April 26, 2013

નાચવું

મંદિરની ધજા, અગ્નિની જ્વાલા અને સ્ત્રીનાં સ્તન સ્થિર રહી શકતાં નથી. એમાં કંપનથી સ્પંદનથી નર્તન સુધીનું એક લાસ્ય હોય છે, જે પલાળી નાખે છે અથવા બાળી નાખે છે. ઓશો રજનીશ અને સૂફી દરવેશો અને આજના રેપ મ્યુઝિકના પાગલ વફાદારો સુધીનો એક બહુ મોટો વર્ગ નૃત્ય અથવા નાચનો પુરસ્કર્તા છે. નાચવું જોઈએ, શરીરને છોડી દેવું જોઈએ, મુક્ત કરી દેવું જોઈએ, ઈનહિબિશન્સ કે અત્યાગ્રહોમાંથી આપણા દેહને બહાર ફેંકવો જોઈએ, આખું બ્રહ્માંડ કે કોઝમોસ એક તુમુલ તાંડવનૃત્ય કરી રહ્યું છે, આખી પૃથ્વી એની ધરીની આસપાસ નાચી રહી છે, ગર્ભાશયમાં પ્રવેશેલા વીર્યબિન્દુના તરલ કણોથી રોગના સૂક્ષ્મદર્શક કાચની નીચે દેખાતા સળવળતા કીટાણુઓ સુધી બધું જ એક શાશ્વત નર્તનમાં અને પારસ્પરિક આલંબનમાં ઝૂમી રહ્યું છે. એક સવારે ફાટતા અણુઓ નાચ્યા હતા અને એક અણુબોમ્બ કે એટમબોમ્બ ફૂટ્યો હતો. દરેક વિસ્ફોટના પેટમાં પ્રથમ એક નૃત્યનો લય જન્મી જતો હોય છે.

નાચવું. એ અસ્થિરની અસ્થિતિ છે. આંખો ખોલો અને આત્માથી સમજો અને ગતિના દરેક શ્વાસમાંથી નૃત્યનું આંદોલન સંભળાશે. પગની પાનીથી માથાના વાળ સુધી, ચામડીથી ઢાંકેલા આ શરીરની અંદર એક સમસ્ત બ્રહ્માંડ નાચી રહ્યું છે, ફેફસાંમાં પવનનું આવાગમન છે, શિરાઓમાં દોડતું રક્ત લયમાં આગળ વધતું રહે છે, સર્જન-વિસર્જન પ્રતિક્ષણ ચાલતું રહે છે, શરીરનો દરેક અંશ પ્રવૃત્ત છે, વાળ, લોમ, નખ, દાંત, ત્વચા, માંસ, સ્નાયુ, હાડકાં, મજ્જા, વૃક, હૃદય, યકૃત, ક્લોમ, પ્લીહા, ફેફસાં, આંતરડાં, જઠર અને આપણને જેમનાં નામ પણ ખબર નથી એવા લાખો દેહઅંશો... કોઈ જ સ્થિર નથી. એક માઈક્રોમીટરના દસ કરોડમાં ભાગ જેટલી એની ગતિ કે વિગતિ છે, જે ગ્રહણ કરવાની મનુષ્યબુદ્ધિ કે મનુષ્યકલ્પનની પણ એક સીમા છે. અને દિમાગની અંદરના અબજો, ખર્વો, નિખર્વો સેલ્સ ચોવીસે કલાક નાચે છે, આંખની અંદરની કીકી નાચે છે, બોલો ત્યારે અવાજ નાચે છે, રડો છો ત્યારે આંસુઓ નાચે છે. જે બાળક ચાલવું શીખે છે એ પ્રથમ નાચે છે, પછી 'ચાલે' છે. જે પાણી વહે છે એ નાચી રહ્યું છે, એ સપાટ નથી, એના પ્રવાહમાં આરોહઅવરોહ છે, ઢળતું-ઊછળતું સંગીત છે, જલરવ છે. જે સાપ એના દર તરફ જઈ રહ્યો છે એ બલ ખાતો, સર્પાકાર નાચતો જઈ રહ્યો છે. ઈશ્વરની દુનિયામાં કદાચ કંઈ જ સંપૂર્ણ બદસૂરત નથી. વૃક્ષનું પાંદડું નાચે છે, જ્યોતની શિખા નાચે છે, પાણીનો પ્રવાહ નાચે છે, અને એ બધું જોઈને મનુષ્યનું મન પુલકિત થાય છે. (પુલક = રોમ, રૂંઆ. પુલકિત = રોમાંચ થવો. રોમહર્ષ થવો. રૂંવાડાં ઊભાં થઈ જવાં. રોમરોમનું નાચવું.)

દક્ષિણ આફ્રિકાની ડરબન-વેસ્ટવિલ યુનિવર્સિટીમાં એક કાળા પ્રોફેસરની મુલાકાત થઈ હતી, એ એથ્નો-મ્યુઝિકોલોજીના પ્રોફેસર હતા, અથવા જાતિવંશીય સંગીતના અધ્યાપક હતા. એમણે કહ્યું હતું કે અમે આફ્રિકનો માનીએ છીએ કે જો તમે ચાલી શકો તો નૃત્ય કરી શકો, જો તમે બોલી શકો તો ગાઈ શકો ! મેં એમને સંગીત અને નૃત્યની આપણી સાધના અને ગુરુ-શિષ્યની પરંપરાની વાત કરી હતી અને એમણે એમનો આફ્રિકન અભિગમ બતાવ્યો હતો. આંખો ખૂલી જાય એવી આ વાત હતી. પીડિત, શોષિત પ્રજાઓ સમૂહમાં નાચતી, ગાતી, લયબદ્ધ વિરોધ કરતી આપણે જોઈ છે. દરેક કાળા છોકરા કે છોકરીને નાચતાં આવડતું હતું, ગાતાં આવડતું હતું! અને ધીરેથી મને પણ અભિજ્ઞાન થવા લાગ્યું, દરેક ગુજરાતી છોકરી કે છોકરો જ્યારે 'પંખીડા રે...' કે 'નદી કિનારે નાળિયેરી...' કે 'મારી મહીસાગરને આરે...' સાંભળે છે ત્યારે એનો રક્તચાપ, એનો કદમચાપ, એનો હૃદયચાપ કેમ લયમાં વધતો જાય છે? કોઈ ટ્રેઈનિંગ સ્કૂલમાં ગરબો શીખીને આવેલી 13 વર્ષની ગુજરાતી છોકરી કોઈએ જોઈ છે? નાચવું એ ગુજ્જુ ખૂનની તાસીર છે... તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું... શરૂ થયા પછી શબ્દ, અર્થ, ભાષ્યની જરૂર રહેતી નથી, લય અને તર્જ પણ ખોવાઈ જાય છે, માત્ર ધૂન રહે છે. નાચવાની.

જેને નાચવું જ છે એને માટે આંગણું ક્યારેય વાંકું હોતું નથી. નૃત્ય શું છે? ઓશો રજનીશે દુનિયા આખીને નચાવી છે, એ અનધિકારી વ્યક્તિ નથી. એ કહે છે: હવે આત્મા જુદો નથી, મન જુદું નથી, શરીર જુદું નથી, બધું એક જ લીટીમાં ગોઠવાઈ ગયું છે, એકબીજામાં ઓગળી ગયું છે! નૃત્ય સાથે મને લાસ્ય શબ્દ હંમેશાં ગમ્યો છે. મને રોગ માટે ધનુર્વા જેવા શબ્દમાં પણ નર્તન દેખાય છે. ચેર્નોબિલના મહાવિનાશક વિસ્ફોટક ન્યુક્લીઅર ધડાકા માટે પશ્ચિમી પ્રેસે વાપરેલા શબ્દ 'મેલ્ટ ડાઉન' (વિલય?)માં પણ તરલ નાચતી રેખાઓ દેખાય છે.

નર્તક ઉદયશંકરને જોયા છે, એ દર્શકો તરફ પીઠ કરીને બન્ને ફેલાયેલા હાથ એ રીતે હલાવતા હતા કે સમુદ્રનાં નાચતાં મોજાંઓ દેખાય ! નર્તક નીજીંસ્કી વિશે વાંચ્યું છે, એ જીવનના અંત તરફ પાગલ થઈ ગયો હતો, એ રોકેટની જેમ હવામાં ઊછળતો હતો, અને પક્ષીનાં પીંછાંની જેમ, ગુરુત્વાકર્ષણના નિયમોને તોડીને, વહેતો વહેતો ફર્શ કે ધરતી પર ઊતરી શકતો! એને પૂછવામાં આવતું : આ કેવી રીતે થાય છે? નીજીંસ્કીનો ઉત્તર: હું જ્યારે ખોવાઈ જાઉં છું ત્યારે જ આમ થાય છે. મને ખબર નથી...

સંસ્કૃતના મંત્રોચ્ચાર થઈ રહ્યા છે અને ધ્રૂજતી અગ્નિશિખાઓની સાથે તાલમાં ઉચ્ચારો નાચી રહ્યા છે. જે ખોવાઈ શકે છે એ જ નર્તનના મહાનંદમાં વિલીન થઈ શકે છે. સાદ્રશ્યના ગર્ભમાં રહેલું એ અદ્રશ્યનું વિશ્વ છે. જે ભાષા છપાયેલી છે અને હું વાંચું છું એ મૃત, થીજી ગયેલા, ડિહાઈડ્રેટેડ અક્ષરો છે, ઓફ-સેટ કે લેસરથી પ્રિન્ટ થયેલી નિર્જીવ લિપિ છે, પણ જ્યારે હું મારા ખરાબ, મારા મરોડદાર અક્ષરોમાં લખું છું ત્યારે એ ભાષા નાચવા માંડે છે, એ લિપિ, એ શબ્દો, એ અક્ષરો મારા મિજાજ પ્રમાણે નાચે છે. વરાળ અને ધુમાડો સતત નાચતાં રહે છે, અસ્થિરતા એમની પ્રકૃતિ છે. ફેંકાતો પત્થર પાણીમાં પડે છે ત્યારે પત્થર ટ્રિગોનોમેટ્રીના નિયમ પ્રમાણે પેરેબોલાની ત્રિજ્યામાં ઊડે છે, પાણીમાં પડે છે અને ગોળાકાર વર્તુળ સ્પંદનો ફેલાતાં જાય છે. નર્તનનું વિશ્વ સર્વત્ર છે, શેરબજારમાં ભાવો નાચે છે, એલજીબ્રામાં દાખલો નાચે છે, પાણી પર ટપકેલું પેટ્રોલનું ટીપું નાચે છે, લલના (=આનંદ આપનારી સ્ત્રી)ની પાંપણો નાચે છે, પીઠમર્દિકા (શ્રીકૃષ્ણના જમાનામાં પીઠ માલિશ કરરી આપનારી સ્ત્રીઓ)નાં પયોધર (સ્તન) નાચે છે, કમ્પ્યુટર ટર્મિનલ પર બેઠેલી છોકરીની થાકેલી આંગળીઓ નાચે છે...

આપણું નાટ્યશાસ્ત્ર કહેતું હતું કે રસ ભાવમાંથી પ્રકટે છે અને નૃત્યમાં અભિનયના બધા જ આયામો એક થાય છે ત્યારે રસ નિષ્પન્ન થાય છે. કદાચ જેને નાચતાં આવડતું નથી એને આવુબધું સૂઝે છે...!

ક્લોઝ અપ: 
કોઈકનો જન્મદિવસ છે, નાચો! કોઈક મરી ગયું છે, નાચો! કોઈક બીમાર છે, એની આસપાસ નાચો! જેટલા વધારે નાચશો એટલા ઈશ્વર સાથે વધારે એકલય થઈ શકશો.
 - ઓશો રજનીશ 

(અભિયાન: ડિસેમ્બર, 21, 1992)  

(પુસ્તક: સંસ્કાર અને સાહિત્ય) 

1 comment: