશિયામાં આજે એક નામ દરેક ઘરમાં લોકપ્રિય બની ચૂક્યું છે અને આપખુદ સુહાર્તોની સામે એક વ્યક્તિ વિરોધપક્ષ તરીકે મેગાવતી સુકર્ણોપુત્રીનું નામ લેવાય છે. એક મુસ્લિમ દેશમાં એક સંસ્કૃત અને હિંદુ નામ કેવી રીતે પડ્યું એ જિજ્ઞાસાનો વિષય છે. હમણાં એક ભારતીય રાજનીતિજ્ઞ મેગાવતીને મળ્યા ત્યારે મેગાવતીએ સ્વયં રહસ્યસ્ફોટ કર્યો.

મેગાવતી સુકર્ણોપુત્રી
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો  જવાહરલાલ નેહરુના ઘનિષ્ઠ મિત્ર હતા. ડચ શાસકોના ઘેરામાં જ્યારે સુકર્ણો ફસાઈ ગયા હતા ત્યારે નેહરુએ એક ઈન્ડિયા પાઈલટને મોકલ્યો હતો અને આ ઈન્ડિયન વિમાનચાલક ડૉ. સુકર્ણોને ડચ ફૌજના ઘેરામાંથી બચાવીને, ઉડાવીને સલામત જગ્યાએ લઈ આવ્યો હતો. આ પાઈલટ એ ઉડિસાના પૂર્વ મુખ્યમત્રી બૈજુ પટનાયક, જે આજે પણ હિંદુસ્તાનની લોકસભામાં એક વરિષ્ઠ સાંસદ તરીકે બિરાજે છે. પછી બૈજુ પટનાયક સુકર્ણોના અંતરંગ મિત્ર બની ગયા. મેગાવતીએ કહ્યું કે જે રાત્રે હું જન્મી એ રાત્રે મારા પિતાએ બૈજુ પટનાયકને ડિનર આપ્યું હતું. એ વખતે મારા પિતાએ પટનાયકને પૂછ્યું કે મારી દીકરી જન્મી છે, એને માટે કંઈક નામ સૂચવો ! એ રાત્રે સખ્ત વરસાદ પડી રહ્યો હતો. પટનાયકે કહ્યું કે આ દીકરીનું નામ વાદળોની દેવીઓ પાડો... વાદળોની દેવી : મેગાવતી (મેઘાવતી) ! અને મેગાવતી સુકર્ણોપુત્રી નામ અસ્તિત્વમાં આવ્યું. આજે મેગાવતીની એક બહેનનું નામ પણ ઈન્ડોનેશિયાના રાજકારણમાં લેવાવા માંડ્યું છે. એ બહેનનું નામ: સુકમાવતી (સુખમાવતી?) સુકર્ણોપુત્રી...

કૌભાંડ જેવા શબ્દો પ્રાચીન સંસ્કૃતમાં ન હતા. પણ સંસ્કૃતના દરેક શબ્દની પાછળ કંઈક રોમાંચક વાત હોય છે. આદિત્ય એટલે સૂર્યને એ ઘણાને ખબર હોય છે, પણ મિત્ર રમેશ પુરોહિતે આ શબ્દની વ્યુત્પત્તિ સમજાવી. સંસ્કૃતમાં 'દા' એટલે આપનાર અને 'આદા' લેનાર કે લેવુંના અર્થમાં આવે છે. દા ઉપરથી દદાતિ અથવા આપે છે એવું આવે છે. આદિત્ય શબ્દ એ અર્થમાં વપરાય છે કે જે લઈ જાય છે. અર્થાત સૂર્ય એ શક્તિ છે જે રોજ સૂર્યાસ્તની સાથે સાથે આપણા આયુષ્યનો એક અંશ લઈ જાય છે ! સૂર્ય જીવન આપે છે, અને દરેક સૂર્યાસ્તની સાથે સાથે આપણું આયુષ્ય પણ થોડું થોડું હોલવાતું જાય છે...

(અભિયાન : ડિસેમ્બર 2, 1996)

(પુસ્તક: ભારત મહાન)

May 23, 2013

અનર્થનો અર્થ : ભેંસ અને બહસ વચ્ચે કોઈ ફર્ક છે?

હમણાં એક ગુજરાતી તંત્રીએ એક મોટો તંત્રીલેખ લખી નાંખ્યો અને એ લેખનો ધ્વનિ હતો "અક્કલ બડી કે ભેંસ". આજકાલ પૈસા કમાતા ભેંસા જેવા સફળ, અભણ માણસો જ અંતે બડા છે. તંત્રીનો રોષ સકારણ હતો, માત્ર એ કહેવત આધારિત તર્કનો પાયો અસ્થિર હતો. ભેંસ એટલે જાડું માણસ, મંદબુદ્ધિ, ડોબું એવો અર્થ ગુજરાતી તંત્રીએ ઘટાવ્યો હતો. પણ મુખ્ય વાત એ છે કે આ કહેવત અક્કલ બડી કે ભેંસ નથી. મૂળ કહેવત છે: અકલ બડી કે બહસ? અક્કલથી, હિકમતથી, હોશિયારીથી કામ પાર પાડવું છે કે માત્ર બહસ, ચર્ચા, તર્કબાજી જ કરતા રહેવું છે એવો આ ઉક્તિનો અર્થ છે. આ બહસ શબ્દ ગુજરાતીમાં ભેંસ બની ગયો. વાસ્તવમાં આ બંને શબ્દો વિરોધઅર્થી છે.

ગુજરાતી ભાષામાં ખોટા શબ્દો કે શબ્દપ્રયોગો વપરાતા રહે છે અને સુધારી લેવા તરફ ધ્યાન ગયું નથી. જો કે પ્રયોગ રૂઢ થઈ ગયા પછી એ કેટલો સુધારી શકાય એ પણ પ્રશ્ન છે. જનતા જે સ્વીકારે છે એ ફાઈનલ થઈ જાય છે. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે, એ લીટી આપણે સતત ગાતા રહ્યા હતા. અહીં અર્થ એવો અભિપ્રેત છે કે ઈશ્વરને પણ ખબર નથી કે સવારે શું થવાનું છે. સંસ્કૃતજ્ઞો આ વાક્યનો જુદો અર્થ સમજાવે છે. ન જાને, જાનકીનાથ, પ્રભાતે કિમ ભવિષ્યતિ ! હે જાનકીનાથ ! હે પ્રભુ, હું જાણતો નથી કે સવારે શું થવાનું છે? અહીં ઈશ્વર તો સર્વજ્ઞ છે, પણ હું સ્વયં અજ્ઞ છું, મને ખબર નથી કે કાલે સવારે શું થવાનું છે.

એક ગુજરાતી કહેવત વારંવાર સાંભળી છે : તીર નહીં તો તુક્કો ! આ કહેવત આપણે જે અર્થમાં ઘટાવીએ છીએ એ જરા કોમિક છે. તીર છોડવાનું, લાગે તો ઠીક છે, નહીં તો પછી તુક્કો. તુક્કો એટલે ટુચકો, કોઈક રમૂજી લતીફો, તરંગી વાત, અડસટ્ટે પ્રહાર કરવો જે કદાચ બુલ્સ આઇ હિટ પણ કરી જાય. મૂળ અર્થ જુદો છે અને વધારે તાર્કિક છે. ફારસીમાં "તુકહ" એટલે બુઠ્ઠું તીર, જેની ધાર નથી. એ લાગે તો લક્ષ્ય વેધ કરે કે ન પણ કરે. માટે કહ્યું છે કે તીર છૂટે તો ઠીક છે નહીં તો તુક્કો એટલે કે બુઠ્ઠું તીર છોડવાનું!

ગુજરાતીઓ વારંવાર જમીનદોસ્ત શબ્દ વાપરે છે. કોઈક વસ્તુ કે વ્યક્તિ પડી ગઈ, ધરાશાયી થઈ ગઈ, ખેદાનમેદાન કે તહસનહસ થઈ ગઈ એટલે જમીનદોસ્ત થઈ ગઈ એવું કહેવા લખવાનો રિવાજ છે. અહીં પ્રથમદ્રષ્ટિ અર્થ સ્પષ્ટ છે. જે જમીનનો દોસ્ત થઈ ગયો છે. એ જમીનદોસ્ત છે. પણ ફારસીમાં મૂળ અર્થ અને શબ્દો જુદા છે. ત્યાં જે શબ્દ છે એ છે જમીનદૂખ્ત અને દૂખ્તન એટલે સીવવું. જમીનદૂખ્ત એટલે જે જમીનની સાથે સિવાઈ ગયો છે એવો ધરાશાયી ! દોસ્ત શબ્દ સાથે આજે કોઈક સંબંધ નથી.

બકરી ઇદને પણ બકરી સાથે કોઈ સંબંધ નથી. બક્ર એટલે ગાય અથવા બળદ અને ઇદ એટલે વારંવાર આવનાર ખુશીનો દિવસ. આપણે બક્રને બકરી બનાવી દીધો.

જોહુકમી શબ્દ પણ એવો જ છે. ઈરાનમાં એક અત્યંત જુલ્મગાર રાજા થઈ ગયો, નામ જહહાક. એના જુલ્મને માટે જહહાકી શબ્દ વપરાતો થઈ ગયો. કાળક્રમે આ જહહાકી પરથી જોહુકમી અને જોહુકમ શબ્દો વપરાશમાં આવી ગયા.

બ્રિટિશ જમાનામાં રાજા રજવાડાંનો એક ટાઈટલ હતો: સેનાખાસખેલ. આ શબ્દ વિષે એક મોટો વર્ગ એમ સમજતો હતો કે સેનાનો ખાસ ખેલાડી. ખાસ ખેલ કરનારો. અને આ શબ્દની વ્યુત્પત્તિ સમજાતી ન હતી. અંતે એ સમાસને છૂટો પાડીને ડૉ. છોટુભાઈ નાયકે એક પુસ્તકમાં સમજાવ્યો છે જે આ પ્રમાણે છે. શિહના એટલે પુલિસનો ઊંચો અમલદાર. ખાસ એટલે મુખ્ય, જે સમજાય એવું છે. પણ ખૈલ એટલે પાયદળ અને હયદળ ટુકડી. છૂટા પાડ્યા પછી આ શબ્દો થાય છે: શિહના-એ-ખાસ ખૈલ! 

ગુજરાતી ભાષામાં એક ગાળ બોલાય છે માદરબખત, જેનો અર્થ આપણે ધારીએ છીએ એટલો ખરાબ નથી. માદર-બ-ખતા એટલે ખતાવાળી, ભૂતવાળી, કલંકવાળી માતા. ઘણાબધા શબ્દોમાં અર્થના અનર્થ થયા છે અને ઘણા શબ્દોમાં અનર્થને સ્થાને અર્થ મુકાઈ ગયા છે. "લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ" નામની કહેવતમાં અર્થ એવો નીકળે છે કે લેવા ગઈ પુત્ર અને ખોઈ આવી પતિ ! અહીં ખસમનો અર્થ પતિ થાય છે. પણ મૂળ અરબીમાં ખસમ એટલે ઝઘડો કરનાર એવો અર્થ છે! અને ફારસીમાં એનો અર્થ ધણી અને દુશ્મન બંને થાય છે... 

એક શબ્દપ્રયોગ જે બહુ જ ખોટી રીતે અને લગભગ રોજ ગુજરાતીમાં વપરાય છે એ છે: હાલીમવાલી ! ગુજરાતીમાં હાલીમવાલી એટલે રસ્તે ચાલતો કે આવી પડેલો લફંગો, થર્ડ ક્લાસ, કનિષ્ઠ માણસ. અરબી શબ્દ છે અહાલી મવાલી. અહલ એટલે માણસ અને અહાલી એટલે સારા માણસો. એ અહલનું બહુવચન છે. મૌલા એ અરબી શબ્દ છે, અને એનો અર્થ શેઠ અને નોકર બંને થાય છે. મૌલાનું બહુવચન એ મવાલી. એનો પણ અર્થ મદદગાર મિત્ર થાય છે. આ આખો શબ્દપ્રયોગ અહાલી અને મવાલી પરથી અહાલા મવાલી બની ગયો, અને અંતે આપણે એને હાલીમવાલી રૂપે સાચવ્યો છે. બહુ જ સરસ અર્થવાળો શબ્દપ્રયોગ બહુ જ ખરાબ અર્થમાં ટકી ગયો.

વિદેશી ભાષાઓના કેટલાક એવા શબ્દો, જે આજે આપણી દૈનિક બોલચાલમાં રૂઢ થઈ ગયા છે, આપણે ત્યાં જુદા સ્વરૂપે આવી ચૂક્યા છે. એક શબ્દ "લફંગો" આપણે વારંવાર સાંભળતા રહીએ છીએ. આ શબ્દ તુર્ક છે અને મૂળ લફંગ છે એવો એક મત છે. બીજો મત માને છે કે ફારસીએ આપણને લફંગો શબ્દ આપ્યો છે. ફારસીમાં લાફ એટલે શેખ અને ઝન એ મારવાનું આજ્ઞાર્થ રૂપ છે. એટલે એનો અર્થ શેખીખોર એવો થાય છે.

સૂફીવાદે કેટલાક શબ્દોને જુદા અર્થો આપ્યા છે. માશુકને પ્રભુ સમજીને જે કાવ્યસર્જન થયું છે એમાં સ્થૂળ અર્થ એક પણ સૂક્ષ્મ અને આધ્યાત્મિક અર્થ ઊંચો છે. સાકી એટલે મયખાનામાં શરાબની પ્યાલીઓ આપનારી સ્ત્રી, જે સર્વ કરે છે. પણ આધ્યાત્મિક કવિતામાં સાકી એટલે ગુરુ! આ સાકી અરબી શબ્દ છે. ગુજરાતીમાં એને માટે પર્યાય નથી.

કાવ્યના છંદની બાબતમાં જે પારિભાષિક શબ્દો આવ્યા છે એમાંના ઘણાખરા રણમાં બંધાતા તંબુઓથી સંબંધિત છે એ એક સૂચક હકીકત છે. એ કાવ્યશાસ્ત્રીઓએ તંબુઓમાં બેસીને છંદશાસ્ત્ર રચ્યું હશે. માટે આ શબ્દો આવ્યા છે? મિસરા શબ્દનો સામાન્ય શ્રોતા અર્થ કરે છે કવિતાનું ચરણ પણ શબ્દાર્થ થાય છે: તંબુનો દરવાજો! શેર એટલે કડી કે પંક્તિ જેવો અર્થ ઘટાવવામાં આવે છે પણ એનો શાબ્દિક અર્થ છે : ઊંટના વાળનો બનાવેલો તંબુ! રુકન એટલે સ્થંભ, બહુવચન અર્કાન એટલે સ્થંભો. ફાસલા એટલે ખોડેલા બે ખૂંટા વચ્ચેનું અંતર. બૈતનો શબ્દાર્થ થાય છે ઘર, અને કાવ્યસંદર્ભ છે: કડી. સબબ એટલે તંબુમાં વપરાતું દોરડું. અને વતદ એટલે ખૂંટી જે જમીનમાં દાટવામાં આવે છે. ડૉ. છોટુભાઈ નાયકના અરબી ફારસીની અસરવાળા પુસ્તકમાં આવી બારીક માહિતી આપી છે.

(ગુજરાત સમાચાર : સપ્ટેમ્બર 24, 1992) 

(પુસ્તક: શબ્દ અને સાહિત્ય)

May 18, 2013

મોહમ્મદઅલી, માઈક ટાયસન, સ્ટેફી ગ્રાફ અને સંજય દત્ત !

સંજય દત્તને એપ્રિલ 19, 1993ને દિવસે ટાડા નીચે મુંબઈના સહારા એરપોર્ટ પર ગિરફ્તાર કરવામાં આવે છે. મે 5, એને કામચલાઉ જામીન પર મુક્ત કરાય છે, સપ્ટેમ્બર 23એ જામીનની મુદત વધારવામાં આવે છે, જુલાઈ 4, 1994ને દિવસે ટાડા કોર્ટના જજ જે. એન. પટેલ સંજય દત્તની કામચલાઉ જામીન રદ કરે છે. સંજય દત્ત સુપ્રીમ કોર્ટને અપીલ કરે છે, સુપ્રીમ કોર્ટ સંજય દત્તની અપીલ ફેંકી દે છે. સંજય દત્ત ટાડા કોર્ટને ડિસ્ચાર્જ માટે અરજી કરે છે. ટાડા કોર્ટ અરજી ફેંકી દે છે. મહારાષ્ટ્ર રાજ્યની રિવ્યૂ કમિટી ટાડા કોર્ટને રિપોર્ટ આપે છે કે સંજય દત્ત સામેના આરોપ ખેંચી લો. જજ પટેલ કહે છે કે સરકારે સીધું મને કહેવાની જરૂર નથી, પબ્લિક પ્રોસીક્યુટર દ્વારા આ કહેવું જોઈએ. સી.બી.આઈ. ટાડા કોર્ટને કહે છે કે 12 માણસોને જામીન આપી દો, 12 નામોમાં સંજય દત્તનું નામ પણ છે. સંજય દત્ત જામીન માટે ટાડા કોર્ટને અરજી કરે છે, જજ પટેલ અરજી ફગાવી દે છે, અને સી.બી.આઈ.ની ભૂમિકાની સખ્ત આલોચના કરે છે. સંજય દત્ત સુપ્રીમ કોર્ટને અપીલ કરે છે, અને ઑક્ટોબર 16, 1995ને દિવસે સુપ્રીમ કોર્ટ સંજય દત્તને જામીન પર છોડવા આદેશ આપે છે...

આ હિન્દુસ્તાન છે, અમેરિકા નથી, જર્મની નથી. વિશ્વના બૉક્સિંગ ચેમ્પીઅન મોહમ્મદ અલીએ વિયેતનામ યુદ્ધમાં અમેરિકા તરફથી લડવાની ના પાડી હતી અને અમેરિકન કાનૂને વિશ્વ ચેમ્પીઅન અમેરિકન મોહમ્મદ અલીને જેલ ભેગો કરી દીધો હતો. અમેરિકાના બીજા વિશ્વ બૉક્સિંગ ચેમ્પીઅન માઈક ટાયસને એક મિસ યુ.એસ.એને રેપ કરી માટે અમેરિકન કાનૂને એને વર્ષો સુધી કારાવાસમાં ફેંકી દીધો હતો. જર્મનીની સૌથી પ્રિય સ્પોર્ટ્સવુમન અને વિશ્વ ચેમ્પીઅન ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફની કમાણીમાંથી એના પિતા પિટર ગ્રાફે ઈન્કમટેક્ષ ચોરી કરી માટે જર્મન કાનૂને સ્ટેફી ગ્રાફના પિતાને પણ જેલમાં ઠોકી દીધો છે. 1989થી 1992 સુધીમાં સ્ટેફી ગ્રાફની કમાઈ 25.2 મીલીઅન ડૉલર અંદાજવામાં આવી હતી, એના પિતાએ 5 મીલીઅન ડૉલર આયકર ભર્યો પણ હતો, પણ ઈન્કમટેક્ષ વિભાગના અંદાજ પ્રમાણે સ્ટેફી ગ્રાફે 12.2 મીલીઅન ડૉલર ટેક્ષ ભરવો જોઈતો હતો. જર્મનીના અર્થમંત્રી ગરહાર્ડ માયર-વોર્ફેલ્ડરે કહ્યું કે સર્વાધિક કર આપનારને પણ (જર્મન કાનૂનમાં) કોઈ વિશેષાધિકાર નથી...!

સંજય દત્તની સામે જે આરોપો છે એ મોહમ્મદ અલી કે માઈક ટાયસન કે સ્ટેફી ગ્રાફ સામેના આરોપો કરતાં હજાર ગણા વધારે ગંભીર છે. સંજય દત્ત હજી જામીન પર છૂટ્યો છે અને ઉચ્ચતમ ન્યાયાલયે એને જામીન બખ્શી છે. ઉચ્ચતમ કે એપેક્ષ કોર્ટનો નિર્ણય અને એની પુન:પરીક્ષા થતી નથી, કોર્ટની ગરિમા સાચવવાની હોય છે. પણ લોકશાહીમાં દરેક નાગરિક પ્રતિભાવ આપી શકે છે, પોતાનું મંતવ્ય પ્રસ્તુત કરી શકે છે. કટુ આલોચના પણ કરી શકે છે. કારણ કે સ્વતંત્ર વૈચારિક સ્વાતંત્ર્ય લોકશાહીની બુનિયાદ છે. હજી કેસ માત્ર જામીનની સ્થિતિમાં છે. "સંજય દત્ત-વલ્દ-સુનીલ દત્ત: ગિલ્ટી કે નોટ ગિલ્ટી?" જેવા પ્રશ્નનો ઉત્તર આવવાનો બાકી છે, પણ મહાન નેતાઓ અને વકીલોના અભિપ્રાયોનો ધોધ વહી ગયો છે! બાળાસાહેબ ઠાકરે સંજય દત્તને મુક્ત કરાવવાના તરફદાર છે, ટાડા જજ પટેલને પટકી નાંખવાની ધમકી પણ એમણે આપી હતી, એવું મુંબઈના સમાચાર પત્રોએ લખ્યું હતું. ઠાકરેને પ્રશ્ન પુછાયો : બીજા બધા જ બૉમ્બવિસ્ફોટ આરોપીઓ મુક્ત થઈ જાય એવું તમે માનો છો? એમણે ઉત્તર આપ્યો : બીજાઓ વિષે તો હું એવું ન કહી શકું...એક વરિષ્ઠ ક્રિમિનલ વકીલે નામ ન કહેવાની શરતે કહ્યું કે આરોપીઓને ખબર જ ન હતી કે ષડયંત્રમાં ભાગ લેવાનો આરોપ મુકાય જ કેવી રીતે? બચાવ પક્ષના વકીલ અબ્બાસ કાઝમીએ કહ્યું કે ઘણાખરા આરોપીઓને ખબર જ ન હતી કે અંદર શું હતું? છતાંય એ લોકો બે વર્ષથી જેલમાં છે! વકીલો મજીદ મેમણ અને વારિસ પઠાણે કહ્યું કે બૉમ્બ વિસ્ફોટના બીજા 11 આરોપીઓને પણ જેલમાં સડવા ન દેવાય ! વકીલ બી. બી. તિવારીએ કહ્યું કે સંજય એની પાસેથી મળેલી એ. કે. 56 બંદૂક વાપરવાનો જ છે એવું તો ચોખ્ખું સાબિત થયું જ નથી. એણે તો ફક્ત એના પરિવારના રક્ષણ માટે એ બંદૂક ખરીદી હતી. એ વખતે મુંબઈની જે સ્થિતિ હતી એ જોતાં એને ક્રિમિનલ ન કહેવાય. વકીલ નરી ગુરસહાનીએ કહ્યું હતું કે તમારી પાસેથી શસ્ત્રો મળી આવે એટલે તમને ટાડામાં ન મૂકી દેવાય...! વકીલ એમ. પી. વશીએ કહ્યું કે સંજય દત્તે નુકસાની માટે 200 કરોડ રૂપિયાનો કેસ કરી દેવો જોઈએ! 

માર્ચ 12, 1993ને દિવસે મુંબઈમાં 13 સ્થાનોએ બૉમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં સેંકડો માણસો મરી ગયા હતા, હજારો ઘાયલ થયા હતા, કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ સંબંધમાં સંજય દત્ત પાસેથી ગેરકાયદેસર શસ્ત્રો મળી આવ્યાં હતાં એટલે એને હિરાસતમાં લેવામાં આવ્યો હતો. મુંબઈ હાઈકૉર્ટે કામચલાઉ જામીન આપી હતી એ રદ કરતાં ટાડા જજ જે. એન. પટેલે એમના 55 પાનાંના ચુકાદામાં લખ્યું હતું : ... કોઈ કાનૂનની ઉપર નથી અને આરોપીનો એ દાવો કે એના ઉપરનો આ કેસ એ ન્યાયના પ્રશાસન પર એક કલંક છે એમ સૂચવે છે કે એ કાનૂનથી પર છે. આ બીજું કાંઈ નથી પણ ન્યાયની મજાક કરવાનો એક પ્રયત્ન છે, જે અત્યંત શોચનીય છે અને એને અનુમોદન ન આપવું જોઈએ... જજ પટેલે ઑર્ડરમાં આગળ કહ્યું કે જે સૂત્રો પાસેથી સંહયે રાઈફલો અને 25 હેન્ડગ્રેનેડ મેળવ્યાં એ ષડયંત્રનો ભાગ હતાં. સંજયને પૂરેપૂરી ખબર હતી કે દાઉદ ઈબ્રાહીમ અને એના શાગિર્દોએ ત્રાસવાદી જુલ્મો કરવા માટે હથિયારો, ગોળીઓ અને બોમ્બસામગ્રી આ દેશમાં દાણચોરીથી ઘુસાડી હતી... આમાંથી ત્રણ રાઈફલો, ગોળીઓ અને હેન્ડગ્રેનેડો પોતે રાખી લીધાં, આ સામગ્રીનો એક હિસ્સો પોતાના ઘરમાં સંતાડીને એ આ ષડયંત્રનો ભાગ બન્યો. એ લઈ ન ગયા ત્યાં સુધી એણે રાખી... સંજયના ઘરમાંથી દાઉદ ઈબ્રાહીમના ભાઈ અનીસ ઈબ્રાહીમને ટેલિફોનો થયાની સાબિતીઓ છે જેની જજે નોંધ લીધી છે... (હિંદુસ્તાન ટાઈમ્સ: જુલાઈ 5, 1994)

સંજય દત્ત ગિરફ્તાર થયો એ પહેલાં અને પછી તત્કાલીન સમાચારપત્રોના રિપોર્ટો અત્યારે વધારે સાંદર્ભિક બની જાય છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા (એપ્રિલ 19, 1993)ને સંજય દત્તે ઈન્ટરવ્યૂમાં કહ્યું: મારી પાસે એ. કે. 56 હોઈ જ કેવી રીતે શકે?... મેં ફોન પર મુંબઈના પુલિસ કમિશ્નર એ.એસ. સામરા સાથે વાત કરી લીધી છે... (સામરાએ) મને કહ્યું છે કે ચિંતા ન કર અને તારું શૂટિંગ પતાવીને પછી જ મુંબઈ આવ... મારી પાસે 3 લાઈસન્સવાળાં શસ્ત્રો છે, બે સ્પોર્ટિંગ રાઈફલો અને એક શોટગન. હું સૌગંદ ખાઈને કહું છું કે હું નિર્દોષ છું... સમીર હિંગોરા અને હનીફ લાકડાવાળાએ કહ્યું કે ત્રણ એ. કે. 56 રાઈફલોમાંથી એક એમણે સંજયને વેચી હતી. (ટાઈમ્સ ઑફ ઈંડિયા : એપ્રિલ 20, 1993) વિરોધપક્ષોએ સરકારને પ્રશ્ન કર્યો કે તમને જેવી માહિતી મળી કે તરત જ શા માટે મિસ્ટર દત્તના ઘરની તલાશી ન લેવાઈ, અને મોરીશીઅસથી સંજય પાછો ફરે ત્યાં સુધી રાહ શા માટે જોવાઈ? (ટાઈમ્સ ઑફ ઈન્ડિયા: એપ્રિલ 21, 1995)

મુંબઈમાં પુલિસ કમિશનર એ.એસ. સામરાએ કહ્યું કે એપ્રિલની 20મીએ મોરીશીઅસથી પાછા ફરતાં મુંબઈના એરપોર્ટ પર ગિરફ્તારી વખતે સંજય બહુ મક્કમતાથી કહેતો હતો કે એ નિર્દોષ છે. પછી એને જ્યારે સમીર હિંગોરા અને હનીફ લાકડાવાળાની સામે લાવવામાં આવ્યો, જેમણે એને એ.કે. 56 રાઈફલ આપી હતી, સંજયે કબૂલ કરી લીધું. સંજયે જાન્યુઆરી 1993ના કોમી હુલ્લડો પછી આ એ.કે. 56 રાઈફલ ખરીદી હતી. સપ્ટેમ્બર 1992માં એણે એક કુખ્યાત ક્રિમિનલ પાસેથી 9 એમ.એમ પિસ્તોલ ખરીદી હતી. એની પાસે ત્રણ લાઈસન્સવાળા હથિયારો હતાં જે ગ્વાલિયરમાં રજિસ્ટર થયેલાં છે. અંતે (સામરા) નિષ્કર્ષ કાઢે છે: આ રીતે શસ્ત્રો ખરીદવાની પ્રવૃત્તિ બતાવે છે કે એ હીરો છે એટલે કાયદામાં માનતો નથી... અને શસ્ત્રો ગાયબ કરવાની કોશિશમાં એણે સાબિતીઓનો નાશ કરવાની સાવચેતી રાખી છે. (ટાઈમ્સ ઑફ ઈન્ડિયા: એપ્રિલ 27, 1993) 

સંજય દત્ત જામીન પર છૂટશે કે મુક્ત થશે તો એના ચેઈન-રિએક્શન કે પ્રતિઅસર રૂપે અન્ય બોમ્બવિસ્ફોટ કેસના આરોપીઓને જામીન પર છોડવા પડશે કે મુક્ત કરવા પડશે. સરકારી આંકડાઓ કહે છે, ઓછામાં ઓછા 317 માણસો મરી ગયા હતા અને સેંકડો જખ્મી થયા હતા. એ મૃતાત્માઓને કયું ન્યાયાલય ન્યાય આપશે?

ક્લોઝ અપ:

કરીબ હૈ યાર રોઝે મહશર, છૂપેગા કુશ્તોં કા ખૂન કબ તક? 
જો ચૂપ રહેગી ઝુબાને-ખંજર, લહૂ પુકારેગા આસ્તીન કા

(અર્થ: કયામતનો દિવસે પાસે છે, નિર્દોષનું રક્ત ક્યાં સુધી સંતાડાશે? જો ખંજરની જીભ ચૂપ રહેશે તો બાંય ઉપરનો લોહીનો ડાઘ પોકારી ઊઠશે)

શાયર અને જજ અકબર ઈલાહાબાદીએ એક ખૂન કેસના નિર્ણય વખતે આ શેર ટાંક્યો હતો.

(ગુજરાત સમાચાર : નવેમ્બર 1, 1995)

(પુસ્તક: ખુરશીકારણથી રાષ્ટ્રકારણ)

ગુજરાતી સાહિત્યમાં માફિયા રાજ

ગુજરાતી સાહિત્યમાં અહિંસક અમદાવાદી માફિયા રાજ ચલાવે છે, જે નક્કી કરે છે કોને ઈનામ આપવું, કોનાં 60 વરસ ઊજવવાં, કોની ચોપડી સ્કૂલ કૉલેજના પાઠ્યપુસ્તક તરીકે નક્કી કરવી વગેરે વગેરે. આ માફિયોસીમાં ગૉડફાધર નથી, સિન્ડિકેટ છે, ક્લાન છે, મોબ છે, બ્રધરહુડ છે, ગેંગ છે પણ અંદર અંદર કોઈ શૂટ-આઉટ કરતું નથી, કોઈને કોઈથી ખરાબ સંબંધ નથી, દરેક લેખક બીજા લેખકનો વેવાઈ હોય, એટલી મીઠાશ સાહિત્યકારોમાં પ્રવર્તે છે. રેડિયોના સમૂહગાનમાં પાછલી લાઈનવાળા ગવૈયા લાઈનમાં ઊભા હોય એમ અથવા શુક્રવારે બડી નમાઝ પછી બહાર ટીનનાં વળેલાં ડબલાં લઈને યતીમો લાઈનમાં બેઠા હોય એમ ગુજરાતી લેખકો ઈનામો, સર્ટિફિકેટો, પત્રમાન, ચાંદ અકરામ માટે ધૈર્યથી જીવનભર લાઈનમાં ઊભા રહી શકે એટલા શાણા છે.

(રમૂજકાંડ, પૃ. 7)

ઈક્નૉમિક્સ એટલે ભૂતને પીપળા ઝાઝા અને પીપળાને ભૂત ઝાઝાં

શૅરબજાર ગબડે છે અને દરેક ગુજરાતી મીની-અર્થશાસ્ત્રી બની જાય છે. એકાએક એના ગળામાંથી નવી ભાષા સ્ફુરે છે. ડીવેલ્યુએશન અને ડેફીસીટ ફિનેન્સિંગ. કન્વર્ટીબીલીટી અને એફ.આઈ.આઈ.! અર્થશાસ્ત્રની એક પરિભાષા જન્મી ચૂકી છે. ઘણા નવા શબ્દો જૂની શૅરોની સાથે સાથે ઊછળી રહ્યા છે. જે પેઢી અંગ્રેજી જાણતી નથી એ પેઢી ગુજરાતી કહેવતો જાણે છે. બીજી તરફ અઘરા અંગ્રેજી શબ્દપ્રયોગો અને ઈકનૉમિક્સના લેટેસ્ટ શબ્દોને તળગુજરાતીમાં સમજાવવા જરૂરી છે. આ બંને અંતિમો વચ્ચે એક સેતુ બાંધવાનો વિનમ્ર પ્રયાસ:

 • વર્લ્ડ બૅંક : કુટુમ્બનો કાકો ને ફળિયાનો ફુઓ.
 • નોન-રેઝીડેન્ટ ઈન્ડિયન : ધાન ખાવું ધણીનું ને ગીત ગાવાં વીરાનાં.
 • કેપિટલ ફ્લાઈટ :  દુકાળમાં તેરમો મહિનો.
 • મેક્સિકોનો પૈસો :  ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો.
 • ડીપ્રીસીએશન એલાવન્સ : કંકણ વેચીને શેઠાણી કહેવડાવવું.
 • ગ્રોથ રેટ :  ગામડાની રાંડ નાતરે જાય ને ગામ વળાવવા જાય.
 • ડીવેલ્યુએશન : હાથી ઘોડા બહા જાય ઔર ગધા કહે કિતના પાની?
 • હોટ મની : વાંદરાને કરડ્યો વીંછી.
 • લાયસન્સ-પરમિટ રાજ : મોસાળે જમણ અને મા પીરસનાર.
 • પ્રોજેક્શન : મનમાં પરણ્યા અને મનમાં રાંડ્યા.
 • આઈ.એમ.એફ. (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) : કૂવા ઊંચા ને દોરડાં ટૂંકાં.
 • બૉમ્બે ક્લબ ઑફ ઈન્ડસ્ટ્રીઆલીસ્ટ્સ : કિસી કી વેલ, કિસી કા બેલ ને બંદે કા ડચકારા.
 • ડેટ ટ્રૅપ : ખાળે ડૂચા ને દરવાજા ઉઘાડા.
 • બિલીઅન : બાર લાખ ચાળીસ.
 • મ્યુચ્યુઅલ ફંડ : કેળ ઉપર કેળાં એક જ વાર લાગે.
 • રિ-સ્કીડ્યુલ્ડ ડેટ્સ : દશેરાને દહાડે ઘોડું ન દોડ્યું તો ક્યારે દોડશે?
 • વેલ્યુ-એડેડ ટેક્ષ : દાઝ્યા ઉપર ડામ ને પડ્યા ઉપર પાટુ.
 • ડેટ - સર્વિસિંગ : આંધળો દળે ને કૂતરો ચાટે.
 • કોર્પોરેટ સેક્ટર : દરજી દરજીનો દુશ્મન.
 • ફૂલ કન્વર્ટીબીલીટી : ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં.
 • ઓવર વેલ્યૂ : દિલ લગા ગધી સે તો પરી ક્યા ચીઝ હૈ?
 • કેપિટલ એકાઉન્ટ : ઓળખીતો સિપાઈ બે ડંડા વધારે મારે.
 • પોપ્યુલીસ્ટ સ્કીમ્સ : હથેળીમાં ચાંદ.
 • રેટ ઑફ ઈન્ફ્લેશન : બોત્તેર ભેગા છોત્તેર.
 • સ્લીપ-ઓવર ઈફેક્ટ : ઘી પડ્યું તો ખીચડીમાં.
 • જી.ડી.પી. (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) : ભેંસના શીંગડાં ભેંસને ભારે.
 • ફોરેઈન એક્સચેન્જ રિઝર્વ્સ : લાખના બાર હજાર.
 • પબ્લિક સેક્ટર : દેરામાં દેવ માયા નહીં ને પૂજારી પેસતા જાય.
 • ઈકનૉમિક ઍડવાઈઝર : રાણીછાપ રૂપિયો.
 • બૅલેન્સ ઑફ પેમેન્ટ્સ : મારું એ મારું અને મારું તમારું સહિયારું.
 • નાઈન્થ પ્લાન : (નવમી પરિકલ્પના) : ત્રાંસી આંખે બે ચંદ્ર દેખાય.
 • એઝમ્પશન : ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ.
 • એક્ષપોર્ટ અર્નિંગ્સ : ગામનાં છોકરાં જતિ કરવાં.
 • બૂમ એન્ડ ડૂમ : આણું કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો.
 • ઈન્ફ્રાસ્ટ્રક્ચર : ગધેડાના વાંસા પર ઘોડાની જીન.
 • એફ.આઈ.આઈઝ (ફોરેઈન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ) : ડાહી પરણે નહીં અને ગાંડીને શિખામણ આપે.
 • કરન્ટ એકાઉન્ટ ડેફીસીટ : ચોરની મા કોઠીમાં મોં નાખીને રડે.
 • લિબરલાઈઝેશન : જેવાં ભાઈનાં મોસાળાં એવાં બહેનનાં ગીત.
 • હિંદુ રેટ ઑફ ગ્રોથ (પ્રોફેસર રાજ કૃષ્ણનો સિદ્ધાંત) : નવરો હજામ પાટલા મૂંડે.
 • કેશ રિઝર્વ રેશીઓ : દેવતાના દીકરા કોયલા.
 • બોરોઈંગ : ગધેડાનું મોં કૂતરે ચાટ્યું.
 • ટર્મિનલ યર ઓફ ધ એઈટ્થ પ્લાન (આઠમી પંચવર્ષીય યોજનાનું અંતિમ વર્ષ) : છીંડે આવ્યો ચોર.
 • રિસ્ટ્રક્ચરિંગ : ભીંત ને કરો સાથે ન પડે.
 • ડેફીસીટ ફિનેન્સિંગ : જણનારીમાં જોર નહીં તો સુઈયાણી શું કરે?
 • ફિસ્કલ પૉલિસી : મિયાં લૂંટે પૂઠે પૂઠે ને અલ્લાહ લૂંટે ઊંટે ઊંટે.
 • એફ.ડી.આઈ. (ફોરેઈન ડીરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ) : વાંદરો બૂઢો થાય પણ ગુલાંટ ન ભૂલે.
 • બુક ક્લોઝર : ગુરુ ગામ જાય ત્યારે ચેલા તોફાને ચડે.
 • એમ્પ્લોયમેન્ટ પોટેન્શીઅલ : ઘરમાં ટકાના ત્રણ શેર અને બહાર મિયાં તીસમારખાં.
 • સબસીડી : દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી.
 • માર્કેટ સેન્ટીમેન્ટ : કુંભાર કરતાં ગધેડા ડાહ્યા.
 • ટેક્ષ બર્ડન : ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતર નહીં.
 • ઈમર્જિંગ માર્કેટ : કાલો થઈને કાછડીમાં હાથ નાંખે.
 • રેટ ઓફ રિટર્ન : જીવતો રહેજે ને જોગી થજે.
 • ઓ.ડી.એ (ઓફીશીઅલ ડિવેલપમેન્ટ એસસ્ટન્સ) : હજામના હાથમાં દાઢી આવી તો હજામની થઈ ગઈ?
 • ઈકનૉમિક ક્રાઈસીસ : ડોશી મરતાં દુકાળ ન પડે.
 • લોન ગેરન્ટી : દેડકાની પાંચશેરી.
 • ડબલ ટેક્ષેશન : ડાહ્યો કુંભાર ગધેડે ન ચડે.
 • એક્ષટર્નલ લાયાબીલીટીઝ : ડાહ્યો કાગડો બે પગે બંધાય.
 • મલ્ટી-લેટરલ લોન્સ : ભલભલા કુંવારા ને બહેરાને બે જોઈએ.
 • કન્સેશનલ એઈડ : જમાઈનું પૂંછડું વાકું.
 • વર્લ્ડ ડેટ ટેબલ્સ : દેડકાને મન દરિયો નથી.
 • ટ્રાન્સફર ડીડ : ખૂટો વાણિયો જૂનાં ખાતાં તપાસે 
 • કસ્ટોડીઅલ સર્વિસિઝ : બળદની વાત ગધેડો સાંભળે.
 • હેલ્ધી એક્સપોર્ટ ગ્રોથ : ટીટોડી સૂએ પણ પગ ઊંચા રાખે.
 • ઈકનૉમિક્સ : ભૂતને પીપળા ઝાઝા અને પીપળાને ભૂત ઝાઝાં
અર્થશાસ્ત્રની પરિભાષા અનંત છે અને ગમે તે કલ્પના કરી શકાય છે. મહાન અર્થશાસ્ત્રી જ આવું વાક્ય બોલી શકે છે. ધારો કે વ્યાજનો દર શૂન્ય હોય...! વિશ્વમાં ક્યાંય વ્યાજનો દર શૂન્ય હોતો નથી, સિવાય કે અર્થશાસ્ત્રીના દિમાગમાં! બસ, અર્થશાસ્ત્રની આ જ મજા છે. ગંભીર મોઢું કરીને તમે ગમે તે ક્ષુલ્લક વાત કરી શકો છો જે તમારો શ્રોતા ગંભીર મોઢું કરીને સાંભળી શકે છે...

(મિડ ડે: ફેબ્રુઆરી 11, 1995)

(પુસ્તક: રમૂજકાંડ)

ગુજરાતી કવિઓ....

પત્રકાર ખુશવંતસિંઘે એક વાર સ્વયં પ્રશ્ન પૂછીને સ્વયં ઉત્તર આપ્યો હતો. સ્ત્રીઓને નેવી કે નૌકાદળના માણસો શા માટે ગમે છે? કારણ કે એ હાફપેન્ટ પહેરે છે! ચડ્ડીઓમાં ફરનારાઓ માટે સ્ત્રીઓને શા માટે વહાલ ઊભરાઈ જતું હોય છે...?

કવિઓ ચડ્ડી પહેરીને ગુજરાતી કવિતાઓ કવિસંમેલનોમાં ગાતા હોય તો કદાચ મહિલા શ્રોતાઓ પર વધારે અસર કરી શકત, એવું મારું નમ્ર મંતવ્ય છે. કવિને અસરકારક થવા માટે તખલ્લુસ, દાઢી, ચશ્મા, બગલથેલો આદિ કરણ-ઉપકરણો અને સામાન-અસબાબની જરૂર પડતી રહેતી હોય છે. પદ્ય સ્ત્રૈણ હોય છે, અને ગદ્ય પૌરુષિક હોય છે. નિયમ નથી, અનુમાન છે. કવિ જેટલો ગંદો અને લઘરવઘર હોય એટલો જલદી સ્ત્રીઓની નર્વ્ઝને ઝંકૃત કરી મૂકે છે એવો પણ એક અભિમત પ્રવર્તે છે. ઉમાશંકર જોષી મને મહાન ગુજરાતી કવિ લાગવાનાં ઘણાં કારણોમાં બે કારણો એ છે કે એમણે દાઢી કે તખલ્લુસ રાખ્યા વિના સરસ કવિતાઓ લખી, જે જમાનામાં તખલ્લુસ કે ઉપનામ રાખવાની ફૅશન હતી. ઉમાશંકર જોષી 'સત્યમ' કે ઉમાશંકર જોષી 'શિવમ' જેવું નામ હોત તો 1998માં ત્રિભોવનદાસ લુહાર 'સુન્દરમ' જેવા 'દલિત' કવિ સામે ટક્કર ઝીલી શકત? અને કવિ જેટલો સ્ત્રૈણ હોય એટલો એને ટેનિસની રમતમાં ઍડવાન્ટેજ મળે એમ ઍડવાન્ટેજ મળતો રહે છે. ઘણા સ્ત્રૈણ અને ખૂબસૂરત ગુજરાતી કવિઓ મહાન કવિઓ તરીકે સ્થાપિત થયા છે અને એમણે ઈનામો, ઍવોર્ડો, ચાંદ જીત્યા છે. એકલા મુંબઈના ગુજરાતીઓ દર વર્ષે શુમારે 2000 જેટલાં ઈનામો, ઍવોર્ડો, ચાંદ આપસમાં એકબીજાને આપતા રહે છે અને બપોરિયાંઓમાં કાળાકાળા ફોટાઓ છપાવતા રહે છે.

(પુસ્તક: યાદ ઈતિહાસ, પૃ.10)

...અને ખૂબસૂરત પુરુષ એ ઈશ્વરની ભૂલ છે!

હેન્ડસમ માટે જૂના ગુજરાતી સાહિત્યકારો એક ગંદો શબ્દ વાપરે છે: દેખાવડો ! સ્ત્રી બ્યુટીફૂલ હોય, પુરુષ હેન્ડસમ હોય એવું નાનપણના અંગ્રેજીમાં શીખવવામાં આવ્યું હતું. ગોરો-ગોરી-ગોરું એટલે ખૂબસૂરત અને કાળો-કાળી-કાળું એટલે બદસૂરત એવું પણ નાનપણમાં શીખવવામાં આવ્યું હતું અને નાનપણનું ઘણુંખરું શિક્ષણ સરાસર બ્રેઈન-વૉશિંગ હતું. ઉંમર વધતી ગઈ અને દુનિયા જરા જરા અનુભવાતી ગઈ એમ એમ સમજાતું ગયું કે આ બધી જ શબ્દ વ્યાખ્યાઓ અપૂર્ણ છે અને સુરૂપ-કુરૂપ જેવા શબ્દો સૌંદર્યશાસ્ત્રના નથી, જે રીતે સારું અને ખરાબ જેવાઅ આત્યંતિક શબ્દો સમાજશાસ્ત્રના નથી. કાળી સ્ત્રી ડાયનેમો હોય, ગોરી સ્ત્રી કોલ્ડ સ્ટોરેજ હોઈ શકે. કાળી સ્ત્રી 98.4 ડિગ્રી ઉષ્માથી ધબકતી માદા હોય, ગોરી સ્ત્રી ધોવાયેલી લાશ હોઈ શકે, દ્રષ્ટિ દરેક વ્યાખ્યાને સબ્જેક્ટિવ બનાવી દે છે. સૌંદર્ય પણ સર્વમાન્ય, સર્વસ્વીકાર્ય વ્યાખ્યામાં ઢાળી શકાતું નથી. દિલ લગા ગધી સે તો પરી ક્યા ચીઝ હૈ જેવી સડકછાપ કહેવતો રૂપસીના રૂપગર્વખંડન માટે શોધાઈ હશે?

પુરુષ જ્યારે વિષાદગ્રસ્ત હોય છે, ગમગીન હોય છે, ચિંતિત હોય છે, ત્યારે શું કરે છે? રાગ મારવા ગાય છે, જે સૂર્યાસ્તનો રાગ છે, ઘેરાતા અંધકારનો રાગ છે. અથવા ક્રિસ્ટલના ગ્લાસમાંથી વ્હિસ્કીના ઘૂંટ પી લે છે, મોઢામાં સોનેરી કડવાહટ ભરી લે છે. ગમગીન અને વિષાદી પુરુષ હંમેશાં ખૂબસૂરત લાગે છે. અને ખૂબસૂરત પુરુષ એ ઈશ્વરની ભૂલ છે...

પુરુષ રજસ્ત્રાવ થઈ જાય એમ ગદ્ય લખી શકતો નથી. વાત વીરરસની નથી, વાત તૂટનની, ઘૂટનની, સડનની, ખંડનની છે જેમાંથી સાહિત્યનું મંડન અને સર્જન થાય છે. તૂટેલો કિલ્લો જ ખૂબસૂરત લાગે છે, ઘાયલ સૈનિક જ ખૂબસૂરત લાગે છે. એક્રીલીક રંગના ત્રણ હાથ મારેલો કિલ્લો જોયો છે? આટાના ડબ્બામાં મોઢું નાંખીને, મોઢું બહાર કાઢતી બકરી જેવો પાઉડર છાંટેલો સૈનિકનો ચહેરો જોયો છે? ચાળીસ વર્ષ પછી દરેક માણસ એના ચહેરા માટે જવાબદાર છે, ફ્રેંચ લેખક આલ્બેર કામ્યુએ લખ્યું હતું, હું માનું છું કે દરેક લેખક તો 25 વર્ષ પછી જ એના ચહેરા માટે જવાબદાર બની જાય છે. પુરુષના ચહેરા પર જખમના ડાઘ કોતરાયેલા હોવા જોઈએ, માર ખાધી છે એ દિવસોનું શિલ્પ ચહેરા પર ઝળહળવું જોઈએ, ઘામાંથી રિસતું લોહી સૂકાઈ ગયું છે એ ઘેર ગયા પછી જ ખબર પડવી જોઈએ. કૂકરમાં ભાતની તપેલીના છીબા પર મૂકેલા બટાટા બહાર કાઢ્યા પછી, છીલકાં ઉતારી લો અને પછી જેવા સુંવાળા લાગે છે એવી સુંવાળી દાઢીઓવાળા પુરુષો મને ક્યારેય ખૂબસૂરત લાગ્યા નથી. પુરુષ બે દિવસની વધેલી દાઢી હોય અને સ્ત્રી ત્રણ માસની ગર્ભવતી હોય ત્યારે શ્રેષ્ઠ લાગે છે. 

(અભિયાન, મે 23, 1998) 
(પુસ્તક: યાદ ઈતિહાસ)

May 16, 2013

આઈ લવ મુંબઈ, યૂ લવ બોમ્બે

હું એ પેઢીનો છું, જે સવારે વહેલી ઊઠીને પ્રભાતફેરીમાં કાગળનો નાનો તિરંગો પકડીને "ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા" ગાતીગાતી ખોડે લીમડેથી નીકળીને પથ્થર સડક થઈને, ગોળ ફરીને, પાછી ખોડે લીમડે આવીને જાહેર સભામાં બેસીને "હિન્દુ-મુસ્લિમ ભાઈભાઈ"ના નારા લગાવતી હતી. 1942ના એ દિવસો પછી પૂરાં 49 વર્ષો પસાર થઈ ગયાં છે અને બધા નારાઓ ભુલાઈ ગયા છે, ફક્ત "હિંદુ-મુસ્લિમ ભાઈભાઈ" હજી ગળું ફાડીને પોકારીએ છીએ. એની ફૅશન ગઈ નથી. અને મને લાગે છે કે હું મરી જઈશ ત્યાં સુધી એ નારો ચાલવાનો. પણ વચ્ચે બેશુમાર લાઈનો આવી ગઈ. છેલ્લામાં છેલ્લું હતું: 'મેરા ભારત મહાન.' પછી ચાલ્યું: 'મારો હર ધબકાર ભારતને કાજ છે!' વચ્ચે "રન ફોર ધ કન્ટ્રી" આવ્યું, એમાં દોડ્યા. રાજા વિ. પ્ર. સિંહનું પતન થઈ ગયું. કારણ કે એમણે નારાઓ આપ્યા નહીં. હવે સંત ચંદ્રશેખર ("ચંદ્રશેખર તો સંત છે" - મુલાયમસિંહ યાદવ)ના યુગમાં મુંબઈના શેરીફ નાના ચુડાસમાએ નવો નારો પકડાવી દીધો છે: આઈ લવ બોમ્બે! મુંબઈ માઝી લાડકી. 

મને લાગે છે કે કફ પરેડથી મરીન ડ્રાઈવથી વાલકેશ્વર એ બોમ્બે છે, આપણે બધા વરલી, દાદર, શીવરી, પરેલવાળા અને ડોમ્બીવલી કે નાલાસોપારા સુધી અને તરફ રહેનારાઓ મુંબઈમાં રહીએ છીએ. જેમ ઈન્ડિયા અને ભારત જુદાં છે એમ બોમ્બે અને મુંબઈ જુદાં છે. આ લખી રહ્યો છું ત્યારે વીજળી બંધ છે, અમારા વિસ્તારમાં પાણી બંધ છે. (નવેમ્બર 24, 1990) અને કાલે "આઈ લવ બોમ્બે" કરવાનું છે. કરીશું. વીજળી અને પાણી તો શું છે, ટી.વી. અને વીડિયો પણ નહીં ચાલતા હોય તોપણ ટાઈમસર લવ તો કરવો જ પડશે.

1970માં હું મુંબઈ આવ્યો ત્યારે મુંબઈ વિષે મેં એક વાર્તા લખી હતી : "એક પૂંછડીવાળો ઉંદર." મુંબઈ નગરીમાં છ મહિના પસાર તહી ગયા પછી 1970ના અંતમાં બીજી વાર્તા લખી હતી: "આ મુંબઈ શહેરમાં...' આ બે વાર્તાઓનું મુંબઈ 20 વર્ષો પછી કેટલું બદલાયું છે? ઈન્દ્રકુમાર નામનો માણસ મુંબઈ સ્થાયી થવા આવે છે અને એને એક અનામ પરિચિત મળે છે, ઈન્દ્રકુમાર પરિચિતને ઘેર રહે છે, મિસિસ પરિચિત પણ આવે છે. એ વાર્તામાંથી થોડા વિચારો, પ્રતિભાવો, સલાહો, સંવાદોના અંશો, વર્ણનોની એક ઝલક:


મુંબઈ શહેરમાં પૈસા ઊછળે છે, આખા દેશના કાળામાં કાળા રૂપિયા અહીં ઊછળી રહ્યા છે માટે આ ભારતની રાજધાની છે. અહીં કેટલા બધા ફિલ્મો ઉતારનારા છે. પરિચિત... ઈશ્વર જેવો ખૂબસૂરત અને શયતાન જેવો હોશિયાર લાગતો હતો. એની પાસે ઝાંઝવાનાં જળનાં રંગની એક ઈમ્પોર્ટેડ કાર હતી...તકદીર હોય તો માણસ અહીં પૈસા બનાવી શકે છે, અને ન હોય તોપણ પૈસાદાર જેવો લાગી તો શકે જ છે. ઈન્દ્રને મુંબઈ કેવું લાગે છે?.. મુંબઈના પુરુષો વધુ ઊંચા, સ્ત્રીઓ વધુ કમનીય, બાળકો વધુ સ્માર્ટ, મકાનો વધુ તોતિંગ, ટ્રાફિક વધુ ઝડપી, દરિયો વધુ ફેન્સી અને પરિચિત વધુ પરિચિત લાગી રહ્યાં હતાં... બધું લેટેસ્ટ ફૅશનનું છે. અહીં જ્યારે કાળા થવાની ફૅશન ચાલશે ત્યારે બધી છોકરીઓ કાળી બની જશે. લાંબી છોકરીઓ ટૂંકી દેખાવા અને ટૂંકી લાંબી દેખાવા પ્રયત્ન કરે છે. જાડી પાતળી થઈ જાય છે. છોકરીઓ છોકરા જેવી બની ગઈ છે અને છોકરાઓ છોકરીઓ જેવા બની ગયા છે... પરિચિત ગાડીને બ્રેક મારતાં કહે છે: હજી દોડ્યા વિના રસ્તો ઓળંગનારા માણસો આ મુંબઈ શહેરમાં રહી ગયા છે...

ઈન્દ્ર પરિચિતના ઘરમાં આવે છે. ચાર દીવાલો પર ચાર નયનાભિરામ રંગો ઊગ્યા હતા... બહાર બૂટચપલ્લો, ડ્રેસિંગ ટેબલ પર, પ્રસાધનોની જબ્બર જમાવટ... ગ્રીલો પર તડકાને વરકની જેમ પાથરી દીધો હતો... કેકટસનો ટટાર ઊભેલો એક કાંટાદાર છોડ અને મિસિસ પરિચિત એક સ્મિત લઈને આવી પહોંચે છે. સ્ત્રીના શરીરની બધી જ ઈશ્વરી ભૂલો સુધારી લેવામાં આવી હતી. પગના નખ લાલ રંગેલા હતા. સવા ફૂટ ખુલ્લી રાખેલી કમર અડવાનું મન થઈ જાય પણ હિંમત ન થાય એટલી તામસિક સફેદ હતી, છાતીઓમાં ફોલ્સીઝની ચુસ્તી હતી. ખોટા વાળ ઉમેરીને બાંધેલો અંબોડો... વાળમાં ફ્લેનલના ટુકડાઓમાંથી બનાવેલું બ્લ્યુ ફૂલ... આખા શરીર પર ખૂબસૂરતી ઢોળી નાખવામાં આવી હતી. મિસિસ પરિચિત હિપ્નોટિક મીઠાશથી સ્મિત બતાવીને ઈન્દ્રને એક ગ્રંથિના વજનની નીચે ઝુકાવી દેતી હતી. એક જ શરીરમાં આટલાં બધાં રૂપ, ગુણ, સ્પર્શ, વર્ણ, ગંધની બહુતાયત હતી. સ્ત્રીના શરીર પર ક્યાંક "આઈ.એસ.આઈ."નો સ્ટેમ્પ પણ જરૂર મારેલો જ હશે.. ખુશ થયા વિના છૂટકો જ ન હોય એવું ઈન્દ્રનું મોઢું થઈ ગયું. ઈન્દ્રને વિચાર આવે છે, ઑફિસટાઈમના રશ-અવરની સાથે શરૂ થઈ ગયેલી ભરતી જોતાંજોતાં કે અહીં સ્ત્રીઓ બહુ ગોરી છે એનું કારણ કોઈએ કહ્યું હતું...એનીમીઆ, લોહીમાં લાલ કણોનો અભાવ. અહીંની પ્રજાના લોહીમાંથી લાલ કણ ઓછા થઈ જાય છે. હવાપાણીની એ તાસીર છે... સૌંદર્યનો શાપ બહુ ઓછી પ્રજાઓનાં નસીબોમાં હોય છે. બધા જ ડાયટિંગ કરતા હતા. શરીરના ઉપાસકો આ જ શહેરમાં વસ્તા હતા... ખાવાનું બધું બહુ મુલાયમ હતું અને ખૂબ સ્વચ્છ અને સ્વાદિષ્ટ... લાલ કણો પણ શરીરમાંથી ભાગી છૂટે એવું સ્વાદિષ્ટ.

ઑફિસો. ફોર્ટની દિશા, સનસનીખેજ, હેરતઅંગેઝ. ઘરોમાંથી નાસતા ફરીને જંગે મેદાનમાં ઊતરી પડેલા માણસો હવે જ ખરેખર ભૂખ્યા લાગતા હતા. ઢળતી બપોરે સાંજનાં છાપાં. જે કંઈ થોડાઘણા લાલ કણો શરીરમાં રહી ગયા હોય એ સળવળી ઊઠે એ માટેના સમાચાર છાંટવામાં આવ્યા હતા. નિસ્તેજ માણસોને સતેજ કરવા માટે સાંજે આવા જ સમાચારો હોવા જોઈએ. સાંજ બહુ લાંબી ચાલતી હતી મુંબઈમાં, કારણ કે બસની કતારો બહુ લાંબી હતી, આ ભગવાન સાથેનો કોન્ટ્રેક્ટ હતો. ટ્રેનો પર ચોંટી ગયેલા માણસોને જોઈને... ટ્રેનો પ્લૅટફૉર્મો પર આવતી હતી, સ્પોંજની જેમ ભીડને ચૂસી લેતી હતી...

રાત્રિ. સ્વપ્નોમાં હોય એવું અજવાળું અને સુખી માણસોને આવે એવાં સરસ બગાસાં. ઈન્દ્ર સૂતાંસૂતાં વિચારે છે કે મુંબઈ શહેરમાં દરેક સફળ માણસનું મોઢું અણીદાર હતું અને બધાને એકએક લાંબી પૂંછડી હતી. દરેકના દાંત બીજાના વર્તમાનને ખોતરતા રહેતા અને અણીદાર આંખો ભાવહીન હતી.

સાતમે દિવસે નાહતી વખતે એણે જોયું કે એને પણ એક પૂંછડી ઊગી ગઈ હતી. છ મહિના પછી મેં બીજી વાર્તા લખી હતી: "આ મુંબઈ શહેરમાં..." જેનું પ્રથમ વાક્ય હતું: ઈન્દ્રકુમારને મુંબઈ આવ્યે છ મહિના થઈ ગયા... હવે એને ઈન્દર કહેતા હતા. બસસ્ટૉપ પર એને દેશથી આવેલો બંદર મળી જાય છે, ઈન્દર અને બન્દર બસમાં ચડે છે, વાતો કરે છે...

સસ્તામાં સસ્તી ખાદી પહેરીને સુંવાળામાં સુંવાળી છોકરીઓ અહીં ફરે છે... અહીં નપુંસકતાને માટે એક બહુ સારો શબ્દ વપરાય છે - શિસ્ત. લોકો જબરા કહ્યાગરા છે. કહ્યું માને. કલકત્તાના બૉયસ્કાઉટ પણ આટલું કહ્યું માનતા નથી... મુંબઈમાં જનતા નામની વસ્તુ જ નથી. જાતજાતના જળચર, ખેચર, વનચર, નિશાચર, ભૂચર ટાઈટ થઈને ટાઈમસર દોડ્યા કરે છે...

હવે ઈન્દર દેશથી આવેલા બન્દરને જ્ઞાન આપી શકે એવો દક્ષ થઈ ગયો છે. એ કહે છે: ભાઈ બન્દર! આ મુંબઈ શહેરમાં વીંછણોને પણ જાળાં ગૂંથતાં આવડે છે, વીંછણોના જાળામાં કંઈક કરોળિયા ફસાઈ જાય છે...

આ મુંબઈ શહેરમાં સફેદ રીંછ છે, સફેદ વાઘ છે, સફેદ હાથીઓ છે અને સફેદ પતંગિયાં પણ ઊડાઊડ કરે છે. જંગલમાં વરુ, પેશાબ કરીને પોતાનું કૂંડાળું સ્થાપી લે છે, એ જમીનમાં એ બીજા પશુને ઘૂસવા દેતું નથી. અહીં એવી જ જગ્યાને ઓનરશિપ ફ્લૅટ કહેવાય છે. અહીં ફૅશનેબલ છીંકો ખવાય છે અને બીજાની દાઢીમાં હાથ નાખવાની કસરત કરવાની છે. અહીં ચોરબજારમાં જૂની રેકર્ડો અને મોટરના પાર્ટ્સ અને ફોરેઈનનાં નાટકોની સ્ક્રિપ્ટો મળે છે અને હીજડાઓ પણ સનગ્લાસીસ પહેરીને નાચે છે. અહીં સમરકંદ બોખારાની નાઝનીનના ગાલના કાળા તલ પર કવિતાઓ લખી નાખવાનો રિવાજ નથી, અહીં સાડીઓના મોટા સ્ટોરમાં સમરકંદ બોખારાના તરબૂજ જેવા મોટા નિતંબોવાળી શેઠાણીઓને ગાડીઓમાંથી ઊતરતી જોઈને દુકાનદારોને કવિતા સૂઝે છે...

