April 29, 2013

થોડી ટચૂકડી...

જોઈએ છે: 1988 અને 1989નાં 'સમકાલીન' દૈનિકની પ્રતો. એક 6 વર્ષના ગુજરાતી બાળકને અંગ્રેજી શબ્દો શીખવા માટે. લખો બોક્સ નં...

* * * 

એક કવિની વાર્ષિક સરકારી પારિતોષિક પ્રાપ્તિના સમારોહ પ્રસંગ માટે ચાર 75 કિલો ઉપર વજનના શેઠિયાઓની જરૂર છે. એમનામાં સાડા ત્રણથી ચાર કલાક સુધી બાથરૂમ ગયા વિના મંચ પર વિડિયો લાઈટોના પ્રકાશમાં બેસી રહેવાની ધૈર્યશક્તિ હોવી જરૂરી છે. મંચ પરથી બોલતાં આવડવું જ જરૂરી નથી, પણ એ જ આવડતું હશે તો પસંદગીમાં સહાયક થશે. કવિને પ્રતિવર્ષ ઈનામો મળે એવી વ્યવસ્થા થઈ શકે એમ છે. એટલે આ ચાર શેઠિયાઓ સાથે ત્રણ કે પાંચ વર્ષનો વાયદાકરાર પણ થઈ શકે છે. ટેલિફોન પર સંપર્ક કરો: ફોન નં... 

* * * 

એક સાંધ્ય દૈનિકને શોકસભા પૂર્તિનું સંપાદન સંભાળવા માટે એક નિવૃત્ત પત્રકારની જરૂર છે. ઉમેદવારને દર સપ્તાહે પોતાનાં પસંદપાત્રો વિષે લખવાની સ્વતંત્રતા આપવામાં આવશે. દર મૃત્યુનોંધદીઠ પૂર્તિસંપાદકને ઈન્સેન્ટિવરૂપે 50 પૈસા આપવાનું ધોરણ નક્કી થયું છે. પગાર અને અન્ય બાબતો રૂબરૂમાં ચર્ચી શકાશે. આ પૂર્તિમાં એક કોલમ 'કદાચ મરી ગયેલાઓ' વિષે હશે, જે ક્વિઝ પ્રકારની રહેશે, એને એમાં સાચા ઉત્તરદાતાઓને ઈનામો અપાશે. લખો બોક્સ નં... 

* * * 

અમારા પ્રતિષ્ઠિત અને એકમાત્ર પ્રકાશન 'કાઠિયાવાડી ગાળોનો અપશબ્દકોશ' પ્રેસમાં છે, જે બે માસમાં બજારમાં આવી જશે. એને માટે ગામેગામ એજન્ટો નીમવાના છે. સંપર્ક કરો: બોક્સ નં... 

* * * 

જરૂર છે એક તેજસ્વી મહિલાની, જે ઈન્ટરવ્યુ લેવામાં નિપુણ હોય. સવારે અંધારામાં દૂધની ડિલિવરી આપવા આવતા જવાન છોકરાઓની સેક્સ-લાઈફ વિષે એક અભ્યાસરિપોર્ટના ભાગરૂપે આ કામ કરવાનું છે. આ કાર્ય અમેરિકાની યુનિવર્સિટી ઓફ લેફ્ટ વિસ્કોન્સિન દ્વારા થઈ રહ્યું છે. ઈચ્છુક મહિલાઓએ લખવું. બોક્સ નં... 

* * * 

(તંત્રીને પત્ર): તંત્રીશ્રી: જૂનના પ્રથમ સપ્તાહમાં ગાંધી મેદાનમાં ગવર્નરની ઈલેવન અને ચીફ મિનિસ્ટરની ઈલેવન વચ્ચેની ક્રિકેટ મેચ ચાલતી હતી ત્યારે એક દુર્ઘટના બની ગઈ. ચીફ મિનિસ્ટરની ટીમના એક ફાસ્ટ બોલરે, જે ચીફ મિનિસ્ટરની સાથે જ હમણાં કોન્ગ્રેસ પક્ષમાં જોડાયો હતો, એના બોલિંગરન પર દોડીને બોલ નાખ્યો ત્યારે જ એનું પેન્ટ નીકળી ગયું. પણ આ દુર્ઘટના નથી. દુર્ઘટના એ છે કે એમ્પાયરે એને 'નો-બોલ' કહ્યો. પાછળથી ખબર પડી કે એમ્પાયર ભાજપી હતો. જો ભાજપીઓને રમતનું અમ્પાયરિંગ આવડતું નથી તો શા માટે એ લોકો આવી જવાબદારી લેતા હશે?... આપનો વિશ્વાસુ... 

* * * 

ભૂલસુધાર: ગયા રવિવારે અમારી ટચૂકડી છપાઈ હતી: કાંદિવલી કે મલાડ તરફ 250 ચોરસ ફીટની કન્યા વ્યાજબી ભાવે જોઈએ છે. દલાલો માફ કરે. ફક્ત પાર્ટીઓ સીધો સંપર્ક કરે. બોક્સ... આ ટચૂકડીમાં અમારા માનવંતા ગ્રાહકોએ કન્યાને બદલે જગ્યા વાંચવું. ગ્રાહકોને પડેલી તકલીફ બદલ ક્ષમાયાચના...

* * * 

વાળ જોઈતા નથી?  અમારું 'સફાચટ' હેર-લોશન વાપરો. મહિલાઓ માટે ખાસ મોટું પેકિંગ પણ મળે છે. અમારું એડ્રેસ...

* * * 

સલમા ! તલાક... તલાક... તલાક...! રશીદ.

* * * 

અમદાવાદસ્થિત મહિલા ગુજરાતી ટીવી કલાકારને ગુજરાતી ટીવી સિરિયલમાં રોલ જોઈએ છે. સ્ક્રિપ્ટમાં હિંદી અને અંગ્રેજી શબ્દો વધારેમાં વધારે આવવા જોઈએ. રવિવારે પણ શૂટિંગ માટે ખાસ તૈયાર છે. બોક્સ...

* * * 

ભાઈ અશ્વિન: તું ચાલ્યો ગયો છે પછી કોઈ ઘરમાં અડધો કલાક સુધી ફોન પણ એંગેજ્ડ રાખતું નથી. તારા રૂમના પંખાની સ્વિચ બંધ કરવી પડતી નથી કે છાપાને ગડી કરીને મૂકવું પડતું નથી. મ્યુઝિક સિસ્ટીમ બંધ પડી છે અને કેસેટો પર ધૂળ ચડી રહી છે. લોબીમાં તારા બૂટ પણ આડાઅવળા પડેલા દેખાતા નથી. તું જ્યાં હો ત્યાંથી જલદી પાછો આવી જા. હવે તને નાહીને ટુવાલ સૂકવવાનું કોઈ નહીં કહે. તારી વ્યથિત, મમ્મી.

* * * 

અમે છેલ્લાં 15 વર્ષોથી શરીરની કિડનીઓ લઈએ છીએ અને વેચીએ છીએ. જે સજ્જનો અને સન્નારીઓને એમની કિડનીઓ વેચવી હોય એમણે નમૂનાઓ લઈને આવવું. મળવાનો સમય સવારે 10થી 12, એપોઈન્ટમેન્ટ લઈને પત્રવ્યવહાર થશે તો એ ખાનગી રાખવામાં આવશે. છૂટક, જથ્થાબંધ અને સેકન્ડહેન્ડ કિડનીઓ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર નામ: ગ્રોમોર કિડની કંપની (પ્રાઈવેટ) લિમિટેડ,... મુંબઈ 400 071 (અમારે કોઈ એજન્ટ નથી).

* * * 

વિખ્યાત ગુજરાતી નાટ્યઅભિનેત્રી આત્મકથા લખવા માગે છે. ગુજરાતી ભાષામાં અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. લખતાં અને વાંચતાં શીખવી શકે એવા શિક્ષકની જરૂર છે (શિક્ષિકાબહેનો માફ કરે!). વાંચતા અને લખતાં શીખવી શકે એને મોંમાગ્યો પગાર મળશે. બોક્સ...

* * * 

પ્રિય ગુજેશ! વર્ષો આવશે અને વર્ષો જશે. પણ હું તારી રાહ જોયા કરીશ. તું બહુ યાદ આવે છે, રાત્રે સૂતાં પહેલાં ગરમ દૂધ પીતી વખતે ખાસ! તારી અને ફક્ત તારી જ,... મિલ્કી! 

* * * 

ઘર ચલાવવા માટે અને સંભાળ રાખવા માટે એક બહેનની જરૂર છે, ગુજરાતી કવિ અને એમની એરોબિક્સના અંગકસરતના વર્ગો ચલાવતી પત્ની માટે. કવિની સંભાળ રાખવા માટે જુદો પગાર મળશે. દસ દિવસમાં તંદુરસ્ત સ્ત્રીઓએ શરીરના ફોટા સાથે (ચહેરાની જરૂર નથી) અરજી કરવી. બોક્સ...

* * *

સોળ રૂપિયાની ટિકિટો મોકલીને અમારી નવી પુસ્તિકા મગાવો: 'મને શિવામ્બુ પાઈ પાઈને કેવી રીતે પાગલ બનાવવામાં આવ્યો?' દસ પેશાબીઓના જાતઅનુભવો, જે દરેક ગુજરાતીએ વાંચવા જોઈએ. લખો: પ્રતિશિવામ્બુ પ્રતિષ્ઠાન, એડ્રેસ...

* * * 

પ્રકટ થઈ ચૂકી છે, ત્રણ અક્ષરવાળાં અને છેલ્લો અક્ષર 'જી' હો એવાં લેટેસ્ટ સેક્સી કચ્છી નામોની ડિરેક્ટરી. પ્રથમ 50 પ્રતો, વહેલો તે પહેલો ધોરણે, મફત આપવામાં આવશે. એડ્રેસ...

* * * 

ક્લોઝ અપ:
હંસ હંસ કંત ન પાઈયા જિન પાયા તિન રોય 
                                                                  - કબીર

હસીહસીને કોઈ પ્રીતમને પામ્યું નથી, જેને એ મળ્યા છે એ આંસુ દ્વારા જ મળ્યા છે.

(અભિયાન : ઓગસ્ટ 3, 1992) 
(પુસ્તક: માદા અને નારી) 

April 27, 2013

ગુજરાતીઓ, ....ફોરેઈન જતાં પહેલાં...

ગુજરાતીઓ હેરસ્ટાઈલના ક્લાસમાં જાય છે, મેંદી મુકાવે છે, ચાઈનીઝ અને મેક્સિકન કૂકિંગના વર્ગો જોઈન કરે છે, લેટેસ્ટ કપડાં પૈસાના જોરે ખરીદી નાખે છે, પણ મેનર્સ, એટીકેટ, વિદેશી રીતભાત, તેહઝીબ કેમ શીખતા નથી? ફોરેઈન જનારા ગુજરાતીઓનું પ્રમાણ અન્ય ભારતીય જાતિઓની તુલનામાં બહુ જ મોટું છે (બે અપવાદો : મલયાળીઓ, પંજાબીઓ), પણ હોટેલમાં જાહેરમાં કેમ ખાવું, દરવાજો ખોલીને કેમ પ્રવેશવું, કેમ નાચવું, કેમ અંગ્રેજી બોલવું, યજમાનના વિદેશી ટોઈલેટનો કેવી રીતે ઉપયોગ કરવો, બાથટબમાં શી રીતે નાહવું, આ બધું શીખવવાના વર્ગો કેમ નથી? ગુજ્જુ લેખકોમાં ઘણાખરા ફોરેઈન આંટો મારી આવ્યા છે અને ઘણાખરાને ટેબલ પર બેસીને ફોર્ક પકડતાં કે સુટ પહેરીને હોટેલના ફોયર કે લાઉન્જમાં બે પગ પર સીધા ઊભા રહેતાં આવડતું નથી. શી જરૂર છે? હું માનું છું કે જરૂર છે. મમ્મી મુર્ગીની પાછળ પાછળ દોડાદોડ કરતાં ચિક્સની જેમ કે મમ્મી બંદરિયાના બચ્ચાની જેમ આંખો ફાડીફાડીને એની છાતીને લીપટી રહેનારા છોટા લંગૂરની જેમ યજમાનની કારમાં ઘૂસીને યજમાનને ચોંટી રહેનાર ગુજરાતી મારો આદર્શ નથી. યુ ગોટ ટુ રફ ઈટ આઉટ, મેન...!

એટીકેટ કે મેનર્સને હું બહુ મહત્ત્વ આપું છું. હું માનું છું કે આ દેશના વિદેશમંત્રીએ નીચું મોઢું કરીને, ઊંધું ઘાલીને, હસહસ કરવા સિવાય પણ કંઈક કરવાનું હોય છે. હું માનું છું કે આપણા દેશી રાજકારણીઓમાંનો એક બહુ મોટો વર્ગ વિદેશમાં ડોબાઓમાં ખપી જતો હશે. દુનિયા એ મંડલ કમિશનનું એક્સટેન્શન નથી, તમને ગોલ્ફ અને પોકર રમતાં આવડતું જોઈએ, તમને થ્રી-પીસ-સુટ પહેરતાં આવડવો જોઈએ, તમને પેરટ્રીજના શિકાર પર કે ફિશિંગ પર જતાં આવડવું જોઈએ, તમને ચેસ્ટ અને ક્લિપ્ડ એક્સેન્ટવાળું અંગ્રેજી (દેશી ફાફડાછાપ અંગ્રેજી નહીં) સહજતાથી અનાયાસ બોલતાં આવડવું જોઈએ, તમને ફ્રેંચ બોલતાં આવડવું જરૂરી નથી પણ શાલીનતાથી કમ્યુનિકેટ કરતાં આવડવું જોઈએ, તમને ચોપસ્ટિક્સથી ચાઈનીઝ ખોરાક ખાતાં આવડવું જોઈએ, તમને જમ્યા પછી રેડ વાઈન સિપ કરતાં આવડવું જોઈએ. આ વાતો બહુ ઊંચી કક્ષાના રાજનીતિજ્ઞો કે વિદેશો સાથે ઉચ્ચ સ્તરીય સંબંધો રાખનારી વ્યક્તિઓ માટે છે.

થોડા સમય પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ હોસ્ની મુબારક ઈંગ્લંડના ઓફિશીઅલ પ્રવાસે ગયા હતા. ઈંગ્લંડની રાણી એલિઝાબેથ (દ્વિતીય)એ રોયલ ફેમિલી અને વરિષ્ઠ અંગ્રેજ અને ઈજિપ્શીઅન અફસરાન માટે એક બેંક્વેટ ડિનર આપ્યું હતું. શરૂમાં મેઝબાન રાણીએ સ્પીચ આપી: મિસ્ટર પ્રેઝિડેન્ટ ! વી આર ગ્લેડ ટુ વેલકમ યૂ એન્ડ મિસિસ મુબારક ટુ બ્રિટન... પૂરી સ્પીચનો ટોન મિત્રતાપૂર્ણ હતો અને અંતે મિસિસ મુબારકને રાણીએ સંબોધન કરીને તારીફ કરી. અને અંતમાં, ટોસ્ટ કરતી વખતે રાણીએ કહ્યું: મિસ્ટર પ્રેઝિડેન્ટ ! આઈ રેઈઝ માય ગ્લાસ ટુ યૂ એન્ડ મિસિસ મુબારક એન્ડ ટુ ધ વેલ બીઈંગ એન્ડ હેપીનેસ ઑફ ધ ઈજિપ્શીઅન પીપલ!... મહેમાન રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકે ઉત્તરની શરૂઆત કરી: યોર મેજેસ્ટી, યોર રોયલ હાઈનેસીસ, લેડીઝ એન્ડ જેન્ટલમેન!... પછી તારીફો અને પ્રંશસાઓ અને વચ્ચેવચ્ચે 'યોર મેજેસ્ટી'નું વારંવાર આવતું સંબોધન અને 'હિઝ રોયલ હાઈનેસ ધ ડ્યુક ઑફ એડિનબરો' માટે આદરભાવ સાથે ઉલ્લેખો...

આટલું બધું ફોર્મલ વર્તન આપણા લીડરોને ન આવડે એ સમજી શકાય એવું છે, કારણ કે હોસ્ની મુબારક લશ્કરની તાલીમ પામેલા છે. એક સૂચક વાત છે કે દક્ષિણ અને પૂર્વ આફ્રિકા, મધ્યપૂર્વ, ચીન, જાપાન, અગ્નિ એશિયા, દક્ષિણ અમેરિકાના દેશોના, એટલે કે તૃતીય વિશ્વના નેતાઓ સુટ પહેરે છે, આપણા નેતાઓ શા માટે ડ્રાઈવર જેવા ડ્રેસ પહેરીને (ક્લોઝ્ડ બટન્ડ-અપ ટ્યુનિક) જગતમાં ફરે છે? ટાઈ પહેરતાં આવડતી નથી માટે? રાજીવજી વિલમાં લખી ગયા છે કે કોન્ગ્રેસીઓએ આ શોફર જેવા ડ્રેસ જ પહેરવા? પણ હવે એમાં ફેરફાર આવી રહ્યો છે. હવે તો શરદ પવાર, રક્ષામંત્રી, પણ અમેરિકામાં સુટ પહેરીને ફરે છે. જ્યારે ચીનના લિ-પાંગ ભારત આવ્યા ત્યારે સુટમાં સજ્જ શરદરાવજી પવારે એમની સાથે હાથ મિલાવ્યા હતા, પણ એક હાથ પેન્ટના ખીસામાં રાખીને ! આ અત્યંત ફૂવડ મેનર્સ છે, આવું કરાય નહીં, મહેમાનનું અપમાન ગણાય, પણ બમ્બય્યા હિંદી ફિલ્મોની આ અસર હશે એવું મારું અનુમાન છે. ધીરે ધીરે બધું આવડી જશે, ગામની પટલાઈ ગામ શીખવે જેવી વાત છે...

