April 8, 2013

ડેફીસિટ ફિનેન્સ: 1 કરતાં 0નું મહત્વ વધારે છે....

દર વર્ષે બજેટ આવે છે અને પાલખીવાલા, તારાપોરવાલા, લાકડાવાલા, લોખંડવાલા, સોડાવૉટર બોટલવાલા વિદ્વાનો શેરબજારમાં શેર ખરીદમાં સલવાઈ ગયેલા ગુજરાતીઓને આ વર્ષનું બજેટ સમજાવે છે. દર વર્ષે હું એ સભામાં જવાનું ભૂલી જાઉં છું અને સન 1951થી આ ભૂલ ચાલુ રહી છે. પણ આ બજેટ પછી એકાએક અર્થશાસ્ત્રી સિઝન શરૂ થાય છે. જેમ ઑગસ્ટથી નવેમ્બરમાં ગર્ભવતી સ્ત્રીઓની અને બાળકોના "હેપ્પી બર્થ-ડે"ની સંખ્યાઓ વધી જાય છે, જેમ દશેરામાં જલેબીવાળા દુકાને લાઈન લાંબી થઈ જાય છે, જેમ લગ્નસરામાં ગાંધીધામ એક્સપ્રેસમાં સેકન્ડ ક્લાસની સીટો પર લુખ્ખાઓની જોહુકમી ફાટતી જાય છે. જેમ ડિસેમ્બર જાન્યુઆરી ગુજરાતીના મૂર્ધન્ય સાક્ષરોની પુણ્યતિથિઓ અને ધન્ય સાક્ષરોની પૂર્ણવિરામ તિથિઓ અને અન્ય સાક્ષરોની બહુમાન સમારંભતિથિઓના મહિનાઓ છે... એમ માર્ચ, એપ્રિલ, મે, બજેટ અને ઈન્કમ ટેક્ષ રિટર્ન અને એડવાન્સ ટેક્ષના હફ્તા ઉપરાંત અર્થશાસ્ત્ર વિશે જ્ઞાનવૃદ્ધિ કરવાની મૌસમ છે. બજેટ વિશે તો હવે મોડું થઈ ગયું છે પણ અર્થશાસ્ત્રની કેટલીક વ્યાખ્યાઓ વિશે અર્થશાસ્ત્રી અર્થઘટન પ્રવર્તે છે. અહીં કેટલાંક અંગ્રેજી શબ્દોની સરળ સમજણ આપી છે. જે અર્થતંત્રને સમજવામાં સહાયક થશે એવી આશા છે. આ શબ્દો અંગ્રેજી છાપાઓમાં વારંવાર અથડાયા કરે છે:

પેઈડ-અપ કેપિટલ: સરકારમાં ફાઈલોને આગળ કરવા માટે જે રૂપિયા અપાય છે એને પેઈડ-અપ કેપિટલ કહેવાય છે. જે કંપનીની પેઈડ-અપ કેપિટલ વધારે છે એ કંપની વધારે સદ્ધર ગણાય છે.

નોન-રેઝિડેન્ટ રૂપી એકાઉન્ટ: વિદેશસ્થિત કાળા માણસના ગોરા રૂપિયા.

ફોરેઈન કરન્સી એકાઉન્ટ: દેશસ્થિત કાળા માણસના કાળા રૂપિયા.

એક્સ-ફેક્ટરી પ્રાઈસ: ફેકરીમાંથી રાત્રે જે માલ લોરીઓમાંથી બહાર કાઢી લીધો છે એ માલની કિંમત.

રિઝર્વ બેંક: આ બેંક સૂચિત, ઉચિત, અનુચિત, અનુસૂચિત જાતિ, જનજાતિ, અનુજાતિ માટે રિઝર્વ કરવામાં આવી છે માટે એને રીઝર્વ બેંક કહે છે.

બેરર બોન્ડ: હોટેલના વેઈટરને કમર પર એક પટ્ટો બાંધવામાં આવે છે જે એના યુનિફોર્મનો ભાગ છે. વેઈટરને બેરર કહેવાય છે. બેરર બોન્ડ એટલે વેઈટરનો કમરબંદ.

અર્બન: ઝોપડપટ્ટીમાં રહેનારો માણસ. પણ આ શબ્દ નામ તરીકે વપરાતો નથી.

લોન અને ડિપોઝિટ: આ બે શબ્દોમાં બહુ ગોટાળા થાય છે. લોન એટલે બેંક માફ કરી દે છે એ પૈસા. ડિપોઝિટ એટલે આપણે બેંકને માફ કરી દઈએ છીએ એ પૈસા.