આજે 20 વર્ષો પછી મુંબઈ વધારે મોંઘું થઈ ગયું છે, પ્રદૂષણ એ લેટેસ્ટ ફૅશનેબલ શબ્દ છે. કલકત્તા માટે કે મારા વતન પાલનપુર માટે મારે ક્યારેય કહેવું પડ્યું નથી કે "આઈ લવ ઓલ્ડ કેલ"... કે "મારું પ્રિય પાલનપુર". મુંબઈ જુદી વસ્તુ છે. અહીં શાક લેવા જાય ત્યારે પત્નીને આઈ લવ યૂ કહીને જનારા છે, અને શાક લઈને પાછા આવીને પત્નીને ફરીથી આઈ લવ યૂ કહેનારા છે. મુંબઈ છે આ... કલકત્તા કે પાલનપુર કે અમદાવાદ નથી, અહીં તો કહેવું પડશે, ભઈ..., નાનાસાહેબ ચુડાસમાની સાથે... આઈ લવ યૂ, બોમ્બે!

ક્લોઝ અપ:

બાપુસ ભી કાલા, આઈ ભી કાલી, હી ગોરી પોરી કોનાચી...
                                                                                       - કોંકણી ગીત
(બાપ પણ કાળો, મા પણ કાળી,... આ ગોરી છોકરી કોની છે?)

(જન્મભૂમિ/પ્રવાસી: ડિસેમ્બર 9, 1990)

(પુસ્તક: દેશ-પરદેશ) 

May 15, 2013

ચકમકી છોકરી અને સુવ્વરની ભૂખ: પ્રામાણિકતા, સફળતા, પૈસા

તમે પ્રામાણિક છો માટે જિંદગીમાં અસફળ રહ્યા છો, જો અપ્રામાણિક રહ્યા હોત તો ખૂબ રૂપિયા કમાતા? જો અપ્રામાણિક રહ્યા હોત તો જિંદગીમાં ખૂબ સફળ રહ્યા હોત? પૈસા, ઈજ્જત, સુખ-સુવિધાઓ બધું જ વધારે મળત જે આજે ઓછું છે? તમે પ્રામાણિક રહ્યા છો એટલે જીવનભર તમારી પત્ની અને મોટા થયા પછી તમારાં સંતાનો તમને કોસતાં રહ્યા છે? તમને લાગતું નથી કે તમે આજીવન પ્રામાણિક રહીને એક ગંભીર ભૂલ કરી છે? આ દુનિયામાં એટલે કે આપણા દેશમાં જુઠ્ઠા, બેઈમાન, વિશ્વાસઘાતી, લુચ્ચા, અપ્રામાણિક માણસો ખૂબ પૈસા એટલે કે લાખો, કરોડો રૂપિયા કમાઈ ગયા છે અને તમે ઈમાનદાર છો એટલે એમના જેટલા રૂપિયા કમાઈ શક્યા નથી? તમે માનો છો કે "ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પૉલિસી" (પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે)?

હવે ટી.વી.ની ઘણીબધી ચેનલો નીકળી પડી છે અને ઈન્ટરવ્યૂ લેનારી ચકમકી, મહેંદીથી રંગેલાં ટૂંકા વાળ હલાવતી, કૉન્ટેક્ટ લેન્સ પહેરેલી, ફેશિયલ કરીને આવેલી, શિકારી પક્ષીના ટેલન્સ કે નહોર જેવા નખ રંગીને પેશ આવતી છોકરીઓનો પાર નથી. એક ચકમકી છોકરી "પ્રામાણિકતા" વિશે પૂછી રહી હતી! શા માટે પ્રામાણિક થવું? એને માટે આ માત્ર એક "પ્રોગ્રામ" હતો, અને એના પ્રશ્નોની દિશા ધીરેધીરે સ્ત્રી-પુરુષના આડા સંબંધો, એક્સ્ટ્રા-મેરીટલ લવ, અવૈધ સંબંધ, વ્યભિચાર વગેરે તરફ હતી. "સફળતા'ની વાત પ્રશ્નોત્તરીની ભૂમિકા બાંધવા માટે હતી. પછી એ આડી લાઈને સરકી રહી હતી. બીજી સ્ત્રી કે બીજા પુરુષ સાથે સંબંધ... આ એને માટે મુખ્ય વિષય હતો.

અને, આ વાત તદ્દન ગૌણ હતી, મારે માટે. ચકમકી છોકરી મારા ઉત્તરો સાંભળીને વધારે દ્વિધામાં પડીને પલાયન થઈ ગઈ. જે અપેક્ષા હતી, "પ્રોગ્રામ"ને ચટાકેદાર બનાવે એવા જે ઉત્તરોની અપેક્ષા હતી, એ અપેક્ષા અતૃપ્ત રહી ગઈ. પ્રામાણિકતા બહુઆયામી શબ્દ છે. પ્રામાણિક શા માટે થવું જોઈએ? ઑનેસ્ટીથી શું મળે છે? વધારે "સફળતા" મળે એ માટે ડિઝઑનેસ્ટ કે અપ્રામાણિક કે બેઈમાન થવાનું મન થતું નથી?

હું માનું છું કે ઑનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પૉલિસી, પણ એમાં એક નાનું પૂરક અંતિમ વાક્ય ઉમેરવું જોઈએ. પ્રોવાઈડેડ યુ હેવ પેશન્સ! પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે, જો તમારી પાસે ધૈર્ય હોય તો! આજે સવારે પ્રામાણિક થવું શરૂ કરો, અને આજે સાંજે ફળ મળવા લાગે, એવું "ક્વિક ફિક્ષ" કે ઈન્સ્ટન્ટ પરિણામ પ્રામાણિકતામાં નથી. તમે દુનિયાને માટે પ્રામાણિક કે સારા થવાનો વિચાર કરતા હો તો એ વિચાર તરત છોડી દો. તમે તમારે માટે પ્રામાણિક કે સારા થાઓ છો, તમારા આત્મસંતોષ માટે, પ્રામાણિકતાનું સર્ટિફિકેટ મેળવવા માટે નહીં. અંગ્રેજીમાં કહેવત છે કે વર્ચ્યુ ઈઝ ઈટ્સ ઓન રિવોર્ડ/સદગુણ એ જ ઈનામ છે!) હું મારા માટે, પ્રામાણિકતાનાં અને નીતિમત્તાનાં મારાં પોતાના ધોરણો કે નોર્મ્સ સ્થાપું છું, આ બાબતમાં દુનિયા સાથે મારો કોઈ સંબંધ નથી. શાલ ઓઢવાની લાલસામાં હું સારો થતો નથી! પ્રામાણિકતા માટે મારે કોઈ શાશ્વત, સનાતન મૂલ્ય નથી, હું સનાતન શબ્દમાં પણ માનતો નથી. દેશકાળ પ્રમાણે દરેક મૂલ્યનું પરિવર્તન થતું રહે છે. એક જ માતાના બે પુત્રો એ બે આંખોની જેમ સમાન નથી, એ જમણા અને ડાબા હાથની જેમ છે, એક વધારે પ્રિય છે, અને બીજો ઓછો પ્રિય છે! જમણો હાથ જમણા હાથની જગ્યાએ છે, અને ડાબો હાથ ડાબા હાથની જગ્યાએ છે. ડાબો હાથ ક્યારેય જમણા હાથનું સ્થાન લઈ શકવાનો નથી.

ચકમકી છોકરીનો પ્રશ્ન હતો: કોઈએ હજી પૂછ્યું નથી કે તમે પ્રામાણિક રહીને ભૂલ કરી છે? મારો ઉત્તર: એટલી હિમ્મત નથી પ્રશ્ન પૂછનારમાં! મારી પ્રામાણિકતા મારી છે, અને મારે માટે છે. બીજાએ એમાં નાક અડાડવાની ઝુર્રત કરવાની નથી. મારે માટે પ્રામાણિકતા નિર્વિકલ્પ છે, અને એમાં કોઈ જ સમાધાનને અવકાશ નથી. અને નિરાશાને પણ અવકાશ નથી. સફળતાની પણ સૌની પોતપોતાની વ્યાખ્યા હોઈ શકે છે, અને પોતપોતાની પ્રાથમિકતા હોઈ શકે છે, શક્તિ અને સમય પ્રમાણે જે સૌદાગરની જેમ પૈસા કમાઈ લે છે એને માટે મને ક્યારેય ઈર્ષ્યા થઈ નથી પણ જે દિલદારની જેમ પૈસા ફેંકી શકે છે એને માટે મને જરૂર ઈર્ષ્યા થઈ જાય છે. જેને માટે ઈર્ષ્યા થઈ શકે એને હું, ઈચ્છા થાય છે ત્યારે આદર્શ પણ બનાવી લઉં છું. અને ખૂબ પૈસા કમાવાની ક્રિયાને મેં ક્યારેય સફળતા ગણી નથી. સફળતા શું છે એ હું હજી સમજ્યો નથી. સંતોષ સફળતાનું અંતબિંદુ છે કે અસંતોષ સફળતાનું આરંભબિંદુ છે? એ મધ્યમવર્ગીય માતાને પૂછો જેણે પોતાનાં નાનાં સંતાનોને મોટાં કરીને માણસ બનાવ્યાં છે, પોતાની પૂરી જવાની સૂકવીને... 

પ્રશ્ન પ્રાથમિકતાનો છે. પૈસા કમાવા, વધારે અને વધારે કમાવા એને હું સુવ્વરક્ષુધાગ્રંથિ ગણું છું. સુવ્વર જન્મે છે ત્યાંથી શરૂ કરીને મરે છે ત્યાં સુધી મોઢું નીચું કરીને, નાકથી સૂંઘતું સૂંઘતું, લગભગ બધું જ ખાતું જાય છે અને અત્યંત જાડું થતું જાય છે. સુવ્વરના શરીરમાં જેટલી ચરબી જમા થઈ જાય છે એટલી બહુ ઓછાં જાનવરોનાં શરીરમાં હોય છે. માટે અંગ્રેજીમાં કહેવત છે કે સુવ્વરને પકાવવા માટે બહારથી તેલ નાખવાની જરૂર નથી, એની ચરબીમાં જ એને પકાવી શકાય છે, જેમ જેમ સુવ્વરના ટુકડા ગરમ થતા જાય છે એમ એમ અંદરથી ચરબી છૂટતી જાય, (ધ પિગ સ્ટ્યૂઝ ઈન ઈટ્સ ઓન ફેટ) મને અત્યંત ધનિકોના ફાટફાટ રૂપિયા અને સુવ્વરની/ ફાટફાટ ચરબીમાં એક સમાનતા લાગી છે. પૈસા જિંદગીની આવશ્યકતાઓ અને એશ-ઓ-આશાયેશ માટે ઠીક છે. સમરસેટ મોમે લખ્યું હતું એ બરાબર છે કે પૈસા છઠ્ઠી ઈન્દ્રિય છે, જે બાકીની પાંચ ઈંદ્રિયોને મદદ કરી શકે છે. પણ પૈસાને એક જ ઈંદ્રિય સમજીને જીવવું, પૈસાદારની જેમ એકેન્દ્રિય થઈ જવું, મારી તબિયતને રાસ આવતું નથી. માત્ર પૈસા માટે મનુષ્યની જિંદગીનાં પ્રાથમિક સુખો ભૂલીને, પ્રતિક્ષણ બેઈમાન થતા રહેવું, મને ખોટનો સૌદો લાગ્યો છે. મનુષ્યજિંદગીનાં પ્રાથમિક સુખો એટલે? પત્નીનો પ્રેમ, સંતાનો માટે વાત્સલ્ય, ઉમદા ખાવાનું, આલા પીવાનું, લેટેસ્ટ પહેરવાનું, નવાં શહેરોમાં તફરીહ કરવાની, નવી કેસેટો પર નવું સંગીત સાંભળવાનું, વાંચવાનું, ઘસઘસાટ સૂવાનું, અને એવી સેંકડો પ્રવૃત્તિઓ, દાખલા તરીકે, નવ વર્ષની પૌત્રી સાથે રાઈડમાંથી ઊતરીને, કેન્ડીફ્લોસ ખાતાં ખાતાં ફોટો પડાવવાનો. જો પ્રામાણિક થઈને મજા કરવી હોય તો આખું હિન્દુસ્તાન અને આખી પૃથ્વી પડી છે.

કોઈ માણસ ખૂબ પૈસા કમાયો છે, વિરાટ ફ્લૅટમાં રહે છે, મારૂતિ એસ્ટીમ કારમાં ફરે છે માટે મારું બ્લડપ્રેશર એક પૉઈન્ટ પણ વધતું નથી. કેવી રીતે જિંદગી જીવવી કે કયા સિદ્ધાંતો રાખવા કે ન રાખવા એ એનો પ્રશ્ન છે. એ એની દુનિયામાં ખુશ છે, હું મારી દુનિયામાં ખુશ છું. મોરારજી દેસાઈની જેમ હું પૂરા જગતને પેશાબ પાવા નીકળ્યો નથી, મારા પર દુનિયાને સુધારી નાંખવાની કોઈ જવાબદારી નથી, હું કોઈના ચારિત્ર કે નીતિનો રક્ષકસંત્રી નથી, મારા લખવા કે બોલવાથી દુનિયામાં એક પણ વ્યક્તિમાં પરિવર્તન આવી જશે એવો સ્ટ્યુપીડ ભ્રમ મારામાં બિલકુલ નથી. દુનિયા એમ જ ચાલશે, જે રીતે ચાલે છે એમ જ. પૃથ્વી એની ધરી પર ફરી રહી છે, દુનિયા એની ગતિથી દોડી રહી છે. દુનિયાને સુધારી મૂકવાનો બેવકૂફ દુરાગ્રહ સાધુબાવાઓને મુબારક! 18 વર્ષથી ઉપરની વ્યક્તિ, દરેક સ્ત્રી અને દરેક પુરુષ, પોતાના ભવિષ્ય અને પોતાના મુકદ્દરની માલિક છે, એણે પ્રામાણિક રહેવું કે ન રહેવું એ એની મુન્સફી છે, એનો અખ્તિયાર છે, એની રુચિઅરુચિ છે.

હું માનું છું કે 100 ટકા પ્રામાણિકતા જેવી વસ્તુ નથી. રેલવેની ટિકિટથી મહાનગરમાં ફ્લૅટ લેવા સુધી દરેક તબક્કે કાળું નાણું અથવા રિશ્વત આપવી પડે છે. આ દેશમાં ચોરીનો ધંધો કરનાર કે કાળા બજારીઓ જે આયકર આપે છે એ જ અનુપાતમાં મારે આયકર આપવો પડે છે, હું કલાકાર છું માટે મારે માટે ખાસ રિયાયત નથી. હું ઈંગ્લન્ડની સામ્રાજ્ઞી એલીઝાબેથનો દીકરો નથી કે બધું જ મારી ઈચ્છા પ્રમાણે થયા કરે. પણ મારી ઈમાનદારીને કારણે મારું મન વિપરીત સ્થિતિમાં પણ શાંત રહી શકતું હોય, હું ખડખડાટ હસી શકતો હોઉં અને ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં, મને ભૂખ અને થાક અને પ્યાસ લાગી શકતાં હોય, મહારોગ કે દેવું ન હોય, મારું પોતાનું એક છાપરું હોય અને એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ રોટી ખાઈ શકતો હોઉં, વ્હીસ્કીનો એક પેગ લઈને શનિવારની સાંજે મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસીને પ્રધાનમંત્રી દેવ ગૌડાને ગાળો બોલી શકતો હોઉં તો થૅંક યૂ, ગૉડ... મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે! અને જીવનના છેલ્લા દિવસ સુધી બસ આટલું રહી શકે તો... "ઝીરો-ઝીરો-સેવન"ના સર્જક ઈયાન ફ્લેમિંગની જેમ મરતી વખતે હું પણ કહીશ: "ઈટ્સ અ લાર્ક!" (લહેર પડી ગઈ, યાર...!)

ક્લોઝ અપ:

કોને પૈસા જોઈએ છે? પૈસા આવી જાય પછી જિંદગીનો ખ્યાલ કરવો પડે છે. મારે માટે એ બહુ ગડબડિયું છે. સો ડૉલર હોય તો તમે જીવી શકો છો. તમારી પાસે 200સો ડૉલર આવે એટલે તમારે મોટું ઘર જોઈએ છે તમારી પાસે 2 લાખ સો ડૉલર આવે છે, ત્યારે તમારું પોતાનું ઍરોપ્લેન જોઈએ છે અને 10 લાખ ડૉલર આવે પછી શું કરશો? એટલા તો હું ક્યારેય વાપરી નહીં શકું.

- ક્યૂબાના ત્રણ ઑલિમ્પિકમાં બૉક્સિંગના વિશ્વવિજેતા ટીઓફીલો સ્ટીવન્સન
 (ગુજરાત સમાચાર: જુલાઈ 14, 1996)

(પુસ્તક: બસ એક જ જિંદગી)

ગુજરાતી નવસાહિત્ય : ગાંધીજીનો બેટો કે જિન્નાહની બેટી?

અમેરિકન દિગ્દર્શક રોબર્ટ ઓલ્ટમૅનને પત્રકાર પ્રશ્નકર્તાએ પૂછ્યું: દુનિયાનો બીજો સૌથી જૂનો ધંધો કયો? ઉત્તર મળ્યો: વેશ્યાવૃત્તિ ! પ્રશ્નકર્તાએ કહ્યું: મને એમ હતું કે વેશ્યાગીરી એ સૌથી જૂનો ધંધો છે! રોબર્ટ ઓલ્ટમૅન: મને એમ છે કે પત્રકારત્વ સૌથી જૂનો ધંધો છે...! ચીલીની પ્રસિદ્ધ લેખિકા ઈસાબેલ એજેન્ડે એમ કહ્યું હતું: પત્રકાર થવું મને ગમતું હતું, પણ હું હંમેશા જૂઠું બોલતી હતી, ક્યારેય તટસ્થ બની શકતી ન હતી. સાહિત્યમાં આ જ વસ્તુઓ ગુણો ગણાય છે...! પત્રકારત્વ અને સાહિત્ય સગોત્રી વ્યવસાયો છે કે બે તદ્દન જુદી વિદ્યાઓ છે? જ્યારે ગાંધીજી અને જિન્નાહ અવિભાજિત હિંદુસ્તાનના બે વિરોધી ધ્રુવો હતા ત્યારે પત્રકારત્વની એક કસૌટી થઈ ગઈ.

ગાંધીજીના ચારમાંથી એક પુત્ર મુસ્લિમ થઈ ગયો, પછી હિંદુસ્તાની પત્રોએ ચર્ચાઓના ગુબ્બારા ઉડાવ્યા, થોડા દિવસોમાં જ એ ફરીથી હિંદુ બની ગયો. વર્ષો સુધી પત્રોમાં આ ચર્ચાસ્પદ વિષય રહ્યો. અને એ જ અરસામાં જિન્નાહની એકમાત્ર પુત્રી ખ્રિસ્તી બની ગઈ અને આજીવન ઈસ્લામનો ત્યાગ કરીને એ ખ્રિસ્તી રહી, પણ હિંદુસ્તાનના પત્રો એ વિશે તદ્દન ખામોશ રહ્યાં! આટલું પત્રકારત્વની તટસ્થતા વિશે...

ગુજરાતી સાહિત્યની તદ્દન નવી સર્જક પેઢીને ગાંધીજીના બેટાની જેમ કે જિન્નાહની બેટીની જેમ, બંને રીતે જોઈ શકાય છે. નવા કવિલેખકોમાં સત્ત્વ  નથી, સર્ગશક્તિ નથી, સ્વાનુભવની આગ નથી. એમની ભાષા સિન્થેટિક છે, એમનું વાચન ડિહાઈડ્રેટેડ છે. એમને ત્રણ વર્ષોમાં કનૈયાલાલ મુનશી થઈ જવું છે અથવા ધૂમકેતુ કે રમણલાલ દેસાઈને એ કચરો સમજે છે. સાહિત્ય એમને માટે મૃતપ્રાય છે, ભાષા એ દશે દિશાઓમાં દોડતા દસ પગવાળા બેફામ, બેલગામ જાનવરનું નામ છે, એમનો શબ્દકોશ કરિયાણાના વેપારી કરતાં જરાક જ વધારે છે. એમને મહાન નવલકથાકારો અને સ્ટોરીના પ્લૉટ ફિટ કરનારા પ્લમ્બરો અને ફીટરો અને લેધ-ઑપરેટરોનો ફર્ક ખબર નથી. નવી પેઢીના ગઝલકારોમાંથી 98 પૉઈન્ટ 99 ટકા એવા ગઝલિયા છે જે ઉર્દૂના ઉચ્ચારભેદની બાબતમાં બેહોશ છે, પોતાની જ ગઝલ ગાતાં ગાતાં જાહેરમાં એમના ટાંટિયા ધ્રૂજતા હોય છે. ટૂંકી વાર્તા નથી. બીજી ભાષાના નાટ્યકારો વીર્યદાન કરે છે ત્યારે ગુજરાતી નાટકનો સીઝેરિયન પ્રસવ થાય છે.

ગુજરાતી સાહિત્ય સંન્યસ્તાશ્રમની દિશામાં ભટકી રહ્યું છે. એટલે કે નવોન્મેષ કે નવા હસ્તાક્ષરો નથી. ગુજરાતી સાહિત્યમાં નવા સર્જકો નથી, નથી, નથી. આ એક પ્રતિભાવ છે, જે પૂર્ણત: નેગેટિવ છે, હતાશાથી છલોછલ છે.

હું આ વિચારો સાથે માત્ર અંશત: સહમત છું. આટલી બધી નિરાશા પણ મહસૂસ કરતો નથી. મારા જન્મ પહેલાં પણ આ ભાષામાં શક્તિમાન લેખકો આવી ચૂક્યા છે, અને મારી રાખ ઊડી ગયા પછી પણ આ ભાષામાં શક્તિમાન લેખકો આવતા રહેશે. ગુજરાતી ભાષાસાહિત્યની મને કોઈ ચિંતા નથી. સ્ટડ-ફાર્મ પર જન્મેલા વછેરાને રેસના મેદાન પર દોડતો ઘોડો બનાવતાં થોડાં વર્ષો તો લાગે જ છે. લેખકને પણ પુખ્ત બનતાં સમય લાગે છે, પ્રેમમાં તૂટવું, રાતનું ઘેરાવું, મૌતનું અડી જવું, ફેફસાંનું ફાટી જવું... સમય લાગે છે. આંગળીઓમાંથી ખૂનનાં બુંદોને ટપકતાં! અને આજના ઈનામી, ચાપલૂસી, તથા મહાન લેખકોનાં ગદ્ય અને પદ્યની એવી કઈ જબરદસ્ત કક્ષા છે?

સ્થળકાળ પ્રમાણે શબ્દકાર પણ માધ્યમો બદલતો રહે છે. ગઈ કાલે નિબંધો હતા, આવતી કાલે ટીવી સ્ક્રિપ્ટ હશે. ગઈ કાલે સૉનેટ હતું, આવતી કાલે મ્યૂઝિકલ્સ હશે. ગઈ કાલે ટૂંકી વાર્તા હતી, આવતી કાલે પત્રની કૉલમ હશે અને સાહિત્યની પ્રગતિ સાઈક્લિકલ કે વર્તુળાકાર હોય છે, વાર્તા, કથા, નુવેલા, નવલ બધું જ ચક્રવત પાછું આવતું રહે છે.

અત્યાધુનિક યુવા લેખકોને આપણે કેટલો અન્યાય કર્યો છે? એ 16 કે 18 વર્ષના છોકરા કે છોકરીને વાર્તા લખીને છપાવવી છે, આપણી પાસે એક પણ માસિક કે સામયિક નથી, છાપાંઓને રસ નથી. સાહિત્ય સંસ્થાઓ કે વિશ્વવિદ્યાલયો બુદ્ધિહીન બબૂચકોનાં જંક યાર્ડ જેવાં થઈ ગયાં છે, કેટલાં બૌદ્ધિક પત્રો પ્રકટ કરીને એ વાચકજનતા સુધી લાવી શક્યાં છે? વિવેચકો તો ગુજરાતી ભાષામાં સનાતન વિકલાંગો રહ્યા છે જ, એટલે એમની પાસેથી કોઈ અપેક્ષા હતી નહીં, છે જ નહીં. દલિત કવિઓ, નવા કૉલમલેખકો, કેટલાક અનુભવી કથાકારો, વિદ્રોહી કલમકશો મને ગમે છે.

ભાષા લેખકને બનાવે છે અને લેખક ભાષાને બનાવે છે. આ પારસ્પરિક છે. હવે ભાષામાં અરાજકતા ઘણી ઓછી થઈ ગઈ છે, ગુજરાતી સાહિત્ય મઠાધિપતિઓ કે મુકાદમોના આશીર્વાદો પર જીવતું નથી પણ પ્રબુદ્ધ વાચકોની રુચિ પ્રમાણે જીવે છે, પનપે છે. આજે ગંભીર લેખોનાં પુસ્તકો વધારે વેચાય છે એ શું બતાવે છે? જ્યાં નવા કરોડો વાચકો પેદા થઈ ચૂક્યા છે ત્યાં સંતર્પક સાહિત્ય આવવું અવશ્યંભાવી છે એવો મારો વિશ્વાસ છે. નવા લેખકોએ માત્ર વધારે પ્રોફેશનલ, વધારે મહેનતકશ અને વધારે ઈમાનદાર બનવું પડશે. અને એક રાતમાં સાહિત્યકાર બનાતું નથી.... સાહિત્ય એ દુનિયાનો સૌથી જૂનો ધંધો નથી !

(ઈન્ડિયા ટુ-ડે: ઑક્ટોબર 21, 1994)

(પુસ્તક: મેઘધનુષ્ય)

May 14, 2013

પુસ્તક બનામ કોમ્પ્યુટર અથવા પી.બી. વિરુદ્ધ પી.સી

હવે પુસ્તક નકામું થઈ ગયું છે અને વાંચવું જૂનવાણી થઈ ગયું છે કારણ કે ઈન્ફરમેશન સુપર હાઈવે આવી ગયો છે, સીડી-હોમ અને ઈન્ટરનેટનો જમાનો ચાલે છે, તમારા પીસી પર પલમાં નહીં પણ વિપલમાં લેટેસ્ટ માહિતી ખૂલી જાય છે. આંગળીના ટેરવાથી બટન દબાવો અને એન્સાયક્લોપીડિયા બ્રિટેનિકાના 23મા પુસ્તકનું 432મું પાનું ખૂલી જાય છે. હવે ચોપડી કોણ વાંચશે? પુસ્તકનું મૃત્યુ પાસે આવી ગયું છે. હવે છપાયેલા પૃષ્ઠની કોઈ જ કિંમત રહી નથી. પી.બી (પર્સનલ બુક) કરતાં પીસી. (પર્સનલ કોમ્પ્યુટર) આગળ નીકળી ગયું છે.

પ્રથમ વિશ્વ અને વિશેષત: અમેરિકામાં આ ચર્ચા ગરમાતી જાય છે. આ તાંત્રિક પ્રગતિના અભ્યાસી રિચર્ડ રોકવેલ કહે છે કે આજે આપણે સીડી-હોમ વિષે ઉત્તેજીત થઈ ગયા છીએ પણ આજથી 20 વર્ષ પછી કોઈ એ વાપરશે પણ નહીં... જો માહિતી જ સંગ્રહી રાખવી હોય તો પુસ્તક એ અત્યંત પ્રગતિશીલ ટેકનોલોજી છે!

ચર્ચા મુખ્ય મુદ્દા પર આવી જાય છે: પુસ્તક વિરુદ્ધ કોમ્પ્યુટર! આ કોમ્પ્યુટર યુગમાં પુસ્તક અને વાચન જીવશે? જીવી શકશે? હા, પુસ્તકનું વાચન જીવશે, જીવી શકશે. હજી કોમ્પ્યુટરના ચમકતા પડદા કરતાં પુસ્તકનું જર્જરિત થઈ ગયેલું પાનું ઉચ્ચતર છે. તમે કોઈપણ સામયિક ટ્રેનના ડબ્બામાં ઊભા ઊભા કે બાજુમાં સૂતેલી પત્ની સાથે ડબલ બેડમાં સૂતાં સૂતાં વાંચી શકો છો. પુસ્તક વાંચતા કોઈ પ્રકારનો ધ્વનિ કે ખટખટ અવાજો થતા નથી. પુસ્તકમાં બંધારણ, જિલ્દ, પૂંઠું, પૃષ્ઠો... સેંકડો વર્ષોથી આ પ્રમાણે જ ચાલ્યાં આવે છે, છરીના આકાર પ્રમાણે સ્તનના દૂધની ઉપયોગિતા પ્રમાણે અને એમાં ખાસ ફેરફારો થયા નથી. પ્રિન્ટ થયેલું પાનું "આઉટ ઑફ પ્રિન્ટ" નહીં થાય!પુસ્તક લેખક લખે છે ત્યારે પાંડુલિપિ કે મેન્યુસ્ક્રિપ્ટ હોય છે, પણ વાચક વાંચે છે ત્યારે પુસ્તક બને છે. પુસ્તક વાચક પાસેથી શાની અપેક્ષા રાખે છે? એક સારી આંખ હોવી જોઈએ, પ્રકાશ હોવો જોઈએ, અને એક દિમાગ હોવું જોઈએ જે આંખે મોકલેલા અક્ષર-આકારોનું તુરત જ અર્થઘટન કરી શકે. કોમ્પ્યુટરની સામે બેઠેલા માટે ધારદાર દિમાગ એ આવશ્યક જરૂરિયાત નથી. વાચક લેખકનો સાઝેદાર છે. પણ કોમ્પ્યુટરનાં બટનો દબાવનારો ગમે તે ભાડૂતી હોઈ શકે છે.

જેને વાંચતા આવડે છે એ વાંચશે. જેને દાંત ઊગી ગયા છે એ બટકું ભરશે એવી જ જિજ્ઞાસા, તલપ, પ્યાસ, અદમ્ય ઈચ્છા આ ભાવનામાં છે. જેમ જેમ માણસ વાંચતો જાય છે એમ એમ એના વાંચવાની ઝડપ અને વાચનસામગ્રીની ક્વૉલિટીની પસંદ સુધરતાં જાય છે. વાંચવામાં માણસ ગિજુભાઈથી શરૂ કરીને ગુન્ટર ગ્રાસ કે ગાર્શીઆ માર્ક્વેઝ સુધી પહોંચી શકે છે. કારણ કે વાંચવું એ શિક્ષણની પ્રક્રિયા છે. એ ઓર્ગેનિક છે, કોમ્પ્યુટરની બદલાતી સ્ક્રીનની સામે બેઠેલો માણસ એક બ્લૉટિંગ પેપર છે, જે ઝબકે છે એ બધું જ એણે ચૂસી જવાનું છે. એક સેકંડમાં એક કરોડ ટપકાં ઝંકૃત થઈ જાય છે અને હોલવાઈ જાય છે. અટકીને વિચારોમાં ખોવાઈ જવા માટે અથવા વાંચતાં વાંચતાં એક ભાવવિશ્વમાં વિહરતા રહેવા માટે કોમ્પ્યુટર નથી. કોમ્પ્યુટરને ભાવવિશ્વ હોતું નથી. જે વાંચતો નથી એ વર્તમાનમાં કેદ થઈ જાય છે. જે વાંચે છે એના માટે નવો દેશ, નવો કાળ, નવો યુગ, નવો જીવનઆયામ ખૂલી જાય છે. શરીરના કારાગારમાંથી મુક્તિ પુસ્તક દ્વારા પ્રાપ્ત થાય છે. વાચન એ એક માનસિક પ્રવાસ છે, વાચન એ એક "મનોજ્ઞાનિક" (મનોવૈજ્ઞાનિક નહીં) યાત્રા છે. અહીં છાપાં વાંચવાની વાત નથી, અહીં પુસ્તક વાંચવાની વાત છે. રિપૉર્ટ વાંચવા કે ફાઈલો વાંચવી એને હું પુસ્તક કહેતો નથી.

પુસ્તકમાં તમે લીટીઓ કરી શકો છો. હાંસિયામાં લખી શકો છો, આદર અને અનાદર બંનેના તમે માલિક છો. વાચક વાંચે છે ત્યારે પોતાનું મર્મઘટન અને અર્થઘટન કરીને મીની-સર્જક બનતો રહે છે. લેખક "સુજ્ઞ વાચક"નું સંબોધન કરી શકે છે, કોમ્પ્યુટરનો બટનદાબક સુજ્ઞ નથી. એ માત્ર નિર્દોષ અજ્ઞ છે.

એક જ પુસ્તક તમે 16મે વર્ષે વાંચ્યું ત્યારે એનો એક અર્થ તમે સમજ્યા હતા, અને 32મે વર્ષે ફરીથી વાંચશો ત્યારે એનો બીજો અર્થ સમજાશે. 48મે વર્ષે ભગવદગીતા વાંચી હતી અને 64મે વર્ષે ભગવદગીતા વાંચો છો અને 80મે વર્ષે ભગવદગીતા વાંચશો ત્યારે જુદા જુદા અર્થો પણ મેઘધનુષના જુદા જુદા રંગોની જેમ ખૂલતા જશે. એ જ પુસ્તક છે, એ જ વાચક છે, માનસિકતા અને મન:સ્થિતિમાં પરિવર્તન આવતું રહે છે. કોમ્પ્યુટર આ અદભુતના પ્રદેશની બહારનું યંત્ર છે. પુસ્તક, અને મહાન પુસ્તક બીજી વાર વાંચી શકાય છે. પુસ્તક-લેખકની સાથે જીવી શકાય છે. કોમ્પ્યુટરના પડદા પરની વિદ્યુતલિપિ એક બટન દબાવીને ભૂંસી શકાય છે. પુસ્તકનો શબ્દ બાળી નાખ્યા પછી પણ ધબકતો રહે છે, જનમાનસમાં જીવતો રહે છે. શબ્દ જીવે છે, કારણ કે શબ્દ અક્ષરોમાં જીવે છે...

વાંચવું એટલે? જ્યોર્જ એલિયેટે પ્રથમ વાર ફિલસૂફ રૂસોને વાંચ્યો ત્યારે જે અસર થઈ એને માટે શબ્દો વાપર્યા હતા: ઈલેક્ટ્રિક શૉક! ઈમોશનથી રોમાંસ સુધીની ફીલિંગ કયું કોમ્પ્યુટર આપી શકશે?

(મિડ-ડે, સપ્ટેમ્બર 30, 1995)

(પુસ્તક: ટી.વી. પહેલાં અને ટી.વી. પછી)

May 10, 2013

ગુજરાત અને ગુજરાતી: સર્વકાલીન 40 નામો...

ગુજરાત એક મશાલ છે અને ગુજરાતી એ મશાલની જ્વાલા છે. પણ એ બન્ને શબ્દો ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા એ ઈતિહાસ કરતાં અનુમાનનો વિષય છે. ગુજરાતી ભાષા કદાચ 1000 વર્ષ જૂની છે. વિદ્વાનો માને છે કે ગુજરાતી શબ્દ 'ગૂરૈચિ' ધાતુ પરથી આવ્યો છે, અને અર્થ થાય છે ગુર્જરોને પાળનાર એટલે કે ગુજરાત દેશ, ગુજરાત નામ ગુર્જરોએ આપ્યું અને એ ક્યારે આવ્યા એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. એ પહેલા પશ્ચિમમાં સૌરાષ્ટ્ર હતું અને રાજધાની દ્વારકા હતી. દક્ષિણમાં લાટદેશ હતો અને રાજધાની કોટિવર્ષપુર હતી. ઉત્તરના પ્રદેશને આનર્ત કહેતા હતા. સાતમી સદી પહેલાંના ગ્રંથોમાં ગુજરાતનું નામ મળતું નથી.

કદાચ લેબલ મુંબઈને આપ્યું. 1671માં અંગ્રેજ ઓન્જીઅર શિવાજીથી બચવા માટે મુંબઈના ટાપુને વસાવવા આવ્યો. સાથે વ્યાપારીઓ, ઈંટ બનાવનારા અને મજદૂરો ગયા એમ કનૈયાલાલ મુનશી લખે છે. પછી મુનશી લખે છે: ગુજરાતી ભંગી આવીને મુંબઈમાં વસ્યા. 18મી સદીમાં ખંભાતથી વાણિયા અને કાઠિયાવાડથી કપોળ આવ્યા. 1803ના દુકાળથી બચવા જૈનો, ખોજાઓ, મેમણો અને વોરાઓ ગુજરાત છોડી મુંબઈ વસ્યા. ભાટિયા અને લુહાણા ત્યારે આવ્યા. 

ગુજરાતીભાષીઓના મુંબઈ આગમનમાં જાતિઓના ક્રમ વિશે હું મુનશી સાથે સહમત નથી. પણ ગુજરાતના ભિન્નભિન્ન પ્રદેશોથી જુદી જુદી જાતિઓ મુંબઈ આવી સ્થિર થઈ, મુંબઈના વિકાસમાં અમિટ યોગદાન આપ્યું. મુંબઈએ આ પ્રજાઓને લેબલ આપ્યું: ગુજરાતી! મુંબઈના રાજબાઈ ટાવર પર જે મૂર્તિઓ પોરબંદરના પથ્થરમાં તરાશની ઊભી કરવામાં આવી છે એમાં કપોળથી કાઠિયાવાડી સુધી ઘણા છે, પણ એક પણ મૂર્તિની નીચે 'ગુજરાતી' લખ્યું નથી! 

ગુજરાતની તારીફ કવિઓએ ગાઈ છે. નર્મદે લખ્યું: 
કોની કોની છે ગુજરાત?
પછી હોય ગમે તે જાત
તેની તેની છે ગુજરાત! 

ટેલરે ગુજરાતી ભાષાને હિન્દુસ્તાનની ઈટાલિયન ભાષા કહી છે. જૂની રંગભૂમિમાં ગીતો ગવાતાં હતાં: 'ગુજરાત જોવા જોગ છે!"... અને 'વસંત કે આ ગુર્જરીની રસિકતા વરી!" 

કવિ ખબરદારે ગુજરાતીઓને દરિયાપાર જવા માટે એક મંત્ર આયો, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ન્હાનાલાલે ગુજરાતને 'કૃષ્ણચંદ્રની કૌમુદી' કહી. 'ગુણવંતી ગુજરાત' શબ્દો પેઢીઓને અતિક્રમી ગયા. 

ઉમાશંકર જોષીએ 'ગુર્જર ભારતવાસી'ની દ્રષ્ટિ આપી અને કનૈયાલાલ મુનશી 'ગુજરાતની અસ્મિતા' શબ્દો દરેક ગુજરાતીના ઘરમાં લઈ આવ્યા. મને જે શબ્દો ગમે છે એ છે 'ગુજરાતની પ્રભુતા' અને 'મહાજાતિ ગુજરાતી'... અને 'ગુજ્જુ' શબ્દને હું 20મી સદીનાં અંતના દિવસોમાં વર્ચસ્વ અને વન-અપમેનશિપના આધુનિક પર્યાયરૂપે બાકાયદા, બાઈઝ્ઝત પ્રસ્તુત કરું છું..."આયમ અ બ્લડી ગુજ્જુ" એટલે હું સવાઈ-હિન્દુસ્તાની છું! બસ, આ મારું મર્મઘટન છે. 

ગુજરાત એ કઈ કશિશનું નામ છે? દરેક સાહિત્યકારે પોતાનાં સ્પંદનોના સિસ્મોગ્રાફથી ગુજરાતનો લગાવ માપ્યો છે. ચંદ્રવદન સી. મહેતાએ ગાયું છે:
નથી, ઘણું નથી, પરંતુ ગુજરાતના નામથી 
સદા સળવળે દિલે, ઝણઝણે ઊંડા ભાવથી
સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા, અરે 
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં!

ગુજરાતી ઈથોસ અથવા ગુજરાતીમાં વિરોધાભાસો છે. કનૈયાલાલ મુનશી લખે છે કે ગુજરાતી માતૃભાષા સેવનારે આખા દેશ માટે પૈસો વેર્યો છે, માત્ર ગુજરાત માટે નહીં... પ્રાંતેપ્રાંતમાં એક પણ એવું પુણ્યનું કાર્ય નહીં હોય જેમાં ગુજરાતીઓએ પૈસો ન આપ્યો હોય....! અને મુનશી જગડુશાથી વિમલશાહ સુધીનાં ઉદાહરણો આપે છે. બીજી તરફ રમણલાલ દેસાઈએ કટાક્ષ કર્યો છે: ગુજરાત પાસે ધન નથી એમ કહી શકાય નહીં. કાળાંધોળાં બધાંય ગુજરાતીઓ હાથ કરી શકે છે...

ખબરદારે ગાયું: ગુણવંતી ગુજરાત ! ન્હાનાલાલે ગાયું : અમારો ગુણિયલ ગુર્જર દેશ! મનહરરામે ગાયું: જાય ગાઓ, જય ગાઓ, ગુર્જર ગિરાનો જય ગાઓ! ઉમાશંકરે ગાયું: ગુજરાત મોરી મોરી રે! નર્મદે ગાયું: જય જય ગરવી ગુજરાત! દલપતરામે ગાયું: ગુજરાત મારું ગામ ઠરવા તણું તે ઠામ! નવલરામે ગાયું: રમીએ ગુજરાત! બહેરામજી મલબારીએ ગયું: હું ગુર્જર ગુંજકર ! સુન્દરમે ગાયું: ગુર્જરીની ગૃહકુંજે ! ગોકળદાસ રાયચૂરાએ ગાયું: ધન્ય ભૂમિ ગુજરાત માત...! બચુભાઈ રાવતે ગાયું: વંદન જય ગુજરાત!

સુન્દરમે લખ્યું: 
આંખ અમારી ખૂલી અહીં પહેલી 
પગલી ભરી અહીં પહેલી 
અહીં અમારાં યૌવન કેરી 
વાદળીઓ વરસેલી...! 

અને અંતે સુન્દરમે લખ્યું: 
અમે અહીં રોયા કલ્લોલ્યા 
અહીં ઊઠ્યા પછડાયા 
જીવનજંગે જગત ભમ્યા પણ
વિસરી નહીં ગૃહમાયા...!

ઉમાશંકર જોષીએ 'ગુજરાત મોરી મોરી રે'માં ગુજરાતની પૂરી ભૂગોળની ગરિમા ગાઈ છે. સાબર અને રેવા નદી, એક સમુદ્ર, ગિરનાર અને ઈડર અને પાવાગઢ, ચરોતર અને ચોરવાડ... અને 'નમણી પનિહારીને ભીને અંબોડલે' કવિને મળી જાય છે: મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ! આજથી બસ્સો વરસ પહેલાં પ્રેમાનંદના પુત્ર (?) વલ્લભે ગાયું હતું: 
દયાવાન, દાનવાન, માનપાન ધાનવાન
વિદ્યાવાન હતા ગયા, એવો ગુજરાત આ 
ભામોને ભરતખંડ, ભમી ભમી ભલી ભાતે
ગુજરાત કેરા ગુણ, વારું તો વિખ્યાત આ...!

ગુજરાત શબ્દને અને ગુજરાતી ચેતનાને શક્તિ આપી છે ગુજરાતના સંસ્કાર-સ્વામીઓએ અને સરસ્વતી ઉપાસકોએ. નરસિંહરાવ દિવેટીઆને 1933માં 75 વર્ષ થયાં ત્યારે મુંબઈમાં ખારની સાહિત્યસભાએ સમારોહ કર્યો હતો. એ પ્રસંગે નરસિંહરાવ દિવેટીઆએ કહ્યું હતું: મુનશીએ એક પ્રસંગે મ્હને ગુજરાતી સાહિત્યનો ભીષ્મપિતામહ કહ્યો હતો... એ નામને હું યોગ્ય હોઉં કે ન હોઉં, પણ આ પ્રસંગ પૂરતું કહું છું કે કોઈ અર્જુન બાણાવણી બાણશય્યા રચશે તો તે પર સૂઈ જવા હું તૈયાર છું. માત્ર ઉત્તરાયણની રાહ જોતો રહીશ....!

ગુજરાતને દરેક યુગે બાણશય્યાઓ પર સૂઈ જનારા ભીષ્મો મળતા રહ્યા છે.

અને ગુજરાતની અનાગત ભાવિ પેઢીઓ અશ્રદ્ધાના ચૌરાહા પર ઊભી રહી જાય એવી વિષમતાઓ પણ ગુજરાતની પ્રજાએ ઊભી કરી છે. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અનુભવ્યું કે ગુજરાતી પ્રજામાં શુષ્ક ઈતિહાસનાં પુસ્તકોની માંગ નથી, એટલે 'રૂલર્સ ઑફ ઈન્ડિયા સિરીઝ'ના ભાષાંતરનું કામ સન 1895માં બંધ કરવું પડ્યું હતું. પણ ઐતિહાસિક નવલકથાઓ 1989થી દર વર્ષે ભેટ અપાતી રહી. શું શા પૈસા ચાર જેવા તકિયાકલામ ગુજરાતીઓને  સતત સંભળાવવામાં આવતા હતા. રૂપિયાનું અવમૂલ્યન થઈ ગયા પછી હવે શું શાં પૈસા બેનો ભાવ ચાલી રહ્યો છે. ન્હાનાલાલ ગુજરાતી સ્ત્રીના ચિત્રદર્શનમાં દિલ ખોલીને વરસી ગયા છે. એક જમાનામાં એમની મશહૂર કાવ્યકૃતિની મશહૂર લીટીઓ ગુજરાતી ઘરઘરમાં મુખસ્થ હતી: 

ચોળી, ચણિયો, પાટલીનો ઘેર
સેંથલે સાળુની સોનલ સેર 
છેડલે આચ્છાદી ઉરભાવ
લલિત લજ્જાનો વદન જમાવ...! 

ન્હાનાલાલ અંતિમ નિષ્કર્ષ પર આવે છે. ગુજરાતી સ્ત્રી કેવી છે? આર્યસુન્દરી! નથી અવનીમાં... તુજ રૂપગુણની જોડ...! 

ગુજરાતી સાહિત્યકારો કેટલા સ્પષ્ટવક્તા રહી શક્યા છે? મર્દાઈ આજે નથી, એ જમાનાઓમાં હતી. એ પૂર્વજો ખરેખર મહાન હતા. નર્મદ માર્ચ 19, 1869ને દિવસે 'પ્રેમાળ ભાઈ લક્ષ્મીરામ'ને પત્ર લખે છે, અને એ પત્રને અંતે: કોઈ વંદો કોઈ નિંદો. હું મારું કામ મારી બુદ્ધિ પ્રમાણે ને શુદ્ધ અંત:કરણથી કર્યે જ જાઉં છું - મને મારી સરસ્વતીની રક્ષા છે ને તેથી હું દુર્જનની થોડી જ દરકાર કરું છઉં? સન 1886માં આત્મકથા 'મારી હકીકત'ની પ્રસ્તાવનામાં નર્મદ એનો જીવનમંત્ર મૂકી દે છે:... પણ જે જે લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારું સારું હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો!

ગુજરાત શબ્દના જન્મ પહેલાં આ ધરતીની એક ભૂગોળ હતી અને ગુજરાતી શબ્દના જન્મ પહેલાં આ પ્રજાનો એક ઈતિહાસ હતો. આ ધરતી અને આ પ્રજાએ કેવી પ્રતિભાઓને પ્રકટ કરી છે? સૃષ્ટિના જન્મથી 1947 સુધી, ગુજરાત અને હિન્દુસ્તાન સ્વતંત્ર થયાં એ કટ-ઑફ વર્ષ કે છેદતિથિ સુધી, જો આપણે માત્ર 40 જ સર્વકાલીન, સમસામયિક મહાનતમ ગુજરાતીઓનાં નામોની સૂચિ બનાવવી હોય તો કયાં ચાળીસ નામો આવે? પશ્ચિમમાં 'હોલ ઑફ ફેમ' પ્રકારની એક વિભાવના છે, 'ઑલ ટાઈમ ગ્રેટ' પ્રકારની મૂલ્યવત્તા છે, આપણે ત્યાં આ પ્રકારનો મનોવ્યાયામ કરવાની પરંપરા નથી. અને મહાનતમ કે શ્રેષ્ઠતમ કે સર્વોત્તમ એટલે શું એ વિશે પણ સંપૂર્ણ મતાંતર રહેશે. એનો માપદંડ નથી. મારી પાસે એક જ કીર્તમાન છે: એ નામ જેણે ગુજરાત અને ગુજરાતી શબ્દોને ગરિમા આપી છે! સ્થળ અને કાળના કોઈક મિલનબિંદુ પર આ નામે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એ નામો પર ગુજરાતનો હક છે, કારણ કે એમનો સંબંધ ગુજરાતીતા સાથે છે. મારી સમજના વ્યાપની મર્યાદા વિશે હું સંપૂર્ણ રીતે સભાન છું, મને ફક્ત એટલી જ ખબર છે કે પ્રથમ નામ શ્રીકૃષ્ણ છે, અને અંતિમ નામ મોહનદાસ કરમચંદ ગાંધીનું છે, અને એ બેની વચ્ચે મારે 38 અન્ય ગુજરાતી નામોની સૂચિ ગોઠવવાની છે. કોઈપણ વ્યક્તિ પોતાના મૂડમિજાજ, રસરુચિ, મતિબુદ્ધિ પ્રમાણે જ સર્વકાલીન મહાન નામો પસંદ કરવાનું સાહસ કરી શકે છે. આપણે ગાંધીજી પાસે અટકવાનું છે, કારણ કે હું સરદાર વલ્લભભાઈ પટેલ, મહમ્મદ અલી જિન્નાહ કે કનૈયાલાલ મુનશી જેવાં ઘણાં નામોને મહાન ગુજરાતીઓની સૂચિમાં મૂકી શકું છું પણ 1947ની લક્ષ્મણરેખા મેં સ્વીકારી છે. જો કોઈને ચીમનભાઈ પટેલ કે હર્ષદ મહેતા કે ટાઈગર મેમણ કે પ્રબોધ રાવળને 1947 પછીના મહાન ગુજરાતીઓની સૂચિમાં સ્થાન આપવું હોય તો એ એની મુન્સફીની વાત છે, મારો કોઈ વિરોધ નથી, કોઈ વિરોધ હોઈ શકે નહીં. અને મહાનતા માપવાની સૌની પોતાની ફૂટપટ્ટી છે.

સર્વકાલીન 40 મહાન ગુજરાતી નામો, મારી દ્રષ્ટિએ:

(1) શ્રીકૃષ્ણ: એવું મનાય છે કે ઈ.સ પૂર્વે 3101માં મહાભારતનું યુદ્ધ થયું ત્યારે શ્રીકૃષ્ણ 84 વર્ષના હતા. એમણે 24મે વર્ષે મથુરા છોડ્યું અને દ્વારકામાં સ્થિર થયા. એવું મનાય છે કે 119 કે 125 વર્ષે એમનો દેહાંત થયો. શ્રીકૃષ્ણ પ્રથમ ગુજરાતી હતા.

(2) અને (3) ભૃગુ અને વસિષ્ઠ: આ બે ઋષિઓનાં તપોવનો ગુજરાતમાં હતાં. કવિ ન્હાનાલાલના 'ગુજરાત' કાવ્યમાંથી:

આર્યનું સાગરતીર્થ પુરાણ 
તપોવન ભૃગુ વસિષ્ઠના ભાણ
ગીતાના ગાનારા મહારાજ
પાર્થના સારથિના જ્યહાં રાજ્ય...! 

(4) સુકન્યા: પ્રથમ ગુજરાતી સ્ત્રી. ભગવાન મનુના પુત્ર શર્યાતિની પુત્રી સુકન્યા.

(5) ચ્યવન ઋષિ: યુવા સુકન્યા વૃદ્ધ ચ્યવન ઋષિને પરણાવવામાં આવી હતી, જેમને ચિરયુવાનીનો આશીર્વાદ હતો. આજે આયુર્વેદિક ઔષધિ 'ચ્યવનપ્રાશ'ને આપણે ઓળખીએ છીએ.

(6) સત્યભામા: શ્રીકૃષ્ણની બીજી પત્ની, સત્રાજિતની પુત્રી.

(7) સુભદ્રા: શ્રીકૃષ્ણની બહેન, અર્જુનની પત્ની.

(8) ઊષા અથવા ઓખા: શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની. એ નર્તકી હતી. એવું મનાય છે કે ગુજરાતી 'ગરબા' નૃત્યપ્રણાલી ઊષા અથવા ઓખાએ શરૂ કરી હતી.

(9) નેમિનાથ: જૈનોના 22મા તીર્થંકર. એ શ્રીકૃષ્ણના માતામહ ઉગ્રસેનની પુત્રી રાજીમતિને પરણ્યા હતા. પછી ગિરનાર પર્વત પર એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું.

(10)  માઘ: સંસ્કૃત કવિ. એમનું નાટક 'શીશુપાલવધ' સંસ્કૃતની મહાકૃતિઓમાં સ્થાન પામે છે.

(11) ભિક્ષુ ધર્મગુપ્ત: લાટ પ્રદેશના ગુજરાતી. 25મે વર્ષે ભિક્ષુ થયા. તુખાર, બદક્ષાન, કારગર, ચીની, તુર્કસ્તાન, તુર્ફાન, ચાંગ પ્રદેશોમાં જીવનભર ભ્રમણ કરીને, ચીની ભાષાનો અભ્યાસ કરીને, સંસ્કૃતમાંથી ચીનીમાં અનુવાદો કર્યા. ચીનમાં 29 વર્ષ રહીને આ ગુજરાતી બૌદ્ધ ભિક્ષુ ધર્મગુપ્ત સન 617 કે 619માં ચીનના લોયોક નગરમાં અવસાન પામ્યા.

(12) વાત્સ્યાયન: કામસૂત્રના અમર સર્જક દક્ષિણ ગુજરાતના હતા.

(13) સિદ્ધરાજ જયસિંહ: ઉત્તર ગુજરાતના પાલનપુરમાં જન્મેલા, સાહિત્યમાં સજીવ થઈ ગયેલા ગુજરાતના રાજવી જયસિંહદેવ સિદ્ધરાજ.

(14) કુમારપાળ: ગુજરાતના યશસ્વી જૈન રાજા.

(15) હેમચંદ્રાચાર્ય: પ્રકાંડ જૈન વિદ્વાન, જેમને 'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ લગાવવામાં આવે છે. 84મે વર્ષે એ પાટણમાં કાલધર્મ પામ્યા હતા.

(16) મીરાંબાઈ: હિન્દુસ્તાનના ભક્તિયુગની શ્રેષ્ઠ કવયિત્રી, જે રાજસ્થાન છોડીને ગુજરાતમાં સ્થિર થઈ હતી.

(17) નરસિંહ મહેતા: વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે! ગુજરાતી ભાષાના પ્રથમ કવિ (જૈનો માને છે કે નરસિંહ મહેતાના પહેલાં ઘણા જૈન ગુજરાતી કવિઓ થઈ ગયા છે.) એ ભાવનગર પાસેના તળાજાના હતા.

(18) જેશિંગભાઈ: અમદાવાદના જેશિંગભાઈએ વિચિત્ર વીણા વાદ્યનું સર્જન કર્યું હતું.

(19) બૈજુ બાવરા: ચાંપાનેરનો બૈજુ બાવરા સંગીતકાર તાનસેનનો સમકાલીન હતો, દીપક રાગ ગાતાં પાગલ થઈ ગયો હતો.

(20) તાનારીરી: તાના અને રીરી બે બહેનો હતી, અથવા એક જ સ્ત્રી હતી. પાગલ બૈજુ બાવરાને મલ્હાર રાગ ગાઈને ફરીથી સ્વસ્થ્ય કર્યો હતો, તાનારીરી વડનગરની હતી.

(21) દાદુ દયાલ: ધુનિયાં જાતિના દાદુ દયાલ અમદાવાદમાં જન્મ્યા હતા અને એમનો દેહાંત રાજસ્થાનના નરાણા ગામમાં થયો હતો. ભક્તિયુગના પ્રમુખ કવિ.

(22) રાણકદેવી: ગુજરાતના ઈતિહાસનું રોમાંચક પ્રિય પાત્ર, જૂનાગઢના રા' ખેંગારની રાણી, જેના બે પુત્રોને એની સામે કતલ કરવામાં આવ્યા હતા. સિદ્ધરાજ રાણકને બંદી કરીને પાટણ લઈ જઈ રહ્યો હતો, પણ સુરેન્દ્રનગર પાસે ભોગાવો નદીને કિનારે રાણકદેવી સતી થઈ ગઈ.

(23) મુંજાલ મહેતા: ગુજરાતના ઈતિહાસ અને નવલકથાઓના કલ્પનાવિશ્વના મહાઅમાત્ય 'ગુજરાતનો નાથ' કૃતિમાં અમર થઈ ગયા છે. ચાણક્યનીતિ સામે સુખ્યાત રાજનીતિજ્ઞ.

(24) લલ્લુજીલાલ: હિન્દી સાહિત્યનો આરંભ કરનાર પ્રથમ લેખક, જે ગુજરાતી ઔદિચ્ય બ્રાહ્મણ હતા. 'હિન્દી ગદ્ય પિતા' લલ્લુજીલાલ 1764માં આગ્રામાં જન્મ્યા, 1826માં અવસાન પામ્યા, મૂળ આગ્રાના હતા અને કલકત્તાની ફોર્ટ વિલિયમ કોલેજમાં નોકરી કરતા હતા.

(25) વલી ગુજરાતી: ઉર્દૂ સાહિત્યનો પ્રારંભ 'વલી'થી થયો છે, જે અમદાવાદના ગુજરાતી હતા (વલી પહેલાં શુજાઉદ્દીન નામના ગુજરાતી કવિનો ઉલ્લેખ મળે છે.) વલીને 'બાબા-એ'-રેખ્તા' કહેતા હતા. હિજરી 1118માં વલીનું અમદાવાદમાં અવસાન થયું અને અમદાવાદમાં જ એ દફન થયા છે.

(26) સ્વામી સહજાનંદ: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદનો જન્મ 1781માં, દેહોત્સર્ગ 1830માં, આયુષ્ય 49 વર્ષનું, ધર્મધુરા 1802માં માત્ર 21મે વર્ષે સંભાળી. આજે એ ભગવાન શ્રી સ્વામિનારાયણના પર્યાયવાચી બની ગયા છે.

(27) કાનજી માલમ: કચ્છી સાગરખેડુ, જેમણે વાસ્કો ડા' ગામાનાં વહાણોને મોન્સુની પવનોથી બચાવીને દક્ષિણ-પૂર્વ આફ્રિકાથી ભારતવર્ષના સાગરતટનો સમુદ્રીમાર્ગ બતાવ્યો, અને એ વહાણોને પાયલટ કર્યાં.

(28) દયાનંદ સરસ્વતી: આર્યસમાજના સ્થાપક, પ્રખર હિન્દુ પુરસ્કર્તા, મૂળ મોરબીના ટંકારામાં જન્મ, અને એ સમયે નામ મુન્શીરામ. અંતે એક મહારાજાની મુસ્લિમ રખાતે દૂધમાં કાચનો ભૂકો નખાવીને દગાબાજીથી હત્યા કરી હતી. હિન્દુ ધર્મના સર્વકાલીન મહાપુરુષ.

(29) રૂપજી ધનજી: 1692માં કાઠિયાવાડના દીવ બંદરથી નીકળીને મુંબઈના ટાપુ પર ઊતરનાર પ્રથમ ગુજરાતી.

(30) નર્મદ: ગુજરાતી ભાષાના વિપ્લવી કવિ-સુધારક, જે અર્વાચીનોમાં આદ્ય અને આદ્યોમાં અર્વાચીન ગણાય છે.

(31) ગોવર્ધનરામ ત્રિપાઠી: 'સરસ્વતીચંદ્ર'ના સર્જક, ગુજરાતીના નવલકથાકારોના પિતામહ.

(32) પ્રેમચંદ રાયચંદ: સુરતના જૈન શાહ સૌદાગર અને ગઈ સદીના સટ્ટાબજાર સમ્રાટ, જેમણે મુંબઈનો રાજબાઈ ટાવર બંધાવ્યો. મુંબઈ મહાનગરના પૂરા રેક્લેમેશન પાછળ પ્રેમચંદ રાયચંદની દ્રષ્ટિ અને સખાવતો છે.

(33) શ્યામજી કૃષ્ણવર્મા: હિન્દુસ્તાનના ક્રાન્તિકારોના આદિ પુરુષ અને પ્રેરણાસ્રોત, શ્યામજી કૃષ્ણવર્મા કચ્છના ભણસાળી પરિવારમાં જન્મ્યા હતા અને સ્વિટઝર્લેન્ડના જિનીવામાં અવસાન પામ્યા હતા.

(34) રણજી: જામ રણજિતસિંહજી ઑફ નવાનગર ક્રિકેટના બેતાજ નહીં પણ તાજદાર બાદશાહ.

(35) સયાજીરાવ ગાયકવાડ: ગુજરાતીની બુદ્ધિમતાને ધારદાર કરનાર વડોદરાનરેશ, જેમનું આપણા ઉપર અસીમ ઋણ છે.

(36) શ્રીમદ રાજચંદ્ર: 33મે વર્ષે જીવન સમાપ્ત કરનાર જૈન ધર્મધુરંધર, અને ગાંધીજીના ગુરુઓમાંના એક. આધુનિક યુગમાં શ્રીમદની કક્ષાના જૈન ચિંતકો રહ્યા નથી.

(37) પંડિત સુખલાલજી: લગભગ જીવનભર અંધ રહેલા પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી જૈન વિદ્વત્પરંપરાના અંતિમ ધ્રુવતારક હતા.

(38) કવિ ન્હાનાલાલ: ગુજરાતે જીવનભર અન્યાય કર્યો, અને એમણે ગુજરાતને જીવનભર પ્રેમ કર્યો, આપણી પ્રજાકીય ટ્રેજેડીના પ્રતિઘોષરૂપે કવિ ન્હાનાલાલ મહાકવિ દલપતરામના યશસ્વી ચોથા પુત્ર હતા. એ 79 વર્ષ જીવ્યા (1877 - 1946), 45 વર્ષો સુધી લખ્યું.

(39) જમશેદજી નસરવાનજી ટાટા: ટાટા ઉદ્યોગોના પિતા.

(40) મોહનદાસ કરમચંદ ગાંધી: મોહનદાસ કરમચંદ ગાંધી.


ગુજરાત શું છે?  ગુજરાતી શું છે? ગુજરાતીતાની કશિશ શું છે? શ્રીકૃષ્ણથી તમારા અને મારા સુધીના અનગિનત જીવોએ આ શબ્દોને આકાર આપ્યો છે.

'મહાજાતિ ગુજરાતી' નામના મારા પુસ્તકમાં મેં પ્રથમ પ્રકરણને અંતે લખ્યું છે: કદાચ 'દાઝ' જેવો શબ્દ આ ભાષા જ આપી શકે. દાઝ એટલે લાગણી, અનુકંપા, પ્રેમ, ચીડ, ગુસ્સો, દ્વેષ, વેર બધું જ! માનસશાસ્ત્રનાં 'લવ-હેટ' જેવું કંઈક. ગુજરાત માટે મને દાઝ છે... અને એ ઉપરના બધા જ અર્થોમાં.

ગુજરાત એક મશાલ છે અને ગુજરાતી એ મશાલની જ્વાલા છે. 

(અભિયાન: દિવાળી 1994)

(પુસ્તક: અસ્મિતા ગુજરાતની)