આજની પેઢીનાં કપડાં અને અવાજો આધુનિક થઈ ગયાં છે પણ ટેબલ મેનર્સ દેખાતી નથી જેને માટે એ દોષિત નથી. મુંબઈ જેવા શહેરમાં સામાન્ય હોટેલમાં છરી અને ચમચી આપે છે, છરી અને કાંટો નહીં! એક ચાઈનીઝ હોટેલમાં જઈને ખાવાનું મગાવ્યું, સાથે ચોપસ્ટિક્સ લાવવા કહ્યું, ઉત્તર મળ્યો: અમે ચોપસ્ટિક્સ રાખતા નથી! જગતમાં થોડું ફર્યા પછી અને જાતજાતના દેશોમાં જાતજાતની ભાષાઓ બોલનારા લોકો સાથે બેસીને, જમીને, સાથે રહીને હું થોડું શીખ્યો છું. સૌથી મહત્ત્વની વાત એ છે કે વિદેશમાં જોતા રહેવું, નવું શીખવાની વૃત્તિ રાખવી, ભૂલો જરૂર થશે કારણ કે શીખવાનો એ એક જ માર્ગ છે, બુદ્ધુ બનવાની તૈયારી રાખવી અને તરત માફી માગી લેવી, અને એ બધું કરી લીધા પછી પણ એમની આખી જિંદગીના સંસ્કાર આપણી એક ટૂંકી મુલાકાતમાં આપણે સંપૂર્ણ શીખી શકવાના નથી. નવું શીખતા રહેવાની પ્રક્રિયા આજીવન છે અને 60મે વર્ષે પણ એવું ઘણું બધું છે જેના વિષે આપણને જરા પણ ગતાગમ નથી. આપણે આખી જિંદગી ભોજનના આરંભમાં સૂપ પીધો છે, જ્યારે રશિયામાં સૂપ વચ્ચે પીવાનો આવે છે. સૂપની પ્લેટ આપણી તરફ નહીં પણ સામેની તરફ ઢળતી રાખીને સૂપ પિવાય છે, જે હું હંમેશાં કરતો હતો અને સામેના ટેબલવાળો ભારતવાસી મુંબઈનગરીમાં આપણને જોઈને મલકી જાય તો ગભરાવું નહીં. આ દેશમાં દરેકને મલકવાનો અધિકાર છે.

ગરમ કોફીમાં બ્રાન્ડી નાખીને ભોજનને અંતે પિવાય છે, અને એ પહેલાં ઠંડો આઈસક્રીમ ખાઈ જવાનો હોય છે. એ લોકોને આપણા આયુર્વેદના સિદ્ધાંતોની ખબર નથી, પણ મજા આવશે. ક્યારેય ગ્રેપ એન્ડ ગ્રેઈન ભેગાં ન કરવાં (બ્રાન્ડી અને બિયર). રેડ વાઈનની બોટલ ફ્રિજમાં સુવાડીને રખાય છે! (ઔરતાના ચીજ છે, માટે?) અને કોન્યેક અથવા બ્રાન્ડી! મને લાગે છે કે વ્હિસ્કી પછી સૌથી વધારે પીવાતું એ ડ્રિંક છે.

ટેબલ પર જે છરી જરા ધારદાર કે કરકરી છે એ મટન કાપવા માટે છે અને જે છરી સુંવાળી અને લગભગ ધારહીન છે એ માછલી માટે છે. અમેરિકામાં બીફ-સ્ટેક (ઓસ્ટ્રેલિયનો સ્ટાઈક બોલે છે) જો 'વેલ ડન' મગાવ્યું તો એવું સખ્ત આવશે કે ખાઈ નહીં શકો. હાફ-ડન મગાવવાનું. અને એક સરસ વાત, ગુજરાતીઓને ગમે એવી. બધું ખાઈ ન શકાય તો 'ડોગ-પેક' કરવાનું કહેવાનું, વધેલું પેક કરી આપશે, ઘેર લઈ જવા માટે! એ લોકોને ત્યાં કૂતરો ખાઈ જશે, આપણે ત્યાં પતિ...

ક્લોઝ અપ: 
મટનો અને શરાબો મહેલોમાં સડી રહ્યાં છે
અને માણસનાં હાડકાં એમનાં દ્વારોની બહાર સડી રહ્યાં છે
                                                                                - ચીની કવિ તુ-ફૂ
                                                                                      (અભિયાન, મે 4, 1992)

(પુસ્તક: કાલ અને આજ)

April 26, 2013

શબ્દ એટલે...

હર હર મહાદેવમાં હર એટલે શું? હર એટલે શંકર એવો અર્થ જોડણીકોશ આપે છે. શંકર શબ્દ શમ+કરનો બનેલો છે અને શમ એટલે કલ્યાણ. શંકર એટલે કલ્યાણ કરનાર. કૃષ્ણ એટલે આકર્ષણ કરનારો, પોતાના તરફ ખેંચનારો. સીતા શબ્દ સીત પરથી આવે છે, હળના અગ્રભાગને સીત કહેતા હતા. સીતા ધરતીપુત્રી હતી. અર્જુન શબ્દ ઋજુ પરથી આવે છે, સરળ સ્વભાવનો. યુધિષ્ઠિર એટલે જે યુદ્ધમાં સ્થિર હતા. દુર્યોધન એટલે જેને જીતવો મુશ્કેલ છે. દુ:શાસન એટલે જેના પર શાસન કરવું કઠિન છે. દ્રોણ એટલે ડોલ, બાલટી, પાત્ર. હરિ એટલે બધી જ માયાઓનું હરણ કરનારો, દુ:ખદોષોનું હરણ કરનારો, વિનોબાએ શિવનો અર્થ આપ્યો છે: કલ્યાણ, મંગળ. અને પ્રભુ એટલે પ્રભાવશાળી.

વશિષ્ઠ એટલે જેણે ઈન્દ્રિયોને વશમાં રાખી છે. દશરથ દસ ઈન્દ્રિયોરૂપી ઘોડાઓને કાબૂમાં રાખતા હતા. વિશ્વામિત્ર વિશ્વના મિત્ર હતા. કર્ણનો અર્થ કાન છે. અભિમન્યુનો શું અર્થ છે? યજુર્વેદમાં મન્યુ એટલે અન્યાય ન સહન કરનાર ક્રોધ. આ શબ્દાર્થ સાથે અભિમન્યુને સંબંધ હોઈ શકે છે. શાન્તનુ નામ એટલા માટે પડ્યું હતું કે એ અંકુશિત વાસનાઓનું સંતાન હતો. વિદુર એટલે વધારે જાણનાર અથવા જ્ઞાની. વ્યાસનો અર્થ થાય છે, સંયોજન કે ગોઠવનાર. કેશવને કાકા કાલેકકરે આ રીતે સમજાવ્યું છે: 'ક' એટલે પાણી, 'કે' એટલે પાણીમાં પડેલું અને શવ એટલે લાશ. પ્રલય સમયે શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં શવની જેમ નિશ્ચેતન સૂતા છે એ પરથી કેશવનો અર્થ કરવામાં આવ્યો છે.

પુરુષ શબ્દની વ્યુત્પત્તિ શું છે? જે પ્રાણી શરીરરૂપી પુર કે નગરમાં રહે છે અથવા આવેશને સહન કરે છે એ પુરુષ કહેવાય છે. સૂર્ય શું છે? સરતિ આકાશે ઈતિ સૂર્ય: જે આકાશમાં સરે છે, સરકે છે એ સૂર્ય છે. પૃથ્વી શબ્દ પૃથુ પરથી આવ્યો છે. પૃથુ એટલે વિશાળ, વિસ્તીર્ણ. પ્રાર્થના એટલે ઈશ્વર પાસે પહોંચવાની ઈચ્છા એવો અર્થ વિનોબાએ કર્યો છે. ઉપવાસનો અર્થ સ્પષ્ટ છે, વાસ એટલે રહેવું. ઈશ્વરની પાસે રહેવું એવું અર્થઘટન થયું છે. મંદિરનો અર્થ પ્રમુખસ્વામીના મર્મઘટન પ્રમાણે સ્થિર મન. જે મનને સ્થિર કરે છે એ મંદિર. ભક્તિ શબ્દ સેંકડો વાર આપણે વાપરીએ છીએ પણ એનો અર્થ પંડિત કે. કા. શાસ્ત્રીના પુસ્તકમાં મળ્યો. ભક્તિ એટલે એક જ વસ્તુને આશરે જઈને રહેવું.

દરેક શબ્દની પાછળ એક કારણ હોય છે અને કારણ કે હેતુ, મૂળ કે ધાતુ શોધવી એ વ્યુત્પત્તિનું કામ છે. ઘણી વાર એ મળી જવાથી એ સમયના સમાજશાસ્ત્રથી ઈતિહાસ સુધીની ઘણી માહિતી મળી શકે છે અને આપણે શું બોલીએ કે લખીએ છીએ એ વિષે સ્પષ્ટતા થઈ જાય છે. પણ વ્યુત્પત્તિ વિષે એક પણ પુસ્તક ગુજરાતીમાં જોવામાં આવ્યું નથી એટલે ખોદીખોદીને એકએક શબ્દની ઉત્પત્તિ શોધવી પડે છે. ગુજરાતની સાહિત્ય અકાદમી, કલાસંસ્કૃતિના રખેવાળો, વિશ્વવિદ્યાલયો, ગુજરાતીના અધ્યાપકો ગમે તે આ કામ શરૂ કરી શકે છે કારણ કે ગુજરાતી શબ્દનું ગોત્ર શોધવાની પ્રવૃત્તિ માટે લાઈસન્સ લેવાની જરૂર નથી. માણસ ઘરમાં બેસીને પણ એ કાર્ય શરૂ કરી શકે છે. જરૂર છે માત્ર કાર્યાર્થીઓની.

ડૉ. આંબેડકરે આર્ય શબ્દ વિષે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા આપી હતી. બે શબ્દો છે: અર્ય અને આર્ય. એમના વિધાન પ્રમાણે અર્ય શબ્દ ઋગ્વેદમાં 88 વાર વપરાયો છે, જ્યારે આર્ય શબ્દ 31 વાર વપરાયો છે. પણ આ શબ્દ જાતિના અર્થમાં વપરાયો નથી, અર્ય કે આર્ય એક પણ નહીં. આ પ્રકારનાં આશ્ચર્યો શબ્દશોધકોને સતત મળતાં રહે છે. કુરઆનમાં ખુદા શબ્દ ક્યાંય વપરાયો નથી જેનું મુસ્લિમોને કદાચ આશ્ચર્ય થઈ શકે છે પણ ભાષાશાસ્ત્રી માટે એ રહસ્ય નથી. કુરઆન અરબી ભાષામાં છે, અને અરબી શબ્દ અલ્લાહ છે. ખુદા એ ફારસી શબ્દ છે માટે કુરઆનમાં નથી. આ જ રીતે એક વાત ઉમાશંકર જોષીએ એમના શાકુન્તલના અનુવાદની પ્રસ્તાવનામાં નોંધી છે. કાલિદાસે પૂરા શાકુન્તલમાં પ્રેમ શબ્દ વાપર્યો નથી. આ શબ્દ આપણે ત્યાં યુરોપીય અસર નીચે આવ્યો છે. કાલિદાસે દુષ્યન્ત અને શકુંતલાના સંબંધ માટે જુદા જુદા શબ્દો વાપર્યા છે: અભિલાષ, મન્મથ, રતિ, અભિનિવેષ, અનુરાગ, મનોરથ આદિ. ઓશો રજનીશ માને છે કે લવ શબ્દ સંસ્કૃત લુભ (લોભ) પરથી આવ્યો છે (લવમાં કેટલા ટકા લોભ હોય છે?).

શૃંગારમાં શૃં એટલે શિખર અને ગાર એટલે ચડવું, અર્થ ઉન્નત શિખર પર ચડવું એવો થાય છે. શ્રદ્ધાથી થતી વસ્તુ શ્રાદ્ધ કહેવાય છે. રામનો અર્થ બધાના હૃદયમાં રમનારો એવો અર્થ વિનોબાએ કર્યો છે. માનદ એટલે? માનદ એટલે જે બીજાને માન આપે છે એ! એનો વિરોધી શબ્દ પણ વિષ્ણુસહસ્ત્રનામમાં છે, અમાની, અને એનો અર્થ થાય છે જે પોતાને માટે માન માગતો નથી! (ગુજરાતી ભાષામાં આ શબ્દ સજીવન કરવો જોઈએ!) નારાયણનો અર્થ નરસમૂહ કરવામાં આવ્યો છે. નર અને દોરી જનારો અથવા નેતા. નેતા શબ્દ ઉપનિષદમાં સમજાવ્યો છે. અશિત એટલે ખાધેલો ખોરાક અને એને લઈ જનાર કે દોરી જનાર એ પાણી છે જેને માટે અશનાયા શબ્દ વપરાયો છે. પાણી એ ખોરાકનો નેતા છે. અશન એટલે ભક્ષણ, અશના એટલે ભૂખ. હવે એકાસણુંથી અનશન સુધીના શબ્દો ખૂલી જાય છે. દેવ શબ્દ દિવ એટલે પ્રકાશવું પરથી આવે છે. દાનવો અને દૈત્યો વિષે વ્યુત્પત્તિ જરા જુદી છે. દિતિના સંતાનો દૈત્ય કહેવાયાં અને દનુનાં સંતાનો દાનવ કહેવાયાં. મૃતકના અગ્નિદાહ વિષે એક વાત વાંચી હતી. હિંદુ શરીરનું દહન થાય છે, અને એની રક્ષા (જેના પરથી રાખ શબ્દ આવે છે) થાય છે! આ શબ્દ વિદ્વાનોનું થોડું વિશ્લેષણ માગી લે છે. ચિતા પરથી ચૈત્ય આવે છે, સ્થૂળ અર્થમાં જે ચાર દીવાલોથી ઘેરાયેલું છે એ ચૈત્ય છે, જે ખુલ્લામાં છે એ સ્તુપ છે.

કેટલાક શબ્દો આપણે વારંવાર વાપરતા હોઈએ છીએ પણ મૂળ ધાતુની સમજ પડે છે ત્યારે કંઈક નવો બૌદ્ધિક પ્રકાશ થઈ જાય છે. વેદમાં યુદ્ધને માટે એક શબ્દપ્રયોગ છે: મમ સત્યમ (હું કહું છું એ જ સાચું છે!). પ્રારબ્ધમનો શાબ્દિક અર્થ નસીબ થતો નથી પણ શરૂ કરેલું એવો થાય છે! કલા શબ્દની વ્યાખ્યા શુક્રનીતિમાં જરા વિચિત્ર આપી છે: મૂંગો માણસ પણ જેમાં ફાવી શકે છે એ કલા છે. નમ્રનો અર્થ નીચો નમેલો એવો કરવામાં આવ્યો છે. ક્ષિતિજ શબ્દ વધારે સારી રીતે સમજાશે જો એટલી ખબર હોય કે ક્ષિતિ એટલે પૃથ્વી. અને વામા એટલે પુરુષની ડાબી તરફ બેઠેલી એટલે કે સ્ત્રી એવું આપણે સમજતા હતા. કેશવ હર્ષદ ધ્રુવે ગીતગોવિંદના અનુવાદમાં વામાનો જુદો અર્થ આપ્યો છે: પતિથી રિસાયેલી સ્ત્રી! પ્રેમકુમારો માટે બીજા બેત્રણ શબ્દો: વિલોલ એટલે ચુંબન કરવા માટે આતુર. લલના એટલે આનંદ આપનારી સ્ત્રી. અરસપરસમાં પરસ એટલે અંગનો સ્પર્શ, આલિંગન (અને આલિંગન એટલે જેમાં લિંગને લિંગ સ્પર્શ કરે એ)... અને શૈવોએ ઈશ્વરને 'આત્મલિંગ' નામ આપ્યું છે. 

ઈતિ. પણ અરસ એટલે?

ક્લોઝ અપ: 
શપ્યતે આહૂયતે વસ્તુ અનેન ઈતિ શબ્દ:
                                                            - શ્રી વિનયવિજય ઉપાધ્યાય: નયદર્શન: પૃષ્ઠ 64) 

અર્થ: જેનાથી વસ્તુ બોલાય છે એ શબ્દ છે. 

(અભિયાન: ફેબ્રુઆરી 1, 1993)

(પુસ્તક: ધર્મ અને દર્શન)

નાચવું

મંદિરની ધજા, અગ્નિની જ્વાલા અને સ્ત્રીનાં સ્તન સ્થિર રહી શકતાં નથી. એમાં કંપનથી સ્પંદનથી નર્તન સુધીનું એક લાસ્ય હોય છે, જે પલાળી નાખે છે અથવા બાળી નાખે છે. ઓશો રજનીશ અને સૂફી દરવેશો અને આજના રેપ મ્યુઝિકના પાગલ વફાદારો સુધીનો એક બહુ મોટો વર્ગ નૃત્ય અથવા નાચનો પુરસ્કર્તા છે. નાચવું જોઈએ, શરીરને છોડી દેવું જોઈએ, મુક્ત કરી દેવું જોઈએ, ઈનહિબિશન્સ કે અત્યાગ્રહોમાંથી આપણા દેહને બહાર ફેંકવો જોઈએ, આખું બ્રહ્માંડ કે કોઝમોસ એક તુમુલ તાંડવનૃત્ય કરી રહ્યું છે, આખી પૃથ્વી એની ધરીની આસપાસ નાચી રહી છે, ગર્ભાશયમાં પ્રવેશેલા વીર્યબિન્દુના તરલ કણોથી રોગના સૂક્ષ્મદર્શક કાચની નીચે દેખાતા સળવળતા કીટાણુઓ સુધી બધું જ એક શાશ્વત નર્તનમાં અને પારસ્પરિક આલંબનમાં ઝૂમી રહ્યું છે. એક સવારે ફાટતા અણુઓ નાચ્યા હતા અને એક અણુબોમ્બ કે એટમબોમ્બ ફૂટ્યો હતો. દરેક વિસ્ફોટના પેટમાં પ્રથમ એક નૃત્યનો લય જન્મી જતો હોય છે.

નાચવું. એ અસ્થિરની અસ્થિતિ છે. આંખો ખોલો અને આત્માથી સમજો અને ગતિના દરેક શ્વાસમાંથી નૃત્યનું આંદોલન સંભળાશે. પગની પાનીથી માથાના વાળ સુધી, ચામડીથી ઢાંકેલા આ શરીરની અંદર એક સમસ્ત બ્રહ્માંડ નાચી રહ્યું છે, ફેફસાંમાં પવનનું આવાગમન છે, શિરાઓમાં દોડતું રક્ત લયમાં આગળ વધતું રહે છે, સર્જન-વિસર્જન પ્રતિક્ષણ ચાલતું રહે છે, શરીરનો દરેક અંશ પ્રવૃત્ત છે, વાળ, લોમ, નખ, દાંત, ત્વચા, માંસ, સ્નાયુ, હાડકાં, મજ્જા, વૃક, હૃદય, યકૃત, ક્લોમ, પ્લીહા, ફેફસાં, આંતરડાં, જઠર અને આપણને જેમનાં નામ પણ ખબર નથી એવા લાખો દેહઅંશો... કોઈ જ સ્થિર નથી. એક માઈક્રોમીટરના દસ કરોડમાં ભાગ જેટલી એની ગતિ કે વિગતિ છે, જે ગ્રહણ કરવાની મનુષ્યબુદ્ધિ કે મનુષ્યકલ્પનની પણ એક સીમા છે. અને દિમાગની અંદરના અબજો, ખર્વો, નિખર્વો સેલ્સ ચોવીસે કલાક નાચે છે, આંખની અંદરની કીકી નાચે છે, બોલો ત્યારે અવાજ નાચે છે, રડો છો ત્યારે આંસુઓ નાચે છે. જે બાળક ચાલવું શીખે છે એ પ્રથમ નાચે છે, પછી 'ચાલે' છે. જે પાણી વહે છે એ નાચી રહ્યું છે, એ સપાટ નથી, એના પ્રવાહમાં આરોહઅવરોહ છે, ઢળતું-ઊછળતું સંગીત છે, જલરવ છે. જે સાપ એના દર તરફ જઈ રહ્યો છે એ બલ ખાતો, સર્પાકાર નાચતો જઈ રહ્યો છે. ઈશ્વરની દુનિયામાં કદાચ કંઈ જ સંપૂર્ણ બદસૂરત નથી. વૃક્ષનું પાંદડું નાચે છે, જ્યોતની શિખા નાચે છે, પાણીનો પ્રવાહ નાચે છે, અને એ બધું જોઈને મનુષ્યનું મન પુલકિત થાય છે. (પુલક = રોમ, રૂંઆ. પુલકિત = રોમાંચ થવો. રોમહર્ષ થવો. રૂંવાડાં ઊભાં થઈ જવાં. રોમરોમનું નાચવું.)

દક્ષિણ આફ્રિકાની ડરબન-વેસ્ટવિલ યુનિવર્સિટીમાં એક કાળા પ્રોફેસરની મુલાકાત થઈ હતી, એ એથ્નો-મ્યુઝિકોલોજીના પ્રોફેસર હતા, અથવા જાતિવંશીય સંગીતના અધ્યાપક હતા. એમણે કહ્યું હતું કે અમે આફ્રિકનો માનીએ છીએ કે જો તમે ચાલી શકો તો નૃત્ય કરી શકો, જો તમે બોલી શકો તો ગાઈ શકો ! મેં એમને સંગીત અને નૃત્યની આપણી સાધના અને ગુરુ-શિષ્યની પરંપરાની વાત કરી હતી અને એમણે એમનો આફ્રિકન અભિગમ બતાવ્યો હતો. આંખો ખૂલી જાય એવી આ વાત હતી. પીડિત, શોષિત પ્રજાઓ સમૂહમાં નાચતી, ગાતી, લયબદ્ધ વિરોધ કરતી આપણે જોઈ છે. દરેક કાળા છોકરા કે છોકરીને નાચતાં આવડતું હતું, ગાતાં આવડતું હતું! અને ધીરેથી મને પણ અભિજ્ઞાન થવા લાગ્યું, દરેક ગુજરાતી છોકરી કે છોકરો જ્યારે 'પંખીડા રે...' કે 'નદી કિનારે નાળિયેરી...' કે 'મારી મહીસાગરને આરે...' સાંભળે છે ત્યારે એનો રક્તચાપ, એનો કદમચાપ, એનો હૃદયચાપ કેમ લયમાં વધતો જાય છે? કોઈ ટ્રેઈનિંગ સ્કૂલમાં ગરબો શીખીને આવેલી 13 વર્ષની ગુજરાતી છોકરી કોઈએ જોઈ છે? નાચવું એ ગુજ્જુ ખૂનની તાસીર છે... તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું... શરૂ થયા પછી શબ્દ, અર્થ, ભાષ્યની જરૂર રહેતી નથી, લય અને તર્જ પણ ખોવાઈ જાય છે, માત્ર ધૂન રહે છે. નાચવાની.

જેને નાચવું જ છે એને માટે આંગણું ક્યારેય વાંકું હોતું નથી. નૃત્ય શું છે? ઓશો રજનીશે દુનિયા આખીને નચાવી છે, એ અનધિકારી વ્યક્તિ નથી. એ કહે છે: હવે આત્મા જુદો નથી, મન જુદું નથી, શરીર જુદું નથી, બધું એક જ લીટીમાં ગોઠવાઈ ગયું છે, એકબીજામાં ઓગળી ગયું છે! નૃત્ય સાથે મને લાસ્ય શબ્દ હંમેશાં ગમ્યો છે. મને રોગ માટે ધનુર્વા જેવા શબ્દમાં પણ નર્તન દેખાય છે. ચેર્નોબિલના મહાવિનાશક વિસ્ફોટક ન્યુક્લીઅર ધડાકા માટે પશ્ચિમી પ્રેસે વાપરેલા શબ્દ 'મેલ્ટ ડાઉન' (વિલય?)માં પણ તરલ નાચતી રેખાઓ દેખાય છે.

નર્તક ઉદયશંકરને જોયા છે, એ દર્શકો તરફ પીઠ કરીને બન્ને ફેલાયેલા હાથ એ રીતે હલાવતા હતા કે સમુદ્રનાં નાચતાં મોજાંઓ દેખાય ! નર્તક નીજીંસ્કી વિશે વાંચ્યું છે, એ જીવનના અંત તરફ પાગલ થઈ ગયો હતો, એ રોકેટની જેમ હવામાં ઊછળતો હતો, અને પક્ષીનાં પીંછાંની જેમ, ગુરુત્વાકર્ષણના નિયમોને તોડીને, વહેતો વહેતો ફર્શ કે ધરતી પર ઊતરી શકતો! એને પૂછવામાં આવતું : આ કેવી રીતે થાય છે? નીજીંસ્કીનો ઉત્તર: હું જ્યારે ખોવાઈ જાઉં છું ત્યારે જ આમ થાય છે. મને ખબર નથી...

સંસ્કૃતના મંત્રોચ્ચાર થઈ રહ્યા છે અને ધ્રૂજતી અગ્નિશિખાઓની સાથે તાલમાં ઉચ્ચારો નાચી રહ્યા છે. જે ખોવાઈ શકે છે એ જ નર્તનના મહાનંદમાં વિલીન થઈ શકે છે. સાદ્રશ્યના ગર્ભમાં રહેલું એ અદ્રશ્યનું વિશ્વ છે. જે ભાષા છપાયેલી છે અને હું વાંચું છું એ મૃત, થીજી ગયેલા, ડિહાઈડ્રેટેડ અક્ષરો છે, ઓફ-સેટ કે લેસરથી પ્રિન્ટ થયેલી નિર્જીવ લિપિ છે, પણ જ્યારે હું મારા ખરાબ, મારા મરોડદાર અક્ષરોમાં લખું છું ત્યારે એ ભાષા નાચવા માંડે છે, એ લિપિ, એ શબ્દો, એ અક્ષરો મારા મિજાજ પ્રમાણે નાચે છે. વરાળ અને ધુમાડો સતત નાચતાં રહે છે, અસ્થિરતા એમની પ્રકૃતિ છે. ફેંકાતો પત્થર પાણીમાં પડે છે ત્યારે પત્થર ટ્રિગોનોમેટ્રીના નિયમ પ્રમાણે પેરેબોલાની ત્રિજ્યામાં ઊડે છે, પાણીમાં પડે છે અને ગોળાકાર વર્તુળ સ્પંદનો ફેલાતાં જાય છે. નર્તનનું વિશ્વ સર્વત્ર છે, શેરબજારમાં ભાવો નાચે છે, એલજીબ્રામાં દાખલો નાચે છે, પાણી પર ટપકેલું પેટ્રોલનું ટીપું નાચે છે, લલના (=આનંદ આપનારી સ્ત્રી)ની પાંપણો નાચે છે, પીઠમર્દિકા (શ્રીકૃષ્ણના જમાનામાં પીઠ માલિશ કરરી આપનારી સ્ત્રીઓ)નાં પયોધર (સ્તન) નાચે છે, કમ્પ્યુટર ટર્મિનલ પર બેઠેલી છોકરીની થાકેલી આંગળીઓ નાચે છે...

આપણું નાટ્યશાસ્ત્ર કહેતું હતું કે રસ ભાવમાંથી પ્રકટે છે અને નૃત્યમાં અભિનયના બધા જ આયામો એક થાય છે ત્યારે રસ નિષ્પન્ન થાય છે. કદાચ જેને નાચતાં આવડતું નથી એને આવુબધું સૂઝે છે...!

ક્લોઝ અપ: 
કોઈકનો જન્મદિવસ છે, નાચો! કોઈક મરી ગયું છે, નાચો! કોઈક બીમાર છે, એની આસપાસ નાચો! જેટલા વધારે નાચશો એટલા ઈશ્વર સાથે વધારે એકલય થઈ શકશો.
 - ઓશો રજનીશ 

(અભિયાન: ડિસેમ્બર, 21, 1992)  

(પુસ્તક: સંસ્કાર અને સાહિત્ય) 

April 25, 2013

વેજિટેરિયન ખોરાક વિશે

ગુજરાતીઓની સૌથી મોટી વિદેશી સમસ્યા હોય છે : ખાવું ! ઉચ્ચ વર્ગવાળા ગુજરાતીઓ શાકાહારી અથવા વધારે યોગ્ય શબ્દો વાપરીએ તો દાળભાતાહારી કે વનસ્પતિઆહારી (વનસ્પત્યાહારી) છે. અંગ્રેજી શબ્દો વેજિટેરિયન અને નોન-વેજિટેરિયન છે. વિદેશમાં વેજિટેરિયન શબ્દ ઘણા સમજતા નથી. એક શબ્દ છે 'રેગ્યુલર', એટલે કે બધું જ ખાઓ છો અથવા સર્વાહારી છો. બીજો શબ્દ છે વેજિટેરિયન. વેજિટેરિયનમાં ઈંડા ઘણી જગ્યાએ ગણી લેવામાં આવે છે. સમુદ્રનો ખોરાક અથવા મરીન-ફૂડ અમુક પ્રકારની માછલી પણ વેજિટેરિયનમાં ગણાય છે એટલે શુદ્ધ શાકાહારીઓની સમસ્યાઓનો પાર નથી અને શુદ્ધિવાદીઓ ખાસ કરીને વિદેશમાં જઈને વધારે પવિત્ર જિદ્દીઓ બની જાય છે, અને એ સારું છે. જેણે માંસ-મત્સ્ય-મદ્યમાં રસ લીધો નથી એણે કંઈ ખોવાનું નથી. ઘણાની જીભને, હોજરીને, સ્વભાવને કે તબિયતને આવો ખોરાક ફાવતો નથી. કેટલાકને એ ખાવાની અરુચિ જ હોય છે, પણ બીજા પાસે બેસીને ખાતા હોય તો વિરોધિતા હોતી નથી. તન મનથી એ લોકો તંદુરસ્ત છે.

વેજિટેરિયન ખોરાક હિંદુસ્તાન જેવો અદભુત કોઈ દેશને આવડતો નથી. જેનેટિક્સ અથવા વંશવિષયના વિશારદ જે.બી.એસ હેલ્ડેને એક વાર કહ્યું હતું કે જગતમાં ત્રણ ખોરાકો શ્રેષ્ઠ છે: ફ્રેંચ, ચાઈનીઝ અને દક્ષિણ ભારતીય ! રવા અથવા ચાવલ અથવા અડદની દાળમાંથી ઢોસા કે ઈડલી જેવી 'ફિનિશ્ડ પ્રોડક્ટ' બની શકે એ જ કોઈ વિદેશી માની શકતો નથી. મારી એક નિકટના સગાની અંગ્રેજ પત્નીએ થાળીમાં ફૂલેલી પૂરીઓ જોઈને અત્યંત વિસ્યમથી પ્રશ્ન કર્યો હતો : તમે આમાં હવા કેવી રીતે ભરો છો?.... 

તો. વેજિટેરિયન રસોઈ એ જાદુનો ખેલ છે. આપણે પૂરીમાં હવા ભરી શકીએ છીએ, જ્યારે વિદેશીઓને મટનમાં હવા ભરતાં આવડતી નથી. જાતિભાઈઓ કે શાકભાઈઓને ખુશ કરવા આ લખતો નથી, પણ ખરેખર વેજિટેરિયન ખોરાક બનાવનાર આપણી માતાઓ, બહેનો, પુત્રીઓ, પત્નીઓ, પ્રિયાઓ ચાર હાથવાળી દેવીઓ છે. સ્વાદિષ્ટ વેજિટેરિયન રસોઈ બનાવી શકનાર ગૃહિણીને ચાર હાથ હોય જ છે એમ હું નમ્રતાપૂર્વક માનું છું...

("રશિયા રશિયા" પુસ્તકમાં "શું ખાવું? - વિદેશ જતા ગુજરાતીઓની સૌથી મોટી સમસ્યા" શીર્ષકના લેખમાંથી)

April 22, 2013

દરેક બીજી સ્ત્રી અને ત્રીજો પુરુષ માને છે એ શાસ્ત્ર : જ્યોતિષ !

જ્યોતિષ વિષે લખવામાં વ્યાવહારિક જોખમ છે. દરેક બીજી સ્ત્રી અને દરેક ત્રીજો પુરુષ જ્યોતિષમાં માને છે. ભવિષ્ય વેત્તાના દરેક લખેલા શબ્દ પર લોકોને જે વિશ્વાસ છે એ અદભુતથી પણ વધારે છે! જ્યોતિષી કે ભવિષ્યવેત્તાનું નામ ન હોય, એડ્રેસ ન હોય, ગોત્ર ન હોય છતાં પણ ભણેલાગણેલા માણસોને એમની વાતોમાં, એમના અક્ષરેઅક્ષરમાં જે આસ્થા છે એ અંધશ્રદ્ધાથી જરા પણ ઓછી નથી. ભવિષ્ય વિષે જાણવું એ માણસની કમજોરી છે અને રહેશે. જ્યોતિષ જેવો ધમધોકાર ધંધો બીજો નથી. મુહૂર્ત જોયા વિના પરણવા નીકળનારા કે પૂજા કર્યા વિના ગૃહપ્રવેશ કરનારા ભાગ્યે જ મળશે! ભારતમાં જ્યોતિષ હતું, છે અને રહેશે...

1985ના સપ્ટેમ્બરની પહેલી તારીખે દેશના પ્રથમકક્ષ અંગ્રેજી સમાચારપત્રમાં આ પ્રકારની જાહેરખબર વાંચવા મળે છે: '27/155, બીઝનેસમેન, જે દુબઈમાં સ્થાયી છે, એને માટે 20થી 25 વર્ષની ખૂબસૂરત ગ્રેજ્યુએટ સુન્ની મુસ્લિમ કન્યાએ જન્મકુંડળી (હોરોસ્કોપ) સાથે પત્રવ્યવહાર કરવો.' ચારેક વર્ષ પહેલાં પાકિસ્તાનમાં અંગ્રેજી દૈનિકમાં સાપ્તાહિક ભવિષ્યના મકર અને વૃશ્ચિક અને તુલા જોઈને ખૂબ જ આશ્ચર્ય થયેલું ! મુસ્લિમ પાકિસ્તાનમાં ઉર્દૂ અખબારો પણ ભવિષ્યવાણીની કોલમો ચલાવે છે એવું ત્યાંના દોસ્તોએ કહ્યું છે. સોવિયેત યુનિયન જેવા કમ્યુનિસ્ટ દેશમાં પણ ટ્રેડ યુનિયન પત્ર 'ત્રુદ' સતત શિકાયત કરતું રહે છે કે ભવિષ્યવાણી કહેવી એ સામાજિક દૂષણ બની ગયું છે અને એને કારણે કેટલીય જિંદગીઓ ખોટી આશા-નિરાશાઓમાં બરબાદ થઈ જાય છે. એટલે રશિયામાં પણ જ્યોતિષનો 'રોગ' છે જ !

જ્યોતિષ મહાન શાસ્ત્ર હશે પણ એ પ્રેક્ટિસ કરનારા એટલા મહાન નથી. જ્યોતિષની શેરબજાર જેવી એક દ્વિઅર્થી ભાષા છે. દરેક અનુમાનશાસ્ત્રે પોતાની એક ભાષા પેદા કરી લેવી પડે છે. કોઈ પણ આગાહી મૂળભૂત બે જ પ્રકારની હોઈ શકે છે - ક્રિકેટ ટીમ જીતશે અથવા નહીં જીતે ! રાજીવ ગાંધી સફળ થશે કે નહીં થાય. પણ આટલી સ્પષ્ટતાથી આગાહી કરવામાં આવતી નથી. મહાત્મા ગાંધીની હત્યાની એક ભવિષ્યવેત્તાએ જરૂર આગાહી કરી હતી!

જ્યોતિષનું સૌથી ખરાબ પરિણામ એ છે કે એ અસ્થિર માણસને કમજોર બનાવી નાંખે છે. આંધ્રમાં વિધાનસભાની ચૂંટણી હતી. કોંગ્રેસની પાંત્રીસ વર્ષોથી બહુમતી હતી. દિલ્હીમાં ઉમેદવારો ભેગા થયા હતાં. કોંગ્રેસી ઉમેદવારોએ શુભ મુહૂર્ત કાઢીને પત્રકો ભર્યાં. પણ એ શુભ મુહૂર્ત સાચવવા માટે દિલ્હીથી ખાસ ચાર્ટર કરેલું ઈન્ડિયન એરલાઈન્સનું હવાઈ જહાજ ખાસ શુભ મુહૂર્ત કાઢીને દિલ્હીથી હૈદરાબાદ માટે ઊડ્યું. સરકારી હવાઈ જહાજ મુહૂર્ત પ્રમાણે આ રીતે ઊપડતું નથી પણ દેશના 'ભવિષ્ય'નો પ્રશ્ન હતો અને પ્લેન ચાર્ટર કરેલું હતું! બધાં જ શુભ મુહૂર્તો સચવાયાં, કોંગ્રેસીઆ ઉમેદવારોએ બધાં કોંગ્રેસની જન્મકુંડળીના બધા જ ગૃહો સાચવ્યા પણ જનતાનું ગૃહ ભૂલી ગયા! આંધ્રના રામારાવે કોંગ્રેસને સખત પરાજય આપ્યો. મુહૂર્તો ખોટાં કાઢવાનો પ્રશ્ન હતો જ નહીં. ઘણાબધા જોષીઓએ એકથી વધારે મુહૂર્તો સાચવ્યાં હતાં અને બધું એમનું સંપૂર્ણ મતૈક્ય હતું - પણ જોષીઓ ખોટા પડ્યા.

1761માં પાણિપતનું ત્રીજું યુદ્ધ થયું. મરાઠા સેનાઓના સેનાપતિ હતા સદાશિવરાવ ભાઉ અને સામે અફઘાન અહમદશાહ અબ્દાલી હતો. અફઘાનો શક્તિ વગરના, સંગઠન વિનાના હતા, મરાઠાઓ તૈયાર હતા. મૌસમ આક્રમણ માટે ઉપયુક્ત હતી. પણ ભાઉસાહબ પ્રખર જ્યોતિષી હતા. હમણાં ગ્રહો બરાબર ન હતા, એમનું કહેવું હતું.

મરાઠી સેનાના મુખ્ય તોપચી ઈબ્રાહીમખાન ગાદીએ કહ્યું કે આ મોકો છે હુમલો કરી દેવાનો, પણ ગ્રહો ઠીક ન હતા. મરાઠા વિલંબ કરતા રહ્યા, વરસાદ આવ્યો, નદીઓ ઊભરાઈ ગઈ. ચોમાસું ગયું. પણ હજી ગ્રહો બરાબર ન હતા. અંતે એક દિવસ યુદ્ધ થઈ ગયું, યુદ્ધ કરવું જ પડ્યું. છેલ્લે દિવસે મરાઠા સૈનિકો એમનું છેલ્લું ભોજન અને ઘોડાઓની છેલ્લી રસદ ખતમ કરીને યુદ્ધમાં ઊતર્યા. ભાઉસાહેબે કહ્યું, હવે ગ્રહો બરાબર છે...

નવેક માસના વિલંબ પછી મરાઠા-અફઘાન યુદ્ધ થયું. ગ્રહો સારા હતા-પણ અફઘાનો માટે ! 1761માં જે યુદ્ધ થયું એણે ભારતનું ભાવિ શેષ કરી દીધું અને એમાં પરાજયનું એક કારણ હતું સદાશિવરાવ ભાઉનો જ્યોતિષમાં અડગ અંધવિશ્વાસ. 

કથાકાર મધુરાયની એક વાર્તામાં એક પાત્ર રમૂજમાં કહે છે કે મારી મમ્મીને મંગળ હતો અને મારા પપ્પાને મંગળ હતો એટલે મારો જન્મ થયો! ભારતમાં પહેલાં બે જન્મકુંડળીઓના મંગળ પ્રેમ કરી લે છે, પછી મનુષ્યો પ્રેમ કરે છે. મજાકમાં કહીએ તો લગ્ન કાગળના બે ટુકડાઓ વચ્ચે નક્કી થાય છે.

જ્યોતિષ પાસે ઘણા પ્રશ્નો અનુત્તર છે. તરત જન્મેલા મૃત બાળકને પણ સામાન્ય મનુષ્ય જેટલી લાંબી જીવનરેખા હોય છે ! બંદરની હથેળી પર પણ આપણા જેવી જ રેખાઓ હોય છે. સામુદ્રિક વિદ્યા એ હથેળીઓ વિષે કંઈ કહી શકે છે? ખગોળશાસ્ત્ર (એસ્ટ્રોનોમી) ચોક્કસ શાસ્ત્ર છે, જ્યારે જ્યોતિષ (એસ્ટ્રોલોજી) હજી અનુમાનની વસ્તુ છે. જન્મની ક્ષણને ભવિષ્ય સાથે સંબંધ છે?

હિન્દુસ્તાનમાં એક જ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. અમેરિકામાં ત્રણ સમયો છે. આસામ અને ગુજરાતમાં એક જ સમય હોઈ શકે? બે ઘડિયાળો એક સ્થળે પણ સરખો સમય બતાવતી નથી! હોસ્પિટલની ઘડિયાળ પણ સાચી જ હોય એ જરૂરી નથી. ચોક્કસ કે એક્ઝેક્ટ સમય ઘડિયાળો પર નિર્ભર નથી પણ તમે કયા ચોક્કસ અક્ષાંશ-રેખાંશ પર જન્મ્યા છો એના પર આધારિત છે. કદાચ જ્યોતિષીઓ આ વિષે ક્યારેય સાવધાન નથી હોતા. શિયાળા ઉનાળાના જગતના ઘણા દેશોમાં જુદા જુદા સમય હોય છે. અક્ષાંશ રેખાંશની દ્રષ્ટિએ ભારતવર્ષમાં પૂર્વતમથી પશ્ચિમતમ બે સ્થાનો વચ્ચે વૈજ્ઞાનિક રીતે લગભગ બે કલાકનો ફર્ક હોવો જોઈએ. સ્થાનિક સમય અને ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ વચ્ચે પણ ફરક હોય છે. દ્રષ્ટાંત રૂપે જોઈએ તો અમદાવાદના સ્થાનિક સમયમાં 40 મિનિટ ઉમેરો તો ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ આવે, પણ આસામના ગુવાહાટીમાં 37 મિનિટ બાદ કરો તો આઈએસટી આવે!

ગ્રીક 'હોરોસ્કોપ' પરથી ભારતીય 'હોડાચક્ર' આવ્યું. આપણે ત્યાં જન્મકુંડળી જૂની વસ્તુ છે. કહેવાય છે કે રાવણની કુંડળીમાં સૂર્ય સાતમા ઘરમાં હતો. રામાયણમાં રામનાં લગ્ન પછી દશરથ અયોધ્યા પાછા ફરી રહ્યા છે ત્યારે વનમાં પક્ષીઓનો તીવ્ર કાકારવ સાંભળે છે પણ હિંસક પશુઓ પાળેલાં જાનવરોની જેમ પાસે આવીને આસપાસ ફરે છે. દશરથને અપાર આશ્ચર્ય થાય છે ત્યારે વશિષ્ઠ આ લીલા સમજાવે છે. પક્ષીઓનો કાકારવ આવનારી આપત્તિઓનો દ્યોતક છે જ્યારે હિંસક પશુઓનું શરણ બતાવે છે કે એ આપત્તિઓ પસાર થઈ જશે ! ઋષિ વશિષ્ઠની ભવિષ્યવાણી અક્ષરશ: સાચી પડે છે. 

એ જ જૂનો પ્રશ્ન આવે છે: જોષી જોષ જુએ છે તો એની છોકરી કેમ રંડાય છે?

જ્યોતિષ અંગત વિશ્વાસનો પ્રશ્ન છે. વહેમ જ્યોતિષનો અનૌરસ પુત્ર છે. નિર્દોષ આનંદ માટે જ્યોતિષ બહુ સરસ વિષય છે અને સાપ્તાહિક ભવિષ્ય એમાં ઉત્તમ છે ! 

તમે જો નિયમિત સાપ્તાહિક ભવિષ્ય વાંચવાના બંધાણી હો તો તમારે માટે થોડી સૂચનાઓ અને ભવિષ્યવાણી નીચે મુજબ છે:

"...પાડોશમાં પોપટ હોય તો સંભાળશો. ઑક્ટોબરમાં તમે પ્રાણીબાગમાં જાઓ એવા સંજોગો છે. આ જૂન સુધીમાં તમને ફક્ત બે જ સ્ત્રીઓ પ્રેમ કરે એવા યોગ છે. દિવાળી સમયે એક બંગાળી તમને વીમો ઉતરાવવા માટે ચેષ્ટાઓ કરશે પણ તમે એમાંથી છટકી જશો. પ્રથમ છ માસ તમને તમારા ટેલિફોન તરફથી કોઈ તકલીફ નહીં રહે. વરસાદના દિવસોમાં તમારી વર્ષો જૂની એક પ્રિયા તમને યાદ કરશે અને બેએક વાર ગુંડા મોકલશે, પણ તમારો સૂર્ય તપી રહ્યો છે. આપઘાત કરવા માટે આ અઠવાડિયું સારું નથી. રેસકોર્સમાં 'યુ' કે 'ડબલ્યુ' નામથી શરૂ થતા ઘોડા પર જુગાર રમવાથી ફાયદો થશે. જેના પિતાનું નામ મૂળજી કે હરિદાસ કે ચમન લાલ હોય એવા શખ્સથી દૂર રહેજો. જુલાઈમાં વાળ કપાવશો નહીં અને નવું ટી.વી. ખરીદશો નહીં. સપ્ટેમ્બરમાં પેન્ટ સિવડાવશો તો સીટમાંથી ટાઈટ થઈ જશે. આ વર્ષે અત્તરની શીશીઓ લેવી નહીં, અને લેશો તો ખોલતી વખતે એનાં બૂચ તૂટીને અંદર ચાલ્યાં જશે. આ વર્ષે પાંચ ફીટ સાડા ત્રણ ઈંચ ઊંચી એક સ્ત્રીથી તમને સંતાપ છે, પણ શિયાળામાં એને લગભગ પરણી જવાનો યોગ ઊભો થશે. વૃશ્ચિક રાશિમાં જન્મેલા એક જાડા બેંક મેનેજરથી બોલાચાલી થશે. તમને ટેબલ ટેનિસના બૉલની ઘાત છે માટે એનાથી સંભાળશો. આ વર્ષે તમારે એકંદરે સંતાનયોગ નથી."

અને હા, હું જ્યોતિષમાં માનતો નથી.

ક્લોઝ અપ:

ગ્રાહકોને વિનંતી છે કે વચ્ચે વચ્ચે એમણે સિલિંગના પંખાઓ તરફ તાકતા રહેવું, જ્યારે પંખાઓ ફરતા દેખાય (અમારા પંખાઓ ચાલતા નથી,) ત્યારે સમજવું કે હવે ઘેર જવાનો સમય થઈ ગયો છે.

[કલકત્તામાં એક શરાબના બારમાં લટકાવેલી સૂચના]

(પુસ્તક: અતિક્રમ)

ગુજરાતી સાહિત્યનાં નવા પુસ્તકો: એક (હિટ) લિસ્ટ

ગુજરાતી સાહિત્યમાં નવું નવું શું આવી રહ્યું છે? ચાહકો, મિત્રો, ખરીદદારો આ પ્રશ્ન પૂછતા રહે છે. પુસ્તકવિક્રેતાઓના સૂચિપત્રો કે વિવેચકોના ટેબલો જોવાથી ખબર પડતી નથી. પત્રકારત્વમાં જેમ એક "ગ્રેપ વાઈન" હોય છે, રહસ્યકથામાં જેમ એક "ડિપ થ્રોટ" કહી જાય છે, લોકકથામાં જેમ એક કાળો કાગડો આવી જાય છે એમ અહીં પણ થોડી ભૂગર્ભ માહિતી મળી છે જે વાચક-ખરીદદાર જનતાને સાદર કરી છે. ઘણું નવું સાહિત્ય આવી રહ્યું છે, પુસ્તકો અને લેખકોનાં નામ સાથે:

 • પોકેટ ગરબાવલિ ભાગ 1-2-3: હરીન્દ્ર દવે
 • ટોપીમાં અત્રતત્ર અને અત્રત્વ અને એનું તત્વત્વ: ચંદ્રકાંત ટોપીવાલા (સાહિત્યની પરિભાષામાં મૂલ્યાંકનાત્મક લેખોનો સંગ્રહ) 
 • જગ્ગા ડાકૂના છોકરાનાં વેરનાં વળામણા: ભરત ઘેલાણી
 • સસરો વિફરી બેઠો: વિનોદ ભટ્ટ (આ નામની એક પ્રખ્યાત કૃતિ જટુભાઈ પનિયાએ લખી છે. અહીં શીર્ષક જ એક છે, અને વિનોદ ભટ્ટ એ જટુભાઈ પનિયાનું તખલ્લુસ છે એવું ઘણા માને છે, પણ સાંભળવા પ્રમાણે એવું નથી. આ કૃતિ એક સાયકો-કૉમેડી છે જે ફિઝીઓ-ટ્રેજેડીમાંથી અંતે ફિઝીઓ-થેરેપીમાં પરિણમે છે.) 
 • ટીંગાટોળી: સુરેશ દલાલ (એસ.એન.ડી.ટી.ની કવયિત્રીઓની આપણી ભાષાના નાજુક દિલ કવિએ ચીતરેલી જીવન ઝરમરો. સ્કૂલ કૉલેજ માટે વસાવવા યોગ્ય.) 
 • ગાંધીજીનાં પરાક્રમો: (લેખકનું નામ નથી.) 
 • કિસન-હરકિસન: હરકિસન મહેતા (આત્મકથા) 
 • સન-કિસન : હરકિસન મહેતા (પરમાત્મકથા)
 • હરસ-મસાના ઉપચારમાં સિતાંશુ ચૂર્ણ: લાભશંકર ઠાકર.
 • શશિના કાકા: કનૈયાલાલ મુનશી ("કાકાની શશિ" પછીની ગુજરાતી ભાષાના એકમેવ સાહિત્યસ્વામીની અપ્રકટ કૃતિ, જેની પાંડુ લિપિ ચાર વર્ષ પહેલાં જ પ્રાપ્ત થઈ છે.)
 • અમેરિકાથી પાછા આવવું છે? : કાંતિલાલ કાલાણી, દીપક મહેતા, ચંદ્રકાંત શાહ, મિસ્ટર વાસુ (થોડા વર્ષો પહેલાં "અમેરિકા જવું છે?" નામની ઉપયોગી પુસ્તિકાની સંપૂર્ણ સફળતા પછી મૂળ લેખકો કા.ક. અને ચં.શા.એ. દી.મ. અને મિ.વા. સાથે મળીને લખેલી વધારે ઉપયોગી પુસ્તિકા).
 • શીલાવતીની શિકાર કથાઓ: કાંતિ ભટ્ટ (અનુવાદ)
 • હાથીની ચાલ: પ્રસન્નદન હાથી
 • સરોજ પાઠકથી રમણ પાઠક સુધી: સુમન શાહ ("સુરેશ જોષીથી સુરેશ જોષી સુધી" કૃતિના સાહિત્યાચાર્ય આમાં સરોજ પાઠકથી રમણ પાઠક સુધીની સાહિત્યયાત્રા પ્રસ્તુત કરે છે).
 • માર કટારી: મધુ રાય ('જન્મભૂમિ-પ્રવાસી'માં 1950ના દશકની હિંદી ફિલ્મોના મુખડા ગાતાં ગાતાં, ભાષાના ડિક્શન અને ડ્રગના એડિક્શન વિના બે મોઢાવાળી બૉલપોઈંટથી લખેલી કૃતિઓ).
 • એની બાયડી, હું ને ઓલી: નૈના ગાંધી (અસ્સલ કાઠિયાવાડી બાનીમાં પ્રસ્તુત થયેલી નવકલથા. આ નવલકથા ધારાવાહી સ્વરૂપે પ્રગટી હતી ત્યારે પ્રથમ પ્રકરણ છપાયા પહેલાં એની પ્રશંસાના પત્રોના ઢગલા થઈ ગયા હતા.)
 • શમણાં સૂકાયાં ભીના રૂમાલમાં: યશવંત ત્રિવેદી (કાવ્યસંગ્રહ. આ નામનો અન્ય એક કવિનો કાવ્યસંગ્રહ પણ છે.)
 • ઉર્જા માર્દવ : કુબ્જા આર્તવ : દ્રૌપદી પાંડવ : અશ્વિની ભટ્ટ  ( આ ત્રણ નવલકથાઓ અનુક્રમે 1.25, 1.40, 1.80 કિલો વજનની છે. આ એમની મુખ્ય વિશેષતા છે. એકસાથે આ ત્રણ નવલકથાઓ ખરીદ કરનારને ફ્રી લંચ આપવામાં આવે છે.) 
 • દીપક વંદના: વંદના મહેતા (ચરિત્ર ચિત્રો)
 • ત્રીજું યૌવન: ભૂપત વડોદરિયા (લેખકની કૃતિ "બીજું યૌવન"ના ઉત્તરાર્ધનો આ પૂર્વાર્ધ છે, જેના ઉત્તરાર્ધ "ચોથું યૌવન" 1992ના અષાઢ મહિનામાં પ્રગટ થશે.)
 • બેદિલ: સંપાદન: ચંદુલાલ સેલારકા (બાયપાસ સર્જરી કરાવીને મરી ગયેલા લોકો વિષે એમની લેણદારોએ લખેલા ભાવલેખોનું અદ્વિતીય સંકલન).
 • પેટા નોંધ, રોકડ મેળ, ઘાલ ખાધ, પેટા રોકડ મેળ અને ખતવણી : ગુલાબદાસ બ્રોકર (ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત શેરદલાલ તથા કથાલેખક બ્રોકર સાહેબની અનુભવી કલમે લખાયેલી કૃતિ. આ કૃતિ "યુવા પેઢીને આહવાન" શ્રેણીમાં પ્રકટ થઈ છે. યુવકો માટે અમૂલ્ય. યુવતીઓએ યુવકોને ભેટ આપવાલાયક કૃતિ).
 • ઉમાશંકર જોષી, માંગ અને પુરવઠો: યશવંત શુક્લ (સંસ્મરણો).
 • મયદ્વિપકલ્પ : ભગવતીકુમાર શર્મા (સમયદ્વીપથી દૂર અહીં અસમયના દ્વિપકલ્પની વાત છે. આમાં મય છે અને કલ્પ છે, અને એમાં ફેન્ટસી ઘૂંટાય છે. સાડા 14 વર્ષથી 39 વર્ષની યુવતીઓ માટે વાચન અને 40 વર્ષથી 69 વર્ષની મહિલાઓ માટે સેવન કરી શકાય એવી નિર્ભય કૃતિ).
 • અમારી પરણેતર: જોસેફ મૅકવાન અને રઘુવીર ચૌધરી (જોસેફ મૅકવાનની નવલકથા "મારી પરણેતર" વાંચ્યા પછી રઘુવીર ચૌધરીએ રસ લેતાં આ કૃતિ બંને મહાન ગ્રામીણ લેખકોએ કોલાબોરેશનમાં લખી છે. આ પછીની આ બંને સર્જકોની સહકૃતિ આવી રહી છે: "અમારો આંગળિયાત.")
 • અંદરવાસ: રઘુવીર ચૌધરી (લેખકે એકલાએ લખેલી કૃતિ).
 • ધુતારો ભાગ 9-10-13-18-21: આબિદ સુરતી (ચિત્રકાચકાર આબિદ સુરતીની મોડર્ન કલાચિત્રોની ઉર્ધ્વ ચિત્રકલાનો પ્રયોગ કરીને હવે 'ધુતારા'ના ભાગો 9, 10, 13, 18, 21 પ્રકટ કર્યા છે. વચ્ચેના ભાગો ક્રમશ: પ્રગટ થતા રહેશે. હવે ભાગ 19, 11, 16, 20 તથા 12 પ્રગટ થશે. એ પછી ભાગ 14 પ્રગટ થશે અને ભાગો 15-17નો સંપુટ આવશે. ભાગો 4, 5, 6, 7, 8 પ્રગટ નહીં થાય એવું પ્રસ્તાવનામાં જણાવવામાં આવ્યું છે.)
 • કચરામાંથી સોનું: મનુ પંચોળી 'દર્શક' (પ્રેરણા લેખો)
 • કચરામાંથી હીરા: ફાધર વાલેસ (પ્રેરણા લેખો) 
 • કચરામાંથી પ્લેટિનમ: ગુણવંત શાહ (પ્રેરણા લેખો)
 • હું, ટપુ અને ચંપકલાલ: તારક મહેતા (આપણા હાસ્યલેખક તારક મહેતાના ગંભીર લેખોનો આમાં સમાવેશ થયો છે.) 
 • મારી વૈકુંઠની યાત્રા: બકુલ ત્રિપાઠી (1949થી એટલે કે 41 વર્ષોથી સતત લખતા આપણા રમૂજ લેખકનું અંતિમ પુસ્તક/ એમની "વૈકુંઠ નથી જાવું"માંથી વધેલા લેખોમાંથી આ સંગ્રહ બનાવવામાં આવ્યો છે.) 
 • મારી વિમલા અને બીજી વાતો: માધવસિંહ સોલંકી (કનૈયાલાલ મુનશીની "મારી કમલા અને બીજી વાતો" જેવી જ સાહિત્યકક્ષા પ્રાપ્ત કરતી ગુજરાતી રાજનીતિજ્ઞ સોલંકીની કૃતિ, જે રાજકારણી સિવાયની એમની છૂપી વિશેષતા બતાવે છે).
 • ગોપીપુરાનો કૃષ્ણ: જનક નાયક (કવિતા સંગ્રહ)
 • એન ઘેન દીવા ઘેન: રમણલાલ ચી. શાહ તથા કુમારપાળ દેસાઈ (જૈન ધર્મના પ્રચારાર્થે કરેલા વિદેશપ્રવાસો અને પર્યટનો અને સહેલોમાંથી પ્રવાસન દ્રષ્ટિએ પસંદ કરેલા અહિંસક લેખોનો સંગ્રહ).
 • હૂંડી અને બેન્કની લોનો: રજનીકુમાર પંડ્યા (બેન્ક જીવન વિષે ગુજરાતી સાહિત્યની એક ગણનાપાત્ર નવલકથા, આમાં "હૂંડી" એ હીરોઈનનું નામ છે).
 • તોતામેના: નગીનદાસ સંઘવી (રાજકીય સમીક્ષક ન. સંઘવીના પ્રેમપત્રો ફૂલસ્કેપ સાઈઝમાં પ્રથમવાર પ્રકટ થઈ રહ્યા છે. પાંસઠ વર્ષ ઉપર દરેક આશિકમિજાજ વ્યક્તિએ વાંચવા યોગ્ય સંકલન).
(જન્મભૂમિ/ પ્રવાસી: સપ્ટેમ્બર 1990)

(પુસ્તક: અતિક્રમ)

April 21, 2013

અસ્તિત્વવાદ અને સાર્ત્ર - 2

હિન્દી લેખક અજ્ઞેયની કૃતિ "શેખર: એક જીવની"  અને અર્નેસ્ટ હેંમિગ્વેની તીવ્ર અસર હેઠળ બક્ષીબાબુએ લખેલી પ્રથમ નવલકથા  "પડઘા ડૂબી ગયા"માં નાયિકા અલકા અને નાયક પ્રકાશ વચ્ચે અસ્તિત્વવાદ વિશેના સંવાદના અંશો: 

'અલકા, જે સંજોગોએ તારા વિચારો ઘડ્યા છે એ સંજોગોને હું સમજું છું, પણ...'

'સંજોગોથી વિવશ બની જાઉં એવી હું નથી, મારા વિચારો સંજોગોથી કોઈ દિવસ ઘડાયા નથી. મારા વિચારો અનુભવોથી ઘડાયા છે અને વિચારો છે પણ શું - ? અનુભવોના પડઘા.'

'તું દાર્શનિક જેવી વાતો કરે છે.' પ્રકાશના ચહેરા પર સ્મિત ફેલાયું.

'ના, આ તો બહુ સ્પષ્ટ વાતો છે.'

‘એક સ્પેનિશ ફિલસૂફ હતો, હમણાં મરી ગયો. એણે બરાબર કહ્યું હતું.’

’શું?’

’એણે ‘હું’ની વ્યાખ્યા આપતા કહ્યું હતું – ‘I am I plus my circumstances.’

અલકા હસી.

’કેમ હસે છે?’

’તેં બહુ વાંચ્યું છે. બહુ વાંચનાર માણસ માનસિક સ્વચ્છતા ગુમાવી દે છે.’

’મને દુનિયાની માનસિક સ્વચ્છતાનાં ધોરણો સાથે કંઈ જ નિસ્બત નથી, એ તું ભૂલી ગઈ લાગે છે, અલકા!’

’તારા અને મારા વિચારોમાં સામ્ય છે...’

’નેગેટિવ વિચારોમાં જ!’ પ્રકાશ બોલ્યો અને હસી ગયો.
_________________________________________________________

'...અને તારો ધર્મ,' પ્રકાશે એક ખાંસી ખાઈને કહ્યું, એ અંતે શું આપશે મને? સ્વર્ગ, જ્યાં અપ્સરાઓ હશે, હૂરો હશે, દેવદેવીઓ હશે, રંગરાગ હશે...મને તો સ્વર્ગ એક મોટા વેશ્યાગાર જેવું જ હમેશા લાગ્યું છે. મારે એ અર્ધનગ્ન દેવતાઓ અને નગ્ન અપ્સરાઓને કરવાં પણ છે શું? ધર્મના કામુક ફિરસ્તાઓ માટે જ એ જગ્યાઓ રહેવા દે...હું દેવતાઓના જેવી અડ્ડાબાજીમાં માનતો નથી, એમને જે સંતોષ સેંકડો ખૂબસૂરત અપ્સરાઓમાંથી નથી મળતો એ મને તારી ભીની ભીની પ્યારભરી બે આંખોમાંથી મળી રહે છે...

...અલકા ખુદાની દુનિયામાં ખુદાના સ્વર્ગ અને નરક કરતાં વધારે નીતિ છે!'


'હું તારી પાસે આવું 'લેક્ચર' માંગતી ન હતી, મારી પાસે મારી પોતાની વિચારશક્તિ છે...અને તું ચોક્કસ ખ્યાલ રાખજે કે ધર્મમાં આસ્થા - અથવા જેને તું કદાચ અંધવિશ્વાસ કહેતો હોય-' અલકા પ્રકાશના હસતા ચહેરો સામે જોઈને બોલી, 'ધર્મમાં આસ્થા રાખનાર માણસ મુશ્કેલીઓ સામે ટકી જાય છે, એ તૂટી શકતો નથી કારણ કે એને ધર્મનો સહારો છે, જ્યારે નાસ્તિક હમેશા તૂટી જવાનો.'

'હા, હું એ માનું છું.'

'તું શું શું માને છે એ અને શું શું નથી માનતો એ સમજવું બહુ મુશ્કેલ છે.'

;હા, એ વાત ખરી છે,' પ્રકાશે પક્કડ છોડતા કહ્યું, 'મારી જિંદગીની ફિલૉસૉફી બહુ જુદી છે.'

'શું છે? ચાલ, આજે મને તારી રીતે કહે. તને જિંદગીમાંથી શું શીખવા મળ્યું?'

'અલકા, એ પ્રશ્ન તો બહુ વિચિત્ર છે. કદાચ મારો બધો અભ્યાસ અને બધા અનુભવો નિચોવી નાંખું તોપણ તને સંતોષ થાય એવો જવાબ નહીં મળી શકે.'

'તું મારા સંતોષની ચિંતા નહીં કર. ફક્ત તારી દ્રષ્ટિએ તું શું સમજ્યો છું એ જ બતાવ.'

એકાએક પ્રકાશ બોલ્યો, 'તેં ઝ્યોં પોલ સાર્ત્રનું નામ સાંભળ્યું છે?'

'કેમ-? ના.'

'એ ફ્રેન્ચ લેખક છે અને એની ફિલૉસૉફીને કહેવામાં આવે છે - existentialism - અસ્તિત્વવાદ.'

'તું એવું બોલે છે - જે તું ખુદ જ સમજે છે.'

'સાંભળ - બરાબર સમજાશે. મેં એનું કંઈક વાંચ્યું છે અને બહુ થોડું સમજ્યો છું.'

અલકા ખડખડાટ હસી ગઈ.

'...પણ એ માણસે મારા પર સખત અસર પાડી છે. એના લખાણ પરથી મારા વિચારો ઘડાયા છે એવું તો નહીં જ, પણ એના વિચારો મને બહુ જ મળતા આવે છે.'

વાહ! તું તો કાલે કહેવા લાગીશ કે ગૌતમ બુદ્ધના વિચારો મારા વિચારોને મળતા આવે છે...અને જવાહરલાલ નેહરુ મારા જેવું જ ઉર્દૂ બોલે છે...અચ્છા ભાઈ, ચાલ આગળ!'

'હા, એના વિચારોમાં અને મારા વિચારોમાં બહુ સામ્ય છે. હવે બરાબર છે?'

'હા.'

'હું અમુક વસ્તુઓ મારી રીતે સમજી શક્યો છું...' પ્રકાશ બોલ્યો અને એક મિનિટ એની આંગળીઓ સીધી થઈને સ્થિર થઈ ગઈ. 'જો.' એ ચૂપ થઈ ગયો, ધીરેથી એણે એક એક શબ્દ તોળીને કહેવા માંડ્યું, 'જિંદગી શું છે? એક Area of miseries - દુ:ખનો એક મોટો વિસ્તાર...જ્યાં બાલ્યાવસ્થા, જવાની, બુઢાપો બધું જ દુ:ખમાં વ્યતીત થાય છે. સુખ જેવી વસ્તુ તો દુનિયામાં હતી જ નહીં, છે જ નહીં. એ એક નેગેટિવ કલ્પના છે.

'અચ્છા અલકા, સમજવાની કોશિશ કર. જળચરોની દુનિયા લે. દરિયામાં ભાગ્યે જ કોઈ જળચરનું સ્વાભાવિક મૃત્યુ થાય છે...એટલે કે દરેક દરિયાઈ જીવ અંત પામે છે બીજાના પેટમાં. ત્યાં હજી સંસ્કૃતિ આવ્યા પહેલાંની દુનિયા જેવી જ જિંદગી ચાલે છે. આખું જીવન પેટ ભરવા માટેની એક ખૂનખાર પ્રવૃત્તિ હોય છે. એકના મોત પર જ બીજાનું અસ્તિત્વ નિર્ભર હોય છે... जीवो जीवस्य जीवनम.

'પૃથ્વી પરની જિંદગી પણ એ જ હતી. મનુષ્ય પાસે પેટ ન હોત તો દુનિયાએ પ્રગતિ ન કરી હોત. હું ધારું છું એ વખતે આજના જળચરો જેવી જ દુનિયા હતી. કોઈનું સ્વાભાવિક મોત નહીં થતું હોય...આખું જીવન અંધકાર, દુ:ખ, ભય અને ભૂખની એક જીવલેણ કશ્મકશ બની જતું હશે અને 'સેક્સ'નું આજે જે મહત્વ થઈ ગયું છે એ તો હશે જ નહીં.

'હું બહુ આડીઅવળી વાતો કરી રહ્યો છું, નહીં? અચ્છા, પ્રાગૈતિહાસિક ભૂતકાળને જવા દે. આજની દુનિયા સંસ્કૃત બની ગઈ છે. એના પોતાના મૂલ્યો અને ધોરણો છે, પોતાનાં માધ્યમો અને ધ્યેયો છે, જીવનની ગતિવિધિ પલટાઈ છે. જેટલું દુ:ખ ઓછું એટલી જીવનમાં સફળતા વધારે. સુખ મેળવવા કરતાં દુ:ખને દૂર કરવું એ વિશેષ મહત્વનું છે અને દુ:ખને દૂર કરવાના ઉપાયો એ મનુષ્યની આજ સુધીની અનેકવિધ પ્રવૃત્તિઓનો ઈતિહાસ છે, એને માટે શબ્દ છે escape. દુ:ખના પ્રદેશમાંથી જેટલા 'એસ્કેપ' વધારે એટલું દુ:ખ ઓછું...એટલું દુનિયા અને સમાજની દ્રષ્ટિએ સુખ વધારે.

મનુષ્યે 'એસ્કેપ' સર્જ્યા, બનાવ્યા, તરાશ્યા. અક્ષરજ્ઞાન, લલિત કળાઓ, સાહિત્ય...પૈસાની ઉત્પત્તિ...ખેતી, યુદ્ધો, સંગીત, રમતો, વિજ્ઞાન, સ્ત્રી-સમાગમ, બાળકો, શરાબ, રાગરંગ અને ધર્મ પણ! બધા જ 'એસ્કેપ' છે, દુ:ખને ભૂલવાના, એનાથી દૂર રહેવાના, જાતજાતનાં 'સુખ' મેળવવાની એ જુદી જુદી પ્રવૃત્તિઓ છે - સુખની સમીપ આવવાની અથવા દુ:ખથી દૂર રહેવાની. પોતપોતાનાં માની લીધેલાં દુ:ખોથી દૂર રહેવાના એ માર્ગો છે, સાંત્વનો 'એસ્કેપ' છે. માશૂકાના ગાલ પર હાથ ફેરવાનાર પ્રેમી અને પથ્થરના ભગવાનના પગ પર માથું ઝુકાવીને અડાડનાર ભાવિક બન્નેના માર્ગો સમાંતર છે. બંનેના ધ્યેય પોતપોતાની રીતે પોતે માની લીધેલા દુ:ખથી દૂર જવા કાર્યરત છે...દુ:ખથી ભાગવાની બન્ને પોતપોતાની રીતો અપનાવી રહ્યા છે. અંતત: બન્નેની અપેક્ષાઓ એક જ છે.

'મને તો જીવનભરની પ્રવૃત્તિઓનો નિષ્કર્ષ એક જ લાગે છે, દુ:ખથી ભાગવાના, 'એસ્કેપ' માર્ગો તરફ જવાનો અને એમાં વિકાસ કરતા જવાનો. એ જીવનની સફળતાની પારાશીશી છે...

'અને દુ:ખ છે પણ શું? ઈચ્છાઓનો અવરોધ. જેટલી ઈચ્છાઓ વધારે, જેટલી આંકાક્ષાઓ વધારે, એટલું દુ:ખ વધારે. અને ઈચ્છાઓ ઉપર તો મનુષ્યનું જીવન જ નિર્ભર હોય છે. એ જીવનની બધી જ પ્રગતિની બુનિયાદ છે. ઈચ્છાઓ વિનાનો માણસ મને હમેશા ઈશ્વર જેવો લાગ્યો છે...અને ઈશ્વરનો મને કોઈ કોઈ વખત ભય જ થાય છે, એને માટે માન કે પ્રેમ નથી. સંસ્કૃતિનું એ સૌથી કરુણ પાત્ર મને લાગ્યું છે...

'મને પણ ઈચ્છાઓ છે કારણ કે હું ઈશ્વર નથી, અને એ ઈચ્છાઓનો અવરોધ થાય છે ત્યારે દુ:ખ થાય છે અને દુ:ખની સાથે જ એ દુ:ખથી ભાગવાના 'એસ્કેપ અનાયાસે આવી જાય છે, પણ જીવનમાં માત્ર સુખની આશા રાખવી એ તો મને નામર્દાઈનું મોટામાં મોટું લક્ષણ લાગે છે.'


પ્રકાશે એક ખોંખારો ખાધો અને કહ્યું, 'અલકા, તેં મને એક બહુ જબરદસ્ત સવાલ પૂછી લીધો છે. હું સ્વયં જે વસ્તુ બરાબર સમજતો નથી એ સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. હું 'એસ્કેપિસ્ટ' થઈ ગયો છું. અને મને કોઈ કોઈ વખત લાગ્યું છે કે 'એસ્કેપિઝમ' એ નામર્દનો ધર્મ છે અને મર્દાઈનો ગરૂર કરનાર હું પણ જરા વિચાર કરતો થઈ જાઉં છું...ધર્મ, સ્વજનો, સમાજ, સરકાર, નીતિમત્તા - બધાંની દુશ્મની કરીને મનુષ્ય કેટલો સમય ટકી શકે? હું ખુશદિલીથી જીવવા માંગું છું, સક્કરથી રોટી ખાનાર અને ટક્કરથી દુનિયા જીતનાર માણસની જેમ, અને મને ખબર છે - my candle burns at both ends...'

(પડઘા ડૂબી ગયા: પૃ. 141 અને 148 to 152)

April 20, 2013

અસ્તિત્વવાદ અને સાર્ત્ર, Existentialism and Sartre

પ્રથમ વિશ્વયુદ્ધને અંતે યુરોપના બુદ્ધિજીવીઓને એક નવો શબ્દ મળ્યો: the lost generation - ખોવાયેલી પેઢી. ખોવાયેલાં મૂલ્યો, નિરાશાભર્યો વર્તમાન અને અસ્થિર ભવિષ્યમાં ફાંફાં મારતી ખોવાયેલી પેઢીને હેમિંગ્વે અને એના સમકાલિન લેખકોએ અમર બનાવી દીધી. બીજા વિશ્વયુદ્ધે બુદ્ધિજીવીઓની જીભે નવો શબ્દ ચઢાવી દીધો - અસ્તિત્વવાદ. પ્રયોગશીલ ફ્રાંસની સાહિત્યિક દુનિયામાં સેક્સ, સામ્યવાદ, નિરાશા, નફરત બધું ભડકી રહ્યું હતું અને 1941ના એક જર્મન યુદ્ધકેદીઓની કેમ્પમાંથી પાછા ફરેલા ઝ્યોં પોલ સાર્ત્રે કહેવા માંડ્યું કે આ દુનિયામાં મૂલ્યો નથી, મરેલા ઈશ્વરના જગતમાં માણસ એકલો જ જીવી રહ્યો છે, જિંદગીનું કોઈ ધ્યેય નથી અને દરેક વ્યક્તિએ પોતાની મેળે જ પોતાના અસ્તિત્વના જવાબો શોધવાના છે. તૂટેલા ફ્રાંસના ભૂખ્યા, હતાશ જવાન બુદ્ધિજીવીઓને જ્ઞાનના ઝબકારાની જેમ સાર્ત્ર (અને એની સ્ત્રીમિત્ર સીમોન દ' બુવ્વાર)ના શબ્દો ગળે ઊતરી અયા. સાર્ત્ર અસ્તિત્વવાદનો લગભગ ધર્મગુરુ બની ગયો.

શ્રદ્ધા નિરાશામાં પલટાઈ રહી હતી સાર્ત્રના ભૂતપૂર્વ શિષ્ય આબ્લેર કામ્યુએ કહ્યું, 'હિટલરના સિતમની સામે અમને કયાં મૂલ્યો સાંત્વન આપવાના હતાં? કોઈ મૂલ્યો ન હતાં. જે બધું બની રહ્યું હતું એનો કર્તા માણસ હતો એની ના પાડી શકાતી ન હતી... આપણને જે દુનિયામાં જીવવું પડ્યું હતું એ અસંગત દુનિયા હતી....' કામ્યુએ અસંગત (absurd) શબ્દ આપ્યો.

અસ્તિત્વવાદ એક ફેશનેબલ શબ્દ બની ગયો અને એણે માણસના વિચારોની સીમાઓ પહોળી કરી નાખી.

અસ્તિત્વવાદ એ કોઈ ધર્મ કે વાદ નથી; છતાં પણ એ ધર્મ, ફિલોસૉફી, મનોવિજ્ઞાન, માનસશાસ્ત્ર, વિજ્ઞાન બધાંને સ્પર્શે છે. એ બહુ જ સીધી વસ્તુ છે અને એની જટિલતાઓનો પાર નથી. એને સમજાવવો ઘણો કઠિન છે, પણ દરેકની વ્યક્તિગત વિચારધારા પર એની પકડ આવી જાય છે. આજના ઘણા ખરા સન્માનનીય દાર્શનિકો અસ્તિત્વવાદીઓ છે. કવિઓ, લેખકો, આનંદપ્રમોદમાં ડૂબી ગયેલા બોહેમિયનો, માનસશાસ્ત્રીઓ, જાતજાતના માણસો એના પડછાયામાં હોય છે. કોલિન વિલ્સન એના Outsider નામના પુસ્તકમાં રામકૃષ્ણ પરમહંસને પણ અસ્તિત્વવાદી ગણાવે છે. અને ધર્મનીતિજ્ઞ (theologian) પૉલ ટીલીચ માને છે કે ચિત્રકલામાં આધુનિક અસ્તિત્વવાદ સીઝાનથી શરૂ થાય છે અને વાન ગૉગના 'સ્ટેરી નાઈટ' (તારાભરી રાત્રિ) ચિત્રમાં એ વાસ્તવિકતાનાં ઊંડાણ સુધી પહોંચે છે.

સીધીસાદી ભાષામાં આધુનિક અસ્તિત્વવાદી કોને કહેવો? જે આવા મોટા સવાલો પૂછી નાંખે છે - 'હું કોણ છું?', 'હું અહીં શા માટે છું?' અને આ પ્રશ્નોના જવાબ મળતા નથી ત્યારે ચિંતા (anxiety) અને દોષની ભાવના (guilt) તેમ જ ભય પેદા થાય છે અને ફિલોસૉફિકલ અસ્તિત્વવાદ મનોવૈજ્ઞાનિક સ્વરૂપમાં ફેરવાઈ જાય છે.

અસ્તિત્વવાદ નવી વસ્તુ નથી. ફિલોસૉફરોના આદિપિતા સોક્રેટીસના 'Know Thyself' (તારી જાતને સમજ)થી એ શરૂ થાય છે. પ્રત્યેક મનુષ્યનો એ જીવંત પ્રશ્ન બની રહે છે. 19મી સદીના મહાન ધર્મવિચારક સોરેન કિર્કગાર્ડે પ્રચલિત ધર્મ પર કરેલા પ્રહારોમાં એ વિસ્તરે છે, 20મી સદીના ચિંતાગ્રસ્ત માણસનું એ હથિયાર બને છે, નિત્શે અને દોસ્તોએવસ્કી પોતપોતાની ખાસ વિચારધારાઓથી એનું વહેણ બદલે છે, હેમિંગ્વે એમાં વેદના અને મૃત્યુ (suffering and death)ના રંગો પૂરે છે, કામ્યુ અસંગતતા (absurdity) ઉમેરે છે, સાર્ત્ર ઊલટી (nausea)ની કલ્પના લાવે છે. સાહિત્યના એલિયટ, જૉયસ, કાફકા, ફિલોસૉફીના માર્ટિન હાઈડગર, ગેબ્રિયલ માર્સલ, ઉનામુનો, મનોવિજ્ઞાન (metaphysics)નો કાર્લ જેસ્પર - બધાના વિચારોનું એક કચુંબર બને છે અને નવા રસાયણ જેવો આધુનિક માણસ રજૂ થાય છે. એના સંબંધીઓ ચિત્રવિચિત્ર છે - કાફકાનો જોઝફ કે દોસ્તોએવસ્કીનો ઈફાન કારામેઝોવ, હેમ્લેટ, ફોસ્ટ, ડૉન ક્વીક્ઝોટ, જૉયસનો લિયોપોલ્ડ બ્લૂમ, પાસ્તરનાકનો યુરી ઝિવાગો, સાર્ત્રનો રોક્વેન્ટીન, હાસનો સિદ્ધાર્થ, કામ્યુનો 'આઉટસાઈડર', મ્યુર સોલ્ટ, એલિયટનો પ્રુફ્રોક, આંદ્રે માલરોના ક્યો અથવા કેટોવ - સૌ પોતપોતાની રીતે અસ્તિત્વને જુએ છે અને સમજવા પ્રયત્ન કરે છે. આધુનિક માણસને પણ જુદા જુદા લેબાસોમાં રજૂ કરવામાં આવે છે - ઈંગ્લંડની નેન્સી મિટફોર્ડ 'યુ' અને 'નોન-યુ' (U and Non-U)ના ભાગ પાડે છે. અમેરિકાએ organisation manની સંસ્થા સ્વીકારવા માંડી છે, અને વીસમી સદીના ન્યુક્લિયર મોત અને ICBM (Inter-continental Ballistic Missiles) એક ખંડથી બીજા ખંડના લક્ષ્યસ્થાન પર ફેંકી શકાય એવાં રોકેટો)ના જમાનામાં માણસ અને એના અસ્તિત્વનો પ્રશ્ન એ સૌથી મોટી સમસ્યારૂપ બની ગયો છે.

અસ્તિત્વવાદ અભ્યાસની દ્રષ્ટિએ ધર્મ, ફિલોસૉફી અને માનસશાસ્ત્ર બધાંને સ્પર્શે છે અને એની ઉત્પત્તિ જુદી જુદી રીતે થઈ છે. ફ્રેંચ સાહિત્ય પર ઐતિહાસિક નજરે જોતાં સમજાય છે કે છેલ્લાં ત્રણસો વર્ષથી ફ્રાંસની એક મહાન ચર્ચા રહી છે - શ્રદ્ધા (faith) અને બુદ્ધિ (reason) વચ્ચે. એક તરફ પાસ્કલ, બીજી તરફ ડેકાર્ત (I think, Therefore I exist - હું વિચારું છું, માટે જ હું છું.) બુદ્ધિના પક્ષમાં વોલ્ટેર અને રુસો આવ્યા. એ ચર્ચા 27 વર્ષના પત્રવ્યવહારમાં  આગળ વધી - કેથેલિક (ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર) પૉલ ક્લોડેલ અને પ્રોટેસ્ટંટ (વ્યક્તિમાં વિશ્વાસ રાખનાર) આન્દ્રે જીદ વચ્ચે. ધીરે ધીરે આ બુદ્ધિ વિશેના વિચારો સંશય (doubt)માં પરિણમ્યા. બીજા વિશ્વયુદ્ધે સંશયને વિચારશીલ માણસોના વિચારોમાં વધુ ઘનીભૂત કરી નાંખ્યું. (જો કે આ પહેલાં નિત્શે, કાફકા અને દોસ્તોએવસ્કીએ શ્રદ્ધા પર પૂરતા પ્રહારો કરી લીધા હતા.)

ધાર્મિક અસ્તિત્વવાદ (Christian Existentialism) એ વ્યક્તિ અને ઈશ્વર વચ્ચેનો ઝઘડો છે, અને એમાં ડેનિશ ફિલસૂફ સોરેન કિર્કગાર્ડનો ફાળો ઘણો મોટો છે. કિર્કગાર્ડનો 'હીરો' સોક્રેટીસ હતો. સોક્રેટીસ એક ચર્ચાસ્પદ વ્યક્તિ છે. ફિલસૂફોના આદિપિતા હોવા છતાં એણે કોઈ સંગીન ફિલોસૉફીને જન્મ આપ્યો નથી. એનું બધું જ ડહાપણ એના અજ્ઞાનને સમજવામાં પસાર થયું. કિર્કગાર્ડ પણ સોક્રેટીસને ઘણો મળતો આવતો હતો અને એણે એ જમાનાના ખ્રિસ્તી ધર્મ અને ધર્મની બીજી સંસ્થાઓ પર પ્રહાર કર્યા હતા. એના કહેવા પ્રમાણે ધર્મ મનુષ્ય અને ઈશુ ખ્રિસ્તની વચ્ચે આવી ગયો હતો. એણે ઘણી ચોપડીઓમાં ઘણા વિચારો હિંમતથી પ્રકાશિત કર્યા છે અને પ્રત્યેક અભ્યાસીને માટે એ અસ્તિત્વવાદની પહેલી ચાવીરૂપ થઈ પડે છે.

સ્પેનિશ ફિલસૂફ ઉનામૂનોના વિચાર ધ્યાન ખેંચે એવા છે. એ માનતો કે જિંદગીનો ખરો અર્થ વિષાદગ્રસ્ત સંઘર્ષ (agonic struggle)માં છે. ધર્મ એની દ્રષ્ટિએ ઈશ્વર સાથેનો સંઘર્ષ હતો. માણસ ઈશ્વર અને અમરત્વને ઈચ્છતો રહે છે. જેમના અસ્તિત્વને એની બુદ્ધિ સાબિત કરી શકતી નથી. એટલે જિંદગી એટલાં ઊંચા મૂલ્યો અને સારાઈ (goodness)થી જિવાવી જોઈએ કે જ્યારે કયામત આવે ત્યારે એ એક અન્યાય જેવું લાગવું જોઈએ - જિંદગીની ઈતિ આમાં રહેલી છે.

અસ્તિત્વવાદ વિષે જાતજાતના ખ્યાલ પ્રવર્તે છે. થોડી સનસનાટીભરેલી સૅક્સ, થોડો યથાર્થવાદ, થોડી નિરાશા, થોડો વ્યક્તિવાદ, થોડા સામ્યવાદના છાંટા - આ બધું મળીને આધુનિક અસ્તિત્વવાદ બને છે એવો કંઈક સામાન્ય ખ્યાલ છે. આ બધું સાચું પણ છે અને ખોટું પણ છે.

સૌથી પહેલું એ માણસના વિચારો (moods)ને માનભર્યું સ્થાન આપે છે. ભય, થથરાટ, ગુનેગાર મનોવૃત્તિ, મોત - આ બધાં મનુષ્યના એની આસપાસની શૂન્યતા (void)નો મુકાબલો કરવાના સંબંધો છે. માણસ એના અંધકારને સમજવાનો નિશ્ચય કરે છે અને એ દ્રષ્ટિએ આ એક પ્રક્રિયા (action)ની ફિલોસૉફી છે. સાર્ત્રની દ્રષ્ટિએ તો એ આશાવાદી પણ છે. એ માણસનો પ્રયત્ન છે. એના અસ્તિત્વને અને અસ્તિત્વના સંઘર્ષોને સમજાવવાનો. એ સંઘર્ષોની ઉત્પત્તિ અને નિકાલના પ્રશ્નો પણ અસ્તિત્વવાદમાં આવી જાય છે.

અસ્તિત્વવાદને સમજવા માટે થોડા દાર્શનિકો અને ચિંતકોને ધ્યાનથી સમજવા જરૂરી છે. આમાં પ્રથમ આવે છે ડેનિશ ધર્મવિચારક સૉરેન કિર્કગાર્ડ.

અસ્તિત્વવાદના પ્રથમ 'હીરો' કિર્કગાર્ડનો સમય 1818-55નો છે અને એણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકોમાંથી એની વિચારધારા મળી રહે છે. વ્યવહારું (rationalist) પ્રણાલિકાઓ સામે એણે બળવો પોકાર્યો અને કહ્યું કે યથાર્થતા અને સત્ય માણસમાં પોતાનામાં જ છે, પછી ભલે એ વ્યવહારું હોય કે ન હોય. માણસ વિષેનું સૌથી મહત્ત્વનું સત્ય છે એવું અસ્તિત્વ. માણસ એક જ એવું પ્રાણી છે જે પોતાના વિષે સભાન છે (self-conscious) અને આથી જ એને એના અન-અસ્તિત્વની શક્યતાઓ ખ્યાલ (awareness) આવે છે અને આના પરિણામે ચિંતા (anxiety) પેદા થાય છે.

કિર્કગાર્ડે ઘણી વસ્તુઓ પર ઘણા વિચારો પ્રગટ કર્યા છે. નિરાશાનું ખરું કારણ નસીબ જેવું કોઈ બાહ્ય સાધન નથી પણ 'સંકલ્પનો પક્ષઘાત' (paralysis of will) છે. બાહ્ય અસરો મેં મારા હાથે પસંદ કરી નથી, અને હું મારો ભૂતકાળ બદલાવી શકતો નથી. એક વિચારશીલ નિષ્ફળ-નિરાશા (intellectual skepticism) આવે છે. આનો માર્ગ શું? કિર્કગાર્ડે Either Orમાં જણાવ્યું કે સંપૂર્ણ પતન અથવા પૂરેપૂરું ધર્મતરફી વલણ. (આ પુસ્તકના પહેલા ભાગમાં અંત આવે છે એક પ્રેમીની ડાયરીથી અને બીજા ભાગના શેષમાં એક ધર્મપ્રવચન આવે છે.)

એના Concept of Dread (જેને માટે માનસશાસ્ત્રમાં angst શબ્દ વપરાય છે)માં એણે પદ્ધતિસર માણસની છણાવટ કરી છે, અને એ નિર્દોષતાથી દોષ તરફ કેવી રીતે જાય છે એ બતાવ્યું છે. 'વર્તમાન' વિષે એ માને છે કે ગતિ અને સ્થૈર્ય વચ્ચેનું એ એક અસંગત જ્યોમેટ્રિકલ ટપકું છે અને એ સમય લેતો નથી. 'ક્ષણ' એ એવું બિંદુ છે કે જ્યાં અનંત (eternity) સમયને સ્પર્શે છે. મૃત્યુ એ સ્વાભાવિક ક્રિયા છે, પણ પાપી માણસ માટે એ ભયંકર બની જાય છે. કિર્કગાર્ડ શ્રદ્ધાને ઘણું મહત્વ આપે છે. અને અનુભૂતિ (feeling)થી એને જુદી પાડે છે. શ્રદ્ધા એ જ્ઞાનનો પ્રકાર કે ભાગ નથી. માણસે સાચા અર્થમાં પૂરા માણસ બનવું જોઈએ. નહિ તો આ સંક્રાંતિ (evolution)નાં હજારો વર્ષોનો કંઈ અર્થ થતો નથી. અને દરેક માણસ પોતાનું સાચું સ્વત્વ (true self) શોધી શકે તો એક પણ માણસ નકામો નહિ રહે.

આધુનિક અસ્તિત્વવાદમાં સ્વાતંત્ર્ય, ચિંતા અને શૂન્યતા (freedom, anxiety and nothingness)ના સંબંધો એ મુખ્ય વસ્તુ બની ગઈ છે અને એ વિષે કિર્કગાર્ડના વિચારો સ્પષ્ટ છે. સામાન્ય માણસ જે વ્યક્તિત્વની ભયંકર આઝાદીમાંથી ભાગી છૂટવા મથે છે એ સુરક્ષિતતા (security) ઈચ્છતો હોય છે, અને બાહ્ય દુનિયાને અનુરૂપ થઈ જાય છે. જે ક્ષણે માણસ સ્વાતંત્ર્ય મરી જાય છે અને એક પૂરી પરિસ્થિતિ (the total situation) ઉત્પન્ન થાય છે.

ફિલસૂફ હેગલ (Hegel)ના ઐતિહાસિક નિયતિ (historical determinism)ના સિદ્ધાંતોનો કિર્કગાર્ડે વિરોધ કર્યો એ સિદ્ધાંત હતો: ઉત્થાન - લયના ગ્રાફની જેમ ઈતિહાસ નક્કી કરેલા માર્ગે જ ચાલે છે અને બધી વાસ્તવિકતા (reality)ને વ્યવહારુ ચોકઠામાં બેસાડી શકાય. કિર્કગાર્ડે કહ્યું કે વ્યક્તિનું જીવન એ નિયતિ અને સ્વાતંત્ર્ય વચ્ચેની રમત છે.

પાગલપણાની છણાવટ કર્યા પછી એણે નિરાશાને સમજાવી છે - Sickness unto Death, મૃત્યુ સુધીની બીમારી. માણસની ખરી તકલીફ કિસ્મતના બળોને લીધે નથી આવતી, પણ એના પોતાના અંતરમાંથી આવે છે અને તેથી મૃત્યુ સુધીની બીમારી છે. એનું મધ્યબિંદુ છે 'સ્વ' (self). ઈશ્વરથી માણસ જેટલો દૂર જાય છે (estrangement) એટલી નિરાશા થતી જાય છે. માનસશાસ્ત્ર જેને નિરાશા કહે છે અને ધર્મનીતિ પાપ કહે છે, એ બન્ને એક જ વસ્તુ છે. પાપનો વિરોધી શબ્દ પુણ્ય (virtue) અથવા સદગુણ નથી, પણ શ્રદ્ધા છે.

કિર્કગાર્ડ પ્રામાણિક હતો અને ધર્મથી દૂર એવો ખ્રિસ્તી હતો. એણે 19મી સદીમાં ચાલતા ધાર્મિક પાખંડો પર પ્રહાર કર્યા છે. એણે એના 'હીરો' સોક્રેટીસની જેમ કોઈ દાર્શનિક પદ્ધત્તિ સર્જી નથી અને એ ચેલાઓ રાખવામાં માનતો ન હતો. ચિંતા એ સ્વાતંત્ર્યની સાથે જ સંકળાયેલી વસ્તુ છે, દોષની ભાવના એક સ્થિતિ છે, મૃત્યુ પ્રત્યેક ક્ષણે ઝૂલી રહ્યું છે અને વ્યક્તિની આંખે એ જોવાવું જોઈએ, ખરું સ્વત્વ (selfhood) એ આ દૈનિક ચહલપહલની દુનિયા છોડવામાં છે અને માણસનો મુખ્ય પ્રશ્ન જ્ઞાનનો અભાવ નથી, પણ સંકલ્પ (resolve)નો અભાવ છે. અંતત: કિર્કગાર્ડ ધર્મનો નહિ પણ શ્રદ્ધાનો હિમાયતી હતો.

માર્ટિન હાઈડગર, જર્મન અસ્તિત્વવાદી દાર્શનિક કૉલેજમાં સાર્ત્રનો સમકાલીન હતો. આધુનિક અસ્તિત્વવાદીઓ પર એની મોટી અસર છે. સાર્ત્રની શૂન્યતા (nothingness)ની કલ્પના પર હાઈડગરની સીધી અસર છે. એનો મુખ્ય ગ્રંથ છે: Being and Time (Sein and Zeit) - અસ્તિ અને સમય. એની વિચારધારાનું પહેલું બિંદુ છે માણસ. એ માણસ શબ્દ પણ વાપરતો નથી, પણ Desein-being there - 'ત્યાં હોવું' એવા મતલબનો જર્મન શબ્દ વાપરે છે. એ બે ભાગ પાડે છે: માણસ અને વસ્તુ (thing). માણસ એ આ દુનિયામાં એક વસ્તુ નથી, પણ 'અસ્તિ' (being) છે.હાઈડગર કહે છે કે માણસ આસપાસની અને ચીલાચાલુ દુનિયા તેમજ એના પ્રત્યાઘાતોમાં ડૂબી જાય છે અને ‘હું’ (I) પણ રહેતો નથી, પણ અજ્ઞાત (anonymous) બની જાય છે. એનું અસ્તિત્વ ખોટું (unauthentic) બની જાય છે. આ ખોટું અસ્તિત્વ એટલે સ્વત્વ (selfhood) તરફથી વસ્તુત્વ (thinghood) તરફ જાય છે.

કિર્કગાર્ડ અને ફ્રૉઈડની જેમ હાઈડગરે ભય (fear)  અને ચિંતા (anxiety) વિશે વિચાર પ્રગટ કર્યો છે. ભયને વિષય (object) હોય છે, ચિંતાને વિષય હોતો નથી. એ માને છે કે મૃત્યુ વિના અસ્તિત્વ સંપૂર્ણ બનતું નથી અને મારું મરવાનું મારે પોતે જ કરવું પડે છે. એણે જીવનના ટૂંકગાળા (temporality) વિશે કહ્યું છે કે જીવનનો અર્થ ટૂંકગાળાની શક્યતાઓ સાથે જડાયેલો છે અને મૃત્યુ એક જ અંતિમ શક્યતા છે. કિર્કગાર્ડે શાશ્વતતા (eternity)ને માણસના અંતિમ સ્વરૂપ તરીકે બતાવ્યું હતું, પણ હાઈડગર ટૂંકગાળાને અને મનુષ્યના નિશ્ચયને મહત્ત્વ આપે છે. શૂન્યતા સાથેના મુકાબલા વિષે એણે લખ્યું છે,

કિર્કગાર્ડ પછીનો બીજો અસ્તિત્વવાદી ‘હીરો’ છે જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શે. નિત્શેનું એક ભયંકર વ્યાક્તિત્વ હતું. 19મી અદીના વિનાશવાદ (nihilism) અને 20મી સદીના સિતમ (નાઝીઝમ, ફાસીઝમ) વગરેથી ધ્રૂજી ઊઠેલા આલ્બેર કામ્યુએ જાહેર કર્યું કે આજના યુરોપની કલંકિત મેધાઓ (evil geniuses) છે હેગલ, માર્ક્સ અને નિત્શે. ધર્મના ભુક્કા બોલાવી દેનાર નિત્શે છેવટે એના વિચારોમાંથી પાગલ બની ગયો હતો, પણ એ વિચારો અસ્તિત્વવાદી વિચારધારા પર કાતિલ અસર મૂકતા ગયા છે. 

નિત્શે એના superman ‘મહામાનવ’ના સિદ્ધાંત માટે મશહૂર છે, જે સિદ્ધાંતે હિટલરના નાઝીઝમના ઉત્થાનમાં પણ ભાગ ભજવ્યો હતો, એ સિદ્ધાંત વિષે વિચાર કરવો અયોગ્ય નથી.

‘Joyful Wisdom’ નામના પુસ્તકમાં નિત્શેનું એક પાગલ પાત્ર શહેરના ચોક પર ફાનસ હાથમાં લઈને લોકોને પૂછતું ફરે છે કે, ‘ઈશ્વર ક્યાં છે? હું ઈશ્વરને શોધું છું.’ લોકો હસે છે. પાગલને ઉત્તર મળતો નથી અને નિત્શે એના પાગલ પાસે કહેવડાવે છે કે, ‘આ બધા દેવળો ઈશ્વરની કબરો અને સમાધિઓ નથી તો શું છે?’ આગળ વધીને નિત્શે કહે છે કે God is dead (ઈશ્વર મરી ગયો છે). આ પૂર્વભૂમિકા પછી નિત્શેના વિચારો સમજવા સરળ પડશે.

નિત્શે માનતો કે અપાર્થિવ શિવ (transcendent goodness), સત્ય અને સૌંદર્ય વિષેનાં જૂનાં ધોરણો મરી પરવાર્યાં છે અને આધુનિક માણસે એ બધાંનો અસ્વીકાર કરવો જોઈએ. જૂનાં મૂલ્યો ખતમ થઈ ગયાં છે અને અત્યારે એક વચગાળાનો સમય (transitional Period) ચાલી રહ્યો છે જેના અંતે માણસ પોતાની મેળે જ પોતાનાં મૂલ્યો સર્જશે (જેને માટે નિત્શે શબ્દ વાપરે છે: transvaluation of values – મૂલ્યોનું મૂલ્યાંકન). તે મૂલ્યો જીવનના સંઘર્ષો વચ્ચે જીવનને ટકાવશે અને ઉચ્ચતર બનાવશે. આ વખતે નક્કી કરેલાં ધોરણો નહિ હોય.

આપણાં ધ્યેયો એ આપણા જીવનની ગતિ અને પ્રયાસોના પડઘારૂપ હશે અને સમસ્ત અસ્તિત્વમાં એક વિચાર પ્રધાનસ્થાને હશે: will to Power – શક્તિની ઈચ્છા. પણ આનો અર્થ છે બેલગામ સક્રિયતા નહિ, પણ શિસ્તબદ્ધ પ્રક્રિયા. માણસે પોતાની જાત અને શક્તિઓના માલિક થવું પડશે. સૌથી પહેલાં આ ફેરફાર કલા દ્વારા દ્રષ્ટિગોચર થશે. (કલા માટેની નિત્શેની વ્યાખ્યા : લલિતકલાઓ અને પ્રજનનથી માંડીને આપણે સર્જેલી વિરાટ સંસ્થાઓ સુધીની દરેક સર્જનાત્મક ક્રિયા.)   

આપણાં નૈતિક ધોરણો આપણે જેનો સ્વીકાર કરીએ અને નફરત કરીએ એનાથી જુદાં ન હોવાં જોઈએ. આપણને  આપણી મેળે સાચું શું છે એ જોવા-સમજવાનો સ્વતંત્ર અધિકાર છે. એનાથી સંકલ્પ (will) સંતોષાય છે અને શક્તિ (Power) વધે છે.

ઈશ્વરને આ દુનિયામાંથી મરી જ જવાનું હતું. માણસ પોતે મૂલ્યો નક્કી કરે છે અને સ્થાપે છે; અને, આગળ ઉલ્લેખ થયો તે વચગાળાના સમયની બીજી બાજુએ પૃથ્વી પરનું સાર્વભૌમત્વ સ્વીકારવા માટેનો મહામાનવ (superman) ઊભેલો છે. આ કોઈ રાજનૈતિક વિજેતા (દા.ત. નાઝીઓ) નથી. જગતમાં કોઈ અપાર્થિવતા (transcendence) નથી અને માણસે પોતે સ્વ-પ્રકાશ (self-realization) શોધવાનો હોય છે.  
ઈશ્વરના મરી જવાથી મનુષ્યની સ્વતંત્રતા ભયાવહ બની જાય છે. (‘Freedom is terror’ Sartre) અને એનો બોજ અસહ્ય બની જાય છે. ઈશ્વર એ માણસના સવાલોનો ઉત્તર રહેતો નથી અને વ્યવહારુપણા (rationalism)થી વિચારશક્તિ અવરોધાય છે. આ ક્ષણે સ્વતંત્રતા, અસ્તિત્વની શૂન્યતા, ચિંતા અને માણસના નકામાપણાના (wretchedness) પ્રશ્નો ઊભા થાય છે અને અસ્તિત્વવાદના રંગમંચ પર ઝ્યોં પોલ સાર્ત્ર આવે છે.

સાર્ત્રનો અભ્યાસ જરા લંબાણ માગી લે છે એ બહુ વિરોધાભાસી અને ચર્ચાસ્પદ વ્યક્તિ છે. અમુકની દ્રષ્ટિએ એ આ સદીનો સૌથી મેધાવી વિચારક છે. અસ્તિત્વવાદી ગેબ્રિયલ મારસલ માને છે કે એનામાં બદનામ થવાની ખાસ લાક્ષણિકતા છે (Propensity for scandal). અમુક માને છે કે સાર્ત્રનો અસ્તિત્વવાદ લડાઈ પછીનાં થોડાં વર્ષો બુદ્ધિજીવીઓના મગજ પર પકડ જમાવી ગયો, પણ હવે એ મરી પરવાર્યો છે. એણે ટૂંકી વાર્તાઓ, નાટકો, ઉપન્યાસો, દર્શનના ગ્રંથો ઘણું લખ્યું છે અને અસ્તિત્વવાદને પ્રચલિત બનાવવામાં એનો ફાળો ઘણો મોટો છે. ધાર્મિક મનોવૃત્તિવાળા વિચારકો સાર્ત્રની સામે આંગળી ચીંધી કહે છે કે નાસ્તિકતા અને નિરીશ્વરવાદ માણસને કઈ અધોગતિ સુધી લઈ જઈ શકે એનું સાર્ત્ર જીવતું પ્રમાણ છે. માણસમાં વિશ્વાસ રાખનાર નવા વિચારકોમાં સાર્ત્ર સ્વતંત્રતાનો ફિરસ્તો બની જાય છે (કિર્કગાર્ડ જેમ ‘શ્રદ્ધા’ને મહત્વ આપતો હતો એમ). પણ સાર્ત્ર હમેશાં ચર્ચાસ્પદ રહ્યો છે, અને અસ્તિત્વવાદી વિચારસરણીમાં એનું સ્થાન અમર છે, ખાસ કરીને એના હિંમતભર્યા નેગેટિવ વિચારોનું. આજના ફ્રાંસમાં સાર્ત્ર કોઈપણ નવા પ્રયત્નની પીઠ થાબડે છે ત્યારે એનું તકદીર ખૂલી જાય છે. (આંદ્રે ગોર્ઝના The Traitorની 36 પાનાંની ભૂમિકા સાર્ત્રે લખી આપી હતી અને હમણાં એણે ફ્રાંસના new-wave ફિલ્મ ડાયરેક્ટર ઝ્યોં લુક ગોડાર્ડની પ્રશંસા કરી હતી).

અત્યાર સુધી પશ્ચિમના વિચારો ચાર દ્વૈત (dichotomy)માં માનતા હતા: (1) વિચાર વિરુદ્ધ વસ્તુ, (2) વાસ્તવિકતા વિરુદ્ધ બનાવટ, (3) નિયતિને અનુરૂપ શરીર વિરુદ્ધ ઈચ્છાશક્તિ, (4) વ્યવહારુપણું વિરુદ્ધ અવ્યવહારુંપણું. સાર્ત્રે ‘સ્વ’ના અનુભવને નવો રંગ આપ્યો છે જે Phenomenology કહેવાય છે. આ બધા દ્વૈત ભૂતકાળમાં માર્ગદર્શાન આપી શક્યા ન હતા અને એક બંધમાર્ગ (dead-end) સુધી જઈને અટકી જતા હતા. સાર્ત્ર દ્વૈતમાં માનતો નથી, પણ અલિપ્તતા (estrangement)માં માને છે. આ અલિપ્તતા દ્વૈત કરતાં પણ ખરાબ છે.

Being-itself, જેને હાઈડગર મનોવ્યાપારની દુનિયાથી બહાર ગણે છે, એને જ સાર્ત્ર કંઈક અંશે અપાર્થિવતા ( transcendence)  કહે છે. આ અપાર્થિવતા નકામી કલ્પના છે અને સાર્ત્ર માને છે કે અપાર્થિવતા જેવી વસ્તુ જ નથી, પણ બે જ વસ્તુઓ શક્ય છે: સભાનતા (consciousness) અને જગત. માણસ પોતે જે અર્થો ગોઠવે એ જ અર્થપૂર્ણ છે. મનુષ્યના અર્થો અને અસ્તિ (being)ના અર્થો વચ્ચે કોઈ સંબંધ નથી. અ-મનુષ્ય નિરર્થક છે.    

સભાનતા એ વસ્તુ નથી. એ કોઈ ચીજનો (something) ખ્યાલ (awareness) છે. અને સભાનતા ‘પોતે એ વસ્તુ નથી’ એવા ખ્યાલને પણ કહેવાય. આ સભાનતા સાર્ત્રની વિચારધારામાં એક અગ્રિમ ભાગ ભજવે છે.

સાર્ત્ર બધા વિરોધાભાસી દ્વૈતનો અસ્વીકાર કરે છે. સ્વજ્ઞાનના પ્રતિબિંબની પાછળ એક પૂર્વ-પ્રતિબિંબિત સભાનતા (Prereflective consciousness) નિહિત છે. ‘હું મારા વિષે સભાન છું’ એમ નહિ પણ ‘હું જ  એક સભાનતા છું’ એ વધુ સાચું છે.

બધા દ્વૈતોને નકારીને સાર્ત્ર  પોતાનું એક દ્વૈત પ્રસ્તુત કરે છે. (1) len-soi (લોં સ્વા) જેને મૂળ ફ્રેંચમાંથી અનુવાદ કરતાં ‘in itself’ એમ થાય. અંગ્રેજી અનુવાદ the thing as it is in itself  કરવામાં આવ્યો છે. (2) le pour soi (લ પુ સ્વા) ‘the for itself - something which is myself, the human consciousness – માણસની સભાનતા. આ તબક્કે ફિલસૂફ ગેબ્રિયલ મારસલ કહે છે કે સાર્ત્ર વસ્તુવાદી (materialist) છે.

પહેલો વિચાર ‘લોં સ્વા’ એ વસ્તુ સાથેનો માણસનો મુકાબલો છે. એ વિષે સાર્ત્રે પોતાની પહેલી નવલકથા ‘નોશિયા’ (ઊલટી)માં હીરો રૉક્વેન્ટીનનો એક વિશિષ્ટ પ્રસંગ ચીતરે છે. રૉક્વેન્ટીન એક ચેસ્ટનટના ઝડની સામે બેસે છે અને જોયા કરે છે. વૃક્ષની સામે એ બેંચ પર બેઠો છે અને વૃક્ષ ‘ત્યાં’ છે. વૃક્ષનું ‘ત્યાં-પણું’ (thereness) એ એક હકીકત છે. એ વૃક્ષ ત્યાંથી ખસતું નથી. એ વૃક્ષ એક સ્થિતિ, એક વસ્તુ, એક સજ્જડ રજૂઆત છે જેનું અસ્તિત્વ નકારી શકાય એવું નથી. ધીરે ધીરે રૉક્વેન્ટીન એ વૃક્ષના ઉપયોગના, બાહ્ય સૌંદર્યના, એની દ્રશ્ય અને અદ્રશ્ય અસરોના બધા ‘માનુષ્યિક’ વિચારો ખંખેરી નાંખે છે અને વૃક્ષ વસ્તુના સ્વરૂપમાં, પોતાના જ અસ્તિત્વની રૂએ ઊભું રહે છે. આ એક ક્રૂર મુકાબલો (encounter) છે અને એક અસંગતતા છે. અહીં સાર્ત્રના હીરોને આ અસંગતતા ઊબકા-ઊલટીની ભાવના (nausea) પેદા કરાવે છે,

આ પ્રસંગનું મહત્વ શું? માણસ અને ઝાડ વચ્ચે શો સંબંધ, શું સાતત્ય? માણસનું પણ ‘માનુષ્યિક’ સ્વરૂપ ખંખેરી નાખતાં એ પણ આ દુનિયામાં એક સામાન્ય ‘ત્યાં’ બની જાય છે, રૉક્વેન્ટીન પણ સામાન્ય રીતે ‘ત્યાં’ છે. આ બધું ઘોર અસંગતતાઓનો ખ્યાલ આપે છે અને એક અપરિચિત વાતાવરણ (alien environment) પેદા કરાવે છે.

બીજો વિચાર સભાનતાને વધુ સ્પષ્ટ કરે છે. બહારની લક્ષ્યવાદી (objective) દુનિયાનો પ્રત્યાઘાત એ સભાનતા. જો બહારની દુનિયા ન હોય તો સભાનતા સંભવી શકે નહિ. એટલે સાર્ત્ર સભાનતાને ઊંધી રીતે શરૂ કરે છે. એ અસ્તિના આકારમાંનું એક કાણું છે.

હવે પ્રશ્ન ઊઠે છે: અસ્તિત્વ ખરેખર આકસ્મિક (contingent) અને અસંગત (absurd) છે?

માણસના પ્રત્યાઘાતો વાસ્તવિકતાને તરાશે છે અને આ દુનિયા ત્યાં છે, ત્યાં ટકી રહી છે, દુનિયાના ‘ત્યાં-પણા'ની તીવ્રતા ખટકે એટલી સત્ય છે. એટલે સાર્ત્ર માને છે કે એક અલિપ્તતા આવી જાય છે (estrangement) આ એક પૂર્ણ પરિસ્થિતિ (the total predicament) છે જેમાંથી માનસિક નિરાશા, સર્જનાત્મક બળો વગેરે ઉત્પન્ન થાય છે. ફલત: એક જુદાઈ (alienation) આવે છે, આ જુદાઈને કઈ રીતે પહોંચી વળવું? શ્રદ્ધાથી શાંતિ મેળવવી કે નાસ્તિકતાના ઊબકા ખાવા? અહીં ધર્મવિચારકો દલીલ કરે છે કે ઝાડની અસ્તિ એ જે છે તે જ છે. માણસ જે છે એ જ નથી, દુનિયાના મશીનનો એ એક પુર્જો નથી, એ જુદો પડે છે. પણ સાર્ત્ર ‘સ્વ-અપાર્થિવતા’ (self-transcendence)નો પોતાનો દ્રષ્ટિકોણ આપે છે.

અલિપ્તતા એ સાર્ત્રની ફિલોસૉફીનો એક મોટો સિદ્ધાંત છે અને એની એણે સારી છણાવટ કરી છે. એ એક બુનિયાદી સ્થિતિ છે: (1) માણસ અને દુનિયાના  સંબંધોની, અને (2) માણસ અને અન્ય માણસોના સંબંધોની. જ્યારે હું કોઈ વસ્તુની સંમુખ ઉપસ્થિત થાઉં છું ત્યારે કંઈ જ બનતું નથી, પણ જ્યારે હું અન્ય વ્યક્તિ કે માણસની સામે આવું છું ત્યારે એ મારી સામે જુએ છે અને કંઈક બને છે. હવે આ સામેનો માણસ એક વિરુદ્ધ દ્રષ્ટિકોણ (counter-perspective) છે, જે મારા દ્રષ્ટિકોણને ચેલેન્જ કરે છે. હું એનું લક્ષ્ય બની જાઉં છું અને એની સભાનતામાં એક વસ્તુ બની જાઉં છું અર્થાત બીજો માણસ મારો કર્તા બની જાય છે અને મારા વસ્તુપણાનો ખ્યાલ મને આવે છે. આ એક આંતર-વ્યક્તિગત પરિસ્થિતિ છે. હું આ સ્થિતિનો વિરોધ કરું છું, એટલે હું દૂર થતો જાઉં છું અને સંઘર્ષ થાય છે. મારી દ્રષ્ટિ આનો ઉકેલ સૂચવે છે: મારે કર્તા થવાનો અને સામેના માણસને વસ્તુ બનાવી દેવાનો, જે વૃત્તિ પણ સંઘર્ષ પેદા કરનારી છે.

કાંઈક અંશે આજ દષ્ટિએ સાર્ત્રે પ્રેમના પ્રશ્નને સમજવાની કોશિશ કરી છે. અસ્તિત્વની જેમ પ્રેમ પણ એક સતત નિરાશ થવા સર્જાયેલો છે. પ્રેમનો અર્થ છે જુદાઈ દૂર કરવાનો એટલે કે અન્ય વ્યક્તિનાં સ્વાતંત્ર્યને દબાવી દેવાનો. જો પ્રેમ સફળ થાય તો અન્ય વ્યક્તિનું સ્વાતંત્ર્ય અટકી જાય છે, ક્રમશ: નાશ પામે છે; જો અસફળ થાય તો જુદાઈ ચાલુ રહે છે. આ દ્રષ્ટિએ પ્રેમમાં એક વિચિત્ર વિરોધાભાસ છે, આ બુનિયાદી વિરોધાભાસનો ખાસ પ્રકાર આ છે – માણસ જ્યારે બે સ્વ’ (selves)ને એકબીજામાં ઓતપ્રોત થઈ જવાની કલ્પના કરે છે ત્યારે તેને અંત કે અર્થ નથી હોતાં. બીજા કર્તા અથવા બીજા સ્વ સાથે ઓતપ્રોત (merge) થઈ શકવાની અશક્યતાને લીધે કારુણ્ય આવે છે. સાર્ત્ર કહેવા માગે છે કે પ્રેમનું  પરિણામ નિરાશા જ હોઈ શકે.

આ પ્રેમ બે માનસિક સ્વરૂપો પણ લઈ શકે છે: masochistic – હું જ્યારે વસ્તુ બની જાઉં છું, હું સહન કરું છું અને અન્ય ‘સ્વ’નું સહન કરવામાં મને આનંદ આવે છે; અથવા sadistic – જ્યારે હું કર્તા બનીને અન્ય ‘સ્વ’ને વસ્તુમાં પલટાવી નાખું છું, એના પર જુલ્મ કરું છું અને એ જુલ્મમાંથી મને આનંદ મળે છે. આ પ્રેમનો sadomasochistic ધ્વનિ સાર્ત્રનાં લખાણોમાંથી મળી રહે છે.

માણસની નિરાશાનાં થોડાં કારણો છે – પોતાના દોષની ભાવના, એક દુન્યવી (physical) દુનિયાનું અસ્તિત્વ, બીજા ‘સ્વ’નું સ્વાતંત્ર્ય, બીજાઓનો ખ્યાલ. સાર્ત્ર ‘આપણે’ની ભાવના (wefeeling) વિષે કહે છે કે એ કૃત્રિમતા છે અને એનાથી જવાબદારીમાં વૃદ્ધિ થતી નથી, પણ એમાંથી એક છૂટકારો થાય છે. એ સ્વાતંત્ર્યને એક આહવાન છે. ઈશ્વરમાં શ્રદ્ધા પણ સ્વાતંત્ર્યથી ભાગી છૂટવાનો એક પ્રયત્ન છે. સભાનતાની સાથે સાથે જ સ્વાતંત્ર્ય આવી જાય છે. ‘માણસને સ્વાતંત્ર્ય છે’ એના કરતાં ‘મનુષ્યનું અસ્તિત્વ એ જ સ્વતંત્રતા છે’ એ વધારે ખરું છે.

સાર્ત્રે અસ્તિત્વ અને સ્વતંત્રતાના વિચારોનું વિશ્લેષણ કર્યું છે, જે થોડો અભ્યાસ માગી લે છે.

માણસની બાબતમાં ‘અસ્તિત્વ સત્વની પહેલાં આવે છે અને સત્ત્વને તરાશે છે.’ (existence precedes  and conditions essence) આ અસ્તિત્વ અને સત્ત્વના ઝઘડા વિષે (કોણ પહેલું) ઘણા વાદવિવાદ થયા છે. સાર્ત્રે વારંવાર પોતાનો દ્રષ્ટિકોણ સાફ સાફ કહ્યો છે: Man is a being…whose existence precedes his essence અને Man’s existence is man’s essence. પહેલું અસ્તિત્વ, પછી સત્ત્વ. અહીં બે શ્રદ્ધાઓ વચ્ચેનું ઘર્ષણ છે – માણસના સ્વાતંત્ર્યમાં વિશ્વાસનું અને ઈશ્વરના વિશ્વાસનું. જો આ બધું જ ફાની (finite) અસ્તિત્વ ઈશ્વર પર નિર્ભર હોત તો નિયતિનું (determinism) તત્ત્વ અનિવાર્ય બની જાત. જો માણસનું સત્ત્વ એના અસ્તિત્વની પહેલાં આવતું હોત તો ઈશ્વરે માણસોને એક પદ્ધત્તિ મુજબ, કારીગરની જેમ, બનાવ્યા હોત. પણ એ ખોટું છે, અને માણસ અનાયાસે અસ્તિત્વમાં ફેંકાતો હોય છે. 

સભાન થવું અને પસંદ કરવું (to choose) એ બે વચ્ચે સંબંધ છે. જે મૂલ્યો હું મેળવું છું એ પસંદગીમાંથી આવે છે માટે સ્વાતંત્ર્ય સ્વ-ચલિત (arbitrary) છે.

ઘણાં કારણોને લીધે મારી ‘સ્થિતિ’ બને છે, પણ મને મારી સ્થિતિમાં ઢાળી નાખવાનું કે અનુરૂપ બનાવવાનું (identical) મારાથી થઈ શકતું નથી. હું જે કરવા માગું (project) તે કરું છું. ભૂતકાળ બદલાતો નથી અને વર્તમાન ‘સ્વ’ એ ભૂતકાળનું શારીરિક અને માનસિક વહન (continuity) છે. આ બધું પણ આગળથી નક્કી કરી રાખેલા કોઈ સિદ્ધાંતો-નિયતિ (determinism) પ્રમાણે ચાલતું નથી, કારણ કે સભાનતા ભૂત અને વર્તમાનના ‘સ્વ’થી પર છે.  

આ દુનિયાની એક વિચિત્રતા એ છે કે બીજો મારા અસ્તિત્વ માટે અનિવાર્ય છે. મારા વિષે કોઈ સત્ય, બીજો એ વિષે વિચારવિમર્શ (meditation) ન કરે ત્યાં સુધી, હું મેળવી શકતો નથી. હું અ-સ્વયં (de-personallize) થતો જાઉં છું. કોઈ શું કરે છે એ મારી જિંદગીની કસોટી (criterion) છે, અને આ કસોટી સર્જવામાં મારા સ્વાતંત્ર્યનો ઉપયોગ થતો નથી.

અહીં અસ્તિત્વની વાસ્તવિકતા થોડા પ્રશ્નો ઊભા કરે છે. હું એક યહૂદી છું અથવા હોટલનો વેઈટર કે પ્રોફેસર છું. બીજા માણસોની આવી વ્યાખ્યાઓ મને બાંધી નાંખે છે. એ વ્યાખ્યાઓના અર્થ હું મારી મેળે પસંદ કરી કે સ્વીકારી શકતો નથી. બીજો ‘મને’ ઓળખતો નથી અને બીજાનું મારા વિષેનું આ કટાક્ષ-ચિત્ર (caricature) મેં પસંદ કર્યું નથી. બીજાને મારા વિષે આ પ્રકારનું જ્ઞાન કે અસર છે એ મારી સભાનતામાં ઘોંચાય છે. એટલે એકનું અસ્તિત્વ એ બીજાના અસ્તિત્વનો ભંગ (violation) છે. એકનું સ્વાતંત્ર્ય બીજાને ધમકીરૂપ છે. આ વિચારને અનુલક્ષીને સાર્ત્ર એના No Exit નાટકમાં એક પ્રખ્યાત લીટી લખે છે – Hell is other people.

હવે મુદ્દો ઊઠે છે મનુષ્યની દુ:સ્થિતિનો (predicament). એની આ સ્થિતિનાં કારણો છે: (1) અસ્તિ માટે એ જવાબદાર નથી, (2) સભાન થવા માટે પણ દાયિત્વ નથી, (3) એ પ્રકૃતિ, સમાજ, બીજી વ્યક્તિઓ અને મૃત્યુથી ઘેરાયેલો છે અને (4) જિંદગીના અર્થ માટેની સંપૂર્ણ જવાબદારી એની પોતાની છે. ચિંતા અને સ્વાતંત્ર્ય વચ્ચેની ઘનિષ્ઠતા કિર્કગાર્ડ અને હાઈડગરની જેમ સાર્ત્રે પણ બતાવી છે.  

સાર્ત્રનું કહેવું છે કે હું માત્ર મારી જિંદગીનો અર્થ જ નક્કી કરતો નથી, પણ સમસ્ત માનવજીવનનો અર્થ નક્કી કરવાનો ભાર મારા પર છે; અર્થાત, જ્યારે હિટલરે યુદ્ધ જાહેર કર્યું ત્યારે એની સાથે મેં પણ યુદ્ધ જાહેર કરવાની અનુભૂતિ મેળવી છે, અથવા યુદ્ધકેદીઓની છાવણીમાં એક કેદી સિતમ સહે છે ત્યારે એ બધા માટે સહતો હોય છે.

માણસ શું થવાની કોશિશ કરતો હોય છે? સાર્ત્ર કહે છે કે એ ધ્યેય મેળવવું અશક્ય છે. માણસ ઈશ્વર બની શકતો નથી, કારણ કે ઈશ્વરનું અસ્તિત્વ નથી. માણસ en soi (ઓં સ્વા - the thing in itself) અને pour soi (પુ સ્વા - human consciousness)નો સંયોગ (harmony) શોધતો હોય છે. આ સંયોગ અસંબદ્ધ છે, કારણ કે માણસ બન્ને છે; અને તેથી અસ્તિત્વ નિરર્થક છે.

સ્વતંત્રતા જન્મજાત છે, એ માણસને અપાયેલી છે. માણસને ‘સ્વતંત્ર ન થવાની’ પણ સ્વતંત્રતા નથી. ઈશ્વર વગરની દુનિયામાં માણસ એ સ્વાતંત્ર્યનો ઉપયોગ કરે છે; અને હું બધા જ માણસો માટે મૂલ્યો સર્જું છું, આથી મને ચિંતા (anxiety) પેદા થાય છે કે ખરેખર હું સાચે માર્ગે છું કે નહિ. આ મુદ્દો આગળ વધે છે ત્યારે ઈશ્વર વગરની દુનિયામાં સ્વતંત્રતા બેલગામ બને છે અને સાર્ત્ર પોકારે છે: ‘સ્વાતંત્ર્ય ભયાવહ છે’ – Freedom is terror.   

અને આ સ્વાતંત્ર્યથી ભાગી જતાં શું પરિણામ આવે છે? માણસ એના મર્તબા (dignity)થી દૂર જાય છે અને સ્વાતંત્ર્યનો ભય થોડી ભ્રમજાળો ઉત્પન્ન કરે છે. દા.ત. યહૂદી-વિરોધવાદ (anti-semitism) એ એક ‘હોળીના નાળિયેર’ જેવી કોમ પર બધો આરોપ ઢોળે છે અથવા ફ્રોઈડની જેમ મા-બાપ અને લીબીડો (libido)ને હંમેશાં દોષિત ગણે છે અથવા સામ્યવાદની જેમ એક જુલ્મનું વિષચક્ર ફેરવે છે અને જૂઠને સ્વીકાર્ય (justified) કરે છે. સ્વાતંત્ર્યથી ભાગી જવાનાં આ પરિણામો છે. ગંભીરતા અહીં પ્રવેશે છે. માણસે વિચારવાનું છે: મારું સ્વાતંત્ર્ય અને બીજાઓનું સ્વાતંત્ર્ય. Total Engagement (પૂરેપૂરો સહયોગ) એ સાર્ત્રનો પ્રખ્યાત સિદ્ધાંત છે. આ સહયોગ માણસે સ્વાતંત્ર્યના પ્રેમીઓ સાથે કરવાનો છે. સ્વાતંત્ર્યના શત્રુઓનો પ્રતિકાર કરતાં માણસનું જીવન એકલતાથી ભરપૂર અને બેબુનિયાદ બને છે, અને એની કરુણતા નિવારવાનો એક જ માર્ગ છે, બીજા માણસોની સાથે સ્વાતંત્ર્યની પ્રવૃત્તિ (enterprise)માં સહયોગ (engagement or commitment) આપવાનો.

મનુષ્ય સ્વભાવ (nature) જેવું નથી. પણ દરેક યુગ પોતાના પ્રાકૃતિક સિદ્ધાંતો પ્રમાણે વિકાસ કરે છે (dialectical laws) માણસ પોતાના સ્વભાવ પર નહિ, પણ યુગ ઉપર નિર્ભર કરે છે.

નિરીશ્વરવાદ કેવી ભયંકર પરિસીમા પર લઈ જાય છે એનું સાર્ત્ર પ્રમાણ છે? જિંદગી એકાએક ઊપજે છે અને અસંગત રહે છે. પોતાના નિરીશ્વરવાદને અંત સુધી વળગી રહેવાની સાર્ત્રમાં ભયાનક હિંમત છે એ હિંમત પ્રામાણિક પણ છે.

સાર્ત્ર પછીના મહત્ત્વના અસ્તિત્વવાદી ચિંતકો છે કાર્લ જેસ્પર અને ગેબ્રિયલ મારસલ. મારસલ ફિલસૂફ છે અને જેસ્પર મનોવૈજ્ઞાનિક (metaphysician). જેસ્પર ફિલોસૉફી અને મનોવિજ્ઞાનના કિનારા પર ઊભો છે. એની પ્રખ્યાત વિચારધારા Boundary Situations (સીમાન્તસ્થિતિઓ)ની છે. એનું કહેવું છે કે સંઘર્ષ, સંવેદન, દોષની ભાવના, મૃત્યુ વગેરે સીમાન્ત સ્થિતિઓ છે અને એ સ્થિતિઓ ઐતિહાસિકતા (historicity)એ જન્માવેલી છે. આપણને એ સ્થિતિઓનો મુકાબલો કરવો પડે છે અને એ વખતે સ્વત્વનો ખ્યાલ (awareness of self-hood) આવે છે.

બુદ્ધિ બધાં જ સ્વીકૃત સત્યોને આહવાન આપે છે. વિનાશવાદ (nihilism) જિંદગીને અસંગત બનાવે છે અને ‘અસ્તિનું વિજ્ઞાન’ (metaphysics) સત્ય અને મૂલ્યોની ખરી ભૂમિકા શોધે છે.

આજનો અસ્તિત્વવાદ મનોવિજ્ઞાનની સીમા સુધી આવી પહોંચ્યો છે અને કાર્લ જેસ્પરનાં વિધાનો એ ઘટનાના પ્રકાશમાં સંગત બની રહે છે. ‘હું’નું મૃત્યુ એ પ્રશ્ન જેસ્પરે સમજવા કોશિશ કરી છે. મારે જ એ પ્રશ્નનો ઉત્તર મેળવવાનો છે. ટૂંક સમયનો એશ અથવા મનુષ્યજીવનની જટિલતા અકળ છે એમ માનીને પ્રયત્ન છોડી દેવો એ બધું પ્રશ્નથી દૂર ભાગવા બરાબર છે. એ ક્રૂર સત્ય છોડી શકાતું નથી અને મૃત્યુને લીધે જીવન અર્થ વગરનું થઈ રહે છે. આ શૂન્યતાનો પ્રતિકાર જેસ્પર ‘courageous faith’ (હિમ્મતભર્યો વિશ્વાસ)થી આપે છે. વર્તમાનમાં જ (ભવિષ્યનું અમરત્વ કે મોક્ષ નહિ) આ શૂન્યતાને હિંમતભર્યા વિશ્વાસથી સમજવાની અને જીતવાની છે. કબરમાં દટાઈ ગયા પછી કોઈ ભવિષ્ય નથી અને અમરત્વ ખોટું છે. અમરત્વમાં માનવું એ આપણી મર્યાદા (finitude) છે અને ઐતિહાસિકતાને (historicity) નકારવા જેવું છે.

મનુષ્યના પ્રશ્નો જીવનના કારુણ્ય પર ઘસાતા જાય છે અને વિપ્લાવક તણખા ઝરતા જાય છે. માણસ ખોટા ઉકેલોનો (Pseudo-solutions) અસ્વીકાર કરીને અસ્તિત્વની સામે બળવો પોકારતાં શીખે છે. વેદના, દુ:ખ, દોષ, ખરાબી આ બધાંનો માણસ પાસે એક જ ઉત્તર છે – એની સ્વતંત્રતા. જિંદગી સુયોગ્ય બની શકે. અહીં નાસ્તિકતા આવે છે અને હું મારો પોતાનો ઉત્તર બની જાઉં. (સંસ્કાર, સમાજ, ધર્મ કોઈ મને સંતોષ આપી શકતા નથી.) જેસ્પરની દ્રષ્ટિએ નાસ્તિકતા એ એક પ્રામાણિક ધર્મ છે, જે ખરાબ (evil)ને સારું કહી શકતો નથી.

સાર્ત્રનું સહયોગનું દ્રષ્ટિબિંદુ (engagement) એ સાર્ત્ર અને કામ્યુની જુદાઈનું કારણ હતું. સાર્ત્ર સ્વતંત્રતાનાં સહયોગમાં માનતો હતો. આનો અર્થ મૂડીવાદની સામે લડતા સામ્યવાદના સહયોગમાં કરી શકાય. કામ્યુએ કહ્યું કે પીડીતો (Proletariat)ના જે અપ્રાપ્ય સ્વર્ગ માટે સહયોગની જરૂર છે અને માટે મારે મારા ભાઈઓનાં માથાં ભાંગવાં પડે એ હું સ્વીકારતો નથી. (For a far away city which I am not sure, I will not strike the faces of my brothers.)

માણસ એક નિષ્ફળતા છે અને એ નિત્ય અપૂર્ણ રહે છે. માણસને પોતાની દુ:સ્થિતિમાંથી ઉગારવા માટે કોઈની મદદ મળતી નથી. કિસ્મતની દયા પર એને જીવવું પડતું હોય તો એણે ફક્ત એની નિહિત શક્તિઓનો વિચાર કરવો રહ્યો. એનાથી સ્વતંત્રતા અને મહત્તા મળશે, અને બુદ્ધિ (reason)ની અંદર રહીને એ બધું કરી શકે છે.

અસ્તિત્વવાદનાં ઈતિહાસ અને નિયતિ વિષેનાં વિધાનો, એનાં પોતાનાં મૂલ્યો, વ્યક્તિત્વવાદ, મનુષ્યના સ્વાતંત્ર્ય અને દોષની ભાવના વિષેના સંધાનો, શૂન્યતા અને એકલતાના દ્રષ્ટિકોણો – આ બધું જ સ્વીકાર્ય હોવું જરૂરી નથી, પણ એ બધા પર રચાયેલી અસ્તિત્વવાદની ઈમારત નક્કર તો છે જ. જીવનને સમજાવવાનો એ એક જૂનો અને છતાં પણ નવો દ્રષ્ટિકોણ આપે છે.

(પુસ્તક: આભંગ)