ઓર્ગેનાઈઝ્ડ સેક્ટર: જે ઉદ્યોગમાં મોટી ભાભીથી નાની સાળી સુધીના સગાઓના સગાઓને ઉદ્યમી બનાવવામાં આવ્યા છે એને ઓરગેનાઈઝ્ડ સેક્ટર કહે છે. આ સેક્ટરમાં આ પ્રકારના 51થી ઓછા નહીં અને 501થી વધારે નહી એટલા ઉદ્યમીઓ હોવા જરૂરી છે.

ઓવરટાઈમ: રોટલી અને પુરી બનાવી લીધા પછી બાજરાના રોટલા બનાવવા માટેના સમયના દુર્વ્યયને ઓવરટાઈમ કહે છે.

ઈનવર્ડ એન્ડ આઉટવર્ડ ફ્લો: મોટી પબ્લિક હોસ્પિટલની બહાર દવાની દુકાનમાંથી હોસ્પિટલમાં જતી દવાઓ ફરીથી હોસ્પિટલમાં આવીને ફરીથી દવાની દુકાનમાં આવીને ફરીથી હોસ્પિટલમાં પહોંચે તેને ઈ.એ.ઓ.એફ કહેવાય છે. 

ફિક્સ્ડ એસેટ્સ: કેન્ટીનમાં ઈડલીની ચટણી પીસવાનો પથ્થર ફિક્સ્ડ એસેટ કહેવાય છે. એ પથ્થર પર પીસીને જે ચટણી બને છે એને નેટ કેપિટલ ફોર્મેશન કહેવાય છે. મસાલા ઢોંસાની અંદરમાં જે સામગ્રી ભરવામાં આવે છે એ ઈનપુટ છે અને વાડકીમાં સાંભાર નામનું જે પ્રવાહી આપવામાં આવે છે એ અર્થશાસ્ત્રની ભાષામાં પેસેન્જર લોડ ફેક્ટર છે. મદ્રાસીઓ શા માટે સારા અર્થશાસ્ત્રીઓ હોય છે એનું આ કારણ છે.

ફિક્સ્ડ પ્રાઈસ: આના વિશે થોડી ગેરસમજ પ્રવર્તે છે, માટે આને જરા દ્રષ્ટાંત આપીને સમજાવવું પડશે. અમૂલ ઘી 500 ગ્રામના ડબ્બાનો ભાવ 31 રૂપિયા અને 1 પૈસો (હા, 1 પૈસો) છે. અમૂલ ઘીના 5 કિલો ડબ્બાનો કંપનીનો ભાવ 291 રૂપિયા અને 11 પૈસા છે. એટલે જે વસ્તુ માટે તમારા ખિસ્સામાં એ મૂલ્યના છૂટા સિક્કા મળી ન શકે એને ફિક્સ્ડ પ્રાઈસ કહે છે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 1 લિટરનો 9 રૂપિયા પૈસા હતો અને ઓઈલનો ભાવ એક લિટરનો 16 રૂપિયા અને 53 પૈસા હતો. હવે 1, 2 અને 3 પૈસાના સિક્કાઓ મળતા નથી એટલે આ ભાવો ફિક્સ્ડ પ્રાઈસ કહેવાય છે. પણ આપણા જેવી આમજનતાની તકલીફો દૂર કરવા માટે વેપારીઓ અને સરકાર સદૈવ પ્રયત્નશીલ છે. વેપારીઓ આમાં લોકલ ટેક્સીસ એક્સ્ટ્રા અથવા સ્થાનિક વેરો ઉમેરીને એવો ભાવ લાવી આપે છે કે આપણી ઈજ્જત રહી જાય છે. અને પેટ્રોલ અને ઓઈલના ભાવમાં 82 અને 53 જેવા આંકડાઓ છે એ વાતની મધુ દંડવતેજી, અર્થમંત્રીને ખબર પડી પછી એમણે એવો ભાવ કરી આપ્યા છે કે આપણને હવે 1, 2, કે 3 પૈસાના સિક્કા શોધવા નહી જવું પડે. એટલે ફિક્સ્ડ પ્રાઈસથી ગભરાયા વિના, સરકારી મદદથી એનો મુકાબલો થઈ શકે છે.

