કૌભાંડ ગુજરાતી ભાષાનો એ શબ્દ છે કે જે દરેક નાના છોકરાને ખબર છે, પણ એ શબ્દના ગોત્ર વિશે વિદ્વાનો હજી બેખબર છે. કૌભાંડ શબ્દ ગુજરાતી સમાચારપત્રોમાં પહેલાથી 12મા કે 16મા કે 18મા પાના સુધી સતત ઊછળતો રહે છે. કૌભાંડ રાજકારણથી રસોઈકારણ સુધી લાગુ પડી શકે છે, અને મને લાગે છે કે આ શબ્દ મૂળ રસોડામાંથી બહાર આવ્યો હશે! સંસ્કૃત શબ્દકોશમાં કૌભાંડ શબ્દ નથી. હિંદી શબ્દકોશમાં કૌભાંડ શબ્દ નથી. પણ આપણે ગુજરાતીઓ ધન્ય ધન્ય થઈ જઈએ એવી વાત એ છે કે કૌભાંડ શબ્દ ગાંધીજીવાળા સાર્થ જોડણીકોશમાં છે. 287મા પાના પર શબ્દ કૌભાંડ છે, સામે લખ્યું છે કે જુઓ કુભાંડ, અને આપણે રિવર્સ ગિયરમાં 265માં પૃષ્ઠ પર આવીએ છીએ: કુભાંડ મૂળ સંસ્કૃત કુકભંડ પરથી. તરકટ, તોહમત, આળ. આજે 1996ના કળિયુગમાં હિંદુસ્તાનમાં કૌભાંડ એટલે સ્કેન્ડલ, પૈસાનો ગોટાળો, સત્તાનો દુરુપયોગ કરીને પ્રાપ્ત કરાતી સમૃદ્ધિ માટેની પ્રવૃત્તિ એવો અર્થ થાય છે.
હિંદીમાં ભાંડ શબ્દ છે, સામે લખ્યું છે: ભાંડા! ભાંડા એટલે વાસણ, બરતન, તેલ કા કુપ્પા. ભંડા ફોડ દિયા... એવો પ્રયોગ થાય છે. મરાઠીમાં વાસણ માંજવાને માટે 'ભાંડી ઘસાયચી' એવો શબ્દપ્રયોગ વપરાય છે. કૌભાંડ કે કુભાંડમાં જે ભાંડ છે એ વાસણ છે, માટે મારો અંતરાત્મા કહે છે કે આ કૌભાંડ મૂળ રસોડાની ઉત્પત્તિ છે! કાળક્રમે રાજકારણીઓ રસોડામાં ઘૂસ્યા અને કૌભાંડનો જન્મ થયો. હિંદીવાળા તો 'ભાંડા મે જી દેના' જેવું વાક્ય વાપરે છે. એટલે શું? આ વાક્યનો સુઅર્થ છે: કિસી પર દિલ લગા હોના. વાસણ, દિલ, રાજકારણી... આ એક ખતરનાક કૉમ્બિનેશન છે. રાજકારણીઓના વિવિધ પ્રકારનાં તરકટો અને કરતૂતો અને કારસ્તાનો માટે છાપાંવાળાઓ હવે એક જ સ્ટિકરથી કામ ચલાવી લે છે : કૌભાંડ.
સંસ્કૃતમાં 'ભાણ્ડમ' છે. ક્ષીરભાંડમ એટલે દૂધ રાખવાનું વાસણ. નીલભાંડમ એટલે નીલ (ગળી?) રાખવાનું વાસણ. ભણ્ડાગાર એટલે ભંડાર. એક ભાણ્ડપતિ નામનો શબ્દ પણ છે, અર્થ છે સૌદાગર. કૌભાંડ શબ્દને સ્વાભાવિક રીતે જ લાંચ શબ્દ સાથે સંબંધ છે. ગાંધીજીવાળો સાર્થ ગુજરાતી શબ્દકોશ જેમ કૌભાંડનો અર્થ અને વ્યુત્પત્તિ આપે છે એમ લાંચની વ્યુત્પત્તિ પણ આપે છે. મૂળ સંસ્કૃત લંચા પરથી લાંચ શબ્દ આવે છે. અમલદારને કે ઉચ્ચ અધિકારીને છૂપી રીતે અપાતી કે લેવાતી અઘટિત રકમ કે ભેટ ગુજરાતી ભાષામાં લાંચ કહેવાય છે. એટલે આપણા પૂર્વજો લંચાની વાતથી માહિતગાર હતા...
અંગ્રેજીમાં અરાજકતા જરા ઓછી છે. કૌભાંડ અને ગોટાળા માટે એક જ સર્વસ્વીકૃત શબ્દ છે: સ્કેન્ડલ ! એ સ્કેન્ડલ શબ્દમાં આર્થિક કૌભાંડથી જાતીય સ્ખલન સુધી લગભગ બધું જ આવી જાય છે. બૅંકમાંથી પૈસા ઉચાપત કરવાથી માંડીને પ્રિન્સેસ ડાય (ડાયાના)ની પરપુરુષો સાથે રંગરેલિયં સુધીની ઘણીબધી પ્રવૃત્તિઓ માટે સ્કેન્ડલ કે સ્કેન્ડેલસ જેવા શબ્દો બેરોકટોક વાપરી શકાય છે. અંગ્રેજીમાં એક કહેવત પણ છે: વન મેન્સ સ્કેન્ડલ ઈઝ અનધર મેન્સ સ્લેન્ડર! બીજાને બદનામ કરવા વપરાતી ભાષા એ સ્લેન્ડર કહેવાય છે. સ્કેન્ડલ સ્લેન્ડર બન્ને શબ્દો અર્થની દ્રષ્ટિએ વિરોધી શબ્દો છે પણ ગોત્રની દ્રષ્ટિએ બન્ને શબ્દો સગોત્રી છે.
સ્કેન્ડલ શબ્દની વ્યુત્પત્તિ શું છે? મૂળ ગ્રીક શબ્દ છે: સ્કેન્ડેલોન ! અને સ્કેન્ડેલોન એક એવું ષડયંત્ર હતું જે ઊછળીને પકડી લેતું હતું. કંઈક છુપાયેલી વસ્તુ જે એકાએક પ્રકટ થઈ જતી હતી. સમથિંગ ફિશી ! ફિશ અથવા માછલી પણ પાણીની અંદર જ રહે છે, સંતાયલી, છુપાયલી વસ્તુ જે એકાએક લપકે છે. સ્કેન્ડલની સાથે અંગ્રેજીમાં એક શબ્દ વપરાય છે: કવર-અપ! એટલે ઢાંકપિછોડો. ઢાંકી દેવું. દ્રષ્ટિથી દૂર લઈ જવું. પર્દાફાશ કરવું, બેનકાબ કરવું, અને પછી પડદો પાડી દેવો. ગ્રીક સ્કેન્ડેલોન પરથી લૅટિન ભાષામાં સ્કેન્ડલૅમ આવ્યું, અને અર્થ પણ જરા બદલાયો. લૅટિન શબ્દનો અર્થ થયો: ઠોકર ખાવાનું કારણ ! કાળક્રમે પ્રાચીન ફ્રેંચમાં એસ્કાન્દલ શબ્દ આવ્યો. પછી આ એસ્કાન્દલનું એક રૂપ એસ્કલાન્દ્રે અને એમાંથી આપણો આજનો સ્લેન્ડર શબ્દ આવ્યો. એક જ મૂળ ગ્રીક શબ્દમાંથી નીકળેલા બે શબ્દો આજે વિરોધીઅર્થી બની ગયા છે : સ્કેન્ડલ અને સ્લેન્ડર.
જેમ ખરાબ શબ્દો છે એમ સારા શબ્દો છે, અને સારા શબ્દોની વ્યુત્પત્તિ પણ એવી જ રસપ્રદ છે. ઘણી વાર સરસ નામોની પાછળ રોમાંચક કહાનીઓ હોય છે. ઈન્ડોનેશિયામાં આજે એક નામ દરેક ઘરમાં લોકપ્રિય બની ચૂક્યું છે અને આપખુદ સુહાર્તોની સામે એક વ્યક્તિ વિરોધપક્ષ તરીકે મેગાવતી સુકર્ણોપુત્રીનું નામ લેવાય છે. એક મુસ્લિમ દેશમાં એક સંસ્કૃત અને હિંદુ નામ કેવી રીતે પડ્યું એ જિજ્ઞાસાનો વિષય છે. હમણાં એક ભારતીય રાજનીતિજ્ઞ મેગાવતીને મળ્યા ત્યારે મેગાવતીએ સ્વયં રહસ્યસ્ફોટ કર્યો.
મેગાવતી સુકર્ણોપુત્રી |
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો જવાહરલાલ નેહરુના ઘનિષ્ઠ મિત્ર હતા. ડચ શાસકોના ઘેરામાં જ્યારે સુકર્ણો ફસાઈ ગયા હતા ત્યારે નેહરુએ એક ઈન્ડિયા પાઈલટને મોકલ્યો હતો અને આ ઈન્ડિયન વિમાનચાલક ડૉ. સુકર્ણોને ડચ ફૌજના ઘેરામાંથી બચાવીને, ઉડાવીને સલામત જગ્યાએ લઈ આવ્યો હતો. આ પાઈલટ એ ઉડિસાના પૂર્વ મુખ્યમત્રી બૈજુ પટનાયક, જે આજે પણ હિંદુસ્તાનની લોકસભામાં એક વરિષ્ઠ સાંસદ તરીકે બિરાજે છે. પછી બૈજુ પટનાયક સુકર્ણોના અંતરંગ મિત્ર બની ગયા. મેગાવતીએ કહ્યું કે જે રાત્રે હું જન્મી એ રાત્રે મારા પિતાએ બૈજુ પટનાયકને ડિનર આપ્યું હતું. એ વખતે મારા પિતાએ પટનાયકને પૂછ્યું કે મારી દીકરી જન્મી છે, એને માટે કંઈક નામ સૂચવો ! એ રાત્રે સખ્ત વરસાદ પડી રહ્યો હતો. પટનાયકે કહ્યું કે આ દીકરીનું નામ વાદળોની દેવીઓ પાડો... વાદળોની દેવી : મેગાવતી (મેઘાવતી) ! અને મેગાવતી સુકર્ણોપુત્રી નામ અસ્તિત્વમાં આવ્યું. આજે મેગાવતીની એક બહેનનું નામ પણ ઈન્ડોનેશિયાના રાજકારણમાં લેવાવા માંડ્યું છે. એ બહેનનું નામ: સુકમાવતી (સુખમાવતી?) સુકર્ણોપુત્રી...
કૌભાંડ જેવા શબ્દો પ્રાચીન સંસ્કૃતમાં ન હતા. પણ સંસ્કૃતના દરેક શબ્દની પાછળ કંઈક રોમાંચક વાત હોય છે. આદિત્ય એટલે સૂર્યને એ ઘણાને ખબર હોય છે, પણ મિત્ર રમેશ પુરોહિતે આ શબ્દની વ્યુત્પત્તિ સમજાવી. સંસ્કૃતમાં 'દા' એટલે આપનાર અને 'આદા' લેનાર કે લેવુંના અર્થમાં આવે છે. દા ઉપરથી દદાતિ અથવા આપે છે એવું આવે છે. આદિત્ય શબ્દ એ અર્થમાં વપરાય છે કે જે લઈ જાય છે. અર્થાત સૂર્ય એ શક્તિ છે જે રોજ સૂર્યાસ્તની સાથે સાથે આપણા આયુષ્યનો એક અંશ લઈ જાય છે ! સૂર્ય જીવન આપે છે, અને દરેક સૂર્યાસ્તની સાથે સાથે આપણું આયુષ્ય પણ થોડું થોડું હોલવાતું જાય છે...
(અભિયાન : ડિસેમ્બર 2, 1996)
(પુસ્તક: ભારત મહાન)
No comments:
Post a Comment