ડેફીસીટ ફિનેન્સ: આ વાત હું દરેક બજેટ પછી સમજાવતો રહ્યો છું, અને 1995 સુધી દરેક બજેટ પછી સમજાવતો રહીશ. ડેફીસીટ ફિનેન્સ એટલે પ્રથમ શૂન્યો ગોઠવવાનાં અને પછી આગળ નંબર મૂકવાનો. દાખલા તરીકે અમુક વિભાગ માટે 0000000 રૂપિયાની રાશિની જરૂર છે એમ અર્થમંત્રી નક્કી કરી લે તે પછી, એમના અર્થમંત્રાલયના આઈ.એ.એસ ઑફિસરો આગળ આંકડો મૂકી દે છે, દાખલા તરીકે 6 કે 3 કે 45 કે 112 કે 2487, ડેફિસીટ ફિનેન્સના અર્થતંત્રમાં 1 કરતાં 0નું મહત્વ વધારે છે એ વાત નોંધપાત્ર છે.

બેલેન્સ ઑફ પેમેન્ટ્સ: આપણે કોઈ પાસેથી 50 રૂપિયાની 10 નોટો લઈએ અને બે દિવસ પછી એને 100 રૂપિયાની 5 નોટો આપીએ કે 500 રૂપિયાની એક નોટ આપીએ એને અર્થશાસ્ત્રની ભાષામાં બેલેન્સ ઑફ પેમેન્ટ્સ કહેવાય છે.

પાવર્ટી લાઈન: આ શબ્દપ્રયોગ છાપામાં હિંદુસ્તાનની આર્થિક સ્થિતિ સમજાવવા માટે સૌથી વધુ થાય છે. આપણે એક દ્રષ્ટાંત લઈએ. જો તમે 1980ના એપ્રિલ મહિનામાં બપોરના ભોજન સમયે એકસાથે 18 ગુલાબજાંબુ ખાતા હતા અને 1990ના એપ્રિલ મહિનામાં બપોરના ભોજન સમયે 13 ગુલાબજાંબુ ખાઈ શકો છો તો તમે પાવર્ટી લાઈનની નીચે ઊતરી ગયા છો. હવે જો 1980માં 18 ગુલાબજાંબુ 75 પૈસાને હિસાબે તમે 13 રૂપિયા 50 પૈસા આપ્યા હોય પણ 1990માં 13 ગુલાબજાંબુ દોઢ રૂપિયાને હિસાબે તમે 19 રૂપિયા 50 પૈસા આપ્યા હોય તો તમે ગરીબી રેખાની ઉપર આવી ગયા છો. આ પાવર્ટી લાઈન તમારા પેન્ટના બંને ખિસ્સામાંથી પસાર થાય છે, પણ કોઈ અર્થશાસ્ત્રીના હાથમાં પકડાઈ નથી. મહાન અર્થશાસ્ત્રી ડૉ. આલ્બર્ટ આઈનસ્ટાઈને 1912 (કે 1908 કે 1923)માં પાવર્ટી લાઈન પરથી એનો સાપેક્ષવાદ કે થિયરી ઑફ રિલેટીવીટીનો સિદ્ધાંત શોધ્યો હતો. ગુજરાત વિશ્વવિદ્યાલયના કેટલાંક અર્થશાસ્ત્રીઓ આનો "પ્યુબર્ટી લાઈન" જેવો પણ ઉચ્ચાર કરે છે.

મની સપ્લાય: મની સપ્લાય એટલે મનીનો સપ્લાય. અર્થશાસ્ત્રમાં મનીનો સપ્લાય બે જાતનો હોય છે: એમ-વન અને એમ-થ્રી! એમ-ટુ નામનોકોઈ મની સપ્લાય અર્થશાસ્ત્રની ચોપડીઓમાં જોવામાં આવ્યા નથી. એમ-વન એટલે એ રૂપિયા જે પપ્પા આપણને આપે છે. એમ-થ્રી એટલે એ રૂપિયા જે આપણે પપ્પા પાસેથી લઈએ છીએ. એમ-વન પપ્પાને ખબર હોય છે. એમ-થ્રી આપણને ખબર હોય છે.

ઈન્ડેક્સ: આ પેન્સિલની એક કંપનીનું નામ છે. આ કંપનીની પેન્સિલો દરેક અર્થમંત્રી વાપરે છે. એની અણી કાઢવાની જરૂર પડતી નથી.

ગ્રોસ નેશનલ પ્રોડ્ક્ટ કે જીએનપી: કેન્દ્રના મંત્રીઓ અને એમનાં સગાંઓ, રાજ્યના પ્રધાનો અને એમનાં સગાઓ, મ્યુનિસિપાલિટીઓના નગરસેવકો અને એમનાં સગાઓ, પંચાયતોના નંબરદારો અને એમનાં સગાઓનો સરવાળો અર્થશાસ્ત્રની ભાષામાં ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કે જીએનપી કહેવાય છે.

(પ્રવાસી: એપ્રિલ 5, 1990)

(પુસ્તક: વિક્રમ)

2 comments: